Monday, April 12, 2010

Climate Change અને જીવન શૈલી -1

હવામાનના બદલાવના સબંધમાં ચર્ચાઓનું હવામાન રોજ બદલાય છે. ગયા ડીસેમ્બરમાં એવું લાગતું હતું કે દુનિયા માટે સૌથી મહત્વનો મુદ્દો આ જ છે. આજ કાલ તો જો કે મીડિયામાં પર્યાવરણ સંબંધિત સમાચાર કે લેખ જોઇને નવાઈ લાગે. હવામાન અને પર્યાવરણ વિષે વાત કરવાની સીઝન પૂરી થઇ લાગે છે. તેથી આ વિષે લખવાનું મન થાય છે. વાત જાણે એમ છે કે પહેલી વખત સમગ્ર માનવ ઇતિહાસમાં માનવ સંખ્યા ૬.૬૯ બિલિયન સુધી પહોંચી છે. પચાસ વર્ષ પહેલા માનવ સંખ્યા ૩ બિલિયન હતી. અત્યારે લગભગ ૪૭% લોકો શહેરોમાં વસે છે જે સંખ્યા અને ટકાવારી પ્રમાણે માનવ ઇતિહાસમાં પહેલી વાર થયું છે. ઈ.સ. ૨૦૩૦ સુધીમાં દુનિયામાં ૫ બિલિયન લોકો શહેરોમાં અને લગભગ ૩.૨ બિલિયન લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહેતા હશે. ઈ.સ. ૨૦૧૫ સુધીમાં બૃહદ મુંબઈમાં ૨.૨ કરોડ લોકો અને બૃહદ દિલ્હીમાં ૨ કરોડ લોકો વસતા હશે. દુનિયાના મોટા ભાગના લોકો પહેલી વખત ખેતી કે બીજી પ્રાથમિક પ્રવૃતિઓ પર આધારિત નથી. છેલ્લા પચાસ વર્ષોમાં થયેલું કાર્બન ઉત્સર્જન પણ ઐતિહાસિક રીતે ક્યારેય થયું નથી. વિવિધ થીયરીઓ એક વાતનું પુનરાવર્તન કરે છે કે આડેધડ થયેલા કાર્બન ઉત્સર્જન અને કુદરતી આફતો, નવા રોગ ચાળા, ખેતી પર થતી અસરો વચ્ચે સામ્ય તો છે જ.

હવામાન કે પર્યાવરણનો મુદ્દો સૌથી નક્કર અને વાસ્તવિક હોવા છતાં ફેશનનો વિષય છે કે પછી તેને બહુ ગૂઢ કે ટેકનીકલ મુદ્દો સમજીને ભુલાવી દેવો સહેલો હોય છે. આપણા બાળકો જ્યાં સુધી 'વૃક્ષો વાવો' અને 'save trees' પ્રકારના ચિત્રો દોરતા હશે ત્યાં સુધી પર્યાવરણને વાંધો નહિ આવે એવું ધારી લેવામાં આવે છે. એ વાત પણ સાચી છે કે જયારે સામાન્ય માણસ તેની રોજીંદા જીવનની ઘટમાળમાં એટલો બધો ગૂંચવાયેલો હોય કે આવતા મહિનાના પગારને આધારે આ મહિનાની કઈ વસ્તુઓ ન કરવી તેનું આયોજન થતું હોય ત્યારે આવતી પેઢી માટે આપણી પેઢીએ કઈ વસ્તુઓ ન કરવી તે વિષે વિચારવું અઘરું હોય છે તેથી જ પર્યાવરણની ચિંતા કરવી તે એક શોખનો વિષય બને છે. It is a luxury!તેથી જ વિકસિત દેશોમાં પર્યાવરણના પ્રશ્નો વિશે સામાન્ય લોકોમાં રસ અને સમજ બંને જોવા મળે છે. તેમની મોટી ચિંતા એ છે કે હવે જયારે ભારતીય હાથી અને ચાઇનીસ ડ્રેગન તેમણે સાધેલા ઔદ્યોગીકરણના રસ્તે આગળ વધશે ત્યારે પર્યાવરણનું અને પૃથ્વીનું શું થશે? તેમની ચિંતા કેટલી વ્યાજબી છે નહિ તે વધારે મહત્વનું નથી. આપણી પર્યાવરણ તરફની જવાબદારી તેમની આ ચિંતાને લીધે નથી. આપણી ચિંતા બીજી છે અને એ એવી છે કે જયારે હવામાનમાં બદલાવના લીધે સમગ્ર દુનિયાને અસર પડશે ત્યારે તે દુનિયામાં દર છઠ્ઠી કે પાંચમી વ્યક્તિ ભારતીય હશે. આપણા સમાજની અસમાનતાઓને કારણે તે પીડિત વ્યક્તિમાં કુદરતી આપત્તિઓ કે આર્થીક સંકટોમાંથી ઉભા થવાની શક્તિ વિકસિત દેશોના સમાજો કરતા પ્રમાણમાં ઓછી હશે. આ આપણી બહુ જ સ્પષ્ટ રીતે સમજી શકાય તેવી ચિંતા છે. જો કે આવી ચિંતાઓની સાથે સાથે અમુક તકો પણ આવતી હોય છે.

