Sunday, April 03, 2016

છઠ્ઠું વર્ષ અને 150મી પોસ્ટ: એકવીસમી સદીમાં ગુજરાતી લેખક અને વાચક!

1લી એપ્રિલ, 2010ના 'ફૂલ્સ ડે'ના પવિત્ર દિવસે હસતાં-હસતાં આ બ્લોગ શરુ કરેલો. હવે રમતાં-રમતાં 6 વર્ષ પુરા થયા. ત્યારે પણ 'લખતાં' નહોતું આવડતું, આજે પણ કદાચ નથી આવડતું! ત્યારે ય પણ ક્યારેક ઝીણું તો ક્યારેક જાડું કંતાતું હતું, આજે પણ! આ છ વર્ષમાં ગોકળગાયની ગતિએ 150 પોસ્ટ પૂરી કરી. ઇન ફેક્ટ, 150મી પોસ્ટ પૂરી કરી રહ્યો છું. આજે 150મી પોસ્ટ મારા બ્લોગના જન્મદિને (જન્મ અઠવાડિયે) એક્સક્લુઝીવલી માત્ર બ્લોગ પર મૂકી રહ્યો છું. આ 150 પોસ્ટમાં 'નવગુજરાત સમય' માટે લખેલી લગભગ પચાસ અને ડીએનએ માટે લખેલી લગભગ ત્રીસ પોસ્ટ અંગ્રેજીમાં પણ છે. આ ઉપરાંત સ્ક્રોલમાં (scroll.in) લખ્યું, સાર્થક 'જલસો'માં લખ્યું, નિરીક્ષકમાં લખ્યું. કોઈકે સામેથી હક અને હઠ કરીને લેખ માંગ્યા તો કોઈકે પૂછ્યા વિના કંઇક છાપી નાખ્યું. કોઈકે એવો આગ્રહ રાખ્યો કે મારે મારું લખેલું છપાવવા તેમની કુરનીશ બજાવવી જોઈએ. જો કે,  મોટેભાગે સારા અનુભવો જ થયા છે. ઘણાં નવા મિત્રો મળ્યા છે, ઘણી નવી સમજ કેળવાઈ છે, જે સૌથી મોટી મૂડી છે. 

પ્રોફેશનલ લેખકોની - કટાર લેખકોની જીંદગી આકરી હોય છે. ફૂલ ટાઈમ નોકરી અને પાર્ટ ટાઈમ પ્રવાસો સાથે નિયમિત કોલમ લખવાની શિસ્ત કેળવવી અઘરી હોય છે. વળી, 2010થી યુનિકોડના આવવા પછી ગુજરાતી લેખકો, કવિઓની સંખ્યામાં જે સતત વધારો થયો છે, જે જોતાં એવું લાગે છે કે આજે લેખકોની સંખ્યા વાચકો કરતાં વધારે છે. સાથે સાથે, મમળાવીને વાંચવું ગમે તે પ્રકારના લખાણો ઘટતાં જાય છે. છેલ્લે, તમે ભીજવતું કે દઝાડતું લખાણ ક્યારે વાંચેલું? મનોજ ખંડેરિયા તેમની લોકપ્રિય ગઝલમાં કહે છે તેમ પકડો કલમને કોઈ પળે, હાથ આખેઆખો બળે - તેવું બને છે? અને એવું બને તો શું લેખકની લ્હાય વાચક સુધી પહોંચે છે? લેખકની ગમે તેવી લ્હાય હોય પણ શું વાચક તેને સાહીઠ સેકંડથી વધારેનો એટેન્શન સ્પાન આપી શકે છે?

એક વાર 'લેખક' બની ગયા પછી, ઘણાં બીજા કોઈકે લખેલું વાંચવાનું છોડી દે છે પણ બીજા પોતાનું વાંચ્યા કરે તેવો આગ્રહ રાખે છે. દર અઠવાડિયે નવા વિચારો, નવી સામગ્રી,  મૌલિક લેખો વગેરે લાવવું અઘરું હોય છે. કેટલીક વાર કોઈક નવો મુદ્દો આવે ત્યારે વાચક તરીકે આપણને ખબર જ હોય છે કે આ વિષે કોણ શું લખશે. અને કમનસીબે, આ અનુમાન ખોટું પડતું નથી.  માન્યું કે મોટાભાગના લેખકોનું એક પ્રકારનું સામાજિક-રાજકીય વલણ હોય છે પણ તેની અંદર પણ તાજગી,  મૌલિકતા હોઈ શકે! આજે મને સરેરાશ ગુજરાતી લેખક એક તરફ સેલ્ફી-ગ્રસ્ત અવસ્થામાં પોતાનાં લખાણને પ્રમોટ કરતો દેખાય છે તો બીજી બાજુ વાચકોને લુભાવવા અને ખુશ રાખવા આગ્રહ કરીને પીરસતો પીરસણિયો થઇ ગયો છે. ફરક માત્ર એક જ છે કે કોઈનો શો રૂમ હોય છે, કોઈની દુકાન હોય છે અને કોઈની લારી - બાકી અલગ અલગ પ્રકારની દુકાનદારીની અપેક્ષા તો દરેક લેખક પાસેથી હોય છે. ક્યારેક તો લેખકની બનવાની તૈયારી કરતાં   દુકાનદારીની તૈયારી વધુ મજબૂત હોય છે.

