Saturday, April 24, 2010

Julie and Julia (2009) - જોવા જેવી ફિલ્મ


Bon Apetit! આ શબ્દો છે જૂલીયા ચાઇલ્ડના. જેને અંગ્રેજીમાં 'Enjoy your meal' અને ગુજરાતીમાં શું કહી શકાય તે હમણાં યાદ નથી આવતું. મેરિલ સ્ટ્રીપની કોઈ નવી ફિલ્મ જોવાની ઈચ્છામાં આ ફિલ્મ હાથ લાગી. ઘણા વખતે કોઈ સીધી-સાદીછતાં જકડી રાખતીહળવી અને મનોરંજક ફિલ્મ જોવા મળી. આ ફિલ્મની વાર્તા વાસ્તવિક પ્રસંગોને આધારિત છે. બે સ્ત્રીઓ કે જેમને એક બીજા સાથે કોઈ સીધો સંબંધ નથી તેમની આ વાર્તા છે. કોઈ એક 'હીરોઅને તેના ચાહકની વાર્તા. આ વાર્તા છે ખાણી-પીણી વિશેરસોઈ વિશેબ્લોગીંગ વિશે અને આખરે તો પ્રેમ વિશે. 
જૂલીયા ચાઇલ્ડ રસોઈ કલાના નિષ્ણાત લેખક છે અને વીસમી સદીના મધ્યમાં ફ્રાન્સમાં (૧૯૪૮-૧૯૫૬) વીતાવેલા તેમના જીંદગીના સૌથી સુંદર વર્ષોમાં તે ફ્રાન્સની પરંપરાગત અને આધુનિક રસોઈ કલામાં રૂચી લેતા થાય છે અને છેવટે અમેરિકન લોકોને ધ્યાનમાં રાખીને એક દળદાર પુસ્તક લખે છે - Mastering the Art of French Cooking (1961).  આ પુસ્તક અમેરિકન કુક બુક્સના ઇતિહાસમાં અનન્ય ગણાય છે કારણકે તે ઉંચ્ચ શ્રેણીની ગણાતી રસોઈ કળાને એક સામાન્ય અમેરિકન રસોડાને ધ્યાનમાં રાખીનેઅમેરિકન રસોઈયાને ધ્યાનમાં રાખીને બહુ સહેલાઇ અને રસ પૂર્વક સમજાવે છે. કદાચ બહુ જ સમજણ પૂર્વક તે અમેરિકન ગૃહિણી નહિ પણ અમેરિકન રસોઈયા શબ્દ વાપરે છે. કારણકે રસોઈ કળા બધા માટે છે અને રસોઈ કરાવી તે સ્ત્રીઓનું કામ અને ઓફીસ જવું તે પુરુષોનું કામ એવા ખોટા ખ્યાલો તેના મનમાં નથી. જેને ખાવા-પીવાનો  શોખ હોય તેને એવી જીજ્ઞાસા થવી જ જોઈએ કે આ કેવી રીતે બનેકોની સાથે શું ખવાય અને શું પીવાય. જુલિયા એવી જ વ્યક્તિ છે કે જેને ખાવાનો બહુ શોખ અને આ શોખમાંથી જ એક અકસ્માતથી અને પછી એક પડકાર તરીકે તે ફ્રાન્સની રસોઈ કળા હસ્તગત કરે છે. જુલીયા તેના પતિ પોલને અને ફ્રાન્સને બહુ પ્રેમ કરે છે અને કોઈક રીતે ફ્રાન્સને પોતાનામાં જીવીત રાખવા માટે રસોઈ તેને શ્રેષ્ઠ માધ્યમ લાગે છે. આ માધ્યમ વડે તે તેના વાચકોને રસોઈ કરતા અને ખાસ તો ખાતા શીખવે છે. 

બીજી તરફજુલી પોવેલ એક સમકાલીન યુવતી છે જે તેની કંટાળાજનક નોકરીનવા શહેરના અણગમા અને તેના ડગમગતા આત્મવિશ્વાસ વગેરેને ખાળીને  જીવનમાં કંઇક મહત્વપૂર્ણ કરવા માંગે છે. તેના પતિની મદદથી એક બ્લોગ શરુ કરે છે જેમાં તે પોતાના માટે એક પડકાર મુકે છે કે ૩૬૫ દિવસમાં જુલીયા ચાઇલ્ડના પ્રખ્યાત પુસ્તકમાંથી ૫૨૪ રેસીપી બનાવવીતેના વિશે બ્લોગમાં લખવું. જુલીના શબ્દોમાં 'તેના લગ્નજીવનનોકરી અને તેની બિલાડીના સ્વાસ્થ્યના જોખમે આ વિચિત્ર પ્રોજેક્ટ તેણે હાથ ધર્યો'. આ ફિલ્મ ૫૨૪ રેસીપીના અનુભવ વિશે છેલગભગ સાઈઠ વરસનું અંતર ધરાવતી બે સ્ત્રીઓ વિશે છે અને તેમના રસોઈ પ્રેમ વિશે અને તેમન જીવન પ્રેમ વિશે. જુલી પોવેલની લેખક બનવાની ઈચ્છા અંતે પૂરી થાય છે અને તેનો ઓરીજીનલ બ્લોગ અહી જોઈ શકાશે. બ્લોગીંગ વિશે કદાચ આ પહેલી ફિલ્મ હશે. જે મારા જેવા નવા-સવા બ્લોગરને પ્રેરણારૂપ છે. 

