Saturday, June 28, 2014

નગર ચરખો - વિશ્વને ઈરાકના લોકોની નહિ ક્રૂડઓઈલની ચિંતા છે


છેલ્લા પચ્ચીસ વર્ષથી જયારે ઈરાકમાં યુદ્ધ કે ગૃહ-યુદ્ધ ચાલુ થાય છે ત્યારે અંતર-રાષ્ટ્રીય રાજકારણમાં ભૂકંપ આવે છે. દુનિયાને ઈરાકના સામાન્ય નાગરિકની નહિ પણ તેના પેટાળમાં રહેલા ક્રૂડ-ઓઈલની ચિંતા છે. આ ક્રૂડ-ઓઇલમાંથી પેટ્રોલ, ડીઝલ અને વિમાન માટે ગેસોલીન બને છે એટલે ક્રૂડ-ઓઇલે દુનિયાની સૌથી 'કીમતી' પેદાશનું સ્થાન લઇ લીધું છે. દેશોના વિકાસદર હવે પેટ્રોલીયમની ખપત પર આધારિત થઇ ગયા છે. ક્રૂડ-ઓઈલના રાજકારણના લીધે યુધ્ધો થયા છે. સરકારો ઉથલાવવામાં આવી છે. રાજકીય હરીફોનો સફાયો કરવામાં આવ્યો છે. પેટ્રોલીયમ ખાતું ખાધે-પીધે સુખી હોય છે. ઓઈલ કંપનીઓ માલામાલ હોય છે અને તેના અધિકારીઓને બીજા સરકારી ખાતાઓ ઈર્ષા કરે તેવા પગારો કે સવલતો મેળવે છે. આજની દુનિયામાં જે ક્રૂડ-ઓઈલ અને તેની બજારો પર સત્તા ધરાવે છે તે સૌથી શક્તિશાળી વ્યક્તિ, સંસ્થા કે સરકાર હોય છે. આ બધું છેલ્લા સો વર્ષમાં જ થયું છે. આપણે સમગ્ર દુનિયાની નિર્માણ ક્રૂડ-ઓઈલની આસપાસ કરી દીધું છે. ક્રૂડ-ઓઈલ ઉદ્યોગીકરણનો પાયો છે, શહેરીકરણની કરોડરજ્જૂ છે અને ખેતીને બજારો સાથે સાંકળતી છેલ્લી કડી છે. દુનિયા હવે ક્રૂડ ઓઈલની બંધાણી છે. 

ક્રૂડ-ઓઈલ એક જાતનું ખનીજ છે. તે પૃથ્વીના પેટાળમાં નિયત સંખ્યામાં છે, જેમાં કુદરતી વધારો બહુ ઝડપથી થતો નથી. હવે કોઈ એમ કહે કે સોરી બોસ, ઓઈલ ખલાસ, હોં! તમારી બે-પાંચ પેઢીઓએ વાપરીને પૂરું કરી લીધું. હવે બહુ ઓઈલ બચ્યું નથી. તમારા પૌત્રી-પૌત્રો કદાચ વિમાનમાં મુસાફરી નહિ કરી શકે. તો પછી સમગ્ર દુનિયા જેની આધુનિકતા ઓઈલની આસપાસ વિકસી છે તેનું શું થશે? હજી તો ભારત-ચીન જેવા વિશાલકાય દેશોમાં બહુમતી લોકોને પોતાની કાર ખરીદવાની બાકી છે અને વિમાનમાં બેસવાનું બાકી છે. આ ટાઢા પહોરનું ગપ્પું છે કે તેની પાછળ કોઈ તર્ક પણ ખરો? 

અમેરિકી ભૂ-વૈજ્ઞાનિક ડો. મેરિયન કિંગ હબર્ટએ ૧૯૫૬માં એવું જાહેર કરેલું કે અમેરિકી પેટ્રોલીયમ ઉત્પાદનનો સૌથી ઉચ્ચ તબક્કો (peak period) ૧૯૬૦ના દાયકાના છેલ્લા વર્ષોમાં કે ૧૯૭૦ની શરૂઆતમાં આવશે. લોકોએ એ વખતે તેને હસી કાઢેલો પણ ૧૯૭૦માં હબર્ટની વાત સાચી ઠરી. ૧૯૭૦માં અમેરિકી પેટ્રોલીયમ ઉત્પાદનનો સૌથી ઉચ્ચ તબક્કો (peak period) આવ્યો અને તે બાદ પેટ્રોલીયમ ઉત્પાદન અમેરિકામાં ઘટતું ચાલ્યું છે. ૧૯૭૦ના પછીના સમયમાં વિશ્વનું રાજકારણ ઘણે અંશે બદલાયું અને તેમાં અમેરિકાની ઓઈલની ઘરેલું માંગ ઘણે અંશે જવાબદાર હતી. હબર્ટની મહત્વની થીયરી એ હતી કે કોઈપણ ભૌગોલિક પ્રદેશમાં કે સમગ્ર વિશ્વમાં, ઓઇલના ભંડારોના ઉત્પાદનમાં શરૂઆતમાં સતત વૃદ્ધિ થાય, એક ઉચ્ચ તબક્કો (પીક) આવે અને જે દર પર વૃદ્ધિ થઇ હોય લગભગ તે જ દર પર ઉત્પાદનમાં કપાત થાય. આ વાત તેણે અનેક ઓઈલ ફિલ્ડસ અને દેશોના અનુભવને આંકીને વૈજ્ઞાનિક રીતે સમજાવી છે. 

