Tuesday, March 29, 2011

રેલવેના ડબ્બા અને આપણો સમાજ

(Cartoon by Dr. Hemant Morparia)
ભારતીય સમાજને ભારતીય રેલવે સાથે બહુ સારી રીતે સરખાવી શકાય છે. ભારતીય રેલવેએ છેલ્લા ૧૫૦ વર્ષમાં ભલે લોકોને (શબ્દાર્થમાં) નજીક લાવવાનું કામ કર્યું હોય પણ બાકી તો સૌને પોતપોતાના નિર્ધારિત ક્લાસમાં રહેવું જ બહુ ગમે છે. લોકો પોતાની આવક પ્રમાણે પોતાના 'ક્લાસ'માં જ મુસાફરી કરે છે અને આ દરેક ક્લાસ અને તેમની વર્તણુંકના રેખા-ચિત્રો વડે આપણા સમાજને વધુ સારી રીતે સમજી શકાય છે. આ ટ્રેનને આપણો સમાજ (કે દેશ), રેલવે ડીપાર્ટમેન્ટને સરકાર, ટી.સી.ને પોલીસ, આવતા-જતા સ્ટેશનોને સામાજિક-આર્થીક વિકાસના વિવિધ પડાવ માનવામાં આવે તો ટ્રેન અને સમાજની સરખામણી ઘણી સૂચક થઇ જાય છે.

ફર્સ્ટ એ.સી.વાળા એવા લોકો હોય છે કે જે ધારે તે વ્યવસ્થા કરીને પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકે છે. હવાઈ મુસાફરી કરી શકવાની પૂરી તાકાત ધરાવતા હોવા છતાં તેઓ કોઈક કારણસર આ ટ્રેનમાં સવાર છે. એટલે કે વિદેશમાં રહેવાની પૂરી સગવડ કરી શકતા હોવા છતાં આ દેશમાં કોઈક કારણસર કે કોઈ લાભ ખાતર રહે છે. ફર્સ્ટ એ.સી.નો એક જ ડબ્બો હોય અને તેમાં પણ બહુ ઓછી સીટ હોય છે. એટલે આ એક લઘુમતી વર્ગ છે. તે ડબ્બામાં જલ્દી કોઈને જવા મળતું નથી પણ અહીં સુધી પહોંચી શકનાર પછી આ  ક્લાસ છોડીને ક્યાય જતા નથી. વળી, આ ક્લાસમાં ગર્ભશ્રીમંતો સિવાય કોઈ પ્રજાના પ્રતિનિધિ કે આ 'રેલવેના' મોટા બાબુ હોવાની શક્યતા બહુ મોટી છે. આ ક્લાસમાં ટી.સી.ને ખરેખર પોતે (જનતાનો) સેવક છે  અને 'માત્ર કાયદાનું પાલન કરાવનાર નહિ' એ વાત યાદ આવે છે. આ ક્લાસને સીક્યોરીટી જોરદાર મળે છે, ભોજન હાઇક્લાસ અને સસ્તું મળે છે, એ.સી. ફૂલ હોય છે, ટોઇલેટ વગેરે સાફ હોય છે.

