Thursday, May 31, 2012

પેટ્રોલનો લીટરદીઠ ભાવ દસ વર્ષમાં સો રૂપિયા જેટલો વધે તો?

આજે 'ભારત બંધ'ના દિવસે શહેરમાં બધું બંધ હોય તેવું બની શકે પણ મારું મગજ શૈતાનના કારખાનાની જેમ ચાલુ છે. આ પોસ્ટનું ટાઈટલ વાંચીને કદાચ કોઈને કડવું લાગે પણ છેલ્લા દસ વર્ષમાં પેટ્રોલનો ભાવ પચાસ રૂપિયા વધ્યો છે. તો પછી આવતા દસ વર્ષમાં પેટ્રોલનો ભાવ વધુ સો રૂપિયા નહિ વધી શકવાનું કારણ કંઈ ખરું? લાંબી ચોડી આંકડાબાજીની માથાકૂટમાં ન પડીએ તો ભારત એ ક્રુડ ઓઈલની આયાત કરતો દેશ છે કારણકે ભારતમાં ક્રુડ ઓઈલનું ખનનનું પ્રમાણ તેની માંગને પહોંચી વળવા સક્ષમ નથી. બીજું કે, ભારતમાં પેટ્રોલીયમ પેદાશોની માંગ કૂદકેને ભૂસકે વધી રહી છે અને જે વધુને વધુ વધવાની જ છે. રસ્તા પર વાહનો વધવાના જ છે ઘટવાના નથી. ભારતની વસ્તી વધવાની જ છે, ઘટવાની નથી. ટૂંકમાં, જે પેદાશની આયાત કરવામાં આવે, જેની માંગ વધારે હોય અને પુરવઠો પ્રમાણમાં ઓછો હોય તેના ભાવ સતત વધતા જ રહે તે સમજવા માટે અર્થશાસ્ત્રી હોવાની જરૂર નથી.
Oil fields in Belridge, California, USA, 2003. Photo: Edward Burtynsky
આ બધામાં પાછુ આંતરરાષ્ટ્રીય રાજકારણ પણ ભળે. જગત-જમાદાર હિલેરીબેન આવીને આપણને કહી જાય કે તમે પેલા અસામાજિક તત્વ જેવા ઈરાનની દુકાનમાંથી તેલ ખરીદવાનું બંધ કરો. એટલે આપણે પૂછીએ કે તો પછી બીજો કોઈ રસ્તો બતાવો. એટલે હિલેરીબેન તરત જ કહે કે, આપણું યુ.એ.ઈ. છેને! અસમાજીક્તાનો અંશ નહિને એકદમ કહ્યાગરું. ભાવ-તાલમાં જોવાનું નહિને તમને ડીસ્કાઉન્ટ પણ અપાવીશ. આ તો ક્રુડ ઓઇલના આંતર રાષ્ટ્રીય રાજકારણનું એક નાનું તાજેતરનું ઉદાહરણ થયું. ક્રુડ-ઓઇલે દુનિયાની સૌથી 'કીમતી' પેદાશનું સ્થાન લઇ લીધું છે, માત્ર આર્થીક રીતે જ નહિ પણ રાજકીય રીતે પણ. દેશોના વિકાસદર હવે પેટ્રોલીયમની ખપત પર આધારિત થઇ ગયા છે. ક્રુડ-ઓઈલના રાજકારણના લીધે યુધ્ધો થયા છે. સરકારો ઉથલાવવામાં આવી છે. રાજકીય હરીફોનો સફાયો કરવામાં આવ્યો છે. પેટ્રોલીયમ ખાતું સૌથી સમૃદ્ધ ખાતું હોય છે. ઓઈલ કંપનીઓ માલામાલ હોય છે અને તેના અધિકારીઓને બીજા સરકારી ખાતાઓ પણ ઈર્ષા કરે તેવી સવલતો-પગારો મળે છે. આજની દુનિયામાં જે ક્રુડ-ઓઈલ અને તેની બજારો પર સત્તા ધરાવે છે તે સૌથી શક્તિશાળી વ્યક્તિ, સંસ્થા કે સરકાર હોય છે. આ બધું છેલ્લા સો વર્ષમાં જ થયું છે. આપણે સમગ્ર દુનિયાની નિર્માણ ક્રુડ-ઓઈલની આસપાસ કરી દીધું છે. ક્રુડ-ઓઈલ ઉદ્યોગીકરણનો પાયો છે, શહેરીકરણની કરોડરજ્જૂ છે અને ખેતીને બજારો સાથે સાંકળતી છેલ્લી કડી છે. 
