Friday, June 20, 2014

નગર ચરખો - સ્ટ્રીટ આર્ટ: કલાત્મક પૈગામ, શહેરનો શણગાર


ચિત્રકળા ક્યારેક વાતાનુકુલિત આર્ટ ગેલેરીમાં કરોડો રૂપિયામાં 'વેચાઈને' તો ક્યારેક પડદાના રંગ પ્રમાણે ચિત્રો શોધતા દંપતીઓના ઘરમાં 'સુશોભિત' થઇને પરવારી જાય છે. આ રીતે ચિત્રકળાની વ્યાખ્યા અને વ્યાપ્ત બહુ સીમિત થઇ જાય છે. શહેરોમાં રોજબરોજના જીવનમાં વણાયેલો ચિત્રકળાનો એક નવો પ્રકાર છે જે લોકોની આંખ સામે છે - સ્ટ્રીટ આર્ટ કે પબ્લિક આર્ટ. જાહેર જગ્યાઓ અને જાહેર-ખાનગી દીવાલો પર વિવિધ માધ્યમોના ઉપયોગથી થતી કળા. મોટે ભાગે આર્ટ ગેલેરી કે મોંઘા પુસ્તકોમાં જકડાઈ રહેતી કળાથી એક કદમ આગળ વધીને સ્ટ્રીટ આર્ટ લોકો જ્યાં હોય ત્યાં 'કળા કરવાની' વાત છે. 

સ્ટ્રીટ આર્ટમાં સહેલાણીઓ માટે નાના-મોટા ચિત્રો દોરી આપીને કમાઈ લેતા કળાકારોથી માંડીને પોલીસથી છુપાઈને બળવાખોરી કરી લેતા, ભૂગર્ભમાં કે સમાંતર વિશ્વમાં જીવનારા અને રાતના સમયે સ્પ્રેથી શહેરની દીવાલોને રંગી જનારા સૌનો સમાવેશ થાય છે. ખાસ તો પશ્ચિમી શહેરોમાં કે જ્યાં રસ્તાઓ, શેરીઓ, જાહેર જગ્યાઓ (પ્લાઝા વગેરે) શહેરી સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે. પશ્ચિમી શહેરો વધુ સુઆયોજિત અને ઔપચારિક હોય છે તેવા વાતાવરણમાં સમાંતર સંસ્કૃતિ તરીકે, છુપી પણ કલાત્મક રીતે વિરોધ દર્શાવવા કે પોતાનો સંદેશ આપવા માટે સ્ટ્રીટ આર્ટનો જન્મ થયો છે. શહેરના આંતર-પેટાળમાં જન્મેલી આ કળા શહેરને નવી રીતે રજુ કરે છે અને સમાજને નવા સંદેશા આપે છે.

સ્ટ્રીટ આર્ટને ભીંતો પર સામાન્ય રંગકામમાંથી દ્રશ્યકળાનો દરજ્જો આપનાર  કળાકારોની સૂચિમાં બહુ મોટું નામ બેન્ક્સીનું છે. બેન્ક્સીને કોઈએ ક્યારેય જોયો નથી, તે ક્યાં રહે છે તે કોઈને ખબર નથી પણ તે મૂળ બ્રિસ્ટલ શહેરનો છે તેવું કહેવાય છે. બ્રિસ્ટલમાં આ ભાંગફોડીયા કળાકારનું નામ સન્માનથી લેવામાં આવે છે. ૧૯૯૦ના દાયકાની  શરૂઆતમાં બ્રિસ્ટલની દીવાલો, રેલવેના ડબ્બા પર બેન્ક્સીના ચિતરામણો જોવા મળતા થયા જે આખા ય ઇંગ્લેન્ડમાં અને છેક લોસ અન્જેલસ સુધી પહોંચ્યા. અહીં ફોટામાં લોસ એન્જેલસના પાર્કિંગ લોટમાં દોરેલા ચિત્રમાં બેન્કસી શહેરોમાં પાર્કિંગની જગ્યાએ વધુ પાર્ક બનાવવાની વાત ચતુરાઈથી કરી જાય છે. ગયા મહીને બેન્કસીના 'ખૂબસૂરત ગુનાઓ' ન્યુયોર્કમાં જોવા મળ્યા હતાં.

એક ઉત્કૃષ્ટ ભાંગફોડીયા તરીકેનું 'સન્માન' જાળવી રાખવા માટે બેન્ક્સીએ ક્યારેય રૂબરૂ મુલાકાતો આપી નથી, ફોટા છપાવ્યા નથી અને પોતાની જાતને ક્યાંય રજુ કરી નથી. પોલીસની નજરથી બચવાનો આ અકસીર ઈલાજ હશે. બેન્ક્સીની કળા શહેરી દીવાલોના માધ્યમથી રાજકારણ, પર્યાવરણ, સમાજકારણ પર તમતમાવી દેતી ટીપ્પણી કરે છે. બેન્સ્કીએ સરકાર, રાજાશાહી, ધાર્મિક સંસ્થાઓ, ચેરીટી વગેરે કોઈને છોડ્યા નથી. તેને ભાંગફોડીયાવૃત્તિ ધરાવનારની સરકારી, સાંકડી વ્યાખ્યામાં બંધ બેસાડી શકાતો નથી. તેની કળા મૂક છે પણ તેના અર્થો વિશાળ છે. તેની શૈલી અહિંસક છે, પણ જલદ છે. બેન્ક્સીને કોઈ રોબીન હૂડ માને છે તો કોઈ પબ્લીસીટી-ભૂખ્યો ભાંગફોડીયો. જે માનવું હોય તે માનો, પણ તેની અમુક-તમુક કળાકૃતિઓ સ્પર્શી જાય છે તેમાં કોઈ બે મત નથી. ભારતમાં સ્ટ્રીટ આર્ટ બહુ પ્રચલિત નથી પણ સાભળ્યું છે કે બેન્કસી જેવા અનેક પાસેથી પ્રેરણા લઈને દિલ્હીમાં ‘ડાકુ’ નામે એક કળાકાર પ્રવૃત્ત થયો છે.  

લોકશાહીને જેમ સારા કાર્ટૂનીસ્ટની જરૂર હોય છે તેમ સમાજને પણ વારંવાર દર્પણ બતાવી શકે એવા કળાકારની જરૂર હોય. મહાન કળાકારો સામાજિક શિરસ્તાઓથી અમુક વર્ષો, દાયકા કે સદીઓ આગળ હોય છે. તે પછી સમાજના શાણપણ પર છે કે સમાજ તે કળાકારને માથે ચઢાવે છે કે પછી તેને મન્ટો, ચેપ્લીન અને બીજા અનેકની જેમ હેરાન-પરેશાન કરી મૂકે છે. બેન્સ્કીના કહેવા પ્રમાણે 'કોઈ ચિત્ર જો કાયદાને ગણકારે નહિ તો તે સારું ચિત્ર છે અને જો કોઈ ચિત્ર કાયદાની સાથે સાથે (સમાજના) ગુરુત્વાકર્ષણનાં સિદ્ધાંતને ગણકારે નહિ તો તે આદર્શ ચિત્ર છે'. બસ, આવા 'ગુરુત્વાકર્ષણનાં સિદ્ધાંતો'ને પડકારનારા કલાકારો મળતા રહે તે સમાજ સમૃદ્ધ હશે. અને રસ્તામાં હાલતાં-ચાલતાં આવી કળાકૃતિઓ મળી જાય તો પૂછવું જ શું! 

નવગુજરાત સમય, પાન નં 11, 23 મે, 2014.

No comments:

Post a Comment