હવામાનના બદલાવના આખા ઘટનાક્રમને લીધે પશ્ચિમના દેશોએ કરેલી ભૂલોના રસ્તે જવાને બદલે આપણો રસ્તો નવો ચાતરવાની તક મળે છે. ભારતમાં જીવન શૈલીને જોડાયેલી ઘણી બધી એવી પ્રવૃતિઓ છે કે જે પર્યાવરણને નુકસાન કારક નથી પરંતુ ફાયદા કારક છે. જેમકે મોટા ભાગના ભારતીય કુટુંબો આજે સ્થાનિક બજારો પર આધાર રાખે છે ત્યારે વિકસિત દેશોના કુટુંબો ગ્લોબલ કે કોર્પોરેટીકરણ પામેલા બજારો પર. તેથી ડાયનીંગ ટેબલ પર આવતી બ્રેડ કે સંતરા પહોંચાડવાનો આર્થિક ખર્ચ જે હોય તે પરંતુ તેનો પર્યાવરણને લાગતો ખર્ચ ક્યારેય વ્યાજબી હોતો નથી. મેકડોનાલ્ડ્સના બર્ગરનો સ્વાદ દુનિયામાં બધે સરખો આવે માટે (to make it a standard global product) કેટલા કાર્બન ધુમાડા થતા હશે અને તેની સામે સ્થાનિક રીતે બનતા બર્ગર કે દાબેલી માટે કાર્બનનો વપરાશ ઓછો હોય તે સમજી શકાય તેવી વાત છે. ભારતીય કુટુંબમાં એક દિવસમાં પેદા થતો સરેરાશ ઘન કચરો બે કિલો હોય છે જયારે વિકસિત દેશોના કુટુંબોમાં તે આંકડો આઠ થી દસ કિલો નો છે. તેનું એક કારણ વિકસિત દેશોની use and throw સંસ્કૃતિ છે તો બીજું કારણ છે ઊંચા ધોરણની જીવન શૈલી. તેમને વસ્તુઓ ફેંકી દેવી પોસાય છે તેથી આખું માર્કેટ તે પ્રમાણે કામ કરે અને માર્કેટિંગ પણ એ પ્રમાણે જ થાય. આ થયું આપણું feel good factor!

ભારતમાં સતત વધતી જતી આવકને લીધે, વિકસિત બનવાની લ્હાયમાં કે પછી કોઈ આંતર-રાષ્ટ્રીય વેપારનીતિને હિસાબે એવું બની શકે કે નાગપુરને બદલે સાઉથ આફ્રિકાના સંતરા, કૂર્ગને બદલે કોલામ્બીઆની કોફી અને મહુવાને બદલે મોઝામ્બિકની ડુંગળીને પ્રાથમિકતા જ નહિ પરંતુ ગ્રાહકોનો આવકાર પણ મળે. ત્યારે શું થશે? જો ભારત અમેરિકાના દરે કુદરતી સંશાધનોનો ઉપયોગ કરવાનું ચાલુ કરે તો આપણને કદાચ બે કે વધારે પૃથ્વી જોઈએ. અમેરિકા આ દરે કુદરતી સંશાધનો વાપરીને કેટલો વિકાસ કેટલા સમય માટે કરી શકાશે તે અલગ પ્રશ્ન છે. આવતી કાલ કદાચ એવી પણ આવે કે તેમાં good environment is good business પ્રકારની નીતિઓ ઘડાશે ત્યારે ભારતના વેપારો કેટલા આગળ હશે તે વધારે મહત્વનો પ્રશ્ન છે. આજે ભલે વિવિધ દેશો વચ્ચે કોણ શું કરશે અને કોણ ક્યારે કેટલું પ્રદુષણ કરી શકે તેના અંગે વાટાઘાટો ચાલતી હોય. પરંતુ બહુ સીધી વાત એ છે કે પૃથ્વી એક જ છે અને ભલે આપણને કોઈ પ્રકારના લોકો ગમે કે ન ગમે તે બધાએ તેને બચાવવા 'કંઇક' કરવું પડશે.