સાથે સાથે મને છેલ્લા છ વર્ષમાં એ પણ ખૂંચે છે કે ગુજરાતી લેખનમાં રૂઢિચુસ્તતાનો ઉત્સવ લોકપ્રિય થઇ રહ્યો છે! સમાજના અને રાજકારણના સ્થાપિત હિતોને સ્વીકારી લેવાની અને બને તો તેનું મહાત્મ્ય કરવાની ફેશન ચાલે છે. આધુનિક, પ્રગતિશીલ, ખુલ્લું દિમાગ ધરાવતાં, ઉદાર મતના લેખકોની સંખ્યા ગુજરાતમાં કેટલી? શું આજે આપણાં એક સરેરાશ લેખકને પોતાની જાતિ-જ્ઞાતિ, લિંગ, ધર્મ, રંગ વગેરેમાંથી ઉદ્ભવતા સહજ પક્ષપાતો અને પૂર્વગ્રહોની જાણકારી હોય છે? શું આ લેખક સમજે છે કે તેની પોતાની સામાજિક પરિસ્થિતિના લીધે સહજ રીતે મળતાં પ્રિવિલેજ કેટલાં છે? અને પોતાને સહજ રીતે મળતાં સામાજિક વિશેષાધિકારોનો (પ્રીવીલેજીસનો) ઉપયોગ કરીને તે શું મેળવે છે? અને જે તે મેળવી લીધા પછી તે કોની પીઠ થાબડે છે? આ બધા અઘરા પ્રશ્નો છે. અને અઘરા પ્રશ્નોનો જવાબ અઘરો હોય છે. અઘરા જવાબોમાં મંથન-ચિંતન-વલોપાત હોય છે. ચાલો, આજે તમે  આધુનિક કે પ્રગતિશીલ વિચારોથી કેળવાયા ન હોય તે બની શકે પણ, કમ સે કમ તમારો કોઈ ઈમાનદાર વલોપાત કે અસલ વૈચારિક સંઘર્ષ તો હોઈ શકે ને! પણ લેખક પાસેથી અપેક્ષા હોય છે કે તે નિર્વાણ પામેલ દૈવી આત્માની જેમ ઊંચા આસનેથી બેસીને પ્રવચન આપે, દરેક મુદ્દાનું 'સનાતન સત્ય' પ્રગટ કરે. તેમાં વિચાર-વલોપાતનું કોઈ સ્થાન હોતું નથી. વધુમાં, તે માની લીધેલા અદ્રશ્ય રાજકીય શત્રુઓના ગાભાં કાઢી નાખે, બેન્ડ બજાવી દે. પછી તાળીઓનો ગડગડાટ થાય, શો પૂરો થાય. પેલો દૈવી આત્મા હવે નવરો પડે છે. વાચકો પોતાના બ્રાઉઝરમાં હવે બીજી નવી વિન્ડો ખોલે છે.

લેખક હવે દુકાનદાર, દૈવી આત્મા અને જાદુગરનું મિશ્રણ ધરાવતો બહુરુપીયો છે. વાચક હવે  ગ્રાહક, ભક્તગણ અને પ્રેક્ષકનું મિશ્રણ ધરાવતો બીજો બહુરુપીયો છે. લેખકની દુકાનનું કાઉન્ટર, ઉંચું આસન કે સ્ટેજ ઓળંગી શકવાની સંભાવના કેટલી? વાચકની બે હાથ જોડીને બેસી રહેવાની કે તાળીઓ પડવાની જગ્યાએ ઉભા થઈને  સવાલ પૂછવાની ભૂમિકા હોઈ શકે કે નહિ? લેખક 'આવું જ ખપે છે' તેમ  માનીને  ગુણવત્તા સાથે બાંધછોડ કરતો  થઇ જાય છે અને વાચક પણ બધી જ બાંધછોડો સ્વીકારી લે છે. મરીઝ કહે છે કે તેમ - તમે પણ કોઈ વાત મનથી ન કીધી અને અમે પણ કોઈ વાત મનમાં ન લાવ્યા. મને આ લેખક અને વાચક બંનેના બીબાંઢાળ રૂપ ખૂંચે છે. સરેરાશ લેખકની મીડીયોક્રિટી (mediocrity) અને સરેરાશ વાચકની પેસીવીટી (passivity) ખૂંચે છે. લેખક અને વાચક બંનેને માટે આ જડ ભૂમિકાને લાંઘવી જરૂરી છે. આ પ્રકારનું ઉલ્લંઘન (transgression) સ્વસ્થ સમાજની નિશાની હોય છે. એકવીસમી સદીમાં શું કોઈ લખાણ તમારા મગજના અંધારા ખૂણામાં રહેલા ન્યુરોન્સને અજવાળી શકે છે કે તે અંધારા ખૂણા પર દરવાજો જડીને સદાય માટે તાળું જડી દે છે? આ પૂછવા જેવો પ્રશ્ન હોય છે.

