Friday, February 24, 2012

'હું નાસ્તિક કેમ છું?' - ભગતસિંહ (ભાગ-૨)

(Famous photograph of Bhagat Singh, 1929. Source: Wikipedia)

'હું નાસ્તિક કેમ છું?' (ભાગ-1) (http://charkho.blogspot.com/2012/02/blog-post.html

'હું નાસ્તિક કેમ છું?' (ભાગ-૨)
- ભગતસિંહ

હવે આપણે બીજા પ્રશ્ન પર આવીએ છીએ જો (નાસ્તિક હોવા પાછળનું કારણ) ઘમંડ કે અહંકાર ન હોય તો આદિકાલથી ચાલી આવતી ઈશ્વર પરની માન્યતાને નકારવાનાં કોઈ મજબૂત કારણો મારી પાસે હોવા જોઈએ. ચાલો, એ પ્રશ્નની ચર્ચા કરીએ. મને લાગે છે કે જે વ્યક્તિ પાસે તર્કની શક્તિ હોય છે તે પોતાની જીંદગી અને આસ-પાસના લોકોને તે સમઝશક્તિથી સમજવાનો પ્રયત્ન કરતો હોય છે. જ્યાં મજબૂત પુરાવાઓનો અભાવ હોય છે ત્યાં સાધકભાવવાળી ફિલસૂફી ઘૂસી જાય છે. મેં આગળ જણાવ્યા પ્રમાણે, મારા એક ક્રાંતિકારી મિત્ર કહેતા કે, '(સાધકભાવવાળી) ફિલસૂફી એ માનવીય નિર્બળતાનું પરિણામ છે'. આપણા પૂર્વજો પાસે જગતના રહસ્યોને ઉકેલવા માટે ઘણી ફુરસદ હતી; રહસ્યોના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, તેનાં 'શા માટે' અને 'એટલાં માટે' વગેરે. પણ સીધા પુરાવાની જબરજસ્ત ખોટને લીધે, દરેકે પ્રશ્નોના ઉકેલો પોતાની રીતે શોધવાનો પ્રયત્ન કર્યો. તેથી જ આપણને વિવિધ ધાર્મિક પંથોના મૂળભૂત સિદ્ધાંતોમાં મોટો તફાવત જોવા મળે છે. ક્યારેક તેઓ બહુ વિરોધાભાસી અને વિસંવાદી સ્વરૂપો લે છે. આપણને પૂર્વીય (Oriental) અને પાશ્ચાત્ય (Occidental) ફિલસૂફીમાં મોટો તફાવત જોવા મળે છે. દરેક ભૂગોળાર્ધમાં વિવિધ પંથોની વિચાર-વ્યવસ્થામાં ફેરફાર જોવા મળે છે. એશિયામાં જોવા મળતા ધર્મોમાં, ઇસ્લામ ધર્મ હિંદુ ધર્મથી અસંગત છે, તો જૈન અને બૌદ્ધ ધર્મ એ બ્રાહમણવાદથી બહુ અલગ છે. અને પછી બ્રાહ્મણવાદની અંદર જ, આપણને બે વિસંગત પંથ જોવા મળે છે: આર્ય સમાજ અને સનાતન ધર્મ. ચાર્વાક વળી એક બીજો આદિકાલનો સ્વતંત્ર વિચારક જોવા મળે છે. તેણે તો ઈશ્વરની સત્તાને પડકારી છે. આ બધી જ માન્યતાઓ ઘણા મૂળભૂત સિદ્ધાંતોના પ્રશ્નોમાં એકબીજાથી ભિન્ન પડે છે, પણ તેમાંનો દરેકનો પોતે જ સાચો ધર્મ હોવાનો દાવો છે. દરેક અનિષ્ટનું મૂળ આ છે. વિવિધ વિચારો અને આદિકાલના ચિંતકોના પ્રયોગોને વિકસિત કરવાને બદલે, તે દ્વારા આપણી જાતને ભવિષ્યના સંઘર્ષ માટે વિચારો પર આધારિત હથિયારથી સજ્જ કરવાને બદલે - આપણે એવા આળસુ, સુસ્ત, ધર્માંધ છીએ કે - આપણે રૂઢિચુસ્ત ધર્મને વળગી રહીને સમગ્ર માનવ જાગૃતિને બંધિયાર ખાબોચિયાંના સ્તર પર લાવી મૂકી છે.

(માનવ) ઉન્નતિના કાજે આગળ આવતાં દરેક વ્યક્તિ માટે જૂની માન્યતાઓના દરેક સિદ્ધાંતની ટીકા કરવી બહુ જરૂરી હોય છે. તેણે જૂની માન્યતાઓની યોગ્યતાને એક પછી એક પડકારવી પડે. તેણે દરેક વિગતનું વિશ્લેષણ કરીને તેને સમજવી પડે. જો આકરા વિચાર-વિમર્શ પછી, વ્યક્તિ કોઈ પ્રકારની (ધાર્મિક) ફિલસૂફીના સિદ્ધાંતોમાં માનવા તરફ દોરાય તો તેની શ્રદ્ધા-માન્યતા સમજી શકાય. કદાચ તેનો તર્ક  ભૂલભરેલો કે ખોટા માર્ગે દોરનારો હોઈ શકે. પણ તેને સુધરી શકવાની તક છે કારણકે તર્કશક્તિ તેના જીવનનો માર્ગસૂચક સિદ્ધાંત છે. પણ શ્રદ્ધા - ખરેખર તો કહેવું જોઈએ - અંધશ્રદ્ધા વિનાશકારી છે. તે વ્યક્તિને તેની સમજણશક્તિથી વંચિત કરે છે અને તેને પ્રત્યાઘાતી બનાવે છે.

