Saturday, September 24, 2011

પાર્ક (પાર્કિંગ) ડે - વાહનો પાસેથી શહેર પાછુ માંગવાનો દિવસ

૧૬મી સપ્ટેમ્બર દુનિયાભરમાં પાર્ક (પાર્કિંગ) ડે તરીકે ઉજવાય છે. આ દિવસે દુનિયાભરમાં લોકો અને સંસ્થાઓ જાહેર પાર્કિંગની જગ્યા 'ભાડે' લઈને તે જગ્યાનો બીજો શું વૈકલ્પિક અને વધુ સારો ઉપયોગ થઇ શકે તેનું નિદર્શન કરે છે. દુનિયાના લગભગ દરેક મોટા શહેરોમાં પાર્કિંગ ડે ઉજવાઈ ગયો - ન્યુયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, લોસ એંજેલેસ, ફિલાડેલ્ફીયા, ટોરન્ટો, બ્રિસ્બેન, એડીલેડ, લંડન, બર્લિન, કોપનહેગન, ગ્વાંગઝાઉ, સિંગાપોર, અમદાવાદ (જી હા, અમદાવાદ! જુવો અહીં અને અહીં) જેવા અનેક શહેરોએ ભાગ લીધો. પાર્કિંગએ જન્મસિદ્ધ અધિકાર કે માળખાકીય સુવિધા કેમ નથી તે વિષે આ પોસ્ટમાં લખાઈ ચૂક્યું છે એટલે તેથી હવે આગળ.
  (અમદાવાદમાં વિજય ચાર રસ્તા પાસે પાર્કિંગ દિવસ, તસ્વીરો: પૂજા સાંઘાણી અને ક્રીસ કોસ્ટ)

આ 'પાર્કિંગ ડે' છે શું અને તેને કેમ ઉજવવો જોઈએ? વિચાર બહુ સાદો-સીધો છે. શહેરો અને શહેરી રસ્તાઓ પર વાહનોનું આધિપત્ય છે, માનવીય જગ્યાઓ, સામાજિક-સંકૃતિક પ્રવૃત્તિઓ માટેની જગ્યાઓ, શહેરને શહેર બનાવતી જગ્યાઓ ઓછી થતી જાય છે. વાહનો જ્યારે આપણા માટે રાહ જોતા ઉભા હોય છે ત્યારે તેઓ મસમોટી જગ્યા રોકે છે, ખાસ તો જયારે રસ્તા પર પાર્ક હોય ત્યારે. પાર્કિંગએ જાહેર જગ્યાનું ખાનગીકરણ કરે છે અને જાહેર જગ્યા પરના આવા 'દબાણ'ને લોકો પોતાનો હક સમજતા થઇ જાય છે. આ દબાણ તેમને દબાણ તરીકે દેખાતું નથી. રાહદારીઓ (વાહન ચાલકો પણ આખરે તો રાહદારી જ બને છે ને!) વાહનો વચ્ચે અટવાતા રહી જાય છે અને તેમને સળંગ ચાલવાલાયક ફૂટપાથના ફાંફા પડે છે. જો એક કતાર પછી બીજી કતાર તેમ 'ડબલ પાર્કિંગ' કરીને રસ્તાઓનો ૩૦%થી ૫૦% ભાગ વાહનોના પાર્કિંગ માટે જ વપરાવાનો હોય તો ગમે તેટલા પહોળા રસ્તા બનાવવાનો શું અર્થ છે? મોટા શહેરોમાં લગભગ પચાસેક વર્ગફૂટની જગ્યાનું ભાડું કમર્શીયલ ભાડું અમુક કલાક માટે ગણી જુવો અને પછી ગણતરી માંડો કે તેટલી જ જગ્યા આપણે એક કારના પાર્કિંગ માટે કેટલી સહેલાઈથી આપી દઈએ છીએ અને તે પણ મફત...મફત...મફત!
  (સૌજન્ય: http://www.uttipec.nic.in/ તરફથી દિલ્હીનો ચાંદનીચોક વિસ્તાર)
પાર્કિંગ દિવસ ઉજવવાની શરૂઆત ૨૦૦૫ માં થઇ હતી. સાન ફ્રાન્સિસ્કો સ્થિત રેબર નામના આર્ટ અને ડીઝાઈન સાથે સંકળાયેલા ગ્રુપે સાન ફ્રાન્સિસ્કોના ડાઉન ટાઉન ઉર્ફે શહેરની મધ્યે એક પાર્કિંગ સ્લોટ ભાડે લઈને તેને નીચે જણાવ્યા પ્રમાણે 'જાહેર બગીચા'માં ફેરવી કાઢ્યો. તેમના કહેવા પ્રમાણે 'શહેરી વાતાવરણમાં માણસજાત માટે રીલેક્સ થવાની, બે ઘડી પોરો ખાવાની, આરામ ફરવાની કે પછી 'કશું જ ન કરવાની' જગ્યાઓની ભયંકર કમી છે. સાન ફ્રાન્સિસ્કોના ડાઉન ટાઉનની ૭૦%  જાહેર જગ્યાઓ માત્ર વાહનો માટે બની છે, માણસો માટે નહિ'. તેથી આ ગ્રુપના સભ્યોએ લોકોને માનવ-વાહન વચ્ચેનો તુલના-ભેદ બતાવવા માટે પાર્કિંગને પાર્કમાં ફેરવવાનું શરુ કર્યું.
  (તસવીર: http://rebargroup.org/parking/)
બસ ત્યાર પછીથી 'પાર્કિંગ ડે' તે વાહનો પાસેથી શહેરની થોડી જગ્યા પાછી માંગવાનો દિવસ છે, તે પણ થોડી સામાન્ય બુદ્ધિ અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને. તો પછી મૂળભૂત સવાલ આવે કે જો પાર્કિંગ ન થવા દેવું તો પછી શું કરવું? તેનો સીધો જવાબ છે, આપણે જે પ્રકારનું શહેર બનાવવા માંગતા હોઈએ તેવી પ્રવૃત્તિઓનું નિદર્શન કરવું. જો તમને લાગતું હોય કે બાળકોને રમવા જગ્યા નથી કે વૃધ્ધોને નવી પ્રવૃત્તિ મળે તેવું કંઈ નથી કે પછી યુવાન-હૈયાઓ માટેનું કોઈ સ્થળ કે પછી હળવી કસરત માટેને વ્યવસ્થા કે પછી કોઈ કલાકારની પ્રતીકૃતીનું જાહેર પ્રદર્શન કે પછી... યાદી બહુ લાંબી છે, લોકો પોતાની સમજ પ્રમાણે બીજા લોકોને શામેલ કરી શકાય તેવી કોઈ પણ જાહેર પ્રવૃત્તિ કરી શકે છે. નીચે આપેલી તસવીરો દુનિયાના  વિવિધ શહેરોમાં ૨૦૧૧માં  ઉજવાઈ ગયેલા પાર્કિંગ દિવસનો અહેવાલ છે.


