Thursday, July 31, 2014

નગર ચરખો - બીજિંગ ૨૦૦૮: સામ્યવાદી માસ્ક પર મૂડીવાદી મેકઅપ


બીજિંગ ઓલિમ્પિક ચીન માટે દુનિયાને તેની આર્થિક-રાજકીય તાકાત બતાવવાનો મજબૂત મોકો હતો. ૨૦૦૮ પહેલાના બે-ત્રણ કંઇક અંશે નબળા અને ઉદાસીન કહી શકાય તેવા ઓલિમ્પિકના ઉત્સવો પછી જાણે કે ચીને નક્કી કર્યું હોય કે અમે દુનિયાને બતાવી દઈશું કે ઓલિમ્પિકનું આયોજન કેમ કરાય છે?બીજીંગમાં ઓલિમ્પિકની તૈયારી માટે ૪૦ બિલિયન ડોલર ઠલવાયેલા તા. ૨૦૦૮ સુધીમાં ૧૧૦૦૦ નવા હોટેલ રૂમ શહેરમાં ઉમેરાયેલાલાખો સ્ક્વેર મીટરની ઓફીસ સ્પેઈસ અને શૉપિંગ એરિયાનો ઉમેરો થયો હતો. શહેરના દરેક વિસ્તારનું નવીનીકરણ થયું હતું. દોઢસો મિલિયન ડોલરના આંકડો તો જૂના-જર્જરિત મકાનોને ધરાશાયી કરવાના ખર્ચ તરીકે બોલાતો હતો. ગમેતેમ તોડફોડ, રીનોવેશન અને નવનિર્માણ માટે કેટલાં લોકોનું સ્થળાંતર થયું, કોને શું અન્યાય થયો વગેરે વિષેની દંતકથાઓ છે અને સરકારી આવૃત્તિની માહિતી છે. સત્ય કોઈને ખબર પડી નથી.   

બીજિંગ શહેરમાં ધરમૂળથી ફેરફારો થઇ રહ્યા હતાં. શહેરની મેટ્રો રેલ (સબ વેસુવિધા માટે એક નવી લાઈન નાખીને આખું નેટવર્ક પૂરું કરવામાં આવ્યું હતું. શહેરના દૂર-સુદૂર વિસ્તારોમાંથી લોકો શહેરના મુખ્ય ભાગો કે મેટ્રો રેલના નેટવર્ક સુધી પહોંચી શકે તે માટે બી.આર.ટી.ના નવા કોરીડોર વિકસાવવામાં આવ્યા હતા (અમદાવાદ-સુરતમાં બની રહ્યા છે તેવા). શહેરની સંસ્કૃતિનેલોકોનેસુવિધાઓને જાણે ઘસીને ઉજળી કરવાની કવાયત ચાલતી હતી.

તો પછી શા માટે બીજિંગમાં ચીનની સરકાર જાહેર પરિવહનમાં આટલું બધું રોકાણ કરી રહી છેતેનું કારણ છે બીજિંગનું ખતરનાક હવાનું પ્રદુષણ. ઠંડી-ધુમ્મસની આબોહવામાં વાહનોનો ધુમાડો ભાળીને 'સ્મોગ'(સ્મોક + ફોગ)નું સર્જન કરે છે જેના લીધે શ્વાસોશ્વાસને લગતી ગંભીર બીમારીઓ થાય છે અને શહેર આખામાં ધૂંધળા વાદળો છવાયેલા રહે છે. ખાનગી વાહનોના નિરંકુશ વપરાશને લીધે આ પરિસ્થિતિ બહુ વકરી હતી. બે દાયકા પહેલાં બીજિંગની સરકાર એવું માનતી હતી કે ખાનગી વાહનોની વૃદ્ધિને વધુ પહોળા રસ્તા અને ફ્લાય-ઓવર વગેરે બનાવીને નીપટાવી લઈશું પણ બન્યું ઊંધું. ફ્લાય-ઓવર ઉપર પણ હવે વાહનોની ગીચતા વધીપરિણામે ટ્રાફિક જામહવા-અવાજનું પ્રદુષણચીનના પ્રતિકસમા સાઈકલ-ચાલનમાં ઘટાડો અને સર્વત્ર અંધાધૂંધી. છેવટે તો 'રોડ રેશનીંગજેવો એક વિચાર અમલમાં મૂક્યો જેમાં અઠવાડીયાના ત્રણ દિવસ શહેરમાં જેમના નંબર પ્લેટનો છેલ્લો આંકડો એકી સંખ્યા હોય એવા વાહનો ચાલે અને બાકીના ત્રણ દિવસ જેમના નંબર પ્લેટનો છેલ્લો આંકડો બેકી સંખ્યા હોય એવા વાહનો. આ વિચિત્ર પ્રયોગ સફળ રહ્યો છે અને શહેરનો લગભગ ૪૦-૫૦ ટકા ટ્રાફિક તેની મેળે જ ઓછો થઇ ગયો હતો. લોકો એક દિવસ જાહેર પરિવહન વાપરે અને એક દિવસ ખાનગી.