જો કોઈ વ્યક્તિ વાસ્તવવાદી બનવાનો દાવો કરતો હોય તો તેણે જૂની-પુરાણી માન્યતાઓની સત્યતાને પડકારવી જોઈએ. જો માન્યતાઓ તર્કનું ભીષણ આક્રમણ ખાળી ન શકે તો તે ભાંગી પડે છે. ત્યારબાદ નવી ફિલસૂફીનું ખેડાણ કરવાનું કામ વ્યક્તિએ શરુ કરવું જોઈએ. પહેલું કામ નકારાત્મક હતું. ત્યાર બાદ સકારાત્મક કામ આવે છે કે જેમાં જૂના સમયની થોડી સામગ્રીનો ઉપયોગ કરીને નવી ફિલસૂફીના સ્તંભ ચણી શકાય. જ્યાં સુધી મને લાગે વળગે છે ત્યાં હું સ્વીકારું છું કે આ વિષયમાં મારો પુરતો અભ્યાસ નથી. મને પૂર્વીય (Oriental) ફિલસૂફી ભણવાની બહુ સખત ઇચ્છા છે, પણ મને જોઇતી તક અને પુરતો સમય મળ્યો નથી. જો કે હું જ્યારે જૂની-પુરાણી માન્યતાઓને નકારું છું ત્યારે તે એક માન્યતાને બીજી માન્યતાથી હરાવવાની વાત નથી. હું તો જૂની માન્યતાઓની યોગ્યતાને મજબૂત દલીલો વડે પડકારું છું. હું પ્રકૃતિમાં એ રીતે માનીએ છીએ કે માનવ વિકાસનો આધાર પ્રકૃતિ પરના નિયમનમાં રહેલો છે. તેની પાછળ કોઈ ચેતનવંત સત્તાધીશ નથી. આ જ અમારી ફિલસૂફી છે.

હું એક નાસ્તિક તરીકે, આસ્તિકોને અમુક પ્રશ્નો પૂછું છું:

૧. જો, તમે એવું માનો છો કે સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વોચ્ચ ઈશ્વરે પૃથ્વી કે બ્રહ્માંડનું સર્જન કર્યું, તો મહેરબાની કરીને સૌ પ્રથમ મને જણાવો કે, આ દુનિયાનું સર્જન જ કેમ થયું. આ દુનિયા કે જે પીડા-વ્યથા અને તીવ્ર ગરીબીથી ભરેલી છે, જ્યાં એક પણ વ્યક્તિ શાંતિથી એક પળ જીવી શકતો નથી.

૨. મને એમ નહિ કહેતા કે આ જ તેનો નિયમ છે. જો તે નિયમોથી બંધાયેલો હોય તો તે સર્વશક્તિમાન નથી. એમ પણ ન કહેતા કે આ જ તેની મજા કે મરજી છે. (સમ્રાટ) નીરોએ રોમને સળગાવ્યું હતું. તેણે અમુક સંખ્યામાં લોકોને મારી નાખ્યા. તેણે ય અમુક કરુણાંતિકા સર્જી છે, તે પણ તેની મરજી મુજબની રોગિષ્ઠ મજા માટે. પણ તેનું ઇતિહાસમાં શું સ્થાન છે? કેવા નામ આપીને તેને આપણે યાદ કરીએ છીએ? બધા જ નિંદાત્મક વિશેષણો તેને અફાળવામાં આવે છે. નેરોને વખોડતી ભીષણ નિંદાથી ઇતિહાસના પાનાં રંગાયેલા છે: જુલમી, દયાવિહીન, દુરાચારી. એક ચંગીઝ ખાને અમુક હજાર લોકોને તેની મરજી મુજબની મજા માટે મારી નાખ્યા અને આપણે તેના નામમાત્રથી નફરત કરીએ છીએ. હવે, તમારો સર્વશક્તિશાળી, શાશ્વત નીરો, જે દર રોજ, દરેક ક્ષણે પોતાનો સમય પસાર કરવા માટે લોકોને મારે છે, તેને તમે કેવી રીતે વ્યાજબી ગણાવો છો? તમે કેવી રીતે તેના કારસ્તાનને સમર્થન આપો કે જે (કારસ્તાનો) ચંગીઝ ખાનથી ક્રૂરતામાં આગળ વધી જાય અને જેના લીધે લોકો પર કંગાલિયત લદાઈ જાય. હું પૂછું છે કે તે સર્વશક્તિશાળીએ આવી દુનિયા જ કેમ બનાવી કે જે જીવતા નર્ક જેવી છે, એક સદંતર બદસ્વાદ, શાંતિવિહોણી જગ્યા. તેણે માનવનું સર્જન જ કેમ કર્યું જ્યારે તેની પાસે તેમ ન કરવાની સત્તા હતી? શું તમારી પાસે મારા કોઈ પ્રશ્નોનો કોઈ જવાબ છે? તમે કદાચ એમ કહેશો કે આ બધું તો જે સહન કરે છે તેને સારું વળતર આપવા અને અનિષ્ટ કરનારને સજા કરવા માટે છે. વારુ, વારુ, તમે એક વ્યક્તિ કે જે પહેલા તમારા શરીરને પીડા આપે છે અને પછી તેના પર ધીમેથી પંપાળીને મલમ લગાડે છે તેના વર્તનને ક્યાં સુધી યોગ્ય ગણાવશો? પેલા કુસ્તીના દંગલના આયોજક કે સમર્થકો ગુલામ યોદ્ધાઓને ભૂખ્યા સિંહો સામે ફેંકી દેતા, જો તે ભયંકર મૃત્યુમાંથી બચી જાય તો તેમની સારવાર કરીને તેમની કાળજી લેતા, તેઓ કેટલા અંશે વ્યાજબી હતાં? તે માટે હું પૂછું છું કે: શું માનવીનું સર્જન આ પ્રકારની મજા લેવા માટે થયું હતું?