પાર્કિંગની જેવી જ બીજી રસ્તાનું ખાનગીકરણ કરતી પ્રવૃત્તિ છે લારી-ગલ્લાં અને પાથરણાવાળા. જો કે બંને પ્રવૃત્તિમાં બે ફરક છે. પહેલું તો પાર્કિંગએ 'ડેડ સ્પેસ' છે એટલે કે તેનો ઉપયોગ બીજું કોઈ કરી શકાતું નથી. જ્યારે લારી-ગલ્લાં જેવી આર્થિક પ્રવૃત્તિથી વેચાણ કરનાર અને ગ્રાહક બંનેને ફાયદો થાય છે. ઘર આંગણે જ વસ્તુઓ મળી જવાથી બહુ લાંબે જવું પડતું નથી, તેથી બળતણ બાળવાની જરૂર નથી રહેતી. બીજું કે, મફત પાર્કિંગની સામે લારી-ગલ્લાંની પ્રવૃત્તિ સાવ મફત હોતી નથી. મોટાભાગના લારી-ગલ્લાંવાળા બહુ જ નિયમિતતાથી અને વર્ષોથી ગોઠવેલી પ્રણાલી મુજબ જે-તે જગ્યાનો હપ્તો ચૂકવતાં હોય છે, જાણે કે 'સમાંતર' અર્થ વ્યવસ્થા જ ન હોય. હવે સવાલ એ છે કે લારી-ગલ્લાંવાળાએ જો 'ભાડું' ચૂકવવાનું જ હોય તો તે સરકારને સીધું જ કેમ ન ચૂકવે!

