Monday, April 30, 2012

વાચકને...

હું તને ચમચીએ-ચમચીએ પીવડાવું
ને તું પીએ
એવું થોડું હોય!

આમ તો ચમચી-ચમચા-કડછી લઈને ઘણા લોકો ફરતાં હોય છે.
એક હાક મારીશ તો
દોડતા આવશેને તને પીવડાવશે નહિ, નવડાવશે.
તું તરબોળ થઈને તાળીઓ પાડીશ.
પાડજે... મજા આવશે...
તું નીતરતો-નીતરતો સીટીઓ મારીશ.
મારજે... મજા આવશે...
પણ તું જોઈશને, કે શું પીએ છે?
દૂધ છે કે ઝેર
કે પછી ઘૂંટેલું અફીણ. 

મારી પાસે ચમચી નથી.
મેં વસાવી જ નથી.
નવડાવી શકાય તેવું ય કાંઈ નથી.
ને મને એવા કોઈ અભરખાં નથી
કે હું જે પીવડાવું
તે જ તું પીવે.

પણ તું કોરો થાય,
હોઠ સૂકાઈ જાય,
માથું ચઢી જાય,
શ્વાસ ફૂલી જાય,
સીધું ચઢાણ કે સામું વહેણ એ જે હોય તે... 
જેવા તારા રસ્તાને જેવા તારા પનારાં.
ટૂંકમાં, તરસ અને તલપ બંને લાગી હોય,
અને કઈ વધારે તીવ્ર છે તેની ખબર ન પડતી હોય,
ખાંખા-ખોળાં-અથડામણ-કૂટામણમાં અટવાતો હોય,
ત્યારે...
જીનની જેમ ભમ્મ દઈને આવી પડીશ હું.
તને બે ગાળ આપીશ, ત્રણ વરદાન નહિ.
આપણે ગળે મળીશું, થોડા ગપ્પાં મારીશું.
એક-બીજાની તાળી લઈશુંને કશાકનો ઘૂંટડો પીશું. 
તું તારી જાતમાં થોડો અંદર ખૂંપે,
હું જાદુઈ દુનિયામાંથી બહાર આવું.
ત્યારે તને થશે કે
બસ આમ જ પીવાય.

બાકી તો તું મરવા પડ્યો હશે,
શરીરમાં નળીઓ ખોસી હશે,
હાથ-પગ ધ્રુજતાં હશે,
છાતી ખડખડતી હશે,
ડોકટરે તને 'બહારનું ખાવા-પીવાની ના પાડી' હશે.
ત્યારે...
તારી જીભ ઉપર પેલા કશાકનો સ્વાદ ફૂટી નીકળશે,
પેલી ગાળ તને તમતમાવશે અને પેલાં ગપ્પાં હસાવશે,
તું થોડો રીકવર થઇશ ને મને થોડું 'મરીઝ' જેવું લાગશે.
ત્યારે મને થશે કે
બસ આમ જ પીવાય.

બાકી મરવા પડતી વખતેય
હું તને ચમચીએ-ચમચીએ પીવડાવું
ને તું પીએ
એવું ન હોય.
Three spoons - Art work by Alan Levine from here


14 comments:

 1. વાહ! શું પીવડાવ્યું એ ખબર નથી પણ કોંટો ચડી ગયો - તમારા વાચક હોવાનો!!!

  ReplyDelete
 2. ઉર્વીશ કોઠારી4/30/2012 11:35 PM

  અદભૂત.

  ReplyDelete
 3. હ્રુતુલ ભાઈ મઝા પડી ગઈ.