જૂલીયા તરીકે મેરિલ સ્ટ્રીપનો અભિનય મારફાડ છે. એક 'કદાવરઅમેરિકન મહિલા તરીકેનો અભિનયઅમેરિકન હાવભાવ સાથે ફ્રેંચ બોલવાના પ્રયત્નોપોલ સાથેની તેની કેમેસ્ટ્રી વગેરે માણવા લાયક છે. મેરિલ સ્ટ્રીપ હવે અભિનયમાં તેના પોતાના રેકોર્ડ તોડે છે. ફિલ્મની માવજત બહુ સારી છે. ફિલ્મ બહુ જ સહેલાઇથી ભૂતકાળ અને વર્તમાન વચ્ચે આંટા મારે છે. આ બે સ્ત્રીઓ વિશેની ફિલ્મ છે છતાં સ્ત્રી-પ્રધાન ફિલ્મ હોવાનો બોજો નથી ધરાવતી. હાકદાચ ખોરાક-પ્રધાન ફિલ્મ પણ ચોક્કસ કહી શકાય. 

છેલ્લે જુલી જુલીયાના કેમ્બ્રિજ (યુએસ)માં આવેલા મ્યુઝીયમમાં તેના ફોટો નીચે એક બટરનું પેકેટ મૂકી આવે છે અને ઉપર પ્રમાણેનો ફોટો પડાવે છે. મૂળ તો પોતાનો કંટાળો દુર કરવા શરુ કરેલી પ્રવૃતિના લીધે અને આ પ્રવૃત્તિ દિલ દઈને કરવાને લીધે બંનેને પોતાની જાત સાથે નવી ઓળખાણ થાય છે અને નવો વિશ્વાસ મળે છે. બસ આ જ જીવન છે અને તેના વિશેની જ આ ફિલ્મ છે. બોન એપેતી! 

Monday, April 19, 2010

સુરતમાં urFUN design


તમે ઘણી વખત રોડની બાજુમાં લાંબો સમય પડી રહેતા કોન્ક્રીટના મોટા-મોટા સ્ટ્રોમ વોટર સિસ્ટમના (વરસાદી પાણીના નિકાલ માટેના) ભૂંગળા જોયા હશે. આ ભૂંગળા જોઇને શું વિચાર આવે? મ્યુનીસીપાલીટીનું  બાકી રહેલું કામ, કોઈકની આળસ કે બેદરકારી, 'શહેરનો વિકાસ થઇ રહ્યો છે તેથી થોડું તો ભોગવવું પડે' વગેરે વગેરે. આ કોન્ક્રીટના અજગરો આમ પથરાઈને પડી રહેવાને લીધે આખા રસ્તામાં ચાલવાની મજા મરી જાય છે. એક રસ્તો છે કે આ ભૂંગળાના અહીં પડી રહેવાના લીધે પડતી હાલાકી વિષે મ્યુનીસીપલ કોર્પોરેશનમાં અરજી કરી શકાય, ચોરે ને ચોતરે તેના વિષે વાતો કરી શકાય, છાપામાં ચર્ચા પત્ર કે પછી તંત્રીને પત્ર લખી શકાય કે પછી આજ કોન્ક્રીટના અજગરનો ઉપયોગ કરીને થોડી સર્જનાત્મકતાનું મિશ્રણ એમાં ઉમેરીને તેને રસપ્રદ બનાવી શકાય.  સુરતના અમુક યુવાન મિત્રોએ વિચાર્યું કે જો આ ભૂંગળા અહી પડી જ રહેવાના હોય તો પછી તેને સમસ્યા તરીકે જોવા કરતા જો તેને શક્યતા તરીકે જોવામાં આવે તો પછી આ જગ્યાએ થી પસાર થવાનો આખો અનુભવ જ બદલાઈ જાય. સુરતનું આ મિત્રો નવા-સવા આર્કીટેક્ટ છે અને દુનિયા જોઇને પોતાના શહેરમાં પાછા ફર્યા છે. તેમનામાં અલગ જ પ્રકારની એનર્જી છે અને પોતાના શહેર માટે 'કંઇક' કરવાની ભાવના.

આ મિત્રોએ આ સમસ્યાને એક ડીઝાઇન પ્રોજેક્ટ બનાવી દીધો અને તેને નામ આપ્યું urFUN design. (અર્બન ડીઝાઇન તે સ્થાપત્યના શિક્ષણનો એક ભાગ છે જેમાં શહેરને લગતા મુદ્દાઓ અંગેની ડીઝાઈન આવરી લેવામાં આવે છે.) તેમણે જોયું કે આ ભૂંગળાના સરસ  પડછાયા આખો દિવસ રોડ પર પડે છે અને જો આ પડછાયાને રંગબેરંગી બનાવી દઈએ તો? આ એક નાનકડો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો અને એક રજાના દિવસે બધાએ ભેગા થઈને આ પ્રોજેક્ટને વાસ્તવિક સ્વરૂપ આપી દીધું. આપ નીચેના ફોટામાં આ પ્રોજેક્ટ અને તેનું અમલીકરણ જોઈ શકશો. ફોટો કર્ટસી: મીતુલ દેસાઈ અને મિત્રો.


આવા નાના ઉપાયો અને વિચારોમાં આપણા શહેરોને સુંદર બનાવી દેવાની કેવી શક્તિ હોય છે. સુરતના આ મિત્રોએ જે પણ નાનું સરખું કામ કર્યું છે તે તેમનો અલગ મિજાજ દર્શાવે છે. સમસ્યા એ સમસ્યા નથી પણ કંઇક નવું કરવાની તક છે. બસ જોઈએ થોડું નવું વિચારવાની દ્રષ્ટિ અને થોડી સર્જનાત્મકતા. આ અંગે ઈ મેઈલ કરવા માટે મીતુલનો આભાર. ભવિષ્યમાં આવા જ પ્રોજેક્ટ્સ કરતા રહે તે માટે સૌને ઓલ ધ બેસ્ટ!
urFUN designers: Mitul, Tejas, Hemali, Jigna, Sohel, Vipul and other friends. Sorry, I don't know everyone's names! 

