Sunday, March 23, 2014

નગર ચરખો - દુનિયાભરમાં સાઈકલ-ક્રાંતિ અને આપણે ત્યાં?

જાણીતાં વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઈન - સ્માર્ટ લોકો સાઈકલ ચલાવે 
દુનિયાભરનાં શહેરોમાં છેલ્લા એક-બે દાયકાથી એક પ્રકારની સાઈકલ-ક્રાંતિ ચાલી રહી છે. યુરોપના ૨૦૦થી વધુ શહેરોમાંઉત્તર અમેરિકાના ૭૦, દક્ષીણ અમેરિકાના ૫૦ અને એશિયાનાં ૨૦ શહેરોમાં પબ્લિક બાઈક શેરીંગની યોજનાઓ આકાર પામી છે. આ યોજના મુજબ કોઈ નિયત કરેલા સ્ટેશન પરથી સાઈકલ  ભાડેથી લઈને તેને બીજા વિસ્તારમાં આવેલા નિયત સ્ટેશન પર પાછી આપી શકાય છે. લંડનમાં 'બોરીસ બાઈકનામે જાણીતી આ યોજનામાં પાંચસો મિલિયન પાઉન્ડ ખર્ચાઈ ચૂક્યા છે. ન્યુયોર્ક સહિતના કેટલાય જાણીતાં શહેરોમાં સાઈકલો માટે અલાયદા રસ્તા બની રહ્યા છેતો નેધરલેન્ડમાં તો સાઈકલ માટે અલાયદા ફ્લાયઓવર બને છે. કેટલાય વિકસિત દેશોના શહેરોમાં એરપોર્ટ્સ પર પાર્ક થયેલી સાઈકલોની સંખ્યા કારથી વધુ હોય છે.

એક મિનીટઆ બધું શું ચાલી રહ્યું છે. આપણે તો ભવિષ્યનાં સાયન્સ ફિકશનમાં એવું સાંભળેલું કે એકવીસમી સદીમાં કારો ઉડતી હશે. એને બદલે આ બધા યુરોપ-અમેરિકાના વિકસિત શહેરો સાઈકલની પાછળ શું કામ પડ્યા છેસાઈકલને સુવિધા થાય તે માટે સરકારો કરોડો-અબજો ડોલર ખર્ચી નાખે છે! આ કેવી એકવીસમી સદીમાં આપણે જઈ રહ્યા છીએ કે જ્યાં ઉડતી કાર નથી પણ બે પૈડાંની સાઈકલ છે સાઈકલ ચલાવવીએ માનવ-ઉત્ક્રાંતિના ક્રમને ઉલટાવવાની વાત નથી પણ દુનિયાનાં આધુનિક દેશોએ આંધળા મોટરીકરણના રસ્તે ગયા બાદ સાઈકલ અને જાહેર પરિવહનના રસ્તે યુ-ટર્ન  મારી લીધો છે.

શું સાઈકલ ખરેખર આપણા ભવિષ્યના શહેરો માટે પરિવહન યોગ્ય વાહન છેસાઈકલ ધ્વનિરહિતપ્રદૂષણ રહિત, કાર્બન-ધુમાડા રહિત માનવ બળથી ચાલતું સાધન છે. સાઈકલ ચલાવીને તમે તમારું પોતાનું વજન જાતે ઉચકો છો અને આ પ્રક્રિયામાં પર્યાવરણને નુકસાન કરતાં નથી. પોતે ગતિમાન રહેવા માટે બીજા પર ધુમાડો ઉડાડતાં નથી. સાઈકલચાલન પર્યાવરણને અને ચલાવનારના સ્વાસ્થ્ય બંનેને ફાયદો કરે છે. સાઈકલનો ખર્ચ ઓછો હોય છે અને રીપેરીંગ સહેલું હોય છે. પાલનપુરથી પોરબંદર સુધીના શહેરોમાં વાહનોની સરેરાશ ઝડપ ઓછી હોય છે અને ક્યાંય પણ પહોંચવા માટેના અંતરો ઓછા હોય છે. તેથી દિવસના લગભગ પાચ-સાત કી.મીના આવવા-જવાના અંતર માટે તે આદર્શ સાધન છે. 

અમુક સાઈકલબાજ મિત્રો (એટલે કે સાઈકલીંગ કરતાં મિત્રો) સાઈકલનાં બે પૈડાને વિજ્ઞાન જગતમાં પૈડાં અને આગની શોધ પછી બહુ મહત્વપૂર્ણ સંશોધન માને છે. સાઈકલ નામની વસ્તુની કિંમત માનવમાત્રના ઇતિહાસમાં બહુ ઓછી અંકાઈ છે અને જો દુનિયામાં બધા સાઈકલ કરતાં થાય તો જગતના ઘણા પ્રશ્નોનો ઉકેલ આવી શકે, એવું એમનું માનવું છે. વિચાર કરો કે એક એવું શહેર જ્યાં બધા સાઈકલ ચલાવતા હોય તે કેવું હશે? -  લીલોતરીભર્યુંછાંયડેદારપ્રદુષણ-રહિતસારા જાહેર સ્વાસ્થ્ય ધરાવતું. પણ પર્યાવરણની દ્રષ્ટીએ ઉપયોગીસ્વાસ્થ્યની રીતે લાભદાયકનિર્મળનિરુપદ્રવી અને નિષ્પાપ(!) એવી સાઈકલનો ઉપયોગ દિવસે-દિવસે ઘટતો ચાલ્યો છે. ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયના એક રીપોર્ટ મુજબ ૧૯૯૪માં મુખ્ય ૮૭ શહેરોમાં ટ્રાફિકનો લગભગ ૩૦ ટકા હિસ્સો સાઈકલોનો હતો જે ઘટીને ૨૦૦૮માં ૧૧ ટકા થયો છે. ઓછી સાઈકલો એટલે વધુ કાર્બન ધુમાડા. કોઈ તેને 'વિકાસ'ની નિશાની માની શકે પરંતુ ટ્રાફિકની ગીચતા અને સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નોની રીતે જોઈએ તો આ એક ગંભીર સમસ્યા છે.