હબર્ટની થીયરી મુજબ માનવ-ઇતિહાસમાં ક્રૂડ-ઓઇલના ઉત્પાદનનો સૌથી ઉચ્ચ તબક્કો વર્ષ ૧૯૯૫થી ૨૦૦૦માં પસાર થઇ ચૂક્યો છે. હબર્ટનું માનીએ તો વર્ષ ૨૦૫૦ સુધીમાં વિશ્વમાં ઓઈલનું ઉત્પાદન અત્યારના ઉત્પાદન કરતાં ત્રીજા ભાગ જેટલું ઘટી જશે. ઓઈલ કંપનીઓ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો-જાણકારો સ્વાભાવિક રીતે જ આ વાતને સ્વીકારવા તૈયાર નથી. તે લોકો એવું માને છે કે આવતા સો વર્ષ સુધી ઓઈલ ઉત્પાદનમાં 'વાંધો નહિ આવે'. પણ ઘણાં તટસ્થ વૈજ્ઞાનિકો, સરકારી વૈજ્ઞાનિક સંસ્થાઓ એ માનવા લાગી છે કે ક્રૂડ ઓઇલના ઉત્પાદનનો ઉચ્ચ તબક્કો એટલે કે પીક પીરીયડ આપણી પાછળના વર્ષોમાં આવી ચૂક્યો છે. એટલે કે આવતાં પચાસ વર્ષમાં (૨૦૬૦-૭૦ સુધીમાં) ઓઈલ ઉત્પાદન નાટ્યાત્મક રીતે ઘટશે. ઉત્પાદનનો પીક તબક્કો આજે આવે કે આવતીકાલે, એક વાત નક્કી છે કે આ જણસ વધુને વધુ મોંઘી થશે. ઓઇલના વેપારમાં વધુને વધુ લાલચ-લોભ ભળશે. છમકલાં કે યુધ્ધો થશે. આપણી આગામી પેઢીઓને બીન-ઓઈલ યુગ માટે તૈયાર થવું પડશે. આગામી સદીમાં આપણે ઉર્જાના નવા સ્ત્રોત શોધવા પડશે અને ક્રૂડ-ઓઈલની આસપાસ વિકસેલી શહેરી વ્યવસ્થા નવેસરથી વિચારવી પડશે. ટૂંકમાં, માનવજાતે ક્રૂડ-ઓઈલનું બંધાણ છોડીને પોતાની જાતને ‘રીહેબીલીટેટ’ કરવી પડશે.

નવગુજરાત સમય, પાન નં 11, 28 જૂન, 2014.

Friday, June 20, 2014

નગર ચરખો - શહેરનાં રસ્તા એટલે અલગારી આનંદનું સરનામું


દુનિયાના દરેક સુંદર શહેરો એવા હોય છે કે જ્યાં સૌને અલગારી રખડપટ્ટી કરવાની મજા આવે. આવા શહેરોમાં રસ્તાની વ્યાખ્યા જ અલગ રીતે કરવામાં આવે છે. પેરિસમાં જે બુલેવાર્દ છે,  તે ન્યુયોર્કમાં એવન્યુ બની જાય છેક્યાંક પ્રોમેનાડ તો ક્યાંક પાર્ક-વે બની જાય છે. ક્યાંક પરેડ તોય ક્યાંક એસ્પલેનાડક્યાંક સ્ટ્રીટ તો ક્યાંક પાથ-વે. ટૂંકમાં, રસ્તો એટલે લીલોતરી, રસ્તો એટલે જોવાલાયક સ્થળ, રસ્તા એટલે શહેરની યાદગીરી. જ્યાં બધાને જવું ગમે. વાહનવાળા પણ તેમના વાહનો દૂર મૂકીને ચાલવા આવે. ઉલ્લાસનું વાતાવરણ હોયગાડીમાં બેસીને જ ખાવાનો કોઈ આગ્રહ ન રાખવું હોય. લીલાછમપહોળાચાલવા-લાયક રસ્તા કે જ્યાં માણસોનું પ્રભુત્વ હોયવાહનોનું નહિ. બાળકો ટ્રાફિકના ભય વગર રમી શકે અને વડીલો શાંતિથી બેસી શકે કે રસ્તો ક્રોસ કરી શકે. જ્યાં ફૂટપાથ પર ફેલાયેલા કેફેને 'દબાણન ગણવામાં આવે. શું આપણે જ્યારે ગૌરવ પથવિકાસ માર્ગ વગેરે આપણાં શહેરોમાં બનાવીએ છીએ ત્યારે આવા સુંદર રસ્તાઓનો વિચાર કેમ નથી થતો.  ગુજરાતમાં મ્યુનીસીપલ કોર્પોરેશનોના એક વર્ષના જ બજેટમાં કરોડો રૂપિયા રોડ અને બ્રીજ વગેરે માટે ખર્ચવાના છે. તમને શું લાગે છેતેમાંથી કેટલા કરોડ રૂપિયાનાં લીલાંછમ રસ્તા બનશે કે જે પસાર થવાની જગ્યા નહિ પણ જોવાલાયક સ્થળ બને

હાઈવે જેવા રસ્તાઓ જ શહેરની વચ્ચોવચથી પસાર થતાં કેમ કલ્પવામાં આવે છેહાઈવેનો હેતુ અલગ છે અને શહેરી રસ્તાઓનો હેતુ અલગ છે. શહેરી રસ્તાઓ લોકોને ગંતવ્યસ્થાને પહોંચાડવા સિવાય શહેરનો અનુભવ કરાવવા અને શહેરમાં રહેવાનું-ચાલવાનું મન થાય તેવા હોવા જોઈએ. શહેરી રસ્તાની ડીઝાઈન અલગ હોયઅહીં સ્પીડ નહિ પણ એકધારી ધીમી પણ મક્કમ ગતિએ વહેવું અગત્યનું છે. થોડા પહોળા રસ્તા પર હાઈ સ્પીડ અને પછી ટ્રાફિક જામ એ સારું પ્લાનિંગ ન કહેવાય. શહેરી રસ્તા માટે સ્પીડ મહત્વની નથીપહોંચવું અગત્યનું છે - ટ્રાફિકના પ્લાનિંગનો આ જ મૂળ મંત્ર છે. આ મંત્ર વાપરીને કરેલી રસ્તાની ડીઝાઈનમાં બધાનો સમાવેશ થાય છે. જો દરેક વપરાશકરને પોતાની વ્યવસ્થિત જગ્યા મળે તો વાહનચાલકોને બીજા વાહન સિવાય બીજો કોઈ ટ્રાફિક કે ધીમી ગતિની 'અડચણો'  નથી અને એકંદરે સૌનો ફાયદો થાય તેમ છે.

