Friday, July 23, 2010

એક ભૌગોલિક ગૂંચવાડો - એક સંવાદ

પિંકી: પપ્પા, મારે આજે નદી વિષે નિબંધ લખવાનો છે. મારા ભૂગોળના પાઠમાં આવે છે કે અમદાવાદ સાબરમતીને કિનારે વસેલું છે તે સાચી વાત છે?
પપ્પા: હા, કેમ? તને ખબર નથી? પેલા દિવસે તને નદી બતાવી હતીને પુલ ઉપરથી...અને તારો તો જનમ પણ અમદાવાદમાં થયેલો છે, એકદમ નદી કિનારે... 
પિંકી: પણ પપ્પા, તમે તો કહેલું કે તમે જયારે નાના હતા ત્યારે સાબરમતીમાં પાણી જ નહિ હતું અને તમે તેના પટમાં સર્કસ જોયેલું, તો હવે પાણી ક્યાંથી આવ્યું?
પપ્પા: બેટા, સાબરમતી નદી શહેરમાં પ્રવેશે તે પહેલા નર્મદાની નહેર આવેલી છેને, ત્યાંથી પાણી છોડવામાં આવે છે. એટલે અત્યારે પાણી ભરેલું લાગે છે અને પાછુ ચોમાસામાં તો સાબરમતીમાં પાણી પણ હોય છે. 
પિંકી: પણ બારેમાસ પાણી તો નર્મદાનું હોય છે તો પછી વધારે પાણી નર્મદાનું કહેવાય કે સાબરમતીનું?
પપ્પા: નર્મદાનું જ તો વળી...
પિંકી: તો પછી આપણે નદીનું નામ બદલીને નર્મદા જ કરી નાખવું જોઈએ...હું તો એમ જ લખવાની છું કે મારું શહેર નર્મદા નદીને કિનારે વસેલું છે.  
(પપ્પા ચુપ...)
પિંકી: પપ્પા... તો નર્મદાનું પાણી હમેશા ભરેલું જ કેમ રહે છે? શું એટલું બધું પાણી છોડવામાં આવે છે? 
પપ્પા (ફરી સ્માર્ટ બનવાના પ્રયત્ન સાથે): બેટા, એમાં એવું છે ને કે નદીના બીજા છેડે વાસણાથી આગળ એક બંધારો બનાવેલો છે તેથી શહેરનો જેટલો ભાગ છે તેમાં પાણી ભરાયેલું લાગે...
પિંકી: એટલે આ પાણી સ્થિર કહેવાય કે વહેતું પાણી કહેવાય. 
પપ્પા: અં...મોટે ભાગે તો સ્થિર જ કહેવાય... 
પિંકી: પણ પપ્પા, અમને ભૂગોળના બેને એવું ભણાવેલું કે નદીમાં વહેતું પાણી હોય અને તળાવમાં સ્થિર પાણી હોય. એનો મતલબ કે આપણે તળાવ કિનારે રહીએ છીએ, નદી કિનારે નહિ. 
પપ્પા: પણ બેટા... 
પિંકી: તમે જ મને ખોટું ખોટું કહીને કન્ફયુઝ કરો છો... હવે હું મારો નિબંધ કેવી રીતે લખીશ. મેં તો નદી જોઈ જ નથી. અને મારા ભૂગોળના પાઠમાં ય ખોટું લખેલું છે અને તમને ય ખબર નથી... મને છેલ્લી વાર કહી દો કે કે આપણે નદી કિનારે રહીએ છીએ કે તળાવ કિનારે અને કઈ નદી કે તળાવ, સાબરમતી કે નર્મદા?!?!?
પપ્પા (અકળાઈને): જા એક કામ કર, મમ્મીને જઈને પૂછ...
પિંકી: મમ્મીની ઓફીસ આજે ચાલુ છે અને મમ્મીએ તો કહેલું છે કે તેને તમારા સિવાય કોઈ પણ વિષયમાં સવાલ પૂછવા નહિ... 
(પપ્પા છાપામાં માથું ખોસે છે અને પિંકી 'એક નદીની આત્મકથા'ના વિષય પર નિબંધ લખવાનું વિચારે છે.)

Friday, July 02, 2010

સાઈકલમ્ શરણમ્ ગચ્છામી!

