Tuesday, October 25, 2011

ભોમિયા વિના ભૂટાનમાં ભમતાં - ૨ (થીમ્ફૂ)

ભૂટાન એ ભારત અને ચીન જેવા મહાકાય દેશો વચ્ચે 'સેન્ડવીચ' થયેલો દેશ છે. ભૂટાનમાં માનવ સભ્યતાની પહેલી નિશાની આજથી લગભગ ચારેક હજાર વર્ષ પહેલાની મળે છે. તે પછીના વર્ષોમાં મોંગોલ અને તિબેટ વગેરે સંસ્કૃતિ સાથે તેના સીધા સંપર્કો હતા. સાંસ્કૃતિક રીતે ભૂટાન તિબેટને (કે લડાખને) વધુ મળતું આવે છે પણ તેણે રાજકીય રીતે એક અલગ અસ્તિત્વ જાળવી રાખ્યું છે. આ દેશ એક પ્રકારનો 'સાંસ્કૃતિક ટાપુ' છે. અહીં તિબેટથી થોડો અલગ 'મહાયાન બુદ્ધ ધર્મ' સત્તાવાર રીતે સ્વીકારેલો રાજ્યનો ધર્મ છે, જે તિબેટીયન બુદ્ધ ધર્મથી ઘણા અંશે અલગ છે, તેવું કહેવાય છે. બે મહાકાય મહાન સંસ્કૃતિઓ  વચ્ચેના સહવાસને લીધે પોતાની પહેચાન જાળવી રાખવાના પ્રયત્નો બહુ રૂઢીચુસ્તતાથી અમલમાં લાવવામાં આવતા હશે તેવું માની શકાય. તેથી જ તો તેમની ભાષા, વસ્ત્ર-પરિધાન, સ્થાપત્ય વગેરેને પ્રચલનમાં જાળવી રાખવા માટે કાયદા ઘડવામાં આવ્યા છે અને તેનો કડકાઈથી અમલ થાય છે. 
(થીમ્ફૂનું તાશીચોઝોંગ એટલે કે ભૂતાન સરકારનું મુખ્યાલય)
પહાડી વિસ્તારમાં ખેતી અને પશુપાલન પર આધારિત ખીણ પ્રદેશો અને ખીણ પ્રદેશોમાં નાની-મોટી ટેકરીઓ પર પથરાયેલા ગ્રામ્ય સમૂહોનો આ દેશ બનેલો છે. દરેક ખીણ વિસ્તારને રાજકીય-આર્થિક નિયંત્રિત કરવા માટે મુખ્ય વહીવટી મથક તરીકે કિલ્લા જેવા સ્વરૂપમાં બનાવેલા ઝોંગ (Dzong) હોય છે. તિબેટની જેમ ભૂટાનમાં પણ ધર્મ અને રાજ્યનું સંયોજન થયેલું છે. ઝોંગ તે ધાર્મિક રીતે પણ મહત્વ ધરાવે છે. તેમાં વિવિધ સરકારી કચેરીઓ ઉપરાંત, પ્રાર્થના સ્થાન, મંદિરો, રહેણાંક વિસ્તાર વગેરે હોય છે. પરંપરાગત રીતે ભૂટાનમાં જમીનદારી પ્રથા (Fuedalism) અને તેની ઉપર ધર્મ અને રાજ્યના સંયોજનની બનેલી રાજ્યસત્તા હતી. મારા ૧૯૯૮નાં પ્રવાસ દરમ્યાન ત્યાં 'સંપૂર્ણ રાજાશાહી' હતી. ૨૦૦૭માં કરેલા બીજા પ્રવાસ દરમ્યાન અમે 'બંધારણીય રાજાશાહી' અનુભવી અને ધીરે-ધીરે લોકશાહી તરફ જઈ રહેલા દેશની વાતો સાંભળી. જો કે ભૂટાનનાં સમાજનો લોકશાહી સાથેનાં નવતરુણ પ્રેમની વાતો ફરી ક્યારેક.