આંખો ઉઘાડો અને જુવો કે ઝૂંપડપટ્ટીઓમાં લાખો લોકો ભૂખે મરી રહ્યા છે અને તે ઝૂંપડીઓ જેલની ગમગીન અંધારકોટડી કરતાં પણ ગંદી હોય છે; મજૂરોને ધીરજપૂર્વક કે નિષ્ઠુરતાપૂર્વક જોતા રહો કે કેવી રીતે અમીર પિશાચ તેમનું લોહી ચૂસે છે; આ રીતે થતા માનવીય શક્તિના બગાડની વાત તમારા મન પર લઇ આવો કે જે થોડી પણ સામાન્યબુદ્ધિ ધરાવતા વ્યક્તિને થથરાવી મૂકશે. જરા જુવો કે અમીર દેશો તેમનું વધારાનું ખાદ્ય ઉત્પાદન, જરૂરીયાતમંદ અને વંચિતોમાં વહેંચવાને બદલે દરિયામાં ફેંકી દે છે. માનવીય કંકાલના પાયાઓ પર રાજાઓના મહેલો બંધાય છે. તેમને આ બધું જોવા દો અને બોલવા દો કે '' ઈશ્વરના રાજ્યમાં બધે સુખ-શાંતિ છે'' (All is well in God's Kingdom). આવું શા માટે? તે મારો પ્રશ્ન છે. તમે શાંત થઇ ગયા છો. ભલે ત્યારે, હું મારો આગળનો મુદ્દો ઉઠાવું છું.

તમે, હિંદુધર્મીઓ, એવું કહેશો કે: જે કોઈ પણ આ જનમમાં તકલીફો સહન કરે છે, તે પાછલા જનમમાં જરૂર પાપી હશે. એ વાતને સમકક્ષ એવું કહી શકાય કે જે અત્યારે શોષણકર્તા છે તે જરૂર પાછલા જનમમાં દૈવી લોકો હશે. માત્ર એ જ કારણથી અત્યારે તેમની પાસે સત્તાના સૂત્રો છે. હું સીધુંસટ કહું છું કે તમારા પૂર્વજો ચાલાક લોકો હતા. તેઓ હંમેશા ક્ષુદ્ર રમતો રચવાની શોધમાં રહેતા કે જેથી લોકોની તર્કની શક્તિ છીનવી શકાય. ચાલો, આગળ મારી દલીલમાં કેટલું વજન છે તેનું વિશ્લેષણ કરીએ.

ગુનો કરનારને મળતી સજા માટે કાયદાશાસ્ત્રની ફિલસૂફીમાં નિષ્ણાત લોકો ત્રણ કે ચાર સિદ્ધાંતોનો સજાને વ્યાજબી ઠરાવવા ઉપયોગ કરે છે. જે આ પ્રમાણે છે: બદલો, સુધારણા અને નિવારણ. બદલાના (કરેલા ગુનાની વસૂલાત) સિદ્ધાંતને તો હવે દરેક વિચારક વખોડી કાઢે છે. (ગુના) નિવારણનો સિદ્ધાંત પણ તેની ખામીના કારણે ત્યજાઈ જવામાં છે. (ગુનેગારના) સુધારણાનો સિદ્ધાંત હવે વિસ્તૃત સ્વીકૃતિ પામ્યો છે અને તેને માનવ વિકાસ માટે જરૂરી મનાય છે. તેનો ઉદ્દેશ ગુનેગારને સુધારવાનો છે અને તેને શાંતિપ્રિય નાગરિક બનાવવાનો છે. એવો કયો ઉદ્દેશ ભગવાને આપેલી સજા પાછળ હોય છે ભલેને પછી તે જેને કોઈ નુકસાન કર્યું છે તેને જ (સજા) કેમ ન મળી હોય? ચાલો, આ દલીલ માટે ક્ષણિક એવું માની લઈએ કે જો એક વ્યક્તિએ કોઈ ગુનો પાછલા જન્મમાં કર્યો હોય તો ભગવાન તેને બિલાડી કે ગાય, ઝાડ-પાન કે બીજું કોઈ પ્રાણી બનાવીને સજા આપે છે. તમે આવી ભગવાને આપેલી સજાઓનો હિસાબ માંડો તો ચોર્યાસી લાખ થાય છે. હવે આ મૂરખવેડાં, જે (ભગવાને આપેલી) સજાના નામે ચલાવાય છે તેની માનવજાત પર કોઈ સુધારણાવાદી અસર થાય છે કે? તમે એવા કેટલા લોકોને મળેલા છો કે જે કોઈ પાપ કરવાને લીધે પૂર્વજન્મમાં ગધેડાનો અવતાર હતાં? ચોક્કસ એવું કોઈ જ નહિ હોય! તો પછી આ પૂર્વજન્મનો પૌરાણિક કહેવાતો સિદ્ધાંત એ પરી-કથા સિવાય કશું નથી. મને તો આ અકથ્ય બકવાસને ચર્ચામાં લાવવાનો કોઈ મતલબ લાગતો નથી.

