Saturday, June 28, 2014

નગર ચરખો - વિશ્વને ઈરાકના લોકોની નહિ ક્રૂડઓઈલની ચિંતા છે


છેલ્લા પચ્ચીસ વર્ષથી જયારે ઈરાકમાં યુદ્ધ કે ગૃહ-યુદ્ધ ચાલુ થાય છે ત્યારે અંતર-રાષ્ટ્રીય રાજકારણમાં ભૂકંપ આવે છે. દુનિયાને ઈરાકના સામાન્ય નાગરિકની નહિ પણ તેના પેટાળમાં રહેલા ક્રૂડ-ઓઈલની ચિંતા છે. આ ક્રૂડ-ઓઇલમાંથી પેટ્રોલ, ડીઝલ અને વિમાન માટે ગેસોલીન બને છે એટલે ક્રૂડ-ઓઇલે દુનિયાની સૌથી 'કીમતી' પેદાશનું સ્થાન લઇ લીધું છે. દેશોના વિકાસદર હવે પેટ્રોલીયમની ખપત પર આધારિત થઇ ગયા છે. ક્રૂડ-ઓઈલના રાજકારણના લીધે યુધ્ધો થયા છે. સરકારો ઉથલાવવામાં આવી છે. રાજકીય હરીફોનો સફાયો કરવામાં આવ્યો છે. પેટ્રોલીયમ ખાતું ખાધે-પીધે સુખી હોય છે. ઓઈલ કંપનીઓ માલામાલ હોય છે અને તેના અધિકારીઓને બીજા સરકારી ખાતાઓ ઈર્ષા કરે તેવા પગારો કે સવલતો મેળવે છે. આજની દુનિયામાં જે ક્રૂડ-ઓઈલ અને તેની બજારો પર સત્તા ધરાવે છે તે સૌથી શક્તિશાળી વ્યક્તિ, સંસ્થા કે સરકાર હોય છે. આ બધું છેલ્લા સો વર્ષમાં જ થયું છે. આપણે સમગ્ર દુનિયાની નિર્માણ ક્રૂડ-ઓઈલની આસપાસ કરી દીધું છે. ક્રૂડ-ઓઈલ ઉદ્યોગીકરણનો પાયો છે, શહેરીકરણની કરોડરજ્જૂ છે અને ખેતીને બજારો સાથે સાંકળતી છેલ્લી કડી છે. દુનિયા હવે ક્રૂડ ઓઈલની બંધાણી છે. 

ક્રૂડ-ઓઈલ એક જાતનું ખનીજ છે. તે પૃથ્વીના પેટાળમાં નિયત સંખ્યામાં છે, જેમાં કુદરતી વધારો બહુ ઝડપથી થતો નથી. હવે કોઈ એમ કહે કે સોરી બોસ, ઓઈલ ખલાસ, હોં! તમારી બે-પાંચ પેઢીઓએ વાપરીને પૂરું કરી લીધું. હવે બહુ ઓઈલ બચ્યું નથી. તમારા પૌત્રી-પૌત્રો કદાચ વિમાનમાં મુસાફરી નહિ કરી શકે. તો પછી સમગ્ર દુનિયા જેની આધુનિકતા ઓઈલની આસપાસ વિકસી છે તેનું શું થશે? હજી તો ભારત-ચીન જેવા વિશાલકાય દેશોમાં બહુમતી લોકોને પોતાની કાર ખરીદવાની બાકી છે અને વિમાનમાં બેસવાનું બાકી છે. આ ટાઢા પહોરનું ગપ્પું છે કે તેની પાછળ કોઈ તર્ક પણ ખરો? 