Exhausted old fields in Baku, Aizerbaijan, 2006. Photo: Edward Burtynsky.
હવે કોઈ એમ કહે કે સોરી બોસ, ઓઈલ ખલાસ, હોં! તમારી બે-પાંચ પેઢીઓએ વાપરીને પૂરું કરી લીધું. હવે બહુ ઓઈલ બચ્યું નથી. તમારા પૌત્રી-પૌત્રો કદાચ વિમાનમાં મુસાફરી નહિ કરી શકે. તો પછી સમગ્ર દુનિયા જેનું સર્જન ઓઈલની આસપાસ થયું છે તેનું શું થશે? હજી તો ભારત-ચીન જેવા વિશાલકાય દેશોમાં બહુમતી લોકોને પોતાની કાર ખરીદવાની બાકી છે અને વિમાનમાં બેસવાનું બાકી છે. આવું તો વળી થતું હોય? આ ટાઢા પહોરનું ગપ્પું છે કે તેની પાછળ કોઈ તર્ક પણ ખરો. ચાલો, તપાસ કરીએ. 
Old production in the US. Source: Wikipedia
 હ્યુસ્ટન-ટેક્સાસ સ્થિત અમેરિકી ભૂ-વૈજ્ઞાનિક ડો. મેરિયન કિંગ હબર્ટએ ૧૯૫૬માં એવું જાહેર કર્યું કે અમેરિકી પેટ્રોલીયમ ઉત્પાદનનો સૌથી ઉચ્ચ તબક્કો (peak period) ૧૯૬૦ના દાયકાના છેલ્લા વર્ષોમાં કે ૧૯૭૦ની શરૂઆતમાં આવશે. લોકોએ તેની હસી કાઢ્યો, તેની મશ્કરી કરી. ૧૯૭૦માં હબર્ટની વાત સાચી ઠરી. ૧૯૭૦માં અમેરિકી પેટ્રોલીયમ ઉત્પાદનનો સૌથી ઉચ્ચ તબક્કો (peak period) આવ્યો અને તે બાદ પેટ્રોલીયમ ઉત્પાદન અમેરિકામાં ઘટતું ચાલ્યું છે. એ નોંધવું રહ્યું કે ૧૯૭૦ના પછીના સમયમાં વિશ્વનું રાજકારણ ઘણે અંશે બદલાયું અને તેમાં અમેરિકાની ઓઈલની ઘરેલું માંગ ઘણે અંશે જવાબદાર હતી. હબર્ટની મહત્વની થીયરી એ હતી કે કોઈપણ ભૌગોલિક પ્રદેશમાં કે સમગ્ર વિશ્વમાં, એક ઓઈલ ફિલ્ડમાં કે અનેક ઓઈલ ફિલ્ડમાં, ઓઇલના ભંડારોના ઉત્પાદનના દરનો ગ્રાફ એ 'બેલ કર્વ'નું નિરૂપણ કરશે (નીચે દર્શાવ્યા મુજબ). એટલે કે શરૂઆતમાં સતત વૃદ્ધિ થાય, એક ઉચ્ચ તબક્કો (પીક) આવે અને જે દર પર વૃદ્ધિ થઇ હોય લગભગ તે જ દર પર ઉત્પાદનમાં કપાત થાય. આ વાત તેણે અનેક ઓઈલ ફિલ્ડ અને દેશોના અનુભવને આંકીને વૈજ્ઞાનિક રીતે સમજાવી. હબર્ટએ સમગ્ર વિશ્વના ઓઈલ ફિલ્ડ ભંડારો માટે પણ આ જ થીયરી આંકી છે. જે નીચે પ્રમાણેના ગ્રાફમાં દર્શાવી છે.