શું તમને ખબર છે કે દુનિયામાં સૌથી શ્રાપિત પાપ હોય તો તે 'ગરીબ હોવું' છે? હા, ગરીબી એ પાપ છે, ગરીબી એ સજા પણ છે. ધિક્કાર હજો એ કાયદા ઘડનાર, વકીલ કે ન્યાયાધીશ પર કે જે વ્યક્તિને આવા અધમ પાપના કળણમાં ખૂંપાવી દેતા પગલાંની દરખાસ્ત કરે છે. શું તમારા સર્વજ્ઞ ઈશ્વરને આવું સૂઝ્યું નહિ કે પછી તેને આ સત્ય લાખો લોકોની અકથ્ય વેદનાઓ અને યાતનાઓ પછી જ સમજાયું? તમારા સિદ્ધાંતો પ્રમાણે, તમે એ વ્યક્તિની દશા વિષે શું માનો છો કે જેણે પોતે કોઈ ગુનો કર્યા વગર (કહેવાતી) નીચી જાતિના કુટુંબમાં જન્મ લીધો હોય? કે એ ગરીબ હોય અને તેના લીધે તે સ્કૂલ ન જઈ શકે. કે જેની એ જ નિયતિ છે કે તેને (કહેવાતી) ઉંચી જાતિમાં જન્મેલાં તરફથી ધિક્કાર મળે અને હડધૂત થવું પડે છે. તેના નિરક્ષરતા, ગરીબી અને બીજાઓ તરફથી મળતા ધિક્કારને લીધે તેનું હ્રદય સમાજથી વધુને વધુ વિમુખ થતું રહેશે. ધારો કે તે કોઈ ગુનો કરે તો તેનું પરિણામ કોણ ભોગવશે? તે વ્યક્તિ, ઈશ્વર કે સમાજના સુશિક્ષિત લોકો? સ્વાર્થી અને ગર્વિષ્ઠ બ્રાહ્મણોએ જેમને ઇરાદાપૂર્વક અજ્ઞાની રાખ્યા છે તેવા લોકોને મળતી સજાઓ વિષે તમારો મત શું છે? જો ભૂલથી આ ગરીબ 'પ્રાણીઓ' વેદો કે તમારા પવિત્ર પુસ્તકોના અમુક શબ્દો સાંભળી લીધા હોય તો આ બ્રાહ્મણો તેમના કાનમાં પ્રવાહી સીસું રેડી દેતા. જો એ લોકો કોઈ ગુનો કરે તો તેના માટે દોષિત કોણ? આખરે કોણે સહન કરવાનું આવશે?
મારા વહાલા દોસ્તો, આ બધા સિદ્ધાંતો અને શાસ્ત્રો એ વિશેષાધિકાર ભોગવતા વર્ગોની ઉપજ છે. તે લોકો આવા સિદ્ધાંતો-શાસ્ત્રોના ઉપયોગથી પોતાની સત્તાને વ્યાજબી ગણાવે છે, સંપત્તિ એકઠી કરે છે કે પચાવી પાડે છે. કદાચ અપ્ટન સીન્ક્લેરે જ ક્યાંક લખ્યું છે કે, 'માનવીને આત્માના અમરત્વમાં ચુસ્ત રીતે માનતો કરો, પછી તેની પાસે જે હોય તે લૂંટી લો, પછી તે પોતે પણ આ પ્રક્રિયામાં તમને રાજી-ખુશીથી મદદ કરશે'. ધાર્મિક પ્રચારકો અને સત્તાધારીઓ વચ્ચેની ગંદી સાઠગાંઠને લીધે ચાબુક, જેલ, વધસ્તંભ અને સૌથી વધુ તો આવા સિદ્ધાંતો વગેરેના 'વરદાન' (સમાજ પર) ઉતરી આવ્યા છે.

