Thursday, December 20, 2012

એક પ્રિસાઈડીંગ ઓફિસરની ડાયરી

Polling officials at work, Photo Courtesy: thehindu.com
પ્રિસાઈડીંગ ઓફીસર એટલે કોઈ એક મતદાન મથક (બૂથ) પરના પ્રમુખ અધિકારી. આ અધિકારી પાસે મુખ્યમંત્રીને પણ તેના મતદાન વિસ્તારમાં આવતા રોકવાની સત્તા હોય તેવું કહેવાય છે. એમ તો પ્રમુખ અધિકારી સાંભળવામાં કેવું સારું લાગે છે, નહિ? પણ સમગ્ર સરકારી તંત્રમાં વિવિધ પ્રકારના 'પ્રમુખ' અધિકારીઓ છેક ઉપરથી લઈને નીચે સુધી છવાયેલા હોય છે. એટલે બૂથ લેવલનો પ્રમુખ અધિકારીએ 'ઓલ આર ઇકવલ બટ સમ આર લેસ ઇકવલ ધેન ધ ઇક્વલ્સ'ની જેમ બધાય મુખ્ય અધિકારીઓમાં સૌથી ઓછો પ્રમુખ હોય છે. તેનું મુખ્ય કામ હોય છે કે મતદાનના આગળ દિવસે સવારે બૂથની બધી જ સામગ્રી (ઈવીએમ મશીન, લગભગ દોઢસો ફોર્મ, તે મુકવાના કવર, મત કુટીર વગેરેથી લઈને ટાંકણી સુધી)ની સામગ્રી ભેગી કરીને સરકારી બસમાં બેસીને મતદાન મથકે જવું. સમગ્ર વ્યવસ્થા ગોઠવવી અને રાત્રે ત્યાં જ રોકાવું - એટલે કે ઇવીએમ મશીન 'છાતીએ બાંધીને સૂઈ જવું'. બીજા દિવસે મતદાન નિયમ પ્રમાણે કરાવવું, બધી વ્યવસ્થા જાળવવી અને મોડી રાત સુધી એક-એક મતનો હિસાબ મેળવીને બધી જ સામગ્રી (ટાંકણી સુધ્ધાં) જાતે જ પાછી પહોંચાડવી.

આવી રીતે જ એક પ્રિસાઈડીંગ ઓફિસરની કામગીરી બજાવ્યા બાદ પડતી ખાવા-પીવા-સૂવાની તકલીફો વિષે પોતાની જાત પર આવતી દયા-સહાનુભૂતિને બાદ કરીએ તો ઘણી રસપ્રદ વાતો થઇ શકે છે. વૈધાનિક રીતે એક બૂથની કામગીરીમાં સૌથી મહત્વનો દસ્તાવેજ હોય છે પ્રિસાઈડીંગ ઓફિસરની ડાયરી. એવી જ રીતે આ લેખ એક દિવસ માટે બનેલા પ્રિસાઈડીંગ ઓફિસરની બિન-સત્તાવાર, બિન-વૈધાનિક ડાયરી છે જેમાં લોકો, લોકશાહી અને સરકાર વચ્ચે ઘુમરાતાં વિવિધ રંગબેરંગી અવલોકનો છે. પ્રિસાઈડીંગ ઓફીસરની હાલત નીચે ફોટામાં દેખાઈ રહી છે તેવી પણ સાવ હોતી નથી. 

સત્તા અને જવાબદારી 
આપણા સરકારી તંત્રએ સ્પાઈડરમેન દ્વારા પ્રચલિત કરવામાં આવેલું સૂત્ર 'with great powers comes great responsibilities'ને બહુ સાહજીકતાથી પચાવ્યું છે. એટલે કે સત્તાની સાથે સાથે જવાબદારીઓ પણ આવે છે. ફરક અહીં એટલો છે કે સત્તા ઉપરથી નીચે પ્રસરે છે તો જવાબદારીઓ નીચેથી ઉપર. જ્યારે સૌથી સર્વસત્તાધિશ અધિકારી કોઈને કોઈ સત્તા સૌપે એનો મતલબ એવો ક્યારેય નથી થતો કે તે સત્તા કે હોદ્દો પામવાલાયક તમે યોગ્ય વ્યક્તિ છો. એનો સાદો અર્થ એ થાય છે કે જેને જેટલી સત્તા મળતી હોય તે વ્યક્તિ પર એટલી જવાબદારી ઢોળી શકાય. એટલે તમને જવાબદારી સોંપીને તમારા ઉપરી અધિકારી રાહતનો શ્વાસ લઇ શકે છે. સમગ્ર વ્યવસ્થા ચાલે છે 'કોની જવાબદારી છે' તે નક્કીને. આ જવાબદારીઓનું ભાન નવા-સવા અધિકારીઓને તાલીમ દરમ્યાન ગર્ભિત ચેતવણી, છૂપી ધમકી દ્વારા આપી શકાય છે. છેવટે સામાન્ય અધિકારી દેશદાઝ કે બીજા કોઈ ઉદ્દાત ભાવ રાખ્યા વગર 'પોતે આમ નહિ કરશે તો ફસાઈ જશે' તે ભાવે જ 'નોકરી' કરતો થઇ જાય છે. ચૂંટણીની ફરજ કે જે ખરેખર નાગરિક તરીકેની રાષ્ટ્રીય ફરજ હોવી જોઈએ તે આખરે એક કરવા ખાતર કરવું પડતું કામ બનીને રહી જાય છે. સત્તા અને જવાબદારીના સમીકરણોમાં તમે જે કામ કરો છો તે તમને ગમે છે એટલે કરો છો કે પછી તમે દરેક કામ આટલી જ સંનિષ્ઠતાથી કરો છો તેવી ભાવના માટે અવકાશ ઓછો હોય છે.
EVM machines being carried to the booth
Photo courtesy:  thehindu.com
ઘણા મહેનતુ અધિકારીઓ જોયા!
ચૂંટણીની સરકારી કામગીરી નજીકથી જોયા પછી ચોક્કસ એવું કહી શકાય કે સરકારી રાહે કામ કરીને કાર્યદક્ષતા અને પારદર્શિતા લાવવી હોય તો લાવી શકાય છે. ચૂંટણીની કામગીરી દરમ્યાન ભોજન-આરામ પરવા કર્યા વગર સાચું શું છે, યોગ્ય શું છે તેવી ફિકર કરીને કામ કરતા ઘણા અધિકારીઓ જોયા. આ ચૂંટણીની કામગીરીમાં મહિનાઓથી જોડાયેલા અને કેટલીય રાતોથી ઉજાગરા કરી રહેલા અધિકારીઓ મોટી સંખ્યામાં હતા કે જેમની સખત મહેનતથી ચૂંટણીની વ્યવસ્થા ચાલતી હતી. લોકશાહીના પર્વને ખરા અર્થમાં ઉજાગર કરનાર આ અધિકારીઓને અભિવાદન ઘટે. દરેક સરકારી કાર્યદક્ષતાના પ્રશ્નોના જવાબ ખાનગીકરણમાં શોધતા લોકો એ આ અધિકારીઓને કામ કરતા જોવા જેવા છે. જો કે લઘુમતિમાં એવા લોકો પણ હતા કે જે દરેક વાતમાં પોતાનો ફાયદો કે કામ ન કરીને કેવી રીતે બચી શકાય તે જ શોધતા હતા, તેમાંના ઘણાં ખાનગી શાળાના શિક્ષકો પણ હતા. ટૂંકમાં, કાર્યદક્ષતા સરકારી કે ખાનગી નથી હોતી.
Polling officials checking the election material
પીપલ આર પીપલ - એક ડબ્બાના મુસાફરો 
ચૂંટણીની પ્રક્રિયાની સામગ્રી લઈને દોડાદોડ કરતા, મતદાન મથકની વ્યવસ્થા સંભાળતા, રાત્રે આમ-તેમ સુઈ જતા પ્રિસાઈડીંગ ઓફિસર, પટાવાળા અને બીજો સ્ટાફ ધીરે-ધીરે એકબીજાથી ટેવાતો જાય છે. એક ડબ્બાના મુસાફરોની જેમ બધા સાથે મળીને વાતચીત કરતા અને કામ કરતા થઇ જાય છે. લસણ-ડુંગળી ન ખાનારા અને નમાઝ પઢવાવાળા સૌ કોઈ એક સાથે કામે લાગી જાય છે. જો કે વર્ગ-જાતિના વાડા સાવ ભૂલાઈ જતા નથી. પણ જો તમે એવી ઓફિસમાં કામ કરતા હોવ કે જ્યાં એકબીજાને તેમના નામથી બોલાવવાની રીતરસમો હોય તો અહીં તમે અચાનક તમારી અટકથી ઓળખાવા લાગો છો. તમારી ઓળખાણનું રૂપાંતરણ તમારા નામમાંથી અટકમાં સરકારી રાહે બહુ સાહજિકતાથી અને ઝડપથી થઇ જાય છે. 

લોકશાહીનો ઉત્સવ 
મતદાન શરુ થયું ત્યારે લાંબી-લાંબી લાઈનો લાગી ગઈ હતી. કેટલાય લોકોમાં ઉત્સાહ અનેરો હતો જાણે કે કોઈ મેળામાં મહાલવા આવ્યા હોય. એક-બે મતદારો અધિકારીઓ જોડે ઝગડી પડ્યા. વોટ આપવા આવનાર લોકોને ગમે તે આર્થીક સ્તરના હોય, તેમને આજના દિવસે સરકારી અધિકારીઓ જોડે સારી રીતભાતની અપેક્ષા હોય છે. કદાચ પ્રજાને 'આજે મારો દિવસ છે' તેવું કહેવા બહુ મળતું નહિ હોય એટલે મતદાનના દિવસે તેમને જરા સરખું પણ અપમાન સહન થતું નથી. વોટ આપવો તે તેમનો હક છે અને તે અંગે સારી એવી જાગૃતિ જોવા મળી. 'બધાને સમાન હક છે' તેવી નાગરિક હોવાની લાગણી પાંચ મિનીટના કામ માટે પણ પ્રત્યક્ષ થાય અને 'સરકાર માઈબાપ' પોતાના સિહાંસનથી નીચે ઉતરીને બેલેટ સુધી આવી શકે તેવી નાની-નાની લોકશાહીની કરામતો બહુ સંતોષકારક હોય છે.

પ્રેક્ટીકલ અને 'પોજીટીવ' 
સમગ્ર પ્રક્રિયા દરમ્યાન આ બે શબ્દો સતત સંભાળવા મળ્યા. પ્રેક્ટીકલ બનવું એટલે નિયમોનો ઠાલો આગ્રહ રાખ્યા વગર કે આદર્શ વાતો કર્યા વિના કેવી રીતે કામ ઝડપથી પતાવી શકાય. કેટલાક મહારથીઓ પ્રેક્ટીકલ બનવાનું વિશાળ અર્થઘટન ખોટાં કામ કરવા પણ કરે છે. બાકીના લોકો માટે પ્રેક્ટીકલ બનવું એટલે કોઈ વેદીયાવેડા કર્યા વિના (અને ક્યારેક મગજ બંધ કરીને) કામ ઉકેલવું. બીજો શબ્દ તે 'પોજીટીવ' (પોઝીટીવ) બનવું. આ શબ્દ વાપર્યા વગર અમુક વ્યક્તિઓ પોતાના વિષે વાત કરી શકતા નથી. 'હું પોજીટીવ માણસ છું' એમ કહેવું તે 'હું સારો માણસ છું' તેમ કહેવા કરતાં વધારે મહત્વ ધરાવે છે અને આ બહુ સાહજિકતાથી કહી શકાય છે. આ આખી પ્રકિયા દરમ્યાન મને ઘણા 'પોજીટીવ' માણસો મળ્યા જેમણે મને સતત પ્રેક્ટીકલ બનવાની સલાહ આપી. કદાચ મારા ચહેરા પર એવું લખ્યું હશે કે મારે પ્રેક્ટીકલ બનવાની જરૂર છે.