બીજિંગ ઓલિમ્પિક વખતે હવાનું પ્રદુષણ કાબૂમાં રહ્યું પણ તે પછી સરકારે જાહેર પરિવહન અને માળખાકીય સુવિધાઓમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. ૨૦૦૮ ઓલિમ્પિકે શહેરને એક પ્લેટફોર્મ આપ્યું પણ વિકાસના કામ તો ચાલુ જ રહ્યા.  નવેમ્બર 2007માં બીજિંગ મેટ્રો - અન્ડરગ્રાઉન્ડ પબ્લિક ટ્રાન્સપોર્ટની પાંચ લાઈન ચાલતી હતી. ઓલિમ્પિકના સમય ઓગસ્ટ ૨૦૦૮ સુધીમાં ત્રણ નવી લાઈન જોડાઈ હતી. ૨૦૧૫ના અંત સુધીમાં મેટ્રોની માયાજાળ સાતસો કી.મી.એ પહોંચશે ત્યારે બીજિંગની મેટ્રો તે દુનિયાની સૌથી મોટી રેલ-આધારિત શહેરી જાહેર પરિવહન સેવા થશે. એનો ય સંતોષ નથી, હજી તો ૨૦૨૦ સુધીમાં એક હજાર કી.મી.નું નેટવર્ક બીજિંગ શહેરના મેટ્રો ઉર્ફ સબ-વે સીસ્ટમનું હશે. વિકાસ એકધારો સતત થતો રહેવો જોઈએ, બીજિંગ તેનું જીવતું-જાગતું ઉદાહરણ છે.

બીજિંગ ઓલિમ્પિક આધુનિક ટેકનોલોજીના ઉપયોગમૂડીવાદી ઉત્સાહસામ્યવાદી અંકુશરાષ્ટ્રીય મહત્વાકાંક્ષા અને સામાજિક રીતે અસુરક્ષિત પણ સસ્તા-દરે સતત મળી રહેતા મજૂર વર્ગ વગેરેના મિશ્રણનું પરિણામ હતું. વાત ઘણે અંશે સાચી પણ છે. ચીનની સસ્તી મજૂરી વિશ્વમાં વખણાય છે. શું સસ્તી મજૂરી એ હરખાવા જેવી વાત છે?બીજીંગમાં બે-ત્રણ અઠવાડિયા ગાળ્યા હોવા છતાં બીજિંગ ઓલિમ્પિકની બીજી બાજુ - અંધારી અને અણધારી બાજુ વિષે ખાસ ખબર પડતી નથી. મેન્ડેરીન અજાણી ભાષા હોવાનો પ્રશ્ન તો છે જ પણ સાથે માહિતીમાં પારદર્શકતાનો પ્રશ્ન પણ ખરો. છેલ્લેડીસેમ્બર ૨૦૦૭માં ભારત આવતાં પહેલાં બીજિંગ એરપોર્ટ પર ડિપાર્ચર લોન્જમાં ઉદઘોષિકા ચીની ઉચ્ચારણવાળા અંગ્રેજીમાં કહી રહી હતી, 'પ્લીજ કમ બેક ફોર ધી ઓલિમ્પિઇઈઈક...'

