Monday, April 30, 2012

વાચકને...

હું તને ચમચીએ-ચમચીએ પીવડાવું
ને તું પીએ
એવું થોડું હોય!

આમ તો ચમચી-ચમચા-કડછી લઈને ઘણા લોકો ફરતાં હોય છે.
એક હાક મારીશ તો
દોડતા આવશેને તને પીવડાવશે નહિ, નવડાવશે.
તું તરબોળ થઈને તાળીઓ પાડીશ.
પાડજે... મજા આવશે...
તું નીતરતો-નીતરતો સીટીઓ મારીશ.
મારજે... મજા આવશે...
પણ તું જોઈશને, કે શું પીએ છે?
દૂધ છે કે ઝેર
કે પછી ઘૂંટેલું અફીણ. 

મારી પાસે ચમચી નથી.
મેં વસાવી જ નથી.
નવડાવી શકાય તેવું ય કાંઈ નથી.
ને મને એવા કોઈ અભરખાં નથી
કે હું જે પીવડાવું
તે જ તું પીવે.

પણ તું કોરો થાય,
હોઠ સૂકાઈ જાય,
માથું ચઢી જાય,
શ્વાસ ફૂલી જાય,
સીધું ચઢાણ કે સામું વહેણ એ જે હોય તે... 
જેવા તારા રસ્તાને જેવા તારા પનારાં.
ટૂંકમાં, તરસ અને તલપ બંને લાગી હોય,
અને કઈ વધારે તીવ્ર છે તેની ખબર ન પડતી હોય,
ખાંખા-ખોળાં-અથડામણ-કૂટામણમાં અટવાતો હોય,
ત્યારે...
જીનની જેમ ભમ્મ દઈને આવી પડીશ હું.
તને બે ગાળ આપીશ, ત્રણ વરદાન નહિ.
આપણે ગળે મળીશું, થોડા ગપ્પાં મારીશું.
એક-બીજાની તાળી લઈશુંને કશાકનો ઘૂંટડો પીશું. 
તું તારી જાતમાં થોડો અંદર ખૂંપે,
હું જાદુઈ દુનિયામાંથી બહાર આવું.
ત્યારે તને થશે કે
બસ આમ જ પીવાય.

બાકી તો તું મરવા પડ્યો હશે,
શરીરમાં નળીઓ ખોસી હશે,
હાથ-પગ ધ્રુજતાં હશે,
છાતી ખડખડતી હશે,
ડોકટરે તને 'બહારનું ખાવા-પીવાની ના પાડી' હશે.
ત્યારે...
તારી જીભ ઉપર પેલા કશાકનો સ્વાદ ફૂટી નીકળશે,
પેલી ગાળ તને તમતમાવશે અને પેલાં ગપ્પાં હસાવશે,
તું થોડો રીકવર થઇશ ને મને થોડું 'મરીઝ' જેવું લાગશે.
ત્યારે મને થશે કે
બસ આમ જ પીવાય.

બાકી મરવા પડતી વખતેય
હું તને ચમચીએ-ચમચીએ પીવડાવું
ને તું પીએ
એવું ન હોય.
Three spoons - Art work by Alan Levine from here


Friday, April 27, 2012

બે જર્મન ફિલ્મો - ગૂડબાય લેનિન / ધ લાઈવ્સ ઓફ અધર્સ

કેટલીક ફિલ્મો એવી હોય છે કે જે થિયેટરની બહાર નીકળતાની સાથે કે કમ્પ્યુટર/ટીવી ઑફ કર્યા પછી ભુલાઈ જાય છે. જ્યારે કેટલીક ફિલ્મો ફિલ્મ જોયાના દિવસો પછી મગજના એક ચોક્કસ ખૂણામાં કંઈક ગડમથલ કરતી રહે છે - ફિલ્મના દ્ગશ્યોની હારમાળા આંખના પડદા પાછળ ચાલતી રહે છે, પેલા પાત્રો અને ચહેરા યાદ આવ્યા કરે છે અને તે ફિલ્મો તરફ ખેંચતી રહે છે. આ બંને ફિલ્મો વિષે લખવાનો વિચાર કરીને, તે અંગેની પોસ્ટ બનાવીને એક-બે ફકરા લખીને માંડી વાળેલું. પણ પછી ફરીને ફરી તેમના વિષે લખવાનું મન થતું રહે છે. એટલે આજે છેલ્લા દાયકાની બે નોંધપાત્ર જર્મન ફિલ્મો વિષે વિશેષ પોસ્ટ.

બંને ફિલ્મો બીજા વિશ્વયુદ્ધ પછી રશિયાના તાબા હેઠળમાં રચાયેલા પૂર્વ જર્મનીના છેલ્લા દિવસો, બર્લિનની દીવાલના વિધ્વંસ અને 'સંયુક્ત' જર્મનીની રચનાની પાશ્વભૂમિમાં ગોઠવાયેલી છે. બંને ફિલ્મો આત્યંકિત પરિસ્થિતિમાં રાજ્યસત્તાના અમાનવીય અંકુશ વચ્ચે જીવતી માનવીય સંવેદનાની વાત છે. ઘણી રીતે પશ્ચિમ અને પૂર્વ જર્મની અમેરિકા-રશિયા વચ્ચેના શીતયુદ્ધના મેદાનો હતા. વિશ્વની બે મહાસત્તાઓ એક જ ભાષા અને સંસ્કૃતિ ધરાવતી પ્રજા વચ્ચે મૂડીવાદ-સામ્યવાદ જેવી વિચારધારાઓના માધ્યમથી કેવું વૈમનસ્ય પેદા કરેલું તે વીસમી સદીના બહુ ઓછા જાણીતા વિષયોમાંનો એક છે. વીસમી સદીની ફિલ્મો અને સાહિત્યમાં બીજું વિશ્વયુદ્ધ અનેક પરિમાણોથી ઝીલાયું છે, પણ સાલ ૧૯૪૫ પછીના પિસ્તાલીસ વર્ષ સુધી (લગભગ ૧૯૮૯ સુધી) બંને જર્મનીમાં શું ચાલ્યું તે અંગેની કથાઓ, સામગ્રી અને ફિલ્મો વગેરેની આંતરરાષ્ટ્રીય સ્તર પર આવવાની શરૂઆત છેલ્લા માત્ર દસેક વર્ષથી થઇ છે. આમ તો, ભારતીય ફિલ્મોમાં વીસમી સદીની ભારતીય ઉપખંડની કરુણાંતિકા જેવા ભારત-પાકિસ્તાનના ભાગલા વિષે પણ એક-બે આંગળીને વેઢે ગણી શકાય તેટલી જ ફિલ્મો છે.
Map of Berlin - the yellow line marks the location of the wall dividing the city
તો વાત જાણે એમ છે કે બીજા વિશ્વયુદ્ધમાં હિટલરના નાઝી લશ્કરના પતન વખતે જે હિસ્સો અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ જોડે હતો તે પશ્ચિમ જર્મની ઉર્ફે 'ફેડરલ રિપબ્લિક ઑફ જર્મની'ના નામે ઓળખાયો અને રશિયાના તાબા હેઠળનો પ્રદેશ પૂર્વ જર્મની કે 'જર્મન ડેમોક્રેટિક રિપબ્લિક' તરીકે. સંયુક્ત જર્મનીના બે ભાગ પડ્યા અને બર્લિન શહેર પણ (ઉપર નકશામાં બતાવ્યા પ્રમાણે) બે ભાગમાં વહેંચાયું. પૂર્વ જર્મનીએ 'બચી ગયેલા નાઝી અને ફાસીવાદી તત્વોથી રક્ષણ'ના બહાના હેઠળ જે 'બર્લિનની દીવાલ'ના નામે ઓળખાય છે તે દીવાલ ચણી લીધી. એક જ શહેરને બે અલગ-અગલ દેશની જેમ વહેંચવામાં આવે તે કેવી વિચિત્ર પરિસ્થિતિ હશે? દિવસે દિવસે પૂર્વ જર્મની વધુ અને વધુ સંકુચિત અને તેના નાગરીકો પર અંકુશ રાખતું બનતું ગયું, જ્યારે પશ્ચિમ જર્મનીએ બ્રિટન, ફ્રાંસ વગેરેની જેમ વિકસતું રહ્યું અને અમેરિકાના 'માર્શલ પ્લાન' હેઠળ તેને નવ-નિર્માણ માટે અઢળક નાણા મળ્યા. આજે જે ફિલ્મોની વાત કરાવી છે તે બંને ફિલ્મની ગોઠવાયેલી છે એંસીના દાયકાના અંત સમયના પૂર્વ જર્મનીમાં અને ખાસ તો ૧૯૮૯માં બર્લિનની દીવાલ તૂટવા પછીની પરિસ્થિતિની અસરો માનવ સમાજ પર કેવી પડી?