Sunday, April 18, 2010

Do you follow IPL?

You must be following IPL? No. તમે IPLની કઈ ટીમને સપોર્ટ કરો છો? કોઈ પણ નહિ. શું આમ કહેવું પાપ છે ? જયારે લોકો મને IPLના કોઈ મેચ વિષે કૈંક પૂછે છે અને હું જયારે મારું અજ્ઞાન જાહેર કરું ત્યારે મારી સામે એવી રીતે જોવે છે કે જાણે મેં દેશદ્રોહનો ગંભીર અપરાધ કર્યો હોય કે પછી મારું જીવન મિથ્યા હોય. મારે સૌથી પહેલા એ જાહેર અહીં કરવું જોઈએ કે મને ક્રિકેટમાં રસ છે અને સમજ પણ પડે છે. જીવનનો મોટો ભાગમેં ભારતીય ક્રિકેટના સમર્થક તરીકે અને એવી ગલીઓમાં - અગાશીઓમાં ક્રિકેટ રમીને પસાર કર્યો છે કે જેમાં ખરેખર ક્રિકેટ રમવા માટે રમતના નિયમો બદલવા પડે. આ રમતોમાં અમે ખેલાડીની એમ્પાયરની અને BCCIની એવી ત્રેવડી ભૂમિકાઓ રમતાં-રમતાં ભજવી છે. વહેલી સવારે જાગીને ન્યુઝીલેન્ડમાં રમાતી મેચો અને આખી રાત જાગીને વેસ્ટ ઇન્ડીઝમાં રમાતી મેચો જોઈ છે. ચેતન શર્માના છેલ્લા બોલે જાવેદ મિયાદાદે ફટકારેલો છગ્ગો હજુ ચચરે છે અને વર્લ્ડ કપ સેમી ફાઈનલમાં સચિન તેંદુલકરે શોએબ અખ્તરની બોલીંગમાં ઓફ સાઈડમાં ફટકારેલો છગ્ગો હજુ મમળાવીએ છીએ.

ક્રિકેટના અને ખાસ તો ભારતીય ક્રિકેટના ચાહક હોવાની 'કટ્ટરતા' સાબિત કર્યા પછી એવું કહેવું પડે છે કે બોસ, ક્રિકેટનો અતિરેક નથી થઇ રહ્યો? દર વર્ષે દોઢ મહિના માટે IPL , વળી પાછી ચેમ્પિયંસ લીગ અને હવે તો આવતા વરસથી દસ ટીમો ભેગી થવાની છે. તે સિવાય ભારતીય ક્રિકેટરોનું કેલેન્ડર ભરચક. મને ક્રિકેટના બદલાતા જતા સ્વરૂપ સામે કે પછી ક્રિકેટના વધતા જતા વ્યાપારીકરણ સામે બહુ વાંધો નથી. (જોકે એ અલગ વાત છે કે વ્યાપારીકરણ વધતું જતું ના હોય વ્યાપારીકરણ હમેશા વધુ જ હોય, તો જ વ્યાપાર થાય એવું વ્યાપાર કરવા વાળા લોકો કહે છે.) વિશ્વભરમાં ભારતને સૌથી મોટા ક્રિકેટપ્રેમી દેશ તરીકે જોવામાં આવે છે અને સૌથી વધુ ટીવી જોતા પ્રેક્ષકોના દેશ તરીકે પણ. તેથી જ કદાચ આપણે એવા દેશો જોડે કે એવા સ્થળોએ વધુ ક્રિકેટ રમીએ છીએ કે જ્યાંથી ટીવીનું પ્રસારણ એવા ટાઇમે થાય કે જયારે વધુ પ્રેક્ષકો મળે. BCCI નું કેલેન્ડર દુનિયાભરમાં સૌથી વધુ વ્યસ્ત હોય છે. બીજા દેશોમાં ક્રિકેટની સીઝન હોય છે. પરંતુ BCCI તો દુનિયાની સૌથી મોટી સીઝનલ દુકાન છે જે દિવાળીમાં ફટાકડા, હોળીમાં પિચકારી, ચોમાસામાં છત્રી અને શિવરાત્રિમાં ભાંગ વેચે છે.

લોકોએ એ નક્કી કરવાનું આવે કે આપણે પ્રેક્ષક છીએ કે પછી આ રમતના ચાહક. જો ચાહક હોઈએ તો પછી આપણી ગમતી રમતને ગમતી રીતે, મન થાય ત્યારે જોઈએ. આપણને આપણી ગમતી રમત પર ગુસ્સો પણ આવી શકે અને કંટાળો પણ. આજ કાલ ક્રિકેટ જગત ટીવી જેવું થતું જાય છે. ભલે સો ચેનલો હોય પણ અમુક જ ચેનલો પર અમુક જ પ્રોગ્રામ સારા આવતા હોય. હવે ચેલેન્જ એ છે કે આ અમુક ચેનલ પરના અમુક પ્રોગ્રામોને શોધી કેવી રીતે કાઢવા? જોકે આ વખતે આપણે IPL વળી ચેનલ બદલી કાઢી છે.