મારા અમુક સાઈકલબાજ મિત્રો (એટલે કે સાઈકલીંગ કરતાં મિત્રો) સાઈકલને વિજ્ઞાન જગતમાં પૈડાં અને આગની શોધ પછી બહુ મહત્વપૂર્ણ સંશોધન માને છે. મને વારંવાર કહે છે કે સાઈકલ નામની વસ્તુની કિંમત માનવમાત્રના ઇતિહાસમાં બહુ ઓછી અંકાઈ છે અને જો દુનિયામાં બધા સાઈકલ કરતાં થાય તો જગતના ઘણા પ્રશ્નોનો ઉકેલ આવી શકે. વિચાર કરો કે એક એવું શહેર જ્યાં બધા સાઈકલ ચલાવતા હોય તે કેવું હશે? - લીલોતરીભર્યું, પ્રદુષણ-રહિત, સ્વસ્થ લોકોવાળું. જો કે વાત પણ સાચી છે કે પર્યાવરણની દ્રષ્ટીએ ઉપયોગી, સ્વાસ્થ્યની રીતે લાભદાયક, નિર્મળ, નિરુપદ્રવી અને નિષ્પાપ(!) એવી સાઈકલનો ઉપયોગ દિવસે-દિવસે ઘટતો ચાલ્યો છે. ભારત સરકારના રીપોર્ટ મુજબ ૧૯૯૪માં મુખ્ય ત્રીસ શહેરોમાં ટ્રાફિકનો લગભગ ત્રીસ ટકા હિસ્સો સાઈકલોનો હતો જે ઘટીને ૨૦૦૮માં ૧૧ ટકા થયો છે. કોઈ તેને 'વિકાસ'ની નિશાની માની શકે પરંતુ ટ્રાફિકની ગીચતા અને સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નોની રીતે જોઈએ તો આ એક ગંભીર સમસ્યા છે. ઓછી સાઈકલો એટલે વધુ કાર્બન ધુમાડા.

આ મિત્રોની દેખાદેખી અને એમની સખત સાઈકલ-દાઝ જોઇને મને પણ સાઈકલ લેવાનું મન થઇ આવ્યું. આસપાસ ઈ-મેલ કરવામાં આવ્યો કે બ્રિસ્ટલ શહેરમાં સાઈકલ ક્યાંથી, કેટલામાં અને કેવી ખરીદવી અને એક જ કલાકમાં છ જવાબ આવ્યા. તેમાંથી પાંચે જેક'સ બાઈક્સ નામની સાઈકલના વર્કશોપ (દુકાન નહિ!) તરફ આંગળી ચીંધી. જેક બહુ રસપ્રદ વ્યક્તિ છે અને એ લગભગ એવું માને છે કે સાઈકલો વચ્ચે જીવવા માટે એનો જન્મ થયો છે. એના વર્કશોપની વેબસાઈટ છે જે સાઈકલીંગ અંગેના સામાન્ય જ્ઞાનનો ભંડાર છે. તમે અપોઈન્ટમેન્ટ વગર જાઓ તો તે દરવાજો ખોલતો નથી. તે સાઈકલ રીપેર કરતો કે વેચાતો ન હોય ત્યારે તે સાઈકલ રીપેરીંગ, સાઈકલ આર્ટ વગેરેના ક્લાસ ચલાવે છે. એની વેબસાઈટ પરના વાર્ષિક અહેવાલમાં એવો દાવો કરે છે કે તે તેના વર્કશોપમાંથી સામાન્ય પગાર લે છે અને મોટા ભાગના નફાનો ઉપયોગ નવી સાઈકલો લાવવામાં અને સાઈકલીંગના પ્રચાર-પ્રસારમાં કરે છે. જો કે તે કોઈ પણ સમયે તમને 'કોઈ પણ શહેરમાં સાઈકલીંગની સંસ્કૃતિ હોવી કેટલી મહત્વની છે' તે વિષય પર લેકચર આપી શકે છે.