કમનસીબેસાઈકલ ખરીદવી અને ચલાવવી એ વ્યક્તિની આર્થીક પરિસ્થિતિનું સર્ટીફીકેટ થઇ ચુક્યું છે. સાઈકલ જ શું કામકોઈ પણ વાહન. ચાલો, તમને તમારી ઈમેજની ચિંતા હોય તો તમે સ્વેન્કી, બ્રાન્ડેડ, અતિ-મોંઘી સાઈકલ ખરીદજો, બસ! વાત સાઈકલ જોડે કોઈ સકારાત્મક સામાજિક મૂલ્ય જોડવાની છે. દુનિયાના બીજા દેશોમાં સાઈકલ-ક્રાંતિ આવી ચૂકી છે. તેથી આપણી પરિસ્થિતિ અંગે એકંદરે આશાવાદી બની શકાય. હવે તો થોડા સમયની જ વાત છે,જ્યારે સાઈકલ ચલાવવી ફેશનમાં આવી જશે. આવતા હપ્તે સાઈકલ ચલાવવા અંગે થોડા વ્યવહારુ સૂચનો.

નવગુજરાત સમય, પાન નં 11, 21 માર્ચ, 2014

Friday, March 14, 2014

નગર ચરખો - જનમાર્ગ અને લાલ બસ વચ્ચે સંકલન ક્યારે?

Photo: Manish Mistry, TOI
આપણે આ લેખમાળાના છેલ્લા બે હપ્તામાં જોયું કે ટ્રાફિકના અજગરને નાથવા પબ્લિક ટ્રાન્સપોર્ટની સિસ્ટમ સુધારવાનો કોઈ વિકલ્પ નથી. બીજું કે, આવકમાં વૃદ્ધિ સાથે વકરતાં ટ્રાફિક અને સાંકડા થતા રસ્તાની ચિંતા સરકાર અને નાગરિકો બંનેએ છોડીને સારા જાહેર પરિવહનની માટે ઝુંબેશ ચલાવવી જોઈએ. અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે બીઆરટી ઉર્ફ ‘જનમાર્ગ’ની સિસ્ટમ મૂકાઈ ગઈ છે તો પછી તેને વધુ મજબૂત કઈ રીતે કરી શકાય? લાંબા ગાળાના આયોજન તરીકે જાહેર પરિવહનનો વ્યાપ્ત અને નેટવર્ક સતત વધારવા જોઈએ. જો પૂરતો ટ્રાફિક મળી રહેતો હોય તો મેટ્રોનું આયોજન પણ થઇ શકે. આ સુવિધાઓ વધુને વધુ સારી અને એક-બીજા સાથે સંકલિત થાય તેવા પ્રયત્નો થવા જોઈએ.

કોઈ એક પરિવહન વ્યવસ્થા શહેરની બધી જ સમસ્યાઓ ઉકેલી શકતી નથી અને શહેરમાં દરેક જગ્યાએ પહોંચી શકતી નથી.અમદાવાદમાં અંદરોઅંદરના સંસ્થાકીય રાજકારણને બાજુમાં મૂકીને બીઆરટીએસ (જનમાર્ગ) અને એએમટીએસ (લાલ બસ)ને એકબીજા સાથે સંકલિત કરવાની તાતી જરૂર છે. અત્યારે તો એક માનીતી રાણી અને એક અણમાનીતી રાણી છે. પણ મ્યુનીસીપલ કોર્પોરેશન અંતર્ગત બંને સંસ્થાઓ હોવાથી આ ધાર્યા કરતાં વધુ સહેલું છે. એક શહેરમાં એકબીજાને સાંકળી લેતી એક જ બસ સેવા હોવી જોઈએ. મુસાફરો માટે સરકારી માલિકીના પ્રકારનું મહત્વ નથી. તમારા અને મારાં માટે તો ‘ટ્રાન્સપોર્ટ ફોર અમદાવાદ’ જ પૂરતું છે, પછી લાંબાલચક સરકારી કે ટેકનીકલ કે ખાતાકીય નામ ગમે તે હોય. ટૂંકમાં, અમદાવાદની બસ સેવા એક જ હોય, એકરૂપ હોય.