સેકંડ અને થર્ડ એ.સી.વાળા લોકો એ.સી. ડબ્બાઓની ખાસિયત પ્રમાણે આસપાસની ગંધ-સુગંધ, હવા-હવામાન, વાસ્તવિકતાઓ વગેરથી થોડા નોખા-વીખૂટા પડેલા હોય છે કે પછી નોખા પડવાનો પ્રયત્ન કરતા હોય છે. ડબ્બાની અંદર લેપટોપ, મોબાઈલ ફોન કે ટીવી સ્ક્રીન વગેરે આ નોખા પડવાની ઘટનામાં સહાય કરે છે. તેમને સમાજની અને દેશની ચિંતા હોય છે પણ તે ઘણી વખત 'માળખાકીય સુવિધાઓ કે મેનેજમેન્ટ સુધારવું જોઈએ' તેવા વિચારો પર આવીને અટકે છે. આમ વ્યવહારિક રીતે જોવા જાવ તો એ.સી. ડબ્બામાં લેપટોપ-ફોનને રીચાર્જ કરવા માટે વધારે પ્લગ હોવા જોઈએ અને તેમને 'સર્વ' કરવા આવનાર લોકોનું હાઈજીન સારું હોવું જોઈએ એ પ્રકારની ચિંતા. સાથે સાથે વિદેશમાં આ જ પ્રકારની સુવિધાઓ કેટલી સારી છે તેની સરખામણી પણ ભળે અને આપણે ક્યારે 'ડેવેલપ' થઈશું તેની ચિંતા પણ. એ.સી. વાળા લોકોને ડેવેલપ થવાની થોડી ઉતાવળ હોય છે. તેથી ડબ્બાની અંદર લગાડેલા 'ઇન્ડિયા શાઈનીંગ' કે 'વિકાસ વિકાસ'નાં સુત્રો કે પોસ્ટરો તેમને સહેલાઈથી પચે છે. ભારત અને ભારતીય રેલવેમાં માત્ર ખોડ-ખાંપણ દેખનારા 'નેગેટીવ' લોકો તેમને જચતા નથી એ તેમના દેશાભીમાનની પરાકાષ્ઠા છે. આ ડબ્બાઓમાં પણ ભોજન સારું મળે છે, ઓઢવા બ્લેકેટ મળે છે, અંદરનું હવામાન કૃત્રિમ રીતે જાળવી રખાયું હોય છે અને બાથરૂમ વગેરે સાફ હોય છે.

સ્લીપર ક્લાસ કે નોન-એ.સી. રિઝર્વ્ડ ડબ્બાઓનો પોતાનો એક અલગ જ માહોલ હોય છે.  આ ડબ્બાઓની સંખ્યા સૌથી વધારે છે એટલે આ સૌથી મોટો બહુમતી ધરાવતો વર્ગ છે. અહીં જે વ્યક્તિ ટકી શકે તે ખરેખર ટકાઉ હોય છે. અહીં આવનારા લોકોને એ.સી.માં જવાનું પોસાતું નથી પણ સાવ અનરિઝર્વ્ડ કે બિનસલામતરૂપે મુસાફરી કરવાના 'જોખમ'થી બચી શકે તેવી પરિસ્થિતિના હોય છે. જાહેર સુવિધાઓનો ભરપૂર ઉપયોગ કરતા તેમને આવડે છે. તેમનો માલિકી ભાવ તેમને ફાળવાયેલી સીટોથી આગળ વધીને સમગ્ર ડબ્બા સુધી પહોંચે છે. આ વર્ગના લોકોને સૌથી મોટો વાંધો 'મફતિયા' કે અનરિઝર્વ્ડ જેવા છેવાડાના લોકો સામે હોય છે. મળતી થોડી-ઘણી સુવિધાઓ બહુ લોકો સાથે વહેંચી શકવાની તૈયારી આ વર્ગ ની હોતી નથી. તેથી 'રિઝર્વ્ડ' ટીકીટ ન ધરાવનારા લોકોને 'હરામ હાડકાના', 'મફતિયા', 'કાયદાઓ તોડનારા' વગેરે નામ-વિશેષણથી નવાજવામાં આવે છે. માનવ  જીવનની દ્રષ્ટિએ આ સૌથી જીવંત ડબ્બાઓ હોય છે. અહીં ગમે તે કરવા છતાં પણ આવતા-જતા લોકો, બનતી ઘટનાઓ વગરે પર કોઈનું નિયંત્રણ હોતું નથી - સરકારનું પણ નહિ એટલે કે ક્યારેક 'તોડ' કરવા આવતા ટી.સી.નું પણ નહિ.  ટી.સી. એટલે કે સરકારનીવૃત્તિ માત્ર પોતાના કામ માટે આવીને મોટેભાગે ગાયબ રહેવાની હોય છે. વાસ્તવિકતાઓથી સૌથી નજીક આ વર્ગ હોય છે પણ તેનો મતલબ એ નથી કે આ વર્ગને બધી બનતી વાસ્તવિક ઘટનાઓના ભાગરૂપ પોતાની ઇચ્છાએ બનવું હોય છે. અહીં વ્યક્તિગત મહેચ્છાઓ, આકાંક્ષાઓ વગેરેને સ્થાન આપવાની મોકળાશ નથી હોતી. અહી માથાદીઠ ટોઈલેટની સંખ્યા ઘણી ઓછી હોય છે. અહીં ભોજન કથળેલું હોય છે તેથી તેની લોકો જાતે વ્યવસ્થા કરી લે છે. અહીં સફાઈ સારી નથી હોતી તેથી તેની વ્યવસ્થા કરવા આવનારને લોકો એક-બે રૂપિયા આપી દે છે. આ ડબ્બાઓના વ્યવસ્થાપન કાં તો સ્વયંભૂ થાય છે નહિ તો પછી ભગવાન ભરોસે થાય છે.

