Wednesday, May 04, 2011

એક આર્કિટેકચરલ ગૂંચવાડો - એક સંવાદ

(નીચેનો સંવાદ આ પોસ્ટ પરથી પ્રેરિત છે.)
પિંકી: પપ્પા, મારે સ્કૂલ માટે એક પ્રોજેક્ટ કરવાનો છે કે બધાનાં મમ્મી-પપ્પા શું કામ કરે છે અને એ પરથી અમારા ટીચર અમને અલગ-અલગ પ્રોફેશનનું આપણી લાઈફમાં શું મહત્વ છે તેના વિષે કહેશે. તો બોલોને તમે શું કામ કરો છો?
પપ્પા: કેમ? તને તો ખબર છે કે હું આર્કિટેક્ટ છું...
પિંકી: પણ પપ્પા, આર્કિટેક્ટ શું કરે?
પપ્પા: આર્કિટેક્ટ બિલ્ડીંગની ડીઝાઈન બનાવે...
પિંકી: અમારે ભણવામાં આવે છે કે મકાન તો કડીયો બનાવે, તો આર્કિટેક્ટ શું કરે?
પપ્પા: આર્કિટેક્ટ બિલ્ડીંગની ડીઝાઈન બનાવે...મકાન ચણવાનું કામ કડિયો કરે. 
પિંકી: ડીઝાઈન એટલે શું? પેલા શૈલેશકાકાના ઘરે ઉપર સીલીંગ પર ડીઝાઈન છે તેવી...
પપ્પા: ના, તેને તો ડેકોરેશન કહેવાય, ડીઝાઈન એક એવી પ્રક્રિયા છે કે જેમાં વિવિધ પ્રવૃતિઓ કે વપરાશોને ધ્યાનમાં લઈને તેમજ આજુ-બાજુના પર્યાવરણને ધ્યાનમાં લઈને,  એક નવી જ અનુભૂતિનું સર્જન કરવામાં આવે કે જ્યાં પ્રકાશ અને પરિમાણના સંયોજનથી... 
પિંકી: પપ્પા, કૈંક સમજાય તેવું બોલો ને...
પપ્પા: ઓકે, બિલ્ડીંગની ડીઝાઈન એટલે કે આ ભવિષ્યમાં બનનારું મકાન બહારથી અને અંદરથી કેવું બનશે તેની માહિતી જેનાં માટે મોટા-મોટા નકશા બનાવવા પડે. 
પિંકી: તો તમે તે નકશા બનાવો છો? 
પપ્પા: નકશા બનાવવા માટે તો ડ્રાફ્ટમેન હોય. જે ડીઝાઈન પ્રમાણે નકશા બનાવે.
પિંકી: ઓકે, તો તમે નક્કી કરો કે મકાન કેટલું મોટું, કેટલું નાનું બનશે...
પપ્પા: ના, એ તો પહેલે થી જ નક્કી હોય...સરકારી નીતિ-નિયમો અને જે મકાન બનાવે છે તેને કેટલું મોટું કે નાનું મકાન જોઈએ છે તે પરથી...
પિંકી: તો પછી તમે એમ નક્કી કરો કે દીવાલ કેટલી જાડી કે પાતળી કરવી...
પપ્પા: દીવાલ કેટલી જાડી કે પાતળી કરવી અને મકાનનું માળખું કઈ રીતનું બનાવવું તે તો સ્ટ્રકચરલ એન્જીનીયર નક્કી કરે. 
પિંકી:  ઓકે, તો જયારે સ્ટ્રકચરલ એન્જીનીયર મકાનનું માળખું બનાવે ત્યારે તમે તેની અંદરની ડીઝાઈન કરો જેમ કે બધાં રૂમની સાઈઝ કેટલી રાખવી.
પપ્પા:  હા, રૂમની સાઈઝ નક્કી કરી શકાય પણ મકાનની અંદરની ડીઝાઈન  ઝીણવટથી કરવા માટે તો ઇન્ટીરીયર ડીઝાઈનર હોય...પણ જો કે સ્ટ્રકચરલ એન્જીનીયર તો આર્કિટેક્ટની ડીઝાઈન પ્રમાણે માળખું બનાવે... અને...
પિંકી: તો પછી તમે મકાનના બહારની ડીઝાઈન બનાવો?
