Wednesday, December 29, 2010

સુપર હીરોના સંસ્થાનવાદ/રંગ-ભેદ/પૂર્વગ્રહો

આપણને હીરો કે સુપરહીરો કેમ ગમતા હોય છે? કારણકે તેઓ 'સુપર' હોય છે. સામાન્યથી વિશેષ - અસામાન્ય. તેમનામાં અપાર શક્તિઓ હોય છે, તે સામાન્ય માનવીથી વધુ તાકાતવર, બુદ્ધિશાળી, સાહસવીર હોય છે વળી, નાનપણ કે કુમાર અવસ્થાના હીરો લોગ તો આખી જીંદગી સાથે રહે છે. ટીનટીન, એસ્ટેરીક્સ જેવી કોમિક બુક અને ઇન્ડિઆના જોન્સ, જેમ્સ બોન્ડ જેવી હોલીવુડ ફિલ્મોના પાત્રોએ મજેદાર, રમૂજી કે ગંભીર વાર્તાઓ દ્વારા દુનિયાની સેર કરાવી છે. 

આ વાર્તાઓ અને ફિલ્મોમાં આ પશ્ચિમના દેશોમાંથી ઉદભવેલા પાત્રો બાકીની દુનિયાને કઈ રીતે જોવે છે, કઈ રીતે મૂલવે છે અને તેમના વિષે શું વિચારે છે તે બહુ રસપ્રદ વિષય છે. આપણે ભારતમાં અને બીજા વિકાસશીલ દેશોમાં આ 'સંસ્કૃતિ આયાત' અને તેની સાથે આવતા મૂલ્યો, દુનિયાને જોવાની દ્રષ્ટિને ઘણી વાર બહુ સવાલ પૂછ્યા અપનાવી લઈએ છીએ. એડવર્ડ સેઇડ નામના લેખકે વર્ષો પહેલા 'ઓરીએન્ટલીઝમ' નામનું પુસ્તક લખેલું જેમાં તે પૂર્વની સંસ્કૃતિઓ વિષે પશ્ચિમના લેખકો દ્વારા કરતા નિરૂપણ વિષે વાત કરે છે. આ નિરૂપણમાં વ્યક્ત થતા પૂર્વગ્રહો, બીબાઢાળ સમજ અને પક્ષપાતો પૂર્વની સંસ્કૃતિઓ કાં તો રોમાંચક મુગ્ધતાથી લેખે નહિ તો પછી જંગલી, બાર્બરિક કે પછાત સમાજ તરીકે. અહી પશ્ચિમને પણ બીબાઢાળ સમાજ પ્રમાણે જોવાનો આશય નથી. સમય જતા ઘણા જ પુસ્તકો, ફિલ્મો, ચિત્રો અને સામાજિક સંશોધનોએ પૂર્વના લોકો, તેમની રહેણી-કરણી, સંસ્કૃતિઓને બહુ આયામી રીતે પણ રજૂ કરી છે અને કરતા રહે છે.

માત્ર પશ્ચિમના સમાજ પાસે બીજા સમજો પ્રત્યે પૂર્વગ્રહો રાખવાનો 'કોપીરાઈટ' નથી. દરેક દેશ, દરેક સમાજમાં અંદર-અંદર અને બહારના તત્વો પ્રત્યે પૂર્વગ્રહો હોય જ છે. પણ વાત અહી વાત હીરો અને સુપર હીરોની કથાઓમાં આવતા બીબાઢાળ નિરૂપણની કરવી છે અમુક ઉદાહરણો સાથે. આ હીરો-સુપર હીરોની પ્રચલિત, લોકપ્રિય કથાઓ, ફિલ્મો, પુસ્તકો લોકમાનસ પર (અને ખાસ તો બાળમાનસ પર) ઊંડી છાપ પાડે છે અને પૂર્વગ્રહોને પ્રચલિત બનાવવાનું કે યોગ્યતા બક્ષવાનું કામ જાણે કે અજાણે કરતા રહે છે. તેથી જ આ ઉદાહરણોને ચોકસાઈથી સમજવા જરૂરી બને છે.