જનમાર્ગ અને લાલ બસને એક બીજા સાથે સાંકળવા માટે ટીકીટભાડુંટાઈમ ટેબલ વગેરે એક જ હોવા જોઈએએક-બીજાના સ્ટેશન કે પ્લેટફોર્મ એક જ કરવા જોઈએ. બંને સિસ્ટમનું એક અમદાવાદની એક જ ટ્રાન્સપોર્ટ સીસ્ટમ તરીકે માર્કેટિંગ થવું જોઈએ. જેમકેલંડનમાં અન્ડરગ્રાઉન્ડ મેટ્રોલાઈટ રેઇલ (સ્કાય ટ્રેઈન)બસફેરી સર્વિસ આ બધું જ 'ટ્રાન્સપોર્ટ  ફોર લંડન'ના એક જ નામે ચાલે છે. આ બધા ય પ્રકારની સેવાઓ માટે એક જ કાર્ડ વપરાય છે અને એકથી બીજી સેવા સુધી પહોંચવા માટે પ્લેટફોર્મ સુધ્ધાં સહિયારા છે. આપણે ત્યાં તો બીઆરટીએસ કોરીડોર ઉપર રસ્તાની સાઈડમાંથી બસસ્ટેન્ડ સુધી પહોંચવા માટે અને રસ્તાની બીજી તરફ જવા માટે કોઈ સુરક્ષિત વ્યવસ્થા નથીજે સત્વરે થવી જોઈએ. 

૨૦૨૦ના અમદાવાદની કલ્પના કરો કે તમે સાબરમતી કે મણીનગર રેલ્વે સ્ટેશન ઉતરો છો. તમારી પાસે થોડો સામાન છે એટલે લાંબી ચડ-ઉતર કર્યા વગર, સ્ટેશનની બહાર નીકળતા પહેલાં તમે અમદાવાદની સંકલિત પરિવહન સેવાના પ્લેટફોર્મ પર પહોંચી જાવો છો. ગજવામાંથી ‘ટ્રાન્સપોર્ટ ફોર અમદાવાદ’નું સ્માર્ટ કાર્ડ કાઢો છો અને તેને સ્વાઈપ કરીને તમારા ઘર તરફ જતી એક એક્સપ્રેસ બસમાં બેસી જાવો છો. એકપ્રેસ બસ અને પ્લેટફોર્મનું લેવલ એક જ છે એટલે તમારે સામાન ઉપાડવો પડતો નથી. એક્સપ્રેસ બસ તેના અલાયદા બસ માટેનાં માર્ગ પર ચાલીને તમારા ઘરથી લગભગ એકાદ કિલોમીટર દૂર આવેલાં એકપ્રેસ બસના પ્લેટફોર્મ પર ઉતારે છે. થોડીક જ વારમાં આ જ પ્લેટફોર્મ પરથી તમને તમારાં ઘર તરફ જતી, સાઈઝમાં થોડી નાની લોકલ બસ મળે છે. આ નાની બસ માટે કોઈ અલાયદો માર્ગ નથી અને તે નાની-મોટી ગલીઓમાં સહેલાઈથી જઈ શકે છે. આ લોકલ બસ તમને તમારાં ઘરની બરાબર સામે ઉતારે છે. બસમાંથી ઉતરતા પહેલાં તમે કાર્ડ ફરી સ્વાઈપ કરો છો. તમારું ભાડું આપોઆપ ગણાઈને તમારાં પ્રી-પેઈડ સ્માર્ટ કાર્ડમાંથી બાદ થઇ જાય છે. બોલો, કેવી લાગી અમદાવાદની ભવિષ્યની પરિવહન સેવા! 

આ પ્રકારની પરિવહન સેવા આપવા માટે સરકારી પક્ષે થોડી કલ્પનાશક્તિ જોઈએ, થોડી સંકલન શક્તિ જોઈએ અને સૌથી વધારે જોઈએ રાજકીય દ્રષ્ટિ અને નાગરિકો માટે દરકાર. ક્યારેક એકબીજા  જોડે ન બોલતી, રેવન્યુ શેરિંગ કે ટીકીટ શેરિંગની વાત ન કરતી સરકારી એજન્સીઓને કોઈ રાજકીય વડીલે સામસામે બેસાડીને વાત કરાવવી જોઈએ, જેથી રોજબરોજનાં વપરાશકારો અને સામાન્ય નાગરિકનાં લાભાર્થે ભવિષ્યનું આયોજન થાય.

નવગુજરાત સમય, પાન નં 13, 14 માર્ચ, 2014. 

Friday, March 07, 2014

નગર ચરખો - બીઆરટીએસથી રસ્તા સાંકડા થાય કે વધતા ટ્રાફિકથી?

આજકાલ વારંવાર વાંચવા-સંભાળવા મળે છે કે અમદાવાદના બીઆરટીએસ ઉર્ફ જનમાર્ગનાં લીધે શહેરના રસ્તા સાંકડા થઇ ગયા છેટ્રાફિકની પારાવાર સમસ્યા વકરી છેઅણઘડ આયોજન છે વગેરે વગેરે. શરૂઆતમાં સરકારી વિકાસની વ્યાખ્યામાં વ્યવસ્થિત બેસી જતો બીઆરટીએસનો પ્રોજેક્ટ હવે ટ્રાફિકના દૈત્યને નાથવામાં વિફળ રહ્યો હોઈ ચર્ચાને એરણે ચઢ્યો છે. ચાલો,ઝીણવટથી તપાસીએ કે 'રસ્તા સાંકડા થવા'ની બીમારી પાછળ ક્યાં જનીનતત્વો જવાબદાર છે.