હું પૂછું છું કે શા માટે તમારો સર્વશક્તિશાળી ઈશ્વર (કે ધર્મ) કોઈ વ્યક્તિ પાપ કે ગુનો કરતો હોય તે પહેલા તેને રોકી શકતો નથી. ઈશ્વરમાટે તો તે બાળરમત હશે ને. શા માટે તેણે યુદ્ધખોરોને મારી ન નાખ્યા? શા માટે તેણે તેમના મગજમાંથી યુદ્ધનો ઉન્માદ જ ભૂંસી ન કાઢ્યો? આ રીતે તેણે માનવજાતને મોટી આફતો અને ત્રાસદીથી બચાવી હોત. શા માટે તે બ્રીટીશરોમાં માનવતાવાદી લાગણીઓ રેડતો નથી કે જેથી રાજી-ખુશીથી તેઓ ભારત છોડીને ચાલ્યા જાય? હું પૂછું છે કે શા માટે તે મૂડીવાદી વર્ગોના હ્રદયમાં પરગજુ માનવતાવાદ ઉમેરતો નથી કે જેથી ઉત્પાદન પ્રણાલીના ખાનગી અંકુશો તે છોડી દે અને મજૂરી કરતી સમગ્ર માનવજાતને નાણાંની બેડીઓમાંથી મુક્તિ મળે. જો તમે સમાજવાદી સિદ્ધાંતની વ્યવહારદક્ષતાના અંગે દલીલ કરશો તો હું તો તમારા સર્વશક્તિશાળી ઈશ્વર પર તેનું અમલીકરણ છોડી દઉં છું. સામાન્ય લોકો સમાજવાદી સિદ્ધાંતના ફાયદા સમાજ કલ્યાણની યોજનાઓ સુધી જ સમજે છે અને પછી તેનું અમલીકરણ ન થઇ શકે તેવા બહાનાં હેઠળ તેનો વિરોધ કરે છે. ભલે તો પછી ઈશ્વરને આગળ વધવા દો અને બધું વ્યવસ્થિત કરી દેવા દો! હવે તર્કને તરકટ કરવાનું બંધ કરીએ. બ્રિટીશ રાજ એ ઈશ્વરી ઇચ્છાના લીધે નથી પણ આપણે દ્ગઢતા અને હિંમતથી તેનો સામનો કરી શકતા નથી એટલે ચાલે છે. તેઓ આપણને ઈશ્વરી વરદાનથી દબાવી નથી રહ્યા પણ બૉમ્બ અને બંદૂક, રાઈફલ અને કારતૂસ, પોલીસ અને લશ્કર અને સૌથી વધુ તો આપણી પોતાની ઉદાસીનતાથી દબાવીને, તેઓ સફળતાથી સૌથી જઘન્ય પાપ કરી રહ્યા છે કે જેમાં એક દેશ બીજા દેશનું શોષણ કરે છે. ઈશ્વર ક્યાં છે? તે શું કરે છે? તેને આ બધું કરીને કોઈ  રોગીષ્ઠ મજા આવી રહી છે? એક નીરો! એક ચંગીઝ ખાન! મુર્દાબાદ!

હવે ઉપજાવી કાઢેલી વાતો ચાલતી હોય તેવો એક ઓર વિષય. તમે મને પૂછશો કે હું પૃથ્વીની વ્યુત્પત્તિ અને માનવજીવનની શરૂઆત કેવી રીતે સમજાવું છું. ચાર્લ્સ ડાર્વિને આ વિષય પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે. તેના પુસ્તકનો અભ્યાસ કરો. સોહમ સ્વામીના 'કોમન સેન્સ' પર પણ નજર નાખો. તમને સંતોષકારક જવાબ મળી જશે. આ વિષયનો સંબંધ જીવવિજ્ઞાન અને પ્રકૃતિવિજ્ઞાન સાથે છે. આ કુદરતની બીના છે. વિવિધ અવકાશીય પ્રદાર્થોના અકસ્માતી મિશ્રણને લીધે બનતી નીહારિકામાંથી પૃથ્વીનો જન્મ થયો છે. ક્યારે? આ માટે (જૈવ) ઇતિહાસનો અભ્યાસ કરવો પડે. આ જ પ્રક્રિયા દ્વારા પ્રાણીઓની ઉત્ક્રાંતિ થઇ અને લાંબા સમય બાદ માનવીની. ડાર્વિનનું પુસ્તક 'ઓરીજીન ઑફ સ્પીશીઝ' વાંચો. ત્યાર બાદનો સમગ્ર વિકાસ માનવીના કુદરત સાથેના સતત સંઘર્ષ અને કુદરતનો પોતાની રીતે ઉપયોગ કરવાની ખૂબી ને કારણે થયો. આ બીનાનું આ બહુ ટૂંકુ રેખાંકન છે.

તમારો આગલો પ્રશ્ન હશે કે પાછલા જન્મમાં કોઈ પાપ ન કર્યા હોવા છતાં કેમ કોઈ બાળક અંધ કે અપંગ જન્મે છે. આ પ્રશ્ન પણ જીવવિજ્ઞાનીઓ દ્વારા સંતોષકારક રીતે એક જીવવિજ્ઞાનની બીના તરીકે સમજાવવામાં આવ્યો છે. તેમના કહેવા પ્રમાણે સમગ્ર આધાર માતા-પિતાના સભાન કે અભાનપણે કરેલી કોઈ ક્રિયા કે (શારીરિક) રચના પર હોય છે જેના લીધે જન્મ પહેલાથી જ બાળકમાં ખોડખાંપણ આવી હોય.