  ReplyDelete
 4. ' ૩ ઈડિયટ્સ' યાદ આવી ગયું. કોઈની ચમચીથી કોમવાદ કે જ્ઞાતિવાદ કે મૂડીવાદના ઝેર કે અફીણ પીને ખુંખાર જાનવર બનવા કરતા, કવિની સંગતમાં મધુશાળામાં જઈ કવિતા સાંભળતા મને સાંભળતા, ઘૂંટ મહુડો પીતાં પીતાં, જગતને ચાહવું સારું. થોડી બેખુદીમાં બે ઘડી દિલ બહલે, થોડું જાતથી-જગતથી અળગા થઇએ ને ખુદીમાં પાછા વળીએ તો નવું અજવાળું થયું હોય તેવું આત્મજ્ઞાન પણ થાય, વ્યાપક સમાજજ્ઞાન પણ થાય ! કોઈની ચમચીની, કે કોઈના ચમચાની જરૂર પણ ના લાગે, અરે મરવા ટાણે ગંગાજળની ચમચી પણ નિરર્થક લાગે એવા સ્વનિર્ભર બની જવાય.


  'પણ તું કોરો થાય,
  હોઠ સૂકાઈ જાય,
  માથું ચઢી જાય,
  શ્વાસ ફૂલી જાય,
  સીધું ચઢાણ કે સામું વહેણ એ જે હોય તે...
  જેવા તારા રસ્તાને જેવા તારા પનારાં.
  ટૂંકમાં, તરસ અને તલપ બંને લાગી હોય,
  અને કઈ વધારે તીવ્ર છે તેની ખબર ન પડતી હોય,
  ખાંખા-ખોળાં-અથડામણ-કૂટામણમાં અટવાતો હોય,
  ત્યારે...
  જીનની જેમ ભમ્મ દઈને આવી પડીશ હું.
  તને બે ગાળ આપીશ, ત્રણ વરદાન નહિ.
  આપણે ગળે મળીશું, થોડા ગપ્પાં મારીશું.
  એક-બીજાની તાળી લઈશુંને કશાકનો ઘૂંટડો પીશું.
  તું તારી જાતમાં થોડો અંદર ખૂંપે,
  હું જાદુઈ દુનિયામાંથી બહાર આવું.
  ત્યારે તને થશે કે
  બસ આમ જ પીવાય.'

  ReplyDelete
 5. ખૂબ ખૂબ આભાર, મિત્રો! નીરવભાઈ, ક્યા બાત હૈ!

  ReplyDelete
 6. Rutul, :) Saras abhivyakti chhe Vachak mate!

  ReplyDelete
 7. Binit Modi (Ahmedabad)5/03/2012 11:49 AM

  ઝીણું કે જાડું કાંતતા - કાંતતા કવિ થયા એ આજેજ જાણ્યું. લોર્ડની સરસ અભિવ્યક્તિ. અમદાવાદી એપ્રિલના ગરમાયેલા માહોલમાં આ કવિતા 'વન'માં દવ લગાડશે એ નક્કી.

  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete
 8. You have just made me realise how much I may have missed out due to my lately 'sporadic' visits on FB. This is full-on Brilliance. Am completely wowed by this. :)

  ReplyDelete
 9. પાછું પાછું વાંચું છું આ, ફરી ફરી ને! શું કમાલ કીધી છે!

  ReplyDelete
 10. Thanks a lot, friends. I really enjoyed all the comments. :)

  Vispy, it is great to know that this piece has a repeat value too! You made my day!!! :)

  ReplyDelete
 11. ભરતકુમાર ઝાલા5/08/2012 8:01 PM

  રુતુલભાઇ મસ્ત કવિતા..! વાંચીને તરબતર થઇ ગયાની લાગણી થઇ.

  ReplyDelete
 12. સરસ લખ્યું છે ભાઈ. હમણા તો મોટા ભાગ ના પ્રખ્યાત લેખકો, ઍક યા તો બીજા રાજકીય પક્ષ ના સંવાદદાતા જેવા જણાય છે. સર્વસામાન્ય માનવ ર્હુદય ને સ્પર્શ કરતું લેખન જ્વલ્લેજ નજરે ચડે છે.

  ReplyDelete