ગૂડબાય લેનિન (૨૦૦૩)

દિગ્દર્શક: વોઈલ્ફગાંગ બેકર
Movie poster - Good Bye Lenin

પશ્ચિમ-પૂર્વ જર્મની વચ્ચેની વિચિત્ર અને આત્યંકિત પરિસ્થિતિને બહુ રસપ્રદ રીતે રજૂ કરે છે ફિલ્મ - ગૂડબાય લેનિન (૨૦૦૩). ફિલ્મનો નાયક પૂર્વ બર્લીનમાં માતા- બહેન સાથે રહેતો સામાન્ય યુવાન છે. તેના પિતા તેમને મૂકીને પશ્ચિમ ભાગમાં ભાગી છૂટ્યા છે, જ્યારે માતા સામ્યવાદી પક્ષની સંનિષ્ઠ કાર્યકર છે અને તે તેના મિત્રો-પાડોશીઓને સરકાર જોડેના પત્રવ્યવહાર અને અરજીઓ વગેરેમાં મદદ કરતી ભલી વ્યક્તિ છે. એક દિવસ તેના દીકરાને પોલીસ દ્વારા પકડાતો જોઇને માતા આઘાતથી કોમામાં સરી પડે છે. તેના જીવન પર ખતરો છે. બંને ભાઈ-બહેનનું જીવન માતાના સ્વાસ્થ્ય અને નવા આવતા પડકારો સાથે સંઘર્ષ કરતા-કરતા વહી રહ્યું છે. પણ તેમની આસપાસની પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. અચાનક શીતયુધ્ધનો અંત આવે છે અને બર્લિનની દિવાલનું પતન થઈને 'સંયુક્ત જર્મની' બને છે. નવા એકાકાર જર્મનીનો નવો ઉત્સાહ છે, નવું જોમ છે. પૂર્વ જર્મનીના ભાગો હવે કોઈ સરકારી અંકુશ વગર પશ્ચિમી જર્મની તેની સંસ્કૃતિ, બજારો, ટીવી-મીડિયા વગેરે સાથે જોડાય છે - ખરેખર તો પશ્ચિમના 'મુક્ત વાતાવરણ'માં મુગ્ધતા અને ઉત્તેજનાથી ભળી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો હવે સામ્યવાદનું પતન થયું છે અને મૂડીવાદનો ભવ્ય વિજય થયો છે.

આગળ એવું બને છે કે થોડા મહિના પછી માંને હોશ આવે છે. દીકરા અને દીકરીને ચિંતા થાય છે કે તેની આસપાસની સંપૂર્ણ રીતે બદલાઈ ચૂકેલી પરિસ્થિતિની અસર માં પર કેવી પડશે? કે 'સામ્યવાદની હાર' જેવો આઘાત તેની સામ્યવાદમાં સંનિષ્ઠાથી માનતી માતા કેવી રીતે સહન કરી શકશે? એટલે દીકરો તેના મિત્ર જોડે મળીને એવો કારસો રચે છે કે જાણે મૂડીવાદી પશ્ચિમ જર્મની પૂર્વ જર્મનીના શરણે આવ્યું છે અને તેમણે સ્વયંભૂ રીતે સામ્યવાદ અને તેના આદર્શોનો સ્વીકાર કર્યો છે. તેની બહેન આ નાટકમાં ભાગ લેવા અનિચ્છાથી તૈયાર થઇ હોય છે એટલે દરેક પરિસ્થિતિમાંથી 'મૌલિકતાથી' રસ્તો ગોતવા માટેની ભાંજગડ કરવાનું દીકરાને માથે છે. પણ 'દિવસને રાત અને રાતને દિવસ' કહેવો કેવી રીતે? તેની માં બારીની બહાર જુવે તો પણ તે અવઢવમાં પડી જાય કારણકે હવે મૂડીવાદના પ્રતીકસમા કોકાકોલા જેવા ઉત્પાદનોના બીલબોર્ડસથી હવે બર્લિન છવાયેલું છે. કરિયાણામાં મળતી ચીજ-વસ્તુઓ બદલાઈ છે, છાપાં બદલાયા છે, ટીવી પર સમાચાર અને તે દર્શાવવાની પધ્ધતિ બદલાઈ છે, પાડોશીઓ સુધ્ધાં બદલાઈ ગયા છે. જાણે બે વિખૂટાં પડેલા હિસ્સાઓમાં એકબીજામાં જલ્દીથી ભળી જવાની ઉતાવળ છે.

બસ આ ફિલ્મ કોમામાંથી પાછી આવેલી માંને બચાવવા મૂડીવાદને સામ્યવાદમાં ખપાવતા દીકરાના નાટકીય પ્રયત્નોની વાર્તા છે. મોટી મહાસત્તાઓ વચ્ચેના વાદ-વિવાદમાં વિખેરાઈ ગયેલા દેશમાં વિખેરાઈ ગયેલા કુટુંબને એક સાથે રાખવાના પ્રયત્નોની વાત છે. આનાથી વધુ વાર્તા કે વિષયનું વર્ણન ફિલ્મને ન્યાય નહિ કરી શકે તેથી દીકરાના સંઘર્ષ અને માંનું મનોવિશ્વ સમજવા માટે આ ફિલ્મ જોવી જ પડે.
A statue of Lenin flying across the cityscapes of Berlin
ફિલ્મનું સૌથી એક યાદગાર દ્ગશ્ય છે. માં પથારીવશ છે અને કોમામાંથી હમણા જ બહાર આવી છે. એક વાર તે વિક્ષુબ્ધ્ધ હાલતમાં કોઈને કહ્યા વગર તેમના એપાર્ટમેન્ટની બહાર નીકળી જાય છે. ત્યારે તેની નજરની સામે બર્લિનની બદલાયેલી ભૂગોળ, નવા ઉત્પાદનોની છેતરામણી જાહેરખબરો વગેરે આવે છે અને ત્યાં દૂરથી લેનિનની વિશાળકાય પ્રતિમા હેલીકોપ્ટર સાથે દોરડે બંધાઈને ઉડતી તે જુવે છે. આ દ્ગશ્ય વિચારતા કરી મુકે તેવું છે. લેનિનની પ્રતિમા દોરડે બંધાઈ છે કે શૂળીએ ચઢી છે? શું લેનિનની પ્રતિમાનો વિધ્વંસ સામ્યવાદી વિચારધારાના વિધ્વંસના પ્રતિકરૂપે છે? બર્લિનના આકાશમાં આ લેનિનની આખરી અવકાશી સફર છે? શું લેનિન આખરી અલવિદા કહીને બર્લિન છોડીને જઈ રહ્યો છે કે તેને ધકેલવામાં આવી રહ્યો છે? આવા અનેક અર્થો તમારા મગજમાંથી ઝડપથી પસાર થાય છે. આ એક સરરિયલ (Surreal) અનુભવ છે. આ વાસ્તવિકતા છે કારણકે નજરની સામે છે પણ આ સ્વપ્નમય વાસ્તવિકતા છે, અજાગ્રત મનની છળ-કપટ અને રમતો અનેક અર્થોનો વિસ્તાર કરે છે. તેથી જે દેખાય છે તેના કરતા તેના અર્થો વધુ વિશાળ અને દૂરગામી છે. આવા દ્રશ્યો કોઈ પણ ફિલ્મ વિશેની અમીટ છાપ મૂકી જાય છે. આ દ્રશ્યનું ફિલ્મ ઇતિહાસમાં અનેરું મહત્વ એટલા માટે છે કે ઇટાલિયન દિગ્દર્શક ફ્રેદરીકો ફેલીનીની ફિલ્મ 'લા દોલ્ચે વીટા'માં અહીંથી બીજા જ પરિપેક્ષમાં એક હેલીકોપ્ટરથી બંધાયેલી જીસસની ઉડતી પ્રતિમાનો ઉપયોગ કરાયો છે.