બીઆરટીએસનો મૂળ વિચાર એવી રીતે ઉદભવેલો કે ખાનગી વાહનોને અમર્યાદિત જગ્યા આપવાને બદલે બસ આધારિત જાહેર પરિવહનને રસ્તા પર જ પ્રાથમિકતા આપવામાં આવે તો એકંદરે આખા શહેરને લાંબા ગાળાનો ફાયદો થાય છે. લાંબા ગાળાના પ્લાનીંગ માટે શરૂઆત આજે કરવી પડે. આ ટ્રાફિકમાં અટવાતી જાહેર બસોને બીઆરટીએસ દ્વારા એક અલગ કોરીડોર આપીને પ્રાથમિકતા આપવાની વાત છે. જેથી આ જાહેર સુવિધાઓનો ઉપયોગ કરનારાંને પેટ્રોલ-ડીઝલના ધુમાડા ઓછા કાઢ્યાનો શિરપાવ બીજા વાહનો જેટલી જ ઝડપેસમયસર પહોંચવાથી મળી શકે!

અમદાવાદનાં લગભગ દરેક બીઆરટીએસ ધરાવતાં રસ્તાઓ પર વિવિધ ટ્રાફિક માટે એક તરફની દિશામાં કમસેકમ બે લેન રાખવામાં આવી છે. આજ બે લેનમાં જ્યારે ટ્રાફિક ઓછો હતો ત્યારે તે રૂપાળી લાગતી હતી. હવે ટ્રાફિક વધવાથી નાની પડતી લાગે છે. મજાની વાત એ છે કે બીઆરટીએસના રસ્તા પર ટ્રાફિકની ફરિયાદ કરનારાઓને શહેરમાં વધતો જતો ટ્રાફિક અને તેમાં પોતાની વાહન ચાલક તરીકેની  સરખી હિસ્સેદારી કે જવાબદારી દેખાતી નથી પણ વાંક બીઆરટીએસનો કાઢવામાં આવે છે. રસ્તા સાંકડા રોજબરોજ વધતા વાહનોના લીધે થાય છેબીઆરટીએસના લીધે નહિ. અમદાવાદમાં છેલ્લા દસ વર્ષમાં જો વસ્તી લગભગ બમણી થઇ હોય તો વાહનોની સંખ્યા સાત-આઠ ગણી ઝડપે વધી છે. વળીઆડેધડ પાર્કિંગને લીધે પણ રસ્તા પરની જગ્યાઓ વ્યવસ્થિત રીતે વપરાતી નથી. રસ્તાને સાંકડા બનાવતાં બંને મુદ્દા ઝડપથી વધતા ખાનગી વાહનોની સંખ્યાને લગતા છે. આ ખાનગી વાહનોનું ભારણ દિવસે-દિવસે વધવાનું જ છે, ઘટવાનું નથી. આ ખાનગી વાહનોની જગ્યાની ભૂખ સંતોષવા માટે પૂરતા પ્રમાણમાં જગ્યાઓ મળી શકવાની નથી એટલે આપણે બીઆરટીએસ જેવા ઉપાયો વિચારવા જ રહ્યા.  

એક બીઆરટીએસ કે એએમટીએસની બસ શહેરના રસ્તાઓ પરથી એંસીથી સો વાહન ઓછા કરે છે. આ બસ ન હોત તો શહેરમાં એંસી કે સો વાહનો ધુમાડા કાઢતા, હોર્ન મારતાં ફરતા હોત. તેથી ખાનગી વાહનના અઠંગ બંધાણીઓએ જાહેર બસોમાં ફરતાં મુસાફરોનું જાહેર સન્માન કે અભિવાદન કરવું જોઈએ. અમદાવાદ શહેરમાં લગભગ દસેક લાખ મુસાફરીઓ બસ દ્વારા થાય છે અને બીજી ચાલીસ લાખ મુસાફરીઓ ખાનગી કે બીજા વાહનોમાં થાય છે. જો બસ સેવા બંધ થાય તો શહેરનો ટ્રાફિક રાતોરાત વીસેક ટકા વધી જાય. અત્યારે જો ટ્રાફિકનો આટલો કકળાટ ચાલે છે તો વીસેક ટકા વધારામાં શું થઇ શકે,તેની કલ્પના જ કરવી રહે.

વકરતાં ટ્રાફિક અને સાંકડા થતા રસ્તાની ચિંતા સરકાર અને નાગરિકો બંનેએ છોડીને સારા જાહેર પરિવહનની માટે ઝુંબેશ ચલાવવી જોઈએ. કોઈ પણ શહેર માટે સારા જાહેર પરિવહનની વ્યવસ્થા જેવો કોઈ વિકાસ નથી! બીઆરટીએસની આદર્શ વ્યાખ્યા એવી છે કે જેમાં જાહેર બસને પ્રાથમિકતા મળેસરળ રીતે સ્ટેશનથી બસમાં ચઢી શકાયટીકીટ લેવામાં સહેલાઇ આવે અને દર અમુક મીનીટે એક-બે દિશામાં જતી બસો મળી રહે. બીજું કે શહેરની બધી જ પરિવહન વ્યવસ્થાઓ એક બીજા સાથે સમય પત્રક, ભાડાં, ટીકીટ વગેરેથી સંકળાયેલી હોવી જોઈએ. શું અમદાવાદની બીઆરટીએસ ઉર્ફ જનમાર્ગ આ આદર્શ વ્યાખ્યામાં ફીટ થાય છે? બીઆરટીએસને પરફેક્ટ બનાવવાની ‘રેસીપી’ આવતા હપ્તે!