નવગુજરાત સમય, પાન નં 11, 28 જૂલાઈ (સોમવાર) 2014

Sunday, July 20, 2014

નગર ચરખો - બે ઓલિમ્પિક શહેરો: બીજિંગ'૦૮ અને લંડન'૧૨


બ્રાઝીલમાં હમણાં ફૂટબોલ વિશ્વકપ યોજાઈ ગયો અને બ્રાઝીલમાં જ ૨૦૧૬માં રીઓ ડી જાનેરો શહેરમાં ઓલિમ્પિક રમતો યોજાવાની છે. જે શહેરમાં ઓલિમ્પિક યોજાય તેને ભરપૂર પબ્લીસીટી મળે છેવ્યાપાર-ધંધામાં અકલ્પ્ય ઉછાળો આવે છેલાખોની સંખ્યામાં મુલાકાતીઓ-સહેલાણીઓ આવે છેદુનિયાના પ્રવાસીઓના નકશા પર અને લોકોની સ્મૃતિમાં આ શહેર સદૈવને માટે અંકિત થઇ જાય છે. ઓછી જાણીતી વાત એ છે કે આવા મહા-પ્રસંગ પાછળ ૬-૭ વર્ષનું આયોજન અને તે પ્રમાણે અમલીકરણ હોય છેમાળખાકીય સુવિધાઓમાં જબરજસ્ત રોકાણ હોય છે અને ક્યારેક પૂરેપૂરા શહેરો તો ક્યારેક અમુક શહેરી ભાગોની સંપૂર્ણ કાયાપલટ જોવા મળે છે.

કેટલાય શહેરો આ પ્રકારના અવસરને લીધે આવતી તકોનો કસ કાઢીને ઉપયોગ કરી લે છે. ટોકિયો (૧૯૬૪)બાર્સેલોના (૧૯૮૮) અને સીઉલ (૧૯૯૨) જેવા શહેરો દુનિયાના પ્રવાસીઓમાં પ્રિય બન્યા છે તેમાં ઓલિમ્પિક જેવા અવસરનો અને તેના લીધે બનેલી માળખાકીય સુવિધાઓનો બહુ મોટો હાથ છે. મોટાભાગની શહેરી સરકારો-તંત્રો રાજ્ય કે રાષ્ટ્રીય સ્તર જેટલા સદ્ધર હોતા નથી એટલે મોંઘી માળખાકીય સુવિધાઓજેવી કે શહેરમાં જાહેર પરિવહનની સુવિધાઓ (અન્ડરગ્રાઉન્ડ મેટ્રો, લાઈટ રેઈલ કે બીઆરટી) આવા પ્રસંગોને પરિણામે ઉભી થતી હોય છે. જો કે ક્યાંક કરુણ કથાઓ પણ સાંભળવા મળે છે. મોન્ટ્રીયલ (૧૯૭૬) અને સિડની (૨૦૦૦)માં ઓલિમ્પિક પછી ભારે આર્થીક મંદી આવી હતી કારણકે જે સુવિધાઓનું નિર્માણ થયું હતું તે તેની માંગ કરતા ઘણી વધુ હતી. ઓલિમ્પિકનો ઉપયોગ કરીને આર્થિક તેમજ પ્રવાસન વિકાસ કરવાની દરેક દેશને નેમ હોય છે.