આખરે, પાર્કિંગ દિવસ જેવા પ્રતીકાત્મક અભીક્રમો ઉપરાંત પાર્કિંગની પ્રવૃત્તિને અંકુશમાં લાવી શકાય તેવા લાંબા ગાળાના ઉપાયો શું છે?  આ વિષય એક પૂરેપૂરી નવી પોસ્ટનો છે એટલે લંબાણથી ફરી ક્યારેક. પણ જો પાર્કિંગ નિયમનના મૂળભૂત સિદ્ધાંતોની વાત કરીએ તો પાર્કિંગની જગ્યાને એક 'કમોડીટી' બનાવાની તાતી જરૂરીયાત છે એટલે કે તેના પર એક પ્રાઈસ ટેગ મુકવાની જરૂર છે. પાર્કિંગની જગ્યા પર કિંમત મૂકવાથી એક તો જગ્યાનો વ્યવસ્થિત ઉપયોગ થવાનો શરુ થાય છે અને ખરેખર જરૂરીયાતવાળા વાહનો જ પાર્ક થાય છે, બાકીનાં વાહનો પોતાની રીતે બિલ્ડીંગની અંદર કે તેમને ફાળવેલી જગ્યાએ પાર્ક કરતા થઇ જાય છે. બીજું કે, ઘણીવાર મોટા બિલ્ડીંગોમાં પાર્કિંગની જગ્યા હોવા છતાં તે 'બહાર'ના વાહનોને પાર્ક કરવા દેતા નથી. ખરેખરમાં જો પાર્કિંગનું માર્કેટ ઉભું કરવામાં આવે તો આવા વધુ પાર્કિંગ ધરાવતા બિલ્ડીંગ આજુ-બાજુના ઓછું પાર્કિંગ ધરાવતા બિલ્ડીંગના વાહનોને પાર્ક કરવા દઈને રોકડી કરી શકે છે. આ ત્યારે જ શક્ય છે કે જ્યારે રસ્તા પર બધી જગ્યાએ પાર્કિંગ થોડું મોંઘુ કરીને, તેનો પૂરવઠો સંતુલિત કરીને બિલ્ડીંગની અંદરના પાર્કિંગની માંગને પ્રોત્સાહિત કરવામાં આવે. જો કે આ વિષે ઊંડાણથી ફરી ક્યારેક. તમે શું વિચારો છો? ભારતમાં આવું ક્યારે થશે તેમ? બહુ જ જલ્દી, થોડી વાહનોની સંખ્યા નીચેના કાર્ટૂનમાં બતાવ્યા પ્રમાણે હજુ વધવા દો, માંગ-પૂરવઠાનું અર્થશાસ્ત્ર પાછળ-પાછળ આવ્યું જ સમજો!

Monday, September 12, 2011

શેરલોક 2.0 - એકવીસમી સદીનું સંસ્કરણ

અમુક પાત્રો જ એટલા મજબૂત હોય કે તે પુન:અવતાર પામ્યા જ કરે છે. આપણો સૌનો જાણીતો-માનીતો જાસૂસ જોઈ જ લો - શેરલોક હોમ્સ અને તેનો પ્રિય મિત્ર ડૉ. વોટસન. છેલ્લા એક-બે વર્ષે શેરલોક હોમ્સના બે નવા સંસ્કરણ મળ્યા. પહેલું સંકરણ બહુ જાણીતું છે, જે 'શેરલોક હોમ્સ' (૨૦૦૯-૧૦) ફિલ્મ તરીકે દુનિયાભરમાં પ્રદર્શિત થયું. જેમાં બ્રિટીશ શાલીનતાના પ્રતિક, રુક્ષ પણ વિનયી, અંતર્મુખી પણ વિચક્ષણ એવા ઓગણીસમી સદીના શેરલોક હોમ્સને રોબર્ટ ડાઉની જૂનીયરે થોડા અસ્તવ્યસ્ત, એલફેલ, ધૂની અને રમૂજી વ્યક્તિ તરીકે ચીતર્યા. જો મૂળ શેરલોક હોમ્સ કોઈ વૈજ્ઞાનિક જેવો લાગતો હોય તો આ છેલ્લી ફિલ્મમાં તે કોઈ કલાકાર જેવો લાગી શકે. આવું લગભગ વિરોધાભાસી પાત્રાલેખન પણ ચાલી ગયું કારણકે શેરલોક હોમ્સ અને તેના પાત્રાલેખનનાં પાયા મજબૂત છે. જો કે એમ તો કળા અને વિજ્ઞાનમાં પણ તત્વ અને સત્વની રીતે ક્યાં બહુ તફાવત હોય છે!