મજબૂત કથાબીજ અને પટકથા ઉપરાંત આ ફિલ્મનું એક ઔર મજબૂત પાસું તેનું સંગીત છે. યાન ત્ચીયરસન (Yann Tiersen) આ ફિલ્મ પહેલા યાન ત્ચીયરસન ફોરેન ફિલ્મ કેટેગરીની ઓસ્કાર વિજેતા એમિલી (૨૦૦૧)માં સંગીત આપીને પ્રસિદ્ધ થઇ ચૂક્યા છે. આ ફિલ્મના સંગીત વગર તેની યાદ અધૂરી લાગે કારણકે ફિલ્મના સાઉન્ડટ્રેક સાથે ફિલ્મના દ્રશ્યો મજબૂત રીતે સંકળાયેલા છે. યાનનું સંગીત હમેશા બહુ જ સરળ હોય છે અને પિયાનોના સુરોના આવર્તન-પુનરાવર્તનથી રચાયેલું હોય છે પણ દિલ સોંસરવું ઉતારી જાય છે. આ ફિલ્મનું ટ્રેઇલર અહીં અને અહીં જોવા મળશે. યાનના આ ફિલ્મના સંગીતની ત્રણ અલગ અલગ મૂડની રચનાઓ અહીં, અહીં અને અહીં છે.

ધ લાઈવ્સ ઓફ અધર્સ (૨૦૦૬)

દિગ્દર્શક: ફ્લોરીયન હેન્કેલ ફોન દોનાસ્માર્ક

Movie poster - the lives of others
'ગૂડબાય લેનિન'માં હાસ્ય-કરુણ રસનું મિશ્રણ છે પણ એકંદરે તે હળવી ફિલ્મ છે. તેની સરખામણીમાં 'ધ લાઈવ્સ ઓફ અધર્સ' ગંભીર ફિલ્મ છે અને તેમાં નાટ્યાત્મકતા, માનવીય સંવેદનોનું નિરૂપણ એટલું અદભૂત છે કે આ ફિલ્મ તમને છેવટ સુધી જકડી રાખશે. આ ફિલ્મ જર્મનીમાં 'લાસ લેઈબન દે અન્દવન' નામથી  ૨૦૦૬માં રીલીઝ થઇ છે. આ ફિલ્મ ધ લાઈવ્સ ઑફ અધર્સ એટલે કે બીજા કોઈની જીંદગીમાં તાકઝાંક કરતી પૂર્વ જર્મનીની છૂપી પોલીસ/જાસૂસી સંસ્થા સ્ટાઝી(Stasi)ના એક જાસૂસ અને નાટ્યકાર-અભિનેત્રી યુગલ વચ્ચેની કશ્મકશની વાર્તા છે. આ કથા સામ્યવાદી વિચારધારાના વિવિધ આયામનું પ્રતિનિધિત્વ કરતા પાત્રો અને તેમના ગ્રે શેડ્સ ધરાવતા વ્યક્તિત્વોને રૂપ આપવાની સાથે-સાથે પૂર્વ જર્મનીની સામ્યવાદી સરકારની અસલામતી અને ભયાનકતાનું નિરૂપણ કરે છે.

બીજા વિશ્વયુદ્ધના રશિયન તાબા હેઠળનું પૂર્વ જર્મની 'મૂડીવાદને ખાળવા'ના બહાના હેઠળ પહેલા સરહદો પછી, બજારમાં વેચાતી ચીજ-વસ્તુઓ, મીડિયા અને છેલ્લે સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે પર સરકારી અંકુશ લાદી દે છે. બહારના પ્રવાહોને ખાળવાની હોંશમાં પૂર્વ જર્મની પોતે જ દુનિયાથી વિખૂટું પડતું જાય છે. આટલા બધા સરકારી અંકુશોથી લોકો ત્રાસી જાય છે એટલે જ રાજ્યસત્તાએ વધુ ચુસ્ત અંકુશો માટે સ્ટાઝી નામની જાસૂસી સંસ્થા ઉભી થાય છે, જે લોકોના અંગત જીવનમાં ડોકિયું કરીને સરકાર વિરુદ્ધના સંભવિત કાવતરાં શોધવાની ગડમથલ કરે છે. સ્ટાઝીને પૂર્વ જર્મનીની સામ્યવાદી પાર્ટીના 'ઢાલ-તલવાર' તરીકેના માન-સન્માન મળતા હતાં. સ્ટાઝીની હડફેટે પૂર્વ જર્મનીની સરકાર અને વિચારધારામાં સંનીષ્ઠતાથી માનનાર એક પ્રગતિશીલ નાટ્યકાર ચઢે છે. તેનું ઘર યાંત્રિકી જાપ્તા હેઠળ મૂકાય છે, તેના ફોન ટેઈપ થાય છે, તેની હિલચાલ, તેના એકેક ઉચ્ચારનું ઝીણવટથી દસ્તાવેજીકરણ થાય છે. તેની પ્રેમિકાનો ઉપયોગ-દુરુપયોગ કરવામાં આવે છે. પણ આ નાટ્યકાર છેલ્લે સુધી માની નથી શકતો કે તે સરકારી જાપ્તા હેઠળ હતો. તેને નવાઈ લગતી રહે છે કે પૂર્વ જર્મનીના મોટાભાગના કલાકારો, બુદ્ધિજીવીઓ, સ્વતંત્ર બુદ્ધિના લોકો પર જાસૂસી થતી હતી તો તે કેમ બાકી રહી ગયો? 
Stasi agent Gerd Wiesler at work

આ ફિલ્મનું મજબૂત પાત્ર છે સ્ટાઝીના જાસૂસ કેપ્ટન ગર્ત વિઝ્લરનું પાત્ર ભજવતા અભિનેતા ઉલરીફ મ્યુહાનું. કવેન્ટીન ટેરેન્ટીનોની ફિલ્મ ઇન્ગ્લોરીયસ બાસ્ટર્ડ્સ (૨૦૦૯)ના કર્નલ હેન્સ લેન્દાની (અભિનેતા ક્રિસ્ટોફ વૌલ્ટ્ઝ) ઠંડી ક્રૂરતાની યાદ આપવી દે તેવું પાત્ર ગર્ત વિઝ્લરનું છે. ખૂબ જ ચુસ્તતા, નિષ્ઠા અને યાંત્રિકી ચોકસાઈથી તે પોતાની જાસૂસીની નોકરી કરે છે. ફિલ્મ આગળ વધતાં આપણને ખ્યાલ આવે છે કે કઠોરતાથી પોતાના નાગરીકો પર દમન કરતી રાજ્ય્સત્તાઓ આખરે માણસોથી બનેલી હોય છે. ગર્ત વિઝાલર ખરેખર માણસ છે, યંત્ર નહિ અને તેની પાસે એક હૃદય છે અને અધૂરામાં પૂરું, તે ધડકે પણ છે. પોતાની કારકિર્દીના ભોગે ગર્ત વિઝ્લર નાટ્યકાર માટે કૈંક એવું કામ કરી જાય છે કે તે પોતાની પર જાસૂસી કરી રહેલા શખ્સનો ઉપકાર ભૂલી શકતો નથી. બર્લિનની દિવાલના પતન પછી અને સંયુક્ત જર્મનીના નિર્માણ પછી હવે પ્રસિદ્ધિ પામેલ નાટ્યકાર સ્ટાઝીના એક અજાણ્યા એજન્ટ HGW XX/7 ને પોતાનું પુસ્તક અર્પણ કરે છે. આ વખતે ટપાલીનું સામાન્ય કામ કરી રહેલ ગર્ત વિઝ્લર એક પુસ્તકની દુકાન આગળ રોકાય છે, અંદર જાય છે, પેલું પુસ્તક હાથમાં લઈને અંદર જુવે છે અને ખરીદવા કાઉન્ટર પર જાય છે. કાઉન્ટર પરની વ્યક્તિ પૂછે છે, 'શું આ પુસ્તકને ગિફ્ટ પેક કરવાનું છે?' તો એ જવાબ આપે છે, 'ના, આ મારા માટે જ છે'. ફિલ્મ અહીં પૂરી થાય છે.