અમેરિકી ભૂ-વૈજ્ઞાનિક ડો. મેરિયન કિંગ હબર્ટએ ૧૯૫૬માં એવું જાહેર કરેલું કે અમેરિકી પેટ્રોલીયમ ઉત્પાદનનો સૌથી ઉચ્ચ તબક્કો (peak period) ૧૯૬૦ના દાયકાના છેલ્લા વર્ષોમાં કે ૧૯૭૦ની શરૂઆતમાં આવશે. લોકોએ એ વખતે તેને હસી કાઢેલો પણ ૧૯૭૦માં હબર્ટની વાત સાચી ઠરી. ૧૯૭૦માં અમેરિકી પેટ્રોલીયમ ઉત્પાદનનો સૌથી ઉચ્ચ તબક્કો (peak period) આવ્યો અને તે બાદ પેટ્રોલીયમ ઉત્પાદન અમેરિકામાં ઘટતું ચાલ્યું છે. ૧૯૭૦ના પછીના સમયમાં વિશ્વનું રાજકારણ ઘણે અંશે બદલાયું અને તેમાં અમેરિકાની ઓઈલની ઘરેલું માંગ ઘણે અંશે જવાબદાર હતી. હબર્ટની મહત્વની થીયરી એ હતી કે કોઈપણ ભૌગોલિક પ્રદેશમાં કે સમગ્ર વિશ્વમાં, ઓઇલના ભંડારોના ઉત્પાદનમાં શરૂઆતમાં સતત વૃદ્ધિ થાય, એક ઉચ્ચ તબક્કો (પીક) આવે અને જે દર પર વૃદ્ધિ થઇ હોય લગભગ તે જ દર પર ઉત્પાદનમાં કપાત થાય. આ વાત તેણે અનેક ઓઈલ ફિલ્ડસ અને દેશોના અનુભવને આંકીને વૈજ્ઞાનિક રીતે સમજાવી છે. 

હબર્ટની થીયરી મુજબ માનવ-ઇતિહાસમાં ક્રૂડ-ઓઇલના ઉત્પાદનનો સૌથી ઉચ્ચ તબક્કો વર્ષ ૧૯૯૫થી ૨૦૦૦માં પસાર થઇ ચૂક્યો છે. હબર્ટનું માનીએ તો વર્ષ ૨૦૫૦ સુધીમાં વિશ્વમાં ઓઈલનું ઉત્પાદન અત્યારના ઉત્પાદન કરતાં ત્રીજા ભાગ જેટલું ઘટી જશે. ઓઈલ કંપનીઓ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો-જાણકારો સ્વાભાવિક રીતે જ આ વાતને સ્વીકારવા તૈયાર નથી. તે લોકો એવું માને છે કે આવતા સો વર્ષ સુધી ઓઈલ ઉત્પાદનમાં 'વાંધો નહિ આવે'. પણ ઘણાં તટસ્થ વૈજ્ઞાનિકો, સરકારી વૈજ્ઞાનિક સંસ્થાઓ એ માનવા લાગી છે કે ક્રૂડ ઓઇલના ઉત્પાદનનો ઉચ્ચ તબક્કો એટલે કે પીક પીરીયડ આપણી પાછળના વર્ષોમાં આવી ચૂક્યો છે. એટલે કે આવતાં પચાસ વર્ષમાં (૨૦૬૦-૭૦ સુધીમાં) ઓઈલ ઉત્પાદન નાટ્યાત્મક રીતે ઘટશે. ઉત્પાદનનો પીક તબક્કો આજે આવે કે આવતીકાલે, એક વાત નક્કી છે કે આ જણસ વધુને વધુ મોંઘી થશે. ઓઇલના વેપારમાં વધુને વધુ લાલચ-લોભ ભળશે. છમકલાં કે યુધ્ધો થશે. આપણી આગામી પેઢીઓને બીન-ઓઈલ યુગ માટે તૈયાર થવું પડશે. આગામી સદીમાં આપણે ઉર્જાના નવા સ્ત્રોત શોધવા પડશે અને ક્રૂડ-ઓઈલની આસપાસ વિકસેલી શહેરી વ્યવસ્થા નવેસરથી વિચારવી પડશે. ટૂંકમાં, માનવજાતે ક્રૂડ-ઓઈલનું બંધાણ છોડીને પોતાની જાતને ‘રીહેબીલીટેટ’ કરવી પડશે.

નવગુજરાત સમય, પાન નં 11, 28 જૂન, 2014.

1 comment: