Bon Apetit! આ શબ્દો છે જૂલીયા ચાઇલ્ડના. જેને અંગ્રેજીમાં 'Enjoy your meal' અને ગુજરાતીમાં શું કહી શકાય તે હમણાં યાદ નથી આવતું. મેરિલ સ્ટ્રીપની કોઈ નવી ફિલ્મ જોવાની ઈચ્છામાં આ ફિલ્મ હાથ લાગી. ઘણા વખતે કોઈ સીધી-સાદી, છતાં જકડી રાખતી, હળવી અને મનોરંજક ફિલ્મ જોવા મળી. આ ફિલ્મની વાર્તા વાસ્તવિક પ્રસંગોને આધારિત છે. બે સ્ત્રીઓ કે જેમને એક બીજા સાથે કોઈ સીધો સંબંધ નથી તેમની આ વાર્તા છે. કોઈ એક 'હીરો' અને તેના ચાહકની વાર્તા. આ વાર્તા છે ખાણી-પીણી વિશે, રસોઈ વિશે, બ્લોગીંગ વિશે અને આખરે તો પ્રેમ વિશે.
જૂલીયા ચાઇલ્ડ રસોઈ કલાના નિષ્ણાત લેખક છે અને વીસમી સદીના મધ્યમાં ફ્રાન્સમાં (૧૯૪૮-૧૯૫૬) વીતાવેલા તેમના જીંદગીના સૌથી સુંદર વર્ષોમાં તે ફ્રાન્સની પરંપરાગત અને આધુનિક રસોઈ કલામાં રૂચી લેતા થાય છે અને છેવટે અમેરિકન લોકોને ધ્યાનમાં રાખીને એક દળદાર પુસ્તક લખે છે - Mastering the Art of French Cooking (1961). આ પુસ્તક અમેરિકન કુક બુક્સના ઇતિહાસમાં અનન્ય ગણાય છે કારણકે તે ઉંચ્ચ શ્રેણીની ગણાતી રસોઈ કળાને એક સામાન્ય અમેરિકન રસોડાને ધ્યાનમાં રાખીને, અમેરિકન રસોઈયાને ધ્યાનમાં રાખીને બહુ સહેલાઇ અને રસ પૂર્વક સમજાવે છે. કદાચ બહુ જ સમજણ પૂર્વક તે અમેરિકન ગૃહિણી નહિ પણ અમેરિકન રસોઈયા શબ્દ વાપરે છે. કારણકે રસોઈ કળા બધા માટે છે અને રસોઈ કરાવી તે સ્ત્રીઓનું કામ અને ઓફીસ જવું તે પુરુષોનું કામ એવા ખોટા ખ્યાલો તેના મનમાં નથી. જેને ખાવા-પીવાનો શોખ હોય તેને એવી જીજ્ઞાસા થવી જ જોઈએ કે આ કેવી રીતે બને, કોની સાથે શું ખવાય અને શું પીવાય. જુલિયા એવી જ વ્યક્તિ છે કે જેને ખાવાનો બહુ શોખ અને આ શોખમાંથી જ એક અકસ્માતથી અને પછી એક પડકાર તરીકે તે ફ્રાન્સની રસોઈ કળા હસ્તગત કરે છે. જુલીયા તેના પતિ પોલને અને ફ્રાન્સને બહુ પ્રેમ કરે છે અને કોઈક રીતે ફ્રાન્સને પોતાનામાં જીવીત રાખવા માટે રસોઈ તેને શ્રેષ્ઠ માધ્યમ લાગે છે. આ માધ્યમ વડે તે તેના વાચકોને રસોઈ કરતા અને ખાસ તો ખાતા શીખવે છે.
બીજી તરફ, જુલી પોવેલ એક સમકાલીન યુવતી છે જે તેની કંટાળાજનક નોકરી, નવા શહેરના અણગમા અને તેના ડગમગતા આત્મવિશ્વાસ વગેરેને ખાળીને જીવનમાં કંઇક મહત્વપૂર્ણ કરવા માંગે છે. તેના પતિની મદદથી એક બ્લોગ શરુ કરે છે જેમાં તે પોતાના માટે એક પડકાર મુકે છે કે ૩૬૫ દિવસમાં જુલીયા ચાઇલ્ડના પ્રખ્યાત પુસ્તકમાંથી ૫૨૪ રેસીપી બનાવવી, તેના વિશે બ્લોગમાં લખવું. જુલીના શબ્દોમાં 'તેના લગ્નજીવન, નોકરી અને તેની બિલાડીના સ્વાસ્થ્યના જોખમે આ વિચિત્ર પ્રોજેક્ટ તેણે હાથ ધર્યો'. આ ફિલ્મ ૫૨૪ રેસીપીના અનુભવ વિશે છે, લગભગ સાઈઠ વરસનું અંતર ધરાવતી બે સ્ત્રીઓ વિશે છે અને તેમના રસોઈ પ્રેમ વિશે અને તેમન જીવન પ્રેમ વિશે. જુલી પોવેલની લેખક બનવાની ઈચ્છા અંતે પૂરી થાય છે અને તેનો ઓરીજીનલ બ્લોગ અહી જોઈ શકાશે. બ્લોગીંગ વિશે કદાચ આ પહેલી ફિલ્મ હશે. જે મારા જેવા નવા-સવા બ્લોગરને પ્રેરણારૂપ છે.
જૂલીયા તરીકે મેરિલ સ્ટ્રીપનો અભિનય મારફાડ છે. એક 'કદાવર' અમેરિકન મહિલા તરીકેનો અભિનય, અમેરિકન હાવભાવ સાથે ફ્રેંચ બોલવાના પ્રયત્નો, પોલ સાથેની તેની કેમેસ્ટ્રી વગેરે માણવા લાયક છે. મેરિલ સ્ટ્રીપ હવે અભિનયમાં તેના પોતાના રેકોર્ડ તોડે છે. ફિલ્મની માવજત બહુ સારી છે. ફિલ્મ બહુ જ સહેલાઇથી ભૂતકાળ અને વર્તમાન વચ્ચે આંટા મારે છે. આ બે સ્ત્રીઓ વિશેની ફિલ્મ છે છતાં સ્ત્રી-પ્રધાન ફિલ્મ હોવાનો બોજો નથી ધરાવતી. હા, કદાચ ખોરાક-પ્રધાન ફિલ્મ પણ ચોક્કસ કહી શકાય.
છેલ્લે જુલી જુલીયાના કેમ્બ્રિજ (યુએસ)માં આવેલા મ્યુઝીયમમાં તેના ફોટો નીચે એક બટરનું પેકેટ મૂકી આવે છે અને ઉપર પ્રમાણેનો ફોટો પડાવે છે. મૂળ તો પોતાનો કંટાળો દુર કરવા શરુ કરેલી પ્રવૃતિના લીધે અને આ પ્રવૃત્તિ દિલ દઈને કરવાને લીધે બંનેને પોતાની જાત સાથે નવી ઓળખાણ થાય છે અને નવો વિશ્વાસ મળે છે. બસ આ જ જીવન છે અને તેના વિશેની જ આ ફિલ્મ છે. બોન એપેતી!
ખરેખર જોવા જેવી ફિલ્મ. મને પણ બહુ ગમી હતી. બહુ સરસ review લખ્યો છે રુતુલ, ફરી જોવાની 'ભૂખ' જગાડી દે એવો! Bon Apetit :)
ReplyDelete