મોટાભાગની ટ્રેનોમાં છેવાડાના ભાગ પર હોતા અનરિઝર્વ્ડ કે બીનઅનામત  ડબ્બાઓમાં સમાજનો છેલ્લો વર્ગ મુસાફરી કરે છે. અહી સૌથી મોટી વાત 'આ ટ્રેન પર સવાર તો છીએ' તે સંતોષ હોય છે અને  સૌથી  મોટી ઈચ્છા આ મુસાફરી હેમખેમ કરીને ઝડપથી પતે તે હોય છે. દરેક વાત અહી 'ટકી રહેવાનો પ્રશ્ન' થઇ જાય છે. ભયંકર ગીરદી વચ્ચે ઈંચે-ઈંચ જગ્યાનો ઉપયોગ અહી વ્યવસ્થિત રીતે થયેલો હોય છે. અહી ટી.સી ઉર્ફે સરકાર બહુ ફરકતી નથી, તેથી કાયદો-વ્યવસ્થાથી માંડીને જગ્યાની દેખરેખ વગેરે સ્વયંભૂ રીતે સ્વયંસેવકોથી થાય છે. જગ્યા માટે કે થોડી સુવિધા માટે ઝઘડાઈને લોકો થાળે પડે છે અને લાંબી મુસાફરીમાં જ્યાં કંઈ જ બીજું  મળવા જેવુ ન હોય ત્યાં આખરે એક-બીજાને સહારે લોકો સમય ગાળી દે છે. આ બીજા વર્ગોના માનવા જેટલો 'મફતિયા' કે બીનઅનામત વર્ગ હોતો નથી. દરેક સુવિધા પર ભારાડી પ્રકારના તત્વો જેવા કે થોડા પૈસા લઈને જગ્યા કરી આપતા કૂલીઓનું તંત્ર વગેરે ફૂલ્યા-ફાલ્યા હોય છે. આં ડબ્બાની અંદર 'વિકાસ'નાં પોસ્ટર લાગ્યા હોયને ટક્યા હોય તો લોકો તેને કોઈ પરીકથાની જેમ બહુ જ રોચકતાથી જુએ છે. અહી સૌથી મોટી ચિંતા લેપટોપ-ફોનના પ્લગની નહિ પણ આટલી ભીડમાંથી રસ્તો કરીને ટોઇલેટ સુધી સમય રહેતે પહોંચાશે કે નહિ તેની હોય છે. આગળના સ્ટેશનોથી ચડી બેઠેલા લોકો નવા સ્ટેશનોથી ચઢનારા લોકોને કેમ ખાળી શકાય તેની યોજના બનાવતા રહે છે. અહી ભોજન મળતું નથી, સફાઈ થતી નથી, સિક્યોરીટી આપવાનો પ્રશ્ન જ નથી. બધું જ લોકોએ જાતે કરવાનું હોય છે. આ અંગે રેલવેનો હાજર જવાબએ હોય છે કે 'આ વર્ગમાં તો બધું કેટલું સસ્તું છે પછી એટલામાં કોઈ સુવિધા કેવી રીતે અપાય '. મોટી મોટી શાનદાર ટ્રેનોમાં આ વર્ગના ડબ્બા જોઈને પ્લેટફોર્મ પર ઉભેલા લોકો રેલવે અંગે ખોટી શંકા ન કરે એટલે આવા ડબ્બાઓને પ્લેટફોર્મના છેવાડે કે પ્લેટફોર્મની બહાર જ રાખવામાં આવે છે.