ભારતના મોટાભાગના શહેરોમાં રસ્તાની ડીઝાઈન બનાવતી વખતે માત્ર વાહનોને જ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે ભલે 60મીટર પહોળો રસ્તો હોય કે મીટરરસ્તાની ડીઝાઈન એક જ રીતે થાય. જેટલી જગ્યા રસ્તા માટે હોય તેમાં એક તરફથી બીજી તરફ સુધી ડામર પાથરી દેવાનો. તેમાંથી વાહનોને જેટલું વાપરવું હોય તેટલું વાપરે. રસ્તે ચાલવાવાળા કે સાઈકલ વગેરે રસ્તાની સાઈડમાં બીજા વાહનોથી બચાય તેટલું બચીને ચાલતા રહે. રસ્તાની સાઈડમાં વળી આડેધડ પાર્કિંગ થાય. ફૂટપાથ પર કરેલું પાર્કિંગ 'લીગલકહેવાય કારણકે ટોઈંગવાળા આવે તો ફૂટપાથ પરના વાહન ન ઉઠાવી જાય!

ન્યુયોર્ક શહેરના 'સ્ટ્રીટ ડીઝાઈન મેન્યુઅલ'માં મોડેલ રોડનાં પ્લાન છે, જેમાં રાહદારીઓ, સાઈકલધારીઓ સૌ વિષે વિચારેલું છે, સાથે સાથે હળી-મળી શકાય તેવી સુંદર જગ્યાઓનું નિર્માણ રસ્તાની આસપાસ કરવામાં આવે છે. અહીં કોઈને ન્યુયોર્ક સામે સૂગ હોય તો લંડન,પેરીસ,મોસ્કોજાકાર્તાબેંગકોકદારે સલામ કે છેક દિલ્હીથી પણ આવા ઉદાહરણ મળી શકશે. નવું દિલ્હીદક્ષીણ મુંબઈમધ્ય બેંગ્લોરમધ્ય ચેન્નાઈજૂના જયપુર વગેરેમાં એવા વિસ્તાર જરૂર મળી રહે છે કે જ્યાં ચાલવાની સરસ જગ્યા હોયઘટાટોપ લીલોતરી હોય જાણે કે ટહેલવા માટે ટહેલ ન નાખતા હોય. આવા વિસ્તારો જ જોતજોતામાં પ્રાઈમ પ્રોપર્ટી બની જાય છે. મુદ્દો એ છે કે પહોળી ફૂટપાથલીલાંછમ રસ્તાસાઈકલબસ બધાય માટે જરૂર પૂરતી જગ્યા બનાવવી તે રોકેટ સાયન્સ નથી. સવાલ દ્રષ્ટિ અને દાનતનો છે. પહોળા રસ્તા સારા પણ શહેરમાં હાઈવે ન શોભે. રસ્તાની પહોળાઈનો ઉપયોગ સારા લેન્ડસ્કેપીંગ માટે કરીને યાદગાર, માણવાલાયક જગ્યા બનાવીએ. તો પછી ઉનાળાની સાંજે, સપરિવાર ટ્રાફિક સર્કલ પાસે ઘોંઘાટમાં અટવાતાં એક ફૂવારો જોતાં બેસી નહિ રહેવું પડે.

નવગુજરાત સમય, પાન નં 11, 20જૂન, 2014.

નગર ચરખો - પર્યાવરણને સાચવવા તમે ઘણું બધું કરી શકો છો!


ક્લાઈમેટ ચેન્જ કે પર્યાવરણનો મુદ્દો ‘કેટલો ધુમાડો કાઢવો’ તેના આંતર-રાષ્ટ્રીય રાજકારણનો મુદ્દો માત્ર નથી. આ તમને અને મને રોજબરોજના જીવનમાં સ્પર્શતો મુદ્દો છે. આપણા બાળકો ‘સેવ ટ્રીઝ’ પ્રકારનાં ચિત્રો દોરતાં હોય તો તે જોઇને રાજી થવાથી પર્યાવરણમાં સુધારો થતો નથી. ક્લાઈમેટ ચેન્જ એટલે કે હવામાનમાં બદલાવની ઘટનામાં આપણે એક વ્યક્તિ તરીકે શું કરી શકીએ તેના સાત નુસખાઓની એક સૂચી –

જાત જરા ઢંઢોળો જદુપતિ - કવિમિત્ર પંચમ શુક્લાની કવિતા પરથી ઉધાર લીધેલ આ શીર્ષક કહે છે કે પર્યાવરણના મુદ્દે સૌ પહેલા તો જાતને ઢંઢોળીને સક્રિય બનો. ક્લાઈમેટ ચેન્જ વિષે ખાંખાખોળા કરીને આખી વાતનો મુદ્દો સમજોબીજાને જોતરો અને ખુદ શું કરી શકાય તે સમજો અને તે કરવા સક્રિય બનો.  તમારા  જીવનધોરણ મુજબ ઘરદીઠ કાર્બન ઉત્સર્જન ગણવાનું કેલ્ક્યુલેટરઇન્ટરનેટ પર શોધો.  થોડું મગજ કસીને ગણો કે આપના પરિવારનું કાર્બન ઉત્સર્જન કેટલું છે અને તેમાંથી શું ઓછું કરી શકાય તેમ છે? આખી ફેમિલીને આ કસરતમાં જોતરો.