'જાગૃત નાગરિક'
વાતચીત દરમ્યાન એક અધિકારી બહુ જ સહજતાથી એવું બોલી ગયા કે, "બધું નિયમ પ્રમાણે જ કરજો. આમ તો કોઈ પૂછતું નથી પણ કોઈ જાગૃત નાગરિક આવી જશે તો તકલીફ પડશે".  મને આ સંભાળીને બહુ હસવું આવેલું. યુ નો, ધોઝ જાગૃત નાગરિક ટાઈપ્સ! સરકારી ઓફિસરને સૌથી વધારે ચીડ કોની તો આવા જાગૃત નાગરિકની! જાગૃત નાગરિક આવે તો સવાલ પૂછે, જાગૃત નાગરીકને નિયમોની ખબર હોય, જાગૃત નાગરિક માહિતી માંગે. એટલે સરકારી ઓફિસો એવું ઈચ્છે કે નાગરિક જાગૃત ન હોય તો કામ ઓછું કરવું પડે અને લાભ વધુ લઇ શકાય. હવે ખબર પડે છે કે આ દેશમાં માહિતી અધિકાર (Right to Information)ની જરૂર કેમ પડે છે.

49-ઓ એ 'રાઈટ ટુ રીજેક્ટ'થી બહુ દૂર છે.
લોક્પ્રતીનીધીત્વ ધારાની કલમ 49-ઓ (ગુજરાતીમાં 49-ઘ) વિષે બહુ ચર્ચા ચાલે છે. ઘણા સામાજિક કાર્યકરો અને સંસ્થાઓએ પ્રચાર કરેલો કે કોઈ પણ ઉમેદવારો ન ગમે તો બધા ઉમેદવારોને રિજેક્ટ કરવા માટે 49-ઓનું ફોર્મ ભરો અને પોતાનો વિરોધ નોંધાવો. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઈવીએમ મશીન પર આવી કોઈ વ્યવસ્થા ન હોવાથી મતદારે આવું એક અલગ ફોર્મ ભરવું પડે છે, જેમ ન કરવા માટે પ્રિસાઈડીંગ ઓફિસર તેમને સમજાવતા હોય છે કારણકે આવું કરવાથી તેમનું કામ વધે છે. પણ મુખ્ય વાત એ છે કે આવું થવાથી આ મતદાન ગુપ્ત રહેતું નથી, જે કાયદાની રીતે ગુપ્ત રહેવું જરૂરી છે. બીજું કે, ભલે ગમે તેટલા આવા 'નોન-વોટ' પડે તો પણ કોઈ એક ઉમેદવારને વિજેતા ઘોષિત કરવામાં આવે છે એટલે આ શસ્ત્ર બુઠું છે અને ત્રીજું કે, સરકારી સીસ્ટમમાં આ નોન-વોટ કે નલ-વોટ 'સુપ્રત કરેલા મત' તરીકે નોંધાય છે. કોઈ એવું નોંધતું નથી કે મતદાર આ મત કેમ નથી આપતો કે તેના કારણો શું છે. આ 'સુપ્રત કરેલા મત' એક ફોર્માલીટી અને આંકડો બનીને રહી જાય છે. તેના કોઈ પણ વૈધાનિક કે રાજકીય દબાણો સર્જાતા નથી. તેથી ભારતમાં 'રાઈટ ટુ રીજેક્ટ'ની જરૂર વર્તાય છે. 

સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ 
મોટાભાગના પ્રિસાઈડીંગ ઓફિસર પોતે જેવા લોકો અને વિસ્તારને જોવા ટેવાયેલા હોય તેથી બહુ જુદા વિસ્તારમાં ગયા અને બહુ  અલગ પ્રકારના લોકોને તેમણે જોયા હશે. મારા માટે નવાઈની વાત એ હતી કે આવનાર મતદારોમાંથી 20-30 વર્ષની યુવતીઓ રજીસ્ટરમાં સહી કરવાને બદલે અંગૂઠાનું નિશાન કરે. જૂની પેઢીના મતદારો અને ખાસ તો સ્ત્રીઓ અભણ હતી જે માની શકાય તેવી હકીકત છે. પરંતુ નવી પેઢીમાં અને યુવાન સ્ત્રીઓમાં આજના જમાનામાં સાક્ષરતા ન હોય તે માનવું અઘરું છે.  વળી, આ કંઈ બિલકુલ ગરીબ પરિવારોની વાત નથી પણ લગભગ મધ્યમ વર્ગ કે નીચલા-મધ્યમ વર્ગના પરિવારોમાં આવું જોવા મળે તે બહુ નવાઈની વાત છે. કારણકે અહીં છોકરીઓને ન ભણાવવા પાછળ પૈસા નહિ પણ વૃત્તિ જવાબદાર છે. આ અભણ યુવતીઓ પોતાના બાળકોને કેવી રીતે ભણાવશે અને પરિવારમાં તેનું સ્થાન કેવું રહેશે?
Photo courtesy: nytimes.com
આખા ચૂંટણી તંત્રમાં સ્ત્રીઓની ભૂમિકા 
આખા ચૂંટણી તંત્ર અને સરકારી તંત્રમાં ચૂંટણીની કામગીરીમાં કામકાજના કલાકો નિશ્ચિત ન હોવાથી મહિલા કર્મચારીઓ માટે પ્રિસાઈડીંગ ઓફિસર બનવું બહુ મુશ્કેલ કામ છે. આ કામ મહિલા કર્મચારીઓને આપવામાં આવતું જ નથી. બૂથની કામગીરીમાં એક માત્ર કામ જે મહિલા પોલીંગ ઓફિસરને સોંપવામાં આવે છે તે છે મતદારોની આંગળી પર શાહીથી નિશાન બનાવવું. કારણકે મોટાભાગના મહિલા કર્મચારીઓને નોકરી ઉપરાંત ઘર-બાળકોની જવાબદારી સાંભળવાની હોઈ કામકાજના લાંબા કલાકો પોસાતા નથી. એટલે તંત્ર પણ તેમને બહુ હેરાન નથી કરતુ અને મહિલાઓ પણ પોતાની માર્યાદિત ભૂમિકા સ્વીકારી લે છે. આ આખી પ્રક્રિયામાં બધાની ભાગીદારી સરખી કેવી રીતે કરી શકાય તે અંગે ખરેખર નવેસરથી વિચારવા જેવું છે.

છેવાડાની લોકશાહી અને સરકારની દરકાર 
મતદાનના દિવસે લોકોનો અનેરો ઉત્સાહ જોઇને એવું લાગ્યું કે શા માટે પાંચ વર્ષે એક જ વાર એવો દિવસ આવે કે જ્યારે સરકારે નાગરીકો સુધી પહોંચવું પડે. સરકારે તેના રોજબરોજના કામ માટે સ્થાનિક લાગણી જાણવી જોઈએ અને નાગરીકોને પણ તેમના અંગત કે સ્થાનિક પ્રશ્નો માટે સરકાર નજીક હોવી જોઈએ. લોકશાહીએ છેવાડા સુધી પહોંચવા માટે લોકોની આસપાસમાં માળખાકીય તંત્ર ઉભું કરવું જોઈએ. 73-74 બંધારણીય સુધારા અને પંચાયતી રાજની વ્યાખ્યા પણ આવી સ્થાનિક સંસ્થાની તરફેણ કરે છે. નાગરિક સુવિધા કેન્દ્રો (સિવિક સેન્ટર) આ જ તર્ક પર આધારિત છે પણ તેમનો વ્યાપ્ત વધ્યો નથી અને તે માત્ર મ્યુનીસીપલ તંત્રની સાથે જોડાયેલા હોય છે. શું એવા સિવિક સેન્ટર ન હોઈ શકે કે જે નાગરિકોને બધા જ સરકારી દસ્તાવેજ કે આઈ-કાર્ડ વગેરે બનાવવા માર્ગદર્શન આપે, સરકારી યોજનાઓ વિષે સમજાવે, સ્વાસ્થ્ય વગેરે માટે જાગૃત કરે જેથી લોકોને અલગ-અલગ સરકારી ઓફિસોમાં ધક્કા ન ખાવા પડે. શું વોર્ડ કે એરિયા લેવલ પર આવી સુવિધાઓ વિકસાવવી બહુ અઘરી છે? આપણી સરકારોએ હવે જનતા માટે દરકાર જતાવવાની બહુ જરૂર છે. 

એન્ડ નોટ
પત્ની: અરે, હું વોટ આપવા ગઈ ત્યારે સતત એ જોતી હતી કે આ 'પ્રિસાઈડીંગ ઓફિસર' કોણ છે અને તેને શું કામ કરવાનું હોય છે. મને તો ત્રણ-ચાર લોકો દેખાયા કે જે રજીસ્ટર રાખે, આંગળીએ સહી લગાડે ને પેલા ઈવીએમ મશીનમાં સ્વીચ દબાવીને વોટ લેવા મોકલે... એટલે તારે શું કરવાનું હતું? 
પતિ: આમાંથી કશું ય નહિ...
પત્ની: અરે હા, છેલ્લે એક ભાઈ ટેબલ બેઠા હતા અને બધા પર નજર રાખતા હતા પણ કંઈ કામ નહોતા કરતા... એ પ્રિસાઈડીંગ ઓફીસર?
પતિ: હા, એ જ વ્યક્તિ એટલે હું! Yes, I was that guy who was not doing anything! :)

Note: All photos in this post are generic photos and they only depict situations and not individuals. 

Tuesday, October 30, 2012

દિલ્હીમાં બીઆરટીએસ વિષે હાઈકોર્ટનો 'ક્રાંતિકારી' ચુકાદો"...લોકશાહીમાં સીધેસીધી રીતે ખાનગી કારોને જપ્ત કરીને તેમનો નાશ કરવો શક્ય નથી એટલે એકમાત્ર લોકશાહી ઉપાય છે બસ માટે રસ્તા પર અલાયદી જગ્યા ફાળવવી કે જેથી બસ ઝડપથી આવ-જા કરી શકે અને લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવા માટે ઉત્તેજન મળે..."
- દિલ્હી હાઈકોર્ટ, 18 ઓક્ટોબર, 2012
WP(C) No. 380/2012, Page no. 21, Full verdict here

The BRT corridor in Delhi, Photo: UNEP
ભારતીય શહેરો જાહેર સવલતો, સુવિધાઓ અને લાભો માટે પરસ્પર સ્પર્ધા માટેના સરનામાં બની ચૂક્યા છે. દિલ્હી શહેરમાં બીઆરટીએસના કોન્સેપ્ટને લઈને રોડ્સ્પેસ ખરેખર કોના માટે હોવી જોઈએ તે પ્રકારનો વાદવિવાદ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી પહેલા જાહેર માધ્યમોમાં અને પછી તો કોર્ટના સંકુલોમાં ચાલી રહ્યો હતો. આ વિવાદ શમ્યો નથી અને આગામી વર્ષો તે પૂરી રીતે શાંત પણ નહિ થાય. જેમ જેમ રસ્તાઓ પર વાહનો વધતા જાય છે તેમ તેમ રસ્તા પર કોનો હક વધારે તે વિવાદ વિવિધ શહેરોમાં વકરવાનો જ છે. આવી પરિસ્થિતિમાં હાઈકોર્ટનો આ ચુકાદો મહત્વનો છે. દિલ્હીવાળા મામલામાં અને શહેરી ટ્રાન્સપોર્ટના વિષયમાં રસ હોવાથી મેં આ વિવાદ નજીકથી જોયો છે અને જયારે દિલ્હી જવાનું બન્યું છે ત્યારે સામાન્ય લોકોથી લઈને નિષ્ણાતો સુધી આ વિષે વાત થઇ છે.