Monday, April 12, 2010

Climate Change અને જીવન શૈલી -1

હવામાનના બદલાવના સબંધમાં ચર્ચાઓનું હવામાન રોજ બદલાય છે. ગયા ડીસેમ્બરમાં એવું લાગતું હતું કે દુનિયા માટે સૌથી મહત્વનો મુદ્દો આ જ છે. આજ કાલ તો જો કે મીડિયામાં પર્યાવરણ સંબંધિત સમાચાર કે લેખ જોઇને નવાઈ લાગે. હવામાન અને પર્યાવરણ વિષે વાત કરવાની સીઝન પૂરી થઇ લાગે છે. તેથી આ વિષે લખવાનું મન થાય છે. વાત જાણે એમ છે કે પહેલી વખત સમગ્ર માનવ ઇતિહાસમાં માનવ સંખ્યા ૬.૬૯ બિલિયન સુધી પહોંચી છે. પચાસ વર્ષ પહેલા માનવ સંખ્યા ૩ બિલિયન હતી. અત્યારે લગભગ ૪૭% લોકો શહેરોમાં વસે છે જે સંખ્યા અને ટકાવારી પ્રમાણે માનવ ઇતિહાસમાં પહેલી વાર થયું છે. ઈ.સ. ૨૦૩૦ સુધીમાં દુનિયામાં ૫ બિલિયન લોકો શહેરોમાં અને લગભગ ૩.૨ બિલિયન લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહેતા હશે. ઈ.સ. ૨૦૧૫ સુધીમાં બૃહદ મુંબઈમાં ૨.૨ કરોડ લોકો અને બૃહદ દિલ્હીમાં ૨ કરોડ લોકો વસતા હશે. દુનિયાના મોટા ભાગના લોકો પહેલી વખત ખેતી કે બીજી પ્રાથમિક પ્રવૃતિઓ પર આધારિત નથી. છેલ્લા પચાસ વર્ષોમાં થયેલું કાર્બન ઉત્સર્જન પણ ઐતિહાસિક રીતે ક્યારેય થયું નથી. વિવિધ થીયરીઓ એક વાતનું પુનરાવર્તન કરે છે કે આડેધડ થયેલા કાર્બન ઉત્સર્જન અને કુદરતી આફતો, નવા રોગ ચાળા, ખેતી પર થતી અસરો વચ્ચે સામ્ય તો છે જ.

હવામાન કે પર્યાવરણનો મુદ્દો સૌથી નક્કર અને વાસ્તવિક હોવા છતાં ફેશનનો વિષય છે કે પછી તેને બહુ ગૂઢ કે ટેકનીકલ મુદ્દો સમજીને ભુલાવી દેવો સહેલો હોય છે. આપણા બાળકો જ્યાં સુધી 'વૃક્ષો વાવો' અને 'save trees' પ્રકારના ચિત્રો દોરતા હશે ત્યાં સુધી પર્યાવરણને વાંધો નહિ આવે એવું ધારી લેવામાં આવે છે. એ વાત પણ સાચી છે કે જયારે સામાન્ય માણસ તેની રોજીંદા જીવનની ઘટમાળમાં એટલો બધો ગૂંચવાયેલો હોય કે આવતા મહિનાના પગારને આધારે આ મહિનાની કઈ વસ્તુઓ ન કરવી તેનું આયોજન થતું હોય ત્યારે આવતી પેઢી માટે આપણી પેઢીએ કઈ વસ્તુઓ ન કરવી તે વિષે વિચારવું અઘરું હોય છે તેથી જ પર્યાવરણની ચિંતા કરવી તે એક શોખનો વિષય બને છે. It is a luxury!તેથી જ વિકસિત દેશોમાં પર્યાવરણના પ્રશ્નો વિશે સામાન્ય લોકોમાં રસ અને સમજ બંને જોવા મળે છે. તેમની મોટી ચિંતા એ છે કે હવે જયારે ભારતીય હાથી અને ચાઇનીસ ડ્રેગન તેમણે સાધેલા ઔદ્યોગીકરણના રસ્તે આગળ વધશે ત્યારે પર્યાવરણનું અને પૃથ્વીનું શું થશે? તેમની ચિંતા કેટલી વ્યાજબી છે નહિ તે વધારે મહત્વનું નથી. આપણી પર્યાવરણ તરફની જવાબદારી તેમની આ ચિંતાને લીધે નથી. આપણી ચિંતા બીજી છે અને એ એવી છે કે જયારે હવામાનમાં બદલાવના લીધે સમગ્ર દુનિયાને અસર પડશે ત્યારે તે દુનિયામાં દર છઠ્ઠી કે પાંચમી વ્યક્તિ ભારતીય હશે. આપણા સમાજની અસમાનતાઓને કારણે તે પીડિત વ્યક્તિમાં કુદરતી આપત્તિઓ કે આર્થીક સંકટોમાંથી ઉભા થવાની શક્તિ વિકસિત દેશોના સમાજો કરતા પ્રમાણમાં ઓછી હશે. આ આપણી બહુ જ સ્પષ્ટ રીતે સમજી શકાય તેવી ચિંતા છે. જો કે આવી ચિંતાઓની સાથે સાથે અમુક તકો પણ આવતી હોય છે.

હવામાનના બદલાવના આખા ઘટનાક્રમને લીધે પશ્ચિમના દેશોએ કરેલી ભૂલોના રસ્તે જવાને બદલે આપણો રસ્તો નવો ચાતરવાની તક મળે છે. ભારતમાં જીવન શૈલીને જોડાયેલી ઘણી બધી એવી પ્રવૃતિઓ છે કે જે પર્યાવરણને નુકસાન કારક નથી પરંતુ ફાયદા કારક છે. જેમકે મોટા ભાગના ભારતીય કુટુંબો આજે સ્થાનિક બજારો પર આધાર રાખે છે ત્યારે વિકસિત દેશોના કુટુંબો ગ્લોબલ કે કોર્પોરેટીકરણ પામેલા બજારો પર. તેથી ડાયનીંગ ટેબલ પર આવતી બ્રેડ કે સંતરા પહોંચાડવાનો આર્થિક ખર્ચ જે હોય તે પરંતુ તેનો પર્યાવરણને લાગતો ખર્ચ ક્યારેય વ્યાજબી હોતો નથી. મેકડોનાલ્ડ્સના બર્ગરનો સ્વાદ દુનિયામાં બધે સરખો આવે માટે (to make it a standard global product) કેટલા કાર્બન ધુમાડા થતા હશે અને તેની સામે સ્થાનિક રીતે બનતા બર્ગર કે દાબેલી માટે કાર્બનનો વપરાશ ઓછો હોય તે સમજી શકાય તેવી વાત છે. ભારતીય કુટુંબમાં એક દિવસમાં પેદા થતો સરેરાશ ઘન કચરો બે કિલો હોય છે જયારે વિકસિત દેશોના કુટુંબોમાં તે આંકડો આઠ થી દસ કિલો નો છે. તેનું એક કારણ વિકસિત દેશોની use and throw સંસ્કૃતિ છે તો બીજું કારણ છે ઊંચા ધોરણની જીવન શૈલી. તેમને વસ્તુઓ ફેંકી દેવી પોસાય છે તેથી આખું માર્કેટ તે પ્રમાણે કામ કરે અને માર્કેટિંગ પણ એ પ્રમાણે જ થાય. આ થયું આપણું feel good factor!