નવેમ્બર-ડીસેમ્બર૨૦૦૭માં બીજીંગ ઓલિમ્પિકને વધાવવા નવાં વાઘાં પહેરી રહ્યું હતું અને ત્યારે માર્ચ૨૦૧૨માં  લંડનમાં કંઇક એવો જ માહોલ છે. કોઈક કારણસર બંને શહેરમાં ઓલિમ્પિક આરંભાય તે પહેલા આ શહેરોની મુલાકાત લેવાનો રોમાંચ આ લેખકને સાંપડ્યો છે. આટલી મોટી ઇવેન્ટ આ શહેરો કેવી રીતે સર્જે છે અને સાથે-સાથે કેવી રીતે સજે-ધજે તે બહુ રસપ્રદ છે. તેથી આવતાં બે-ત્રણ હપ્તામાં ‘નગર ચરખા’માં બીજીંગને યાદ કરતા કરતા લંડનની લટાર અન્રે રીઓ ડી જાનેરોને દૂરથી સલામજો કે વચ્ચે થોડા નિસાસા નાખતા દિલ્હીમાં ડોકિયું.

બીજિંગ ઓલિમ્પિકને ચીનના આર્થિક વિકાસની સર્વોચ્ચતાની ઉજવણી સમાન ગણી શકાય તો લંડન ઓલિમ્પિક બ્રિટનની આર્થિક મંદીના કપરા કાળમાં યોજાઈ રહ્યો છે. આ પહેલા લંડનમાં ૧૯૦૮ અને ૧૯૪૮માં લંડનમાં ઓલિમ્પિક રમતો રમાઈ ચૂકી છે. ૧૯૦૮માં બ્રિટન વિશ્વની લગભગ અજેયબિન-હરીફ મહાસત્તા હતુંજ્યારે ૧૯૪૮માં બીજા વિશ્વયુધ્ધના વિજય પછી ઘાયલ બ્રિટને પોતાનો દબદબો જાળવી રાખેલો. ૨૦૧૨માં લંડનમાં એવી અપેક્ષા રખાય છે કે આર્થિક કટોકટીમાંથી બહાર નીકળવાની શરૂઆત આ ઓલિમ્પિક બને. લંડન અને બીજિંગ બંને બહુ અલગ શહેરો છે એટલે તેમની સીધી સરખામણી થઇ શકતી નથી. પણ બંને ઓલિમ્પિક વિશેના મારા અનુભવ પરથી કહું તો બીજિંગ અને લંડન વચ્ચે લગ્નની પહેલી તિથી અને પચ્ચીસમી તિથી વચ્ચે હોય તેવો ફરક છે. બંનેનું મહત્વ છેબંને શુભ પ્રસંગો છે પણ બંનેમાં ઉત્સાહ અને ખુશી અલગ-અલગ પ્રકારની હોય છે. એકમાં નવી શરૂઆતનો આનંદ હોય છે તો બીજામાં ક્યાંક પહોંચી શક્યાની મજા હોય છે. 

બીજિંગ અને લંડનમાં લટાર મારતા કે તેમની તૈયારીઓ વિષે વિચારતા અજાણતા દિલ્હીની કોમનવેલ્થ રમતો જોડે તેની સરખામણી થઇ જતી હતી. એવો સતત વિચાર આવ્યા કરતો હતો કે ભારતનું કોઈ શહેર ક્યારે ઓલિમ્પિક માટે યજમાન બનવાનું વિચારી શકશે. જો કે દિલ્હીની કોમનવેલ્થનો એવો બેવડ માર વાગ્યો છે કે એક-બે દાયકા સુધી તો કોઈ ભારતમાં ઓલિમ્પિક યોજવાનું નામ નહિ લે. વિચાર કરોદુનિયાની બે સૌથી મોટી અને લોકપ્રિય ઇવેન્ટ હોય છે ઓલિમ્પિક અને વર્લ્ડકપ ફૂટબોલ. પણ દુનિયાના છઠ્ઠા ભાગની વસ્તી ધરાવતો ભારત દેશ આ બંને ખેલ આયોજનોથી યોજનો દૂર! ઓલિમ્પિકના યજમાન બનવું તે કોઈ મહાનતાનું પરિમાણ નથી પણ આવાં વિશ્વકક્ષાના પ્રસંગ માટે વિશ્વકક્ષાનું માળખાકીય તંત્ર જોઈએશું તે ઉભું કરવા માટેની શક્તિ ભારતના કોઈ શહેર પાસે છે? શું આવી દૂરંદેશી કોઈ નેતા પાસે છે? આવતાં હપ્તે બીજિંગ 2008 વિષે વધુ. 