આજે વાત એકવીસમી સદીના શેરલોક હોમ્સની કરાવી છે. આઈફોન પર ટેરવા સરકાવતો, 'Science of Deduction' વિશેની વેબસાઈટ લખી જાણતો, લંડનની ગલીઓ અને ભૂગર્ભ-સંસ્કૃતિનો જાણભેદુ, રસાયણ-જીવ વિજ્ઞાનનાં રસિક વિદ્યાર્થી જેવો, જાસૂસીની દુનિયામાં નવો-સવો અને પોતાની જાતને 'કન્સલ્ટીંગ ડીટેકટીવ' તરીકે સાબિત કરવા મથતો યુવાન શેરલોક અને તેનો સાથી જ્હોન વોટસન કે જે હમણા જ બ્રિટીશ (નાટો) લશ્કરમાં ડોક્ટર તરીકે સેવા આપીને અફઘાનિસ્તાનથી પાછો ફર્યો છે. 'શેરલોક' એ મી.હોમ્સથી થોડો અલગ છે. જેમકે, તે મી.હોમ્સની જેમ પાઈપ નથી પીતો પણ પોતાના વ્યસનને ખાળવા નિકોટીનના પૅચ લગાવે છે, બગીની જગ્યાએ ટેક્સીમાં ફરે છે, જાત-ભાતના ઉપકરણો અને ગેજેટ્સનો ખેરખાં છે પણ જ્યારે ભારે કેસ સોલ્વ કરવાના આવે છે ત્યારે તેની ઉંમરથી પ્રૌઢ રૂપ ધારણ કરી લે છે. બાકી બારીક અવલોકન શક્તિ, વૈજ્ઞાનિક-તાર્કિક સમજ પર વિશ્વાસ, અસામાજિક ગણાઈ જાય તેવી રુક્ષતા, ધૂની વર્તન વગેરે તો મી. હોમ્સની સાથે બિલકુલ મળતા આવે છે.
જોહન વોટસન આ ભેજાગેપ પાત્રની સાથે ફ્લેટની ભાગીદારી કરતાં-કરતાં તેના જાસૂસી કામ-કાજમાં ભાગીદારી કરવા માંડે છે. સાથે-સાથે તેને અફઘાનીસ્તાનના યુદ્ધના સમયથી આવતા ખરાબ સ્વપ્નાં અને પગમાં સહેજ લંગડાવાની અસર વગેરે કોઈ નવા પરાક્રમનું નામ પડતા જ ગુમ થઇ જાય છે. એકવીસમી સદીમાં વોટસન કેસ-ડાયરી નહિ પણ બ્લોગ લખે છે. આ સાથે સાથે આપણી સમક્ષ પાછા ફરે છે એજ જૂના અને જાણીતા - ૨૨૧/બી બેકર સ્ટ્રીટ, મીસીસ હડસન, માયક્રોફટ હોમ્સ, સ્કોટલેન્ડ યાર્ડના ઇન્સ્પેક્ટરો, ચિત્ર-વિચિત્ર ગુનેગારો અને શેરલોક હોમ્સનો જાની દુશ્મન પ્રોફેસર મોરીયાટી - અલબત્ત, નવા રૂપ-રંગમાં. આ વાત થઇ રહી છે બી.બી.સી દ્વારા નિર્મિત 'શેરલોક' નામની ત્રણ જ હપ્તાની એક ટીવી શ્રેણીની કે જે યુ.કે.માં બીબીસી-૧ પર અને બાકીની દુનિયામાં 'બીબીસી એન્ટરટેઈનમેન્ટ' પર જોવા મળે છે અને થોડા સમયે પ્રસારિત થતી રહે છે (આ લખી રહ્યો છું, ત્યારે ત્રીજા હપ્તાનું પ્રસારણ ચાલુ છે!). મૂળ આર્થર કૉનન ડૉયલની વાર્તા 'અ સ્ટડી ઇન સ્કારલેટ' પરથી આ શ્રેણીનો પ્રથમ હપ્તો 'અ સ્ટડી ઇન પિંક' બન્યો હતો. દરેક હપ્તો લગભગ દોઢ-કલાકનો છે એટલે સાડા ચાર કલાકની ફિલ્મ જ જોઈ લો જાણે. સમગ્ર નિર્માણ અને લેખનની ગુણવત્તા સારી છે, તેથી સ્વાભાવિક રીતે જ ૨૦૧૨માં આવનારી સીઝન-૨નો ઇન્તઝાર રહે છે.

અત્યારના સમયમાં કે જયારે મધ્યમકોટીની કલાનો ઉત્સવ મનાવતો હોય અને સારી ગુણવત્તાનો ઉપહાસ થતો હોય ત્યારે કોઈ પણ ઐતિહાસિક નાયક-નાયિકાઓને નવા પરિમાણ આપવા અડકવું એ પડકારદાયક કામ છે. જાણીતા-માનીતા પાત્રોને નવા સમયમાં, નવા રૂપ-રંગમાં રજૂ કરવામાં તેમના મૂળ તત્વને સાચવી રાખવું અઘરું હોય છે. જો કે આ કામ 'શેરલોક'ના નિર્માતાઓએ સારી રીતે નિભાવ્યું છે. આ શ્રેણીમાં એક તાજગી છે અને રોમાંચ જળવાઈ રહે છે. શેરલોક હોમ્સના કટ્ટર રસીયાઓને નાની-નાની સામ્યતાઓની મજા આવી શકે છે. પણ સતત સરખામણી કે એક-બે ન ગમતાં અર્થઘટન મજા બેસ્વાદ પણ કરી શકે છે. મને મજા એ વાતની આવી કે આ શ્રેણી જોયા પછી મેં બહુ સમય પહેલા વાંચેલી શેરલોક હોમ્સની વાર્તાઓના પુસ્તકો ફરી હાથમાં લીધા, ફરી વાંચ્યા અને તેની ફરી આ શ્રેણી સાથે સરખામણી કરી. આ બહાને એક જૂના નાયક વિષે કલ્પનાના ઘોડાઓ દોડ્યા અને શેરલોક હોમ્સ મારા મગજમાં એકવીસમી સદીનું સંકરણ પામ્યો.