છેક ૧૯૬૧માં થીમ્ફૂ ભૂટાનની રાજધાની બની છે. તે પહેલાની પરંપરાગત રાજધાની પુનાખા હતી, જે ભૌગોલિક ભૂટાનની મધ્યમાં આવેલી છે. ભારત સાથે વધતા જતા રાજકીય સંબંધો અને ચીનના તિબેટ પર આક્રમણ પછી તૂટી રહેલા સાંસ્કૃતિક જોડાણો વચ્ચે ભૂટાનની રાજધાની પશ્ચિમે આવેલા થીમ્ફૂમાં લાવવામાં આવી. કહેવાય છે કે પચાસના દાયકાના અંતમાં ભૂટાનનું વ્યુહાત્મક મહત્વ સમજીને પંડિત નહેરુએ થીમ્ફૂનો પ્રવાસ કોઈ વ્યવસ્થિત માર્ગને અભાવે યાક પર બેસીને કરેલો. આ પછી ભારતની મદદથી થીમ્ફૂ અને ફૂન્શીલીંગને જોડતો હાઈવે બનાવવામાં આવ્યો. આ સાથે જ થીમ્ફૂનું ભૌગોલિક અને રાજકીય મહત્વ વધ્યું અને ભારત સાથે વેપાર અને રાજકીય સંબંધો પણ વધ્યા.
(ચાંગ લમ એટલે કે ચાંગ સ્ટ્રીટ પર આવેલું એક માત્ર ટ્રાફિક જંકશન અને તેના સંનિવેશમાં પર્વતોની હારમાળા)
થીમ્ફૂની મજા એ છે કે જ્યાં જુઓ ત્યાં ક્ષિતિજો વિસ્તરતી જતી લાગે, પહાડોની હારમાળાની પશ્ચાદભૂમિ અને તેની પર તડકા-છાયાંની રમતો. આમ તો આ વાત આખા ભૂટાન માટે સાચી છે અને કદાચ બધા જ પહાડી વિસ્તારો માટે પણ. થીમ્ફૂની એક ઓર લાક્ષણીકતા છે તેનું એકદમ સાફ, નીલેરી આકાશ તેના જોડીદાર જેવો શીતલહેરમાં નિર્મળ બનેલો ભપકાદાર તડકો. શહેરમાં હાલતા-ચાલતાં જ્યાં નજર નાખો ત્યાં ધરતી અને આકાશની વિશાળતાનો અનુભવ હોય, દરેક મકાનની પાછળ અને રસ્તાને છેડે એક નજરનું ઊંડાણ હોય. આ વિશાળતા ક્યારેક-ક્યારેક અનુભવવી એક વાત છે અને તેને રોજ-બરોજની જીંદગીમાં જીવવી બીજી વાત છે. જો રોજેરોજ નિસર્ગની વિશાળતાનો અને તે સાથે આવતા માણસના વામણાપણાનો અહેસાસ થતો હોય તો પછી ભૂટાનના લોકો જેવા નમ્ર અને ખુલ્લા દિલના બનવાનું સહેલું બની જતું હશે. સૌમ્ય જોશીના નાટક 'આઠમા તારાનું આકાશ'માં એક સરસ વાત છે. જે કોઈ જ્યોતિષી પાસે પોતાના દુઃખનો માર્ગ પૂછવા જાય તેને તે આકાશના તારાં જોવા મોકલી આપે છે - આકાશની વિશાળતા સામે પોતાના દુઃખ નાના લાગે ને માટે. અહીં વિસ્તરતા જતા પહાડો અને તેની ઉપર ગુંબજીય આકાશ જેવા દૈવી સંદર્ભોની સતત હાજરીને લીધે બીજું બધું ક્ષુલ્લક લાગે અને ઝાઝી લપ્પનછપ્પન કર્યા વગર ખાઈ, પીને ખુશ રહેવું સહજ બની જાય છે.
(ચાંગ લામ એટલે થીમ્ફૂના મુખ્ય માર્ગની બીજી તરફનું દ્રશ્ય)
૧૯૯૮નાં થીમ્ફૂમાં અમારી નિયમિત મુલાકાતોના સ્થળો હતાં, સ્વીમીંગ પુલ, ફિલ્મ થીયેટર, ઇન્ડિયન આર્મી કેન્ટોનમેંટનો સ્ટોર, અમુક રેસ્ટોરેન્ટ્સ અને અમુક ઓળખીતાઓના ઘર વગેરે. દરેક જગ્યાની કહાનીઓ છે અને ખાસિયતો છે. આ ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન પહેલાનો જમાનો હતો. આજે એવું લાગે છે કે જાણે આ દાયકાઓ પહેલાની વાત છે. અમે ઘર અને મિત્રો સાથે પત્રોચ્ચાર કરતા હતા. હા, એજ પેલું કાગળ પર પેન કે પેન્સિલથી લખીને કરવામાં આવતું માહિતીનું આદાન-પ્રદાન. ગુજરાતીમાં લખવાની ટેવ કદાચ ત્યારે પડી હશે. અમારી ઓફિસનું એક પોસ્ટબોક્ષ હતું. તેને દર બે દિવસે ચેક કરવામાં આવતું. ભારતથી છાપાં બે-ત્રણ દિવસે અને ક્યારેક ચાર દિવસે આવતાં ત્યારે સમાચાર મળતાં. ત્યાંના સ્થાનિક સાપ્તાહિકમાં સમાચારો ઓછા અને સરકારી જાહેરાતો વધુ રહેતી. સનસનાટીભર્યા બનાવો, ગુનાખોરી કે ભ્રષ્ટાચાર વગેરે જેવું પણ ભાગ્યે જ બનતું. કોઈ મોટા સમાચાર હોય તો મોંઢામોંઢ ખબર પડી જ જાય. કેવું કહેવાય, સમાચાર વિનાનો દેશ!

ભૂટાનમાં ત્યારે સેટેલાઈટ ટીવી પણ નહિ હતું અને કોઈ સ્થાનિક ચેનલો પણ ન હતી. ટીવીનો એક માત્ર ઉપયોગ વીસીઆર પર હિન્દી કે અંગ્રેજી ફિલ્મો જોવા થતો. માર-ધાડવાળી ચક નોરીસ, સ્ટીવન સીગલ વગેરેની બી-ગ્રેડની ફિલ્મો અને દક્ષીણ ભારતની હિન્દીમાં ડબ થયેલી ફિલ્મોનું માર્કેટ જોરમાં હતું. ભારતની નવી રીલીઝ થતી ફિલ્મોને ભૂટાનમાં તરત આવવા મળતું નહિ. ભારતીય ફિલ્મો અહીં નિયમિત રીતે ૫-૧૦ વર્ષ મોડી રીલીઝ થતી હતી. એ અલગ વાત છે કે અહીં રીલીઝ કરવા માટે એક જ થીયેટર હતું અને સરહદ પરના ગામો પણ ગણીએ તો ત્રણ કે ચાર થીયેટર. તેથી નવી રીલીઝ થતી ભારતીય ફિલ્મોની વિડીઓ કેસેટ્સ આવવાની રાહ જોવી પડતી અને લોકો થીયેટરમાં ફિલ્મ જોવા વધુ જાય તેથી કેસેટ્સ પાછળથી બહાર પડતી. મને યાદ છે કે અમુક યુવાન મિત્રો ખાસ ૬ કલાક ગાડી ચલાવીને ફૂન્શીલીંગ સુધી 'બોર્ડર'માં અક્ષય ખન્નાને અને 'ગુલામ'માં આમીર ખાનને જોવા ગયા હતાં. અમને પણ એ કાફલામાં જોડાવાનું આમંત્રણ મળેલું પણ અમે અમારી નવ-ઉપાર્જિત નિસ્પૃહતાપૂર્વક તેનો ઈન્કાર કરેલો. કારણકે અમને ૩ કલાકની ફિલ્મ માટે ૧૨ કલાકની મુસાફરીની વાત 'કુછ હજમ નહી હુઈ'. 