નવગુજરાત સમય, પાન નં 11, 20 જૂલાઈ (રવિવાર) 2014

Sunday, July 13, 2014

નગર ચરખો - 'બેટી બચાવો'થી બે ડગલાં આગળ વધીએ!


અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશને શહેરને ઘણાં સ્વીમીંગ પુલ આપ્યા છે, પશ્ચિમી વિસ્તારોમાં તો ખાસ! સારી વાત છે કે શહેરી સરકાર નાગરિકોના સ્વાસ્થ્યની દરકાર રાખે છે. એક મિનીટબધા જ નાગરિકોની નહિ પણ માત્ર પચાસ ટકા નાગરિકોની જ. કારણકે અત્યાર સુધી આ સ્વીમીંગ પુલો પુરુષોને જ સવાર-સાંજના અનુકુળ સમયની સવલતો આપતાં હતા. જો દીકરીઓ-બહેનોએ સ્વીમીંગ પુલનો ઉપયોગ કરવો હોય તો બપોરે એક થી ચાર જેવા વિચિત્ર સમયમાં જ સ્વીમીંગ કરવા આવવું પડે. બોલોકોને બપોરે તડકામાં સ્વીમીંગ કરવાનો શોખ થાયપણ સરકારી માન્યતા પ્રમાણે બહેનો તો બધી ગૃહિણી જ હોય ને એટલે તેમને આ સમય ચાલે, તડકો હોય તોય શું વાંધો? 

ખેરદીકરીઓ-બહેનોને સુવ્યવસ્થિત રીતે સ્વીમીંગપુલથી દૂર રાખતી આ નીતિમાં મ્યુનીસીપલ કોર્પોરેશને થોડો ફેરફાર કર્યો છે. પ્રયોગાત્મક ધોરણેછ મહિના માટે ત્રણ સ્વીમીંગપુલોમાં દીકરીઓ-બહેનો માટે સવારે સાડા આઠથી સવા નવ સુધીનો સમય અપાયો છે. ઘરકામ ઉપરાંત નોકરી કરતી કે માત્ર ઘરકામ કરતી કઈ બહેનોને સવારે સાડા આઠનો સમય અનુકુળ પડેએવું બને કે પુરતી સંખ્યામાં બહેનો ન આવે તો આ સવારનો સમય કેન્સલ થઇ જાય અને સ્વીમીંગ પુલમાં અનુકુળ સમયે સ્વીમીંગ કરવાની તક સ્ત્રીઓને ન મળે. સ્ત્રીઓને ક્યાંય પણ મળતાં અનામત વિષે જે પુરુષોને ફરિયાદ હોય તે જાણી લે કે સ્વીમીંગપુલ જેવી સ્વાસ્થ્ય સંબંધી સેવાઓમાં સવાર-સાંજના અનુકુળ સમયોમાં પુરુષોની એટલે કે પચાસ ટકા નાગરિકોની અનામત સો ટકા છે.  

આ મામલે તો પુરુષોએ આગળ આવીને કહેવું જોઇએ કે અઠવાડિયાનાં ત્રણ દિવસ તમે સ્વીમીંગ કરો અને બીજા ત્રણ દિવસ અમે કરીશું. કાં તો પછી સ્ત્રીઓ માટે અલાયદા સ્વીમીંગ પુલ વિકસાવો. અરે, સ્ત્રી-પુરુષો બંને માટે સ્વીમીંગ પુલોની સંખ્યા વધારો. એક બહેન કહે છે, મારી આખી પેઢીની મહિલાઓ સ્વીમીંગ શીખી નથી કારણકે હું નોકરી કરતી સ્ત્રી તરીકે મ્યુનીસીપલ સ્વીમીંગપુલમાં બપોરે જઈ નથી શકતી. હું એવી આશા રાખું કે મારી દીકરીની પેઢીને હવે મ્યુનીસીપલ સેવાઓ મેળવવાની સમાન તક મળે! સમાન હક છોડો, સમાન તક તો આપો. સ્વાસ્થ્ય સંબંધી સુવિધાઓની સ્ત્રીઓ-પુરુષો-બાળકો-વૃધ્ધો વચ્ચે સમાન રીતે વહેંચણી થાય તેવી વ્યવસ્થા સરકારે ઉભી કરવી જ જોઈએ.