મેં અહીં ફિલ્મની રૂપરેખા આપી છે એટલે તમે આખી ફિલ્મ જોશો તો રસભંગ નહિ થાય તેની ખાતરી છે. જો કે છેલ્લા દ્ગશ્યની ચર્ચા કરવાની લાલચ રોકી શક્યો નથી. પણ આ ફિલ્મમાં અહીં નથી ચર્ચાયું તેવું ઘણું બધું છે, ઘણા પડળો છે અને ઘણું માણવા જેવું છે. આ બંને ફિલ્મોની ચર્ચા કરતી વખતે એવું માની લીધું છે કે મોટાભાગના લોકોએ આ ફિલ્મો નહિ જોઈ હોય. પણ જો કોઈએ જોઈ હોય અને પોતાના અનુભવો જણાવશે તો બહુ મજા પડશે. ધ લાઈવ્સ ઓફ અધર્સનું ટ્રેઇલર અહીં જોઈ શકાશે.

છેલ્લી સદીમાં જર્મન પ્રજાએ બહુ જોરદાર ઉથલપાથલો જોઈ છે. બે વિશ્વયુદ્ધો, યહૂદીઓનો સૌથી વરવો માનવસંહાર અને નાઝીઓનું દમન, સામ્યવાદી સરકાર અને સ્ટાઝીનું દમન વગેરે વગેરે. કંઈક કેટલાયે નાગરીકો, કુટુંબો, કલાકારો અને પ્રતિભાશાળી લોકો તેનો ભોગ બન્યા હશે. વિચારધારાઓના નામે હિંસા થઇ હતી, નાગરિક-સ્વાત્રંત્ય પર કાપ મૂકવામાં આવ્યો હતો અને રાષ્ટ્રપ્રેમ વગેરેનું નામ લઈને હાંસલ કરેલી રાજ્યસત્તાનો દુરુપયોગ નાગરીકોને અંકુશમાં રાખવા માટે થયો હતો. મહત્વની વાત એ છે કે મસમોટા હિંસાકાંડો કે સરકારી દમન પછી ન્યાયની પ્રક્રિયાઓ ઠેબે ચઢી નથી. નાઝીઓ અને બીજા વિશ્વયુદ્ધના અપરાધીઓ સામે ન્યુરમ્બર્ગ ટ્રાયલ્સના નામે ન્યાયબદ્ધ રીતે અને સમયસર ખટલા ચલાવવામાં આવ્યા છે અને અપરાધીઓને સજા થઇ છે. સ્ટાઝીએ કરેલી જાસૂસી અંગેના દસ્તાવેજો જનતા સમક્ષ મૂકવામાં આવ્યા છે અને આ અંગે ખાસ્સી પારદર્શકતા બતાવવામાં આવી છે. આ સાથે-સાથે જર્મનીએ છેલ્લી સદીમાં જગત-પ્રસિદ્ધ સંગીતકારો, નાટ્યકારો, ફિલ્મો, કવિઓ, ફિલસૂફો, સ્થપતિઓ, રમતવીરો અને વૈજ્ઞાનિકો આપ્યા છે. સમયનું વલોણું જેટલું જોરથી જર્મન પ્રજા પર પીસાયું છે તેની સાથે સાથે કળા-સંસ્કૃતિ, રમત-ગમત અને વિજ્ઞાન ક્ષેત્રેની અભિવ્યક્તિ અર્ક બનીને નીકળી છે. કળા-સંસ્કૃતિ, રમત-ગમત અને વિજ્ઞાન જીવતા રહે અને વિકાસ પામે તો સમાજ વિકસતો રહે છે, તે જર્મન ઉદાહરણ પરથી સમજાય છે.

Sunday, April 01, 2012

બે ઓલિમ્પિક શહેરોમાં લટાર - ૨૦૦૭ અને ૨૦૧૨

નવેમ્બર-ડીસેમ્બર, ૨૦૦૭માં બીજીંગ ઓલિમ્પિકને વધાવવા નવાં વાઘાં પહેરી રહ્યું હતું અને અત્યારે માર્ચ, ૨૦૧૨માં  લંડનમાં કંઇક એવો જ માહોલ છે. કોઈક કારણસર બંને શહેરમાં ઓલિમ્પિક આરંભાય તે પહેલા આ શહેરોની મુલાકાત લેવાનો રોમાંચ સાંપડ્યો છે. 'પાનસિંઘ તોમર'ના તોરમાં આવીને આ વખતે વિશેષ રસથી અૉલીમ્પીક રમતો તો (ટીવી પર) જોઈશું જ પણ તે પહેલાં આટલી મોટી ઇવેન્ટ આ શહેરો કેવી રીતે સર્જે છે અને સાથે-સાથે કેવી રીતે સજે-ધજે તે બહુ રસપ્રદ છે. તેથી બીજીંગને યાદ કરતા કરતા લંડનની લટાર... અને વચ્ચે થોડા નિસાસા નાખતા દિલ્હીમાં ડોકિયું.

બહુ જાણીતી વાત છે કે જે શહેરમાં ઓલિમ્પિક યોજાય તેને ભરપૂર પબ્લીસીટી મળે છે, વ્યાપાર-ધંધામાં અકલ્પ્ય ઉછાળો આવે છે, લાખોની સંખ્યામાં મુલાકાતીઓ-સહેલાણીઓ આવે છે, દુનિયાના પ્રવાસીઓના નકશા પર અને લોકોની સ્મૃતિમાં આ શહેર સદૈવને માટે અંકિત થઇ જાય છે. ઓછી જાણીતી વાત એ છે કે આવા મહા-પ્રસંગ પાછળ ૬-૭ વર્ષનું આયોજન અને તે પ્રમાણે અમલીકરણ હોય છે, માળખાકીય સુવિધાઓમાં જબરજસ્ત રોકાણ હોય છે અને ક્યારેક પૂરેપૂરા શહેરો તો ક્યારેક અમુક શહેરી ભાગોની સંપૂર્ણ કાયાપલટ જોવા મળે છે. કેટલાય શહેરો આ પ્રકારના અવસરને લીધે આવતી તકોનો કસ કાઢીને ઉપયોગ કરી લે છે. ટોકિયો (૧૯૬૪), બાર્સેલોના (૧૯૮૮) અને સીઉલ (૧૯૯૨) જેવા શહેરો દુનિયાના પ્રવાસીઓમાં પ્રિય બન્યા છે તેમાં ઓલિમ્પિક જેવા અવસરનો અને તેના લીધે બનેલી માળખાકીય સુવિધાઓનો બહુ મોટો હાથ છે. મોટાભાગની શહેરી સરકારો-તંત્રો રાજ્ય કે રાષ્ટ્રીય સ્તર જેટલા સદ્ધર હોતા નથી એટલે મોંઘી માળખાકીય સુવિધાઓ, જેવી કે શહેરમાં જાહેર પરિવહનની સુવિધાઓ (અન્ડરગ્રાઉન્ડ મેટ્રો કે લાઈટ રેઈલ કે બીઆરટી) આવા પ્રસંગોને પરિણામે ઉભી થતી હોય છે. જો કે ક્યાંક કરુણ કથાઓ પણ સાંભળવા મળે છે. મોન્ટ્રીયલ (૧૯૭૬) અને સિડની (૨૦૦૦)માં ઓલિમ્પિક પછી ભારે આર્થીક મંદી આવી હતી કારણકે જે સુવિધાઓનું નિર્માણ થયું હતું તે તેની માંગ કરતા ઘણી વધુ હતી. ઓલિમ્પિકનો ઉપયોગ કરીને આર્થિક તેમજ પ્રવાસન વિકાસ કરવાની દરેક દેશને નેમ હોય છે. બીજિંગ અને લંડનમાં આવું કેટલી હદ સુધી થયું છે કે થઇ રહ્યું છે?
Olympic 2008 billboard at the great wall of China (Badaling)
Olympic 2012 clock at the National Gallery, Trafalgar Square (London).
બીજિંગ અને લંડન લગભગ એકસરખા રેખાંશ (અને તાપમાન) ધરાવતાં હોવા છતાં એક-બીજાથી બહુ અલગ શહેરો છે. બંનેના સરકારી તંત્ર, મીડિયા, શહેરની રચના-બાંધણી અને વસવાટ કરતા લોકોમાં દિવસ-રાતનો ફરક છે. જો કે અહીં પૂર્વ-પશ્ચિમ જેવો ચવાયેલો ભેદ નથી પાડી શકાતો. લંડન ઘણા અંશે 'ગ્લોબલ' શહેર છે. પંચરંગી પ્રજા, ખાણી-પીણી પોશાક વગેરેમાં વિવિધતા, વિશ્વના આર્થિક પ્રવાહોનું નિયમન કરતી સંસ્થાઓ, સારી યુનિવર્સિટીઓ, આર્ટ ગૅલેરી, કાફે અને ખુલ્લાપણું અને 'ભલે પધાર્યા'ની લાક્ષણિકતા ધરાવતી અનેક જગ્યાઓ - આ બધા એક ગ્લોબલ શહેરના લક્ષણો છે. બીજિંગ તેનાથી અલગ શહેર છે. તે જૂના પરંપરાગત વિસ્તારો અને નવી આર્થિક મહાસત્તાની શહેરી ભૂગોળ વચ્ચે વહેંચાયેલું શહેર છે. બીજિંગ મને ખાસું ઔદ્યોગિક લાગે છે જાણે કે કોઈ વિશાળ મશીનનો, કોઈ યાંત્રિકી રચનાનો હિસ્સો હોય તેમ. લંડનમાં વ્યવસ્થા અને ઔપચારિકતા વચ્ચે ફાટી નીકળતી મજાની અંધાધૂંધી છે તો બીજિંગમાં એશિયન બ્રાંડની અંધાધૂંધી વચ્ચે યાંત્રિક શિસ્તબદ્ધતા છે. લંડનમાં જે છે તે બધું 'સાંસ્કૃતિક વારસો' છે અને તેમાં આધુનિકતા સાંકડ-માંકડ ગોઠવાઈ જાય છે. જ્યારે બીજીંગમાં જે જૂનું છે તે જૂનું છે અને જે નવું છે તે નવું છે, જાણે હમણાં બન્યું હોય તેવું ધમધમાટ અને યાંત્રિકી ચોકસાઈ વાળું ચકચકાટ.