તમે મને કદાચ એક ઓર પ્રશ્ન પૂછશો, પણ તે બહુ બાલીશ છે. પ્રશ્ન છે કે જો ઈશ્વરનું અસ્તિત્વ જ ન હોય તો લોકો તેમાં માનવાનું શરુ કેમ કરે છે? મારો જવાબ ટૂંકો અને સ્પષ્ટ છે. જેમ લોકો ભૂત, પ્રેતાત્મા વગરેમાં માને છે તેવી જ રીતે ઈશ્વર વિષે પણ માન્યતા ઉભી થઇ છે ને પ્રસર્યા કરે છે: એક જ ફરક એ છે કે ઈશ્વર વિષેની માન્યતા સાર્વત્રિક છે અને તેની પાછળ સુવિકસિત ધાર્મિક ફિલસૂફી છે. જો કે હું આવી ફિલસૂફી સાથે સંમત થતો નથી. તેની(ઈશ્વરની) વ્યુત્પત્તિ એ શોષણખોરોની લંપટાઈને આભારી છે. તેઓ એક સર્વોચ્ચ શક્તિનું અસ્તિત્વ હોવાનો પ્રચાર કરીને જનતાને પોતાની સત્તા હેઠળ દબાવીને રાખવા માંગતા હતા. આ રીતે ઈશ્વરી સત્તાનો અધિકૃત હક્ક પોતાની પાસે હોવાનો દાવો કરીને (સમાજમાં) વિશેષાધિકાર ભોગવતા રહ્યા. હું બધા જ ધર્મોના, સંપ્રદાયોના, ધાર્મિક ફિલસૂફીના કે આવી સંસ્થાઓના મૂળ મુદ્દાઓ સાથે અસંમત નથી થતો પણ લાંબા ગાળે તેઓ જુલમી, શોષણખોર વ્યક્તિઓ, સંસ્થાઓ અને વર્ગોના સમર્થકો કે પ્રતિનિધિ બની જાય છે. રાજાના સામે વિદ્રોહ કરવું તે દરેક ધર્મમાં હંમેશા પાપ જ ગણવામાં આવતું.

જ્યાં ઈશ્વરની વ્યુત્પત્તિની વાત છે ત્યાં મારો વિચાર છે કે જ્યારે માનવીને પોતાની નબળાઈ, ખામીઓ અને મર્યાદા વિષે ભાન થયું ત્યારે માનવીએ ઈશ્વરનું સર્જન પોતાની કલ્પનાઓથી કર્યું છે. આ રીતે તેને બધી જ કપરી પરિસ્થિતિનો અને જીવન દરમ્યાન આવતા બધા જ ડરનો સામનો કરવાની હિંમત મળી, અને તેને સમૃદ્ધિ અને સંપત્તિની (અસમાનતાની) વિરુદ્ધમાં ઊભરો દબાવી રાખવાનું કારણ પણ મળ્યું. ઈશ્વરને તેના ઉટપટાંગ કાયદા અને પૈતૃક ઉદારતા સાથે વિવિધરંગી કલ્પનાઓના રંગે સતત ચીતરવામાં આવ્યો. કોઈ વ્યક્તિ સમાજની સામે ભય ઉભો ન કરી શકે તે માટે ઈશ્વરનો ઉપયોગ દૈવી રોષ અને ઈશ્વરી કાયદાનું નામ લઈને પ્રતિબંધક પરિબળ તરીકે કરવામાં આવ્યો. ઈશ્વર દુર્દશા પામેલ આત્માના આક્રંદ માટે હતો કારણકે જ્યારે દુર્દશાનો સમય હોય અને વ્યક્તિ એકલવાયો અને અસહાય પડી જાય ત્યારે તે (ઈશ્વર)  માતા-પિતા, ભાઈ-બહેન કે મિત્ર તરીકે સાથે ઊભો રહી શકે. દુર્દશામાં રહેલા વ્યક્તિ માટે જ ઈશ્વર એક મદદરૂપ વિચાર છે.

જેમ સમાજ આંધળી મૂર્તિપૂજા અને ધર્મની સાંકડી વ્યાખ્યાઓનો વિરોધ કરે છે તે રીતે સમાજે ઈશ્વરમાં માન્યતાની સામે જ લડવું જોઈએ. આ રીતે માનવી પગભર થઇ શકશે. આ રીતે જ માનવી પોતાની શ્રદ્ધાને એક બાજુએ ફેંકીને બધી જ વિષમતાઓનો સામનો હિંમત અને બહાદુરીથી કરશે. અત્યારે મારા મગજમાં બિલકુલ આ જ છે. મારા મિત્રો, આ મારો ઘમંડ નથી, આ જ મારી વિચારવાની ઢબ છે જેના લીધે હું નાસ્તિક છું. મને નથી લાગતું કે હું ઈશ્વરમાં મારી માન્યતા મજબૂત કરીને અને તેને નિયમિતતાથી ભજીને, (આ મને કોઈ પણ વ્યક્તિ માટે બહુ નીચ ક્રિયા લાગે છે), હું મારી પરિસ્થિતિમાં કોઈ સુધારો લાવી શકું છું કે ન તો હું તેને વધુ બગાડી શકું છું. મેં ઘણા નાસ્તિકો વિષે બધી જ મુસીબતનો સામનો નીડરતાથી કરતા હોવાનું વાંચ્યું છે, તો હું ય છેક છેલ્લે સુધી મસ્તક ઉન્નત રાખીને પુરુષાતનથી ઊભો રહીશ, વધસ્તંભ ઉપર પણ.