વાત જાણે એમ છે કે 2005-06ના સમય ગાળામાં દિલ્હી, અમદાવાદ, પુણે અને ઇન્દોર જેવા શહેરોને બીઆરટીએસ જેવી આમ સરળ પણ તકનીકી રીતે સંકુલ સીસ્ટમ પોતાના શહેરોમાં ઉભી કરવા માટે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયમાંથી ઉત્તેજન આપવામાં આવી રહ્યું હતું. મૂળ તો એન.ડી.એ.ના સમયમાં રજૂ થનારી નેશનલ ઉર્બન રીન્યુઅલ મિશનને યુ.પી.એ. સરકારે જારી રાખી હતી અને જે શહેરો બીઆરટીએસ બનાવવા આગળ આવે તે માટે તેમને કેન્દ્રીય સ્તરથી સારું એવું ભંડોળ મળે તેવી વાત હતી. આગળ જતા આ શહેરોને માત્ર માળખાકીય સુવિધા માટે જ નહિ પણ બસો ખરીદવા માટે પણ ભંડોળ અને સાથ-સહકાર મળ્યો હતો. આ હેઠળ દિલ્હીમાં પ્રથમ 5.6 કિમીનો પાઈલોટ પ્રોજેક્ટ ડો.આંબેડકરનગર અને મૂલચંદ જંકશન વચ્ચે બનાવવાની યોજના રજૂ થઇ. આ પાઈલોટ પ્રોજેક્ટનું કામ 2009ની શરૂઆતમાં પૂરું થયું અને આ કોરીડોર જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો.

આ કોરીડોરની ડીઝાઈન ભારતીય શહેરોમાં જવલ્લે જ જોવા મળે તેવી હતી. અહીં બસ માટે પહોળો અલાયદો રસ્તો હતો અને ટ્રાફિક જંકશન પાસે બસસ્ટોપ મૂકવામાં આવેલા. ખાનગી ટ્રાફિક માટે બંને દિશામાં બે-બે લેન હતી, જે મૂળ રસ્તામાં ત્રણ હતી અને  એકની બાદબાકી કરીને તે બસ માટે આપવામાં આવી હતી. વળી, જંકશન પાસે વધુ બસ-સ્ટોપ સમાવવા માટે બસ લેન પહોળી થતી હતી. આ એક ટેકનીકલ ખામી હતી જે બસના ટ્રાફિકની તરફેણમાં હતી અને ખાનગી ટ્રાફિકની વિરુદ્ધમાં. આ સિવાય, રાહદારીઓ માટે 'ખરેખર ચાલી શકાય' તેવી પહોળી ફૂટપાથ હતી અને સાઈકલ સવારો માટે બિલકુલ સપાટ કોન્ક્રીટનો અલાયદો રસ્તો હતો જે સામાન્ય ટ્રાફિક કરતા અલગ પડેલો હતો (આ રસ્તે મજેથી સાઈકલ ચલાવી શકાય તે મેં સાઈકલ ચલાવીને જાતે અનુભવેલું છે). આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ડિઝાઈનરોનું એવું કહેવું હતું કે સૌથી વધુ ભાગ ખાનગી ટ્રાફિકને આપવાને બદલે આ રસ્તા પર દરેક પ્રકારના વાહનને તેના ઉપયોગ મુજબની જગ્યા આપવામાં આવી છે. આ સિવાય, આ કોરીડોર બધા પ્રકારની જાહેર બસ, એમ્બ્યુલન્સ, સ્કૂલ કે કંપની બસ માટે વાપરી શકાય તેમ હતો. દિલ્હીમાં અલગ-અલગ પ્રકારની હજારો બસો છે અને તે પણ આ કોરીડોર ઉપયોગમાં લઇ શકે તેવી વ્યવસ્થા હતી.
(Busting with cycle-traffic: dedicated cycle tracks on the Delhi BRT corridor in July, 2011)

આ બીઆરટીએસ કોરીડોર ખુલ્લો મૂકાતાં જ હોબાળો મચી ગયો. ખાનગી વાહન ચાલકોને અહીં બહુ લાંબો સમય ઉભું રહેવું પડે તેમ હતું. ખાનગી ટ્રાફિક અહી મંથર ગતિએ આગળ વધતો જ્યારે બસો સડસડાટ નીકળી જતી. દિલ્હીના ઘણા જાણીતા લોકો, પત્રકારો અને રાજકારણીઓ આ કોરીડોરની આસપાસ રહે છે અને તે ખાનગી કારોમાં અવરજવર કરે છે. તેમણે આ યોજનાનો જોરદાર વિરોધ કર્યો. મધ્યમવર્ગી ખાનગી વાહનચાલકોને એ ફાવ્યું નહિ કે પોતાના સિવાય બીજા કોઈ ઉપયોગ માટે પણ રસ્તાનો ઉપયોગ થઇ શકે. રોજે-રોજ સમાચારોમાં બીઆરટીએસની વિરુદ્ધના સમાચારો આવતા હતા. આ કોરીડોરની ડીઝાઈન સાથે સંકળાયેલા આઇ.આઇ.ટી.ના પ્રોફેસરો પર અંગત અને બદનક્ષી કક્ષાના આક્ષેપો થયા. આ બધો હોબાળો થવાની સાથે દિલ્હી સરકાર હરકતમાં આવી ગઈ અને તેમણે આ યોજના બીજા 200 કિમી પર આગળ ધપાવવા પર રોક લગાવી. વળી, વિવિધ નિષ્ણાતોને આ કોરીડોરના અભ્યાસ માટે બોલાવવામાં આવ્યા અને દિલ્હીની સરકારી સ્ટાઈલમાં કમિટી-કમિશનો નિમાયા. અમદાવાદ, પુણે જેવા બીજા શહેરોએ પોતાની બીઆરટીએસ યોજનામાં સાવધાની વર્તવાની શરૂ કરી અને અમદાવાદમાં મજબૂત સોશિયલ માર્કેટિંગ અંગે વિચારણા શરૂ થઇ. જો કે અમદાવાદની સીસ્ટમ દિલ્હીથી થોડી અલગ છે, પણ તે વિષે વાત ક્યારેક ફરી.
Various types of buses using the BRT corridor in Delhi in July, 2011
દિલ્હીના બીઆરટીએસના મુદ્દે ઘણા લોકોના બેવડા ધોરણો ખુલ્લા પડ્યા હતા. અમદાવાદમાં બીઆરટીએસની તારીફ કરી રહેલું જાણીતું અખબાર દિલ્હીમાં આ બીઆરટીએસનો સજ્જડ વિરોધ કરતુ હતું. બંને મુખ્ય રાજકીય પક્ષો એ પણ આ મુદ્દાને રાજકીય રંગ આપ્યો. અમદાવાદમાં બીઆરટીએસને પોતાની સિદ્ધિ ગણાવતા ભાજપે દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં સત્તામાં આવીને બીઆરટીએસ કોરીડોરને દૂર કરવાનું વચન આપ્યું હતું. તો કોંગ્રેસે જાણે કે આ પ્રોજેક્ટ સાથે પોતાને લેવા દેવા જ નથી તેવું વહાલા-દવલાની નીતિ ચાલુ રાખી - છેક ત્યાં સુધી કે કોઈ કોંગ્રેસી નેતાને આ પ્રોજેક્ટના લોકાર્પણ કાર્યક્રમમાં આવવાનું પણ ફાવ્યું નહિ. જ્યારે આવા સંકુલ પ્રોજેક્ટના અમલીકરણ સાથે સંકળાયેલા ટ્રાફિક પોલીસ અધિકારીઓને બીઆરટીએસનો વિચાર જ ગળે ન બેઠો. કદાચ ટ્રાફિક પોલીસ માટે ટ્રાફિકની વ્યાખ્યામાં રાહદારીઓ, સાઈકલ-સવારો અને જાહેર પરિવહનનો ઉપયોગ કરનારા નહોતા આવતા. આજદિન સુધી દિલ્હીની ટ્રાફિક પોલીસ ખાનગી ટ્રાફિક વળી લેનનું જ ધ્યાન રાખે છે અને બસ લેનમાં કે સાઈકલ-રસ્તાઓમાં ઘૂસી જતા ખાનગી વાહનો માટે પ્રાઈવેટ સિક્યોરીટીવાળા રાખવા પડે છે!

દિલ્હી દેશની રાજધાની છે તે વાત સાબિત કરવા માટે સરકાર દિલ્હીમાં જબરજસ્ત પૈસા ખર્ચે છે. દોઢસોથી બસ્સો કરોડ રૂપિયા પ્રતિ કીમીના ખર્ચે મેટ્રો રેઇલનો પ્રોજેક્ટ વિકસી રહ્યો છે. ફ્લાયઓવર અને પહોળા રસ્તાનું ગંજાવર તંત્ર દિલ્હી પાસે છે અને વાહનોની સંખ્યા સતત વધતી જાય છે. વળી, આખા દેશમાં વસ્તીના પ્રમાણમાં સૌથી વધુ કારો દિલ્હીમાં છે. આ શહેરમાં છેલ્લા દસ જ વર્ષમાં ખાનગી વાહનોની સંખ્યા તેત્રીસ લાખમાંથી સિત્તેર લાખ પહોંચી છે. દિલ્હીમાં હવે તો ફ્લાયઓવર પર પણ ટ્રાફિક-જામ થાય છે. મેટ્રોનું તંત્ર વિકસ્યા પછી પણ દિલ્હીમાં કારની સંખ્યામાં કે ટ્રાફિકમાં કોઈ ઘટાડો થયો નથી. મેટ્રો રેઇલ અમુક પ્રકારના કેન્દ્રીય ભાગના ટ્રાફિકને ખાળી શકે છે પણ રોજબરોજના ઉપયોગ માટે અને ઉપનગરોમાં આવવા-જવા માટે તો બસની સુવિધા જ મોટા શહેરોમાં વધુ વપરાય છે. લંડન, કોપનહેગન, પેરીસ જેવા શહેરો આ વાતની સાબિતી છે. ટ્રાન્સપોર્ટ નિષ્ણાતો વર્ષોથી કહે છે તે શહેરી સરકારોને મોડું-મોડું સમજાઈ રહ્યું છે કે પહોળા રસ્તા/ફ્લાયઓવર એ ટ્રાફિક માટે આગમાં પેટ્રોલ હોમવાનું કામ છે, તેનાથી ટૂંકા ગાળામાં ટ્રાફિકની સ્પીડ વધારી શકાય છે પણ લાંબાગાળે સુવ્યવસ્થિત અને સુનિયોજિત પબ્લિક ટ્રાન્સપોર્ટ વિકસાવવી તે જ સરકારનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. શહેરમાં સ્પીડ મહત્વની નથી (હાઈવે પર છે) જ્યાં જવું હોય ત્યાં પહોંચવું અગત્યનું છે. દિલ્હીમાં પણ લખલૂટ ખર્ચને અંતે ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર છે. આખરે દિલ્હી સરકારે હજારોની સંખ્યામાં બસો ખરીદવા અને બસની સીસ્ટમને મજબૂત બનાવવાનો કાર્યક્રમ છેલ્લા બે-ત્રણ વર્ષથી ચલાવ્યો છે.