કોંગોમાં ટીનટીન
ટીનટીન કોમીક્સનું પહેલું પુસ્તક 'કોંગોમાં ટીનટીન' જયારે ૧૯૩૦ના દસકમાં લખાયું ત્યારે દુનિયાના સમીકરણો અલગ હતા. રાજકીય અને સાંસ્કૃતિક રીતે ગોરી પ્રજાનું 'સ્વામીત્વ' આફ્રિકા અને બીજા દેશોમાં પ્રસરેલું હતું. આ કોમિક બુકમાં ટીનટીન નામનો યુવાન પત્રકાર કોન્ગો જેવા આફ્રિકાના દેશમાં માત્ર ગોરી ચામડીનો યુરોપિયન હોવાને લીધે આ 'સ્વામીત્વ' ભોગવે છે. મોટાભાગના આફ્રિકન પાત્રો ટીનટીનની સેવામાં હોય છે અને ટીનટીન તેમને સૂચનો આપતો કે પછી 'શિક્ષણ' આપતો જોઈ શકાય છે. આ કોમિક બુકના પાના ફેરવતા કોન્ગોના લોકો અને જંગલના પ્રાણીઓ વચ્ચે ઝાઝો ફરક લાગતો નથી. કોન્ગોના લોકોના દેખાવનું નિરૂપણ જાણે માણસ-જાત ન હોય અને કોઈ પ્રાગ-ઐતિહાસિક પ્રજાતિ હોય તે રીતે કરવામાં આવે છે. પહેલી બ્લેક-વ્હાઈટ આવૃત્તિમાં તો આ વાત બહુ સ્વાભાવિક રીતે ઉપસે છે પણ રંગબેરંગી આવૃત્તિમાં ઘણી ટીકાઓ થયા પછી પણ આ પૂર્વગ્રહ પરોક્ષ રીતે રહી જાય છે. આજે આ કોમિકબુક મેળવવી અઘરી છે અને તેના પર પ્રતિબંધ મૂકવા માટેના કેસ થવાના સમાચાર પણ છે. તે વિષે વધુ અહી. આ બ્લોગ લેખ પર વધુ માહિતી મળી શકશે. 
તે સિવાય, ટીનટીન કોમીક્સના બીજા પુસ્તકોમાં આરબ, લેટીન અમેરિકન, ભારતીય કે તિબેટીયન લોકોનું, તેમની સંસ્કૃતિના નિરૂપણ પર સવાલ થઇ શકે છે. ભારત દેશમાંથી જયારે-જયારે ટીનટીન પસાર થાય ત્યારે તે ગીચ બજારો, ગરીબ-લાચાર પાત્રો, ચોરીની ઘટનાઓ, જાદુ-ટોણા જ જોવે. વળી, ટીનટીન અને તેના બીજા યુરોપીય મિત્રોનું સ્વામીત્વ કે ગુરુતા કે માલિકી-ભાવ એક ય બીજા સ્વરૂપે પ્રગટ થતો રહે છે. ભારતીય કે બીજા કોઈ દેશનો ટીનટીનનો 'મિત્ર' વધુમાં વધુ તેનો 'ગાઈડ' હોઈ શકે પણ કોઈ રીતે સમકક્ષ મિત્ર ન હોઈ શકે. છેવટે યુરોપીય પાત્રો કોઈક રીતે દુનિયાને બચાવે કે પછી કોઈ કીમતી વિરાસતને, અલબત્ત સ્થાનિક લોકોની થોડી-ઘણી મદદથી. ભારતીય તરીકે આપણે પણ આ સ્ટીરીયોટાઈપ પોતાને માટે નહિ તો બીજી સંસ્કૃતિ માટે તો સ્વીકારી જ લઈએ છીએ.

ઇન્ડિઆના જોન્સ અને વિનાશનું મંદિર
પ્રચલિત દંતકથા પ્રમાણે સ્ટીવન સ્પીલબર્ગ અને જ્યોર્જ લુકાસે ઇન્ડિઆના જોન્સની રચના એટલા માટે કરી કારણકે તેમને જેમ્સ બોન્ડ જેવો 'સુપર' માનવ, રંગરલીયા મનાવતો, જાત-જાતના ઉપકરણોથી દુશ્મનોને હંફાવતો બ્રિટીશ જાસૂસની જગ્યા એ સામાન્ય માણસ જેવો, દુનિયાના ગાઢ રહસ્ય ઉકેલતો, ઐતીહાસીક વારસાને બચાવવા નીકળેલો (અમેરિકન) હીરોનું સર્જન કરવું હતું. આ વિચારે દુનિયાને ઇન્ડિઆના જોન્સ જેવો વધુ નૈતિક અને હિંમતવાન હીરો આપ્યો. સ્પીલબર્ગના સૌથી 'ફેવરીટ' વિલન નાઝી જર્મનો હોવાથી ઇન્ડિઆના જોન્સની ફિલ્મોમાં પણ તે નાઝીઓને હંફાવતો જોઈ શકાય છે. પણ તેની પૂર્વ તરફની દર્ષ્ટિ લગભગ સરખી જ હતી. ખાસ તો 'ઇન્ડિઆના જોન્સ અને ટેમ્પલ ઓફ ડૂમ' નામની ફિલ્મમાં. કદાચ આ ફિલ્મ પર ભારતમાં પ્રતિબંધ છે. પરંતુ આ ફિલ્મ જો જોવા મળે તો તેમાં દર્શાવેલા ભારતના રાજા, તેનું ખાન-પાન, ધાર્મિક વિધિઓ અને વિચિત્રતાઓ વગેરે જોઇને આઘાત ચોક્કસ લાગશે. અમરીષ પુરી આ ફિલ્મમાં વિલન તરીકે જોવા મળે છે. જો કે સ્પીલબર્ગ આ ફિલ્મને ઇન્ડિઆના જોન્સ સિરીઝની સૌથી ખરાબ ફિલ્મ ગણે છે. 
