Sunday, March 23, 2014

નગર ચરખો - દુનિયાભરમાં સાઈકલ-ક્રાંતિ અને આપણે ત્યાં?

જાણીતાં વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઈન - સ્માર્ટ લોકો સાઈકલ ચલાવે 
દુનિયાભરનાં શહેરોમાં છેલ્લા એક-બે દાયકાથી એક પ્રકારની સાઈકલ-ક્રાંતિ ચાલી રહી છે. યુરોપના ૨૦૦થી વધુ શહેરોમાંઉત્તર અમેરિકાના ૭૦, દક્ષીણ અમેરિકાના ૫૦ અને એશિયાનાં ૨૦ શહેરોમાં પબ્લિક બાઈક શેરીંગની યોજનાઓ આકાર પામી છે. આ યોજના મુજબ કોઈ નિયત કરેલા સ્ટેશન પરથી સાઈકલ  ભાડેથી લઈને તેને બીજા વિસ્તારમાં આવેલા નિયત સ્ટેશન પર પાછી આપી શકાય છે. લંડનમાં 'બોરીસ બાઈકનામે જાણીતી આ યોજનામાં પાંચસો મિલિયન પાઉન્ડ ખર્ચાઈ ચૂક્યા છે. ન્યુયોર્ક સહિતના કેટલાય જાણીતાં શહેરોમાં સાઈકલો માટે અલાયદા રસ્તા બની રહ્યા છેતો નેધરલેન્ડમાં તો સાઈકલ માટે અલાયદા ફ્લાયઓવર બને છે. કેટલાય વિકસિત દેશોના શહેરોમાં એરપોર્ટ્સ પર પાર્ક થયેલી સાઈકલોની સંખ્યા કારથી વધુ હોય છે.

એક મિનીટઆ બધું શું ચાલી રહ્યું છે. આપણે તો ભવિષ્યનાં સાયન્સ ફિકશનમાં એવું સાંભળેલું કે એકવીસમી સદીમાં કારો ઉડતી હશે. એને બદલે આ બધા યુરોપ-અમેરિકાના વિકસિત શહેરો સાઈકલની પાછળ શું કામ પડ્યા છેસાઈકલને સુવિધા થાય તે માટે સરકારો કરોડો-અબજો ડોલર ખર્ચી નાખે છે! આ કેવી એકવીસમી સદીમાં આપણે જઈ રહ્યા છીએ કે જ્યાં ઉડતી કાર નથી પણ બે પૈડાંની સાઈકલ છે સાઈકલ ચલાવવીએ માનવ-ઉત્ક્રાંતિના ક્રમને ઉલટાવવાની વાત નથી પણ દુનિયાનાં આધુનિક દેશોએ આંધળા મોટરીકરણના રસ્તે ગયા બાદ સાઈકલ અને જાહેર પરિવહનના રસ્તે યુ-ટર્ન  મારી લીધો છે.

શું સાઈકલ ખરેખર આપણા ભવિષ્યના શહેરો માટે પરિવહન યોગ્ય વાહન છેસાઈકલ ધ્વનિરહિતપ્રદૂષણ રહિત, કાર્બન-ધુમાડા રહિત માનવ બળથી ચાલતું સાધન છે. સાઈકલ ચલાવીને તમે તમારું પોતાનું વજન જાતે ઉચકો છો અને આ પ્રક્રિયામાં પર્યાવરણને નુકસાન કરતાં નથી. પોતે ગતિમાન રહેવા માટે બીજા પર ધુમાડો ઉડાડતાં નથી. સાઈકલચાલન પર્યાવરણને અને ચલાવનારના સ્વાસ્થ્ય બંનેને ફાયદો કરે છે. સાઈકલનો ખર્ચ ઓછો હોય છે અને રીપેરીંગ સહેલું હોય છે. પાલનપુરથી પોરબંદર સુધીના શહેરોમાં વાહનોની સરેરાશ ઝડપ ઓછી હોય છે અને ક્યાંય પણ પહોંચવા માટેના અંતરો ઓછા હોય છે. તેથી દિવસના લગભગ પાચ-સાત કી.મીના આવવા-જવાના અંતર માટે તે આદર્શ સાધન છે. 

અમુક સાઈકલબાજ મિત્રો (એટલે કે સાઈકલીંગ કરતાં મિત્રો) સાઈકલનાં બે પૈડાને વિજ્ઞાન જગતમાં પૈડાં અને આગની શોધ પછી બહુ મહત્વપૂર્ણ સંશોધન માને છે. સાઈકલ નામની વસ્તુની કિંમત માનવમાત્રના ઇતિહાસમાં બહુ ઓછી અંકાઈ છે અને જો દુનિયામાં બધા સાઈકલ કરતાં થાય તો જગતના ઘણા પ્રશ્નોનો ઉકેલ આવી શકે, એવું એમનું માનવું છે. વિચાર કરો કે એક એવું શહેર જ્યાં બધા સાઈકલ ચલાવતા હોય તે કેવું હશે? -  લીલોતરીભર્યુંછાંયડેદારપ્રદુષણ-રહિતસારા જાહેર સ્વાસ્થ્ય ધરાવતું. પણ પર્યાવરણની દ્રષ્ટીએ ઉપયોગીસ્વાસ્થ્યની રીતે લાભદાયકનિર્મળનિરુપદ્રવી અને નિષ્પાપ(!) એવી સાઈકલનો ઉપયોગ દિવસે-દિવસે ઘટતો ચાલ્યો છે. ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયના એક રીપોર્ટ મુજબ ૧૯૯૪માં મુખ્ય ૮૭ શહેરોમાં ટ્રાફિકનો લગભગ ૩૦ ટકા હિસ્સો સાઈકલોનો હતો જે ઘટીને ૨૦૦૮માં ૧૧ ટકા થયો છે. ઓછી સાઈકલો એટલે વધુ કાર્બન ધુમાડા. કોઈ તેને 'વિકાસ'ની નિશાની માની શકે પરંતુ ટ્રાફિકની ગીચતા અને સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નોની રીતે જોઈએ તો આ એક ગંભીર સમસ્યા છે.

કમનસીબેસાઈકલ ખરીદવી અને ચલાવવી એ વ્યક્તિની આર્થીક પરિસ્થિતિનું સર્ટીફીકેટ થઇ ચુક્યું છે. સાઈકલ જ શું કામકોઈ પણ વાહન. ચાલો, તમને તમારી ઈમેજની ચિંતા હોય તો તમે સ્વેન્કી, બ્રાન્ડેડ, અતિ-મોંઘી સાઈકલ ખરીદજો, બસ! વાત સાઈકલ જોડે કોઈ સકારાત્મક સામાજિક મૂલ્ય જોડવાની છે. દુનિયાના બીજા દેશોમાં સાઈકલ-ક્રાંતિ આવી ચૂકી છે. તેથી આપણી પરિસ્થિતિ અંગે એકંદરે આશાવાદી બની શકાય. હવે તો થોડા સમયની જ વાત છે,જ્યારે સાઈકલ ચલાવવી ફેશનમાં આવી જશે. આવતા હપ્તે સાઈકલ ચલાવવા અંગે થોડા વ્યવહારુ સૂચનો.

નવગુજરાત સમય, પાન નં 11, 21 માર્ચ, 2014

No comments:

Post a Comment