છ વર્ષમાં રાજકીય-સામાજિક ક્ષેત્રે ઘણું બદલાયું છે. 'ગરીબોના હાથ' વાળી સરકાર ગઈ અને 'અચ્છે દિન' વાળી સરકાર આવી છે. આ સાથે રાજકીય ધ્રુવીકરણ પણ જબરજસ્ત થયું છે. તમે ક્યાં તો અમારી સાથે છો અથવા વિરુદ્ધ! મધ્યમ માર્ગનો, મધ્યમાં રહેલી રાજકીય સ્પેસનો વિલય થયો છે. લેખક અને વાચક બંનેને આજે પક્ષાપક્ષીની રમત રમવી પડે છે. ઘટનાઓ બદલાય છે પણ તેમનું વિશ્લેષણ બદલાતું નથી. આ પક્ષાપક્ષીની રમતમાં સૌથી પહેલી ખુવારી સત્ય અને તર્કબુદ્ધિની થતી હોય છે. અત્યારે આપણે જે પ્રકારના રાજકીય લોલકમાં છીએ તેમાં આ ધ્રુવીકરણ ખુવાર થાય તે પહેલાં થોડા વર્ષ માટે વધવાનું છે. ત્યારે લેખકે અને વાચકે એ નક્કી કરવાનું છે કે તેઓ રાજકીય લોલકમાં લોલમલોલ થવું છે કે પછી લોલકગતિની બહાર ઉભા રહેવું છે. નીચે વાંચો રમેશ પારેખને! આ કરવું અઘરું હોય છે. પણ જીંદગી ક્યાં સહેલી હોય છે? સહેલી તો સુરજ બરજાત્યાની ફિલ્મો હોય છે!


બધાને આવતો સરખો વિચાર હોઈ શકું, 
અગર વિચારના વર્તુળની બહાર હોઈ શકું; 
હું કોઈ નક્કી નથી કે મને વિચારી શકો, 
જીવું ને જિંદગીમાંથી ફરાર હોઈ શકું ! 
 -રમેશ પારેખ

દરેક ટીકા કે ટિપ્પણ નવા વિચારનું, નવી વિભાવનાનું સ્વાગત કરે છે. મારી સમકાલીન લખાણો માટેની ટીકા-ટીપ્પણી તે મારો આખરી ચુકાદો નથી પણ મારું વિચાર દ્વંદ્વ છે. છેલ્લા છ વર્ષમાં થયેલા સ્વપ્નભંગની સૂચી છે. ઘણી શક્યતાઓ ધરાવતા ટેલેન્ટેડ લેખકોને 'સેટલ' થવાની લ્હ્યાયમાં ભેખડે ભરાતાં જોયા છે. આ લેખક અને વાચક જગતના પ્રવાહો ગુજરાત સુધી સીમિત નથી. તેથી આ ગુજરાતી અસ્મિતાની ક્રાઈસીસ નથી. આ ક્રાઈસીસ એકવીસમી સદી માટે સુસંગત લખાણના વિચારબીજની છે. આ ક્રાઈસીસ લોલકગતિની નિર્ધારિત ગતિને નહિ પડકારી શકવાથી ઉભી થઇ છે. આ એકવીસમી સદીના લેખક અને વાચકની એક્ઝીસ્ટેનશીયલ ક્રાઈસીસ છે. એક લખાણને સાહિત્ય બનવા માટે લાંબી મજલ કાપવી પડતી હોય છે. આ મજલ કાપવા માટે જે સાહસીઓ નીકળ્યા હોય તેમને 'ઓલ ધ બેસ્ટ' અને આ મજલમાં જે જલ્દી થાકી જવાના હોય તેમને 'બક અપ'. ફરી મનોજ ખંડેરિયાને યાદ કરીએ તો એવું પણ બને કે અડધા રસ્તે રસ્તોને ભોમિયા બંને છેતરે અને એવું પણ બને કે જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં પહોંચતા જ મન પાછું વળે. ખેર, લેખક અને વાચક બંને ને તેમની લાંબી ઉંચી ઉડાન મુબારક અને ગમતીલો મુકામ મુબારક! મુબારકબાદી સાથે નીચેની કવિતા બંધ બેસે છે. આ આર્થર સ્કીત્ઝ્લરે 1898માં લખેલી કવિતા વિયેના શહેરના લિયોપોલ્ડ મ્યુઝીયમમાં છે.


