Saturday, May 01, 2010

મારા વ્હાલા ગુજરાત ઉર્ફે...

મારા વ્હાલા ગુજરાત ઉર્ફે... રમણલાલ સોની, ગીજુભાઈ બધેકા, જીવરામ જોષી, ગુણવંતરાય આચાર્ય, જયંતી દલાલ, ઝવેરચંદ મેઘાણી, અખો, નર્મદ, જ્યોતીન્દ્ર દવે, તારક મહેતા, વિનોદ ભટ્ટ, રમણલાલ નીલકંઠ, હરકિસન મહેતા, કનૈયાલાલ મુન્શી, મોહનદાસ ક. ગાંધી, ફાધર વાલેસ, ઈશ્વર પેટલીકર, પન્નાલાલ પટેલ, આદીલ મન્સૂરી, જોસેફ મેકવાન, અશ્વિની ભટ્ટ, મધુ રાય, ચુનીલાલ મડિયા, ઉમાશંકર જોશી, ધૂમકેતુ, સુરેશ દલાલ, હિમત કપાસી,સુરેશ જોષી, રાજેન્દ્ર શુક્લા, લાભશંકર ઠાકર, શેખાદમ આબુવાલા, જગદીશ જોષી, વિનોદ મેઘાણી, મરીઝ, ગની દહીવાલા, રમેશ પારેખ, વિનોદ જોશી, મનોજ ખંડેરિયા, ગુલામ મોહમ્મદ શેખ,સિતાંશુ યશચંદ્ર, નારાયણ દેસાઈ, કુન્દનિકા કાપડિયા, હિમાંશી શેલત, મહેન્દ્ર મેઘાણી, શરીફા વીજળીવાળા, પ્રકાશ ન. શાહ, ઉર્વીશ કોઠારી અને સૌમ્ય જોશી... જેવા લેખકોએ મને જે ગુજરાત 'બતાવ્યું' છે તે ગુજરાતને આજે પચાસમાં 'હેપ્પી બડ્ડે' નિમિત્તે ખુબ ખુબ 'હેપ્પી બડ્ડે'.

આ લેખકોનો ક્રમ કોઈની મહાનતાનો ક્રમ નથી. પહેલું તો નાનપણથી મેં લગભગ જે ક્રમમાં લેખકોને અને તેમના લેખો કે પુસ્તકોને વાંચ્યા છે અને જેમના લખાણે મને ગુજરાત વિષે, તેની પ્રજા વિષે, પ્રજા ન ગણાતી પ્રજા વિષે, ગુજરાતની સંસ્કૃતિ વિષે, સંસ્કૃતિ ન ગણાતી સંસ્કૃતિ વિષે જે કઈ પણ આપ્યું છે તે હમેશા સાથે રહ્યું છે. અહી મુકેલી સૂચી એવા જ લેખકોની છે કે જેમના લખાણની છાપ હમેશ માટે મારા ભાવ-વિશ્વ પર રહી ગયી હોય. બીજું કે અહી 'લેખક'ની શ્રેણીમાં મારા ગમતાં કવિ, સાહિત્યકાર, કોલમિસ્ટ અને નાટ્યકાર બધા જ સમાવી લીધા છે. ઉદાહરણ તરીકે, હિમત કપાસી એક જમાનામાં ગુજરાત સમાચારમાં 'આચમન' નામની કોલમ બોલીવુડ-હોલીવુડ-ઢોલીવુડ સિવાયની ફિલ્મો માટે ચલાવતા અને તેનો આપણા પર સખ્ખત પ્રભાવ પડેલો. આ સખ્ખત પ્રભાવ આજે પણ 'આપણા' અને 'સખ્ખત' શબ્દોમાં જોઈ શકાય છે જે તેમનાં કોપીરાઇટવાળા શબ્દો છે. ત્રીજું, જો કોઈને એમ લાગતું હોય કે આ લેખકોની સૂચિમાંથી અમુક લોકપ્રિય લેખકો બાકાત છે તો એ ખરેખર બાકાત છે, કારણકે આ અંગત સૂચી છે અને કોઈ પરિષદ કે અકાદમી માટે બનાવેલી સૂચી નહિ. કોઈને એવું લાગે કે અમુક લેખકોને મેં બિલકુલ વાંચ્યા નથી તો પછી ધ્યાન દોરવા વિનંતી. જો કોઈ નામ ભૂલે ચુકે રહી ગયા હશે તો પછી એ ભૂલ સુધારવાનો પ્રયત્ન કોમેન્ટ્સ દ્વારા કરીશ. જો કે અમુક નામની પાછળ અમુક વર્ષોથી અમુક વર્ષો સુધીનું કામ તેવું લખી શકાય પણ પછી તે પીષ્ટ-પીંજણ કહેવાય અને લખ્યા પછી સાવ 'વિવેચક' જેવું લાગે એટલે લખતો નથી.