આ શ્રેણીના અહીં પ્રોમો અને ટ્રેલર જોવા જેવા છે. શેરલોકની 'સાયંસ ઓફ ડીડકશન' વિશેની વેબસાઈટ અહીં જોઈ શકાશે તો જોહન વોટસનની બ્લોગ અહીં.

છેલ્લે, એક હોમ્સ-વોટસનનો સદાબહાર ટુચકો:

શેરલોક હોમ્સ અને ડૉ.વોટસન પ્રકૃતિના ખોળે વેકેશન ગાળવા જાય છે અને તારા મઢેલી રાત્રે હોમ્સ ધીરેથી વોટસનના વિચારોમાં ખલેલ પાડે છે.
હોમ્સ: વોટસન, આ ખુલ્લું આકાશ જોઇને તને શું લાગે છે?
વોટસન: મને તો આ વિશાળતા જોઇને અંતરીક્ષ સાથે આત્મસાત થવાનું મન થાય છે, જાણે કે કોઈ અનંત ખૂણેથી મને કોઈ સાદ પાડી રહ્યું છે...લાગે છે કે પેલી પારના વિશ્વને હું સદીઓથી ઓળખું છું... તને શું લાગે છે?
હોમ્સ: બહુ રસપ્રદ વાત, માય ડીયર વોટસન! પણ મને તો માત્ર એવું લાગે છે કે આપણો જે તંબૂ હતો તે કોઈ ચોરી ગયું છે!  

Monday, September 05, 2011

રોજબરોજની લોકશાહી

શું આપણે લોકશાહીના નાટકમાં પ્રેક્ષક છીએ?
શું આપણે લોકશાહીના વરઘોડામાં જાનૈયા છીએ?
શું આપણે લોકશાહીના ટ્રાયલમાં આપણે બચાવ પક્ષ છીએ? 
શું આપણે લોકશાહીની રાહત છાવણીમાં આપણે લૂંટ-ઝૂંટ કરતાં લાભાર્થી છીએ?
શું આપણે લોકશાહીના મોલમાં મન ફાવે ત્યારે લટાર મારી આવતા ગ્રાહક છીએ?
આપણો લોકશાહી સાથે સંબંધ શું છે? રોજબરોજના જીવનમાં લોકશાહીની વ્યવસ્થા કેવી રીતે ગોઠવી શકાય?

જન-લોકપાલ આંદોલન ચાલ્યું. કોઈક તેને વળગી પડ્યું તો કોઈ તેના પર વરસી પડ્યું. જે વળગી પડ્યા તેમને વરસી પડેલા ન ગમ્યા અને જે વરસી પડ્યા તેમને વળગી પડેલા ન ગમ્યા. સરકારે આદતવશ ખંધાઈ કરી, મીડીયાએ આદતવશ સમાચારને મેલોડ્રામા રૂપે રજૂ કર્યા. કોઈ છવાઈ ગયું, કોઈ ચવાઈ ગયું અને કોઈ સંતાઈ ગયું. કોઈક દિલથી આંદોલનમાં જોડાયું, કોઈ દેશભક્તિનો દેખાડો કરવા માટે તો કોઈ બીજાને દેશદ્રોહી ચીતરવા માટે. સરકારે ખોરી દાનતને 'બંધારણ-વાદ' વડે ઢાંકવાનો પ્રયત્ન કર્યો તો સામે પક્ષે 'સિવિલ સોસાઈટી'ના સીમાડા કોણ નક્કી કરે અને તેમાં સહેલાઈથી કોણ-કોણ પ્રવેશી શકે તેવા પ્રશ્નો પણ ઉભા થયા. એકંદરે કંઇક નવું બનવા તરફના પ્રયાણ છે પણ તેનાં ફળ કેવા પાકે છે તે સમય જ જણાવશે.