બીબીસીની આ ન્યુઝસ્ટોરી જણાવે છે કે દિલ્હીના બીઆરટીએસને લઈને ચાલી રહેલો વિવાદ એક પ્રકારનો વર્ગ વિગ્રહ છે. છેવટે હાઈકોર્ટમાં એક સંસ્થા દ્વારા જાહેર હિતની પીટીશન કરીને બીઆરટીએસને કાઢી નાખવાની વિનંતી કરવામાં આવે છે. આ પીટીશન કરનાર બી.બી.શરણ નામના મહાનુભાવ કહે છે કે, "કાર ચલાવનારા તો સમાજમાં સંપત્તિનું સર્જન કરનાર છે. આ કોરીડોર પર તેમની વીસ મિનીટ બગડે છે. શું એ કોઈને ભાન થાય છે કે ટ્રાફિક જામમાં ફસાઈ રહીને તેઓ કંટાળી જાય છે અને ઓફિસે થાકેલા પહોંચે છે? તેનાથી તેમની કુશળતા પર અસર થાય છે." આ પ્રકારની વિકૃત દલીલોનો સજ્જડ જવાબ હાઈકોર્ટના ચુકાદાએ આપ્યો છે. હાઈકોર્ટ કહે છે કે સંપત્તિનું સર્જન શ્રમિકો વગર થતું નથી અને કદાચ આ સંપત્તિનું સર્જન કરનારાઓને કોઈ વિકસિત દેશમાં રહેવાની જરૂર ઈચ્છા હશે તો એ યાદ રાખવું જોઈએ કે વિકસિત એટલે એવો દેશ નહિ કે જ્યાં બધા ગરીબો જોડે કાર હોય. વિકસિત દેશ તો તેને કહેવાય કે જ્યાં અમીરો પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય! (આ મૂળ વિધાન બગોટા શહેરના મેયરનું છે.)

હાઈકોર્ટનો ચુકાદો કોઈ નિષ્ણાત અભ્યાસ લેખ જેવો છે. વિવિધ પ્રકારના સર્વેના આંકડાને ટાંકીને હાઈકોર્ટ કહે છે કે આવા કોરીડોર પર વાહનોની સંખ્યા નહિ કેટલા લોકો પસાર થાય છે તે જોવું અગત્યનું છે અને આ કોરીડોર પર ભલે વાહનોની સંખ્યા વધારે હોય પણ પસાર થતા લોકોમાંથી  49% બસ વાપરનાર છે. જ્યારે 70% વાહન તરીકે કાર છે જે માત્ર 18% લોકોનું પરિવહન કરે છે . વળી, છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્રીય ભંડોળ માંથી 98% ખર્ચ દિલ્હી સરકારે રસ્તા પહોળા કરવા, ફ્લાય ઓવર બનાવવા અને પાર્કિંગના બિલ્ડીંગ બનાવવા કર્યો છે અને જાહેર પરિવહનને જોઈએ તેટલી અગત્યતા નથી મળી. જો પચાસ ટકા લોકો જાહેર સુવિધા વાપરતા હોય તો 50% ખર્ચ તેમની સુવિધા માટે થવો જ જોઈએ. છેલ્લે, હાઈકોર્ટ એવું જરૂરી માને છે કે દિલ્હીમાં જાહેર વાહનોમાં સીએનજી એન્જીન મૂકાવ્યાની પ્રક્રિયા બાદ બીઆરટીએસએ બીજી પેઢીના સુધારા જેવું છે. 

બીઆરટીએસ વિરુદ્ધની બધી જ દલીલોનો તાર્કિક જવાબ આ કેસના ચુકાદામાં જસ્ટીસ પ્રદીપ નંદરાજોગ અને જસ્ટીસ મનમોહન સિંઘની બેન્ચે વ્યવસ્થિત આપ્યો છે અને આ જાહેર હિતની પીટીશનને કાઢી નાખી છે. દિલ્હી સરકાર અને બીજી સામાજિક સંસ્થાઓ તરફથી કેટીએસ તુલસી અને પ્રશાંત ભૂષણ જેવા ધુરંધર વકીલો આ કેસ લડતા હોઈ સમજી શકાય છે કે કેવો હાઈ પ્રોફાઈલ કેસ હશે. મારા જેવા લોકોને એવી ચિંતા હતી કે જો ચુકાદો અવળો આવે તો બીઆરટીએસ જેવા પરિવહન ક્ષેત્રમાં સમતા વધારતા વિચાર પર જ ચોકડી મૂકી જાય અને સદભાગ્યે તેવું થયું નહિ. આપણા શહેરોને વધુ સુનિયોજિત અને સુંદર બનાવવા મથતા બધા લોકો માટે આ ચુકાદો ચાલકબળ છે. જાહેર નીતિ કે પબ્લિક પોલીસી બનાવવામાં ન્યાયાલયો મહત્વની ભૂમિકા ભજવી શકે છે એ ફરી સાબિત થયું છે.
"BRT Rocks" - street graffiti in Delhi, July 2011.
ખાસ નોંધ:
ગયા મહીને ગુજરાત સમાચારમાં કોલમ 'દ્રષ્ટિકોણ'માં પત્રકાર-લેખક ઉર્વીશ કોઠારીએ અમારા યુએનની પર્યાવરણની સંસ્થા (UNEP) માટે કરાયેલા અમદાવાદ બીઆરટીએસના અભ્યાસ પરથી બે લેખ લખ્યા છે જે અહીં અને અહીં જોઈ શકાશે. વધુ સંકુલ દલીલો માટે આ લેખો જ જોવા પડે પણ અહીં ટૂંકમાં સ્પષ્ટતા કરું છું કે બીઆરટીએસ એ શહેરી ટ્રાન્સપોર્ટની સમસ્યાનો યોગ્ય ઉકેલ છે. અમદાવાદમાં જનમાર્ગ ઉર્ફ બીઆરટીએસ સામે પડકારો છે કે આ સુવિધાને સર્વસમાવેશી બનાવીને તેને વિવિધ વર્ગોમાં લોકપ્રિય કેવી રીતે કરી શકાય, બીજું કે તેને સાદી લાલ બસ ઉર્ફ મ્યુનીસીપલ બસ-સેવા સાથે ટીકીટ, પ્લેટફોર્મ, માર્કેટિંગ, માહિતીની દ્રષ્ટિએ કેવી રીતે સાંકળી શકાય અને ત્રીજું કે બીઆરટીએસના કોરીડોર પર સરસ ફૂટપાથ, સાઈકલ-રસ્તાની જાળવણી કરીને પાર્કિંગ યોગ્ય થાય તેવું નિયમન કેવી રીતે કરી શકાય.

Wednesday, October 03, 2012

ગાંધીનું ટોળું

આજે આશ્રમને રસ્તે
ગાંધીનગરથી અલગ દિશામાં
હજારો ગાંધીઓને વિચરતા જોયા.

ના, એ ભૂલા નહોતા પડ્યા,
કદાચ ઊંઘમાં નહોતા ચાલતા,
કોઈકે તેમને હારબંધ ચાલવાનું કહેલું અને
કોઈક લાઉડસ્પીકર તેમને દિશા બતાવતું હતું.

એક-બે નહિ પણ ગાંધીઓનું ટોળું હતું.
હાથમાં લાકડી, નીચે પોતડી
માથે ટાલ, આંખે ચશ્માં,
છતાંય એ ટોળું હતું.
અને
ટોળામાં હોવું જોઈએ તે બધું ય હતું.
હાથમાં લાકડી, નજર સાંકડી,
માથે બધું સફાચટ, આંખે ડાબલા.
એ ટોળું હતું.

એટલા બધા ગાંધી, એટલા બધા ગાંધી કે
ઇન્કમટેક્સ ઓફીસ પહોંચતા
ટેક્સ ભરવા ગાંધીઓએ લાઈન લગાડી
એવી બાતમી વહેતી થઇ.

ગાંધી ચિંધ્યા માર્ગ એટલે કે
એમ. જી. રોડ પહોંચતા તો
ગાંધીઓએ જીદ પકડી કે
હવે તે જૂના શેરબજારનું ચવાણું ખાશે.

'ગાંધીનો વેશ' એવો જબ્બર કાઢેલો કે
યુવાનોને પ્રેરણા, ટીવીમાં બાઇટ્સ,
ગાંધીની પ્રસ્તુતતા, રસ્તે ટ્રાફિક જામ,
મહાત્માનો સંદેશ, છાપામાં ફોટા,
કેટકેટલું થયું અને રંગેચંગે ગાંધી હજાર ઘોડે ચઢ્યો.

પણ કોઈક કહી ગયું છે કે
આટલું ટોળું ભેગું કરીને અને આટલો લાંબો સમય
ગાંધી ક્યારેય કશું તોડતો નથી, ભાંગતો નથી.
એ કાયદા તોડતો રેકોર્ડ નહિ.


 2/10/2012


(Yesterday (on 2nd October) there was the procession in Ahmedabad of thousand Gandhi-look-alike kids gathered to break the Guinness world record. The above is my reflection of this event.)

Photo: Marcel van Paridon, Guiness Book World record attempt of Gandhi look alike 

Tuesday, September 25, 2012

पेड़ों पर नहीं उगता

(The prime minister of India addresses the nation on the evening of 21st September, 2012. He justifies his government's actions of reducing subsidies by saying that 'the money doesn't grow on trees'. Taking clues from it, I reflect upon the nature of crony-capitalism in the country in form of the following words.)

पेड़ों पर नहीं उगता


सही फरमाया आपने जनाब,
पैसा पेड़ों पर नहीं उगता है.

पैसा निकलता है कोयलेकी खदानों से,
कर्णाटक के कुदरती खनिज गोदामों से,
कच्छके मेंग्रोवकी लापरवाह तबाही से,
पैसा उपजता है घूसखोरी और घासचारों से,
टेलीकोम टावरों और कोमनवेल्थी खेलों से,

अंतरिक्षी साधनों और लश्करी हथियारों से.

पैसा तो नदी में बहेता है,
उस पर बड़ा बांध बनकर उसमें निवेश किया जा सकता है.
बचे हुए पर्यावरण को मेनेज और मिटीगेट किया जा सकता है.
जंगलोकी कटाई पे फाइवस्टार सेमीनार किया जा सकता है.
और ज़मीनी हकीकतों पे राजद्रोह लगाया जा सकता है.

पैसा तो धर्मगुरुओं के महेलोंकी गद्दियो तले दबा होता है,
जिससे वे पेट्रोल खरीदके चिंगारीओंकी तलाशमें निकल पड़ते है.
रास्ते में वे हमें आर्ट ऑफ़ पोज़िटिव थिंकिंग सिखाते है.

पैसों से भीड़ जमा हो सकती है,
पैसों से गुहार लगाईं जा सकती है,
पैसों से जनादेश निकाला जा सकता है,
पैसों से जंतरमंतरकी दुकानें चलती है और
काले पैसों पे आजकल रामलीलाएं होती है.

सही फरमाया आपने जनाब,
पैसा पेड़ों पर नहीं उगता है.

पैसा हमारी जेबोंमें होता है.
कुछ लोगोंकी जेबें लंबी होती है,
कानून के हाथ से भी लंबी और
कोयलेके खदानोंसे भी गहरी.

- ऋतुल जोषी
२२ सितम्बर, २०१२

Wednesday, September 05, 2012

હિંસાખોરીને વ્યાજબી ઠરાવવાની કવાયતો

(નોંધ: આ લેખ  વિચારપત્ર 'નિરીક્ષક'ના 01.09.2012ના અંકમાં છપાયેલો છે, જેને અહીં વધુ મિત્રો સુધી પહોંચી શકે તે અર્થે શબ્દશ: મૂકેલો છે.)

નિરીક્ષકના છેલ્લા બે-ત્રણ અંકોમાં(June-July,2012) એન્કાઉન્ટર, અમુક-તમુક લેખનો અને તેની નીસ્બતો અંગે ઠીક-ઠીક ચર્ચા ચાલી છે. આ ચર્ચામાં 'મેં શું કહ્યું અને તમે શું કહ્યું' જેવું ઘણું થઇ શકે છે પણ તે બધી પળોજણમાં પડ્યા કરતાં આખી ચર્ચાના મૂળ હાર્દને આગળ વધારવાનો પ્રયત્ન કરીએ. ચર્ચાનું મૂળ હાર્દ છે કે હિંસાખોરીની તરફેણ કેટલી હદ સુધી કરી શકાય તેમ છે અને આપણી આસપાસ આ હદ કેટલે સુધી વિસ્તરી ચૂકી છે. મૂળ ચર્ચા અખબારી કટારલેખન પરથી શરૂ થયેલી એટલે તેને મધ્યમાં રાખીને વાત કરીએ.