શરૂઆતમાં મને સખત અકળામણ થઇ કે આ શું છે? એક સાઈકલ લેવા માટે વેબસાઈટ પર ફોર્મ ભરો જેમાં તમારી ઊંચાઈ, વજન, કેવી સાઈકલ ગમે, બજેટ અંગે માહિતી આપો, અઠવાડિયું રાહ જુવો, પછી તેનો ઈમેલ આવે એટલે અપોઈન્ટમેન્ટ લો અને પછી છેવટે તમે સાઈકલ જોવા પામો. એક સાઈકલવાળા જોડે આ પ્રકારના ફોર્મલ સંબંધનું વિચારી પણ ન શકાય. સાઈકલની દુકાન પહોચી જવાની જગ્યા હોય અપોઈન્ટમેન્ટ લેવાની નહિ. બ્રિસ્ટલમાં એવી બીજી ઘણી દુકાનો છે કે તમે ત્યાં ધારો ત્યારે ટપકી પડો અને તમને સારો આવકાર મળે. પણ આ જેકનું કામ-કાજ જ અલગ છે. અપોઈન્ટમેન્ટ પ્રમાણે હું તેના વર્કશોપ પર પહોંચ્યો. સાઈકલ તૈયાર હતી અને જેકે મને 'ટેસ્ટ રાઈડ' લેવાનો આગ્રહ કર્યો. ટેસ્ટ રાઈડ પ્રમાણે સાઈકલમાં નાના ફેરફાર કરવામાં આવ્યા અને મને વણમાંગી સલાહ આપવામાં આવી કે જો તમે એડીની જગ્યા એ પગના પંજાનો ઉપયોગ પેડલ મારવામાં વધારે કરશો તો આખા પગને સારી કસરત મળશે. તે સિવાય મને સાઈકલની સમયસર માવજત કરવા માટે નાની-મોટી સલાહો રસપૂર્વક આપવામાં આવી અને તે માટેના ઉપયોગી સાધનો ક્યાંથી અને કેવા ખરીદવાની માહિતી પણ આપવામાં આવી. આખા અનુભવમાં ધીરજના ફળ મીઠા નીવડ્યા. આ સાઈકલવાળો ઉર્ફ જેક જાણે એક ચળવળ ચલાવતો હોય તે રીતે સાઈકલ વેચે છે તે જાણીને મજા આવી.

હવે હું બ્રિસ્ટલમાં મારા અસ્થાયી રોકાણ દરમ્યાન સાઈકલનો ઉપયોગ રોજ કરું છું. બ્રિસ્ટલને એમ તો યુ.કે.ના સૌ પ્રથમ 'સાઈકલીંગ સિટી'નો દરજ્જો મળેલો છે. અહી સાઈકલીંગની સુવિધાઓ શ્રેષ્ઠતમ નથી પણ પ્રયત્નો થઇ રહ્યા છે. સીટી કાઉન્સિલની વેબસાઈટ પર ક્યાં સાઈકલીંગ કરવું, કઈ નવી જગ્યાઓ શોધવી, કેવી રીતે સાઈકલબાજોના ગ્રુપમાં જોડાવું, કેવી સાઈકલ લેવી વગેરએ પુષ્કળ માહિતી ઉપલબ્ધ છે. અમદાવાદ કરતા રસ્તાઓ સાંકડા હોવા છતાં અને વાહનોની સંખ્યા વધુ હોવા છતાં બ્રિસ્ટલમાં અમુક જગ્યાઓએ સાઈકલ માટેના અલગ રસ્તા છે. ચાલવા માટેની સુવિધાઓ તો બધે છે જ. પણ સાથે સાથે સાઈકલીંગની સંકૃતિ છે અને સાઈકલબાજોના ગ્રુપ છે. અહી આવા જ એક સાઈકલબાજના મૃત્યુ બાદ તેની અંતિમ-યાત્રા સાઈકલના બનેલા વિશેષ વાહન પર નીકળવામાં આવેલી અને તેમાં માત્ર સાઈકલ ચાલકો જ જોડાયા હતા, તેનો વિડીયો અહી જોઈ શકાશે. મરીઝનો પ્રખ્યાત શેર આમને કંઇક આ રીતે લાગુ પડે છે કે,
મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક સાઈકલ જ કાયમ રહી છે.
જનાજો જશે તો જશે સાઈકલે સાઈકલે, જીવન પણ ગયું છે તેને જ સહારે.

શાળાજીવનમાં સાઈકલ વાપર્યા બાદ ફરી સાઈકલનો ઉપયોગ કરવાનો અનુભવ નવો છે મારા માટે.  ભારતના શહેરોમાં સાઈકલ સંસ્કૃતિને જાળવી રાખવાનો સૌથી મોટો પડકાર છે સાઈકલને ગરીબ વ્યક્તિના કે બાળકોનાં સાધન માત્ર તરીકે જોવાને બદલે સૌના સાધન તરીકે જોવામાં આવે તો સાઈકલ માટેના અલગ, સુરક્ષિત છાંયડાવાળા રસ્તાઓ બનાવવાનો માર્ગ મોકળો થાય.