ભારતમાં સતત વધતી જતી આવકને લીધે, વિકસિત બનવાની લ્હાયમાં કે પછી કોઈ આંતર-રાષ્ટ્રીય વેપારનીતિને હિસાબે એવું બની શકે કે નાગપુરને બદલે સાઉથ આફ્રિકાના સંતરા, કૂર્ગને બદલે કોલામ્બીઆની કોફી અને મહુવાને બદલે મોઝામ્બિકની ડુંગળીને પ્રાથમિકતા જ નહિ પરંતુ ગ્રાહકોનો આવકાર પણ મળે. ત્યારે શું થશે? જો ભારત અમેરિકાના દરે કુદરતી સંશાધનોનો ઉપયોગ કરવાનું ચાલુ કરે તો આપણને કદાચ બે કે વધારે પૃથ્વી જોઈએ. અમેરિકા આ દરે કુદરતી સંશાધનો વાપરીને કેટલો વિકાસ કેટલા સમય માટે કરી શકાશે તે અલગ પ્રશ્ન છે. આવતી કાલ કદાચ એવી પણ આવે કે તેમાં good environment is good business પ્રકારની નીતિઓ ઘડાશે ત્યારે ભારતના વેપારો કેટલા આગળ હશે તે વધારે મહત્વનો પ્રશ્ન છે. આજે ભલે વિવિધ દેશો વચ્ચે કોણ શું કરશે અને કોણ ક્યારે કેટલું પ્રદુષણ કરી શકે તેના અંગે વાટાઘાટો ચાલતી હોય. પરંતુ બહુ સીધી વાત એ છે કે પૃથ્વી એક જ છે અને ભલે આપણને કોઈ પ્રકારના લોકો ગમે કે ન ગમે તે બધાએ તેને બચાવવા 'કંઇક' કરવું પડશે.

હવામાનના બદલાવ અંગે શું કરવું તે અંગે હજારો મૂંઝવણો છે. ક્યારેક તે ઉભી કરવામાં આવી છે તો પછી ક્યારેક તે ખરેખર સાચી હોય છે. ખરેખર તો આ આખી હવામાનના બદલાવની ઘટનાના નાના ભાગ કરીને વ્યક્તિ દીઠ, કુટુંબ દીઠ, સમાજ દીઠ અને રાષ્ટ્રીય પણે શું જવાબદારીઓ છે તે સમજવી પડે.આ ચિત્રો અને ગ્રાફિકસ આપણી વ્યક્તિ દીઠ કે કુટુંબ દીઠ શું જવાબદારીઓ છે તેનું સચોટ વર્ણન કરે છે અને climate changeના પ્રશ્નો અને પડકારોને બહુ જ સાદી રીતે સમજાવે છે. (દરેક ચિત્ર પર ક્લિક કરવાથી મોટી ઈમેજ જોવા મળશે) જોકે આ પશ્ચિમ જગતને ધ્યાનમાં રાખીને બનાવાયું છે છતાં એકંદરે તે બધાને લાગુ પડે છે.આ વેબસાઈટ તેની નાની અને સુંદર એનીમેટેડ ફિલ્મો માટે બહુ પ્રખ્યાત છે. આ ફિલ્મો પર્યાવરણને લગતા બહુ જટિલ મુદ્દાઓને સરળતાથી સમજાવે છે. હું પણ આ વિષયને સમજી રહ્યો છું તેથી જેમ જેમ સમજ પડશે તેમ વધુને વધુ લખતો રહીશ.આગળના લખાણોમાં વિવિધ દેશો વચ્ચે રહેલી સમાનતા અને અસમાનતાઓ વિષે, હવામાનના બદલાવની ચર્ચાઓમાં રહેલા વિરોધાભાસ વગેરે આવરી લેવા છે.

Sunday, April 04, 2010

વાન ગોગ અને ચિત્રો

વીસમી માર્ચે લંડનની નેશનલ ગેલેરીમાં વિન્સેન્ટ વાન ગોગના (30 March 1853 – 29 July 1890) ત્રણ ચિત્રો રૂબરૂમાં જોયા. અંગત રીતે બહુ મહાન ક્ષણો હતી તે મારા માટે. વિનોદ મેઘાણી અનુવાદિત અને ઇરવીંગ સ્ટોન લિખિત (in that order only) 'સળગતા સુરજમુખી' વાંચીને મોટા થયા હોઈએ અને વાન ગોગના ચિત્રોને જોઇને વિશ્વનો ચિત્રકળાનો ઈતિહાસ ભણ્યા હોઈએ ત્યારે કદાચ તમે સમજી શકશો કે કેટલી મહાન ક્ષણો હશે એ. આ ત્રણ ચિત્રો હતા Sunflowers (1888), A wheat field with cypresses (1889), Long grass with butterflies (1890). આ આર્ટ ગેલેરીમાં સેંકડો ચિત્રો છે છતાં એ આપણી નજર આ ત્રણ ચિત્રો પર જ અટકી અને તેમાં 'સળગતા સુરજમુખી'નો ફાળો ખરો. 