World Oil peak as predicted by Dr. Hubbart in 1956. Source: Wikipedia
હબર્ટની ગણિત-વિજ્ઞાન પર આધારિત ભવિષ્યવાણી બાદ નવા ઓઇલના ભંડારો મળ્યા કે ઓઈલ ઉત્પાદનની નવી ટેકનોલોજી વિકસી તે પ્રમાણે એ 'પીક પીરીયડ' ક્યારે આવે છે તે અંગે ઘણા મત-મતાંતર ચાલે છે. હબર્ટના કહેવા મુજબ માનવ-ઇતિહાસમાં ક્રુડ-ઓઇલના ઉત્પાદનનો સૌથી ઉચ્ચ તબક્કો વર્ષ ૧૯૯૫થી ૨૦૦૦માં પસાર થઇ ચૂક્યો છે. હબર્ટનું માનીએ તો વર્ષ ૨૦૫૦ સુધીમાં વિશ્વમાં ઓઈલનું ઉત્પાદન અત્યારના ઉત્પાદન કરતાં ત્રીજા ભાગ જેટલું ઘટી જશે. હબર્ટની પદ્ધતિનો ઉપયોગ કરીને અને નવા ડેટા પ્રમાણે ઘણા વૈજ્ઞાનિકો અને અર્થશાસ્ત્રીઓ એવું માને છે કે આ સમયગાળો વર્ષ ૨૦૦૫-૦૬નો છે. ઓઈલ કંપનીઓ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો અને જાણકારો સ્વાભાવિક રીતે જ આ વાતને સ્વીકારવા તૈયાર નથી અને તે લોકો એવું માને છે કે આવતા સો વર્ષ સુધી ઓઈલ ઉત્પાદનમાં 'વાંધો નહિ આવે'. જો કે કોઈ પણ વૈજ્ઞાનિક આજે છાતી ઠોકીને હબર્ટના 'બેલ કર્વ'ને ખોટો કહેવા તૈયાર નથી. સૌથી વધારે મત-મતાંતર પીક પીરીયડનું વર્ષ કયું મૂકીએ છીએ તે અંગે છે. એક વાત તો નક્કી છે કે મોટાભાગના વૈજ્ઞાનિકો, સરકારી વૈજ્ઞાનિક સંસ્થાઓ એ માનવા લાગી છે કે ક્રુડ ઓઇલના ઉત્પાદનનો ઉચ્ચ તબક્કો એટલે કે પીક પીરીયડ આપણી પાછળના વર્ષોમાં આવી ચૂક્યો છે, હવે આગળના વર્ષોમાં આવવાનો બાકી નથી. કેટલાક 'આશાવાદી' સૂરો માને છે એ આ સમયગાળો વર્ષ ૨૦૨૦ની આસપાસ રહેશે. ટૂંકમાં, આશા અને નિરાશા વચ્ચે પણ ૨૦-૩૦ વર્ષની બારી છે, સો-બસ્સો વર્ષની નહિ. ઓઈલ ઉત્પાદનનો પીક તબક્કો આજે આવે કે આવતીકાલે, એક વાત નક્કી છે કે આ જણસ વધુને વધુ મોંઘી થશે. ઓઇલના વેપારમાં વધુને વધુ લાલચ-લોભ ભળશે. છમકલાં કે યુધ્ધો થશે. વધુમાં, આપણી આગામી પેઢીઓને બીન-ઓઈલ યુગ માટે તૈયાર થવું પડશે.