મોસમને અનુરૂપ જીવો - ઋતુ પ્રમાણે કપડા અને ખાનપાન રાખો. ચોમાસામાં કોલ્ડ-સ્ટોરેજ વાળી કેરી નહિ ખાવી પડે, ઉનાળાની સાંજે એ.સી. ચાલુ નહિ રાખવું પડે. સદરો અને સુતરાઉ કુર્તા જેવા કુદરતી એ.સી. પહેરીને ચાલે ત્યાં સુધી કૃત્રિમ એ.સી. નહિ વાપરો. દક્ષિણથી પવન અને ઉત્તરથી ઉજાસ લાવતાં હવાદાર ઘર પર પસંદગી ઉતારશો તો આખી જીંદગી વીજળીનું બીલ બચશે. વીજળી અને પાણી બચાવો.

વાહનથી ચાલન ચાલી શકો ત્યાં ચાલી નાખોએકલા હોવ તો સાઈકલ વાપરોબેકલા હોવ તો બાઈકત્રણ જણાં માટે રીક્ષા ઉત્તમ,ચાર જણાંની નાની કાર અને છ વ્યક્તિ માટે મોટી કાર. ઓછી એવરેજ આપતા વાહનો મ્યુઝીયમમાં જ રાખો. વાહનોનો મોહ છોડીને ચાલવાનો શોખ રાખો. વિમાન મુસાફરી પર નિયંત્રણ કરોને ટ્રેનનો વપરાશ વધારો. તમારા બોસને કહો કે પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરનારાને બોનસ આપે, બોસ હોવ તો બોનસ આપો. કાર બીજાની સાથે શેર કરો, આસપાસ પૂછીને કોઈને લીફ્ટ આપો. ચાલવાલાયક ફૂટપાથસારા પરિવહન અને આસપાસમાં બાગ-બગીચા માટે કેમ્પેન કરો. સ્થાનિક ચૂંટણીમાં આ વાયદા પૂરા કરનાર પક્ષને જ મત આપો.

પહેલા લોકલ પછી ગ્લોબલ - સ્થાનિક રીતે મળતું કરિયાણુંશાક-ભાજી અને બીજો સામાન વાપરો. સ્થાનિક ચીઝ મળતી હોય સ્વીસનો આગ્રહ છોડો. વલસાડની કેરી મળે તો રત્નાગીરી સુધી લાંબા ન થાઓ. અંબાજીનો માર્બલ ચાલે તો ઈટાલીથી ન મંગાવો. અમેરિકામાં વાવેલા ઘઉં અને ફ્રાન્સની લેટસથી બનતા બર્ગરની જગ્યાએ સ્થાનિક કંપનીનું બર્ગર ખાવો કે પછી દાબેલી. નાનો બગીચો બનાવીને શાક-ભાજી જાતે વાવો. બાલ્કની જેવી થોડી જગ્યા હોય તો ફૂલો વાવો, ઘરને લીલુંછમ બનાવો.

ગ્રીન ટેકનોલોજીને અપનાવો - બની શકે ત્યાં પવન ઉર્જાસૌર ઉર્જાનો ઉપયોગ કરો. વરસાદી પાણીનો સંગ્રહ કરો. બગીચામાં કે કાર-બાઈક ધોવામાં ચોખ્ખું પીવાલાયક પાણી ન વાપરો. પોતું મારી શકાય તો ધોવા બેસો નહિ અને ધોવું પડે ત્યાં પાણી ઢોળીને બગાડો નહિ. નળ ટપકતો હોય તો પ્લમ્બર બોલાવો, પાણી બચાવો.

રી-યુઝ અને રી-સાઈકલ – સાડીમાંથી ગોદડીશર્ટમાંથી થેલી બનાવો અને વટથી વાપરો. સવારની રોટલીનો સાંજે વઘાર,ગોટલામાંથી ફજેતો વગેરે જેવા રી-યુઝથી માંડીને ઇલેક્ટ્રોનીક્સ આઇટેમ રી-સાઈકલ કરો. વધારે પડતા પેકેજીંગવાળો સામાન ન ખરીદો. 'યુઝ એન્ડ થ્રો'ની પોલીસીવાળી કંપનીને ફેંકો. ગ્રાહક તરીકે કંપનીઓ પાસે ગ્રીન પ્રોડકસની ડીમાન્ડ કરો.

સંતોષી જીવન જીવો - બજારમાં મળતી દરેક વસ્તુ ખરીદવાનો આગ્રહ નહિ રાખો. બને તેટલી ઓછી ચીજોથી ચલાવો. ખાધા પછી ખરીદી કરવા જાઓજો જો ચોક્કસ ઓછું ખરીદશો. ડિપ્રેસ હોવ તો મિત્રોને મળોપોતાના માટે સ્ટાઈલીશ પણ કામ વગરની વસ્તુની ખરીદી ન કરો.

આમાંથી કેટલાય કરવા જેવા કામ બધે જ સામાન્ય બુદ્ધિથી ‘વ્યાજબી’ ગણીને કરવામાં આવતા હતાજે ધીરે ધીરે વિસરાઈ રહ્યા છે. કોઈપણ ચીજ-વસ્તુના ‘વ્યાજબી’ વપરાશનું ડાહપણ સાચવી રાખવું એટલે પર્યાવરણની જાળવણી. આ ડાહપણ વાપરવાથી ક્લાઈમેટ ચેન્જની આપત્તિ ખાળવામાં તમે તમારી બે આની ઉમેરી શકશો અને સાથે તમારા જીવનની ગુણવત્તા સાચી દિશામાં ચેન્જ થશે!

