Sunday, October 02, 2011

બીજી ઓક્ટોબરે ગાંધી આશ્રમમાં




બીજી ઓક્ટોબરે ગાંધી આશ્રમમાં
બહુ ભીડ નથી.
'જૂના અને જાણીતા',
'નકલખોરોથી સાવધાન',
'અમારી બીજી કોઈ શાખા નથી'
એવું લખાણ કોક ભૂલી ગ્યું હશે.
ગઈકાલનો ઉધાર ગાંધી રોકડમાં દેખાઈ જાય છે,
પણ આશ્રમની ઓછી ભીડમાં અનાયાસે સંતાઈ જાય છે.


આશ્રમમાં લાલ અને પીળી લાઈટવાળી ગાડીઓ
ગાડીઓનું પાર્કિંગ
પાર્કિંગમાં પોલીસ
પોલીસ એટલે બંદૂક
બંદૂક એટલે ગોળી
ગોળી એટલે હે રામ!


'દાતણ કરવા માટે ઝાડ તોડશો નહિ'
'ફૂલ-પાનને અડકશો નહિ'
'શાંતિ જાળવવી'
'કોઈ ચીજ-વસ્તુને અડકવું નહિ'
કશું સાથે લઈને જવું નહિ,
કોરાંને કોરાં પાછા જવું.


ગાંધીનો શૉ - sound and light.
ગાંધીની દુકાન
ગાંધીશાહીનું વેચાણ
ગાંધીની સંસ્થા
સંસ્થા એટલે હોદ્દા
ગાંધી એટલે ઉદ્યોગ.


હવે આશ્રમ અને નદીને છેટી પાડતી એક ઉંચી દીવાલ છે.
દીવાલો બનાવવાની ઝુંબેશોમાં કોન્ક્રીટનો સાથ છે.
હવે આશ્રમ 'સાઈલન્સ ઝોન'માં અને શહેર આખું ઘોંઘાટ છે.
ગાંધીના નામનું એક નગર વસ્યું છે જ્યાં મંદિર ઝગમગાટ છે.
ગાંધી નામના સિક્કા પડેને ઉપવાસોનો ઉપાડ છે. 
પણ ચરખા ચાલવા બંધ છે.
ચરખા છે,
ચકડોળ નથી માટે.


ક્યાંક એક અચળ કાળી પ્રતિમા પર કોઈ કેસરી ફૂલો સજાવી જાય છે 
ને કોઈ તેને સફેદ-સફેદ સૂતરની આંટીએ આંટી જાય છે.
બધાય પોતપોતાને ગમતો ગાંધી
'સૂંઠને ગાંગડે' બંધાવી જાય છે.

- ઋતુલ જોષી
૨ ઓક્ટોબર, ૨૦૧૧ 

12 comments:

  1. Very, very nice Rutul. What a lovely post. Fantastic!

    ReplyDelete
  2. કવિ ખીલી ઉઠ્યા.

    આશ્રમમાં લાલ અને પીળી લાઈટવાળી ગાડીઓ
    ગાડીઓનું પાર્કિંગ
    પાર્કિંગમાં પોલીસ
    પોલીસ એટલે બંદૂક
    બંદૂક એટલે ગોળી
    ગોળી એટલે હે રામ!
    - આ વાંચીને કુખ્યાત ચિંતકની યાદ તાજી થઇ. તમને પણ, આશિષ કક્કડની પરિભાષામાં કહું તો, 'ફાવે છે':-)

    ReplyDelete
  3. Thanks friends...

    કુખ્યાત ચિંતક - hahaha... :)

    ReplyDelete
  4. બહોત અચ્છે ઋતુલ. વેધક મોનોઈમેજ કાવ્યો.
    ગાંધી કે ગાંધી સંદર્ભે લખાયેલા બહુ ઓછા કાવ્યો આ કક્ષા અને આ તીવ્રતા સુધી પહોંચી શક્યા છે.

    ReplyDelete
  5. બધાય પોતપોતાને ગમતો ગાંધી
    'સૂંઠને ગાંગડે' બંધાવી જાય છે.
    Rutul, This is superb.
    Each one is very touching.

    ReplyDelete
  6. Thanks Panchambhai and Birenbhai! :)

    ReplyDelete
  7. એક થી બીજું ચડે! એક જ વિષય પર એક જ સમયે આટલી વિવિધતા!!! બહુ જ વેધક ઋતુલભાઈ!

    ReplyDelete
  8. તીક્ષણતા અને વક્રોક્તિ અવસ્થાના મૂળમાં જ ઘા કરે છે.

    ReplyDelete
  9. Thanks Amit and Himanshubhai!

    ReplyDelete
  10. અનોખી રજૂઆત અને વાસ્તવિકતાનું સરસ ચિત્ર.

    ReplyDelete
  11. Thanks Yashawantbhai! I have been reading your blog regularly for long now...

    ReplyDelete
  12. Vaaaahh!!!....

    Bauu Jjjj Jordarrr!!!

    ReplyDelete