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (વિવિધ સરકારોની બનેલી આંતર-રાષ્ટ્રીય ઉર્જા સંસ્થા) પ્રમાણે તેમણે આખી વાત થોડી અલગ રીતે મૂકી છે. તેમણે ઉપરના ગ્રાફમાં બતાવ્યું છે કે જે પરંપરાગત ઓઇલના સ્ત્રોત ગાયબ થવાના છે તે 'ભવિષ્યમાં વિકસીત થનારા' અને 'ભવિષ્યમાં શોધવાના' નવા સ્ત્રોતોની જગ્યા લેશે. અહીં એક વાત સમજવી જરૂરી છે. ઓઇલના મામલામાં (અને એ રીતે દરેક મામલામાં) વિશ્વની નથ ઝાલી રાખનાર ઓપેક (ઓઈલ-આયાત કરતાં ૧૨ દેશોનું સંગઠન) દેશોમાં ઓઈલનો કેટલો ભંડાર છે તે નક્કી કરવું બહુ મુશ્કેલ કામ છે. અહીં કૈંક એવી પરિસ્થિતિ છે કે ધારો કે તમારા આખા ગામને તમાકુનું વ્યસન છે. શું તમે ગામના મુખી તરીકે તમાકુના વેપારીને જઈને પૂછી શકો કે ભઈ, તારી પાસે કેટલું તમાકુ છે? તારી પાસે જે જથ્થો હોય તે પરથી અમને ખબર પડે કે તમાકુનું વ્યસન કરવું કે નહિ. તો તમને શું લાગે છે કે પેલો વેપારી શું જવાબ આપશે? એ તો એમ જ કહેશેને કે તમતમારે ઘસે રાખો, તમાકુની બાબતમાં 'વાંધો નહિ આવે'. આવું જ કૈંક ઓઇલના ભંડાર ધરાવતા દેશો કર્યે રાખે છે. મોટાભાગના વૈજ્ઞાનિકો માને છે કે ઓપેક દેશોએ પોતાના ઓઈલ ભંડારોનો અંદાજ વધારે પડતો લગાવ્યો છે. ૧૯૮૦-૯૦ના ગાળામાં તો લગભગ દરેક દેશોએ પોતાના ઓઈલ ભંડારોના અંદાજમાં કોઈ નવા ઓઈલ ફિલ્ડ શોધાયા ન હોવા છતાં પણ રાતોરાત વૃદ્ધિ કરી હતી. 
US cities are addicted to the Oil products. Pennsylvania, USA, 2008. Photo: Edward Burtynsky
બીજું કે, પૃથ્વીના પેટાળમાં ઓઈલ ભંડાર હોવો તે એક વાત છે અને તે ઉત્પાદનલાયક હોય તે તદ્દન બીજી બાબત છે. એવા ઘણા પેટાળ ભંડારો હોય છે કે જેમાં ઓઈલનો ઉત્પાદન ખર્ચ એટલો બધો વધારે હોય છે કે તેનું ઉત્પાંદન કરવાનો કોઈ અર્થ સરતો નથી. કૈંક અંશે દરિયાના ખારા પાણીને મીઠા બનાવવાના પ્રોજેક્ટ જેવી વાત છે. ઘણીવાર તો આ ભંડારોને ઉત્પાદનના સ્તરે લઇ જવાય તે પહેલા જ તેમાં મસમોટું રોકાણ માળખાકીય સુવિધા અને ટેકનોલોજી વગેરેમાં કરવું પડે છે. આ પ્રકારના પેટાળ ભંડારોમાં દરિયાની વચ્ચે આવેલા ઓઈલ પેટાળ-ભંડારો સૌથી વધુ આવે છે, જેને ઓફ-શોર ડ્રીલીંગ કહે છે. યાદ છે ને કે બ્રિટીશ પેટ્રોલીયમએ મેક્સિકોની ખાડીમાં ઓફ-શોર ડ્રીલીંગ વખતે કરેલા બખેડામાં જે ઓઈલ સ્પીલ થયેલું તેણે સાફ કરતાં-કરતાં ઓબામા સરકારની આંખે પાણી આવેલા અને પર્યાવરણ-પ્રાણીસૃષ્ટિને નુકસાન થયું હતું તે અલગ. ઓપેક દેશોએ ઓઈલ ભંડારની વ્યાખ્યા 'ઉત્પાદન માટે તૈયાર ઓઈલ ભંડાર' એવી રીતે નથી કરી. તેથી જ વર્ષ ૨૦૦૫માં વિશ્વની વિરાટકાય ઓઈલ કંપની એક્સોન-મોબીલના પ્રવક્તાએ સત્તાવાર રીતે જાણાવ્યું હતું કે, "વિશ્વમાં સરળ રીતે મળતાં બધા જ ઓઈલ અને ગેસને શોધી નાખવામાં આવ્યા છે. હવે જે બાકી છે તે સખ્ખત મહેનતનું કામ છે કે જ્યાં અત્યંત પડકારજનક કામ-કાજની પરિસ્થિતિ અને પર્યાવરણમાંથી ઓઈલ-ગેસ શોધવાના છે અને ઉત્પાદિત કરવાના છે". બીજા શબ્દોમાં કહીએ તો હવે સસ્તું અને સરળતાથી મળતા ઓઈલ-ગેસનો જમાનો ગયો. જે છે તે હવે મોંઘા ઓઈલ-ગેસ છે.