નવગુજરાત સમય, પાન નં 11, 13જૂન, 2014.

નગર ચરખો - નવી પેઢી હાલના સમયને 'એજ ઓફ સ્ટુપીડ' કહેશે?


ઇતિહાસમાં એક એવો સમય હતો કે જ્યારે સૂર્યમંડળના એક ગ્રહ પરની એક પ્રજાતિ પર મોટો ખતરો તોળાઈ રહ્યો હતો અને આ વિનાશક ખતરાની ચેતવણીઓ વારંવાર વિવિધ સ્વરૂપોમાં મળતી રહેતી હતી. આ ખતરાને સમજવાનું જ્ઞાન-વિજ્ઞાન હતું, છતાંય મોટાભાગનાં સભ્યોને આવી ચેતવણીઓથી વિમુખ થવાનું વ્યાજબી લાગ્યું. કેટલાકે પોતાના ટૂંકા ગાળાના ફાયદા માટે કે સત્તા ટકાવી રાખવા જૂઠાણાં ચલાવ્યા કે 'બધું બરાબર છે અને કોઈ વિનાશ થવાનો નથી'. કેટલાક ભગવાનને ભરોસે બેસી રહ્યા તો કોઈને એવું લાગ્યું કે કૈંક નવું શોધાશે અને બધું બચાવી લેવામાં આવશે. આખરે, ધીમી અને પીડાજનક રીતે વિનાશ થતો ચાલ્યો અને બધું બરબાદ ગયું. વિનાશ બાદ આ પ્રજાતિના બાકી બચેલા થોડા-ઘણા સભ્યોએ આ સતત ભૂલોથી ભરેલા સમયને નામ આપ્યું, મૂર્ખામીનો યુગ (the Age of Stupid). આ ગ્રહ હતો પૃથ્વી અને પ્રજાતિ હતી માનવજાત અને વિનાશક ખતરાનું નામ હતું, ક્લાઈમેટ ચેન્જ ઉર્ફ ગ્લોબલ વાર્મિંગ ઉર્ફ પર્યાવરણનું નિકંદન. 

આ વાત છે 'The Age of Stupid (2009)' નામની દસ્તાવેજી ફિલ્મની, જે બિલકુલ જોવા જેવી ફિલ્મ છે. અહીં જેને 'મૂર્ખામીનો યુગ' કહેવાય છે, તે ૧૯૮૦ થી અત્યાર સુધીનો સાંપ્રત સમય (અને કદાચ તેથી વધુ). આ ફિલ્મમાં ઈ.સ. ૨૦૫૫માં એક વ્યક્તિ થોડી-ઘણી બચી ગયેલી દુનિયાના માનવઈતિહાસના મ્યુઝીયમમાં બેઠા-બેઠા ડીજીટલ આર્કાઈવમાંથી ૧૯૯૦થી ૨૦૦૯ સુધીની ઘટનાઓ નિહાળી રહ્યો છે અને વિવિધ વાર્તાઓને એક તાંતણે જોડી રહ્યો છે. આ ફિલ્મમાં ઉપયોગમાં લેવામાં આવેલી ઘટનાઓ, વ્યક્તિઓ, સમાચારો વગેરે બિલકુલ વાસ્તવિક છે કે જેમને ભવિષ્યના પરિપેક્ષમાં મૂકવામાં આવ્યા છે. એવું બની શકે કે આવનારી પેઢી આપણા આજના સમયને 'મૂર્ખામીનો યુગ' કહે. મુખ્ય કારણ એ જ કે સાધન-વ્યવસ્થા, વૈજ્ઞાનિક જ્ઞાન હોવા છતાં અને નવી ટેકનોલોજી વિકસાવવાનો સમય હોવા છતાં એ લોકો (એટલે કે આપણે) કંઈ અસરકારક કરી શક્યા નહિ. અહીં ડૂમ્સ-ડે એટલેકે સર્વ-વિનાશ કે કયામતની ભવિષ્યવાણી કરીને ગભરાટ ફેલાવાનો કોઈ આશય નથી. ફિલ્મનો પહેલો સંદેશ આપણા અત્યારના સમયને 'મૂર્ખામીનો યુગ' કહેવો તે છે. આ એક મહેણું છે જે આપણે ભાંગી શકીએ કે નહિ તે સમય જ કહેશે.

વૈજ્ઞાનિકો, ટેકનીકલ નિષ્ણાતો, સંશોધકો અને શિક્ષણ જગતમાં 'હવામાનમાં બદલાવ (ક્લાઈમેટ ચેન્જ)નું કારણ માનવ દખલ છે' તે અંગે વ્યાપક સર્વ-સંમતિ છે. રાજકીય વર્તુળો અને સરકારોમાં આ બાબતે વ્યાપક સર્વ-સંમતિ તો છે પણ તે અંગે શું કરવું તે બાબતમાં વિરોધાભાસી મંતવ્યો છે. ટૂંકમાં, પૃથ્વીને પ્રદૂષિત કરવાનો હક કોને વધારે-ઓછો છે તે અંગેની ભાંજગડ. હજી સુધી ઓછા-કાર્બન વપરાશવાળી ગ્રીન અર્થવ્યવસ્થા ઉભી કરવાની વાત પર સર્વસંમતિ સાધી શકાઈ નથી. જંગલો કપાઈ રહ્યા છે, પેટાળો ખોદાઈ રહ્યા છે, હિમશીલાઓ પીગળી રહી છે, જરૂર કરતા વધારેનો ઉપયોગ કરવાની ગેરવ્યાજબી પધ્ધત્તિઓ સર્વસામાન્ય અને લોકપ્રિય બનતી જાય છે, ક્રૂડ ઓઇલના ઉપયોગ આધારિત અર્થવ્યવસ્થાઓ અને શહેરો વિકસી રહ્યા છે.

જો દુનિયાના બધા લોકો અમેરિકન, કેનેડીયન કે ઓસ્ટ્રેલીયન પ્રજા જેટલી કુદરતી સાધન-સંપત્તિ વાપરે તો પૃથ્વી જેવા પાંચ ગ્રહ તાત્કાલિક જોઈએ. જો દુનિયાના બધા લોકો યુરોપિયન કે જાપાનીઝ પ્રજા જેટલી કુદરતી સાધન-સંપત્તિ વાપરે તો પૃથ્વી જેવા બીજા બે ગ્રહો તાત્કાલિક જોઈએ. આપણી પાસે તાત્કાલિકમાં કમનસીબે એક જ ગ્રહ છે. ભારત અને આફ્રિકાની સરેરાશ પ્રમાણે કામ કરીએ તો પૃથ્વી ટકી શકે. એ યાદ રાખીએ કે ભારત અને આફ્રિકામાં ગરીબી વધુ છે એટલે અહીં ઉર્જાનો, કુદરતી સંશાધનોનો ઉપયોગ પ્રમાણમાં ઓછો છે. પણ સરેરાશ મધ્યમ વર્ગના ઘરમાં હવે ઉર્જાનો ઉપયોગ વધતો ચાલ્યો છે. આવી પરિસ્થિતિમાં એક વ્યક્તિ તરીકે આપણે સરકારો જેવા બેજવાબદાર બનવાની જરૂર નથી. ક્લાઈમેટ ચેન્જ એટલે કે હવામાનમાં બદલાવના મોસમમાં આપણે એક વ્યક્તિ તરીકે શું કરી શકીએ તેના નુસખાઓ વિષે વધુ આપતા હપ્તે!

નવગુજરાત સમય, પાન નં 11, 6 જૂન, 2014.

નગર ચરખો - સ્ટ્રીટ આર્ટ: કલાત્મક પૈગામ, શહેરનો શણગાર


ચિત્રકળા ક્યારેક વાતાનુકુલિત આર્ટ ગેલેરીમાં કરોડો રૂપિયામાં 'વેચાઈને' તો ક્યારેક પડદાના રંગ પ્રમાણે ચિત્રો શોધતા દંપતીઓના ઘરમાં 'સુશોભિત' થઇને પરવારી જાય છે. આ રીતે ચિત્રકળાની વ્યાખ્યા અને વ્યાપ્ત બહુ સીમિત થઇ જાય છે. શહેરોમાં રોજબરોજના જીવનમાં વણાયેલો ચિત્રકળાનો એક નવો પ્રકાર છે જે લોકોની આંખ સામે છે - સ્ટ્રીટ આર્ટ કે પબ્લિક આર્ટ. જાહેર જગ્યાઓ અને જાહેર-ખાનગી દીવાલો પર વિવિધ માધ્યમોના ઉપયોગથી થતી કળા. મોટે ભાગે આર્ટ ગેલેરી કે મોંઘા પુસ્તકોમાં જકડાઈ રહેતી કળાથી એક કદમ આગળ વધીને સ્ટ્રીટ આર્ટ લોકો જ્યાં હોય ત્યાં 'કળા કરવાની' વાત છે. 

સ્ટ્રીટ આર્ટમાં સહેલાણીઓ માટે નાના-મોટા ચિત્રો દોરી આપીને કમાઈ લેતા કળાકારોથી માંડીને પોલીસથી છુપાઈને બળવાખોરી કરી લેતા, ભૂગર્ભમાં કે સમાંતર વિશ્વમાં જીવનારા અને રાતના સમયે સ્પ્રેથી શહેરની દીવાલોને રંગી જનારા સૌનો સમાવેશ થાય છે. ખાસ તો પશ્ચિમી શહેરોમાં કે જ્યાં રસ્તાઓ, શેરીઓ, જાહેર જગ્યાઓ (પ્લાઝા વગેરે) શહેરી સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે. પશ્ચિમી શહેરો વધુ સુઆયોજિત અને ઔપચારિક હોય છે તેવા વાતાવરણમાં સમાંતર સંસ્કૃતિ તરીકે, છુપી પણ કલાત્મક રીતે વિરોધ દર્શાવવા કે પોતાનો સંદેશ આપવા માટે સ્ટ્રીટ આર્ટનો જન્મ થયો છે. શહેરના આંતર-પેટાળમાં જન્મેલી આ કળા શહેરને નવી રીતે રજુ કરે છે અને સમાજને નવા સંદેશા આપે છે.

સ્ટ્રીટ આર્ટને ભીંતો પર સામાન્ય રંગકામમાંથી દ્રશ્યકળાનો દરજ્જો આપનાર  કળાકારોની સૂચિમાં બહુ મોટું નામ બેન્ક્સીનું છે. બેન્ક્સીને કોઈએ ક્યારેય જોયો નથી, તે ક્યાં રહે છે તે કોઈને ખબર નથી પણ તે મૂળ બ્રિસ્ટલ શહેરનો છે તેવું કહેવાય છે. બ્રિસ્ટલમાં આ ભાંગફોડીયા કળાકારનું નામ સન્માનથી લેવામાં આવે છે. ૧૯૯૦ના દાયકાની  શરૂઆતમાં બ્રિસ્ટલની દીવાલો, રેલવેના ડબ્બા પર બેન્ક્સીના ચિતરામણો જોવા મળતા થયા જે આખા ય ઇંગ્લેન્ડમાં અને છેક લોસ અન્જેલસ સુધી પહોંચ્યા. અહીં ફોટામાં લોસ એન્જેલસના પાર્કિંગ લોટમાં દોરેલા ચિત્રમાં બેન્કસી શહેરોમાં પાર્કિંગની જગ્યાએ વધુ પાર્ક બનાવવાની વાત ચતુરાઈથી કરી જાય છે. ગયા મહીને બેન્કસીના 'ખૂબસૂરત ગુનાઓ' ન્યુયોર્કમાં જોવા મળ્યા હતાં.