આમ આપણો સમાજ અલગ અલગ ડબ્બાઓમાં વહેંચાયેલો છે છતાં એક જ ટ્રેન પર બધા સવાર છે અને આ ટ્રેનનું ગંતવ્ય એક દિશામાં છે તે સભાનતા દરેકમાં એકસરખી હોતી નથી. લોકોનું એક-બીજા પ્રત્યેનું વર્તન પોતે ક્યા ડબ્બામાં ક્યા પ્રકારની ટીકીટ પર બેઠા છે તેના પરથી નક્કી થતું હોય છે. એ.સી. ડબ્બામાં બેઠા હોવ તો છેવાડાના બીનઅનામત  ડબ્બા આ ટ્રેનમાં છે કે નહિ તેની ખબર ન પણ હોય તેથી 'આખી ટ્રેન હવે તો એ.સી. કરી નાખવી જોઈએ' તેવા ઉદગારો પણ નીકળતા હોય છે. સ્લીપર ક્લાસમાંથી એ.સી. ડબ્બામાં જવું પ્રમાણમાં સહેલું છે પણ અનરિઝર્વ્ડમાંથી સ્લીપરક્લાસમાં પહોંચવું અઘરું હોય છે કારણ કે દરવાજા જ બંધ હોય છે.

વિવિધ વર્ગો અને તેમની વર્તણૂક વગેરેની નાની-મોટી વાતોથી ટ્રેન અને સમાજની સરખામણીની અનેક નવી વાતો જોડી શકાય તેમ છે. અહી સૌથી મહત્વની વાત સમાજ કેટલો વહેંચાયેલો છે તે નથી પણ 'બધા એક જ ટ્રેનમાં સવાર છે' અને ''બધાનું ગંતવ્ય ભલે અલગ-અલગ હોય પણ ટ્રેન એક જ દિશામાં જઈ રહી છે' તે સભાનતા મહત્વની છે. કમનસીબે, આજ-કાલ ધ્યાન ખેંચતી અને ભાન ભૂલાવતી હજારો વસ્તુઓ વચ્ચે આ સભાનતા કેળવવી પડે તેમ હોય છે.

Monday, March 14, 2011

રાશોમન (૧૯૫૦) સત્યની ચાર આવૃત્તિ

(This post is my humble attempt to express solidarity with the people of Japan. Although, I started writing about this film last month but due to the disasters in Japan, I was compelled to finish this post amongst many posts which never get completed). 

‘સત્ય શું છે?’ તે સમજવા માટે ફિલસુફીમાં, આધ્યાત્મિક વાતોમાં કે પછી કોર્ટ-કચેરીઓમાં માથાકૂટો થાય છે. સત્ય શોધવું એ ધંધો છે, બ્રેકિંગ ન્યુઝ છે, ગહન સંશોધનનો વિષય છે, કોઈકનાં અસ્તિત્વનો સવાલ છે કે પછી કોઈને માટે સત્તા હાંસિલ કરવાનું સાધન છે. તેથી જ તો ‘સત્ય શું છે’ તેની પાછળ કંઇક જોડ-તોડ થઇ જાય છે જે સત્યને સાનુકુળ, વ્યવહારિક કે સુપાચ્ય બનાવે છે. નિરપેક્ષ સત્યના ઓળા હેઠળ ‘સાપેક્ષ સત્યો’ પોતાના અલગ અલગ રંગ લઇને આવે છે.  આજકાલ એ પણ રસ્તો અપનાવાય છે કે ઘટનાને એટલી બધી ચૂંથી નાખવામાં આવે છે કે પછી સાચું શું છે તે માન્યતાનો વિષય બની જાય છે નહિ કે તથ્યોનો. માનવમનમાં સાનુકુળ સત્ય અને ખરેખર બનેલી ઘટના વચ્ચે દ્વન્દ્વ ચાલતું રહે છે. આ જ વાતનું નિરૂપણ અકીરા કુરોસાવાએ ૧૯૫૦માં બનાવેલી ફિલ્મ 'રાશોમન' કરે છે. આજે આ ફિલ્મ વિષે વાત માંડવાની છે. 