ઉપરનું ચિત્ર એટલે ૧૮૮૯માં વાન ગોગે બનાવેલું 'A Wheat Field with Cypresses'. આ માણસને સાયપ્રસના વૃક્ષો અને સુરજમુખીના ફૂલો માટે વિશેષ પ્રેમ. ઉપરના ચિત્રમાં વાન ગોગ તેની ચીર-પરિચિત 'ઈમ્પાસ્તો' નામની શૈલીનો ઉપયોગ કરે છે કે જેમાં રંગના જાડા લપેડા પીંછી કે છરી વડે કેનવાસ પર કરવાના હોય અને ક્યારેક રંગોનું મિશ્રણ પણ 'પેલેટ'ને બદલે કેનવાસ પર થતું હોય. આ શૈલીને લીધે જ આકાશમાં કે ઘઉંના મોલમાં જે ગતિશીલતા આવે છે, જે લય આવે છે તે અનન્ય બને છે. આ ઓગણીસમી સદીનું ચિત્ર છે. કેમેરાની શોધ થઇ ચુકી છે તેથી આ ચિત્ર કોઈ પણ પ્રકારની 'વાસ્તવિકતા' બતાવવાનો દાવો નથી કરતુ કે જે કેમેરા વડે સહજ  છે. આ ચિત્ર માણસની આંખ વડે જોવાતું દ્રશ્ય ઝીલે છે કે જે વાસ્તવિક નથી પણ સત્ય જરૂર છે. તેમાં આકાશ ગહન છે અને નૈસર્ગિક પદાર્થોમાં એક પ્રકારની લયબદ્ધતા છે. માફ કરજો મિત્રો, આ ચિત્ર કોમ્પ્યુટરની સ્ક્રીન પર જોવું સુલભ નથી. તેને રૂબરૂ જ જોવું પડે ત્યારે જ રંગના લપેડા વડે સર્જાતી ગતિશીલતા જોઈ શકાય. આ વાત હું ચિત્ર જોયા પછી જ સમજ્યો. તેથી ઉપરના ચિત્રને ટ્રેઇલર સમજવું, ફિલ્મ નહિ.

વાન ગોગે સુરજમુખીના વિષય પર ચારેક  ચિત્રો બનાવ્યા અને તેમાં બાકીના તો પહેલા ચિત્રને વધુ સારી રીતે દર્શાવવા થયેલા પ્રયત્નો હતા. બહુ ઓછી વખત આપણે કલાકારોએ કોઈ પણ ચિત્રને મહાન બનાવવા પાછળ અનુભવેલી પ્રક્રિયા જોઈ શકીએ છીએ. કોઈ મહાન ચિત્ર રાતોરાત નથી બનતું. તે ઘણી વખત ફરી અને ફરી બનાવાય છે. આ સુરજમુખીના ચિત્રોમાંનું સૌથી મહાન ચિત્ર કયું તેના પર વર્ષોથી ચર્ચાઓ ચાલે છે. વિવેચકોનો વિષય છે ચર્ચાઓ કરવાનો અને વાન ગોગનો રસ હતો ફક્ત ચિત્રો બનાવવામાં. અકીરા કુરોસાવા નામના મહાન જાપાનીસ ફિલ્મ સર્જકે 'dreams' નામની એક સુંદર ફિલ્મ બનાવી છે જે એક પછી એક, અલગ અલગ વાર્તાઓનું કે સ્વપ્નોનું નિરૂપણ કરે છે. તેમાંની એક વાર્તા છે વાન ગોગ વિષે. માર્ટીન સ્કોર્સેસે (raging bull, taxi driver, casino, the departed fame) નામનો એક ઔર મહાન ફિલ્મ સર્જક ખુદ વાન ગોગની ભૂમિકા ભજવે છે. વિચાર કરો કે વાન ગોગ પર ફિલ્મ હોય, અકીરાકુરોસાવાનું દિગ્દર્શન હોય, માર્ટીન સ્કોર્સેસેની ભૂમિકા હોય અને બિથોવનનું જોરદાર પાર્શ્વસંગીત હોય આવું સંયોજન ક્યાં મળવાનું? તેમાં વાન ગોગ કહે છે કે 'આ સુરજ મને ચિત્રો દોરવા માટે દબાણ કરે છે અને મારે તે કરવું જ પડશે' (the sun compels me to paint and I will have to do it). ચિત્રો દોરવા તે તેનો સ્વભાવ હતો, વાન ગોગની જીંદગી હતી. આવું થાય ત્યારે જ કદાચ સાચો કલાકાર સર્જાતો હશે. જેમકે સાદત હસન મંટો કહે છે કે लिखना एक आदत बन गया है. नहीं लिखता हूँ तो ऐसा लगता है की खाया नहीं या नहाया नहीं या कुछ पहेना नहीं... 