કોઈ સામાન્ય નાગરિક હોય કે પેપ્સીની સીઈઓ ઈન્દ્રા નૂયી - ગમે તેટલી મોટી પોઝીશનમાં પણ પહોંચીને સ્ત્રીઓના હિસ્સામાં ફરજો વધુ આવે છે અને હક્કો ઓછા. આમ છતાંસ્ત્રીઓ કે વૃધ્ધોને ક્યાંક સ્વીમીંગપુલ જેવા સામાન્ય મુદ્ધે સમાન તક આપવાની વાત આવે તો કેટલાક સામાજિક ઠેકેદારોને અન્યાય’ લાગે છે. કોઈને થાંભલે બાંધીને પથ્થરો ફેંકીને મારી નાખતા કે સ્ત્રીઓને ડ્રાઈવિંગ ન કરવા દેતા સમાજોને આપણે પંદરમી સદીના ગણીએ છીએખરું નેતો પછી દીકરીઓને ગર્ભમાં જ મારી નાખતાં લોકો કઈ સદીના કહેવાયગુજરાતની એક કરુણ વાસ્તવિકતા એ છે કે કહેવાતાં શહેરીઆધુનિક,ભણેલાં-ગણેલાં વિસ્તારોમાં સ્ત્રી ભ્રુણ-હત્યા વધુ થાય છે અને કહેવાતાં ગરીબબેકવર્ડઆદિવાસીજંગલના વિસ્તારોમાં સ્ત્રીઓની સ્ત્રી ભ્રુણ-હત્યાનું પ્રમાણ ઘણું ઓછુ છે. તો વિચારો કોણ બેકવર્ડ અને કોણ ફોરવર્ડ?

જો કે ગુજરાતમાં છેલ્લા દસ વર્ષોમાં ભ્રુણ-હત્યાનું પ્રમાણ થોડું ઓછું થયું છે, સમાજ થોડો સુધર્યો છે. પણ આપણે લાંબી મજલ કાપવાની છે. હવે ‘બેટી બચાવો’થી બે ડગલાં આગળ જવાનું છે. શરૂઆત સ્ત્રીઓને પિતૃ સંપત્તિમાં હક આપીને કરીએ? એને સાચા અર્થમાં 'યુનિફોર્મ સિવિલ કોડકહેવાય. દહેજ-મામેરા પ્રથા બંધ કરવી જોઈએવર-વધૂ પક્ષે લગ્નનો ખર્ચો વહેંચી લેવો જોઈએસેક્સીસ્ટ જોક પર હસવાનું બંધ થવું જોઈએ. સમાજ તરીકે આપણે ઘણું કરવાની જરૂર છે. વાત અહીં સ્વીમીંગ માત્રની નથી. સ્વીમીંગ પુલની સમય અનુકુળતા એક ઉદાહરણ છે કે પશ્ચિમી અમદાવાદના ધનાઢ્ય વિસ્તારોમાંસ્વીમીંગ જેવી 'એલીટસરકારી સુવિધાઓમાં કેવી સુવ્યવસ્થિત રીતે એક વર્ગને ફાયદો થાય છે અને એક વર્ગને સતત નુકસાન. છતાંઆ અંગે ઘોર નિષ્ક્રિયતા અને અસંવેદનશીલતા છે. જો આપણે એકવીસમી સદીમાં જવું હોયઆપણી દીકરી-બહેનોને વિશ્વની બીજી મહિલાઓની સમકક્ષ ઉભી થાય તેવું ઈચ્છતા હોઈએ તો ઊંડી રીતે ઘર કરી ગયેલા સ્ત્રી-વિરોધી માનસને બદલવું પડશે. 