તે સિવાય ઇન્ડિઆના જોન્સની બીજી ફિલ્મોમાં પણ આરબ સમાજનું નિરૂપણ વિષે પણ પ્રશ્નો થઇ શકે. આરબ સમાજનું બીબાઢાળ નિરૂપણ તો હોલીવુડની ઘણી ફિલ્મોએ વારંવાર કર્યું છે. તેમનું માનીએ આરબ વ્યક્તિ એટલે 'એલાબલા બુલૂઊઊ...' બોલીને તલવાર લઈને હુમલા કરતો જંગલી, પછાત વ્યક્તિ જે મોટેભાગે મૂર્ખ હોય અને વિદેશી હીરો તેને હરાવીને હિરોઈન કે ખજાનો લઈને ભાગી છૂટતો હોય. આ વિશેની એક ખાસ ફીલ્મ બની છે જેનું ટ્રેલર અહી જોઈ શકાશે. આવું જ નિરૂપણ આદિવાસીઓ અને બીજા કહેવાતા પછાત સમાજોનું થતું આવ્યું છે. 

દુનિયા-બચાવવાનો રોગ
હોલીવુડની ઘણી-ઘણી એક્શન ફિલ્મોમાં આ 'દુનિયા બચાવવાનો (અમેરિકન) રોગ' (saving-the-world-syndrome) જોવા મળે છે. જેમાં એક બહાદુર અમેરિકન હીરો કોઈ આંતર-રાષ્ટ્રીય ત્રાસવાદી, ભેજાગેપ વિજ્ઞાની, કમ્યુટર નિષ્ણાત, વિચિત્ર વાઈરસ, પરગ્રહવાસીઓ, ઉલ્કાઓ વગેરેથી છેલ્લી ક્ષણે આખી દુનિયાને બચાવી લે છે. આ પ્રકારની ભારતીય ફિલ્મ થોડું વાજબી રાખીને ભારતને બચાવવા સુધી જ પ્રયત્નો કરે છે. પરંતુ અમેરિકા હવે બિનહરીફ જગત-જમાદાર હોવાથી અમેરિકન હીરોને આખી દુનિયા બચાવવાથી ઓછું કઈ ન ખપે. વર્ષો સુધી આ એક્શન ફિલ્મો જોયા પછી હવે એવું લાગે છે કે દુનિયાને બચાવવાની વૃતિએ રોગનું સ્વરૂપ ધારણ કરેલું છે. કોઈ પણ ફિલ્મમાં છેવટે વાત દુનિયા બચાવવા સુધી પહોંચી જ જાય છે. જો ફિલ્મની કક્ષા સારી હોય તો આ વાત વધુ સારી રીતે, માની શકાય તેવી રીતે કરેલી હોય અને ફિલ્મની કક્ષા ખરાબ હોય તો ગમે તે અતાર્કિક રીતે પણ છેવટે દુનિયા બચાવી લેવામાં આવે છે. આજકાલ હિન્દીમાં ડબ થયેલી ફિલ્મોને લીધે બાળકો અને કુમાંરોમાં આ પ્રકારની ફિલ્મો અને તેના હીરો ઘણા પ્રચલિત હોય છે. આર્નોલ્ડ, સિલ્વેસ્ટર સ્ટેલોન, બ્રુસ વીલીસ, ટોમ ક્રૂઝથી માંડીને ચક નોરીસ, વાન ડેમ, સ્ટીવન સીગલ વગેરે વર્ષો સુધી દુનિયાને બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. વળી, હોલીવુડ ફિલ્મોમાં વિલનોનો દેશ, ધર્મ, રંગ વગરે પણ સમય જતા બદલાવ આવ્યો છે. જૂની એક્શન ફિલ્મોમાં રશિયન કે પૂર્વ યુરોપના કોઈ ઓછા-જાણીતા દેશોના આંતર-રાષ્ટ્રીય ત્રાસવાદી અને ષડયંત્રકારોની બોલબાલા હતી. હવેના વિલન વધુ સર્વ-વ્યાપક બન્યા છે, જેમાં પૂર્વ-સરકારી કર્મચારીઓ, પૂર્વ-જાસુસ/સૈનિક (એટલેકે મૂળ અમેરિકી નાગરીકો પણ આવે છે). આરબ કે મુસ્લિમ આતંકી તત્વો તો 'ફેવરીટ' રહે જ છે. દુનિયાની બદલાતી ભૂ-રાજકીય પરિસ્થિતિ જોતા એવું બની શકે કે આવતી કાલની હોલીવુડ ફિલ્મોમાં વિલન ચાઇનીઝ હોય. 