લગભગ દસ-પંદર વર્ષો સુધી મેં એ સમજવાનો પ્રયત્ન કર્યો છે કે આ બધા ચિત્રો ખરેખર 'મહાન' કેમ કહેવાય છે. એવું તો શું છે કે જે આ ચિત્રોમાં મહાનતાનું તત્વ છે? આ પ્રશ્નનો બહુ સાદો જવાબ મને જડ્યો. દરેક વખતે તમે આ ચિત્રો જુઓ ત્યારે તે તમને અલગ રીતે મજા કરાવે. આમાં શાસ્ત્રીય સંગીત જેવું છે કે તમને ખબર પડતી હોય તો તમે સાતમાં સ્વર્ગમાં હોવ અને ના ખબર પડતી હોય તો પછી તમને લાગે કે આ શું રાગડા તાણે છે. તેમાં વાંક શાસ્ત્રીય સંગીતનો કે આ ચિત્રોનો નહિ પણ આપણો પોતાનો છે. એટલું સમજવાની તકેદારી જો આપણામાં  હોય તો કાલે આ સંગીત કે ચિત્રો સમજવાની આપણી તૈયારી પૂરી છે એવું સમજી લેવું. આવી શાશ્વત કલાઓ થોડી અઘરી હોય છે સમજવામાં તેટલું જ બાકી છેલ્લે સમજ તો પડે જ. તમે સો ગઝલ સાંભળો એટલે એક એવી યાદ રહી જાય કે પછી દર વખતે સાંભળો ત્યારે મજા આવે. તેવી જ રીતે તમે સો પુસ્તકો વાંચો અને એક યાદ રહી જાય. તેવી જ રીતે તમે સો ચિત્રો જોવો ત્યારે તમને ખબર પડે કે કયું મહાન અને કયું નહિ. પાંચ ચિત્રો જોયા કે પાંચ પુસ્તકો વાંચ્યા પછી આવા અખતરા કરવા નહિ. It is injurious to 'mental' health! 

લંડનની નેશનલ ગેલેરીમાં લગભગ ત્રેવીસસો ચિત્રો છે અને તે પશ્ચિમની સભ્યતાના સાતસો-આઠસો વર્ષનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં આપણો અંગત favourite વાન ગોગ છે. હોલેન્ડના એમ્સ્તારદામમાં તો આખું વાન ગોગનું મ્યુઝીયમ છે. તે જોવાની ઈચ્છા ખરી! 

Thursday, April 01, 2010

નોન-સેન્સ

'નોન-સેન્સ' સાહિત્ય કે સાહિત્યમાં 'નોન-સેન્સ' બહુ મજાનો વિષય છે. લોકો તેના પર ગંભીર સંશોધનો કરી નાખે છે. 'નોન-સેન્સ' એટલે એવું લખાણ કે જેનો સ્વાભાવિક રીતે કોઈ મતલબ ન હોય, તે અર્થ વગરનું હોય કે 'સેન્સ' વગરનું હોય. પરંતુ 'સેન્સ' વગરનું હોવું તે જ તેનો અર્થ અને તે જ તેનો મુખ્ય હેતુ! તેથી જ તે પહેલી નજરે વિચિત્ર લાગે છતાં આપણને હસાવી જાય, આશ્ચર્ય પમાડે અને ક્યારેક વિચારમાં મૂકી દે. અહી 'નોન-સેન્સ' શબ્દને પરંપરાગત રીતે અપમાન જનક કે હીણપતના અર્થમાં નથી લેવાનો.  ગીજુભાઈની વાર્તાઓ કે જોડકણા યાદ છે? લોક સાહિત્યમાં આવતા ગીતો કે ઉખાણા યાદ છે? એન્થની ગોન્સાલ્વેઝ યાદ છે...'અમર અકબર એન્થની'માં?

You see the whole country of the system is juxtapositioned by the haemoglobin in the atmosphere because you are a sophisticated rhetorician intoxicated by the exuberance of your own verbosity - Anthony Gonsalves (1977)

આ એન્થની નામના વિચારકનું 'મહાન વાક્ય' સંપૂર્ણપણે નોન-સેન્સ છે. ફિલ્મના એ સીનમાં આ ડાયલોગનો હેતુ 'નોન-સેન્સ' હોવાનો જ હતો. આવી વિચિત્રતાઓને કારણે એન્થની ભારતીય ફિલ્મના ઇતિહાસમાં અમર થઇ ગયો છે. આ ડાયલોગ સંપૂર્ણપણે સર્જનાત્મક ચીજ છે અને તેનો લેખક/લેખિકા જરૂર કલ્પનાશીલ હશે તેથી આને સાહિત્ય તો કહેવાય જ.

'નોન-સેન્સ'ની વ્યાખ્યા મેં એક પુસ્તક પરથી લીધી છે. The Tenth Rasa: An Anthology of Indian Nonsense edited by Michael Heyman, with Sumanyu Satpathy and Anushka Ravishankar (Penguin, 2007). માઈકલ હેમેન નામનો આ ભેજાગેપ માણસ એક બ્લોગ પણ લખે છે અને તેની પ્રોફાઈલમાં તેના બે શોખ વર્ણવે છે - તાકી રહેવું અને મધમાખીના ડંખ... બોલો! માઈકલે ભારતની ઘણી ભાષાઓમાં 'નોન-સેન્સ' સંબંધિત સાહિત્યનું સંપાદન આ પુસ્તકમાં કર્યું છે. પહેલી નજરે હળવી લગતી તેની શૈલી એક બહુ મહત્વની વાત કહી જાય છે. 'નોન-સેન્સ' એ આપના જીવનનો બહુ મહત્વનો ભાગ છે. જયારે 'સેન્સ' કામ કરવાનું બંધ કરે કે પછી 'સેન્સ' કે સમજણથી કંટાળો આવે ત્યારે 'નોન-સેન્સ' આપણને એક સારો વિકલ્પ પૂરો પડે છે. 'નોન-સેન્સ'માં મજા આવે છે અને આ મજા તે નોન-સેન્સ હોવાને લીધે જ છે. આ પુસ્તકના અમુક ભાગ વાંચતા પહેલા મેં ક્યારેય આ વિષયને ગંભીરતાથી નહિ લીધેલો.