નવગુજરાત સમય, પાન નં 12, 13 જૂલાઈ (રવિવાર) 2014

Friday, July 04, 2014

નગર ચરખો - પેટ્રોલ-ડીઝલનાં ભભૂકતાં ભાવ સાથે આવતી કડવી દવા


ગયા હપ્તામાં આપણે ડો. હબર્ટ કિંગની વૈજ્ઞાનિક ભવિષ્યવાણી વિષે વાત કરી કે આવતાં પચાસ વર્ષમાં ઓઈલ ઉત્પાદન નાટ્યાત્મક રીતે ઘટશે. આજે જોઈએ કે પેટ્રોલ-ડીઝલ વધુને વધુ મોંઘા થવાનું કેમ નિશ્ચિત છે અને જો આવું થાય તો લાંબા ગાળાના આયોજન માટે શું કરવું જોઈએ. 

એક તો પેટ્રોલ-ડીઝલનાં ભાવોના મામલામાં વિશ્વની નથ ઝાલી રાખનાર ઓઈલ-નિકાસ કરતાં દેશોમાં ઓઈલનો કેટલો ભંડાર છે તે નક્કી કરવું બહુ મુશ્કેલ કામ છે. આ મામલે ઓઈલ-રીચ દેશો ‘વાંધો નહિ આવે’ એવું કહે રાખે છે, જેના પર વિશ્વાસ કરાય નહિ. બીજું કે, પૃથ્વીના પેટાળમાં ઓઈલ ભંડાર હોવો તે એક વાત છે પણ તે ઉત્પાદનલાયક ન પણ હોય. એવા પેટાળ ભંડારો હોય છે કે જેમાં ઓઈલનો ઉત્પાદન ખર્ચ એટલો બધો વધારે હોય છે કે તેનું ઉત્પાદન કરવાનો કોઈ અર્થ રહેતો નથી. કૈંક અંશે દરિયાના ખારા પાણીને મીઠા બનાવવાના પ્રોજેક્ટ જેવી વાત છે. વિશ્વમાં સરળ રીતે મળતાં બધા જ ઓઈલ અને ગેસને શોધી નાખવામાં આવ્યા છે. હવે જ્યાં બાકી છે ત્યાં અત્યંત પડકારજનક કામ-કાજની પરિસ્થિતિમાંથી ઓઈલ-ગેસ કાઢવાનાં છે. હવે સસ્તું અને સરળતાથી મળતા ઓઈલ-ગેસનો જમાનો ગયો. જે બાકી બચ્યા છે તે હવે મોંઘા ઓઈલ-ગેસ છે. 

આપણે એવી ઈચ્છા રાખીએ કે પેટ્રોલીયમ પેદાશો ખતમ થાય કે અત્યંત મોંઘી થઇ જાય તેના દસ-વીસ વર્ષ પહેલાં વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતો શોધાઈ જાય. સોલાર, હાઈડ્રોજન, બાયો-ફ્યુઅલ જેવા વિકલ્પોમાં પ્રયોગો થઇ રહ્યા છે પણ પરિણામો જોઈએ તેવા મળતાં નથી. અત્યારે વૈકલ્પિક ઉર્જા વધુ મોંઘી છે અને તેનો વ્યાપ્ત ઓછો છે. જ્યારે આપણે તો આખું જગત પેટ્રોલ-ડીઝલનાં મહત્તમ ઉપયોગની આસપાસ રચી રહ્યા છીએ. શહેરોમાં પહોળાં રસ્તા, ફ્લાય-ઓવર્સ, ઘર-ઓફિસમાં અમર્યાદિત ફ્રી-પાર્કિંગ અને સસ્તા પેટ્રોલની રાજકીય-સામાજિક માંગણીઓનો કોઈ અંત નથી. આવક વધવાની સાથે સાથે લોકો ઓછી એવરેજ ધરાવતાં વાહનો – બુલેટ, એસયુવી વગેરે વસાવતાં થયા છે. પૈસાનાં દેખાડાની લ્હાયમાં વાહનોના બેફામ, બેમર્યાદિત ઉપયોગનું ‘કાર કલ્ચર’ ઉભું થઇ રહ્યું છે.    

