Friday, March 14, 2014

નગર ચરખો - જનમાર્ગ અને લાલ બસ વચ્ચે સંકલન ક્યારે?

Photo: Manish Mistry, TOI
આપણે આ લેખમાળાના છેલ્લા બે હપ્તામાં જોયું કે ટ્રાફિકના અજગરને નાથવા પબ્લિક ટ્રાન્સપોર્ટની સિસ્ટમ સુધારવાનો કોઈ વિકલ્પ નથી. બીજું કે, આવકમાં વૃદ્ધિ સાથે વકરતાં ટ્રાફિક અને સાંકડા થતા રસ્તાની ચિંતા સરકાર અને નાગરિકો બંનેએ છોડીને સારા જાહેર પરિવહનની માટે ઝુંબેશ ચલાવવી જોઈએ. અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે બીઆરટી ઉર્ફ ‘જનમાર્ગ’ની સિસ્ટમ મૂકાઈ ગઈ છે તો પછી તેને વધુ મજબૂત કઈ રીતે કરી શકાય? લાંબા ગાળાના આયોજન તરીકે જાહેર પરિવહનનો વ્યાપ્ત અને નેટવર્ક સતત વધારવા જોઈએ. જો પૂરતો ટ્રાફિક મળી રહેતો હોય તો મેટ્રોનું આયોજન પણ થઇ શકે. આ સુવિધાઓ વધુને વધુ સારી અને એક-બીજા સાથે સંકલિત થાય તેવા પ્રયત્નો થવા જોઈએ.

કોઈ એક પરિવહન વ્યવસ્થા શહેરની બધી જ સમસ્યાઓ ઉકેલી શકતી નથી અને શહેરમાં દરેક જગ્યાએ પહોંચી શકતી નથી.અમદાવાદમાં અંદરોઅંદરના સંસ્થાકીય રાજકારણને બાજુમાં મૂકીને બીઆરટીએસ (જનમાર્ગ) અને એએમટીએસ (લાલ બસ)ને એકબીજા સાથે સંકલિત કરવાની તાતી જરૂર છે. અત્યારે તો એક માનીતી રાણી અને એક અણમાનીતી રાણી છે. પણ મ્યુનીસીપલ કોર્પોરેશન અંતર્ગત બંને સંસ્થાઓ હોવાથી આ ધાર્યા કરતાં વધુ સહેલું છે. એક શહેરમાં એકબીજાને સાંકળી લેતી એક જ બસ સેવા હોવી જોઈએ. મુસાફરો માટે સરકારી માલિકીના પ્રકારનું મહત્વ નથી. તમારા અને મારાં માટે તો ‘ટ્રાન્સપોર્ટ ફોર અમદાવાદ’ જ પૂરતું છે, પછી લાંબાલચક સરકારી કે ટેકનીકલ કે ખાતાકીય નામ ગમે તે હોય. ટૂંકમાં, અમદાવાદની બસ સેવા એક જ હોય, એકરૂપ હોય.

જનમાર્ગ અને લાલ બસને એક બીજા સાથે સાંકળવા માટે ટીકીટભાડુંટાઈમ ટેબલ વગેરે એક જ હોવા જોઈએએક-બીજાના સ્ટેશન કે પ્લેટફોર્મ એક જ કરવા જોઈએ. બંને સિસ્ટમનું એક અમદાવાદની એક જ ટ્રાન્સપોર્ટ સીસ્ટમ તરીકે માર્કેટિંગ થવું જોઈએ. જેમકેલંડનમાં અન્ડરગ્રાઉન્ડ મેટ્રોલાઈટ રેઇલ (સ્કાય ટ્રેઈન)બસફેરી સર્વિસ આ બધું જ 'ટ્રાન્સપોર્ટ  ફોર લંડન'ના એક જ નામે ચાલે છે. આ બધા ય પ્રકારની સેવાઓ માટે એક જ કાર્ડ વપરાય છે અને એકથી બીજી સેવા સુધી પહોંચવા માટે પ્લેટફોર્મ સુધ્ધાં સહિયારા છે. આપણે ત્યાં તો બીઆરટીએસ કોરીડોર ઉપર રસ્તાની સાઈડમાંથી બસસ્ટેન્ડ સુધી પહોંચવા માટે અને રસ્તાની બીજી તરફ જવા માટે કોઈ સુરક્ષિત વ્યવસ્થા નથીજે સત્વરે થવી જોઈએ. 

૨૦૨૦ના અમદાવાદની કલ્પના કરો કે તમે સાબરમતી કે મણીનગર રેલ્વે સ્ટેશન ઉતરો છો. તમારી પાસે થોડો સામાન છે એટલે લાંબી ચડ-ઉતર કર્યા વગર, સ્ટેશનની બહાર નીકળતા પહેલાં તમે અમદાવાદની સંકલિત પરિવહન સેવાના પ્લેટફોર્મ પર પહોંચી જાવો છો. ગજવામાંથી ‘ટ્રાન્સપોર્ટ ફોર અમદાવાદ’નું સ્માર્ટ કાર્ડ કાઢો છો અને તેને સ્વાઈપ કરીને તમારા ઘર તરફ જતી એક એક્સપ્રેસ બસમાં બેસી જાવો છો. એકપ્રેસ બસ અને પ્લેટફોર્મનું લેવલ એક જ છે એટલે તમારે સામાન ઉપાડવો પડતો નથી. એક્સપ્રેસ બસ તેના અલાયદા બસ માટેનાં માર્ગ પર ચાલીને તમારા ઘરથી લગભગ એકાદ કિલોમીટર દૂર આવેલાં એકપ્રેસ બસના પ્લેટફોર્મ પર ઉતારે છે. થોડીક જ વારમાં આ જ પ્લેટફોર્મ પરથી તમને તમારાં ઘર તરફ જતી, સાઈઝમાં થોડી નાની લોકલ બસ મળે છે. આ નાની બસ માટે કોઈ અલાયદો માર્ગ નથી અને તે નાની-મોટી ગલીઓમાં સહેલાઈથી જઈ શકે છે. આ લોકલ બસ તમને તમારાં ઘરની બરાબર સામે ઉતારે છે. બસમાંથી ઉતરતા પહેલાં તમે કાર્ડ ફરી સ્વાઈપ કરો છો. તમારું ભાડું આપોઆપ ગણાઈને તમારાં પ્રી-પેઈડ સ્માર્ટ કાર્ડમાંથી બાદ થઇ જાય છે. બોલો, કેવી લાગી અમદાવાદની ભવિષ્યની પરિવહન સેવા! 

આ પ્રકારની પરિવહન સેવા આપવા માટે સરકારી પક્ષે થોડી કલ્પનાશક્તિ જોઈએ, થોડી સંકલન શક્તિ જોઈએ અને સૌથી વધારે જોઈએ રાજકીય દ્રષ્ટિ અને નાગરિકો માટે દરકાર. ક્યારેક એકબીજા  જોડે ન બોલતી, રેવન્યુ શેરિંગ કે ટીકીટ શેરિંગની વાત ન કરતી સરકારી એજન્સીઓને કોઈ રાજકીય વડીલે સામસામે બેસાડીને વાત કરાવવી જોઈએ, જેથી રોજબરોજનાં વપરાશકારો અને સામાન્ય નાગરિકનાં લાભાર્થે ભવિષ્યનું આયોજન થાય.

નવગુજરાત સમય, પાન નં 13, 14 માર્ચ, 2014. 

No comments:

Post a Comment