૨૦૦૭માં બીજિંગ

આ બંને શહેરની લાક્ષણિકતાઓ તેના ઓલિમ્પિક રમતોની તૈયારીઓમાં પણ દેખાઈ આવે છે. ચીનને માટે દુનિયાને તેની આર્થિક-રાજકીય તાકાત બતાવવાનો આ મજબૂત મોકો હતો. ૨૦૦૮ પહેલાના છેલ્લા બે-ત્રણ કંઇક અંશે નબળા અને ઉદાસીન કહી શકાય તેવા ઓલિમ્પિકના ઉત્સવો પછી જાણે કે ચીને નક્કી કર્યું હોય કે 'અમે તમને બતાવીશું કે ઓલિમ્પિકનું આયોજન કેમ કરાય છે?' બીજીંગમાંલીમ્પીકની તૈયારી માટે ૪૦ બિલિયન ડોલર ઠલવાયેલા હતા. ૨૦૦૮ સુધીમાં ૧૧૦૦૦ નવા હોટેલ રૂમ શહેરમાં ઉમેરાયેલા, લાખો સ્ક્વેર મીટરની ઓફીસ સ્પેઈસ અને શૉપિંગ એરિયાનો ઉમેરો થયો હતો. શહેરના દરેક વિસ્તારનું નવીનીકરણ થયું હતું. દોઢસો મિલિયન ડોલરના આંકડો તો જૂના-જર્જરિત મકાનોને ધરાશાયી કરવાના ખર્ચ તરીકે બોલાતો હતો. બીજિંગ શહેરના ઉત્તરભાગમાં એક વિસ્તારની આસ-પાસ એક હદ નક્કી કરવામાં આવી અને તેમાં આવેલા રહેણાક વિસ્તારો, દુકાનો, ઓફીસ વગેરેને ખાલી કરાવીને તેમને બીજે લઇ જવામાં આવ્યા. તે વિસ્તારમાં ઈમારતોને જમીનદોસ્ત કરીને ઓલિમ્પિક પાર્કનું નિર્માણ શરુ કરવામાં આવ્યું. બસ, આ ઘટના વિષે આવી દંતકથાઓ અને તેની સરકારી આવૃત્તિ સિવાય બીજું કંઈ ખબર નથી.
The famous 'Birds' nest' - 2008 Olympic Stadium under-construction in November 2007, North Beijing.

'One World One Dream' - The logo of Beijing Olympic. Photo of the hording outside the Birds' Nest.
બીજિંગ શહેરમાં ધરમૂળથી ફેરફારો થઇ રહ્યા હતાં. શહેરની મેટ્રો રેલ (સબ વે) સુવિધા માટે એક નવી લાઈન નાખીને આખું નેટવર્ક પૂરું કરવામાં આવ્યું હતું. શહેરના દૂર-સુદૂર વિસ્તારોમાંથી લોકો શહેરના મુખ્ય ભાગો કે મેટ્રો રેલના નેટવર્ક સુધી પહોંચીકે તે માટે બી.આર.ટી.ના નવા કોરીડોર વિકસાવવામાં આવ્યા હતા (અમદાવાદ-સુરતમાં બની રહ્યા છે તેવા). શહેરની સંસ્કૃતિને, લોકોને, સુવિધાઓને જાણે ઘસીને ઉજળી કરવાની કવાયત ચાલતી હતી. શહેરમાં હરતાં-ફરતાં ઓલિમ્પિકનો સંદર્ભ સતત આવ્યા કરતો હતો. પેલું કેમ બંધ છે? અહીં કેમ નવું કામ ચાલી રહ્યું છે? ત્યાં કેમ આવું છે? - આ બધા પ્રકારના સવાલોનો એક જવાબ હતો. શહેર ઓલિમ્પિક માટે તૈયાર થઇ રહ્યું છે. શહેરમાં દરેક નિશાની, પાટિયાં, બીલબોર્ડ, નકશા વગેરે પરવે મેન્ડેરીન અને અંગ્રેજી એમ બે ભાષાઓમાં માહિતી દર્શાવાતી હતી. મેટ્રો રેલ (સબ વે) વગેરેમાં જાહેરાતો-ઘોષણા વગેરે બે ભાષામાં સંભળાતી થઇ હતી.

