Thursday, June 09, 2011

સ્ટ્રીટ આર્ટ - હાંસિયામાં જીવતું મૂક આંદોલન

 (મોસ્કોમાં કલાકાર વ્હીલ્સ ઉર્ફ એલેક્સ્ઝાન્દરે ફાર્તોનું પ્લાસ્ટર ઉપર ટાંચણકામ)
ચિત્રકળા સમાજમાં ખાસ્સી વ્યાપક કળા છે. સમાજના દરેક ભાગ દરેક વર્ગને એ અલગ રીતે સ્પર્શે છે. ક્યારેક વાતાનુકુલિત આર્ટ ગેલેરીમાં કરોડો રૂપિયામાં 'વેચાઈને' તો ક્યારેક પડદાના રંગ પ્રમાણે ચિત્રો શોધતા દંપતીઓના ઘરમાં 'સુશોભિત' થઇને. આર્ટ ગેલેરીઓમાં વેચાતી ઔપચારિક ચિત્રકળાની વ્યાખ્યા અને વ્યાપ્ત બહુ સીમિત છે. સમાજમાં ચિત્રકળા 'કેલેન્ડર આર્ટ' જેવા પ્રકારથી કે જેમાં કેલેન્ડર, ચીજ-વસ્તુઓના ખોખા, માચીસની ડબ્બી, પોસ્ટર વગેરેથી વધારે પ્રચલિત હોય છે. જો કે તેનો મતલબ એ નથી કે જે કંઈ લોકભોગ્ય છે તે કળા છે. પણ 'કેલેન્ડર આર્ટ' જેવા લોકભોગ્ય પ્રકારોને ચિત્રકળાનાં એક વિભાગ તરીકે ગણી શકાય.

આવી જ એક બીજી લોકભોગ્ય કળાનો પ્રકાર છે, સ્ટ્રીટ આર્ટ. શેરીઓ, ગલીઓ અને જાહેર દીવાલો પર થતા રંગકામની કળા. ખાસ તો પશ્ચિમી શહેરોમાં કે જ્યાં રસ્તાઓ, ગલીઓ, ખુલ્લી જગ્યાઓ (પ્લાઝા વગેરે) શહેરી સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે, શહેરો વધુ સુઆયોજિત અને ઔપચારિક હોય છે તેવા વાતાવરણમાં સમાંતર સંસ્કૃતિ તરીકે, છુપી પણ કલાત્મક રીતે વિરોધ દર્શાવવા સ્ટ્રીટ આર્ટનો જન્મ થાય છે. શહેરના આંતર-પેટાળમાં જન્મેલી આ કળા શહેરને નવી રીતે રજુ કરે છે. સ્ટ્રીટ આર્ટમાં સહેલાણીઓ માટે નાના-મોટા ચિત્રો દોરી આપીને કમાઈ લેતા કલાકારોથી માંડીને પોલીસથી છુપાઈને બળવાખોરી કરી લેતા, સમાંતર વિશ્વમાં જીવનારા અને રાતના સમયે સ્પ્રેથી શહેરની દીવાલોને રંગી જનારા સૌનો સમાવેશ થાય છે.
મોટે ભાગે આર્ટ ગેલેરી કે મોંઘા પુસ્તકોમાં જકડાઈ રહેતી કળાને લોકો સુધી પહોંચાડવાની જરૂર તો છે જ પણ સ્ટ્રીટ આર્ટ તો એક કદમ આગળ વધીને લોકો જ્યાં હોય ત્યાં 'કળા કરવાની' વાત છે. આધુનિક (modern) કળાઓની માફક 'હાઈ આર્ટ' નહિ પણ સ્ટ્રીટ આર્ટએ 'અનુ-આધુનિક' (post-modern) કળા છે, જે 'લોકોની, લોકો દ્વારા, લોકો માટે'ની કળા કહી શકાય. સ્ટ્રીટ આર્ટ વિશેની આ સુંદર વેબસાઈટ દુનિયાભરની શેરીઓમાં થતી કળાપ્રવૃત્તીનો ખજાનો છે.
(Banksy in Los Angeles from unurth.com)
આવા કલાકારોની સૂચિમાં બહુ મોટું નામ બ્રિટીશ કલાકાર બેન્ક્સીનું છે. બેન્ક્સીને કોઈએ ક્યારેય જોયો નથી, તે ક્યાં રહે છે તે કોઈને ખબર નથી પણ તે મૂળ બ્રિસ્ટલ શહેરનો છે તેવું કહેવાય છે. બ્રિસ્ટલના શહેરી ભૂગર્ભમાં જીવતાં સંગીત અને ચિત્રકળામાં બેન્ક્સીનું નામ સૌથી ઉપર આવે. ૧૯૯૦ના દાયકાની  શરૂઆતમાં બ્રિસ્ટલની દીવાલો, રેલવેના ડબ્બા પર બેન્ક્સીના ચિતરામણો જોવા મળતા થયા જે આખા ય ઇંગ્લેન્ડમાં અને છેક લોસ અન્જેલસ સુધી પહોંચ્યા. આ વેબપેજ બેન્સ્કીએ કરેલા એંસીથી વધુ 'ખૂબસૂરત ગુનાઓ' દર્શાવે છે. બેન્ક્સીની ઓફીશીયલ વેબસાઈટ અહી છે, જેમાં તેના 'Inside' અને 'Outdoors' કામ જોવા જેવા છે.
(from Wikipedia)