ટીવી, મોબાઈલ ફોન, ઈમેલ, છાપાં, ફિલ્મો, ઈન્ટરનેટ કે સોશિયલ નેટવર્કિંગ વગરનું જીવન કલ્પી શકો છો? અધૂરામાં પૂરું, ઓફિસનો સમય દસથી પાંચ અને શનિ-રવિ રજા. ભારતના 'અતિ' પ્રવૃત્તિમય જીવનમાંથી એક લાંબો ઠહેરાવ આવ્યો. કોઈ પ્રકારના મનોરંજનના સાધનો કે સમય પસાર કરવાના દેખીતા ઉપાયો વગરના અમારા રહેઠાણ દરમ્યાન અમે નવા શોખ વિકસાવ્યા અને તે સાથે અમુક પ્રાથમિકતાઓનું પણ ભાન થયું.  દિવસમાં કમસે કમ એકવાર જમવાનું બનાવવું, સ્વીમીંગ કરવું, વાંચવું, લખવું અને પહાડો પર ચઢવું. હા, આ લીસ્ટમાં 'કશું ન કરવું' પણ લખી શકાય. 'કશું જ ન કરવાની' મજા અલગ હોય છે. 'કશું ન કરવું' એટલે સભાનતાપૂર્વક કોઈ પ્રવૃત્તિ ન કરવી કે ન તેમાં ભાગ લેવો. કોઈ સુંદર જગ્યાએ કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર ક્ષિતિજની સામે જોયા કરવું, તે સમય પસાર કરવાની અદભૂત રીત છે. આજના પ્રવૃત્તિથી હર્યા-ભર્યા જીવનની સરખામણીમાં 'કશું ન કરવું' તેવું કોઈને કહીએ તો લોકો અકળાઈ ઉઠે. હંમેશા 'કંઇક કરતા રહેવું જોઈએ' તે આધુનિક જીવનનો મંત્ર છે તેથી દરેક દિવસમાં કરવાની વસ્તુઓ નક્કી હોય, કોને મળવાનું હોય તે નક્કી હોય, કઈ ઘટનાઓમાં ભાગ લેવાનું છે અને શેમાં સાક્ષીરૂપ રહેવાનું તે બધું પણ નક્કી હોય. તેનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં, બધી જ સર્જનાત્મકતાઓ 'કશું ન કરવાની' સ્થિતિમાંથી જન્મતી હોય છે.

થીમ્ફૂ શહેરની આસપાસ અનેક ઊંચા પર્વતો હતાં જે નાની-મોટી ટેકરીઓની હારમાળાનાં બનેલા હતાં. આખો પર્વત ચડતા આખો દિવસ કે વધુ સમય લાગી શકે અને પછી ત્યાં રાત વીતાવવા તંબૂ, સ્ટવની પૂરી સાધન-સામગ્રી જોઈએ. અમે આખો પહાડ ચઢવાના આગ્રહ રાખ્યા વિના શનિવારના દિવસે નાના ખભેથેલા ઊંચકીને નીકળી પડતા, જેટલું ચઢાણ થાય તેટલું કરતા અને સાંજ સુધીમાં પાછા ફરતા અને રવિવારે તેનો થાક ઉતારતા. લગભગ દરેક પહાડની કે તેની ટેકરીઓ પર નાના-મોટા મંદિરો કે મઠ (ગોમ્પા) મળી આવતા. અડાબીડ પહાડોમાં માનવવસ્તી મળી આવવાનો આનંદ અનેરો હોય છે. પર્વત ચઢતાં સામે મળતા બિલકુલ અજાણ્યા લોકોનું અભિવાદન પણ સાહજિક રીતે થઇ જતું. આ મઠ-મંદિરોમાં પ્રેમથી લોકો આવકારતા, ચા-નાસ્તો વગેરે આપતા. અમને માત્ર સ્થાનિક ભાષા ઝોન્ખામાં 'કુઝોઝામ્બો' કહેતા આવડતું જેનો 'કુઝોઝામ્બોલા' જેવો જવાબ મળતો. તે સિવાય, કોઈ ભાષાકીય આદાન-પ્રદાન નહિ. માત્ર સ્મિત અને આદરપૂર્વકનું આચરણ. નેપાળી ભાષા ઝોન્ખા સિવાય બીજી પ્રચલિત ભાષા છે, જે અમને બહુ આવડતી નહિ. કોઈકને થોડું ઘણું હિન્દી આવડતું હોય તો વાતચીત થાય. આ જાતઅનુભવ હતો કે માનવતાની કોઈ ભાષા નથી હોતી. અમને કોઈ મઠમાં જવાની કોઈ જરૂર નહોતી, અમારી પાસે ખાવા-પીવાનો પુરતો સ્ટોક રહેતો અને તેમને પણ અમને આવકારવાની કોઈ જરૂર નહોતી. પણ આ બધું સાહજિક રીતે થયું, બંને પક્ષે કોઈ પ્રકારના વળતરની આશા વગર. આ સરળતા અને સાહજિકતા અમને આ આખાય પ્રવાસ વખતે વારંવાર સ્પર્શી.