ગુજરાતમાં અખબારી કટારલેખનમાં છેલ્લા કેટલાય વર્ષોથી હિંસાનું એક યા બીજી રીતે સમર્થન કરવાની હરીફાઈ ચાલે છે, ભલે પછી તે ૨૦૦૨ પછીનો હિંસાકાંડ હોય કે પછી અમુક-તમુક એનકાઉન્ટર કે પછી રાજકીય વિરોધીઓને ડામવા કરાતો અત્યાચાર. હિંસાનું સમર્થન જ્યારે જાહેર માધ્યમોમાંથી સતત થતું રહે છે ત્યારે નાના- મોટા હિંસા કાંડો અંગે પ્રજાનો સ્મૃતિલોપ કે સગવડ મુજબની યાદશક્તિને ટેકો મળી રહે છે. કારણકે ‘જે થયું તે ઠીક થયું’ - તેના કારણો તેમને સતત મળતા રહે છે અને ‘શું થયું હતું’ તે ભૂલાતું જાય છે. ધીરેધીરે હિંસા માત્ર દરેક પ્રશ્નનાં નિરાકરણ સ્વરૂપ સામે આવીને ઉભી રહે છે. શું આપણે એવા સમાજ તરફ ધસી રહ્યા છીએ કે જ્યાં કાયદેસર કે ગેરકાયદેસર હિંસાથી જ દરેક પ્રશ્નનું સમાધાન થતું હોય?

જો કે એનકાઉન્ટર અને બીજા મુદ્દાઓમાં તો એવું બન્યું છે કે હિંસાને વ્યાજબી ઠરાવતો રાજકીય મત પહેલા પ્રગટ થયો હોય અને પછી તેને અખબારી કોલમ ચલાવતા ચિંતકો-લેખકોએ બરાબર ઝીલ્યો હોય. જાણે કે સરકારી કે કોમી હિંસાખોરીને વ્યાજબી ઠરાવવાનો કુટીર ઉદ્યોગ ફેલાઈ ગયો છે અને સત્તાધારી પક્ષને ભાવતું કહેવાવાળા વૈધોનો ફાલ વિકસતો જાય છે. બહુ લાંબા સમયથી એક જ પ્રકારનો રાજકીય સૂર્ય તપતો હોય તો તેની દરેક દિશા ઝૂલવા અને તેનો પડ્યો બોલ ઝીલવા સુરજમુખીઓ મળી રહે છે. અહીં પહેલી તકલીફ એ છે કે એ બધા સુરજમુખીઓ પોતાને સંત-મહાત્મા તરીકે ઓળખાવે છે. કદાચ તેમનામાં પોતાની જાતને સુરજમુખી કહી શકવાની ઈમાનદારી નથી. બીજી તકલીફ એ છે કે સુરજમુખીઓ લોકપહોંચની રીતે અને પુરસ્કારની રીતે અખબારી દુનિયામાં ટોચ પર સ્થાપિત છે. આવા મોટાભાગના લેખકોએ એક ય બીજી રીતે હિંસાનો મહિમા કર્યો છે અથવા તો અહિંસા તરફ પ્રતિબદ્ધતા બતાવવામાં ઉણા ઉતર્યા છે. જો ટોચ પર જ આટલી અલ્પતા જોવા મળતી હોય તો ખીણપ્રદેશના તો શું હાલ હોય? ટોચ પર જ કટાર લેખનનું સ્તર આવું હોય તો નવા-સવા લેખકો પાસેથી શું આશા રાખી શકાય? આપણે તો ખીણપ્રદેશમાંથી કંઇક નવું અંકુર ફૂટે તેની રાહ જોઇને બેસી રહેવાનુંને!

હિંસાખોરીને વ્યાજબી ઠરાવવાની મોડસ ઓપેરેન્ડી કંઇક એવી હોય છે કે બધી  હિંસાખોરીના મુદ્દાને ઈતિહાસ-રાજકારણના સગવડિયા સંદર્ભો અને મોટેભાગે મૃત વ્યક્તિના અષ્ટમ-પષ્ટમ અવતરણોથી ગૂંચવી દઈને અંતે આડી-અવળી એટલી બધી ભૂમિકા બાંધવાની કે હિંસાવાળી વાત જ ગૌણ બની જાય. કોઈના મૃત્યુ અને કોઈએ આચરેલા અત્યાચારો ગૌણ બની જાય અને મૂળ મુદ્દાની આસપાસ રચાયેલા જાળામાં આખી વાત ગૂંચવાઈ જાય. ઈતિહાસ-રાજકારણના સગવડિયા સંદર્ભો એટલે કે આખા ભારતીય ઉપખંડના ઇતિહાસને ધર્મ, જાતિ, પ્રદેશ વગેરેનાં ચશ્માથી જોવો. કોઈક વ્યક્તિ કે તેના વડપણની સરકાર સામે ચીંધેલી આંગળીને 'ગુજરાતને બદનામ કરવાનું કાવતરું' માનીને 'ગુજરાત વી. રેસ્ટ ઓફ ઇન્ડિયા'ની કાલ્પનિક રમતો રમાડવી. આ રીતે ગુજરાતને, તેની પ્રજાને, અમુક વ્યક્તિને અન્યાય થઇ રહ્યો છે તેવું  વિકટીમહૂડ સુવ્યવસ્થિત રીતે ઉભું કરાયું છે. જેનો વારે-તહેવારે ઓચ્છવ કરવાથી હિંસાનો મૂળ મુદ્દો બાજુ પર મૂકાઈને જે થઇ રહ્યું છે તેને વ્યાજબી ઠરાવવા માટેનું માળખું રચી શકાય છે. વળી, તેમાં ‘ગૌરવ’ કે ‘અસ્મિતા’ ભેળવવાથી આખી દલીલ ઘટ્ટ બને છે. તાર્કિક રીતે જોઈએ તો એક અન્યાય બીજા અન્યાયને વ્યાજબી ક્યારેય ઠરાવી ન શકે પણ આવી સ્પષ્ટતાઓ કરવાની સૂઝ કોને છે? ઈતિહાસ-રાજકારણના સગવડિયા સંદર્ભો અને ગાંધી જેવા વ્યક્તિના સીફતતાથી લીધેલા એકતરફા અવતરણો વિષે વ્યવસ્થિત સમજ રાજેશ મિશ્રા ''નિરીક્ષક''ના અંકમાં (16.07.2012) આપી જ ગયા છે. આવા તો કેટલાય લેખકોએ વ્યક્તવ્યો આપ્યા હશે જો એક જ વક્તવ્યના વ્યવસ્થિત અભ્યાસમાંથી આટલા અર્ધસત્યો અને જૂઠાણાં જડી આવે તો છેલ્લા દસ વર્ષના વક્તવ્યો વિષે કેટકેટલું 'ચિંતન-મનન' કરી શકાય?

આ મોડસ ઓપરેન્ડીની બીજી કરામતરૂપે એક રાજકીય પક્ષની હિંસા વ્યાજબી ઠરાવવા માટે સામેના પક્ષની નબળાઈઓ શોધી કાઢવામાં આવે છે. જેમકે, ૨૦૦૨ની હિંસાની વાત નીકળતા જ ૧૯૮૪ની હિંસાની વાત લઇ આવવી કે ગુજરાતમાં થયેલા એનકાઉન્ટર સામે મહારાષ્ટ્રમાં થયેલા એનકાઉન્ટરને યાદ કરવા. આ રાજકીય પક્ષાપક્ષીમાં નાગરિકોનો પક્ષ શું હોવો જોઈએ, સામાજિક મૂલ્યો શું હોવા જોઈએ વગેરે ચર્ચાઓ બહુ જોવા મળતી નથી. આપણે નાગરિક તરીકે રાજકીય પક્ષોને કહી શકીએ છીએ કે આ બધું નહિ ચાલે? આ દેશના નાગરિકોને ૨૦૦૨ અને ૧૯૮૪ બંને સામે વાંધો હોવો જ જોઈએ - પણ શું એ આપણે ભાજપ અને કોંગ્રેસ બંનેને કહી શક્યા છીએ?

રાજકીય પક્ષો માટે એક-બીજા પર દોષારોપણ કરવું સહેલું છે, કારણકે બધી શક્તિ-સમય તેમાં ખર્ચાઈ જાય છે અને સરવાળે બંનેમાંથી એકેયનો કાન ઝાલી શકાતો નથી. એ જ રીતે ગુજરાતમાં ખંડણીખોરીની રાહે થયેલા અને મહારાષ્ટ્રમાં ગેંગવોરને નામે થયેલા એનકાઉન્ટર કોઈ સભ્ય સમાજની નિશાની નથી. પણ ઘેરબેઠાં એનકાઉન્ટર વ્યાજબી ઠરાવવા સહેલા છે. એ પેલા 'આ બધાને તો ફટકારવા જ જોઈએ' સિન્ડ્રોમનું એક સ્વરૂપ જ છે. જો કે કાયદો-વ્યવસ્થા કે ન્યાયપ્રણાલીની ગંદકી સાફ કરવા માટે નક્કર મંતવ્યો આપીને પ્રજામત ઉભો કરવો તે અઘરું છે અને મહત્વની વાત એ છે કે તેના માટે જોઇતા 'ટીઆરપી' મળતા નથી. સૌથી વધારે 'ટીઆરપી' એકતરફી નારેબાજી કરવાથી મળે છે અને બદનસીબે એક જમાનામાં વખણાયેલી કટારોમાં છેલ્લા કેટલાય વર્ષોથી નારેબાજી જ જોવા મળે છે. જયારે કોઈ એનકાઉન્ટરના આરોપી અને પોતાની ફરજ ચૂકેલા પોલીસકર્મીને હીરો બનાવવાનું કામ કરે, તેને મળવા જાય, તેના પુસ્તકોનું વિમોચન કરવા જાય અને આ બધી બાબતો જાણે કે સામાન્ય હોય તેવી નોંધ પણ ન લેવાય ત્યારે સમજાય કે સમાજને આવા મુદ્દે અચેત-ચેતનવિહોણો બનાવવાનું કામ કેટલું સફળ થયું છે.

હિંસાને વ્યાજબી ઠરાવતા લેખકોમાં બે પ્રકારોનો ખાસ ઉલ્લેખ કરી શકાય. એક ગાંધીને શિષ્ટતાથી ગાળ દઈને હિંસાનું સમર્થન કરતાં અને બીજા તે ગાંધીના નામનો દુરુપયોગ કે સ્વાર્થ પૂરતો ઉપયોગ કરીને હિંસાનું સમર્થન કરતા લેખકો. આ લેખકો ગાંધીનું નામ લઈને, બુદ્ધનું નામ લઈને અહિંસાના વિચારમાત્રને ઉલટાવવાનો ઉદ્યોગ ચલાવી રહ્યા છે. જો કે બંને પ્રકારના લેખકોમાં સામ્ય એ છે કે બંને હિંસાને વ્યાજબી ઠરાવવા માટે નવા જમાનાનો વ્યવહારવાદ પીરસતા જણાય છે. જેમાં કોઈ એક લાફો મારે તો તેને બીજો ગાલ ધરી ન દેવાય - એવા પ્રકારના અનેક ઉદાહરણો આવે. 'આ લોકોને તો આમ જ સીધા કરવા જોઈએ' જેવું મતલબનું પણ ઘણું લખાય, અલબત્ત પૂરતી છટકબારીઓ રાખીને, સંદર્ભો ગૂંચવીને. હિંસાનું આવું બેબાક સમર્થન પણ હિંસા જ છે. હિંસાખોરીને વ્યાજબી ઠરાવવા મત ઉભો કરવો પણ હિંસા જ છે.