Oil refinery in Oakville, Ontario, Canada, 1999. Photo: Edward Burtynsky

આ સાથે-સાથે બીજો એક પડકાર ક્લાઈમેટ ચેન્જ ઉર્ફ હવામાનમાં ફેરફારનો તો ખરો જ. ૨૦૫૦ના વર્ષ સુધીમાં એક બીજું અગત્યનું ટાર્ગેટ વિશ્વ પાસે છે. અત્યારે વિશ્વની મોટાભાગની સરકારો, વૈજ્ઞાનિકો વગેરે વર્ષ ૨૦૫૦ સુધીમાં હવામાનના ફેરફારને બે ડીગ્રી સુધી નિયંત્રિત કે સ્થિર કરવાનું બીડું ઝડપ્યું છે. આ અંગેની જાડી સમજણ મુજબ વિશ્વનું સમગ્ર કાર્બન ઉત્સર્જન અત્યારના લેવલ કરતાં અડધું કરવું પડે. તે માટે ઔદ્યોગિક નીતિઓ, ખેતીની ટેકનોલોજી, માલ-સામાન અને મુસાફરોના પરિવહનમાં ભારે ફેરફારો કરવા પડે. વિવિધ ચીજ-વસ્તુઓ પર ટેક્સનું એવું માળખું ગોઠવવું પડે કે 'જે પ્રદુષિત કરે તે વધુ ટેક્સ ભરે'. બીજા વિકસિત દેશોએ તેમના દેશની મોટાભાગની સિસ્ટમ્સ બદલાવી પડે જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશોને પોતાના વિકાસદરના ભોગે આ બધું કરવું પડે. પણ બીજી રીતે જોઈએ તો પર્યાવરણની રીતે યોગ્ય ટેકનોલોજી અને સિસ્ટમનો ઉપયોગ અત્યારથી જ ભારતમાં શરુ કરવામાં આવે તો ભવિષ્યમાં ઓછા પડકારો સહન કરવા પડશે. આ પ્રકારના તંત્રમાં પેટ્રોલીયમ પેદાશોનો ઉપયોગ કરનાર વધુ ટેક્સ ભરે તેવું કૈંક તંત્ર ગોઠવાવું જોઈએ. આ સાથે જ ઓટોમોબાઈલ સેકટરને મળતા લાભ ઓછા થવા જોઈએ, સસ્તી વાહન લોનો મોંઘી થવી જોઈએ. આખું આર્થિક તંત્ર ડી-કાર્બનાઈઝ્ડ એટલે કાર્બન (ઉત્સર્જન) પર પરાવલંબી ન હોય તેવું કરવું પડશે.

તો કહો ચતુર-સુજાણ આવી વૈશ્વિક પરિસ્થતિમાં આવતા દસ વર્ષમાં લીટરદીઠ પેટ્રોલમાં સો રૂપિયાનો વધારો ઓછો લાગે છે કે વધારે? મારે-તમારે અને ભારત દેશે પેટ્રોલીયમ પેદાશોના વધતા ભાવ માટે તૈયાર રહેવું પડશે. અત્યંત આશાવાદી પરિસ્થિતિમાં એવું ધારી લઈએ કે પેટ્રોલીયમ પેદાશો ખતમ થાય કે અત્યંત મોંઘી થાય તેના દસ-વીસ વર્ષ પહેલાં વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતો શોધાઈ જાય. અત્યારની પરિસ્થિતિ બહુ આશાસ્પદ નથી. સોલાર, હાઈડ્રોજન, બાયો ફ્યુઅલ જેવા વિકલ્પોમાં પ્રયોગો થઇ રહ્યા છે પણ પરિણામો જોઈએ તેવા આવી રહ્યા નથી. અત્યારે વૈકલ્પિક ઉર્જા વધુ મોંઘી છે અને આપણે આખું જગત ઓઈલની આસપાસ રચી રહ્યા છીએ. શહેરોમાં ફ્લાય-ઓવર્સ, ઘર-ઓફિસમાં પાર્કિંગ અને સસ્તા પેટ્રોલની રાજકીય માંગણીઓનો કોઈ અંત નથી.