એક તો મોંઘા પેટ્રોલ-ડીઝલ અને ભારતે બધું જ બહારથી આયાત કરવાનું. જો કાચો માલ મોંઘા ભાવે આયાત કરવો પડતો હોય, તેના પર મજૂરી વધુ લાગે અને તે પરથી તૈયાર થતાં માલ પર નફો ઓછો હોય તો સમજદાર વેપારી શું કરે? કાં તો કાચા માલનો નવો વિકલ્પ શોધે અને એ ન બને તો પોતાની પ્રોડક્ટ બદલે. આપણે પેટ્રોલ-ડીઝલનાં મામલામાં આ જ કરવાનું છે. પેટ્રોલીયમ પર પરાવલંબન કેવી રીતે ઘટાડી શકાય તે જ સૌથી મોટો પડકાર છે, તેમાં શાણા વેપારીની જેમ વિચારવાનું છે.  

પેટ્રોલીયમ પરથી પરાવલંબન ઘટાડવું હોય તો એ વિચારવાની જરૂર છે કે શહેરોમાં સારી (એટલે કે વાપરવામાં શરમ ન આવે તેવી) જાહેર પરિવહન વ્યવસ્થા કેવી રીતે વિકસાવી શકાય. સહિયારી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થામાં પેટ્રોલ બચે જ. ચાલવાલાયક ફૂટપાથો અને સાઈકલ માટે રસ્તા બનાવી શકાય. સારી બાબત એ છે કે ભારતનું પેટ્રોલીયમનું વ્યસન હજી અમેરિકા જેવા ટર્મિનલ સ્ટેજમાં નથી. આપણાં શહેરોમાં હજુ સુધી ત્રીજા ભાગનો 'ટ્રાફિક' ચાલતા જતાં કે સાઈકલ ચલાવતાં (બિન યાંત્રિક) પરિવહનનો હોય છે, તેને થોડી જગ્યા આપીને તેમાં વધુ લોકોને જોડવા પ્રોત્સાહિત કરી શકાય. કાર કે અંગત વાહનનો ઉપયોગ સમજદારીથી કરી શકાય. એકલા કાર ચલાવનારા પર ભવિષ્યમાં કોઈ ટેક્સ લાગે તો નવાઈ ન પામતા! ફ્રી પાર્કિંગ અને સસ્તા પેટ્રોલ-ડીઝલની વાતો ભવિષ્યની પેઢીને વાર્તાઓ કહેવા માટે રાખવી પડે તે ભવિષ્યની પેઢીઓ માટે જરૂરી છે. વિવિધ ચીજ-વસ્તુઓ પર ટેક્સનું એવું માળખું ગોઠવવું પડે કે 'જે પ્રદુષિત કરે, જે વધુ ધુમાડા છોડે તે વધુ ટેક્સ ભરે'. ટૂંકમાં, આખું આર્થિક તંત્ર ડી-કાર્બનાઈઝ્ડ એટલે કાર્બન (ઉત્સર્જન) ઓછુ કરતુ હોય એવું ઉભું કરવું પડે. યુરોપના દેશો આ જ કરી રહ્યા છે. શું એવું લાગે છે કે પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાની સાથે આવતી આ દવા બહુ કડવી છે? તો વાંધો નહિ ચાદર લંબાવીને સૂઈ જાઓ. દસ વર્ષ પછી પેટ્રોલ જ્યારે બસ્સો રૂપિયે લીટર થાય ત્યારે આ જ દવા પીવાની છે!

નવગુજરાત સમય, પાન નં 11, 4 જૂલાઈ, 2014.