Monday, August 08, 2011

કરોડરજ્જૂ વિલીન થવાની ઘટના

(ઈ.સ.૧૫૦૬થી ૧૫૦૮ વચ્ચે લિયોનાર્ડો દ વિન્સીએ બનાવેલો માનવ કરોડરજ્જૂનો સ્કેચ)


કેમ કરીને કરોડરજ્જૂઓ વંકાઈ જાય છે, વિસરાઈ જાય છે, વિખરાઈ જાય છે?

શું થયું હશે એ?

કરોડરજ્જૂની કળતરો...

કે પછી સાવ ટટ્ટાર, સીધા, ઉભા રહેવાનો થાક

કે પછી કોઈ મુલાયમ ગાદી અને ખુરશીનો સાવ નજીકમાં હોવાનો આભાસ 

કે પછી અનાયાસે જ મળી આવેલા ઐતિહાસિક વારસાનાં ઠેકેદાર બનવાના અરમાન 

કે પછી ક્ષિતિજો સામે મીટ માંડીને જોઈ રહેલા ટોળાં વચ્ચે એકલા પડી ગયાનો અહેસાસ

કે પછી ચારેબાજુ ચકાચૌંધ પ્રખર પ્રકાશ વચ્ચે અંજાઈ જતી આંખોમાં આવતા રંગીન અંધારા 

કે પછી છનન છનન રણકાર વચ્ચે ગજવામાં સંતાડેલાં રૂપિયાના સિક્કાનો કદી ન થતો અવાજ 

કે પછી અંદરથી સતત ‘મીસ કોલ’ મારતા પેલા ‘માંહ્યલા’ નામના વ્યક્તિ જોડે પડી ભાંગતો સંવાદ

નહિ તો પછી...

કરોડરજ્જૂના બંધારણમાં રહેલી કોઈ જૈવિક ખામી

કે માનવઉત્ક્રાંતિના સફરમાં કરોડ્રજ્જૂઓ વિલીન થવાની ઘટના.

કે પછી... નહિ તો પછી... જો કે... આમ તો... એમ તો...


લગભગ સાતેક વર્ષ પહેલા લખાયેલી અને સમય જતાં મઠારાયેલી રચના. તેને કવિતા કહેવી હોય તો છૂટ છે પરંતુ મરીઝના પેલા શેરની જેમ "છે સ્ખલન બે-ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ, પણ કોણ જાણે કેમ આખી જીંદગી બદનામ છે" - આવા પદ્ય 'સ્ખલનો' બે-ત્રણ જ છે, બાકી આખા બ્લોગને 'બદનામ' કરવો નહિ. મોટાભાગે તો અહીં ગદ્યની જ આશા રાખવી. :)