'આ બધાને તો ફટકારવા જોઈએ' કે 'જે થયું તે બરાબર થયું' પ્રકારના વિધાનો ખાનગી રીતે કે પાનના ગલ્લે બોલાતાં હોય છે. જ્યારે આ વિધાનો જાહેર માધ્યમોમાં કદાચ થોડી શિષ્ટ ભાષામાં પણ નિયમિત રીતે ફરતા થાય તો એ સામાજિક રોગની નિશાની બની જાય છે. હિંસાથી કોઈનું ભલું થતું નથી એ ઇતિહાસમાં વારંવાર સાબિત થયું છે અને ગાંધીજીની કર્મભૂમિ-જન્મભૂમિ એવા ગુજરાત પાસે તો અહિંસાનો મહિમા કરવા માટેના કારણો શોધવા દૂર જવું પડે તેમ નથી. બુદ્ધ પરથી જાપાન દેશ યાદ આવે છે કે જ્યાં અહિંસા અને આંતરરાષ્ટ્રીય શાંતિની પ્રતિબદ્ધતા માટે બંધારણમાં લશ્કર ન રાખવાની અને યુદ્ધમાં ભાગ ન લેવાની જોગવાઈ કરી છે. જો આપણે ગુજરાતને જાપાન બનાવવા નીકળ્યા હોઈએ તો જાપાનમાંથી વિદેશી રોકાણોની સાથેસાથે તેના અહિંસા અને શાંતિ માટેના પ્રેમની પણ આયાત ન કરી શકાય?

મોડસ ઓપેરેન્ડીની એક ઔર કરામત એ છે કે જે કોઈ તમારા વિચારોનો વિરોધ કરે તેના માથે 'સ્યુડો સેક્યુલર'થી માંડીને 'ગુજરાત વિરોધી' તો અંતે 'દેશદ્રોહી'ના લેબલ મારી દેવાથી કોઈ તાર્કિક ચર્ચાને અવકાશ રહેતો નથી. આજે ગુજરાતી અખબારી આલમમાં સૌથી વધારે માનવ અધિકારવાળા અથવા સેક્યુલારીસ્ટોને સૌને ભાંડવામાં આવે છે. એમાંથી થોડા-ઘણા કદાચ તેમના કર્મોના ફળ હશે પણ તે સિવાય તેમનો વાંક-ગુનો ખરેખરમાં શું છે? શું તેમને કોઈના ખૂનના કે બળાત્કારના કે તોડફોડના કેસમાં પકડવામાં આવ્યા છે? શું તે કોઈની દૂકાન પર પથ્થર નાખતા પકડાઈ ગયા છે કે કોઈના પર અત્યાચાર કરવા ગયા છે? લોકશાહીમાં એક ભિન્ન રાજકીય મત આપવા કે ઉભો કરવાનો (મોટેભાગે આંશિક) પ્રયત્ન કરવો એ જ તેમનો ગુનો છે? તો પછી આ કેવો પૂર્વગ્રહ કે ગુનાખોરીના આરોપસર જે વ્યક્તિઓ જેલમાં હોય તેના પર તો વહાલ ઉપજી શકે છે પણ આ 'સ્યુડો-સેક્ય્લારીયા' પર જાહેરમાં માછલાં ધોવાય છે?

ચાલો, આ વાત બીજી રીતે વિચારી જોઈએ. શું સમાજ અને સરકાર માનવ અધિકારની મહિમા કરતા હોવા જોઈએ કે તેનો વિરોધ કરતા? કોમવાદનું મહાત્મ્ય થવું જોઈએ કે સેક્યુલારિઝમનું? પ્રશ્નોના જવાબ સાફ, સીધો છે અને આ દેશના નિર્માણનો પાયો જ સર્વસમાવેશક વિચારો પર રચાયો છે. એટલે ચર્ચાનો વિષય એ જ હોઈ શકે કે વધારે સારા માનવઅધિકાર ધરાવતા અને વધારે સેક્યુલર સમાજનું નિર્માણ કેવી રીતે કરવું? માનવ અધિકારના અને સેક્યુલારીઝ્મના ખેપીયાઓને શાબ્દિક ગોળીઓ મારવાથી કંઈ વળવાનું છે? છતાંય આ ઉદ્યોગ વ્યવસ્થીત ચાલે છે. કદાચ આ ખેપીયાઓને ગોળીઓ મારવી જરૂરી હોય છે. તો જ આખી ચર્ચા ચૂંથાઈ જાય અને કોલમ તેજાબી-એસીડીક લાગે તે વળી નફામાં. તેજાબી-એસીડીક લાગવાનો એક મહત્વનો અભરખો અખબારી કટારલેખનમાં હોય છે અને તેની ઐતિહાસિક રીતે ઉત્ક્રાંતિ થઇ છે. કલમને તેજાબી બનાવવા માટે કોઈનું નામ લીધા વગર અમુક વિલન પકડવા પડે, જેમકે 'સ્યુડો-સેક્યુલારિયાઓ'. કદાચ આ વિલનો કાલ્પનિક હોય તો વાંધો નહી પણ તેમની સામે યુદ્ધ જાહેર કરવું જરૂરી છે. યુદ્ધે ચઢેલા કટાર લેખકો વધુ લોકપ્રિય હોય છે તેવો એક મત છે. આમ તો, સભાન વાચકોને ડોન કિહોટે પવનચક્કીને દૈત્ય સમજીને યુધ્ધે ચડતો તે પ્રકારનું દ્રશ્ય લાગે પણ દરેક ડોન કિહોટેને પોતપોતાના સાંચો પાન્ઝા એકથી વધારે સંખ્યામાં મળી આવતા હોય છે, તે પણ હકીકત છે.

અખબારી કટારલેખન વિષે ઉપર જે કંઈ લખ્યું તેમાં જરૂર કરતાં વધુ પડતું સામાન્યીકરણ હોઈ શકે છે. સામાન્યીકરણ હંમેશા વધુ પડતું જ હોય છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી અખબારી કટારલેખનનું સ્તર શું છે, તેની ગુણવત્તા શું છે? તે કેવા સંદેશ વહેતા કરે છે? તે કેવા આદર્શોને પોત્સાહિત કરે છે? તેમાંથી ઘણામાં હિંસાનું સતત સમર્થન કેમ હોય છે? આ બધા પૂછવા જેવા સવાલો છે, જે મોટેભાગે પૂછાતા નથી.

Tuesday, August 21, 2012

કેટલીક 'શહેરી' ટૂંકી વાર્તાઓ

Kolkata, Photo: National Geographic/Randy Olson from here
(મિત્રો, આપણાં શહેરો સુવિધાઓ, જગ્યા અને પોતાનો અવાજ સંભળાય તેની રસાકસી અને હરીફાઈના મેળાવડા થઇ ચૂક્યા છે. વિકાસના વાયદા અને વિષમતાઓની વાસ્તવિકતા વચ્ચે જીવન જીવાતું જાય છે. આજકાલ એક નાગરિક તરીકે નગરચર્યા કરવા નીકળો તો નીચે મુજબના સંવાદો સંભળાઈ જાય છે. અલબત્ત, પ્રેરણાસ્ત્રોત સાદત હસન મંટોની ટૂંકી વાર્તાઓ છે. સમય, પરીસ્થિતી અને પરીપેક્ષ વગેરે બહુ બદલાયા છે પણ કદાચ માણસ બહુ બદલાયો નથી.)

મોટો પ્રોજેક્ટ જલ્દી આવી ગયો!

પોલીસ હવાલદાર ભીખાભાઈ પોતાના ખખડધજ સરકારી ક્વાટરમાં પાછા ફરે છે. બેસતાની સાથે જ રમીલાબેન બોલી પડ્યા,

"એ કવ છું... કેટલા ફોન લગાડ્યા મેં, આ તમારો ફોન જ બંધ આવતો'તો. ક્યાં હતા આટલી વાર?"

"હવે બહુ વાયડી થા મા, પેલા ચૌધરીએ ફોન બંધ કરાઈ દીધેલો. છેલ્લે ટાણે લાલ દરવાજે બંદોબસ્તમાં લગાડી દીધો. એક તો ભરચક વિસ્તારને તેમાં એક સાથે સો લારીઓનું દબાણ ખસેડવાનું. ચોધરીએ તો સાલાએ પાછળથી ઓર્ડરો જ આપવા છે. એમાં પાછા ફેરિયાઓમાંથી કોઈકે સળી કરી તો પથ્થરમારો થઇ ગયો. મકવાણાનું માથું ફૂટ્યું... લઇ ગયા એને હોસ્પિટલ. પછી તો અમે કરી ધોકાવાળી... ધોઈ નાખ્યા હરામના પેટનાઓને..."

"હાય, હાય..."

"લે, એમાં હાયકારા શેના કાઢે છે, મારે નઈ થાય મકવાણા જેવું. હું તો હેલ્મેટ પેરી રાખું છું..."

"અરે, એમ નઈ... કાલ મમ્મીને ઘેરથી આવતી વખતે મેં'કુ બજારમાંથી ફેરિયા પાસેથી તમારા માટે ખાખી મોજાં લઇ લવું. ત્રીસ રૂપિયામાં તૈણ જોડને કચ કરો તો બે રૂપિયા ઓછા ય કરે... હવે દુકાનમાંથી પચાસ રૂપિયે ય જોઈએ એવા નઈ મળે. કાલ મીતાએ છાપામાં જોઈ કીધેલું કે હાલ મમ્મી, ખરીદી કરી આઇએ. કોક મોટો પ્રોઝેક્ટ આવવાનો છે તો આ બજારો તૂટશે પણ મને શું ખબર આટલો જલ્દી આવશે. હવે પેરજો ફાટલાં મોજાં..."

*****

વિકાસ માટે સૌએ બલિદાન આપવું પડે 

મ્યુનીસીપલ કચેરીની વાતાનુકૂલિત કેબિનમાં પટેલસાહેબ મીટીંગ ભરીને બેઠા છે.

"વિકાસમાં કોઈ વિવાદ નહિ. સાહેબે ચોક્ખું કહી જ દીધું છે. બસ હવે બધી પ્રોસીજરમાં ઝડપ રાખો. આ બાજુ જેમ વિસ્તાર ખાલી થતો જાય તેમ સાથે સાથે લેન્ડસ્કેપીંગનું કામ શરુ થઇ જવું જોઈએ..." એવામાં પટેલસાહેબનો મોબાઈલ કર્કશ અવાજે રણકે છે. સાહેબના હાવભાવ જોઇને એક-બે કર્મચારીઓ અંદર-અંદર આંખ મીચકારે છે કે આ સાહેબના ઘેરથી ફોન હતો. પટેલસાહેબ પંડ્યા પર તાડૂક્યા,

"અલ્યા, પંડ્યા! આજે બેબીને સ્કૂલેથી લેવા ગણપતને મોકલ્યો નહિ? સાવ આવી બેદરકારી! બેબીનો એક્સીડેન્ટ થતાં-થતાં બચ્યો... આ ગણપતની જગ્યાએ કોણ ગયું હતું અને એ કામચોર ક્યાં મરી ગ્યો છે?"

"સાહેબ, આજે તો સ્પેર ડ્રાઈવરમાં કોક નવો છોકરો હતો... ગણપત સવારે તો આવેલો પણ રજા લઇને ઘેર જતો રહ્યો. આપણે રામદેવ પીરવાળા ઝૂંપડા હટાવ્યાં તેમાં એના કોઈ સગાંનું ય હશે. એ દોડીને મદદ કરવા જતો હતો એવું ઝડપથી કહીને ગયો..."

"આવવા દે સાલાને પાછો, હવે તો મેમો જ પકડાવીશ..."