નવગુજરાત સમય, પાન નં 13, 7 માર્ચ, 2014. 

નગર ચરખો - ટ્રાફિકના અજગરને નાથવા પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરો!

ભવિષ્યના શહેરોમાં જાહેર પરિવહનનો કોઈ વિકલ્પ જ નથી. જેમ ઘરદીઠ બોરવેલએ પાણી પુરવઠાનો લાંબાગાળાનોટકાઉ ઉપાય નથી અને શહેરમાં પાણીપુરવઠાની કેન્દ્રીયજાહેર વ્યવસ્થા હોવી જ જોઈએ. તેવી જ રીતે દુનિયાના સફળ શહેરોમાં મજબૂતટકાઉ અને વાપરતાં ગમે તેવી જાહેર પરિવહનની વ્યવસ્થા હોય છે. શહેરો આખરે સહિયારી સુવિધાઓ અને સહિયારા પ્રયાસોથી જ બને છે. ભારતમાં હજુ પણ વ્યક્તિદીઠ વાહનોની સંખ્યા દુનિયાભરની સરખામણીમાં સાવ ઓછી છે. નોર્થ અમેરિકામાં દર હજારની વસ્તીએ સાતસો પચાસ વાહનો છે તો યુરોપમાં દર હજારે પાંચસો-છસ્સો વાહનો છે. ભારતના શહેરોમાં દર હજારે પચાસથી ઓછા વાહનો જ હજી સુધી નોંધાયા છે. વર્ષ 2050 સુધીમાં આ આંકડો દર હજારે અઢીસો-ત્રણસો વાહનોની સંખ્યા પાર કરે ત્યારનો શહેરનો ટ્રાફિક કલ્પી શકો છો?

વ્યક્તિદીઠ આવકમાં વધારા અને વધતાં જતાં શહેરના ફેલાવાના લીધે ટ્રાફિકનું ઔધ્યોગીકરણ થયું છે. પણ વાહનોને શહેરો પર પ્રભુત્વ વધારવા દેવાને બદલે આખરે દરેક સારા શહેરમાં જાહેર પરિવહનની વ્યવસ્થા સુધારવા માટે સંનિષ્ઠ પ્રયત્નો થયા છે. કોલંબિયા દેશના પાટનગર બગોટા શહેરના મેયરે કહે છે કે, 'સૌથી વિકસિત દેશ એ નથી કે જેમાં દરેક વ્યક્તિ પાસે કાર હોયસાચી રીતે વિકસિત દેશ એ છે કે જ્યાં પૈસાદારો પણ જાહેર પરિવહનનો ઉપયોગ કરતા હોય'. જ્યાં પૈસાદારોને પણ જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનું મન થાય તેવા શહેરો હોંગકોંગ, સિંગાપુર, લંડન, પેરીસ વગેરે ખરા અર્થમાં વિકસિત છે. આ શહેરોમાં વ્યક્તિદીઠ આવક જ વધારે નથી, વ્યક્તિદીઠ માણવાલાયક જાહેર જગ્યા પણ વધારે છે અને પરિવહન હોય કે બાગ-બગીચા જાહેર સુવિધાઓની ગુણવત્તા પણ વધારે સારી છે.

ખાનગી ટ્રાફિક નામનો અજગર છે જેની રસ્તા પર જગ્યા માટેની ભૂખ ક્યારેય શમતી નથી. ગમે તેટલી જગ્યા આપો પણ વાહનોની કતારો પૂરી થતી નથી અને અજગરની પૂંછડી જડતી નથી. સીધી વાત છે કે ઝડપથી જતાં વાહનોને વધુ જગ્યા જોઈએજ્યારે ધીમી ગતિએ જતાં વાહનોને ઓછી જગ્યા જોઈએ. રસ્તા પર વધુ જગ્યા હોય તો ઓછી સંખ્યાના વાહનો ઝડપ કરીને તે જગ્યા પૂરી લે છે અને ઓછી જગ્યા હોય તો વધુ સંખ્યામાં વાહનો ધીમી ગતિએ આગળ વધે છે. જ્યાં સુધી વાહનો ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધતા હોય તો તે વાંધાજનક નથી. પહોળા અને વધુ પહોળા રસ્તાઓ ટૂંક જ સમયમાં તેજ ગતિથી જતા વાહનોથી ભરાઈ જાય છે. પહોળા રસ્તા એટલે ઓછી સંખ્યામાં ઝડપથી જતો ટ્રાફિક. વાહનો માટે રસ્તાની પહોળાઈ અને જગ્યા વધારતા જ રહેવા માટે રસ્તા ઉપર રસ્તા (ફ્લાયઓવર) બનાવવા પડે. રસ્તા ઉપર રસ્તા બનાવ્યા બાદ પણ સમસ્યાનો હાલ આવતો નથી કારણકે હવે ઉપર અને નીચેના માળે ફરી એ જ ટ્રાફિકના ભરાવાનાં પ્રશ્નો ઉભા થાય છે. રસ્તા ઉપર રસ્તા બનાવતા રહેવાનો ઉપાય બહુ જ મોંઘો છે અને તે થોડા સમય માટેઅમુક લોકોને જ રાહત આપે છે.