મૂળ મુદ્દો અહીં ભ્રષ્ટાચારનો છે અને તેની સામે ગોઠવવા યોગ્ય વ્યવસ્થાનો છે. આ વ્યવસ્થા સંસદીય લોકશાહીના માળખામાં કેવી સુલભ રીતે ગોઠવાઈ શકે તે અંગેના ભિન્ન મત છે અને તેની જ આ લડાઈ છે. લોકશાહી અને ભ્રષ્ટાચાર એકબીજાના પૂરક નથી. સાચી લોકશાહી દ્વારા 'મતદાર'નું 'નાગરિક' તરીકે થતું સશક્તિકરણ ભ્રષ્ટાચારની સામે લડવા માટે અને સમાજની અસમાનતા ઓછી કરવા માટે અકસીર ઈલાજ નીવડી શકે તેમ છે - જે વિવિધ દેશોના અનુભવથી સાબિત થાય છે. તેથી સંસદીય લોકશાહીના માળખાને મજબૂત કરવાના ઉપાયોની વાત કરવાનો આ બહુ સાચો સમય છે. ખરેખરમાં જો આ અંદોલન 'બીજી સ્વતંત્રતાની ચળવળ' હોય તો પછી તેના ભાગરૂપે ભ્રષ્ટાચાર અને તેને લગતા વિવિધ કાયદા, વહીવટી વ્યવસ્થામાં સુધારણા અને તેમાં નાગરીકો પ્રત્યેની પ્રતિબધ્ધતાનું સંયોજન, ચૂંટણી પ્રક્રિયામાં સુધારણા, ન્યાયિક પ્રક્રિયામાં સુધારણાનું આયોજન થવું જ જોઈએ. જેના સંકેત અન્નાના છેલ્લા વ્યક્તવ્યમાં જોવા મળેલા અને કંઇક અંશે વિવિધ માધ્યમોમાં તે અંગે ચર્ચા પણ ચાલી. આવી ચર્ચાઓ થોડી તૈયારી અને સંશોધન માંગી લેતી હોવાથી (અને કદાચ ઓછો ટીઆરપી મેળવતી હોવાથી) ટીવી માધ્યમોએ તેને બહુ મહત્વ નથી આપ્યું.

ચૂંટણી પ્રક્રિયામાં સુધારણામાં 'વૈકલ્પિક મત' (Alternative Vote or Ranked Choice Voting) અને 'પાછા બોલાવવાનો હક' (Right to Recall) અને ના-મત (No Vote or Reject all candidates) જેવા વિચારો આગળ પડતા છે. ભારતમાં વૈકલ્પિક મત જેવી જટિલ પ્રક્રિયા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અને વિધાન પરિષદની ચૂંટણીઓમાં વપરાય છે પણ લોકસભા-વિધાનસભામાં નહિ. જે કરવાથી ડમી ઉમેદવાર જેવા દૂષણો દૂર થઇ શકે અને સર્વ-સામાન્ય બહુમતી-વાદની જગ્યાએ એવી વ્યવસ્થા ઉભી થાય કે જ્યાં ઉમેદવાર પોતાના વિસ્તારમાંથી વધુ અને વધુ લોકોનું પ્રતિનિધિત્વ ધરાવતો થાય, માત્ર પોતાની પરંપરાગત વોટબેંકનું જ નહિ. જો કે બ્રિટનમાં લિબરલ ડેમોક્રેટ્સ નામનો પક્ષ કન્ઝર્વેટીવ (ટોરી) પક્ષ સાથે ગઠબંધન સરકારમાં છે, તેણે આવા અનેક ચૂંટણી સુધારાના કરવાના વાયદા કરેલા પણ આવા નવા વિચારોની લોકપ્રિયતા ન હોવાથી આ અંગે રેફેરેન્ડમ કર્યા બાદ તેમને બહુ સફળતા તેમને મળી નથી. ભારતમાં પણ આવા નવા વિચારો વિષે ખુલ્લા મને ચર્ચા થવી જોઈએ અને જો સાનુકુળ આવે તો તેમનો અમલ થવો જોઈએ. તે સિવાય, ભારતમાં ઉમેદવારોની મિલકત અંગે, ચૂંટણીના ખર્ચ અંગે પારદર્શિતા અને સજા પામેલા અપરાધીઓના ચૂંટણીમાં ભાગ લેવા અંગેના મસમોટા યક્ષપ્રશ્નો તો છે જ.