"જવા દો, પટેલસાહેબ! આપણાં પ્રોજેક્ટમાં જ ઝૂંપડા ગયા છે.... મોટા  સાહેબે નહોતું કહ્યું કે વિકાસ માટે સૌ એ થોડું બલિદાન આપવું પડે."

*****

આને કોણ બચાવશે?

સરકારી હોસ્પીટલમાં બે વોર્ડબોય વાત કરી રહ્યા છે.

"એ ગગલા, આ પંદર નંબરવાળા પેશન્ટને તું ઓળખે છે?"

"જગલા, તું નથી ઓળખતો? આ તો પેલો અરજણીયો. આ ક્યારેક આપઘાતવાળા કેસ આવેને તો આવો આ અહીં ઈમરજન્સીમાં લઇ આવતો. ક્યારેક પોલીસવાળા એને ઓળખ માટે લઇ આવતા..."

"કેમ?"

"અરે, આવો આ પેલી નદીકીનારાની ઝૂંપડપટ્ટી માં રહેતો'તો. અને સાલો તરવામાં જોરદાર હતો. જેવું કોઈ આપઘાત કરવા માટે બ્રીજથી છલાંગ મારે ત્યારે વસ્તીમાં આના નામની બૂમ પડે. આ પાણીમાં ખાબકેને પેલા આપઘાતવાળાને બચાવી લ્યે. પછી એમને અહીં લઇ આવે અને આપઘાતવાળાના સગા-સંબંધી આને ઇનામ આપે. આ જ એનો ધંધો. પોલીસવાળા ય એને ઓળખે. કોઈ ડૂબી ગયું હોય તો પોલીસવાળા લાશ ગોતવા આને જ ડૂબકી મારવાનું કહે. ગણેશ વિસર્જન વખતે તો આને બહુ વકરો થતો હશે...પણ બહુ લોકોનો જાન બચાયો આણે..."

"તો પછી અત્યારે ઈમરજન્સીમાં કેમ દાખલ છે?"

"કોઈકે કીધું કે ઉંદર મારવાની દવા પી ગયો આવો આ... પેલા નદીકિનારાના ઝૂંપડા હટાયાને ઉનાળામાં, તેમાં આનું ય ઘર હશે. પછી તો એમને સીટીની બહાર કચરાનાં ઢગલા નહી? ત્યાં ફેંકી દીધેલા. એનો કામ-ધંધો બંધ થઇ ગયો હશે... પછી બધા કે'તાતા કે દારૂની લતે ચઢી ગયેલો. કૈંક મગજ ફટક્યું હશે તો પી લીધી દવા..."

"હમમ... એણે બહુ લોકોનો જાન બચાયો હશે, પણ હવે એને કોણ બચાવશે?"

*****

એ અમારી ઉપર કેવી રીતે રહી શકે?


શહેરને સુંદર બનાવવાના પ્રોજેક્ટમાં થયેલા વિસ્થાપનની પ્રક્રિયા 'ન્યાયપૂર્ણ' થાય તેના માટે હાઈકોર્ટે બેસાડેલું કમીશન બહુ બેસવાથી થાકી જઈને હવે ફરિયાદ નિવારણ શરૂ કરે છે ત્યારે અરજી સુનાવણી વખતે,

"સાહેબ, હું ચમનપુરામાં સુંદર શહેર પ્રોજેક્ટના 'લાભાર્થી' કોલોનીમાંથી આવુ છું. અમને મકાનો એલોટ કરતી વખતે અમારી જ્ઞાતિના મકાનોને સાથે મકાન આપવામાં આવ્યા નથી, જયારે ફલાણી જ્ઞાતિના મકાનો સાથે છે. અમારા આઠ મકાન અલગ પડી ગયા છે..."

" જુવો ભાઈ, આ બધું તો કમ્યુટર નક્કી કરે છે, એમાં અમારો કોઈ હાથ નથી. તમારા તો ગ્રાઉન્ડ ફ્લોર પર ફ્લેટ છે, તેમાં શું તકલીફ છે?"

"અરે સાહેબ, બધા ફ્લેટ મિકસ લોકોના થઇ ગયા છે, અમારું ખાન-પાન, રહેવું-કરવું બધું અલગ છે..."

"પણ તમે બધા તો એક જ ઝૂપડપટ્ટીમાં સાથે રહેતા હતા તો પછી હવે શું તકલીફ છે."

"અરે સાહેબ, સમજોને... ઝૂપડપટ્ટીમાં તો એકબીજાની આજુબાજુમાં રહેતા હતા. અહીં તમે સાલા @#$%ની જાતનાંને તમે લોકોએ અમારી ઉપરના ફ્લેટ આપ્યા છે. એ લોકો તો બતાવતા ફરે છે કે અમારી ઉપરના થઇ ગ્યા. કંઇક થાય તો જુવોને સાહેબ..."

*****

અહીં પણ હવે કશું નથી!

 મ્યુનીસીપલ કચેરીની વાતાનુકૂલિત કેબિનમાં,

"સાહેબ, હું છેક ગણેશનગરથી આવું છું. ત્યાં બહુ તકલીફ છે, સાહેબ. પાણી-ગટર-લાઈટ કશું નથી. અમે તો સાવ ખુલ્લામાં રહીએ છીએ. તમે તો કહ્યું હતું કે આ ટેમ્પરરી છે. પેલા પ્રોજેક્ટ માંથી પૈસા આવશે એટલે બધાને મકાન આપવાનું પણ કહેલું. આજે બે મહિના થઇ ગયા. આના કરતા તો અમારી ઝૂપડપટ્ટી સારી હતી, ત્યાં બધી સુવિધા તો હતી, અહીં તો કશું નથી."

સાહેબ ફાઈલમાં થી માથું ઊંચક્યા વગર બોલ્યા, "હવે ઝૂપડપટ્ટીની જગ્યાએ પણ કશું નથી, બધું સપાટ થઇ ગયું છે... "

 *****


Caracas city, Venezuela, Photo: National Geographic/Jonas Bendiksen, Magnum Photos

Tuesday, July 10, 2012

લિંગભેદ અને બાળશિક્ષણ

યુનિસેફએ સંયુક્ત રાષ્ટ્ર (યુનાઈટેડ નેશન્સ)ની બાળક માટેના ભંડોળનું વ્યવસ્થાપન કરતી સંસ્થા છે. તે વિકાસશીલ દેશોમાં બાળકો અને તેમની માતાઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે. એટલે યુનીસેફને બાળશિક્ષણ સાથે સીધી નિસ્બત. યુનિસેફનું આ પેજ શિક્ષકો માટે ઘણી સાધન-સામગ્રી પૂરી પાડે છે. અહીંથી નૃવંશશાસ્ત્રી (એન્થ્રોપોલોજીસ્ટ) ઈલીન કેઈનના પુસ્તક 'જેન્ડર, કલ્ચર એન્ડ લર્નિંગ'ના અમુક અંશો મળી આવે છે. ઈલીનના સંશોધનાત્મક મૂળ વિચારોને મારી ભાષામાં, મારી રીતે રજૂ કરું છું. 

સ્ત્રી-પુરુષ વચ્ચેના મોટાભાગના તફાવતો જૈવિક કે શારીરિક તફાવતો હોય છે. આ સિવાય પણ મોટા ભાગના સમાજોમાં સ્ત્રી-પુરુષ એકબીજાથી બહુ અલગ હોય છે. તેમની અલગ-અલગ સામાજિક ભૂમિકાઓ, જવાબદારીઓ અને મોભો હોય છે. સ્ત્રી-પુરુષોના વર્તનમાં અમુક જ ફેરફારોને સહેલાઈથી તેમના શારીરિક ફેરફાર જોડે સાંકળી શકાય છે. પણ તેમના વર્તનમાં રહેલા બીજા ઘણા તફાવતો સામાજિક ભૂમિકા અને મોભામાંથી જન્મે છે, તેમની શક્તિઓ અને મર્યાદાઓની સમજ તેમના સામાજિક પરિવેશ પ્રમાણે બદલાય છે. લિંગ(Sex)એ જૈવિક વર્ગીકરણ છે અને જેન્ડર (Gender)એ સામાજિક વર્ગીકરણ છે. જૈવિક રીતે લિંગભેદ હોવો એક બાબત છે અને તેના લીધે સામાજિક ભૂમિકામાં ફરક પડવો તે બીજી બાબત છે. એક ડગલું આગળ વધીએ તો ભેદ કે ફરક હોવો તે જૈવિક છે પણ ભેદભાવ એ સામાજિક ઘટના છે. જેમકે, યુરોપ અને આફ્રિકાના બાળકોમાં દેખાવ, રંગ વગેરેમાં કુદરતી ફરક હોય પણ તેના લીધે તેમની સાથેના વર્તનમાં ફેરફાર ન કરી શકાય.

જ્યારે ઈલીન અને તેની ટીમે જીવવિજ્ઞાન, સાઈકોલોજી, નૃવંશશાસ્ત્ર અને શિક્ષણ વિશેના સંશોધનો બારીકીથી જોયા તો એવું પુરવાર કરવું અઘરું હતું કે સ્ત્રી-પુરુષ વચ્ચેનો ભેદ કે ભેદભાવ માત્ર શારીરિક કે જૈવિક તફાવતમાંથી જન્મે છે. મોટા ભાગના ભેદભાવોનો ઉદ્ભવ જે રીતે તેમનું પાલન-પોષણ થયું છે, જે રીતે તેમને મોટા કરવામાં આવ્યા છે તેમાંથી થયો છે. ઘણીવાર સાંસ્કૃતિક-સામાજિક પરિબળોને જૈવિક પરિબળોથી અલગ પાડવા અઘરા હોય છે. પણ એક વાત ઈલીન પૂરા વિશ્વાસથી કહે છે કે જયારે શિક્ષણની પ્રક્રિયા અને વિચાર શક્તિની વાત આવે છે ત્યારે સ્ત્રી અને પુરુષો (છોકરી અને છોકરા) એક બીજાથી અલગ પડવાને બદલે એક-બીજાથી વધુ મળતા આવે છે. નવું શીખવાની અને વિચારવાની પ્રક્રિયા (Cognitive thinking process) બધા બાળકોમાં સરખી રીતે થાય છે. શિક્ષણની બાબતમાં છોકરી અને છોકરો એકબીજાથી સરખા વધારે છે અને અલગ ઓછા છે. એક જ લિંગ (કે જાતિ)માં એટલે કે છોકરા-છોકરા વચ્ચે કે છોકરી-છોકરી વચ્ચેના તફાવતો ઘણા વધારે છે. કારણકે જયારે શાળા અને શિક્ષણની વાત આવે છે ત્યારે શિક્ષકો અને કૌટુંબિક વાતાવરણની બહુ મોટી અસર પડતી હોય છે. આ વાતાવરણ છોકરી અને છોકરાઓમાં વૈચારિક શક્તિઓને (Cognitive skills) ઘડવામાં મોટો ફાળો આપતું હોય છે. ટૂંકમાં, વિચારશક્તિ અને કૈંક નવું શીખવાની પધ્ધતિમાં છોકરી અને છોકરા વચ્ચે બહુ ફરક હોતો નથી. જે ફરક દર્શાવવામાં આવે છે તે ઉભો કરેલો હોય છે.
Typical examples of gender stereotypes
જેમકે, 'છોટા ભીમ'ના એનીમેશનમાં છોટા ભીમ એ બહાદુર છોકરો છે જે લાડુમાંથી શક્તિ મેળવીને ગુનેગારોને ધૂળ ચાટતા કરે છે. જ્યારે છોટા ભીમની મિત્ર ચુટકી એ નાજુક-નમણી છોકરી છે જે લાલી-લીપ્સ્ટીક સાથે જ જોવા મળે છે. આને 'જેન્ડર સ્ટીરીયોટાઈપ' કહેવાય. બાળકોને એ સંદેશો જાય છે કે છોકરીનું કામ શણગાર કરીને ફરવાનું છે. આખી વાત બે ડગલાં આગળ લઇ જઈએ તો છોકરીએ પોતે 'ઉગરવા માટે' એક મજબૂત ભીમ શોધવાનો હોય છે. નવા જમાનામાં એ ભીમ શારીરિક કરતા સામાજિક-આર્થિક રીતે મજબૂત હોય તે વધારે જરૂરી છે. સ્ટીરીયોટાઈપની તકલીફ એ હોય છે કે તે બધા પ્રકારની વિવિધતા કે અલગ પડવાની શક્યતાને શૂન્ય કરી નાખે છે. સમાજે ઉભી કરેલી બીબાંઢાળ ભૂમિકાઓની સરહદો ઓળંગીને જ જે-તે વ્યક્તિ સ્વતંત્ર કે સ્વાવલંબી બની શકે છે અને સમાજને નવી સમજણો પાછી આપી શકે છે. માનવ વિકાસ કે ઉત્ક્રાંતિનો પાયો સરહદો ઓળંગવામાં છે, આ સરહદો ખડકવામાં કે સરહદોને જડ  રીતે વળગી રહેવામાં નહિ.