Parking lot in the VW car factory in Shanghai, China, 2005. Photo: Edward Burtynsky.
આજે ભારત બંધની જરૂર નથી પણ આપણે કેવી રાજકીય માંગણીઓ કરીએ તે ધરમૂળથી બદલાવાની જરૂર છે. આજે ભારતે એ વિચારવાની જરૂર છે કે સારી જાહેર પરિવહન વ્યવસ્થા કેવી રીતે વિકસાવી શકાય. ચાલવાલાયક ફૂટપાથો અને સાઈકલ માટે રસ્તા કેવી રીતે બનાવી શકાય. આ બધું કરીને પેટ્રોલીયમ પર પરાવલંબન કેવી રીતે ઘટાડી શકાય. સારી બાબત એ છે કે ભારતનું ક્રુડ-ઓઈલનું વ્યસન હજી અમેરિકા જેવા ટર્મિનલ સ્ટેજમાં નથી. આપણાં શહેરોમાં હજુ સુધી ત્રીજા ભાગનો 'ટ્રાફિક' ચાલતા જતાં કે સાઈકલ ચલાવતાં (બિન યાંત્રિક) પરિવહનનો હોય છે, તેણે થોડી જગ્યા આપીને વધુ લોકોને તેમાં જોડવા પ્રોત્સાહિત કરી શકાય. કાર કે અંગત વાહનનો ઉપયોગ સમજદારીથી કરી શકાય. એકલા હોવ તો ચાલતાં કે સાઈકલ, બેકલાં હોવ તો ટુ-વ્હીલર, ત્રણ જણ માટે રીક્ષા અને ચાર-પાંચ-છ માટે કારનો ઉપયોગ વ્યાજબી કહેવાય. એકલા કાર ચલાવનારા પર ભવિષ્યમાં કોઈ ટેક્સ લાગે તો નવાઈ ન પામતા! ફ્રી પાર્કિંગ અને સસ્તા પેટ્રોલ-ડીઝલની વાતો ભવિષ્યની પેઢીને વાર્તાઓ કહેવા માટે રાખવી પડે તે ભવિષ્યની પેઢીઓ માટે જ મહત્વનું છે. ભવિષ્યની પેઢી માટે આપણે અંગત સંપત્તિની સાથે-સાથે કુદરતી વારસો જાળવવાની દરકાર લેતાં થઈશું ત્યારે જ કદાચ તેઓ આપણને 'માણસમાં' ગણશે.
Chittagong shipbreaking yard, Bangladesh, 2001. Photo: Edward Burtynsky
નોંધ: આ બ્લોગપોસ્ટ માં ઉપયોગમાં લેવાલેલા મોટાભાગના સુંદર ફોટોગ્રાફ્સ એડ વર્ડ બર્ટીન્સ્કી નામના ફોટોગ્રાફરના છે. તેની વેબ્સાઈટ પર વધુ સુંદર ફોટોગ્રાફ્સ છે: http://www.edwardburtynsky.com/

Sunday, May 13, 2012

મંટોને થોડો ખુલ્લો, થોડો બંધ પત્ર...

ભાઈ મંટો, 
અમને વાર્તા અને હકીકતની ભેળસેળ કરવાની આદત છે. તારી કહેલી વાર્તાને કલ્પના જ માનીએ તો સહેલું લાગે છે, નહિ તો પછી બહુ અઘરું થઇ પડે છે. આવું બધું તો સમાજમાં થતું હોય? કેવું ગંદુ-ગોબરું-છીછરું... અને તેના વિષે વાર્તાઓ લખવાની! પાછું આવું બધું લખીને તારે ગલગલીયાં પણ નથી કરાવવા? જો તું ગલગલીયાં કરાવવાના ધંધામાં હોત તો તને 'આધુનિક' કે 'ફોરવર્ડ' માનીને એમ કહી શકાય કે તને ખરેખર વાચકોની પલ્સ ખબર છે. પણ તું તો સમાજની પલ્સ પકડીને તેનું હેલ્થ બુલેટીન લખવાની જદ્દોજહદ કરી રહ્યો છે. એ તો ખોટનો ધંધો છે. આપણે ત્યાં સાહિત્ય, ફિલ્મો, તમાશા, રીયાલીટી શો વગેરે સમાજનું હેલ્થ બુલેટીન ન વાંચવું પડે તે માટે ભાગી છૂટવાના ઉત્તમ રસ્તાઓ છે. અમે ભાગેડુ પ્રજા છીએ અને અમને વાર્તા અને હકીકતની ભેળસેળ કરવાની આદત છે. તેમાંથી અમે મોટા-મોટા ઉદ્યોગો ઉભા કર્યા છે. આવા ઉદ્યોગો વગર વિકાસ શક્ય નથી તેની તને ખબર હોવી જોઈએ. એટલે તારી વાર્તાઓ થોડી કેફી બનાવ કે જેમાં સ્વપ્નસૃષ્ટિ સરી આવે. આ નગ્ન હકીકતો પચતી નથી. 