‘રાશોમન’ જાપાની મધ્યકાલીન યુગની સફરે લઇ જાય છે. આ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મમાં માનવ અભિવ્યક્તિને પ્રકાશ અને પડછાયાનાં ઉપયોગથી કુરોસાવાએ સુંદર રીતે ઝીલી છે. આ ફિલ્મની પટકથા અદભૂત છે. પણ ‘રાશોમન’નો રીવ્યુ નથી લખવો. આજે તો વાત આ ફિલ્મની પટકથા વિષે અને સત્યની ચાર આવૃત્તિ વિશે. 

ભારે  વરસાદના વાતાવરણમાં એક જર્જરિત મંદિરમાં અમુક મુસાફરો ભેગા થયા છે - એક સાધુ, એક ગ્રામ્યજન અને એક કઠિયારો. તેમાંથી એક કઠિયારો અત્યંત વ્યાકુળ છે અને તે પોતાની વાત કહેવાનું શરુ કરે છે. સમાચારની રીતે તટસ્થતાથી (આમ તો આજકાલ સમાચારોને અને તટસ્થતાને કોઈ લેવા-દેવા નથી) જોઈએ તો એક ગાઢ જંગલમાંથી પસાર થતા યુગલ પર ભારે આફત આવી પડે છે. એક કુખ્યાત લૂંટારા સાથે ઝપાઝપીને અંતે પતિનું મૃત્યુ થાય છે અને પત્ની પર બળાત્કાર થાય છે. આ લુંટારો પકડાઈ જાય છે અને તેના પર કેસ ચાલે છે. આ કેસના જજ એટલે આપણે બધા – પ્રેક્ષકો. બધા જ સાક્ષીઓ આપણી સામે જોઈને વાત કરે છે. આપણે નક્કી કરવાનું છે કે સત્ય શું છે? અને સાચું કોણ છે. 

લૂંટારો: લૂંટારો એવું સાબિત કરવા મથે છે કે તે એક બહાદુર અને નીડર યોદ્ધો છે પણ ખૂની નથી. જંગલમાંથી આ યુગલને પસાર થતા જોઈને અને પવનની લહેરખીથી આ સ્ત્રીના નકાબને ઉંચકાતા જોઈને તેનું મન ચળી ગયું. તે આ બંનેનો પીછો કરીને ચતુરાઈપૂર્વક અને પોતાની બહાદુરીથી પેલા પુરુષને બંદી બનાવે છે અને તે સ્ત્રીની સાથે સહશયન કરે છે. આમાં બળાત્કાર જેવી કોઈ વાત જ નથી કારણકે સ્ત્રીએ કોઈ પ્રતિકાર જ કર્યોં નહતો. સ્ત્રી આ લુંટારાથી પ્રભાવિત હતી. છેવટે, તે જ્યારે ત્યાંથી નીકળતો હતો ત્યારે પેલી સ્ત્રી તેને પોતાની સાથે લઇ જવા માટે વિનવે છે અથવા તો તેનાં પતિને મારી નાખવા કહે છે. તેથી જ લૂંટારો તેના પતિને મુક્ત કરે છે અને તેની સાથે બહાદુરીપૂર્વક યુદ્ધ કરે છે, જેમાં પતિ મૃત્યુ પામે છે. આ જોઈને ગભરાઈને સ્ત્રી ભાગી જાય છે. લૂંટારો બધો જ કિંમતી સામાન લુંટી લે છે પણ પેલી સ્ત્રીની કીમતી કટાર ભૂલી જાય છે, એનો તેને અફસોસ છે. 