છેલ્લે, ફિલ્મો, કોમિક બુક્સ અને બીજી સાંસ્કૃતિક પેદાશો પ્રચલિત સ્ટીરીયોટાઈપને વધુ સુદ્રઢ બનાવવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. સ્ટીરીયોટાઈપ કે પૂર્વગ્રહોનું પ્રચલિત હોવું એ દરેક દેશ, દરેક સમાજમાં સામાન્ય બાબત છે. જો કે આ પૂર્વગ્રહોનું નાનપણ કે કુમારાવસ્થાના સાહિત્ય કે બીજી સંસ્કૃતિક પેદાશો દ્વારા ઘરે-ઘરે પહોંચવું ઇચ્છનીય તો નથી જ. પણ પૂર્વગ્રહને પૂર્વગ્રહ તરીકે અને સ્ટીરીયોટાઈપને સ્ટીરીયોટાઈપ તરીકે જ જોવા જેટલી દ્રષ્ટિ કેળવાય તેવી કેળવણી જરૂરી છે.

Friday, December 17, 2010

બ્રિટનમાં સાઈકલ સંઘર્ષ

'સાઈકલમ્ શરણમ્ ગચ્છામિ!' નામે સાઈકલ વિશેનો લેખ મેં કંઈક અંશે મુગ્ધતા અને રોમાંચથી લખેલો. તેના પ્રતિધ્વનિ રૂપે આ લેખમાં બ્રિટનમાં સાઈકલીંગ વિષે જમીની હકીકતો આપી છે. વિહંગાવલોકન જેવું આ સાઈકલની સીટ પરથી કરેલું 'સાઈકલાવલોકન' છે. અહીં વાહન-વ્યવહારને લગતાં વિવિધ પાસાં અને યુરોપીય શહેરોમાં જોવા મળતા નવા પ્રવાહોને ધ્યાનમાં રાખીને સાઈકલ ચાલનની વાત કરી છે.
મોટરી-કરણ અને કાર-અવલંબિત શહેરો : બીજા વિશ્વયુદ્ધ પછીના સમયથી યુરોપ અને અમેરિકામાં 'મોટરી-કરણે' જબરું જોર પકડેલું છે. આજે યુનાઇટેડ કિંગ્ડમમાંનાં ૪૫% ઘરોમાં એક કાર અને 3૫% ઘરોમાં બેથી વધુ કાર છે. વીસેક વર્ષ પહેલાં કદાચ આને 'વિકાસ'ની નિશાની માની શકાય, પણ આજે પર્યાવરણ અને હવામાનના બદલાવના સંદર્ભમાં વધુ પડતું મોટરીકરણ ગંભીર સમસ્યા છે. કારણ, વધુ કાર્બન ધુમાડા અને પેટ્રોલ-ડીઝલ જેવાં બળતણ પર વધુ પડતું પરાવલંબન. શહેરના વાહન-વ્યવહારમાં જો કારનું આધિપત્ય હોય તો તેવા શહેરોમાં ઉપ-નગરોનો વિકાસ ઝડપથી થાય છે. કારવાળા લોકો એવું માને છે કે કાર હોવાને લીધે તેઓ શહેરથી દૂર સસ્તાં અને મોટાં મકાનોમાં રહી શકશે. તેના લીધે વસ્તીમાં વધારાના પ્રમાણથી ઘણો વધારે શહેરોનો ફેલાવો થતો જ રહે છે. કાર-અવલંબિત શહેરો એટલે વધુ ફેલાવો ધરાવતાં શહેરો. વધુ ફેલાવો ધરાવતાં શહેરો એટલે લાંબા અંતરો, વધુ ટ્રાફિક, વધુ ટ્રાફિક જામ અને વધુ કાર્બન ધુમાડા. જો આપણે બ્રિસ્ટલ અને અમદાવાદની સરખામણી કરીએ તો બંને શહેર લગભગ સરખો વિસ્તાર ધરાવે છે - ૪૫૦ ચોરસ કિલો મિટર. પરંતુ અમદાવાદની વસ્તી લગભગ પિસ્તાલીસ લાખ છે જ્યારે બ્રિસ્ટલમાં સાડા ચાર લાખ લોકો રહે છે, અમદાવાદથી લગભગ દસ ગણા વિસ્તારમાં. બ્રિસ્ટલમાં બે માળથી વધુનાં મકાનો બહુ જ જૂજ સંખ્યામાં છે અને શહેર ઘણા ઉપ-નગરો (સબર્બ) ધરાવે છે. મોટા ભાગના ઉપ-નગરો કારથી આવ-જા કરતાં લોકો માટે હાઈ-વેની આસપાસ બનાવેલા છે. અમેરિકાનાં શહેરો તો વળી સંપૂર્ણ કાર-અવલંબિત છે અને તેમની વસ્તીની ગીચતા યુરોપનાં શહેરો કરતાં પણ ઓછી છે. 