ઘર-સમાજ ઉપરાંત શિક્ષકો અને સ્કૂલો પણ જેન્ડર સ્ટીરીયોટાઈપને મજબૂત કરવામાં આડકતરી કે સીધી મદદ કરતા હોય છે, ઘણીવાર આ પ્રશ્ને બિલકુલ સભાનતા ન હોવાથી તો આ ખાસ બને છે. છોકરાઓએ નાટકમાં ભાગ લેવાનો અને છોકરીઓએ ગરબામાં. શિક્ષકો કોઈ ઓજાર કે યંત્રનું કામકાજ છોકરાઓને સમજાવતા દેખાય અને ઘરગથ્થું કામ માટે છોકરીઓને યાદ કરવામાં આવે. ઘણીવાર પાઠ્યપુસ્તકોમાં રમેશ તેના મિત્રો જોડે રમતો દેખાય અને રમીલા તેની માતાને ઘરકામમાં મદદ કરતી દેખાય. રમીલા નાનાભાઈને રમાડે (એટલેકે ધ્યાન રાખે) અને રમેશ દાદીમાં પાસેથી વાર્તા સાંભળે. શિક્ષકોની અભ્યાસમાં છોકરા-છોકરીઓ પાસેથી અપેક્ષાઓ અલગ અલગ હોય. સૌથી ગંભીર સ્ટીરીયોટાઈપ છે કે કોઈ પ્રશ્નને હલ છોકરાઓ તર્કશક્તિનો ઉપયોગ કરે અને છોકરીઓ આત્મસૂઝનો. ખરેખર? શિક્ષણવિદો આવું માનતા નથી. શું તર્કશક્તિ પર કોઈ એક લિંગ-જાતિની વ્યક્તિનો અધિકાર હોઈ શકે? શું આ વાત તાર્કિક છે? કદાચ મોટાભાગના શિક્ષકોને ખબર નહિ હોય કે તેઓ છોકરી-છોકરાની જોડે અલગ અલગ વર્તન કરીને તેમના મગજમાં રહેલી ગ્રંથીઓને દ્રઢ કરી રહ્યા છે અને તેમને અમુક બીબાંમાં ઢાળી રહ્યા છે. જેમકે, દલિત બાળકો પાસેથી સ્કૂલના શૌચાલયો સાફ કરાવવામાં આવે તે કિસ્સો સાંભળ્યો. શિક્ષકોના ભેદભાવપૂર્ણ વર્તનનું આ સૌથી જઘન્ય પ્રકરણ છે. જો એક જ્ઞાતિના બાળકો સાથે આવો વ્યવહાર ખુલ્લેઆમ થતો હોય તો પછી 'જેન્ડર સ્ટીરીયોટાઈપ' તો બહુ સામાન્ય લાગે તેવી ઘટના છે.

વિવિધ સંસ્કૃતિઓ અને સમાજમાં થયેલું સંશોધન દર્શાવે છે કે 2-3 વર્ષના બાળકોને લિંગભેદ અને તેની સાથે સંકળાયેલા સ્ટીરીયોટાઈપની ખબર પડી જતી હોય છે. જ્યારે તે 4-5 વર્ષના થાય છે ત્યારે બાળકો લિંગભેદના સ્ટીરીયોટાઈપને વળગી રહેવામાં માસ્ટરી બતાવતા થઇ જાય છે. જેમ કે, અમુક રમતો છોકરીઓ રમે અને અમુક રમતો છોકરાઓ રમે. કોઈ છોકરો ઘર-ઘર રમે કે કોઈ છોકરી ફૂટબોલ રમે તો તેને તરત વારવામાં આવે. માતાઓ જ છોકરીને તૈયાર કરીને અરીસાની સામે ઉભી રાખવા માંડે. પિતા પાસે જો સમય હોય તો તે છોકરા સાથે અમુક રમતો રમશે અને છોકરી સાથે અમુક. આ બધી ઘટનાઓ એટલી સ્વાભાવિક છે કે તે ક્યારે બને છે તેની આપણને ખબર પણ નથી પડતી. અહીં સજાગ રહેવાની બાબત એ છે કે કેટલું સ્વાભાવિક રીતે કે બાળકની ઈચ્છાથી થાય છે અને કેટલું માં-બાપની. જો કે બાળકની ઈચ્છાઓને ઢાળવામાં અને પોષવામાં કુટુંબનો મોટો ફાળો રહેલો છે.

પૂર્વી આફ્રિકાના ઈરીત્રામાં થયેલા સંશોધન મુજબ શાળાએ જવાલાયક ઉમરની છોકરીઓ દરરોજ સાડા ચાર કલાક ઘરકામ કે સ્કૂલ સિવાયનું કામ કરતી હોય છે, જ્યારે આવા જ કુટુંબના છોકરાઓ અઢી કલાક. નિયમિત રીતે છોકરીઓ ઘરકામ, રસોઈ અને નાના ભાઈ-બહેનોની સંભાળ લેવાનું કામ ભણવા ઉપરાંત કરતી હોય છે. આફ્રિકાના ગામ્ભીયામાં સ્કૂલે જતી અને સ્કુલે ન જતી છોકરીઓ સરખું જ ઘરકામ કરતી હોય છે. તે જ રીતે, દક્ષીણ મલાવીમાં થયેલા સંશોધન મુજબ છોકરાઓ દિવસનો (ઊંઘને બાદ કરતા) 41 ટકા સમય રમવામાં પસાર કરે છે, જયારે છોકરીઓ માત્ર 13 ટકા. મારા પોતાના સંશોધનમાં ગુજરાતની ગરીબ વસાહતોમાં આ જ પ્રકારના આંકડા જોવા મળે છે. ગરીબ વસાહતોમાં મોટાભાગની છોકરીઓને ભણવામાંથી વહેલી ઉઠાડી દેવામાં આવે છે. આફ્રિકા હોય કે અમદાવાદ દીકરીને માટે 'ઘરકામ' એટલે સ્કૂલેથી મળતું લેસન નહિ, ખરેખર ઘરનું કામ હોય છે. વળી, મધ્યમ વર્ગમાં પણ દીકરાને મોંઘી સ્કૂલમાં અને દીકરીને થોડી સસ્તી સ્કૂલમાં ભણાવવાનું સામાન્ય છે.

ઈલીન કહે છે કે દરેક સંકૃતિમાં છોકરા-છોકરીના વહેવારોને લઈને ચોક્કસ ખ્યાલ હોય છે જ. પણ શિક્ષક અને માં-બાપ તરીકેને પહેલી જવાબદારી એ છે કે છોકરી હોય કે છોકરો તેમના માટે સરખી તકો ઉભી કરાવી. તેમની શક્તિઓને પીછાણવી અને તેમને પોતાની મર્યાદાઓની પેલે પાર જતા શીખવાડવું. જો શિક્ષકો અને માં-બાપ જ મર્યાદાના કિલ્લાઓ ઉભા કરશે તો બાળકમાં રહેલી શક્યતાઓ શૂન્ય થઇ જશે. કોઈ પણ પ્રકારના સ્ટીરીયોટાઈપને ખાળવા પહેલા તો એ જાણવું જરૂરી હોય છે કે આ સ્ટીરીયોટાઈપ છે. જેમ કે, સફેદ હંસ એક સ્ટીરીયોટાઈપ છે. જ્યારે કાળા હંસ જોવા મળે છે ત્યારે લોકો ભોંઠા પડે છે. હંસ તો સફેદ જ હોવા જોઈએ એવો આગ્રહ ન કરી શકાય. સફેદ હંસની થીયરી સાચી સાબિત કરવાની લાહ્યમાં કાળા હંસોનું ગળું ન ઘોંટી શકાય. દેશ કે સમાજને કાળા અને સફેદ હંસ એમ બંનેની જરૂર હોય છે. કાળા હંસો ઘણીવાર પોતાના અલગ ચીલા ચાતરતા હોય છે અને અલગ ચાતરેલા ચીલાથી જ સમાજ કે દેશ સમૃદ્ધ બને છે.

સમાનતાનો એક સાદો અર્થ થાય છે કે કોઈ બે સમૂહો સાથે સમાન વર્તન અને તેમને સામાન તકો મળે. સમાન હક તે જૂની વાત છે, એકવીસમી સદીનું સૂત્ર છે સમાન તક. જ્યારે જાણકારો એમ કહેતા હોય કે વિચારવાની પ્રક્રિયાનો વિકાસ બધા જ બાળકોમાં સરખી રીતે થતો હોય - એટલે કે કુદરતે બુદ્ધિશક્તિમાં કોઈ ભેદભાવ ન રાખ્યા હોય તો પછી આવા ભેદભાવને બાળપણથી જન્મ આપનાર માણસ કે સમાજ કોણ? નર હવે હથિયાર લઈને અસ્તિત્વની લડાઈ લડવા કે જંગલી પ્રાણી મારી લાવવા જતો નથી. માદા હવે પ્રજનન કે બાળ-સંભાળ માટેનું સાધન માત્ર નથી. નર-માદા હવે પુરુષ-સ્ત્રી બનીને સમાજના કોઈ પણ વર્ગમાં બંને સાથે ઘર ચલાવે છે અને સાથે બાળકો ઉછેરે છે. સ્ત્રી-પુરુષ વચ્ચે રોજબરોજના કામકાજની વહેંચણી ચોક્કસ થઇ શકે પણ કોઈ પણ કામ કોઈ એક લિંગની વ્યક્તિ સાથે જોડાયેલું હોતું નથી. સ્ત્રીઓ જો શેરબજારમાં ટ્રેડીંગ કરતા શીખતી હોય તો પુરુષો રસોઈ કરતા શીખી જ શકે. આ માનવ-ઉત્ક્રાંતિની સાદી સમજ છે. પણ સાદી સમજણો સમજવી અઘરી હોય છે એ મારો જાત અનુભવ છે. હું પોતે પણ આવા માન'સિક' ભેદભાવોથી પર નથી. આ એક સતત વિચારણા માંગી લે તેવી પ્રક્રિયા હોય છે. જો પરિવારના સભ્યો સાથે આની ચર્ચા કરવામાં આવે તો પછી આપણે એક-બીજાને ટપારવાનું કામ તો બહુ સહેલાઈથી કરી લેતા હોઈએ છીએ.
Let's end with a happy ending!


(નોંધ: મારી પત્ની મીરાં શિક્ષક છે અને પેલું વેબપેજ મારા સુધી પહોંચાડીને તેનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરાવવાનું ષડ્યંત્ર તેનું છે. મેં પણ ભાવાનુવાદ કરવાની જગ્યાએ લાંબુ તાણીને બદલો વાળી લીધો છે.)