એક ઉદાહરણ તરીકે, નીચે બતાવેલ બીજિંગના મેટ્રો ઉર્ફે સબ વે નેટવર્કનો ફોટોગ્રાફ મેં નવેમ્બર ૨૦૦૭ માં લીધેલો હતો. તેમાં દર્શાવ્યા પ્રમાણે ચાર લાઈન પૂરેપૂરી રીતે કામ કરતી હતી અને પાંચ નંબરની (પાંચમી નહિ) જાંબલી રંગની લાઈન નવી-નવી શરુ થઇ હતી. હજી સુધી સ્ટેશન પર અંગ્રેજીમાં સ્ટેશનના નામવાળા નકશા મૂકાયા નહોતા.
Beijing Subway Map, November 2007
હવે નીચેનો જે નકશો છે, તે બીજિંગ સબ વેના વિકિપેડિયા પેજ પરથી લીધેલો છે. ઓલિમ્પિકના સમય સુધીમાં (ઓગસ્ટ ૨૦૦૮), ત્રણ નવી લાઈન આ નકશામાં જોડાઈ હતી. નીચેના નકશામાં બતાવ્યા પ્રમાણે લાઈન નંબર ૧૦,  ઓલિમ્પિક પાર્કને જોડતી લાઈન નંબર ૮ અને એરપોર્ટને જોડતી આછા જાંબલી રંગની ઉત્તર-પૂર્વ દિશાની લાઈન. હવે મજાની વાત એ છે કે ૨૦૧૫ના અંત સુધીમાં અત્યારનું (૨૦૧૨) ચારસો કી.મીની મેટ્રોની માયાજાળ સાતસો કી.મી.એ પહોંચશે અને ૨૦૨૦ સુધીમાં એક હજાર કી.મી.નું નેટવર્ક બીજિંગ શહેરના મેટ્રો ઉર્ફ સબ-વે સીસ્ટમનું હશે. ૨૦૧૫માં બીજિંગની મેટ્રો તે દુનિયાની સૌથી મોટી રેલ-આધારિત શહેરી જાહેર પરિવહન સેવા થશે.
Beijing Subway Map 2012
 હવે પ્રશ્ન એ છે કે શા માટે બીજિંગમાં ચીનની સરકાર જાહેર પરિવહનમાં આટલું બધું રોકાણ કરી રહી છે? તેનું કારણ છે બીજિંગનું ખતરનાક હવાનું પ્રદુષણ. ઠંડી-ધુમ્મસની આબોહવામાં વાહનોનો ધુમાડો ભાળીને 'સ્મોગ'(સ્મોક + ફોગ)નું સર્જન કરે છે જેના લીધે શ્વાસોશ્વાસને લગતી ગંભીર બીમારીઓ થાય છે અને શહેર આખામાં ધૂંધળા વાદળો છવાયેલા રહે છે. ખાનગી વાહનોના નિરંકુશ વપરાશને લીધે આ પરિસ્થિતિ બહુ વકરી હતી. એક સમયે બીજિંગની સરકાર એવું માનતી હતી કે ખાનગી વાહનોની વૃદ્ધિને વધુ પહોળા રસ્તા અને ફ્લાય-ઓવર વગેરે બનાવીને નીપટાવી લઈશું પણ બન્યું ઊંધું. ફ્લાય-ઓવર ઉપર પણ હવે વાહનોની ગીચતા વધી, પરિણામે ટ્રાફિક જામ, હવા-અવાજનું પ્રદુષણ, ચીનના પ્રતિકસમા સાઈકલ-ચાલનમાં ઘટાડો અને સર્વત્ર અંધાધૂંધી. ૨૦૦૭માં અમને એક સેમિનારમાં જણાવવામાં આવેલું કે જો પરિસ્થિતિ વકરશે તો 'રોડ રેશનીંગ' જેવો એક વિચાર અમલમાં મૂકાશે જેમાં અઠવાડીયાના ત્રણ દિવસ શહેરમાં એવા વાહનો ચાલે કે જેમના નંબર પ્લેટનો છેલ્લો આંકડો એકી સંખ્યા હોય અને બાકીના ત્રણ દિવસ એવા વાહનો કે જેમના નંબર પ્લેટનો છેલ્લો આંકડો બેકી સંખ્યા હોય. અમે પાછળથી તે સમયના સમાચારોમાં સાંભળેલું કે આવો વિચિત્ર પ્રયોગ સફળ રહ્યો છે અને શહેરનો લગભગ ૪૦-૫૦ ટકા ટ્રાફિક તેની મેળે જ ઓછો થઇ ગયો હતો. બીજિંગ ઓલિમ્પિક વખતે હવાનું પ્રદુષણ કાબૂમાં રહ્યું પણ તે પછી સરકારે જાહેર પરિવહન અને માળખાકીય સુવિધાઓમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે.
Signs in English on the Beijing BRT stops, November 2007.
New fleet of articulated (doubly long) buses for the Beijing BRT, November 2007.
બીજિંગમાં મોટો પ્રશ્ન હતો કે અંગ્રેજી અને બીજી ભાષાઓ ન જાણનાર મોટાભાગની ચીની પ્રજા વિદેશી મહેમાનો સાથે કેવી રીતે કોઈ વ્યવહાર કરી શકશે? કેટલીક વાર તો ટેકસી-ડ્રાઈવરને 'ક્યાં જવું છે' તે સમજાવવામાં પણ પ્રશ્નો થતા હતા. ત્યારે સરકારે વિશ્વની કોઈ પણ ભાષામાં આદાન-પ્રદાન થઇ શકે તે માટે કોલ-સેન્ટર શરુ કરેલા. તમે જેવા ટેક્સીમાં બેસો એટલે ટેક્સી-ડ્રાઈવર ફોન જોડે અને તમને પકડાવે, તમે ફોન પર 'ક્યાં જવું છે' વગેરે અંગ્રેજીમાં સમજાવો એટલે કોલ-સેન્ટર પરથી ડ્રાઈવરને મેન્ડેરીનમાં સમજાવવામાં આવે. આ તો એક નાનું ઉદાહરણ થયું. હોટેલના સ્ટાફને ટ્રેઈન કરવામાં આવેલા. હોટેલ અને તેની નાની-મોટી સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરવો તેના મેન્યુઅલનો ઢગલો બે-ત્રણ ભાષામાં મળે. દરેક જાહેર સ્થળો પર બે-ત્રણ ભાષામાં નિદર્શનો જોવા મળે.

લેખકનું કહેવું છે કે બીજિંગ ઓલિમ્પિક 'આધુનિક ટેકનોલોજીના ઉપયોગ, મૂડીવાદી ઉત્સાહ, સામ્યવાદી અંકુશ, રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા અને સામાજિક રીતે અસુરક્ષિત પણ સસ્તા-દરે સતત મળી રહેતા મજૂર વર્ગ' વગેરેના મિશ્રણનું પરિણામ હતું. વાત ઘણે અંશે સાચી પણ છે. ચીનની સસ્તી મજૂરી વિશ્વમાં વખણાય છે. શું સસ્તી મજૂરી એ હરખાવા જેવી વાત છે? બીજીંગમાં બે-ત્રણ અઠવાડિયા ગાળ્યા હોવા છતાં બીજિંગ ઓલિમ્પિકની બીજી બાજુ - અંધારી અને અણધારી બાજુ વિષે ખાસ ખબર પડતી નથી. મેન્ડેરીન અજાણી ભાષા હોવાનો પ્રશ્ન તો છે જ પણ સાથે માહિતીમાં પારદર્શકતાનો પ્રશ્ન પણ ખરો. છેલ્લે, ડીસેમ્બર ૨૦૦૭માં ભારત આવતાં પહેલાં બીજિંગ એરપોર્ટ પર ડિપાર્ચર લોન્જમાં ઉદઘોષિકા ચીની ઉચ્ચારણવાળા અંગ્રેજીમાં કહી રહી હતી, 'પ્લીજ કમ બેક ફોર ધી ઓલિમ્પીઇઈઈક...'

૨૦૧૨માં લંડન

બીજિંગ ઓલિમ્પિકને ચીનના આર્થિક વિકાસની સર્વોચ્ચતાની ઉજવણી સમાન ગણી શકાય તો લંડન ઓલિમ્પિક બ્રિટનની આર્થિક મંદીના કપરા કાળમાં યોજાઈ રહ્યો છે. ઐતિહાસિક રીતે જોઈએ તો કદાચ બ્રિટન માટે આથી કપરો સમય ક્યારેય નહિ હતો. આ પહેલા લંડનમાં ૧૯૦૮ અને ૧૯૪૮માં લંડનમાં ઓલિમ્પિક રમતો રમાઈ ચૂકી છે. ૧૯૦૮માં બ્રિટન વિશ્વની લગભગ અજેય, બિન-હરીફ મહાસત્તા હતું, જ્યારે ૧૯૪૮માં બીજા વિશ્વયુધ્ધના વિજય પછી ઘાયલ બ્રિટને પોતાનો દબદબો જાળવી રાખેલો. ૨૦૧૨માં લંડનમાં એવી અપેક્ષા રખાય છે કે ચારે બાજુઓથી ઘેરાયેલી આર્થિક કટોકટીમાંથી આ ઓલિમ્પિક બહાર નીકળવાની શરૂઆત બને. લંડન અને બીજિંગ બંને બહુ અલગ શહેરો છે એટલે તેમની સીધી સરખામણી થઇ શકતી નથી. પણ બંને ઓલિમ્પિક વિશેના મારા અનુભવ પરથી કહું તો બીજિંગ અને લંડન વચ્ચે લગ્નની પહેલી તિથી અને પચ્ચીસમી તિથી વચ્ચે હોય તેવો ફરક છે. બંનેનું મહત્વ છે, બંને શુભ પ્રસંગો છે પણ બંનેમાં ઉત્સાહ અને ખુશી અલગ-અલગ પ્રકારની હોય છે. એકમાં નવી શરૂઆતનો આનંદ હોય છે તો બીજામાં ક્યાંક પહોંચી શક્યાની મજા હોય છે. 
Docklands Light Rail near the Tower Bridge station, London. March 2012.
The 'Boris' bikes at the Tower Bridge from the London's 500 million pounds bike sharing scheme named after London's Mayor Boris Johnson, March 2012.
લંડનમાં મોટા ભાગની માળખાકીય સુવિધાઓ બની ચૂકેલી છે અને તેમાં નિરંતર ફેરફારો અને વૃદ્ધિ ઓલિમ્પિક હોય કે ન હોય થતા જ રહે છે. ૧૮૫૩માં બ્રિટીશરોએ મુંબઈથી થાણે વચ્ચેની ભારતની સૌથી પહેલી રેલલાઈન એક મોટા આયોજનના ભાગરૂપે નાખી તેના દસ જ વર્ષ પછી લંડનમાં પહેલી અન્ડરગ્રાઉન્ડ રેલલાઈન શહેરી પરિવહનના એક મોટા આયોજનના ભાગરૂપે નાખવામાં આવી હતી. આજે લંડન અન્ડરગ્રાઉન્ડ કે ટ્યુબના હુલામણા નામે ઓળખાતી આ સુવિધા પાસે દોઢસો વર્ષનો ઈતિહાસ છે, ચારસો કી.મી.નું નેટવર્ક છે જે લગભગ ૨૭૦ સ્ટેશનો વચ્ચે પથરાયેલું છે. એટલું જ નહિ, આ આખું નેટવર્ક DLR (Docklands Light Rail), નેશનલ રેલ અને વિવિધ બસ સેવાઓ સાથે સંકળાયેલું છે. આ સમગ્ર પરિવહન તંત્ર અહીં જોઈ શકાશે. લંડનની મોટાભાગની પ્રજા જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે. ખાનગી વાહનો પર જબરજસ્ત અંકુશ મોંઘી પાર્કિંગ ફી અને કન્જેશન ચાર્જ જેવા નવીન ઉપાયો વડે મૂકવામાં આવ્યો છે. ચાલવા માટે સરસ ફૂટપાથો તો છે પણ સાઈકલ-ચાલન વધે તે માટે લંડનમાં સાઈકલના 'સુપર-હાઈવે' બનાવવામાં આવ્યા છે. પાંચસો મિલિયન પાઉન્ડના ખર્ચે એક મહત્વાકાંક્ષી બાઈક (સાઈકલ) શેરીંગ સ્કીમ ઉભી કરવામાં આવે છે, જેમાં નિયત સ્થળેથી સાઈકલ ભાડે લઈને શહેરના બીજા કોઈ છેડે આવેલા બાઈક સ્ટેશન પર સાઈકલ પાછી મૂકી શકાય છે.

