Thursday, April 01, 2010

ચરખો - કેમ અને શું?

આ બ્લોગ શરુ કરતા પહેલા ઘણું વીચાર્યું કે બ્લોગનું ટાયટલ અઘરું હવું જોઈએ. જેમકે, Roots to Branches - જેમાં દરેક મુદ્દાનું વિશ્લેષણ મૂળિયાંથી શાખા સુધી કરી શકાય પણ હવે લાગતું નથી કે આવું અઘરું ટાયટલ આપણને ફાવશે. એવા પ્રકારના લેખનમાં પણ મજા આવતી નથી. એવું લાગે કે આ આપણે નહિ બીજું કોઈ લખતું હોય!

બ્લોગ શરુ કરવાનું કોઈ ખાસ મોટું કારણ નથી. આ મારી diary કે રોજનીશી પણ નથી. આપણે કોઈ એવી ટેવ જ નથી પાડી. આ મારા જાહેર પ્રતિભાવો છે, કંઇક નવું જોયું કે સાંભળ્યું હોય તો તેની આ વહેંચણી છે અને બહુ બહુ તો આસ-પાસ બનતી ઘટનાઓ અંગેના અવલોકનો છે. આ કદાચ ટ્રાવેલ ડાયરી પણ બની શકે. ગુજરાતી ભાષાની નજીક રહેવાનો એક પ્રયત્ન માત્ર છે. અંગ્રેજી સાથે આપણને કોઈ વાંધો નથી. એવું બને કે ક્યારેક અંગ્રેજીમાં પોસ્ટ લખાઈ જાય. પણ અંગ્રેજીએ કામ-કાજની ભાષા છે અને ગુજરાતીએ દિલની ભાષા છે. બને એટલી પ્રમાણિકતાથી લખવાનો પ્રયત્ન કરવો છે.

'ચરખો' નામ કેમ છે તેનું પણ કોઈ ખાસ કારણ નથી. પણ બ્લોગ શરુ કરવાની મથામણમાં એક વિચાર એવો આવ્યો કે 'ચાલે તો ચરખો નહિ તો અસ-મસ ને ઢસ'. આ વાક્યનો રેફરન્સ ક્યાંથી આવ્યો તે અંગે વિચારવું પડશે પણ આ વાક્ય ચોંટી ગયું એટલે તેનાથી શરૂઆત કરી. એમ તો ચરખા સાથે ગાંધીજીનો આછો-પાતળો ખ્યાલ જોડાયેલો છે. જોકે તે એક અકસ્માત માત્ર છે પણ બીજા કશા કરતા આ માણસ જોડાયેલો હોય તે સારું. બીજું, ચરખો સંત કબીર સાથે પણ સંકળાયેલો છે. તિરંગામાં રહેલા અશોક ચક્રનો વિચાર તેની પહેલાના ચરખાના ચિન્હ પરથી જ આવેલો. તેથી ચરખો 'ભારતીયતા'નું ચિન્હ તો ખરો જ. પણ આ બધા તો પાછળથી આવેલા વિચારો છે. 'ચરખા' નામનું ખરું કારણ એક અકસ્માત જ છે અને નામ કંઈ પણ હોત આપણે તેમાંથી ગૂઢ અર્થ શોધીને તેને શુદ્ધ અને સુંદર સાબિત કરવાના પ્રયત્નો કર્યા જ હોત!

આ પહેલી પોસ્ટ મોટાભાગે 'શું છે' અને 'શું નથી' એનો હિસાબ છે પણ લાગે છે કે 'શું નથી'ની યાદી લાંબી છે. મારા ઘણા મિત્રો માને છે કે હું મોટા ભાગની શરૂઆતો 'શું નથી' થી કરું છું. પણ આપણને આ સ્ટાઈલ ગમે છે.

આજે પહેલી એપ્રિલ છે એટલે કે 'વિશ્વ મૂર્ખ દિવસ'. કાં તો હું આ બ્લોગ લખીને મૂર્ખ બની રહ્યો છું અથવા લોકોને બનાવી રહ્યો છું તે તો સમય જ કહેશે. પરંતુ મૂર્ખાઓ અને મૂર્ખતા પ્રત્યે સહાનૂભુતી હોવાને કારણે આ દિવસે શુભ શરૂઆત કરી તેમ કહી શકાય. 'મૂર્ખતા' વિષે ફરી ક્યારેક...હાલ તો આગળ જોઈએ કે આ ચરખા વડે કેટલું કંતાય, કેટલું કંતાયેલું વણાય છે અને કેટલું વણાયેલું પહેરાય છે! Welcome !

5 comments:

 1. બ્લોગનું નામકરણ ગમ્યું :) સરસ શરુઆત.

  ReplyDelete
 2. Pro Saheb... Congrets and best of luck!

  ReplyDelete
 3. સરસ નામ પાડ્યું છે. મને ખૂબ ગમી ગયું. સરળ ને છતાં અસરકારક. એક શબ્દ માં ઘણું કહી દીધું!

  ReplyDelete
 4. murkhta!!!...irshaad ho.............happy to find this......ek doro bijo bhervayo charkha ma

  ReplyDelete
 5. Khub j saras!
  In fact Adbhut lekhan!

  Warm Regards,
  Kuldeep Laheru
  Senior Reporter,
  'Abhiyan',Ahmedabad
  9408488966, 9374423339

  ReplyDelete