Friday, June 20, 2014

નગર ચરખો - નવી પેઢી હાલના સમયને 'એજ ઓફ સ્ટુપીડ' કહેશે?


ઇતિહાસમાં એક એવો સમય હતો કે જ્યારે સૂર્યમંડળના એક ગ્રહ પરની એક પ્રજાતિ પર મોટો ખતરો તોળાઈ રહ્યો હતો અને આ વિનાશક ખતરાની ચેતવણીઓ વારંવાર વિવિધ સ્વરૂપોમાં મળતી રહેતી હતી. આ ખતરાને સમજવાનું જ્ઞાન-વિજ્ઞાન હતું, છતાંય મોટાભાગનાં સભ્યોને આવી ચેતવણીઓથી વિમુખ થવાનું વ્યાજબી લાગ્યું. કેટલાકે પોતાના ટૂંકા ગાળાના ફાયદા માટે કે સત્તા ટકાવી રાખવા જૂઠાણાં ચલાવ્યા કે 'બધું બરાબર છે અને કોઈ વિનાશ થવાનો નથી'. કેટલાક ભગવાનને ભરોસે બેસી રહ્યા તો કોઈને એવું લાગ્યું કે કૈંક નવું શોધાશે અને બધું બચાવી લેવામાં આવશે. આખરે, ધીમી અને પીડાજનક રીતે વિનાશ થતો ચાલ્યો અને બધું બરબાદ ગયું. વિનાશ બાદ આ પ્રજાતિના બાકી બચેલા થોડા-ઘણા સભ્યોએ આ સતત ભૂલોથી ભરેલા સમયને નામ આપ્યું, મૂર્ખામીનો યુગ (the Age of Stupid). આ ગ્રહ હતો પૃથ્વી અને પ્રજાતિ હતી માનવજાત અને વિનાશક ખતરાનું નામ હતું, ક્લાઈમેટ ચેન્જ ઉર્ફ ગ્લોબલ વાર્મિંગ ઉર્ફ પર્યાવરણનું નિકંદન. 

આ વાત છે 'The Age of Stupid (2009)' નામની દસ્તાવેજી ફિલ્મની, જે બિલકુલ જોવા જેવી ફિલ્મ છે. અહીં જેને 'મૂર્ખામીનો યુગ' કહેવાય છે, તે ૧૯૮૦ થી અત્યાર સુધીનો સાંપ્રત સમય (અને કદાચ તેથી વધુ). આ ફિલ્મમાં ઈ.સ. ૨૦૫૫માં એક વ્યક્તિ થોડી-ઘણી બચી ગયેલી દુનિયાના માનવઈતિહાસના મ્યુઝીયમમાં બેઠા-બેઠા ડીજીટલ આર્કાઈવમાંથી ૧૯૯૦થી ૨૦૦૯ સુધીની ઘટનાઓ નિહાળી રહ્યો છે અને વિવિધ વાર્તાઓને એક તાંતણે જોડી રહ્યો છે. આ ફિલ્મમાં ઉપયોગમાં લેવામાં આવેલી ઘટનાઓ, વ્યક્તિઓ, સમાચારો વગેરે બિલકુલ વાસ્તવિક છે કે જેમને ભવિષ્યના પરિપેક્ષમાં મૂકવામાં આવ્યા છે. એવું બની શકે કે આવનારી પેઢી આપણા આજના સમયને 'મૂર્ખામીનો યુગ' કહે. મુખ્ય કારણ એ જ કે સાધન-વ્યવસ્થા, વૈજ્ઞાનિક જ્ઞાન હોવા છતાં અને નવી ટેકનોલોજી વિકસાવવાનો સમય હોવા છતાં એ લોકો (એટલે કે આપણે) કંઈ અસરકારક કરી શક્યા નહિ. અહીં ડૂમ્સ-ડે એટલેકે સર્વ-વિનાશ કે કયામતની ભવિષ્યવાણી કરીને ગભરાટ ફેલાવાનો કોઈ આશય નથી. ફિલ્મનો પહેલો સંદેશ આપણા અત્યારના સમયને 'મૂર્ખામીનો યુગ' કહેવો તે છે. આ એક મહેણું છે જે આપણે ભાંગી શકીએ કે નહિ તે સમય જ કહેશે.

વૈજ્ઞાનિકો, ટેકનીકલ નિષ્ણાતો, સંશોધકો અને શિક્ષણ જગતમાં 'હવામાનમાં બદલાવ (ક્લાઈમેટ ચેન્જ)નું કારણ માનવ દખલ છે' તે અંગે વ્યાપક સર્વ-સંમતિ છે. રાજકીય વર્તુળો અને સરકારોમાં આ બાબતે વ્યાપક સર્વ-સંમતિ તો છે પણ તે અંગે શું કરવું તે બાબતમાં વિરોધાભાસી મંતવ્યો છે. ટૂંકમાં, પૃથ્વીને પ્રદૂષિત કરવાનો હક કોને વધારે-ઓછો છે તે અંગેની ભાંજગડ. હજી સુધી ઓછા-કાર્બન વપરાશવાળી ગ્રીન અર્થવ્યવસ્થા ઉભી કરવાની વાત પર સર્વસંમતિ સાધી શકાઈ નથી. જંગલો કપાઈ રહ્યા છે, પેટાળો ખોદાઈ રહ્યા છે, હિમશીલાઓ પીગળી રહી છે, જરૂર કરતા વધારેનો ઉપયોગ કરવાની ગેરવ્યાજબી પધ્ધત્તિઓ સર્વસામાન્ય અને લોકપ્રિય બનતી જાય છે, ક્રૂડ ઓઇલના ઉપયોગ આધારિત અર્થવ્યવસ્થાઓ અને શહેરો વિકસી રહ્યા છે.

જો દુનિયાના બધા લોકો અમેરિકન, કેનેડીયન કે ઓસ્ટ્રેલીયન પ્રજા જેટલી કુદરતી સાધન-સંપત્તિ વાપરે તો પૃથ્વી જેવા પાંચ ગ્રહ તાત્કાલિક જોઈએ. જો દુનિયાના બધા લોકો યુરોપિયન કે જાપાનીઝ પ્રજા જેટલી કુદરતી સાધન-સંપત્તિ વાપરે તો પૃથ્વી જેવા બીજા બે ગ્રહો તાત્કાલિક જોઈએ. આપણી પાસે તાત્કાલિકમાં કમનસીબે એક જ ગ્રહ છે. ભારત અને આફ્રિકાની સરેરાશ પ્રમાણે કામ કરીએ તો પૃથ્વી ટકી શકે. એ યાદ રાખીએ કે ભારત અને આફ્રિકામાં ગરીબી વધુ છે એટલે અહીં ઉર્જાનો, કુદરતી સંશાધનોનો ઉપયોગ પ્રમાણમાં ઓછો છે. પણ સરેરાશ મધ્યમ વર્ગના ઘરમાં હવે ઉર્જાનો ઉપયોગ વધતો ચાલ્યો છે. આવી પરિસ્થિતિમાં એક વ્યક્તિ તરીકે આપણે સરકારો જેવા બેજવાબદાર બનવાની જરૂર નથી. ક્લાઈમેટ ચેન્જ એટલે કે હવામાનમાં બદલાવના મોસમમાં આપણે એક વ્યક્તિ તરીકે શું કરી શકીએ તેના નુસખાઓ વિષે વધુ આપતા હપ્તે!

નવગુજરાત સમય, પાન નં 11, 6 જૂન, 2014.

No comments:

Post a Comment