(થીમ્ફૂનું એકમાત્ર ફિલ્મ થીયેટર કોઈ ભૂટાનીઝ ફિલ્મના પોસ્ટર સાથે)
થીમ્ફૂમાં બીજું 'જોવા જેવું સ્થળ' હતું, ફિલ્મ થીયેટર. અહીંની ટીકીટ લેવાની પધ્ધતિ જોરદાર હતી. ધારો કે 'સ્ટોલ'ની એટલે કે નીચેના ભાગની ટીકીટ લેવી હોય તો થીયેટરના મુખ્ય દરવાજાની બાજુની તરફની દીવાલ પર ટીકીટ બારી હતી. આવી ટીકીટબારી પર સામાન્ય રીતે 'બુકિંગ' કે 'ટીકીટ' જેવું કઈ લખેલું હોય અને પૈસા-ટીકીટની આપલે કરવા, વાતચીત કરવા માટેની બારી હોય. અહીં એવું કશું જ ન હતું. અમે લોકોની ભીડ જોઇને તે તરફ આગળ વધ્યા તો ખબર પડી કે દીવાલમાં હાથ જઈ શકે તેવું એક માત્ર બાકોરું હતું, વાતચીત કરવાની કે આર-પાર જોવાની કોઈ બારી નહિ. વળી, અહીંથી 'ટીકીટ' મળશે તેવું પણ ક્યાંય લખેલું નહિ. થીયેટરની વિશાળ દીવાલ પર એક ભેદી બાકોરું કે જેમાં પૈસા સાથે હાથ નાખો એટલે ટીકીટ અને છૂટ્ટા પૈસા પાછા મળે. કેટલી ટીકીટ જોઈએ તે હાથના ઇશારાથી બતાવવું પડે. કોઈ વાત-ચીત કે સંવાદની જરૂર જ નહિ કારણકે અહીં 'સ્ટોલ'ની એટલે કે એક જ પ્રકારની ટીકીટ મળે. 'બાલ્કની'ની ટીકીટ અંદર ગયા પછી જ મળે. બસ કંડકટરની જેમ 'ટીકીટ, ટીકીટ'ની બૂમ પડતો માણસ ફિલ્મના ટાઈટલ શરુ થાય પછી આવે અને ત્યાર બાદ 'બાલ્કની'માં એન્ટ્રી બંધ. અહીં અમે જગતની થીયેટરમાં મોટા પડદા પર જવલ્લે જ જોવા મળતી ફિલ્મો જોઈ. ના, ના, ફેલીની-તારકોવ્સ્કી-ગોદાર્દ એવું બધું નહિ. 'આઈ લવ યુ, ઇન્ડિયા' નામની હિન્દીમાં ડબ થયેલી તમિલ ફિલ્મ, ચક નોરીસની 'એન આઈ ફોર એન આઈ' કે પછી જેકી ચાનની 'ફિયરલેસ હાયના' ઉર્ફ 'ખૂંખાર ભેડિયા' વગેરે વગેરે.
(ચાંગ લમના મકાનો અને ચાંગલીમથાંગ ફૂટબોલ ગ્રાઉન્ડનું દ્રશ્ય નદીની બીજી તરફથી)
જોવા લાયક જગ્યા નંબર ત્રણ માટે શનિવારની રાહ જોવી પડે. દર અઠવાડીયે શનિવારે બજાર ભરાય જ્યાં લીલાં શાકભાજી, સુકી માછલી, તાજું માંસ, દેશી ઈંડા વગેરે એકબીજાની કોઈ આભડછેટ કે સૂગ રાખ્યા વગર એકબીજાની આજુબાજુમાં વેચાતાં મળે. તે સાથે ઘરગથ્થું સામાન પણ ખરો. સૌથી તાજું શાક લેવાની આ એક જ જગ્યા, અઠવાડિયામાં એક જ વાર. સૌથી વધારે ખપત થાય લીલાં જાડા મરચાંની. અહીંના લોકોને લીલાં મરચાનો બહુ શોખ. ભૂટાનની એક ટીપીકલ વાનગી છે, એમાદાત્સી, જે લાલ જાડા ભાત જોડે ખવાય. એમા એટલે મરચાં અને દાત્સી એટલે સ્થાનિક ચીઝ. પરંપરાગત ભોજનમાં આ ચીઝનો ઉપયોગ પણ બહુ થાય. સહેજ આથો આવેલી, તીવ્ર (સુ)વાસ ધરાવતી આ ચીઝથી લોકો ભાત-ભાતનાં વ્યંજન તૈયાર કરે છે. ભૂટાનની પરમ્પરાગત રસોઈ બહુ સાદી અને પ્રાથમિક પ્રકારની કહી શકાય. તે સામે ભારતીય વ્યંજનો ઘણી ઉત્ક્રાંતિ પામ્યા છે. થીમ્ફૂમાં નાની-મોટી હોટેલોમાં પંજાબી, ચાઇનીઝ, નેપાળી ખાણાં વગેરે મળી જાય છે. પણ બધી ય ભારતીય ચીજો મળવી મુશ્કેલ છે. દર રવિવારે સવારે ઇન્ડિયન આર્મીના કેન્ટોનમેંટના સ્ટોરમાં સમોસા અને જલેબી મળતા, જે અમે શરૂઆતમાં નિયમિત રીતે ખાવા જતા હતાં.

આ સિવાય, અહીના સ્વીમીંગ પુલની મજા કંઇક ઓર હતી. ઠંડા પ્રદેશોમાં હોય છે તેમ ગરમ પાણીવાળો સ્વીમીંગપુલ. ઓફિસથી સ્વીમીંગ કરવા (શીખવા) અને તે પછી ઘરે આવીને તોતિંગ ભૂખને ન્યાય આપવા ભોજનની તૈયારી. વિચારો, દેશનો એક માત્ર જાહેર સ્વીમીંગપુલ! અહીં 'દેશના એક માત્ર' અને દરેકની આગળ 'નેશનલ' લગાડવાની બહુ મજા આવતી. અમેરિકનો જે રીતે છૂટથી 'દુનિયાના સૌથી મોટા', 'દુનિયામાં સૌથી વધારે' વગેરેનો ઉપયોગ એમ ધારીને કરે છે કે અમેરિકામાં જો કોઈ રેકોર્ડ હશે તે દુનિયામાં પણ રેકોર્ડ જ હશે. તે રીતે અમે થીમ્ફૂમાં જે કંઇ હશે તે આ દેશમાં 'એક માત્ર' હોવાનો દાવો કરતા રહેતા.

એકંદરે, થીમ્ફૂમાં વસવાટ શાંતિપૂર્ણ રહ્યો અને સાથે સાથે ઘણું નવું શીખવા પણ મળ્યું. હજી સુધી થીમ્ફૂના અને તેની આસ-પાસના વિસ્તારોના સત્તાવાર રીતે સહેલાણીમાં પ્રિય સ્થળોની કે તેના સ્થાપત્ય વગેરેની વાત અહીં કરી નથી. જે આગળ કરવાનો નિર્ધાર છે. પણ તે પહેલાં થીમ્ફૂના જનજીવનની, સંસ્કૃતિની અને અમારા રોજ-બરોજના જીવનની પૂર્વભૂમિકા આપવી જરૂરી લાગી હતી. આ સાથે સાથે ત્યાં દોરેલા સ્કેચ વગેરે પણ આ લેખોમાં શામેલ કરવાના બાકી છે. લાગે છે આ ભૂટાનની સીરીઝ લાંબી ચાલશે પણ વચ્ચે વચ્ચે કોઈ વિચારોનું અતિક્રમણ થશે તો બીજા વિષયના લેખો પણ આવતા રહેશે. છેલ્લે છેલ્લે, દિવાળીના પર્વની ઉજવણી વચ્ચે જીવનભરની યાદગીરી તરીકે ઉજવી શકાય તેવી બે તસવીરો.

(ડીસેમ્બર, 2007ના શિયાળુ તડકાથી હર્યા-ભર્યા દિવસે ડ્રુક એરના ૪૦-સીટર વિમાન(જે પ્રમાણમાં ઓછી હાઈટ પકડીને ઉડે છે)માં કોલકાતા પાછા ફરતી વખતનું દ્રશ્ય. પાઈલોટ જાહેર કરે છે કે ડાબી તરફ નજીક દેખાતી બર્ફીલી પર્વતમાળાનું ઉન્મત્ત શિખર એટલે કાંચનજંઘા અને દૂર દેખાતી બર્ફીલી પર્વતમાળાનું મુખ્ય શિખર એટલે માઉન્ટ એવરેસ્ટ! માત્ર આ એક નજારો જોવા માટે આ મુસાફરી વિમાનમાં કરવા જેવી છે.)
(પર્વતોની હારમાળ વચ્ચે કાંચનજંઘા)

Sunday, October 16, 2011

ભોમિયા વિના ભૂટાનમાં ભમતાં - ૧

 (પારો ખીણ વિસ્તાર, ૨૦૦૭)
ભોમિયા વિના ભૂટાનના ડુંગરા ભમતાં'તાં એ વાતને આજે બાર-તેર વર્ષ થયા. ૧૯૯૮માં પહેલી વાર અમે ભૂટાનમાં પગ મૂક્યો ત્યારે વીસ-એકવીસ વર્ષના છોકરડાઓ હતાં. જ્યાં પહોંચતા જમીન માર્ગે ગુજરાતથી ત્રણ-ચાર દિવસ લાગે એવા બિલકુલ નવા દેશમાં જવાનો રોમાંચ અદભૂત હતો. અહીં અમે એટલે હું અને મિત્ર નિલય. અમે સાંભળેલું કે અમારી કોલેજના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી ત્યાં આર્કીટેકટ તરીકે પ્રેક્ટીસ કરે છે. તે વખતે ઈ-મેલ તો ચલણમાં ન હતા, તેથી તેમની સાથે એક-બે પત્રનો વ્યવહાર ચાલ્યો. અમે પૂછ્યું 'આવીએ?' અને તેમણે કહ્યું કે 'આવી જાવો'. આજે વિચારું છું તો નવાઈ લાગે છે કે માત્ર એક લેટર હાથમાં લઈને અમે 'સાત સમંદર પાર' પહોંચી ગયેલા, પેલી ઓફિસમાં ટ્રેઈનીંગ કરવા માટે. ટ્રેઈનીંગ સિવાયનો અજેંડા (અને આમ તો મૂળ અજેંડા) એ જ હતો કે એક નવી સંસ્કૃતિને સમજવી, નવા દેશને ખૂંદી વળવો, ખૂબ વાંચન કરવું, સ્કેચીંગ કરવું, ખૂબ રખડવું વગેરે. મજાની વાત તો એ છે કે આ બધું કરવા માટે ભણવામાંથી ઓફિશિયલી રજા મળે, થોડા પૈસા કમાવા મળે અને અધૂરામાં પૂરું, મા-બાપ તરફથી છૂટ અને પ્રોત્સાહન પણ મળે. હવેના બધા અહેવાલો તે આ ભૂટાન પ્રવાસના સંસ્મરણો, પ્રવાસ-વર્ણન વગેરેનું મિશ્રણ છે. 

આ પ્રવાસે મારા જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો તેવું આજે લાગે છે. પ્રવાસો વલોણાં જેવા હોય છે. તે અંદરથી માખણ અને પાણી અલગ તારી આપે છે. એક જ સમાજમાં, એક ઘરેડમાં, એક જ રીતે ઉછરેલાં, એક જ પ્રકારની ભૂગોળ સાથે સંકળાયેલા લોકોમાં સંકુચિત વિચારો હોવાની સંભાવના વધુ છે. જ્યારે ખૂબ પ્રવાસ ખેડેલા લોકો ખુલ્લા મનનાં હોવાની શક્યતા વધુ છે. પોતાનાથી અલગ દેખાતા, વર્તન કરતા, વિચારતા લોકો 'તેવું કેમ કરતા હોય' તેની ખબર પડવાનું શરુ થાય ત્યારે પોતાના અમુક જડ આગ્રહો કેવા ક્ષુલ્લક હોય છે, તે સમજાય છે. ખાસ તો આવું જ્યારે સમજણ વિકસી રહી હોય ત્યારે થાય તે બહુ જરૂરી છે. તેથી ભૂટાનના લોકો, ત્યાંની સંસ્કૃતિ વગેરેએ અમારા પર ઊંડી છાપ પાડી. કે પછી અમે આવી ઊંડી છાપ પડી શકે તેવી જગ્યા શોધતા હતા અને ભૂટાન સામે મળ્યું તેવું પણ બની શકે.

વિદ્યાર્થી અવસ્થામાં કોઈ પણ પ્રકારની સગવડોને ધરાર અવગણીને કરેલાં પ્રવાસની મજા અલગ હોય છે. અમારા બે વચ્ચે એક SLR કેમેરો હતો. ડીજીટલ કેમેરાનો જમાનો ન આવ્યો હોવાથી અમે ફોટા પણ બહુ સાચવીને વ્યવસ્થિત આયોજન કરીને લેતા હતા. અધૂરામાં પૂરું, કોઈક કારણસર અમે સ્લાઈડ્સ લેવાનું નક્કી કર્યું, જેના માટે સ્લાઈડ્સ રોલ અલગ આવતા હતા. અમારા છ મહિનાના ભૂટાન, સિક્કિમ, નેપાળ પ્રવાસના બધા ફોટોગ્રાફ્સને બદલે સ્લાઈડ્સ છે. હવે તો આખી ટેકનોલોજી બદલાઈ ગઈ છે. હવે આ પ્રવાસના સંભારણારૂપે નિલય પાસે બોક્સ ભરીને સ્લાઈડ્સ છે. સ્લાઈડ્સને ડીજીટાઈઝ કરાવી મોંઘી છે અને તે પછી પણ સારું પરિણામ મળતું નથી. એટલે આ આખો પ્રવાસ 'જે છે તે કેવળ અમારી આંખોમાં'. હા, થોડા ઘણા રેખાચિત્રો, ઘરે લખેલા લાંબા પત્રો અને એક ડાયરીમાં કરેલું અમુક-તમુક વર્ણન મળી આવ્યા છે. જેના આધારે આ લખાઈ રહ્યું છે. બહુ ઓછા દૃષ્ટિ-વિષયક પુરાવા ન હોવાથી આ 'વાર્તા' કહેવાની તત્પરતા અને રોમાંચ બંને છે. જો કે અહીં (અને ભવિષ્યના લખાણોમાં) જોડેલા ફોટોગ્રાફ્સ ૨૦૦૭માં બીજી વાર કરેલા પ્રવાસ વખતે લીધેલા છે.

હાવરા એક્પ્રેસમાં અડતાલીસ કલાકે કલકત્તા પહોંચ્યા. ત્યાંથી આગળ સિલીગુડીની ટ્રેઈનની ટીકીટ ન મળવાને લીધે, બસમાં પ્રવાસ કરવાનું ગોઠવ્યું. રાત્રે શરુ થયેલી બસે લગભગ ૬ પંચર વેઠીને અને અમે એક ભંગાર ડ્રાઈવર અને ખરાબ રસ્તાને ખમીને બાર કલાકનો રસ્તો વીસ કલાકમાં પતાવ્યો. કલકત્તાથી સિલીગુડી જવું એટલે પશ્ચિમ બંગાળના છેક દક્ષીણ છેડેથી ઉત્તર છેડે પહોંચવું. રસ્તામાં બંગાળના અત્યંત અંતરિયાળ ગામડાઓ જોયા. ત્યારે પશ્ચિમ અને પૂર્વ ભારત વચ્ચેનો ફરક સમજાયો. ગામડાં, તેમના ખેતીનાં પાક, વપરાતાં સાધનો, ત્યાંની ગરીબી વગેરેમાં પૂર્વ અને પશ્ચિમ ભારત વચ્ચે જમીન-આસમાનનો ફરક છે. ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાનની હાઈવે હોટલો પર નભેલા અમે પહેલાં અમુક કલાકો સુધી તો બસની નીચે પણ ન ઉતર્યા. પારલેના બિસ્કીટ તે એક માત્ર 'બહારની' ચીજ દેખવામાં આવેલી અને તે સિવાય ખાવા-પીવાનો કોઈ જ વિકલ્પ ન હતો. છેવટે લાલ બંગાળમાં દાતરડાં-હથોડીના નિશાન ચીતરેલી ચાનાં ગલ્લા જેટલી નાની, પ્રોલેટેરિયન ઉર્ફે વર્કિંગ ક્લાસ ઉર્ફે દહાડિયા મજૂરોથી ભરેલી કોઈ હોટેલમાં માછલીની ગંધ વચ્ચે, જાડા ભાત અને 'કશુંક' ખાઈને સવાર-સાંજ પેટ ભર્યું. સિલીગુડી પહોચ્યાં ત્યાં સુધીમાં ઠૂસ થઇ ગયેલા. 

સિલીગુડી એ બહુ જ વ્યૂહાત્મક જગ્યા છે. આ પ્રદેશ એટલે એક તરફ નેપાળ, બીજી તરફ ભૂટાન, ત્રીજી તરફ આસામ, ઉપરની તરફ દાર્જીલિંગ/સિક્કિમ અને તેની નીચે બાંગ્લાદેશ અને બંગાળ. સિલીગુડીથી નક્સલબારી નામનું ગામ (જ્યાંથી નક્સલ-વિગ્રહની શરૂઆત થઇ હતી) માત્ર પચીસેક કિલોમીટર દૂર છે. ઉત્તર-પૂર્વ રાજ્યો કે નેપાળ-બાંગ્લાદેશ સંબંધિત દરેક રાજકીય કે ભાંગફોડીયા કે હિંસક પ્રવૃત્તિ માટે ભૌગોલિક રીતે સિલીગુડી કેન્દ્ર ગણાય. તે જ રીતે બધા જ પ્રકારની સરકારી પ્રવૃતિઓ માટે પણ. અમારું ગંતવ્યસ્થાન થીમ્ફૂ (ભૂટાનની રાજધાની) હતું. ત્યાં જવા માટે જમીન માર્ગે ફૂન્શીલીંગ થઈને જવું પડે.