લંડન ઓલિમ્પિકના આયોજનકર્તાઓ એક ઐતિહાસિક નિર્ણય લેવા જઈ રહ્યા છે. ૨૦૧૨નું લંડન ઓલિમ્પિક દુનિયાનું સૌ પ્રથમ 'કાર-ફ્રી' ઓલિમ્પિક હશે. લંડન જ નહિ પણ ઇંગ્લેન્ડના બાકીના શહેરો કે જેમાં કોઈને કોઈ રમતો યોજાવાની છે ત્યાં કાર લઈને જવા માટે પાર્કિંગ જેવી કોઈ સુવિધા નહિ હોય અને ખાનગી વાહનોને જે-તે સ્થળોથી બહુ દૂર જ રોકી દેવામાં આવશે. બધા જ ઓલિમ્પિકના રમત સ્થળોએ ઓટો વર્જિત ક્ષેત્ર કહેવાશે. ઓલિમ્પિક પાર્ક જવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરો કે સાઈકલથી પહોંચો કે પછી ચાલતા પહોંચો! આ જુવો ઓલિમ્પિક ૨૦૧૨ની  સત્તાવાર વેબસાઈટ પર જ્યાં-ત્યાં પહોંચવાની સત્તાવાર માહિતી. ખાનગી વાહનોનો એકડો જ કાઢી નાખવામાં આવ્યો છે. ઓલિમ્પિક પાર્ક પાસે આવેલું સ્ટ્રેટફર્ડ સ્ટેશન નવું બનાવવામાં આવ્યું છે, ઉત્તર અને પૂર્વની અન્ડરગ્રાઉન્ડ અને ડી.એલ.આર લાઈનમાં સુધારા-વધારા કરીને તેની લંબાઈ વધારવામાં આવી છે અને લોકોને ઓલિમ્પિકના દિવસો માટે માનસિક રીતે તૈયાર કરી શકાય માટે આ પ્રકારની જાહેરાતોમાં પણ કરવામાં આવી રહી છે. ગુજરાતના બધા શહેરોની સુધરાઈની વેબસાઈટ કદાચ ગુજરાતીમાં ન પણ જોવા મળે પણ લંડનમાં પરિવહનની વેબસાઈટમાં ગુજરાતીનો વિકલ્પ જરૂર છે. 
The famous 'tube map' show the intrinsic network of public transport in London
The famous red double-decker London bus - Buses are well-integrated with the rail system
 લંડન ઓલિમ્પિકના લીધે શહેરમાં મકાનોના ભાડાં વધી રહ્યા છે. મકાનમાલિકો આ બે-ત્રણ મહિના માટે મકાન ખાલી કરાવીને રોકડી કરવાના ચક્કરમાં છે. કોઈ કહે છે કે ટીકીટોની વહેંચણીમાં પારદર્શકતા જળવાઈ નથી. કોઈ પૂછે કે આ સ્ટેડીયમના નામે જે ધોળા હાથીઓ સર્જ્યા છે તેનું શું કરશો? સરકારી જવાબ - કોઈ ફૂટબોલ ક્લબને વેચી મારીશું. ફૂટબોલ ક્લબનો પ્રશ્ન: શું તેમાં કોઈ સબસીડી મળશે? કે પછી અમે આ સ્ટેડીયમ તોડી-ફોડીને નવું બાંધીએ તો? ભોપાલ ગેસકાંડમાં ખરડાયેલી અને યુનિયન કાર્બાઈડની માલિકી ધરાવતી ડાઉ કેમિકલ્સની સ્પોન્સરશીપનો બ્રિટીશ સરકાર સરાસર બચાવ કરે છે ત્યારે ભારતની સરકાર, અહીંના ભારતીય મૂળના સમુદાયો જેટલી જ ચૂપ રહે છે. અહીંના ભારતીય મૂળના સમુદાયો નાતી-જ્ઞાતિ અને દેશાવરના સંબંધોથી ફાયદો લેવામાં જે 'ભારતીયતા' બતાવે છે તેટલી ભારતીયતા ડાઉ કેમિકલ્સના વિરોધમાં બતાવી શકાતી નથી, તેવું લાગે છે.

લંડન ઓલિમ્પિકના લીધે થતો આર્થિક ફાયદો કોને અને કેવી રીતે થઇ રહ્યો છે તેના વિષે પણ રસપ્રદ ચર્ચા ચાલી રહી છે. સરકારી દાવાઓ પ્રમાણે આ ઓલિમ્પિકના લીધે નોકરીઓનું સર્જન થશે, નવા વ્યાપાર-ધંધા વિકસશે, નવ-યુવાનોને રમતગમતમાં રસ પડશે તેવું કહેવાતું હતું. હકીકત એ છે કે અહીંની અર્થવ્યવસ્થા ખાસ્સી વૈશ્વિક રીતે ફેલાયેલી હોવાથી, જે તે કંપનીઓને બહારથી મજૂર વર્ગ મંગાવવો સસ્તો પડે છે કે પછી જો ભારતમાં આવીને ઓલિમ્પિકની ટીકીટ છપાવે તો અહીંના સ્થાનિક ખર્ચાથી સસ્તું પડે તેમ છે. એવું કહેવાય છે કે બાંધકામ ક્ષેત્રે મોટાભાગનો મજૂર વર્ગ યુરોપિયન યુનિયનના પોલેન્ડ કે રોમાનિયા વગેરેથી આવે છે. તો કોઈ તૃતીયમ જગ્યાએ ઘણું બધું ઔદ્યોગિક પ્રકારનું કામ આઉટ સોર્સ થઇ રહ્યું છે તેવી ફરિયાદો વારંવાર ઉઠે છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે સ્થાનિક લોકોને કોઈ સીધો કે આડકતરો આર્થિક ફાયદો થશે કે તેમના ભાગે ભોગવવાનું જ આવશે? આમ પણ ઓગસ્ટ મહિનામાં બાકીના યુરોપિયન લોકોની જેમ બ્રિટીશ લોકો વેકેશન માણવા ઉપાડી જાય છે. આ વખતે પણ ઘણા લોકો આવું આયોજન કરી ચૂક્યા છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં લંડનથી દૂર ભાગી છૂટવું તેવું માનનારો વર્ગ મોટો હશે. એટલે જ તો 'હોલીડેઝ એટ હોમ' કરીને એક ઝુંબેશ શરુ કરવામાં આવી છે જેની જાહેરાતમાં જાણીતા ચહેરાઓ અહીં જોઈ શકાશે. જો તડકો ખીલે તો બગીચામાં બેસીને ચા કે બીયર પીને શાંતિનો અનુભવ કરતી (એમની ભાષામાં - એન્જોઈંગ બીટ ઓફ સન...આંહ!) બ્રિટીશ પ્રજા જાણે કે છેલ્લી બે-ત્રણ સદીનો થાક ઉતારી રહી છે. હવે બીજી ભાષાના લોકોથી, અજાણ્યા ચહેરાથી અને અજાણી વાતોથી અહીની પ્રજા જરા ઉંચી-નીચી થઇ જાય છે. બીજિંગની ઉલટું, લંડન ઓલિમ્પિક વિષે વાત કરતાં અંગ્રેજી મિત્રો કહે છે કે, 'ઓહ બીલીવ મી, સ્ટે અવે ફ્રોમ લંડન ઇન ઓગસ્ટ!'.