ફ્લાયઓવર બનાવવા એ બાય-પાસ સર્જરી જેવું છેજેમાં ખર્ચ વધુ હોય છે અને ઉપાય ટૂંકા ગાળાનો (દસેક વર્ષનો) થાય છે. લાંબા ગાળાનો ઉપાય જેમ હૃદયની બાબતમાં નિયમિત કસરત અને પૌષ્ટિક ખોરાક છે તેમ વાહનવ્યવહારની બાબતમાં તે ઉપાય છે કે જાહેર પરિવહનનો મહિમા કરવોતેની સર્વિસ સુધારવી અને તેને પ્રાથમિકતા આપવી. આવા ‘લાઈફસ્ટાઈલ’ને લગતાં પરિવર્તનો કર્યા સિવાયશોર્ટકટથી કે બાય-પાસથી દુનિયાના કોઈ પણ દેશે કે કોઈ પણ શહેરે વાહનવ્યવહારના પ્રશ્નોનો હલ લાંબા ગાળા માટે લાવ્યો નથી. આ આધુનિક ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગની સાદી-સીધી સમજણ છે. 

જેમ લોક્શાહીની સમસ્યાઓનું સમાધાન વધુ અને વધુમજબૂત-ટકાઉ લોકશાહી જ હોઈ શકેસરમુખત્યારશાહી નહિ. તેવી જ રીતે ટ્રાફિકની સમસ્યાઓનું સમાધાન વધુ અને વધુ,મજબૂત-ટકાઉ જાહેર પરિવહન સુવિધા જ હોઈ શકેખાનગી વાહનો માટે અમર્યાદ રસ્તાઓ નહિ.

નવગુજરાત સમય, પાન નં 11, 28 ફેબ્રુઆરી, 2014. 

નગર ચરખો - મફત પાર્કિંગ એટલે જાહેર જગ્યાનું ‘ખાનગીકરણ’

ગયા અઠવાડિયાના લેખમાં આપણે પાર્કિંગના ફેલાતાં જતાં પાથરણા શહેરોમાં કેવી રીતે જાહેર જગ્યા ગળી જાય છે તે વિષે વાત કરી. આજે વાત કરીએ કે પાર્કિંગની સમસ્યાનો સાદો હલ કેવી રીતે લાવવો. પહેલો પ્રશ્ન એ છે કે પાર્કિંગએ કેટલી જાહેર સમસ્યા છે અને કેટલી અંગત સમસ્યા છેજેમ સરકાર કોઈ વ્યક્તિ તેના કપડાંફર્નીચર અને નાહ્યા પછી ટુવાલ ક્યાં મુકે છે તેની ચિંતા કરતી નથી તો પછી સરકારે કોઈ વ્યક્તિ પોતાનું અંગત વાહન ક્યાં મુકે તેની ચિંતા કેમ કરવી જોઈએતમે જો તમારું ફર્નીચર રસ્તા પર મુકો તો તમે એક જાહેર જગ્યાને અંગત વપરાશ માટે વાપરો છો. પાર્કિંગનું પણ એવું જ છે. જયારે તમે તમારું વાહન રસ્તા પર મુકો છો ત્યારે તમે તે બહુમુલ્ય જાહેર જગ્યાનું ‘ખાનગીકરણ’ કરી નાખ્યું. આપણું અંગત પાર્કિંગ તે સરકારની વહીવટી જવાબદારી નથી અને સમાજની સહિયારી જવાબદારી પણ નથી. આપણે વાહન ચલાવીને કે વાહન રાખીને કોઈના પર ઉપકાર નથી કરતા.

પાર્કિંગએ સપ્લાય આપ-આપ કરવાનો નહિ પણ ડીમાન્ડ મેનેજ કરવાનો કોયડો છે. એક માન્યતા છે કે વધુ અને વધુ પાર્કિંગની જગ્યા આપવાથી પાર્કિંગની સમસ્યાનો નિકાલ થશે. તેથી જ તો છાશવારે એવા સમાચારો છપાય છે કે મ્યુનીસીપલ કોર્પોરેશન બહુ-માળીય પાર્કિંગ કરોડો રૂપિયાના ખર્ચે બનાવશે. અહીં એવો સવાલ જરૂર થાય કે જો હું રસ્તા પર મફત પાર્કિંગ કરી શકું તો પછી બહુમાળીય પાર્કીગમાં પૈસા આપીને પાર્કિંગ કરવા શું કામ જાઉંઆવો ખોટો ખર્ચ શા માટેસરકારનું સમગ્ર ધ્યાન રસ્તા પર થતાં પાર્કિંગને નિયંત્રિત કરવામાં હોવું જોઈએ, બહુમાળીય પાર્કિંગ બનાવવાના ખોટા ખર્ચ પર નહિ. જો સરકાર વ્યવસ્થિત રીતે રસ્તા પરનું પાર્કિંગ નિયંત્રિત કરશે તો જ કોઈ બિલ્ડરને પ્રાઈવેટ પાર્કિંગ બનાવવામાં રસ પડશે. કારણકે પાર્કિંગ ઉભું કરવું તે સરકારની મૂળભૂત ફરજ તો નથી.  સરકારે જો જાહેર રસ્તા પર પાર્કિંગની વ્યવસ્થા જાળવવી હોય તો તે જાહેર જગ્યાના ખાનગીકરણનું બજારભાવ પ્રમાણે ભાડું લેવાની જરૂર છે.