પશ્ચિમમાં મોટરીકરણ આજે ગંભીર સમસ્યા બની ચૂકી છે, કારણ કે એક વાર રચાઈ ગયેલાં શહેરો બદલી શકાતાં નથી. તે સિવાય કાર નામના ધાતુના ડબ્બા માટે બનાવવી પડતી માળખાકીય સુવિધાઓ 'અમાનવીય' હોય છે. કારની આસ-પાસ રચાતાં શહેરોમાં ભેંકાર, માણસ માત્રની હાજરી વિનાની જગ્યાઓ વધારે હોય છે - અમેરિકાનાં શહેરોમાં આ કાર-ભેંકાર જગ્યાઓ બહુ આસાનીથી જોઈ શકાય છે અને યુરોપનાં શહેરોમાં તેમનું પ્રમાણ ઓછું હોય છે, પણ કારનું આધિપત્ય ઓછું નથી.. કાર-અવલંબિત શહેરો બેધારી તલવાર છે - જે કાર ન ધરાવતા લોકો માટે શ્રાપરૂપ બની રહે છે અને તેમને સતત કાર ખરીદવા માટે છૂપી રીતે પ્રોત્સાહિત કરે છે. બ્રિટનનાં શહેરોમાં ભારતીય શહેરોની જેમ હાથ ઊંચો કરીને રિક્સા રોકી શકાતી નથી અને જાહેર બસ સેવાની ગુણવત્તા ઊંચી હોવા છતાં ખાનગી વાહનના ફાયદાની સતત સરખામણી જાહેર સેવાઓ સાથે થતી રહે છે. સામાજિક રીતે, બ્રિટનમાં વૃદ્ધોની સંખ્યા ઘણી મોટી છે અને તેમાંનાં મોટા ભાગના લોકો કાર જાતે ચલાવી શકે તેવી પરિસ્થિતિમાં હોતાં નથી. વળી, સ્થૂળતાનો પ્રશ્ન પણ ગંભીર છે. તેથી કાર-આધારિત જીવન બહુ ઓછી સંખ્યાના લોકો માટે ફાયદારૂપ છે. અહીંની સરકાર અને શૈક્ષણિક મંડળોમાં આ બહુ-સ્વીકૃત હકીકત છે, પણ કારનો ઉપયોગ ઘટાડવાના ઉપાયો અંગે બહુ સહમતી નથી. 
મોટરીકરણ એટલે આધુનીકરણ નહીં : કાર-અવલંબન વિશેના આ વિચારો એ મોટા ભાગના પર્યાવરણ, વાહન-વ્યવહાર નિષ્ણાતોના મતમાં શહેરી વાહન-વ્યવહારના વિષયમાં આવેલા મૂળભૂત પરિવર્તનનો સંકેત છે. મોટરીકરણ અને આધુનીકરણનો સંબંધ વિચ્છેદ બે-ત્રણ દાયકા પહેલાં થઈ ચુક્યો છે. આધુનિક હોવું કે વિકસિત હોવું એટલે મોટર-કારની આસપાસ જીવન રચવું તે માન્યતા ખોટી પડતી નીતિઓ યુરોપના ઘણા દેશોમાં છે. શહેરી ઇતિહાસમાં વાહન-વ્યવહારના પ્રશ્નોનો પ્રણાલીગત ઉકેલ સામાન્ય રીતે વધુ ફ્લાય ઓવર, વધુ પહોળા રસ્તા, વધુ પાર્કિંગની જગ્યા અને વધુને વધુ આપી આપીને કરવાના ઉપાયો ખરેખર તો વધુ મોટા પ્રશ્નો સર્જે છે. કારણ કે તે માત્ર કાર-અવલંબિત વિકાસને જ ઉત્તેજન આપે છે. ખરેખર જરૂર છે બને તેટલા વધુ લોકોને સાઈકલનો ઉપયોગ કરતા કરવાની, કારને ઓછી પ્રાથમિકતા આપીને જાહેર બસ કે ટ્રામ સેવાને સુદ્રઢ બનાવવાની અને જાહેર રસ્તાઓને રાહદારીઓ અને સાઈકલબાજો માટે વધુ સુરક્ષિત બનાવવાની. કારને જરૂરી પૂરવઠો (રસ્તા, બળતણ, પાર્કિંગ વગેરે) આપ-આપ કરવાની જગ્યાએ તેની માંગ ઓછી કરવાની કે ઉપયોગ ઘટાડવાની તો જરૂર વર્ષો પહેલાં બધી જ યુરોપીય સરકારોને મહેસૂસ થઇ ચુકી છે. 
