You must be following IPL? No. તમે IPLની કઈ ટીમને સપોર્ટ કરો છો? કોઈ પણ નહિ. શું આમ કહેવું પાપ છે ? જયારે લોકો મને IPLના કોઈ મેચ વિષે કૈંક પૂછે છે અને હું જયારે મારું અજ્ઞાન જાહેર કરું ત્યારે મારી સામે એવી રીતે જોવે છે કે જાણે મેં દેશદ્રોહનો ગંભીર અપરાધ કર્યો હોય કે પછી મારું જીવન મિથ્યા હોય. મારે સૌથી પહેલા એ જાહેર અહીં કરવું જોઈએ કે મને ક્રિકેટમાં રસ છે અને સમજ પણ પડે છે. જીવનનો મોટો ભાગમેં ભારતીય ક્રિકેટના સમર્થક તરીકે અને એવી ગલીઓમાં - અગાશીઓમાં ક્રિકેટ રમીને પસાર કર્યો છે કે જેમાં ખરેખર ક્રિકેટ રમવા માટે રમતના નિયમો બદલવા પડે. આ રમતોમાં અમે ખેલાડીની એમ્પાયરની અને BCCIની એવી ત્રેવડી ભૂમિકાઓ રમતાં-રમતાં ભજવી છે. વહેલી સવારે જાગીને ન્યુઝીલેન્ડમાં રમાતી મેચો અને આખી રાત જાગીને વેસ્ટ ઇન્ડીઝમાં રમાતી મેચો જોઈ છે. ચેતન શર્માના છેલ્લા બોલે જાવેદ મિયાદાદે ફટકારેલો છગ્ગો હજુ ચચરે છે અને વર્લ્ડ કપ સેમી ફાઈનલમાં સચિન તેંદુલકરે શોએબ અખ્તરની બોલીંગમાં ઓફ સાઈડમાં ફટકારેલો છગ્ગો હજુ મમળાવીએ છીએ.
ક્રિકેટના અને ખાસ તો ભારતીય ક્રિકેટના ચાહક હોવાની 'કટ્ટરતા' સાબિત કર્યા પછી એવું કહેવું પડે છે કે બોસ, ક્રિકેટનો અતિરેક નથી થઇ રહ્યો? દર વર્ષે દોઢ મહિના માટે IPL , વળી પાછી ચેમ્પિયંસ લીગ અને હવે તો આવતા વરસથી દસ ટીમો ભેગી થવાની છે. તે સિવાય ભારતીય ક્રિકેટરોનું કેલેન્ડર ભરચક. મને ક્રિકેટના બદલાતા જતા સ્વરૂપ સામે કે પછી ક્રિકેટના વધતા જતા વ્યાપારીકરણ સામે બહુ વાંધો નથી. (જોકે એ અલગ વાત છે કે વ્યાપારીકરણ વધતું જતું ના હોય વ્યાપારીકરણ હમેશા વધુ જ હોય, તો જ વ્યાપાર થાય એવું વ્યાપાર કરવા વાળા લોકો કહે છે.) વિશ્વભરમાં ભારતને સૌથી મોટા ક્રિકેટપ્રેમી દેશ તરીકે જોવામાં આવે છે અને સૌથી વધુ ટીવી જોતા પ્રેક્ષકોના દેશ તરીકે પણ. તેથી જ કદાચ આપણે એવા દેશો જોડે કે એવા સ્થળોએ વધુ ક્રિકેટ રમીએ છીએ કે જ્યાંથી ટીવીનું પ્રસારણ એવા ટાઇમે થાય કે જયારે વધુ પ્રેક્ષકો મળે. BCCI નું કેલેન્ડર દુનિયાભરમાં સૌથી વધુ વ્યસ્ત હોય છે. બીજા દેશોમાં ક્રિકેટની સીઝન હોય છે. પરંતુ BCCI તો દુનિયાની સૌથી મોટી સીઝનલ દુકાન છે જે દિવાળીમાં ફટાકડા, હોળીમાં પિચકારી, ચોમાસામાં છત્રી અને શિવરાત્રિમાં ભાંગ વેચે છે.
લોકોએ એ નક્કી કરવાનું આવે કે આપણે પ્રેક્ષક છીએ કે પછી આ રમતના ચાહક. જો ચાહક હોઈએ તો પછી આપણી ગમતી રમતને ગમતી રીતે, મન થાય ત્યારે જોઈએ. આપણને આપણી ગમતી રમત પર ગુસ્સો પણ આવી શકે અને કંટાળો પણ. આજ કાલ ક્રિકેટ જગત ટીવી જેવું થતું જાય છે. ભલે સો ચેનલો હોય પણ અમુક જ ચેનલો પર અમુક જ પ્રોગ્રામ સારા આવતા હોય. હવે ચેલેન્જ એ છે કે આ અમુક ચેનલ પરના અમુક પ્રોગ્રામોને શોધી કેવી રીતે કાઢવા? જોકે આ વખતે આપણે IPL વળી ચેનલ બદલી કાઢી છે.
No comments:
Post a Comment