સ્ત્રી: સ્ત્રીની વાત આખી ઘટનાને વધારે જટિલ બનાવી મુકે છે. તેની વાત આ હુમલા પછી શરુ થાય છે. લૂંટારો ભાગી ચુક્યો હોય છે. સ્ત્રી તેના બંદીવાન પતિને મુક્ત કરે છે અને માનહાનિથી પીડાઈને સ્ત્રી પોતાને મારી નાખવા માટે તેનાં પતિને કહે છે. સામે તેનો પતિ સ્ત્રીને જ દોષી ઠરાવે છે. સ્ત્રીના હાથમાં તેની કીમતી કટાર હોય છે અને તે આઘાતથી બેહોશ થઇ જાય છે અને જાગે છે ત્યારે તે કટારથી તેના પતિનું મૃત્યુ થઇ ચૂક્યું હોય છે. આ સ્ત્રી ત્યારબાદ ડૂબીને મરવાનો પ્રયત્ન કરે છે પણ તેને બચાવી લેવામાં આવે છે. 
પુરુષ: હવે મૃત પુરુષને સાક્ષી રૂપે કઈ રીતે લાવવો? અહી તો કુરોસાવાની સર્જનાત્મકતાની ખૂબી દેખાઈ આવે છે. પુરુષનાં આત્માને તેની પત્નીના શરીરમાં બોલાવવામાં આવે છે. પુરુષની વાત આખી ઘટનાને નવો વળાંક આપે છે. આ હુમલા બાદ પેલો લૂંટારો તેની પત્નીને તેની સાથે ભાગી જવા વિનવે છે. તેની વાતથી લલચાઈને સ્ત્રી લૂંટારા સામે શરત મુકે છે કે લૂંટારાએ સૌથી પહેલા તેના બંદીવાન પતિને મારી નાખવો. લૂંટારો સ્ત્રીની આવી સદંતર બેવફાઈ જોઈને તેને ધૂત્કારી કાઢે છે. સ્ત્રી ગભરાઈને ત્યાથી ભાગી નીકળે છે. લૂંટારો પેલા પુરુષને મુક્ત કરે છે અને ભાગી છૂટે છે. પુરુષ પોતાનું સ્વમાન ઘવાતા આખરે પેલી સ્ત્રીની કીમતી કટારથી આત્મહત્યા કરે છે.

કઠિયારો: આખરે કઠિયારો એવું જાહેર કરે છે કે આ આખી ઘટના તેને છૂપાઈને જોઈ છે. હુમલા બાદ પેલો લૂંટારો સ્ત્રીને તેની સાથે આવવા વિનવે છે. પેલી સ્ત્રી કહે છે કે પોતે શાંતિથી ત્યારે જ જીવી શકશે કે જયારે પુરુષ અને લૂંટારા બંનેમાંથી એક જ જીવિત હોય. સ્ત્રી આ બંનેને યુદ્ધ કરવાનું કહે છે. આ બંનેમાંથી કોઈને મરવું નથી તેથી તેઓ એકબીજા સાથે લડવા માંગતા જ નથી. બંને પુરુષો ભેગા થઈને સ્ત્રીને આખી ઘટના માટે જવાબદાર ગણે છે. સ્ત્રીનો સામે જવાબ બહુ વેધક હોય છે કે તેની પર અત્યાચાર કરનાર એક વ્યક્તિ અને તેને નહિ બચાવી શકનાર બીજો વ્યક્તિ બંને ભેગા થઈને જેના પર અત્યાચાર થયો છે તેને કઈ રીતે જવાબદાર ઠેરવી શકે? આ પરિસ્થિતિ માટે બંને પુરુષો સરખા જ જવાબદાર છે અને તેથી આ ઘટનાનો તાર્કિક અંત દ્વન્દ્વયુદ્ધથી જ આવી શકે. આખરે બંને પુરુષો એકબીજાથી ડરતા ડરતા લડે છે. આ લડાઈ કોઈ બહાદુરીની લડાઈ નહોતી પણ કાયરોની લડાઈ હતી. પણ આખરે લૂંટારાની તલવારથી પુરુષનું મૃત્યુ થાય છે. 
એક નરી આંખે જોનાર સાક્ષી તરીકે આપણને કઠિયારાની વાત માનવાનું મન થાય. પણ તેમની સાથે બેઠેલો એક ગ્રામ્યજન આખી વાતને હસી કાઢે છે. તેનો તર્ક એ છે કે કઠિયારાની વાતમાં પેલી કીમતી કટાર તો આવી જ નહિ. તો પછી એ કટાર કઠિયારા પાસે તો નથી ને? અને શું એટલે જ આ વાત એવી રીતે રજૂ કરવામાં આવી કે જેમાં કટારને વચ્ચે લાવવી જ ન પડે? આ પ્રશ્નો કઠિયારાનાં નિરપેક્ષ સાક્ષી હોવા પર પ્રશ્નાર્થ મૂકી દે છે.