સત્યનું હાર્દ તેને જ મળે છે જે તેને શોધવા નીકળે છે. 
સ્વપ્ન અને  જાગૃતિની જેમ જ એકબીજાની અંદર એકધારા વહે છે,
સત્ય અને જૂઠ. કશું ય નિર્ધારિત ક્યાં હોય છે.
આપણે ક્યાં બીજાને કે પોતાની જાતને ઓળખી શકીએ છીએ.
આપણે તો રમતમાં રચ્યા રહીએ છીએ - અને જે આ જાણે તે ખરો ચતુર સુજાણ.

છેલ્લે, એક નાની ફોટોગ્રાફિક રમૂજ - વિયેના શહેરના અનેક પેડેસ્ટ્રિઅન ક્રોસિંગ આ પ્રકારની ગ્રીન લાઈટ મૂકીને સજાતીય સબંધોના સર્વત્ર સ્વીકાર માટેની પેરવી કરવામાં આવે છે. યોગનુયોગ, આ ફોટોગ્રાફ પર વેલેન્ટાઈન દિવસ (14 ફેબ્રુઆરી, 2016) પર લેવામાં આવ્યો છે.

9 comments:

  1. અભિનંદન...દોઢસોમી પોસ્ટમ ાટે અને વાચક-લેખક કટોકટીને બહુ અસરકારક રીતે મૂકી આપવા બદલ. લારી-દુકાન-શો રૂમની દુનિયામાં સેલ્ફીગ્રસ્ત પીરસણીયાઓ વચ્ચે વ્યક્તિગત પ્રતિબદ્ધતા ટકાવી રાખવી ને જાતે ટકી રહેવું, એ જ સૌથી મોટો પડકાર છે ને એ જ સિદ્ધિ પણ.

    ReplyDelete
  2. અભિનંદન, ઋતુલ! આ વિચારદ્વંદ્વ સતત ચાલુ રહે એ જરૂરી છે. તમારા બ્લોગનાં લખાણો થકી ઘણી વાર ચોમેર નિરાશાના વાતાવરણમાં પણ આશાનું કિરણ ઝળકતું લાગ્યું છે. નક્કર સમસ્યાઓ, વાસ્તવલક્ષી ચર્ચા અને મુદ્દાકેન્દ્રી અભિગમની તમારા લખાણોની ખાસિયત આગામી વરસોમાં જળવાઈ રહે એવી શુભેચ્છા.

    ReplyDelete
  3. ખુબ ખુબ શુભેચ્છાઓ , ઋતુલ સર 'લાખેણા છ' વર્ષ પુરા કરવા બદલ . .

    ગુજરાતીમાં આજથી ચાર વર્ષ પહેલા સૌ પહેલો બ્લોગ આપનો જ વાંચવા મળ્યો હતો અને પછી તો એ સફર [ અને બાકીની પેટા-સફર પણ ] ખુબ જ પ્રેરણાદાયી બની રહી .

    ReplyDelete
  4. At this time we wait for JALSO
    Dinesh Patel

    ReplyDelete
  5. આર્થર સ્કીત્ઝ્લરની કવિતાએ જલસો કરાવ્યોઃ ‘આપણે તો રમતમાં રચ્યા રહીએ છીએ - અને જે આ જાણે તે ખરો ચતુર સુજાણ.’
    કાંતણ-લેખન ખૂબ ચાલે એવી શુભેચ્છા.
    તમે લખો છો એ બાબત ગમવાનું એક અંગત કારણ એ છે કે એ બહાને સત્યને ફંફોસવામાં સંગાથ સારો છે એવી તસલ્લી રહે છે.

    ReplyDelete
  6. Congratulations and Best! Also thanks for the sharing your thought and process as I am witness of it for a while.

    ReplyDelete
  7. સામાન્યપણે તો હું તમારા અહીં પ્રગટ થતા લેખ સમયસર જ વાંચતો રહ્યો છું.પરંતુ સંજોગોની કેવી વિચિત્ર યુતિ બની હશે કે જન્મ દિવસને યાદ કરીને પશ્ચાદવિચાર કરતો આ લેખ જ આટલો મોડો વંચાયો - "આપણે ક્યાં બીજાને કે પોતાની જાતને ઓળખી શકીએ છીએ" એ સાચું પણ કરી તો બતાવવું જ પડે ને?
    અભિનંદન...

    ReplyDelete