અમેરિકાના પ્રોફેસર ડોનાલ્ડ શુપ કહે છે કે રસ્તા પર મફત પાર્કિંગ કરવાનું બહુ મોટું મૂલ્ય સમાજ ભોગવે છે. એક દલીલ બહુ જાણીતી છે કે મફત આપેલી વસ્તુઓનો દુરુપયોગ થાય છે. મફત પાર્કિંગ હોય તો વાહન લઈને જવાનું મન વધારે થાય. વાહન ત્યાંને ત્યાં વધારે સમય માટે મૂકી રાખવાનું મન થાય. જેટલી વધુ છૂટ તેમ જ્યાં વધારે જગ્યામાં ઓછા વાહનો પાર્ક થાય. એકંદરે વાહનવાળા રાજા સાબિત થાય અને રસ્તે ચાલતા લોકો વધેલી-ઘટેલી જગ્યામાં ચલાવી લે કે પછી ફૂટપાથ મુકીને રસ્તા પર ચાલે. મફત પાર્કિંગના લીધે થતો બીજો મોટો પ્રશ્ન એ છે કે વધુ પાર્કિંગની જરૂરીયાત ધરાવતા બિલ્ડીંગમોલટ્યુશન ક્લાસ વગેરે જાહેર રસ્તાનો ઉપયોગ તેમના 'અંગતપાર્કિંગ માટે કરે છે અને તે પણ મફત.

પાર્કિંગની પ્રવૃતિઓને નિયંત્રિત કરવાનો કરવાનો ઉપાય જાહેર રસ્તા પરના પાર્કિંગ પર પ્રાઈસ ટેગ લગાવવાનો છે. ઘણા દેશી-વિદેશી સંશોધનો બતાવે છે કે પાર્કિંગ પર પ્રાઈસ ટેગ લગાવવાથી બિન-જરૂરી પાર્કિંગ ‘ગાયબ’ થઇ જાય છે અને ચાલવા માટે 'રસ્તાઓ'ખુલે છે. શહેરના કોઈ કમર્શિયલ એરિયામાં ગ્રાઉન્ડ ફ્લોર પર છ બાય બાર ફૂટ (કાર) કે ત્રણ  બાય છ ફૂટ(બાઈક)ની કમર્શિયલ જગ્યાનું દિવસનું કે અમુક કલાકનું ભાડું ગણી જુવો અને પછી પાર્કિંગના કેટલા પૈસા આપો છો તે જુવો. એવું લાગશે કે આખો દિવસ રસ્તાનું ‘ખાનગીકરણ’ કરીનેટ્રાફિક અને ચાલવાવાળાને મુશ્કેલી ઉભી કર્યા બાદ પણ પાર્કિંગ ચાર્જમાં મોટી સબસીડી મળે છે. ભારતના શહેરોમાં કોઈ જગ્યાનું કમર્શિયલ ભાડું અને પાર્કિંગની ફી વચ્ચે મોટો તફાવત છે જે દુનિયાના મોટો ભાગના શહેરોમાં નથીતેથી તે શહેરોમાં પાર્કિંગ કંટ્રોલમાં છે. પાર્કિંગની સમસ્યાસમસ્યા એટલા માટે છે કે કારણકે પાર્કિંગને જાહેર સેવાની તુલના આપવામાં આવે છે કમોડીટી કે લેતી-દેતીની ચીજની નહિ. પાર્કિંગ એક સવલત જરૂર છે પણ જન્મસિદ્ધ અધિકાર ક્યારેય નહિ.

નવગુજરાત સમય, પાન નં 9, 17મી ફેબ્રુઆરી, 2014. 

નગર ચરખો - પાર્ક નહિ પાર્કિંગ, શહેર આખું પાર્કિંગ!

‘નગર ચરખોએટલે નગર-વિકાસ અને નાગરિક કલ્યાણના મુદ્દાઓ પર કાંતણ કામ. લખવું એટલે કાંતવુંક્યારેક ઝીણું ક્યારેક જાડું. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્દાત સ્લોગનોનો માર્મિક ઉપયોગ પાર્કિંગની સમસ્યાને સમજવા માટે કરવો હોય તો આ રીતે થઇ શકે છે:

-     મફતપાર્કિંગએ મારો જન્મસિદ્ધ અધિકાર છે.
-     તુમ મુઝે બીઝનેસ દોમેં તુમ્હે પાર્કિંગ દુંગા.
-     મફતમાં પાર્કિંગએ કોઈ માંગવાની જરૂર નથીમફત પાર્કિંગ તો છીનવી લેવું જોઈએ.