સમગ્ર યુરોપમાં વૈકલ્પિક ઉપાયો જેવા કે કન્જેશન ચાર્જીંગ, સાઈકલીંગનો પ્રચાર, જાહેર સાઈકલ સેવા, કારને વધુ મોંઘી અને લાઈસન્સ મેળવવું વધુ અઘરું બનાવવું વગેરે પ્રચલિત છે. કોપન હેગન, એમ્સ્તરડામ, પારિસ જેવા શહેરો વાહન-વ્યવહારના વૈકલ્પિક ઉપાયોમાં ઘણાં આગળ છે. કોપેન હેગન અને એમ્સ્તરડામમાં તો લગભગ ૪૦%  ટ્રાફિક સાઈકલોનો હોય છે, તેઓ યુરોપની સાઈકલીંગ રાજધાની છે. હોલેન્ડ તો શાનથી પોતાને સાઈકલ-પ્રેમી દેશ કહેવડાવે છે. અને આ સાઈકલ-પ્રેમ તે કોઈ જૈનીનિક જાદુ નથી પણ ૧૯૭૦ના દાયકામાં હોલેન્ડની સરકારે લીધેલાં ચોક્કસ પગલાં અને નીતિઓનું પરિણામ છે. આજથી વર્ષો પહેલાં હોલેન્ડ જેવા દેશોએ નક્કી કરેલું કે શું આપણે કાર-અવલંબનના રસ્તે જવું છે કે બીજા કોઈ પ્રદૂષણ રહિત વિકલ્પ શોધવા છે. જર્મનીએ વર્ષ ૨૦૦૨માં તેનો 'નેશનલ સાઈકલ પ્લાન' બહાર પાડેલો, જેમાં વિવિધ શહેરોમાં સાઈકલની સુવિધાઓ જેવી કે નવા રસ્તા, અલગ સિગ્નલ, પાર્કિંગ અને જાહેર બસ/ટ્રામમાં સાઈકલ લઈ જવાની સુવિધાઓ વગેરે બનાવવાનું આયોજન છે. વૈકલ્પિક અને પ્રદૂષણ રહિત વાહન-વ્યવહારની રેસમાં યુરોપમાં બ્રિટન ઘણું પાછળ છે અને કાર્બન ધુમાડાની રેસમાં ઘણું આગળ. બ્રિટનમાં લંડન સિવાય બીજા શહેરો તદ્દન કાર-આધારિત છે, જાહેર બસ કે ટ્રામ સેવા પૂરતી નથી, સાઈકલો રસ્તા પર ઓછી દેખાય છે, દરરોજ સવાર-સાંજ ટ્રાફિક જામ સામાન્ય ઘટના છે અને કાર તે દેખીતી રીતે સૌથી સર્વોચ્ચ પ્રાથમિકતા ધરાવતું સાધન છે. કોઈ વૃદ્ધ વ્યક્તિને કાર વગર જીવવું ભારે પડી શકે છે. વસ્તી વધારાથી કંઈક ગણી વધારે કારની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે.