કોઈકે પૂછ્યું કે મંટો તો પાકિસ્તાની લેખક હતો, નહિ? તું માત્ર 'પાકિસ્તાની' છે તે આરોપસર અમે તને ન પણ ગમાડીએ. જોયું, કેવી તરત તારી વ્યાપકતા છીનવાઈ ગઈ અને તને એક હિસ્સામાં પૂરી દેવામાં આવ્યો. થોડી રાહ જોશે તો પછી 'ઉર્દૂ લેખક' હોવાનું છોગું પણ આવશે. 'તમે ક્યાંના' અને 'તમે કેવા' એ કેટલા ધારદાર પ્રશ્નો છે! ભલેને પછી તે તારું મોટા ભાગનું જીવન એવા દેશમાં વિતાવ્યું હોય કે જેના બે ભાગ પડશે તેની તે દેશને પણ ખબર નહોતી. તું ભલે એમ માનતો હોય કે તું ટોબા ટેકસિંહની જેમ બે સરહદો વચ્ચેના 'નો મેન્સ લેન્ડ'માં દફન થઇ ગયો હોઈશ, પણ અમે તો તારા ગળે દેશ, પ્રાંત, ભાષા, જાતિ, ધર્મનો ગાળિયો પહેરાવીને જ રહીશું. કેમ અમે નથી પહેરતા આવા ગાળિયા? તું શું જન્નતથી ઉતરીને આવે છે? જેવી રાજકારણની જરૂરત અને ગર્વથી ગાળીયા પહેરવાવાળાની ગરજ, એ મુજબ ધીરે-ધીરે ગાળિયો પહેરાવાય અને પછી ભીંસાય. હવે તું ગાળિયાને ગાળિયો કહે અને ભીંસાવાને ભીંસાવું કહે તે કેમ ચાલે? કેટલાક લોકો તો પોતાના ગાળીયાને શણગારે, સવાર-સાંજ આરતી કરેને એને ફૂલ ચઢાવે. બીજાનો ગાળિયો કેવો કદરૂપો છે, તેની ચર્ચામાં સમય પસાર કરે. આટલી મહેનત કરીને ધીરે-ધીરે ભૂલી જાય કે આ ગાળિયો છે. તે તું પાછો તેમને અરીસા બતાવે તે કેમ ચાલે? 

તું કોઈ વિચારધારાનું કે રાજકીય પક્ષનું પૂંછડું પકડીને ય બેઠો નથી હોતો. ગળામાં ગાળિયો અને હાથમાં પૂંછડું એ સમકાલીન વ્યવહારુપણાની નિશાની છે. પૂંછડાને પંપાળવું પડે, રમાડવું પડે અને જરૂર પડે તો ધાવવું પડે. ક્યારેક પૂંછડું ગળાના ગાળીયાનું રિપ્લેસમેન્ટ હોય છે. આ પૂંછડાઓની દર પાંચ વર્ષે સ્પર્ધા થતી હોય છે અને ત્યારે ખબર પડે છે કે દરેક પૂંછડા જોડે જોડાયેલું એક જાનવર હોય છે. તે કેમ આ જાનવર જેવું રાખ્યું નથી? જો પૂંછડું પકડ્યું હોત તો તારા પર અશ્લીલતાના કેસ થયા ત્યારે પેલું જાનવર કેટલું કામમાં આવ્યું હોત. આમ કોઈને કેસ કરવા પડે તેવું લખાય? અને લખાઈ ગયું તો કંઈ નહિ પણ એવા કોન્ટેક્ટ હોવા જોઈએ કે કેસ થાય તોય કંઈ તકલીફ ન પડે. કેમ... તું નાનો હતો ત્યારથી કોઈએ શીખવાડ્યું નહોતું કે બધે ઓળખાણ રાખવાની, બધું સાચેસાચું નહિ કહી દેવાનું અને 'હા-જી-હા' કરતાં શીખવાનું વગેરે. મૂળ પાયો જ કાચો લાગે છે તારો. 