માઈકલ તો સુકુમાર રે નામના પ્રખ્યાત બંગાળી બાળ-સાહિત્યકારને ટાંકીને કહે છે કે 'નોન-સેન્સ'એ ભારતીય કલાશાસ્ત્રનો દસમો રસ (ભાવ) છે. આ પ્રકારની અભિવ્યક્તિ ખાસ તો બાળ સાહિત્યમાં વધુ વખણાય છે. બાળકો કદાચ મોટેરા કરતા 'નોન-સેન્સ'ને સારી રીતે સમજી કરતા હશે કે મોટા થયા પછી આપણે એવો આગ્રહ કરતા થઇ જઈએ છીએ કે everything should make sense! ગીજુભાઈની વાર્તામાં કંઇક આ પ્રકારનું વાંચેલું યાદ છે કે... એક કાંટાની ટોચ પર ત્રણ ગામ, બે ગામ સાવ ખાલીને ત્રીજામાં કોઈ રહે જ નહિ. આ ગામમાં ત્રણ કુંભાર રહેવા આવ્યા, બે ઠુંઠાને ત્રીજાને હાથ જ નહિ. તેમને ત્રણ માટલી બનાવી, બે કાણીને ત્રીજાને તળિયું જ નહિ.... આ વાર્તાની એ જ મજા છે કે તેમાં કોઈ 'સેન્સ' જ નથી, કોઈ મતલબ જ નથી એટલે જ તે રસપ્રદ છે.

આ પોસ્ટ આજના દિવસને સમર્પિત છે. The fool's day - 1st April!

ચરખો - કેમ અને શું?

આ બ્લોગ શરુ કરતા પહેલા ઘણું વીચાર્યું કે બ્લોગનું ટાયટલ અઘરું હવું જોઈએ. જેમકે, Roots to Branches - જેમાં દરેક મુદ્દાનું વિશ્લેષણ મૂળિયાંથી શાખા સુધી કરી શકાય પણ હવે લાગતું નથી કે આવું અઘરું ટાયટલ આપણને ફાવશે. એવા પ્રકારના લેખનમાં પણ મજા આવતી નથી. એવું લાગે કે આ આપણે નહિ બીજું કોઈ લખતું હોય!

બ્લોગ શરુ કરવાનું કોઈ ખાસ મોટું કારણ નથી. આ મારી diary કે રોજનીશી પણ નથી. આપણે કોઈ એવી ટેવ જ નથી પાડી. આ મારા જાહેર પ્રતિભાવો છે, કંઇક નવું જોયું કે સાંભળ્યું હોય તો તેની આ વહેંચણી છે અને બહુ બહુ તો આસ-પાસ બનતી ઘટનાઓ અંગેના અવલોકનો છે. આ કદાચ ટ્રાવેલ ડાયરી પણ બની શકે. ગુજરાતી ભાષાની નજીક રહેવાનો એક પ્રયત્ન માત્ર છે. અંગ્રેજી સાથે આપણને કોઈ વાંધો નથી. એવું બને કે ક્યારેક અંગ્રેજીમાં પોસ્ટ લખાઈ જાય. પણ અંગ્રેજીએ કામ-કાજની ભાષા છે અને ગુજરાતીએ દિલની ભાષા છે. બને એટલી પ્રમાણિકતાથી લખવાનો પ્રયત્ન કરવો છે.

'ચરખો' નામ કેમ છે તેનું પણ કોઈ ખાસ કારણ નથી. પણ બ્લોગ શરુ કરવાની મથામણમાં એક વિચાર એવો આવ્યો કે 'ચાલે તો ચરખો નહિ તો અસ-મસ ને ઢસ'. આ વાક્યનો રેફરન્સ ક્યાંથી આવ્યો તે અંગે વિચારવું પડશે પણ આ વાક્ય ચોંટી ગયું એટલે તેનાથી શરૂઆત કરી. એમ તો ચરખા સાથે ગાંધીજીનો આછો-પાતળો ખ્યાલ જોડાયેલો છે. જોકે તે એક અકસ્માત માત્ર છે પણ બીજા કશા કરતા આ માણસ જોડાયેલો હોય તે સારું. બીજું, ચરખો સંત કબીર સાથે પણ સંકળાયેલો છે. તિરંગામાં રહેલા અશોક ચક્રનો વિચાર તેની પહેલાના ચરખાના ચિન્હ પરથી જ આવેલો. તેથી ચરખો 'ભારતીયતા'નું ચિન્હ તો ખરો જ. પણ આ બધા તો પાછળથી આવેલા વિચારો છે. 'ચરખા' નામનું ખરું કારણ એક અકસ્માત જ છે અને નામ કંઈ પણ હોત આપણે તેમાંથી ગૂઢ અર્થ શોધીને તેને શુદ્ધ અને સુંદર સાબિત કરવાના પ્રયત્નો કર્યા જ હોત!

આ પહેલી પોસ્ટ મોટાભાગે 'શું છે' અને 'શું નથી' એનો હિસાબ છે પણ લાગે છે કે 'શું નથી'ની યાદી લાંબી છે. મારા ઘણા મિત્રો માને છે કે હું મોટા ભાગની શરૂઆતો 'શું નથી' થી કરું છું. પણ આપણને આ સ્ટાઈલ ગમે છે.

આજે પહેલી એપ્રિલ છે એટલે કે 'વિશ્વ મૂર્ખ દિવસ'. કાં તો હું આ બ્લોગ લખીને મૂર્ખ બની રહ્યો છું અથવા લોકોને બનાવી રહ્યો છું તે તો સમય જ કહેશે. પરંતુ મૂર્ખાઓ અને મૂર્ખતા પ્રત્યે સહાનૂભુતી હોવાને કારણે આ દિવસે શુભ શરૂઆત કરી તેમ કહી શકાય. 'મૂર્ખતા' વિષે ફરી ક્યારેક...હાલ તો આગળ જોઈએ કે આ ચરખા વડે કેટલું કંતાય, કેટલું કંતાયેલું વણાય છે અને કેટલું વણાયેલું પહેરાય છે! Welcome !