એક ઉત્કૃષ્ટ ભાંગફોડીયા તરીકેનું 'સન્માન' જાળવી રાખવા માટે બેન્ક્સીએ ક્યારેય રૂબરૂ મુલાકાતો આપી નથી, ફોટા છપાવ્યા નથી અને પોતાની જાતને ક્યાંય રજુ કરી નથી. પોલીસની નજરથી બચવાનો આ અકસીર ઈલાજ હશે. બેન્ક્સીની કળા શહેરી દીવાલોના માધ્યમથી રાજકારણ, પર્યાવરણ, સમાજકારણ પર તમતમાવી દેતી ટીપ્પણી કરે છે. બેન્સ્કીએ સરકાર, રાજાશાહી, ધાર્મિક સંસ્થાઓ, ચેરીટી વગેરે કોઈને છોડ્યા નથી. તેને ભાંગફોડીયાવૃત્તિ ધરાવનારની સરકારી, સાંકડી વ્યાખ્યામાં બંધ બેસાડી શકાતો નથી. તેની કળા મૂક છે પણ તેના અર્થો વિશાળ છે. તેની શૈલી અહિંસક છે, પણ જલદ છે. બેન્ક્સીને કોઈ રોબીન હૂડ માને છે તો કોઈ પબ્લીસીટી-ભૂખ્યો ભાંગફોડીયો. જે માનવું હોય તે માનો, પણ તેની અમુક-તમુક કળાકૃતિઓ સ્પર્શી જાય છે તેમાં કોઈ બે મત નથી. ભારતમાં સ્ટ્રીટ આર્ટ બહુ પ્રચલિત નથી પણ સાભળ્યું છે કે બેન્કસી જેવા અનેક પાસેથી પ્રેરણા લઈને દિલ્હીમાં ‘ડાકુ’ નામે એક કળાકાર પ્રવૃત્ત થયો છે.  

લોકશાહીને જેમ સારા કાર્ટૂનીસ્ટની જરૂર હોય છે તેમ સમાજને પણ વારંવાર દર્પણ બતાવી શકે એવા કળાકારની જરૂર હોય. મહાન કળાકારો સામાજિક શિરસ્તાઓથી અમુક વર્ષો, દાયકા કે સદીઓ આગળ હોય છે. તે પછી સમાજના શાણપણ પર છે કે સમાજ તે કળાકારને માથે ચઢાવે છે કે પછી તેને મન્ટો, ચેપ્લીન અને બીજા અનેકની જેમ હેરાન-પરેશાન કરી મૂકે છે. બેન્સ્કીના કહેવા પ્રમાણે 'કોઈ ચિત્ર જો કાયદાને ગણકારે નહિ તો તે સારું ચિત્ર છે અને જો કોઈ ચિત્ર કાયદાની સાથે સાથે (સમાજના) ગુરુત્વાકર્ષણનાં સિદ્ધાંતને ગણકારે નહિ તો તે આદર્શ ચિત્ર છે'. બસ, આવા 'ગુરુત્વાકર્ષણનાં સિદ્ધાંતો'ને પડકારનારા કલાકારો મળતા રહે તે સમાજ સમૃદ્ધ હશે. અને રસ્તામાં હાલતાં-ચાલતાં આવી કળાકૃતિઓ મળી જાય તો પૂછવું જ શું! 

નવગુજરાત સમય, પાન નં 11, 23 મે, 2014.

નગર ચરખો - સ્માર્ટ સીટીઝ: નવી સરકાર સામેનો સ્માર્ટ પડકાર



આ લેખ જ્યારે છપાશે ત્યારે દેશમાં નવી સરકાર બનવાની જાહેરાત થતી હશે. ચૂંટણી-વિજયનો ઉન્માદ-ઉત્સાહ પતે એટલે ચાલો, નવી સરકારને કામ સોંપવાનું શરુ કરીએ. આપણે ત્યાં સરકાર કોઈ પણ આવે, અમુક મુદ્દાઓ ત્યાં જ અટકેલાં છે. આ મુદ્દાઓ સાદા-સીધા અને એટલાં અન-ગ્લેમરસ હોય છે કે રાજકીય પક્ષો તેમાંથી ચૂંટણીલાયક સ્લોગન બનાવી શકતાં નથી. જેમકે, અમે નવાં સો 'સ્માર્ટ' શહેર વસાવીશું કે અમે નવા બસ્સો પુલને ત્રણસો મકાન બાંધીશું કહેવું સહેલું હોય છે પણ અત્યારે હયાત સાત હજાર શહેરોનું શું? તેમને સ્માર્ટ કોણ બનાવશે? તેમાં સાંકડ-માંકડ જીવતી આ દેશની ત્રીસ ટકા વસ્તીને ગામડાંમાંથી આવવા થનગનતી બીજી વીસ ટકા વસ્તીનું શું? 

