Friday, March 07, 2014

નગર ચરખો - બીઆરટીએસથી રસ્તા સાંકડા થાય કે વધતા ટ્રાફિકથી?

આજકાલ વારંવાર વાંચવા-સંભાળવા મળે છે કે અમદાવાદના બીઆરટીએસ ઉર્ફ જનમાર્ગનાં લીધે શહેરના રસ્તા સાંકડા થઇ ગયા છેટ્રાફિકની પારાવાર સમસ્યા વકરી છેઅણઘડ આયોજન છે વગેરે વગેરે. શરૂઆતમાં સરકારી વિકાસની વ્યાખ્યામાં વ્યવસ્થિત બેસી જતો બીઆરટીએસનો પ્રોજેક્ટ હવે ટ્રાફિકના દૈત્યને નાથવામાં વિફળ રહ્યો હોઈ ચર્ચાને એરણે ચઢ્યો છે. ચાલો,ઝીણવટથી તપાસીએ કે 'રસ્તા સાંકડા થવા'ની બીમારી પાછળ ક્યાં જનીનતત્વો જવાબદાર છે.

બીઆરટીએસનો મૂળ વિચાર એવી રીતે ઉદભવેલો કે ખાનગી વાહનોને અમર્યાદિત જગ્યા આપવાને બદલે બસ આધારિત જાહેર પરિવહનને રસ્તા પર જ પ્રાથમિકતા આપવામાં આવે તો એકંદરે આખા શહેરને લાંબા ગાળાનો ફાયદો થાય છે. લાંબા ગાળાના પ્લાનીંગ માટે શરૂઆત આજે કરવી પડે. આ ટ્રાફિકમાં અટવાતી જાહેર બસોને બીઆરટીએસ દ્વારા એક અલગ કોરીડોર આપીને પ્રાથમિકતા આપવાની વાત છે. જેથી આ જાહેર સુવિધાઓનો ઉપયોગ કરનારાંને પેટ્રોલ-ડીઝલના ધુમાડા ઓછા કાઢ્યાનો શિરપાવ બીજા વાહનો જેટલી જ ઝડપેસમયસર પહોંચવાથી મળી શકે!

અમદાવાદનાં લગભગ દરેક બીઆરટીએસ ધરાવતાં રસ્તાઓ પર વિવિધ ટ્રાફિક માટે એક તરફની દિશામાં કમસેકમ બે લેન રાખવામાં આવી છે. આજ બે લેનમાં જ્યારે ટ્રાફિક ઓછો હતો ત્યારે તે રૂપાળી લાગતી હતી. હવે ટ્રાફિક વધવાથી નાની પડતી લાગે છે. મજાની વાત એ છે કે બીઆરટીએસના રસ્તા પર ટ્રાફિકની ફરિયાદ કરનારાઓને શહેરમાં વધતો જતો ટ્રાફિક અને તેમાં પોતાની વાહન ચાલક તરીકેની  સરખી હિસ્સેદારી કે જવાબદારી દેખાતી નથી પણ વાંક બીઆરટીએસનો કાઢવામાં આવે છે. રસ્તા સાંકડા રોજબરોજ વધતા વાહનોના લીધે થાય છેબીઆરટીએસના લીધે નહિ. અમદાવાદમાં છેલ્લા દસ વર્ષમાં જો વસ્તી લગભગ બમણી થઇ હોય તો વાહનોની સંખ્યા સાત-આઠ ગણી ઝડપે વધી છે. વળીઆડેધડ પાર્કિંગને લીધે પણ રસ્તા પરની જગ્યાઓ વ્યવસ્થિત રીતે વપરાતી નથી. રસ્તાને સાંકડા બનાવતાં બંને મુદ્દા ઝડપથી વધતા ખાનગી વાહનોની સંખ્યાને લગતા છે. આ ખાનગી વાહનોનું ભારણ દિવસે-દિવસે વધવાનું જ છે, ઘટવાનું નથી. આ ખાનગી વાહનોની જગ્યાની ભૂખ સંતોષવા માટે પૂરતા પ્રમાણમાં જગ્યાઓ મળી શકવાની નથી એટલે આપણે બીઆરટીએસ જેવા ઉપાયો વિચારવા જ રહ્યા.  

એક બીઆરટીએસ કે એએમટીએસની બસ શહેરના રસ્તાઓ પરથી એંસીથી સો વાહન ઓછા કરે છે. આ બસ ન હોત તો શહેરમાં એંસી કે સો વાહનો ધુમાડા કાઢતા, હોર્ન મારતાં ફરતા હોત. તેથી ખાનગી વાહનના અઠંગ બંધાણીઓએ જાહેર બસોમાં ફરતાં મુસાફરોનું જાહેર સન્માન કે અભિવાદન કરવું જોઈએ. અમદાવાદ શહેરમાં લગભગ દસેક લાખ મુસાફરીઓ બસ દ્વારા થાય છે અને બીજી ચાલીસ લાખ મુસાફરીઓ ખાનગી કે બીજા વાહનોમાં થાય છે. જો બસ સેવા બંધ થાય તો શહેરનો ટ્રાફિક રાતોરાત વીસેક ટકા વધી જાય. અત્યારે જો ટ્રાફિકનો આટલો કકળાટ ચાલે છે તો વીસેક ટકા વધારામાં શું થઇ શકે,તેની કલ્પના જ કરવી રહે.

વકરતાં ટ્રાફિક અને સાંકડા થતા રસ્તાની ચિંતા સરકાર અને નાગરિકો બંનેએ છોડીને સારા જાહેર પરિવહનની માટે ઝુંબેશ ચલાવવી જોઈએ. કોઈ પણ શહેર માટે સારા જાહેર પરિવહનની વ્યવસ્થા જેવો કોઈ વિકાસ નથી! બીઆરટીએસની આદર્શ વ્યાખ્યા એવી છે કે જેમાં જાહેર બસને પ્રાથમિકતા મળેસરળ રીતે સ્ટેશનથી બસમાં ચઢી શકાયટીકીટ લેવામાં સહેલાઇ આવે અને દર અમુક મીનીટે એક-બે દિશામાં જતી બસો મળી રહે. બીજું કે શહેરની બધી જ પરિવહન વ્યવસ્થાઓ એક બીજા સાથે સમય પત્રક, ભાડાં, ટીકીટ વગેરેથી સંકળાયેલી હોવી જોઈએ. શું અમદાવાદની બીઆરટીએસ ઉર્ફ જનમાર્ગ આ આદર્શ વ્યાખ્યામાં ફીટ થાય છે? બીઆરટીએસને પરફેક્ટ બનાવવાની ‘રેસીપી’ આવતા હપ્તે!

નવગુજરાત સમય, પાન નં 13, 7 માર્ચ, 2014. 

No comments:

Post a Comment