આ બધી રાષ્ટ્રીય સ્તરની નીતિવિષયક ચર્ચાઓમાં એક પાયાની વાત ભૂલાઈ જતી હોય છે - સ્થાનિક સ્વરાજ્યની, સ્થાનિક સ્તર પર લોકશાહીની અને લોક-ભાગીદારીની. છેક ૧૯૯૨માં થયેલા ૭૩મા અને ૭૪મા બંધારણીય સુધારા પ્રમાણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે શહેરી (મહા)નગરપાલિકા, નગર પંચાયત અને ગ્રામ પંચાયત પાસે પોતાના નાણાકીય સ્ત્રોત, આયોજન અને અમલીકરણ કરવાની સત્તા વગરે હોવું જોઈએ. આજે વીસ વર્ષ પછી એ માહોલ છે કે મોટાભાગની નગરપાલિકાઓ રાજ્ય સરકાર પર નાણા, ટેકનીકલ મદદથી માંડીને નાનાં-મોટા વિકાસના કામો કરવા માટે સંપૂર્ણ આધારિત છે. નથી તેમની પાસે તાલીમ પામેલો સ્ટાફ કે નથી વિકાસના કામ કરવા માટેની સાધન-સંપત્તિ અને અધૂરામાં પુરૂં તેઓ રાજ્ય સરકારના 'ઉપકાર' પર આધારિત હોય છે, તો પછી પોતે સ્વ-રાજ્યની તરફ કેવી રીતે જઈ શકે. પાલનપુરથી પોરબંદર સુધીના નાનાં-મધ્યમ નગરોમાં પાણી, ગટર, રસ્તા, ટ્રાફિક, કચરાનો નિકાલ વગેરે જેવી મૂળભૂત સુવિધામાં ધાંધિયા છે તો પછી બાગ-બગીચા, સ્ટ્રીટ લાઈટ કે લાંબા ગાળાના શહેરી આયોજનની વાત તો ક્યાં કરવી! 

આપણા આસ-પડોશના વિસ્તારમાંથી કચરાનો નિયમિત નિકાલ થાય, બાળકોને રમવાની, વૃધ્ધોને ગોષ્ઠી કરવાની વ્યવસ્થા થાય, થોડા ઘણા ઝાડ-પાન-ફૂલ રોપાય, રસ્તા સુધારે, પાણી મળે, ગટર ના ગંધાય તેવી વ્યવસ્થા ઉભી કરવાની મુખ્ય જવાબદારી સ્થાનિક પંચાયત/પાલિકાની હોય છે. સાથે-સાથે જે તે પડોશ, મોહલ્લા, શેરીમાં રહેતા નાગરીકો પણ સજાગ, સતર્ક થાય અને વ્યવસ્થા જાળવી રાખવામાં સહકાર કરે તો આદર્શ વ્યવસ્થા ઉભી થાય. હવે મૂળ પ્રશ્ન એ છે કે આ આદર્શ વ્યવસ્થા ઉભી કેવી રીતે કરવી? જો જે તે વિસ્તારના નાગરીકો મળીને ક્યાંક ફૂટપાથ કે બેઠક વ્યવસ્થા કરવા માંગે કે તે વિસ્તારમાં કોઈ પણ વિકાસલક્ષી કામ કરવા માંગે તો સ્થાનિક પાલિકા-પંચાયત પાસે એવા કોઈ ભંડોળ ખરા? શું આ કામ કોઈનો 'ઉપકાર' લીધા વગર, 'ચેરીટી'ના રસ્તે સ્થાનિક ફંડ-ફાળો ભેગો કર્યા વગર પાલિકા-પંચાયતમાં ઉભી કરેલી વ્યવસ્થા દ્વારા થઇ શકે?  બીજું કે, જે તે વિસ્તારમાં જે કંઈ વિકાસના નામે થાય તેમાં રહીશોની સંમતિની જરૂર ખરી કે નહિ? પાલિકા-પંચાયતમાં વિસ્તાર પ્રમાણે વિકાસનું બજેટ હોઈ શકે તેમાં જે-તે વિસ્તારના નાગરિકોની બહુમતીથી તેનો શો ઉપયોગ થાય તે નક્કી કરી શકાય? શું આવી કોઈ લોક-ભાગીદારીથી સ્થાનિક બજેટ નક્કી ન કરી શકાય? લોકભાગીદારીથી થતું બજેટીંગ (Participatory Budgeting ) અને તે પ્રમાણે અમલીકરણ તે લોકશાહી અને સરકારને ઘર-આંગણે લઇ આવવાની વાત છે. લોકો જો પોતાની આસ-પાસનું વાતાવરણ સુધરતું જોશે તો તેમને લોકશાહીની ધીમી અને કંટાળાજનક પ્રક્રિયાઓના ફાયદા જણાશે અને લોકશાહી શબ્દાર્થમાં લોકો માટે, લોકો દ્વારા ચાલતી વ્યવસ્થા લાગશે અને તેના ફળસ્વરૂપે સ્થાનિક વહીવટમાં પારદર્શિતા આવશે.