એક ઉત્કૃષ્ટ ભાંગફોડીયા તરીકેનું 'સન્માન' જાળવી રાખવા માટે તેને ક્યારેય રૂબરૂ મુલાકાતો આપી નથી, ફોટા છપાવ્યા નથી અને પોતાની જાતને ક્યાય રજુ કરી નથી. પોલીસની નજરથી બચવાનો આ જ કદાચ અકસીર ઈલાજ હશે. બેન્ક્સીની કળા શહેરી દીવાલોના માધ્યમથી રાજકારણ, પર્યાવરણ, સમાજકારણ પર તમતમાવી દેતી ટીપ્પણી કરે છે. તેને અરાજકતાવાદી અને ભાંગફોડીયાવૃત્તિ ધરાવનારની સરકારી કે કાયદાની વ્યાખ્યામાં બંધ બેસાડી શકાતો નથી. તેની કળા મૂક છે પણ તેના અર્થો વિશાળ છે. તેની શૈલી અહિંસક છે, પણ જલદ છે. બેન્સ્કીએ સરકાર, રાજાશાહી, ધાર્મિક સંસ્થાઓ, ચેરીટી વગેરે કોઈને છોડ્યા નથી.

આ બાજુનું બહુ પ્રસિદ્ધ ચિત્ર બ્રિસ્ટલના મધ્યે, શહેરના મુખ્ય દેવળ અને કાઉન્સિલ હાઉસની બરાબર સામે આવેલા પાર્ક સ્ટ્રીટના એક જાતીય રોગના દવાખાના(sexual health clinic)ની દીવાલ પર ચિતરાયેલું છે. જેને લોકલાગણીને માન આપીને શહેરની સત્તાવાળાઓએ જેમનું તેમ રહેવા દીધું છે. એ અલગ વાત છે તેની પર પણ ભાંગફોડ થઇ છે અને કોઈ તેની પર બ્લ્યુ રંગના છાંટણા છાંટી ગયું છે (જે ગૂગલ અર્થ/મેપમાં સ્ટ્રીટ વ્યુ પરથી જોઈ શકાશે). બેન્ક્સીનું વિકિપીડિયા પેજ અહી અને તેના કેટલાક 'સુવાક્યો' અહી અને અહીં વાંચી શકાશે. બેન્ક્સીનાઆ 'સુવાકયો'માં ભારોભાર ફિલસૂફી અને આજના સામાજિક પ્રવાહોની સમજ પ્રદર્શિત થાય છે.

લોકશાહીને જેમ સારા કાર્ટૂનીસ્ટની જરૂર હોય છે તેમ સમાજને એવા કલાકારની જરૂર હોય છે કે સમાજને વારંવાર દર્પણ બતાવી શકે. મહાન કલાકારો હંમેશા સામાજિક શિરસ્તાઓથી અમુક વર્ષો, દાયકા કે સદીઓ આગળ હોય છે. તે પછીની વાત સમાજના શાણપણ પર છે કે સમાજ તે કલાકારને માથે ચઢાવે છે કે પછી તેને મન્ટો, ચેપ્લીન અને બીજા અનેકની જેમ હેરાન-પરેશાન કરી મૂકે છે. બેન્સ્કીના કહેવા પ્રમાણે 'કોઈ ચિત્ર જો કાયદાકીય સિદ્ધાંતોને ગણકારે નહિ તો તે સારું ચિત્ર છે અને જો કોઈ ચિત્ર કાયદાકીય સિદ્ધાંતોની સાથે સાથે (સમાજના) ગુરુત્વાકર્ષણનાં સિદ્ધાંતને ગણકારે નહિ તો તે આદર્શ ચિત્ર છે'. બસ, આવા 'ગુરુત્વાકર્ષણનાં સિદ્ધાંતો'ને પડકારનારા કલાકારો મળતા રહે તે સમાજ સમૃદ્ધ હશે.
(છેલ્લે બેન્ક્સીની હાસ્યવૃત્તિ અને કળાવૃત્તિનો સુંદર નમૂનો from: banksy.co.uk)