સ્વતંત્રતાના અને સ્વાયતત્તાના વિચારનો સૌથી વધારે અમલ જો કોઈ સામાજિક પ્રવૃત્તિએ કર્યો હોય તો તે છે પાર્કિંગની પ્રવૃત્તિ. કેટલાક લોકો તો મફતમાં પાર્કિંગ કરી લેવાને કળાનો દરજ્જો આપતા હોય છે. પોળમાં ખરીદી કરવા જતી વખતે પાર્કિંગ કરી આપવાવાળા માણસને ખાસ સાધવામાં આવે છે અને તે વ્યક્તિ કોઈનું કરી જવાનો હોય એ અદાથી પાર્કિંગ કરી આવે છે. પુ.લ.દેશપાંડેએ 'ભાત-ભાતકે લોગનામના પુસ્તકમાં જાત-જાતના લોકો વર્ણવ્યા છેલગ્ન પાર ઉતારનારાકોઈને કોઈ મંડળીના સભ્ય-મંત્રી તરીકે જીવન વિતાવનારાસંગીત પ્રેમીચોખલીયા વગેરે. તેમાં 'પાર્કિંગ કરી આપનારો'વર્ગ ચોક્કસ શામેલ થઇ શકે.

પાર્કિંગનો મુદ્દોએ લલિત-નિબંધોહાસ્ય-લેખોથી લઈને સરકારી નીતિઓ સુધીમાં સતત અવગણના પામેલો મુદ્ધો છે. નવાઈની વાત તો એ છે કે પાર્કિંગ વિષય જ બહુ સંવેદનશીલ છે અને બહુ વિચિત્ર રીતે વ્યક્તિના ઈગો સાથે સંકળાયેલો છે. પાર્કિંગ ન કરવા દેવું કે કોઈ જેને પોતાની જગ્યા માનતો હોય ત્યાં પાર્કિંગ કરી આવવું તે અંગત આક્રમણ સમાન છે. શહેરોમાં પાર્કિંગના મુદ્દે સોસાઈટી કે રહેણાક વિસ્તારોમાં હિંસક ઘટનાઓ સુદ્ધાં બને છે. કારમાં બેસીને ખાવું અને પાર્કિંગમાં બેસીને ખાવું તે હવે આપણી લોક-સંસ્કૃતિનો અનન્ય હિસ્સો છે. ક્યારેક એવું લાગે છે કે આપણે શહેરો માણસ માટે નહિ પણ કાર અને બાઈક માટે વસાવીએ છીએ. કારણકે શહેરનો મોટો હિસ્સો કાર અને બાઈકથી છવાયેલો હોય છે.

આડેધડ કરાયેલા પાર્કિંગને કારણે જો સૌથી વધારે કોઈ પ્રવૃત્તિનો ભોગ લેવાતો હોય તો તે છે ચાલવાની પ્રવૃત્તિ કે શહેરમાં હળવા-મળવાની પ્રવૃત્તિ. આપણે ત્યાં થોડી ઘણી બચેલી ફૂટપાથો કે ખુલ્લી જગ્યાઓ કે ચોક પર પાર્કિંગના પાથરણાં હોય છે. અમદાવાદમાં મ્યુનીસીપલ માર્કેટ જેવા એરિયાનું જ ઉદાહરણ લો. શું દુકાનોની વચ્ચોવચ સેંકડો વાહનોની જગ્યાએ ફુવારા અને લીલોતરી સાથેની સરસ ખુલ્લી જગ્યા ન થઇ શકે? પણ ખાનગી વાહનોને અંકુશમાં ન રાખીએ તો તે આપણી અમૂલ્ય ખુલ્લી જગ્યા ખાઈ જાય છે. જ્યાં થોડી પણ ખુલ્લી જગ્યા મળે ત્યાંનું સ્થાનિક પાર્કિંગ જ નહિ પણ ત્યાં ‘લોંગ ટર્મ’ પાર્કિંગ પણ થવા માંડે છે. આ વાત માત્ર અમદાવાદ સુધી જ સીમિત નથી પણ બધા જ નાના-મોટા શહેરોમાં આવેલા ખાણી-પીણીના માર્કેટ કે ગામના ચોકમાં બહુ જ ઓછા ખર્ચમાં સારું લેન્ડસ્કેપીંગ કરીને બાળકોને રમવાની કે આબાલવૃધ્ધોને એકબીજા સાથે હળવા મળવાની જગ્યા થઇ શકે છે. તમે કોઈ પણ જગ્યાએથી વાહનો હટાવો તો તરત જ તે જગ્યાએ નાના બાળકો રમતા દેખાશે.

એક વાહન શહેરમાં પાર્કિંગની ત્રણ જગ્યાઓ રોકે છે – એક જગ્યા ઘરે ખાલી રાખવી પડે છે, એક ઓફીસ કે દુકાન પર રાખવી પડે છે અને એક જગ્યા શોપિંગ કરવા કે બીજા કોઈ કામ માટે જઈએ ત્યાં જોઈએ. અમેરિકી ગાયિકા જોની મિચેલનું એક ગીત છે – They pave paradise, put up a parking lot – આપણે પથરાં જડીને ‘સ્વર્ગ’ જેવી જગ્યાએ પણ પાર્કિંગ કરતાં થઇ જઈએ છીએ. સાચે જ કંઇક (સારી જગ્યા) ગુમાવીએ ત્યારે જ તેની કિંમત સમજાય છે. તો આ પાર્કિંગની સમસ્યાનું શું કરીએ? એક હિન્ટ આપું - પાર્કિંગએ સપ્લાય આપ-આપ કરવાનો નહિ પણ ડીમાન્ડ મેનેજ કરવાનો પ્રશ્ન છે. તે વિષે વધુ આવતા હપ્તે.

નવગુજરાત સમય, પાન નં 9, 10 ફેબ્રુઆરી, 2014.