 તું શહેરનો કચરો ઉચેલતો હોય તેમ ખરાબ ચરિત્રના પાત્રો ક્યાંથી ગોતી લાવે છે? તને આધ્યાત્મિક વાતો કરતા નથી આવડતું કે 'પાવર ઓફ પોઝીટીવ થીંકીંગ' વિષે તને બહુ ખબર નથી લાગતી. લાગણીના સંબંધો, સબંધોનું આકાશ, આકાશમાં આનંદયાત્રા, યાત્રામાં પાંગરતો પ્રેમ, પ્રેમકૂંપળ પર ઝાકળ, ઝાકળની ભીની સુગંધ, સુગંધોનો દરિયો, દરિયાની છાલકમાં હિલોળે ચડતું જોબન, માનવમનની ભરતી-ઓટ, તેમાં સરી જતા રેતીના કિલ્લા, દિલના દરવાજે દસ્તક - કેટકેટલું લખવા માટે છે આ દુનિયામાં. તો કેમ તને લખવા માટે સકીના, સુગંધી, ઈશરસિંઘ, બિમલા જેવા જ મળે છે? ક્યારેક તો સારા માણસો વિષે લખ. આટલું બરછટ લખવાની જરૂર શું છે? થોડું પોઝીટીવ વિચારવામાં શું તકલીફ પડે? બહુ સહેલું છે. થોડો ટ્રાય કર... સંબંધોના કાર્ડિયોગ્રામ કાઢ, વિચારોના નિંદામણ કર, પ્રેરણાના ઝરણાંમાં છબછબીયાં કર. આજકાલ આવું જ ખપે છે. તું પાછો કહેશે કે 'હું જે ખપે તે માલ રાખનાર કરિયાણાનો વેપારી નથી, લેખક છું.' સો વર્ષ થયા હવે તો થોડો પ્રેક્ટીકલ બન... જો તને લખતાં તો આવડે જ છે. બસ, એને થોડું સુવાળું કરવાની જરૂર છે. બીભત્સ રસ પર થોડો મેકઅપ છાંટે તો શૃંગાર રસ બની જાય. 'વાસના'ની જગ્યા 'લાસ્ય' લઇ લે. પછી જો લોકો તારી જન્મશતાબ્દી કેવી ધૂમધામથી ઉજવશે!

છેલ્લે એક વાત તો કહે... તારી વાર્તામાં વાંચ્યું કે કબીર નામનો કોઈ શખ્સ રડતો હોય છે - દેખ કબીર રોયા. એટલે કોઈ કબીર પાકિસ્તાનમાં ય છે? આવો એક કબીર અમારે ત્યાં પણ છે? પાકિસ્તાનમાં હશે તો મુસલમાન હશે... નહિ? પણ અમારે ત્યાં તો મોટેભાગે હિંદુ જ છે... કદાચ. તો પછી આ બંને એક વ્યક્તિ કેવી રીતે કહેવાય? જરા ટાઈમ મળે તો ખુલાસો કરજે ને...

થોડું કહ્યું છે, ઘણું સમજી લેજે.

લિ.
તને બહુ વાંચી નહિ શકતો એક વાચક. (પાકિસ્તાનસ્થિત સર્જક મહંમદ હનીફે 'Our case againgst Manto' નામનો લેખ હેરાલ્ડમાં પ્રકાશિત કર્યો છે. આ લેખ વાંચ્યા બાદ તાત્કાલિક આ લખવાનું મન થયું. હનીફે તેના સમકાલીન દેશ-સમાજની પરિસ્થિતિમાં મંટોને યાદ કર્યો છે. મેં મારી આસપાસના પ્રવાહો જોઇને મંટોને યાદ કર્યો છે...પણ આપણી હનીફ જેવી કક્ષા નહિ!)