અહી દરેક વ્યક્તિ પોતાના મનોવલણો પ્રમાણે કોઈ ઘટનાને જુએ છે. પકડાયા પછી, મૃત્યુ પછી કે જુલમ વેઠ્યા બાદ પણ સૌ પોતાના સાનુકુળ સત્યો કે સાપેક્ષ સત્યો (કે નર્યા જૂઠાણા) છોડી શકતું નથી. દરેકને દુનિયામાં સાચી કે આદર્શ વ્યક્તિ તરીકે રજૂ થવું હોય છે અને તે માટે તેઓ સત્ય ઘટના સાથે રમત રમતા થઇ જાય છે. કુરોસાવાની આ ફિલ્મ મૂળભૂત પ્રશ્ન ઉભો કરે છે કે શું કઈ પણ સાચું જાણી જ ન શકાય? શું સત્ય જેવું કંઇક હોતું જ નથી? શું માનવજાત પર વિશ્વાસ મુકવા જેવો જ નથી? શું દરેક વ્યક્તિ જૂઠો જ હોય છે? કુરોસાવા આનો જવાબ ફિલ્મમાં પોતાની રીતે આપીને એક ખૂબસુરત મોડ આપીને ફિલ્મ પૂરી કરે છે. આ ખૂબસુરત મોડ માટે તો ફિલ્મ જ જોવી પડે. જેણે આ ફિલ્મ જોઈ હશે તેમને આ ખૂબસુરત મોડના ઉલ્લેખથી મો પર સ્મિત આવી ગયું હશે. 

આજે ‘એક ઘટનાની અનેક આવૃત્તિ’ જેવી ફિલ્મોની નવાઈ નથી. ‘સુરજ કા સાતવા ઘોડા’ જેવી ભારતીય ફિલ્મ કે ‘રન લોલા રન’ જેવી વિદેશી ફિલ્મોમાં આવી વાતનું નિરૂપણ થયું છે. પણ આ બધાયમાં ‘રાશોમન’ અનન્ય છે અને તેને વારંવાર જોવાનું મન થાય છે. કુરોસાવાની ફિલ્મો જાપાની સંસ્કૃતિના આધુનિક પ્રતિનિધિ સમાન છે. બીજા  વિશ્વયુદ્ધ બાદ જાપાનના પ્રજા જીવન, રાજકારણ અને કલા જગતમાં મોટા બદલાવ આવ્યા. ૧૯૫૦માં જ્યારે દુનિયામાં ફિલ્મ સર્જન અને લેખન પા-પા પગલાં ભરતું હતું, હોલીવુડનાં મસમોટા સ્ટુડીઓ ઉભા થઇ રહ્યા હતા, ત્યારે જાપાનમાં અકીરા કુરોસાવા, યાશીઝીરો ઓઝુ વગેરેએ દુનિયાને 'ફિલ્મ બનાવતા' શીખવાડવાની શરૂઆત કરી. સુદૂર પૂર્વની આ ફિલ્મોએ પશ્ચિમ અને બાકીના જગતને ફિલ્મોની ગુણવત્તાનું એક નવું સ્તર આપ્યું છે. 

આ બ્લોગ પર અકીરા કુરોસાવા વિષે અહી અને અહી લખાઈ ચૂક્યું છે.