હવામાનના બદલાવ અંગે શું કરવું તે અંગે હજારો મૂંઝવણો છે. ક્યારેક તે ઉભી કરવામાં આવી છે તો પછી ક્યારેક તે ખરેખર સાચી હોય છે. ખરેખર તો આ આખી હવામાનના બદલાવની ઘટનાના નાના ભાગ કરીને વ્યક્તિ દીઠ, કુટુંબ દીઠ, સમાજ દીઠ અને રાષ્ટ્રીય પણે શું જવાબદારીઓ છે તે સમજવી પડે.આ ચિત્રો અને ગ્રાફિકસ આપણી વ્યક્તિ દીઠ કે કુટુંબ દીઠ શું જવાબદારીઓ છે તેનું સચોટ વર્ણન કરે છે અને climate changeના પ્રશ્નો અને પડકારોને બહુ જ સાદી રીતે સમજાવે છે. (દરેક ચિત્ર પર ક્લિક કરવાથી મોટી ઈમેજ જોવા મળશે) જોકે આ પશ્ચિમ જગતને ધ્યાનમાં રાખીને બનાવાયું છે છતાં એકંદરે તે બધાને લાગુ પડે છે.આ વેબસાઈટ તેની નાની અને સુંદર એનીમેટેડ ફિલ્મો માટે બહુ પ્રખ્યાત છે. આ ફિલ્મો પર્યાવરણને લગતા બહુ જટિલ મુદ્દાઓને સરળતાથી સમજાવે છે. હું પણ આ વિષયને સમજી રહ્યો છું તેથી જેમ જેમ સમજ પડશે તેમ વધુને વધુ લખતો રહીશ.આગળના લખાણોમાં વિવિધ દેશો વચ્ચે રહેલી સમાનતા અને અસમાનતાઓ વિષે, હવામાનના બદલાવની ચર્ચાઓમાં રહેલા વિરોધાભાસ વગેરે આવરી લેવા છે.

1 comment:

  1. રૂતુલ ભાઈ , સચોટ પોસ્ટ , ને ખરે ખર ચર્ચા માગી લેતો વિષય છે.આપે કહ્યું તેમ ભારત માં પણ લોકો લોકો નું જીવન ધોરણ ઊંચું આવતું જાય છે તે જોતા વેહલો મોડો આ પ્રશ્ન આપણ ને અડ્યા વગર રેહવાનો નથી , અત્યારથીજ આપડે આની માટે ગંભીરતાથી વિચારવું રહું. આપદા દેશ પાસે તો કુદરતી રીતે પણ ઘણા બધા ફાયદા છે , ઉદાહરણ તરીકે વાત કરીએ તો જો આપડે પણ કેટલાક દેશો ની જેમ day light saving નો ફાયદો ઉઠાવીએ તો સરવાળે પર્યાવરણ ને કેટલો ફાયદો થાય , તેવીજ રીતે મુબઈ જેવા શહેરો ના લોકો એ પણ કેટલાક પગલા લેવા જરૂ રી છે જેવા કે , બને એટલો લીફટ નો ઉપયોગ ના કરતા દાદરા નો ઉપયોગ કરવો , અઠવાડીય માં એક દિવસ પોતાન વાહન કરતા public transport વાપરવું વગેરે... આવી નાની નાની બાબત થી પણ આપણે ઘણો ફર્ક પાડી સક્યે છે !!

    -સૂર્ય
    http://suryamorya.wordpress.com/

    ReplyDelete