સાઈકલ : રોજ-બ-રોજનું ઉપયોગી સાધન ? :સાઈકલના ઘણા ફાયદા છે. સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે તો તે ફાયદારૂપ છે જ, પણ શહેરી ઉપયોગ માટે તે આદર્શ સાધન છે. બ્રિટનનાં શહેરોમાં લોકો ત્રણ-ચાર કે વધુમાં પાંચ-છ માઈલ જેવું અંતર કાપતા અને કામ પર જતા હોય છે. ઘણીવાર ઓફીસ ટાઈમમાં લાગેલી ભીડમાં સાઈકલ સૌથી ઝડપી વાહન સાબિત થાય છે કારણ કે રસ્તાઅો પર કારોએ સર્જેલો ટ્રાફિક જામ હોય છે જે જાહેર બસોને તો સૌથી ધીમી પાડી દે છે. વળી, સાઈકલ તો સસ્તું સાધન છે. અને યુરોપના દેશોમાં સાઈકલ પર જવું તે સામાજિક રીતે નીચું પણ મનાતું નથી. વાત અહીં કારના આંધળા વિરોધની નથી. કાર તે કુટુંબ માટે એક ઉત્તમ, ઉપયોગી સાધન છે. પરંતુ જો એક જ માણસને ક્યાં ય પહોંચવું હોય, તો જાહેર રસ્તા પર ત્રણ મિટર ગુણ્યા પાંચ મિટર વાળો ધાતુનો ડબ્બો લઈને ધુમાડા કાઢતા નીકળવાની જરૂર નથી. ગાંધીજી કહે છે તેમ માત્ર લક્ષ્ય જ નહિ પણ લક્ષ્ય સુધી પહોંચવાનું સાધન પણ આદર્શ પ્રમાણે હોય તે મહત્ત્વનું છે. મોટા ભાગે શહેરોમાં અંદર-અંદર નાનાં-મોટાં કામ માટે નીકળવા માટે કારની જરૂર નથી. સાઈકલ એક અંગત વાહન તરીકે પૂરતી સુવિધા આપે છે. બ્રિટનનાં શહેરોમાં ભારતીય શહેરોની જેમ વાહનના પ્રકારમાં બહુ વિવિધતા નથી. બસ, સાઈકલ અને કાર આ ત્રણ સૌથી વધુ જોવાં મળતાં સાધન છે. તેથી ખાનગી વાહન તરીકે સાઈકલ વિરુદ્ધ કારનો મુદ્દો ઊડીને આંખે વળગે છે.
બ્રિટન સરકારની માહિતી મુજબ, અહીં રહેતાં ભારતીય કુટુંબો આર્થિક રીતે પ્રમાણમાં સદ્ધર છે અને અહીંની બહુમતી પ્રજામાં જે પ્રમાણે કારની માલિકી જોવા મળે છે તેવા જ આંકડા ભારતીય કુટુંબોમાં પણ જોવા મળે છે. જયારે પાકિસ્તાની, બાંગ્લાદેશી, આફ્રિકન કે જમૈકન સમૂહોમાં આર્થિક સદ્ધરતા પ્રમાણમાં ઓછી છે અને તેથી કાર માલિકી પણ ઓછી છે. પરંતુ ભારતીય અને બીજા બધા જ લઘુમતી સમૂહોમાં સાઈકલીંગનું પ્રમાણ નહિવત્ છે. સાઈકલને સામાજિક રીતે નીચો દરજ્જો મળે છે અને આ  સમાજોમાં સાઈકલને ગરીબના સાધન તરીકે જોવાય છે કે પછી 'ધોળિયાઓના ગાંડપણ' તરીકે. એક મિત્રએ તો મને કહ્યું પણ ખરું કે ‘હું બ્રિટનમાં આવીને કારને બદલે સાઈકલ ચલાવું તો દેશમાં લોકો મારા વિષે કેવું ધારી લે? કે નક્કી આ કોઈ નાનાં-મોટાં કામ કરતો હશે અને સુખી નહીં હોય.’ તે સિવાય, નેશનલ હેલ્થ સર્વે મુજબ, ભારતીય મૂળના લોકોમાં સ્વાસ્થ્ય પરત્વે બેદરકારી પણ પ્રમાણમાં વધુ હોય છે. પરંતુ બહુમતી સમૂહમાં સાઈકલીંગનું પ્રમાણ ઓછું હોવાનું કારણ સામાજિક દરજ્જો નહીં પણ કાર પ્રત્યેનો પ્રેમ; અને એવી ધારણા છે કે કાર તે વધુ સારું વાહન છે.
બ્રિટનમાં રોજ-બ-રોજનું સાઈકલ ચાલન : એક સાઈકલબાજ તરીકે બ્રિટનના રસ્તાઓ પર સાઈકલ ચલાવવું ભારતના પ્રમાણમાં અઘરું છે. કારણ કે અહીં વાહનોની સરેરાશ ઝડપ વધુ હોય છે, રસ્તા પ્રમાણમાં સાંકડા હોય છે અને કારોની સંખ્યા વધુ હોય છે. કોઈ પણ રસ્તા પર સાઈકલ તે બીજાં દરજ્જાનું સાધન છે અને સાઈકલબાજ તે બીજા દરજ્જાનો નાગરિક છે. કાર ચલાવનાર એવું માને છે કે રસ્તા પર પહેલો અને આખરી હક તેમનો જ છે. સાઈકલબાજ તરીકે તમે કારની ઝડપ 'ઓછી' કરવાનું પાપ કરો છો. તમે બ્રિટન કે ઈંગ્લેન્ડના કોઈ શહેરોમાં સાઈકલબાજ જો હો, તો “ડેઈલી મેઈલ” જેવા ટેબ્લોઈડ તમને નિયમિત રૂપે 'અસામાજિક', 'અનૈતિક', 'સ્વાર્થી' જેવા વિશેષણોથી નવાજશે. રૂઢીચુસ્ત મત પ્રમાણે સાઈકલ સવારો રસ્તે ચાલતા કાર-સવારો માટે દૂષણ રૂપ છે. આવું ખુલ્લે આમ નહીં તો રોજ-બ-રોજની વાતોમાં છૂપી રીતે સંભળાઈ જાય છે.