ચાલો જોઈએ છીએ કે હું કેટલો મક્કમ છું. મારા એક મિત્રે મને પ્રાર્થના કરવાનું કહ્યું છે. મેં તેને જ્યારે મારી નાસ્તિકતા વિષે જણાવ્યું તો તે કહે, 'જ્યારે તારા છેલ્લા દિવસો આવશે, ત્યારે તું (ઈશ્વરમાં) માનવાનું શરુ કરીશ'. મેં કહ્યું, 'જી ના, મારા સાહેબ, એવું ક્યારેય નહિ બને. મને તે નીચ અને નૈતિક જુસ્સો તોડતું કામ લાગે છે. બસ, આવા જ સ્વાર્થી કારણો માટે, હું ક્યારેય કોઈને નહિ ભજું.' વાચકો અને મિત્રો, શું આ ઘમંડ છે? જો હોય તો હું તેમાં જ માનું છું.

------
આ લેખના ભાષાંતરની શરૂઆત એટલા માટે થઇ કારણકે મારે આ લેખ ધ્યાનથી વાંચવો હતો. ભાષાંતર કરીએ તો સૌથી વધારે ધ્યાનથી વાંચી શકાય. બસ, આ રીતે જ આ કામ હાથમાં લીધું. પહેલો ભાગનું ભાષાંતર કર્યા પછી જાણવા મળ્યું કે કે ગુજરાતીમાં ભગતસિંહના લખાણોનું વર્ષો પહેલા ભાષાંતર થયેલું, જે અપ્રાપ્ય છે. તેથી તો આ કામ કરવાની વધુ જરૂર લાગી. આ પહેલા મને ભગતસિંહની શહાદત વિશેની 'વાર્તા' ખબર હતી પણ તેમના વિચારો વિષે બહુ ખબર ન હતી. એવું લાગે છે કે આપણા સ્વતંત્રસેનાનીઓ રાજા-રાણી પ્રકારની વાર્તાઓના પાત્રો બની ગયા છે અને તેઓ ખરેખર શું માનતા કે વિચારતા, તેમાં કોઈને બહુ રસ હોતો નથી. પ્રવર્તમાન વિવિધ વિચારધારાઓના પડદા વડે તેમને ઢાંકવામાં આવે છે અને પોતપોતાના વિચારોને સંગત વ્યાજબી ઠરાવવામાં આવે છે. સૌથી મોટો પ્રશ્ન છે કે જે લોકો એ ભારતની સ્વતંત્રતા માટે જીવન આપ્યું, તેમના સ્વતંત્ર ભારતનું સ્વપ્ન કેવું હતું? અને એ સ્વપ્નની સરખામણીમાં અત્યારે ભારત કેવું છે? 
મને ભગતસિંહના વ્યક્તિત્વમાં બેહદ રસ પડ્યો છે. મોતની સજાની રાહ જોઇને બેઠેલો એક ત્રેવીસ વર્ષનો છોકરો,  પોતે શું માને છે, કેમ માને છે અને તેના વૈચારિક સંઘર્ષ શું છે તે જણાવવામાં તેને રસ છે. આદર્શવાદનો આડંબર નથી, કોઈ દેખાડો નથી પણ પોતે જે માને છે તે પ્રમાણે વર્તવા માટેનો સંઘર્ષ દેખાઈ આવે છે. કોઈની આંધળી ભક્તિ નહિ, ન ધર્મની, ન પોતાની વિચારધારાની, ન પોતાના મિત્રો વગેરેની. તેનામાં એક પ્રકારની પ્રૌઢતા છે, તાર્કિક શક્તિ છે, વિવિધ વિષયો પર પોતીકી દ્રષ્ટિ છે અને વગર વિચાર્યે કોઈ 'કંઠી' ન પહેરવાની સ્વતંત્ર બુદ્ધિક્ષમતા છે. આ બધા એક વિચક્ષણ નેતાના લક્ષણો છે. 
વળી પાછાં સમયનું વહેણ ભગતસિંહ સુધી ખેંચી લાવશે તો વધુ કામ કરીશું. ભાષાંતરની ભાષા વગેરે અંગે આપના સૂચન આવકાર્ય છે. પહેલી પોસ્ટ પછી મળેલા શુભવચનો અને સૂચનો માટે ખૂબ આભાર.

14 comments:

 1. ઋતુલ ભાઈ,
  ભગતસિંગ ગુજરાતી માં....!! ભગતસિંગ નું જે ભાવવિશ્વ હતું અથવા વાસ્તવિકતા પૂર્ણ,સંઘર્ષમય કશુંક પણ હોય એની સાથે ગુજરાતી ને શું લાગે વળગે....? એવી કંઈક હતાશા થી હું પીડાતો રહ્યો છું ...તમારા બ્લોગ પર ભગતસિંગ ને જોઈ મને કેટલો આનંદ થયો એ હું કહી નથી શકતો....એક સુચન-આ બ્લોગ પર તમે પંજાબી કવિ પાશ ના કાવ્યો નો અનુવાદ પણ મૂકી શકો...
  ફરી ખૂબ ખૂબ આભાર.
  રાજુ પટેલ.

  ReplyDelete
 2. ઈન્તેજારનો ઝડપથી અંત આવ્યો! સરસ નિબંધ એટલું જ સરસ ભાષાંતર (મને તો ભાષાંતર વાંચતો હોઉં એવું લાગ્યું જ નહિ, જો કે મૂળ લેખ વાંચ્યો નથી એટલે વધુ કહી ન શકું).