ફૂન્શીલીંગ ભારત-ભૂટાનની પશ્ચિમ સરહદે આવેલું ગામ છે. જેનો ભારતીય ભાગ જલગાંવ તરીકે ઓળખાય છે. બીજે દિવસે સવારે સિલીગુડીથી ફૂન્શીલીંગ ભારે હરિયાળીવાળા પ્રદેશો અને વિશાળ નદીઓ વટાવતાં પહોંચ્યા. ફૂન્શીલીંગમાં પહોંચતા જ 'ફોરેન'માં આવી ગયા હોય તેવું લાગ્યું - સાફ રસ્તા, સુવ્યવસ્થિત ટ્રાફિક, નવા પ્રકારની નંબર પ્લેટ, નવા પ્રકારના લોકો અને તેમનો પહેરવેશ. મને એ યાદ છે કે સૌથી પહેલો ગાંડા-ઘેલા જેવો આનંદ એ હતો કે આ 'ફોરેન' તો ખરું, ભલેને આપણી પડોશમાં હોય. ફૂન્શીલીંગ પહોંચીને સૌથી પહેલું કામ હતું થીમ્ફૂ માટે ટુરિસ્ટ પરમીટ લેવાનું. જે જેમ તેમ નોકરશાહીના મૂડ પ્રમાણે અને ઘણી ધીરજ રાખીને પતાવ્યું. ફૂન્શીલીંગથી આગળ પહાડી વિસ્તાર શરુ થતો હતો. થીમ્ફૂ સમુદ્રની સપાટીથી લગભગ ૨૫૦૦ મી. (૭૫૦૦ ફૂટ)ની ઊંચાઈએ આવેલું છે. પહાડી વિસ્તાર શું કહેવાય તેની ખરી પરખ અમને હવે થવાની હતી. ફૂન્શીલીન્ગથી થીમ્ફૂ લગભગ ૧૭૬ કી.મી. છે. રાત્રે વાહન ચલાવવું બહુ જ ખતરનાક જણાય છે એટલે આખા ભૂટાનમાં રાત્રે કોઈ પણ બસ વગેરે ચાલતી નથી. હવે બે શહેરો વચ્ચે અંતરના પરિમાણો પણ બદલાઈ ગયા હતા. ૧૭૬ કી.મી. એટલે સપાટ વિસ્તારમાં ૩-૪ કલાકની મુસાફરી પણ પહાડી વિસ્તારમાં ૭-૮ કલાકની મુસાફરી ગણાય. તેમાં પણ ભૂ-સ્ખલનના લીધે રસ્તો બંધ હોય તો દિવસો સુધી એક જગ્યાએ પડ્યા-પાથર્યા રહેવું પડે. પહાડી વિસ્તારમાં રહેવું હોય તો બસની મુસાફરીમાં સતત ચઢાણ અને બદલાતા હવાફેરની આદત પાડવી જરૂરી હોય છે. પહેલી વખત સતત આટલા બધા 'ઉંચકાવા'ને લીધે અમે અધમૂવા તો થઇ જ ગયા હતા.

અમે પહેલી જૂન, ૧૯૯૮ના રોજ સાંજના સુમારે નીચેની તસ્વીરમાં જે દ્રશ્ય દેખાય તેવું દ્રશ્ય જોતાં-જોતાં થીમ્ફૂમાં પ્રવેશ કર્યો ત્યારે અમારી મુસાફરીનો સતત ચોથો દિવસ હતો. જેમાંથી અમે ૪૮ કલાક ટ્રેનમાં અને ૨૪ કલાક ગતિશીલ બસમાં અને બાકીના ૮ કલાક બંધ પડેલી બસમાં ગાળ્યા હતા. અમદાવાદના તેતાલીસ ડીગ્રી તાપમાનમાંથી અમે પંદર-સોળ ડીગ્રીમાં સ્થળાંતરિત થયા હતાં. થીમ્ફૂના બસસ્ટેન્ડે અને સમગ્ર શહેરમાં (અને સમગ્ર દેશમાં) કોઈ રીક્ષા ન હોવાથી અમે અમારી પૈડાં વગરની સૂટકેસ અને બગલથેલા ઉપાડી અને 'ચાંગ લમ' પર આવેલી ઓફીસ તરફ પ્રયાણ કર્યું. પૈડાંવાળી બેગોએ સામાજિક ક્રાંતિ સર્જી છે, તે અમને ત્યારે સમજાયું. પહાડી વિસ્તારોમાં જરૂર પુરતો જ સમાન લઈને જવું, સામાન કેવી રીતે ભરવો, સારા રગસૅક ઉર્ફ બેગપૅક વસાવવા વગેરે ડાહપણ પણ ત્યારે જ આવ્યું. 
(થીમ્ફૂ શહેર)
થીમ્ફૂ ભૂટાનની રાજધાની અને મોટામાં મોટું શહેર છે. મોટામાં મોટું એટલે ૧૯૯૮માં થીમ્ફૂની વસ્તી હતી લગભગ સાઠ હજાર અને આજે શહેરી પ્લાનિંગના નવા પ્રયાસો પછી વસ્તી છે લગભગ એંશી હજાર. ભૂટાનમાં આપણે જેને 'નાનું' કે 'મોટું', 'ઊંચું' કે 'નીચું', 'સપાટ' અને 'ઢોળાવવાળું' કહીએ છીએ તે બધાની અલગ વ્યાખ્યા કરવી પડે. ભૂટાનમાં બધી શહેરી વસાહતો ખીણ પ્રદેશોમાં વિકસી છે. તેથી થીમ્ફૂ, પારો, હા, પુનાખા, ભૂમથાંગ, તોન્ગસા, મોન્ગર, ચુખા વગેરે શહેરી વસાહતો તે એકબીજાની સમાંતર ખીણ પ્રદેશો છે. જયારે ફૂન્શીલીંગ, ગેઇલેગફૂગ, સમદ્રુપ જોન્ખાર વગેરે ભારતની સરહદને અડીને આવેલા શહેરી વિસ્તારો છે. મોટાભાગના લોકો શહેરના મુખ્ય ભાગ એટલે કે બજાર વગેરે વિસ્તારની નજીક રહેતા, જયારે લગભગ ત્રીજા ભાગના લોકો આખા ખીણ વિસ્તારમાં પથરાયેલા હતા. એટલે કે અમદાવાદના એક-બે વોર્ડ જેટલી વસ્તી અમદાવાદ-ગાંધીનગર વચ્ચે પથરાયેલી હોય. અહીંના લોકો પરંપરાગત રીતે જ એકબીજાની પડખે રહેવાની જગ્યા એ એક-બીજાથી દૂર દૂર નાના-મોટા ઝૂમખાંમાં રહે છે, પશુ-પાલન કરે છે કે ખેતી કરે છે. 
(થીમ્ફૂમાં આવેલું ચન્ગન્ખા લાખાંગ (મંદિર), તેની પાછળ રેડિયો સ્ટેશન અને પહાડોની હારમાળા) 
(ચન્ગન્ખા લાખાંગથી દેખાતું થીમ્ફૂ શહેરનું દ્રશ્ય) 
પહાડી વિસ્તારના લોકોને આ જગ્યાના મોકળાશની જબરદસ્ત આદત હોય છે. ત્યારે થીમ્ફૂમાં મુખ્ય રસ્તા પર એકાદ મીનીટે માંડ એક કાર પસાર થતી જોવા મળે અને લોકો એવું અમને કહેતા કે 'થીમ્ફૂમાં કેટલી ભીડ છે'. તેવું જ તાપમાનની બાબતમાં પણ થતું. પચીસ ડીગ્રી પર તાપમાન પહોંચે કે લોકો ગરમી-ગરમીનો કકળાટ ચાલુ કરી દેતા. ખીણ વિસ્તાર હોય એટલે બહુ સપાટ જમીનનો વિસ્તાર હોવો જરૂરી નથી. શહેરનો દરેક રસ્તો ઉપર-નીચે જતો હોય. અમે એવી મજાક કરતા કે આ લોકોને જ્યાં થોડો પણ સપાટ વિસ્તાર મળે છે ત્યાં હવાઈ પટ્ટી કે ફૂટબોલનું મેદાન બનાવી દે છે. તેથી રસ્તે ચાલતા તમે કાં તો ઉપર જતા જાઓ કે નીચે આવો. રોજબરોજની વાતચીતમાં પણ 'તમે અહીં આવો'ની જગ્યા એ 'તમે ઉપર આવો' કે 'હું નીચે આવી રહ્યો છું' તેવો વપરાશ હિન્દી કે અંગ્રેજી બોલાતી વખતે સંભાળવા મળે. 