મોહલ્લા સમિતિ કે એરિયા સભાઓ રચવાના નિર્દેશ લગતા-વળગતા કાયદાઓમાં હોવા છતાં તે કાગળ પર જ રહે છે. JNNURM (જવાહરલાલ નેહરુ નેશનલ ઉર્બન રીન્યુઅલ મિશન) જેવા સૌથી મોટા શહેરી મિશન મોટા-મોટા પ્રોજેક્ટ શહેરોમાં કરાવી શકે છે પણ તે મિશન હેઠળના 'લોકભાગીદારી ભંડોળ' (Community Participation Fund)નું અમલીકરણ સ્થાનિક સ્તરે કરાવી શકતા નથી. વળી, મોટા-મોટા પ્રોજેક્ટો વખતે ફરજીયાત કરવી પડતી પબ્લિક મીટીંગ શાનદાર હોટેલોમાં ટેકનીકલ જાણકારો વચ્ચે પૂરી થઇ જાય છે, તેમાં લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન નથી હોતો કે ઈચ્છા પણ નથી હોતી. બીજું કે, લોકો વચ્ચે સુમેળ સાથે કામ પાર પાડી શકે તેવો સ્થાનિક પાલિકા-પંચાયતનો સ્ટાફ જોઈએ કે જે લોકોના ગમા-અણગમાને સર્વસંમતી સુધી સીફતતાથી પહોંચાડી શકે. સરકારી અમલદારો પોતાની જાતને કોઈ મોટા સિંહાસન પર આરૂઢ માનતા હોય તો અને મગજમાં ભરાઈ ગયેલી 'ગવર્નમેન્ટાલીટી'માંથી બહાર ન નીકળી શકતા હોય તો પછી તે લોકો પાસે જઈને એક-બે સારી યોજના વિષે વાત કેવી રીતે કરશે. આવા મૂળભૂત પ્રશ્નોને લીધે એવું થયું છે કે સરકાર અને લોકો વચ્ચે કોઈ સંવાદ જ નથી રહ્યો અને લોકશાહીની યાદ દર પાંચ વર્ષે ચૂંટણી વખતે જ આવે છે. રોજબરોજની સ્થાનિક લોકશાહીના યંત્રો કામ કરતા નથી અને સ્થાનિક સ્તર પર લોકશાહી લઇ જવાની ન કોઈ રાજકીય ઇચ્છાશક્તિ છે કે ન કોઈ વહીવટી ઇચ્છાશક્તિ.

સારું પારદર્શી વહીવટી તંત્ર સ્થાપવા માટે અને નાગરિકોને તેમના હક-ફરજ બંને અદા કરતા કરવા માટેની મજલ બહુ લાંબી છે. જો આમ થાય તો સ્થાનિક સ્તર પર ભ્રષ્ટાચાર આપોઆપ દૂર થશે. આ અશક્ય એટલા માટે નથી કારણકે દુનિયાના ઘણા વિકાસશીલ અને વિકસિત દેશો લોકતંત્રને શેરી-મહોલ્લા સુધી લાવી ચૂક્યા છે અને તેની આંટી-ઘૂંટીના ઇન્ટરનેશનલ કેસ-સ્ટડી ઢગલાબંધ મળી શકે તેમ છે. બીજું કે, મુદ્દો અહી બધું જ જાહેર ક્ષેત્ર કરે કે ખાનગી ક્ષેત્ર કરે તે નથી. જાહેર ક્ષેત્ર લોકશાહીનું માળખું ગોઠવી શકે અને પછી તેમાં સેવાઓ આપવાનું કામ ખાનગી કંપની કરે કે સરકારી એજન્સી કરે તેનાથી બહુ ફરક પડતો નથી - આખરે કામ થવું જોઈએ. પ્રાઈવેટ સ્કૂલમાં ભણતા, પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર લેતા, પ્રાઈવેટ કંપનીઓમાં કામ કરતા, નવા મધ્યમવર્ગ માટે અને સરકારોએ જેની સંભાળ લેવાનું છોડી દીધું તે તેવા ગરીબ વર્ગ માટે સંસદ-લોકશાહી-સરકાર તે પ્રતિક માત્ર જ હોય છે. જો લોકશાહીના મૂળિયાં ઊંડા રોપવા હશે તો પછી સંસદ-લોકશાહી-સરકારે લોકોના રોજબરોજના જીવનમાં લાગુ પડતા મુદ્દાઓમાં લોકો સાથે  શેરી-મહોલ્લાઓમાં સંવાદ સાધતા શીખવું પડશે.
"The cure for the evils of democracy is more democracy!"
H. L. Mencken, 1926.