બીજિંગ શહેર લંડનના સમય કરતા સાત કલાક આગળ છે (+૭ કલાક GMT), તો શું છેવટે બીજિંગ ઓલિમ્પિક લંડન કરતા સાત ચાસણી ચઢેલું જ રહેશે કે લંડન ઓલિમ્પિક બીજિંગ ઓલિમ્પિકના ઠાઠ-માઠની નજીક પહોચી શકશે? એક વાત તો નક્કી છે કે આ મહાકુંભની આર્થિક રમત-ગમતોમાં કેટલાક લોકો જીતશે અને કેટલાય હારશે પણ આ આર્થિક સ્પર્ધા કેટલી યથાયોગ્ય હતી અને તેમાં કેટલી ખેલદિલી હશે તે કોને ખબર?

અભી દિલ્હી દૂર હૈ?

બીજિંગ અને લંડનમાં લટાર મારતા કે તેમની તૈયારીઓ વિષે વિચારતા અજાણતા દિલ્હીની કોમનવેલ્થ રમતો જોડે તેની સરખામણી થઇ જતી હતી. એવો સતત વિચાર આવ્યા કરતો હતો કે ભારતનું કોઈ શહેર ક્યારે ઓલિમ્પિક માટે યજમાન બનવાનું વિચારી શકશે. જો કે દિલ્હીની કોમનવેલ્થનો એવો બેવડ માર વાગ્યો છે કે એક-બે દાયકા સુધી તો કોઈ ભારતમાં ઓલિમ્પિક યોજવાનું નામ નહિ લે. વિચાર કરો, દુનિયાની બે સૌથી મોટી અને લોકપ્રિય ઇવેન્ટ હોય છે ઓલિમ્પિક અને વર્લ્ડકપ ફૂટબોલ. પણ દુનિયાના છઠ્ઠા ભાગની વસ્તી ધરાવતો દેશ આ બંને ખેલ આયોજનોથી યોજનો દૂર! ઓલિમ્પિકના યજમાન બનવું તે કોઈ મહાનતાનું પરિમાણ નથી પણ આવાં વિશ્વકક્ષાના પ્રસંગ માટે વિશ્વકક્ષાનું માળખાકીય તંત્ર જોઈએ, શું તે ઉભું કરવા માટેની શક્તિ ભારતના કોઈ શહેર પાસે છે?

દિલ્હીની કોમનવેલ્થ રમતોમાં થયેલો ભ્રષ્ટાચાર બાજુમાં મૂકો તો પણ શું જે પ્રમાણે પૈસા ખર્ચાયેલા તે પ્રમાણે રમતોની કક્ષા કેવી હતી? કેવી માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી? જે કંઈ ઉભું થયું તેની ખરેખર જરૂરત હતી? કોમનવેલ્થના નામે પૈસા પડાવીને કશાય આયોજન વગર દિલ્હીએ કેટલાય ગંજાવર ફ્લાય-ઓવર ખડક્યા છે. આજકાલ ફ્લાયઓવર પર થતા ટ્રાફિક-જામના ડરથી ટેક્સીચાલકો તેની ઉપર ચઢવાને બદલે નીચેથી જ વાહન ચલાવાનું પસંદ કરતા હોય છે. કોન્ક્રીટ ખડકવામાં પૈસાની ભારે લેન-દેન થતી હોય છે તેથી કોન્ક્રીટને ઘણા લોકો બહુ પ્રેમ કરતા હોય છે. મેટ્રો નેટવર્ક જેટલું વિસ્તારી શકાતું હતું તેવું કંઈ ખાસ થયું ન હતું. બસ સર્વિસમાં નાના-મોટા ફેરફારો થયા હતા, પણ કોઈ ખાસ સુધારા નહિ. મેટ્રોનું સંચાલન એક કોર્પોરેશન કરે છે અને બસ સેવાનું સંચાલન બીજું કોર્પોરેશન. બંને વચ્ચે કોઈ સંકલન કે સુમેળ નહિ, સાથે કરેલું કોઈ આયોજન નહિ. દિલ્હીમાં મેટ્રો તો જાણે માનીતી રાણી છે અને બસ સર્વિસ એ અણમાનીતી રાણી. બંને એકબીજા જોડે વાત કરે તો ને? રાજા ઉર્ફ સરકારને બંને વચ્ચે મધ્યસ્થી કરાવીને 'એક શહેરની એક જ પરિવહન સેવા' જેવું કંઈ કરાવવામાં રસ નથી. પરિણામે દિલ્હીની શહેરી સરકારમાં કોઈ એકસૂત્રતા નથી, દરેક સરકારી તંત્ર તે કોઈનું રજવાડું હોય છે અને તેમાં કોઈની આણ વરતાતી હોય છે. ભારત આવાં હજારો રજવાડાંઓ વચ્ચે વહેંચાયેલો દેશ છે.

(ખાસમખાસ નોંધ: આજે આ બ્લોગને બે વર્ષ પૂરા થયા. બે વર્ષની બેવડી ખુશી વધુ બેવડાઈ જાય તેવી વાત છે કે આજે આ પચાસમી પોસ્ટ છે. આજે બે વર્ષ પછી, એક મહિનામાં બે તેવી એકધારી અને મંથર ગતિથી પચાસ પોસ્ટ પૂરી થઇ છે, જેનો મને આનંદ છે. અપની હી ગત ન્યારી! નોકરી અને પીએચડી જેવા બે ફૂલટાઈમ કામ વચ્ચે ક્યારેક ક્યારેક લખાઈ જાય છે તો ક્યારેક પ્રયત્ન કરીને લખવું પડે છે. પણ મને લખવામાં આનંદ આવે છે અને જે વાંચે છે તે મિત્રો બને છે. બસ, આ બે મૂળભૂત ચાલક બળ છે. ગયા વર્ષની જેમ આજે કોઈ આંકડા પ્રદર્શન, સરખામણીઓ નહિ. કવિ-મિત્ર પંચમ શુક્લ અહીં લખે છે કે ઇન્ટરનેટ જગતમાં 'યુનિકૉડ ઉદ્યોગ' ફાટી નીકળ્યો છે અને કવિ તો પછી અવળે હાથે ફટકારે પણ છે કે અહીં તો 'સેલ્ફ-પઝેસ્ડ સંચાર' સાથે 'રજ્જુહીન સંયોગ'થી રચાયેલો 'ફૉન્ટલૅસ આ શબ્દોનો સોફ્ટ-સોફ્ટ સંભોગ' સર્વત્ર છવાયેલો જોવા મળે છે. પરિણામે ઉપજે 'ખાદ્ય-અખાદ્ય બ્લોગ'  કારણ કે 'અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ'! જો પ્રબુદ્ધ કવિ આવું કહેતા હોય તો આપણી ફરજમાં આવે છે કે આ બે વર્ષ બાદ જરા જાતને અરીસામાં જોઇને ખાતરી કરી લઈએ કે આપણે આ ઉદ્યોગમાં આપણે કેટલા ઊંડા છીએ અને જે લખીએ છીએ તેની ગુણવત્તા શું છે? કેવી રહી છે? કેટલું ઝીણું કાંત્યું અને કેટલું જાડું? બસ, આજે બીજા જન્મદિવસ પર આવો આત્મ-નિરીક્ષણનો માહોલ છે. જે મિત્રો આ સફરમાં જોડાયા છે અને જોડાતા રહ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર.)
Some narcissism with the 'Olympic 2008 cap' in front of the Birds' nest stadium, Beijing. November 2007