પપ્પા: મકાનની બહારની ડીઝાઈન કરાવી એટલે કે એલીવેશનની ડીઝાઈન કરાવી તે તો બહુ કૃત્રિમ કામ છે. It is like icing on the cake...આર્કિટેક્ટ આખા પ્રોજેક્ટની ઓવર ઓલ સ્કીમ બનાવે. જેમાં મકાન, લેન્ડસ્કેપ, વગેરે બધું જ આવી જાય. 
પિંકી: લેન્ડસ્કેપ એટલે...
પપ્પા: બાગ-બગીચા, ફૂલ-પાંદડા અને ઘાસ... 
પિંકી: પણ બાગ બનાવવાનું કામ તો માળી કરે... 
પપ્પા: માળી બાગ સાચવવાનું કામ કરે, લેન્ડસ્કેપ માટે તો અલગ ડીઝાઈનર હોય, તેને લેન્ડસ્કેપ ડીઝાઈનર કહેવાય. 
પિંકી: ઓહ, તો તમે તેની પણ ડીઝાઈન ન બનાવો!
પપ્પા: મેં કહ્યુંને કે આર્કિટેક્ટ ઓવર ઓલ સ્કીમ બનાવે...
પિંકી: હા, પણ તેમાં મકાનના માળખાની ડીઝાઈન ન આવે, અંદરની ડીઝાઈન ન આવે, કંઇક મોટું કે નાનું કરવાની વાત ન આવે, બહારના લેન્ડસ્કેપની ડીઝાઈન ન આવે...તો પછી બાકી શું રહ્યું? 
પપ્પા: Oh come on! Architect is a like a music conductor who synthesises and directs people playing different instruments... 
પિંકી: આમાં મ્યુઝીક ક્યાંથી આવ્યું વળી? 
પપ્પા: હું માત્ર simile આપી રહ્યો છું.
પિંકી: હું સીરીયસ વાત કરૂ છું અને તમે તો કવિતા જ કરો છો, મને કહોને કે તમે આ બધાના લેન્ડસ્કેપવાળા, એન્જીનીયર, કડિયા, માળી વગેરેના બોસ છો કે તે લોકો તમે કહો તેમ કહ્યા કરે?
પપ્પા: નોટ એક્ઝેક્ટલી... 
પિંકી: તો પછી તમે એક્ઝેક્ટલી શું કામ કરો છો? 
પપ્પા: હું તને સમજાવું છું પણ તારે સમજવું જ નથી કે ડીઝાઈન એટલે શું, તો પછી કંઈ આગળ કેવી રીતે કહી શકાય. 
પિંકી: તમે કંઈ સમજાય તેવું બોલતા જ નથીને, હું જે કંઈ પણ પુછું છું તેના માટે તમે કહો છો કે આ કામ કરવા માટે તો બીજું કોઈ હોય. 
(પપ્પા જવાબ શોધવામાં પડે છે.)
પિંકી: તો પછી મને એક વાત કહો કે આ રસ્તા પર સરસ ચાલી શકાય માટે ફૂટપાથ કોણ બનાવે? તમને ખબર છે અમારી સ્કૂલની બહાર રસ્તો ક્રોસ કરતા કેટલો ડર લાગે છે. અને હા, રસ્તાની આજુબાજુમાં છાંયડો આપતા સરસ ઝાડ કોણ વાવે? અને જો તમે બધા માટે ઘર જ બનાવતા હોવ તો પછી આપણે ત્યાં કામ કરવા આવે છે તે લીલાબેન માટે ઘર કોણ બનાવશે? તમે એમનું ઘર જોયું છે? કેટલું નાનું છે... 
પપ્પા: પણ બેટા આમાંથી ઘણા કામ તો સરકારે કરવાના હોય છે અને... 
પિંકી: હમમ... મને લાગે છે કે કરવા જેવા કામ માટે હમેશા બીજું કોઈ હોય છે. મને તો થાય છે કે અમારા ટીચર ખરેખર એવું માનતા હશે કે આ બધા અલગ-અલગ પ્રોફેશન આપણી લાઈફમાં જરૂરી છે?
પપ્પા: અફ કોર્સ, જરૂરી છે. 
પિંકી: ખબર નહિ, મને તો એવું લાગે છે કે મોટા લોકો ખાલી મોટી-મોટી વાતો જ કરતા હોય છે... 
(પપ્પા વિચારમાં પડે છે અને પિંકી 'મોટી થઈને હું શું નહિ બનું' તેની ગણતરી માંડે છે.)