(શિયાળાની સાંજે થીમ્ફૂ શહેર)  

 
(ભૂટાનના પરંપરાગત સ્થાપત્યની શૈલીમાં બનાવેલું સ્થાનિક ચિત્રકલા સ્કૂલનું આધુનિક મકાન)
થીમ્ફૂ મજાનું નાનકડું શહેર છે. નાનકડા દેશની રાજધાની હોવાને લીધે તેની નાની-મોટી સવલતોને સંસ્થાઓ આપોઆપ 'રાષ્ટ્રીય' બની જતી હોય છે. શહેરમાં એક માત્ર થીયેટર છે, એક માત્ર સ્વીમીંગ પુલ છે, એક માત્ર ફૂટબોલનું મેદાન છે, બધા એક-બીજાને ઓળખે છે. ક્યાંય ટ્રાફિક નથી, ટ્રાફિક પોલીસ એક ખૂણામાં કંટાળીને ઉભા રહે છે. સ્થાનિક સમાચાર આપતું સાપ્તાહિક છે, ભારતીય છાપાં બે-ત્રણ દિવસ મોડા પહોંચે છે. થીયેટરમાં ભારતીય ફિલ્મો વર્ષો જૂની આવે છે, મોટેભાગે માર-ધાડ વાળી જ. જો કે આ પરિસ્થિતિ હમણાં ઘણી બદલાઈ છે, ખાસ તો ટ્રાફિકની બાબતમાં. થીમ્ફૂ ઘણી રીતે એવું શહેર છે કે જ્યાં સુખી શહેરી જીવન માટે જોઈતું બધું છે, ભીડ ઓછી છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ બહુ જ સસ્તા દરે છે. ભૂટાનના લોકો એટલે ખૂબ જ મળતાવડા અને હસમુખા. તેમને જોઇને તેમની સરકારે કરેલો નિશ્ચય સાચો જ લાગે કે "We believe in Gross Domestic Happiness (not in Gross Domestic Products)".
થીમ્ફૂમાં રહેવાનાના રોજ-બરોજના અનુભવો વિષે વધુ આવતા અંકે.

(ભૂટાન-પ્રવાસ વિષે આગળ શું અને કેવી રીતે લખવું તેની અવઢવ છે, સામગ્રી ઘણી જ છે પણ દિશા સ્પષ્ટ નથી. તેથી સૂચનો અને પ્રતિભાવો આવકાર્ય.)

Sunday, October 02, 2011

બીજી ઓક્ટોબરે ગાંધી આશ્રમમાં
બીજી ઓક્ટોબરે ગાંધી આશ્રમમાં
બહુ ભીડ નથી.
'જૂના અને જાણીતા',
'નકલખોરોથી સાવધાન',
'અમારી બીજી કોઈ શાખા નથી'
એવું લખાણ કોક ભૂલી ગ્યું હશે.
ગઈકાલનો ઉધાર ગાંધી રોકડમાં દેખાઈ જાય છે,
પણ આશ્રમની ઓછી ભીડમાં અનાયાસે સંતાઈ જાય છે.


આશ્રમમાં લાલ અને પીળી લાઈટવાળી ગાડીઓ
ગાડીઓનું પાર્કિંગ
પાર્કિંગમાં પોલીસ
પોલીસ એટલે બંદૂક
બંદૂક એટલે ગોળી
ગોળી એટલે હે રામ!


'દાતણ કરવા માટે ઝાડ તોડશો નહિ'
'ફૂલ-પાનને અડકશો નહિ'
'શાંતિ જાળવવી'
'કોઈ ચીજ-વસ્તુને અડકવું નહિ'
કશું સાથે લઈને જવું નહિ,
કોરાંને કોરાં પાછા જવું.


ગાંધીનો શૉ - sound and light.
ગાંધીની દુકાન
ગાંધીશાહીનું વેચાણ
ગાંધીની સંસ્થા
સંસ્થા એટલે હોદ્દા
ગાંધી એટલે ઉદ્યોગ.


હવે આશ્રમ અને નદીને છેટી પાડતી એક ઉંચી દીવાલ છે.
દીવાલો બનાવવાની ઝુંબેશોમાં કોન્ક્રીટનો સાથ છે.
હવે આશ્રમ 'સાઈલન્સ ઝોન'માં અને શહેર આખું ઘોંઘાટ છે.
ગાંધીના નામનું એક નગર વસ્યું છે જ્યાં મંદિર ઝગમગાટ છે.
ગાંધી નામના સિક્કા પડેને ઉપવાસોનો ઉપાડ છે. 
પણ ચરખા ચાલવા બંધ છે.
ચરખા છે,
ચકડોળ નથી માટે.


ક્યાંક એક અચળ કાળી પ્રતિમા પર કોઈ કેસરી ફૂલો સજાવી જાય છે 
ને કોઈ તેને સફેદ-સફેદ સૂતરની આંટીએ આંટી જાય છે.
બધાય પોતપોતાને ગમતો ગાંધી
'સૂંઠને ગાંગડે' બંધાવી જાય છે.

- ઋતુલ જોષી
૨ ઓક્ટોબર, ૨૦૧૧