અત્યારે વિશ્વની લગભગ પચાસ ટકા વસ્તી શહેરોમાં વસે છે, આપણે પચાસ ટકા તરફ ધીરે-ધીરે પ્રગતિ કરી રહ્યા છીએ. આપણે આપણાં શહેરોમાં આ પચાસ ટકા વસ્તી રહેતી થાય તે માટે તૈયાર કરવાનાં છે. જો આપણે શહેરોની માળખાકીય સુવિધાઓમાં વ્યવસ્થિત રોકાણ નહિ કરીએ અને શહેરોના સરકારી તંત્રોને મજબૂત નહિ કરીએ તો શહેરીકરણનો દર ઓછો થશે અને દેશનો વિકાસ દર પણ. આપણે ગામડાંઓને ભૂલી જવાનાં નથી પણ શહેરોને વધુ જીવવાલાયક બનાવવાનાં છે. ગામડાં અને શહેર એકબીજાના પૂરક હોય છે એટલે આપણે ગામડાં વર્સીસ શહેરની રમત નહિ રમીએ. તો પછી શહેરી વિકાસ માટે નવી સરકારે શું કરવાનું છે તેના ત્રણ પ્રાથમિક મુદ્દા છે: 

એક, શહેરોને રાજકીય અને નાણાકીય સ્વાયતત્તા આપો, શહેરોમાં જ્યાં સુધી વિકાસ-તરફી, લોકશાહી ઢબે ચાલતી સરકાર નહિ હોય ત્યાં સુધી કંઈ વળવાનું નથી. રાજ્ય સરકારોએ શહેરો પરનો કંટ્રોલ જવા દેવો પડશે. આ પ્રકારના અભિક્રમ માટે નાણાંકીય સહાયની જવાબદારી કેન્દ્ર સરકારે જ લેવી પડે. અત્યારે તો શહેરમાં ગટરની પાઇપલાઇનના ઉદ્ઘાટન માટે આવવા રાજ્યકક્ષાનાં નેતાઓ પડાપડી કરે છે કારણકે હવે શહેરોમાંથી ઘણાં વોટ આવતાં થયા છે. મ્યુનીસીપલ સરકાર ત્યારે જ મજબૂત થાય કે જ્યારે તેમની પાસે નાણાંનો પોતાનો સ્ત્રોત હોય. એક જમાનામાં ઓકટ્રોય એક એવો પોતીકો સ્ત્રોત હતો પણ એ બહુ પ્રેક્ટીકલ નથી. ખરેખર તો ઇન્કમટેક્સ અને સેલ્સટેક્સનો એક ચોક્કસ હિસ્સો શહેરોને મળવો જોઈએ, જે વિકાસના કામો માટે જ વાપરી શકાય તેવો એજન્ડા હોઈ શકે. 

બે, શહેરોમાં માળખાકીય સુવિધાઓમાં મોટા પાયે રોકાણ કરો. અહી કેન્દ્ર સકારના બજેટમાંથી માળખાકીય સુવિધા માટે દર વર્ષે ઓછામાં ઓછા 100 અબજ રૂપિયા ફાળવવા જોઈએ. શહેરો આ પૈસા મેળવવા માટે પરસ્પર સારો વહીવટ કરીને સ્પર્ધા કરે, તેવો માહોલ કેન્દ્ર સરકાર ઉભો કરે. લક્ષ્ય એ હોવું જોઈએ કે આવતાં પાંચ વર્ષમાં દરેક ઘરે પાણી-ગટર-સ્ટ્રીટલાઈટની સુવિધા પહોંચે અને દરેક શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મોટા પાયે રોકાણ થાય. પબ્લિક ટ્રાન્સપોર્ટ રોકાણ વધશે તો ટ્રાફિકની સમસ્યાઓ આપોઆપ ઉકેલાશે. આ સિવાય, મોટાપાયે કચરાના નીકાલની વ્યવસ્થામાં રોકાણ થવું જોઈએ. એકવીસમી સદીના શહેરો સાફ હોવા જોઈએ અને દરેક ઘરે ટોઇલેટ હોવું જોઈએ, ભલે પછી તે ઝૂપડપટ્ટી હોય કે મહેલ. સરકારનો અભિગમ એ હોવો જોઈએ કે 'હું પૈસા આપીશ પણ તું તારા ઘરે ટોઇલેટ બાંધ તો શહેર સાફ રહે'. દરેક ઘરે ટોઇલેટ થાય તો ઘણી જાહેર સ્વાસ્થ્યની સમસ્યાઓનો ઉકેલ મળી જાય છે. 

ત્રણ, શહેરમાં દરેકને ઘરનું ઘર મળે તે માટેની પ્રેક્ટીકલ પોલીસી બનાવો. આ અઘરો વિષય છે પણ ટૂંકમાં, થોડું સરકારે કરવાનું છે અને બાકીનું બધું રીયલ એસ્ટેટ માર્કેટે કરવાનું છે. સરકારે સસ્તા મકાનો માટે જમીનો પૂરી પડવાની છે, જ્યાં ગ્રાહક સુધી ફાયદો પહોચે તે રીતના પ્રલોભનો હાઉસિંગ માર્કેટને આપવાના છે. જ્યાં ગરીબ વસ્તી હોય તેમને ત્યાં જ વસાવી શકાય તેવી વ્યવસ્થા કરવાની છે અને નવી ઝૂપડપટ્ટી ના વિકસે તેના માટે તૈયારી કરવાની છે.

ટૂંકમાં, માથે છાપરું હોય, ઘરમાં ટોઇલેટ હોય, ઘરની બહાર ગલી-રસ્તા સાફ હોય અને મુખ્ય રસ્તા પર નિયમિત ચાલતી બસ હોય એટલે સ્માર્ટ સીટી. આ સિવાયની સ્માર્ટનેસ નાગરીકો જાતે મેળવી લેશે! સાંભળો છો નવી સરકાર?

નવગુજરાત સમય, પાન નં 11, 16 મે, 2014.