જો કે આ સાઈકલબાજો વિશેના પ્રચલિત મતની સામે રાજકારણીઓ અને બીજા જાણીતા ચહેરા સાઈકલનો મહિમા કરતા રહે છે. ડેવિડ કેમરૂન પ્રધાનમંત્રી બન્યા પહેલાં નિયમિત સાઈકલ ચલાવતા, એવું કહેવાય છે. અને લંડનના મેયર બોરિસ જોન્સન આજે પણ સાઈકલનો સતત ઉપયોગ કરે છે. લંડનના પૂર્વ મેયર કેન લિવીંગસ્ટનના પ્રયત્નોથી 'કન્જેશન ચાર્જીંગ' એવા અટપટા વિકલ્પને લોકપ્રિયતા સાંપડેલી કે જેમાં કાર લઈને મધ્ય લંડનમાં પ્રવેશવા માટે ફી ભરવી પડે. જયારે બોરિસ જોન્સન 'જાહેર સાઈકલ સેવા' કે જેમાં લંડનમાં વિવિધ સ્થળોએથી સાઈકલ ભાડે લઈ શકાય અને પોતાના ગંતવ્ય સ્થાને નિર્ધારિત જગ્યાએ મૂકી શકાય તેવા, નવો જ અભિગમ લઈને આવ્યા છે, જેને 'બોરિસ બાઈક'ના હુલામણા નામે ઓળખવામાં અાવે છે. તે સિવાય વિવિધ શહેર સુધરાઈઓ પોતાના રસ મુજબ, સાઈકલના પ્રચાર-પ્રસાર માટે કામ કરે છે. એકંદરે સાઈકલના પ્રચાર-પ્રસારનું કામ ઘણું થાય છે. છતાં પણ બ્રિટનનાં શહેરોમાં સાઈકલનો ટ્રાફિક સરેરાશ ૨%થી પણ ઓછો છે. કારની સંખ્યા અને સુવિધાઓ વધતી જાય છે.
બ્રિટનના શહેરોમાં એક સાઈકલબાજ હોવાના રોજના અનુભવ પણ બહુ અલગ છે. કાર ચલાવનાર તમને વ્યવસ્થિત 'જોઈ શકે' તે માટે સાઈકલબાજો ચમકતાં કપડાં પહેરે, લાઈટ લગાવે, જાત-જાતના લટકણિયા અને 'નમૂના' જેવો દેખાવ ધારણ કર્યા પછી જ રસ્તા પર નીકળે છે. આ આખી 'હું અહીં છું. મને મહેરબાની કરીને જુઅો' વાળી હાલતી-ચાલતી વિનંતી પછી પણ સાઈકલ સેર તે બીજા વાહનોના પ્રમાણમાં અઘરું છે, ખતરનાક છે. આ કાર-સાઈકલ વચ્ચેનો સંઘર્ષ વર્ગ-સંઘર્ષથી ઓછો નથી.  વળી, આ તો રોજ-બ-રોજની ભજવાતી ઘટના છે. સાઈકલબાજોના મેળાવડા યોજાય છે, સાઈકલ સેરના કાર્યક્રમો બને છે અને અકસ્ત્માત જેવી ઘટનાઅો વખતે સાઈકલબાજોને કાયદાકીય સહાય પણ મળે છે. આ બધું હોવા છતાં  સાઈકલ-સંસ્કૃિત ગૌણ સંસ્કૃિત છે. સાઈકલસવાર બીજાં દરજ્જાનાં વાહન પર બીજા દરજ્જાનો નાગરિક છે તે વાત અડધો કિલોમિટર સાઈકલ ચલાવવાથી સમજાઈ જાય છે. પણ એક વાત નક્કી છે, આવતીકાલની આવનારી વાહન-વ્યવહારની ક્રાંતિમાં સાઈકલનું સ્થાન મોખરે રહેવાનું છે.
આખરી ખ્યાલ :આ લોકો સ્વર્ગને લીંપીને પાર્કિંગની જગ્યા બનાવે છે, કંઈક ગુમાવ્યા પછી જ તેનું સાચું મૂલ્ય સમજાય છે ... (અમેરિકન સંગીતકાર જોની મીચેલનાં એક ગીત 'બીગ યલો ટેક્સી'નું મુખડું).