  પ્રમાણિકપણે કહું તો ભગતસિંહ વિષે આ બે લેખ જેટલું જ જાણું છું. પેલી ફિલમ આવેલી એ પણ નહોતી જોઈ એટલે મને તો 'વાર્તા' પણ ખબર નથી. વિચારો પહેલા જાણવા મળ્યા એ જ સારું થયું. એટલા પુરતું અજ્ઞાની હોવાનો ફાયદો. પણ તમે એક બહુ સાચી વાત કહી. આ બધા ગૌરવ લેવાના પાત્રોથી વિશેષ કશું નથી રહ્યા. તમે માનશો? ગાંધીજીની આત્મકથા આટલી ઉમરમાં છેક હમણાં વાંચી! પશ્ચિમમા ગાંધી વિષે વધુ જાણતા લોકોના સંપર્કમા આવીએ ત્યારે શરમની લાગણી થાય છે. મારો વાંક વધુ અને મારી આજુબાજુના ગુજરાતમા પ્રચલિત "(ન)વાંચન સંસ્કૃતિ" નો ઓછો...વાંચું હું, વાંચે ગુજરાત (જો કે બધું નહિ. ચરખો અને એવું બધું).

  ReplyDelete
 3. ભરતકુમાર2/27/2012 8:25 PM

  રુતુલભાઇ,સરસ મજાના ભાષાંતર દ્વારા વીર ભગતસિંહના વિચારો અમારા સુધી પહોંચાડ્યા એને માટે બિગ થેન્ક યુ.ભગતસિંહ જેવા ઝંઝાવાતી વ્યક્તિઓના વિચારોને પ્રકાશમાં લાવવાનુ કામ કર્યુ,એના આનંદ માટે તો શું કહું? આ નિબંધ વાંચવાની મારી લાગણી ઘણા અરસા પછી સંતોશાઇ.આવું ઘણું બધુ કામ કરો,ને ઇતિહાસના પાનાઓ પર બાઝેલી ધૂળ ખંખેરવાનું પુણ્ય કાર્ય કરતા રહો,એ માટે દિલથી શુભેચ્છા.

  ReplyDelete
 4. Rutul, I must admit that I had never known Bhagatsinh like this before. It seems and excellent translation (even without reading English version).

  ReplyDelete
 5. નાસ્તિકતાને સમજવાના પ્રયાસરુપે ગુગલ સર્ચ પરથી અહીં આવી ચડ્યો.
  ભગતસિંહના વિચારો જાણ્યા, વાસ્તવવાદી વિજ્ઞાન પાસે કેટલાક પ્રસંગો અનુત્તર છે. મને લાગે છે કે નાસ્તિકતા અને આસ્તિકતાને ફક્ત ઇશ્વર સાથે જોડી દિધી છે. પણ 'શ્રધ્ધા' સાથે જોડીએ તો જવાબ જુદો મળવા શક્યતા છે. હું માનું છું કે જે વ્યક્તિને પોતાનામાં 'શ્રધ્ધા' છે તે મારી દ્રષ્ટિએ 'આસ્તિક' છે. પછી ભલે તે ઇશ્વરમાં માનતો હોય કે ન માનતો હોય. અને શ્રધ્ધા જીવન જીવવા માટેનું એક બળ છે. થોડું જાણ્યા, વાંચ્યા પછી મારા બ્લોગ પર લખીશ. આપના બ્લોગ પરથી નાસ્તિકતા વિષે જાણકારી મેળવવા બદલ ઋણ સ્વીકારું છું અને લખીશ ત્યારે આપની પોસ્ટની લીન્ક પણ આપીશ.

  ReplyDelete
 6. સુંદર ભાવાનુવાદ રુતુલભાઈ !

  આભારી રહીશું આપના !

  આ લિંકને શેર કરી શકું કે કેમ ?  ReplyDelete
 7. Thanks Maheshbhai... ચોક્કસ શેર કરો!

  ReplyDelete
 8. સરસ મજા આવી ગઈ.......બ્લોગમાં આ શેર કરી શકાય

  ReplyDelete
 9. મનન કરવા જેવો વિષય છે..આભાર..

  ReplyDelete
 10. ખુબ જ મઝા આવી ગઈ વાંચવાની .....

  ReplyDelete
 11. બહું સરસ રીતે ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે બહું ધ્યાન કેન્દ્રિત કરી भगतसिंह ના વિચારો ને રજૂ કરવા માટે ખુબ ખુબ શુભેચ્છા સાથે અભિનંદન ખૂબ મજા આવી इशश्वर ના અસ્તિત્વ બાબત પુરો પ્રકાસ પાડયો છે સાહેબ, આવા જ વિચારો મેં રમણ ભાઈ પાઠક ના પુસ્તક રમણ ભ્રમણ, reshnalizam ની rahe માં વાંચેલું, મજા આવી thank you so much sir અપ્રતિમ પરમ સત્ય कहा है

  ReplyDelete
 12. ખૂબ જ સરસ લેખ

  ReplyDelete
 13. ભગત સિંઘ પર પિયુષ મિશ્રા એ એક સરસ બુક લખી છે, "ગગન દમમા બાજ્યો " નામનું

  ReplyDelete
 14. ખુબ સરસ. બંને લેખ આખે આખા વહટ્સએપ પર મુક્યા. લિંક સાથે.

  ReplyDelete