Friday, March 07, 2014

નગર ચરખો - મફત પાર્કિંગ એટલે જાહેર જગ્યાનું ‘ખાનગીકરણ’

ગયા અઠવાડિયાના લેખમાં આપણે પાર્કિંગના ફેલાતાં જતાં પાથરણા શહેરોમાં કેવી રીતે જાહેર જગ્યા ગળી જાય છે તે વિષે વાત કરી. આજે વાત કરીએ કે પાર્કિંગની સમસ્યાનો સાદો હલ કેવી રીતે લાવવો. પહેલો પ્રશ્ન એ છે કે પાર્કિંગએ કેટલી જાહેર સમસ્યા છે અને કેટલી અંગત સમસ્યા છેજેમ સરકાર કોઈ વ્યક્તિ તેના કપડાંફર્નીચર અને નાહ્યા પછી ટુવાલ ક્યાં મુકે છે તેની ચિંતા કરતી નથી તો પછી સરકારે કોઈ વ્યક્તિ પોતાનું અંગત વાહન ક્યાં મુકે તેની ચિંતા કેમ કરવી જોઈએતમે જો તમારું ફર્નીચર રસ્તા પર મુકો તો તમે એક જાહેર જગ્યાને અંગત વપરાશ માટે વાપરો છો. પાર્કિંગનું પણ એવું જ છે. જયારે તમે તમારું વાહન રસ્તા પર મુકો છો ત્યારે તમે તે બહુમુલ્ય જાહેર જગ્યાનું ‘ખાનગીકરણ’ કરી નાખ્યું. આપણું અંગત પાર્કિંગ તે સરકારની વહીવટી જવાબદારી નથી અને સમાજની સહિયારી જવાબદારી પણ નથી. આપણે વાહન ચલાવીને કે વાહન રાખીને કોઈના પર ઉપકાર નથી કરતા.

પાર્કિંગએ સપ્લાય આપ-આપ કરવાનો નહિ પણ ડીમાન્ડ મેનેજ કરવાનો કોયડો છે. એક માન્યતા છે કે વધુ અને વધુ પાર્કિંગની જગ્યા આપવાથી પાર્કિંગની સમસ્યાનો નિકાલ થશે. તેથી જ તો છાશવારે એવા સમાચારો છપાય છે કે મ્યુનીસીપલ કોર્પોરેશન બહુ-માળીય પાર્કિંગ કરોડો રૂપિયાના ખર્ચે બનાવશે. અહીં એવો સવાલ જરૂર થાય કે જો હું રસ્તા પર મફત પાર્કિંગ કરી શકું તો પછી બહુમાળીય પાર્કીગમાં પૈસા આપીને પાર્કિંગ કરવા શું કામ જાઉંઆવો ખોટો ખર્ચ શા માટેસરકારનું સમગ્ર ધ્યાન રસ્તા પર થતાં પાર્કિંગને નિયંત્રિત કરવામાં હોવું જોઈએ, બહુમાળીય પાર્કિંગ બનાવવાના ખોટા ખર્ચ પર નહિ. જો સરકાર વ્યવસ્થિત રીતે રસ્તા પરનું પાર્કિંગ નિયંત્રિત કરશે તો જ કોઈ બિલ્ડરને પ્રાઈવેટ પાર્કિંગ બનાવવામાં રસ પડશે. કારણકે પાર્કિંગ ઉભું કરવું તે સરકારની મૂળભૂત ફરજ તો નથી.  સરકારે જો જાહેર રસ્તા પર પાર્કિંગની વ્યવસ્થા જાળવવી હોય તો તે જાહેર જગ્યાના ખાનગીકરણનું બજારભાવ પ્રમાણે ભાડું લેવાની જરૂર છે.

અમેરિકાના પ્રોફેસર ડોનાલ્ડ શુપ કહે છે કે રસ્તા પર મફત પાર્કિંગ કરવાનું બહુ મોટું મૂલ્ય સમાજ ભોગવે છે. એક દલીલ બહુ જાણીતી છે કે મફત આપેલી વસ્તુઓનો દુરુપયોગ થાય છે. મફત પાર્કિંગ હોય તો વાહન લઈને જવાનું મન વધારે થાય. વાહન ત્યાંને ત્યાં વધારે સમય માટે મૂકી રાખવાનું મન થાય. જેટલી વધુ છૂટ તેમ જ્યાં વધારે જગ્યામાં ઓછા વાહનો પાર્ક થાય. એકંદરે વાહનવાળા રાજા સાબિત થાય અને રસ્તે ચાલતા લોકો વધેલી-ઘટેલી જગ્યામાં ચલાવી લે કે પછી ફૂટપાથ મુકીને રસ્તા પર ચાલે. મફત પાર્કિંગના લીધે થતો બીજો મોટો પ્રશ્ન એ છે કે વધુ પાર્કિંગની જરૂરીયાત ધરાવતા બિલ્ડીંગમોલટ્યુશન ક્લાસ વગેરે જાહેર રસ્તાનો ઉપયોગ તેમના 'અંગતપાર્કિંગ માટે કરે છે અને તે પણ મફત.

પાર્કિંગની પ્રવૃતિઓને નિયંત્રિત કરવાનો કરવાનો ઉપાય જાહેર રસ્તા પરના પાર્કિંગ પર પ્રાઈસ ટેગ લગાવવાનો છે. ઘણા દેશી-વિદેશી સંશોધનો બતાવે છે કે પાર્કિંગ પર પ્રાઈસ ટેગ લગાવવાથી બિન-જરૂરી પાર્કિંગ ‘ગાયબ’ થઇ જાય છે અને ચાલવા માટે 'રસ્તાઓ'ખુલે છે. શહેરના કોઈ કમર્શિયલ એરિયામાં ગ્રાઉન્ડ ફ્લોર પર છ બાય બાર ફૂટ (કાર) કે ત્રણ  બાય છ ફૂટ(બાઈક)ની કમર્શિયલ જગ્યાનું દિવસનું કે અમુક કલાકનું ભાડું ગણી જુવો અને પછી પાર્કિંગના કેટલા પૈસા આપો છો તે જુવો. એવું લાગશે કે આખો દિવસ રસ્તાનું ‘ખાનગીકરણ’ કરીનેટ્રાફિક અને ચાલવાવાળાને મુશ્કેલી ઉભી કર્યા બાદ પણ પાર્કિંગ ચાર્જમાં મોટી સબસીડી મળે છે. ભારતના શહેરોમાં કોઈ જગ્યાનું કમર્શિયલ ભાડું અને પાર્કિંગની ફી વચ્ચે મોટો તફાવત છે જે દુનિયાના મોટો ભાગના શહેરોમાં નથીતેથી તે શહેરોમાં પાર્કિંગ કંટ્રોલમાં છે. પાર્કિંગની સમસ્યાસમસ્યા એટલા માટે છે કે કારણકે પાર્કિંગને જાહેર સેવાની તુલના આપવામાં આવે છે કમોડીટી કે લેતી-દેતીની ચીજની નહિ. પાર્કિંગ એક સવલત જરૂર છે પણ જન્મસિદ્ધ અધિકાર ક્યારેય નહિ.

નવગુજરાત સમય, પાન નં 9, 17મી ફેબ્રુઆરી, 2014. 

No comments:

Post a Comment