આ બધા લેખકો એ કરેલું પ્રદાન અનન્ય છે અને 'મારા ગુજરાત'ની વ્યાખ્યા આ લખાણોથી શરુ થાય છે. ગાંધીના પ્રયોગો, મેઘાણીના અમર પાળિયા, જ્યોતીન્દ્રની હાસ્ય-કસરતો, ભદ્રમ્ભદ્રનો પ્રલાપ, તારક મેહતાનો ટપુડો, ગુણવંતરાય આચાર્યની સમુદ્ર કથાઓ, મુન્શીના કાક-મંજરી, હરકિસન મહેતાના પીળા રૂમાલની ગાંઠ, મડીયાની વાર્તાઓ, ફાધર વાલેસનું જીવન-ગણિત, પન્નાલાલ પટેલની ભવાઈ, આદીલ મન્સુરીનું 'મળે ન મળે', મેકવાનની સમાજ-કથાઓ, મધુ રાયનો હરિયો, કપાસીની ફિલ્મો, લાભશંકરનું 'આયુર્વેદિક' પદ્ય, રાજેન્દ્ર શુક્લનો મેઘધનુષનો ઢાળ, જગદીશ જોશીના ગીતો, વિનોદ મેઘાણીના સુરજમુખી, મરીઝની ફિલસુફી, રમેશ પારેખનો મનપાંચમનો મેળો, મનોજ ખંડેરીયાનું 'એમ પણ બને', ગુલામ શેખનું જેસલમેર, નારાયણ દેસાઈની ગાંધી-કથા, મહેન્દ્ર મેઘાણીની વાંચન યાત્રા, શરીફાબેન 'શતરૂપા', કુન્દનિકા કાપડીયાના સાત પગલા, ઉર્વીશ કોઠારીની નવા-જૂની અને સૌમ્ય જોશીના ગીધ્ધો...આ જોકે ફિલ્મના પોસ્ટર જ છે આખી ફિલ્મ નહિ... આવા લખાણોથી જ તો ગુજરાત સમૃદ્ધ બન્યું છે... અહીંથી તો ગુજરાતની ઓળખાણની શરૂઆત થાય છે. પાઠ્યપુસ્તકો અને નાની-મોટી લાઈબ્રેરીઓથી ગુજરાતને ઓળખવાની અને સમજવાની જે શરૂઆત થઇ તે આજે પણ ચાલુ છે અને આગળ પણ ચાલુ રહેશે.

આજે ગુજરાત (રાજકીય)ના પચાસ વર્ષે ગુજરાતની ભૂમિને વંદન કરીને એવું કહેવાનું મન થાય છે કે ગુજરાતને પચાસ વર્ષ નથી થયા, ગુજરાત તો બહુ જુનું છે, શાશ્વત છે કારણકે સંસ્કૃતિઓ હંમેશા શાશ્વત જ હોય છે. ભાષા બદલાય છે, બોલીઓ બદલાય છે, લોકો બદલાય છે પણ સંસ્કૃતિ હમેશા વિકાસ પામે છે, ઉત્ક્રાંતિ પામે છે અને લોકોના શરીરમાં લોહીની, જનીનની જેમ વહે છે. આ વાત થઇ ગુજરાતના 'શું છે' વિષે...અને સાથે સાથે 'શું નથી'ની વાત પણ થવી જ જોઈએ...તે ફરી ક્યારેક...અત્યારે તો... જય જય ગરવી ગુજરાત!

1 comment:

  1. great post!!!! will look forward to more posts on everyone mentioned here

    ReplyDelete