Wednesday, December 29, 2010

સુપર હીરોના સંસ્થાનવાદ/રંગ-ભેદ/પૂર્વગ્રહો

આપણને હીરો કે સુપરહીરો કેમ ગમતા હોય છે? કારણકે તેઓ 'સુપર' હોય છે. સામાન્યથી વિશેષ - અસામાન્ય. તેમનામાં અપાર શક્તિઓ હોય છે, તે સામાન્ય માનવીથી વધુ તાકાતવર, બુદ્ધિશાળી, સાહસવીર હોય છે વળી, નાનપણ કે કુમાર અવસ્થાના હીરો લોગ તો આખી જીંદગી સાથે રહે છે. ટીનટીન, એસ્ટેરીક્સ જેવી કોમિક બુક અને ઇન્ડિઆના જોન્સ, જેમ્સ બોન્ડ જેવી હોલીવુડ ફિલ્મોના પાત્રોએ મજેદાર, રમૂજી કે ગંભીર વાર્તાઓ દ્વારા દુનિયાની સેર કરાવી છે. 

આ વાર્તાઓ અને ફિલ્મોમાં આ પશ્ચિમના દેશોમાંથી ઉદભવેલા પાત્રો બાકીની દુનિયાને કઈ રીતે જોવે છે, કઈ રીતે મૂલવે છે અને તેમના વિષે શું વિચારે છે તે બહુ રસપ્રદ વિષય છે. આપણે ભારતમાં અને બીજા વિકાસશીલ દેશોમાં આ 'સંસ્કૃતિ આયાત' અને તેની સાથે આવતા મૂલ્યો, દુનિયાને જોવાની દ્રષ્ટિને ઘણી વાર બહુ સવાલ પૂછ્યા અપનાવી લઈએ છીએ. એડવર્ડ સેઇડ નામના લેખકે વર્ષો પહેલા 'ઓરીએન્ટલીઝમ' નામનું પુસ્તક લખેલું જેમાં તે પૂર્વની સંસ્કૃતિઓ વિષે પશ્ચિમના લેખકો દ્વારા કરતા નિરૂપણ વિષે વાત કરે છે. આ નિરૂપણમાં વ્યક્ત થતા પૂર્વગ્રહો, બીબાઢાળ સમજ અને પક્ષપાતો પૂર્વની સંસ્કૃતિઓ કાં તો રોમાંચક મુગ્ધતાથી લેખે નહિ તો પછી જંગલી, બાર્બરિક કે પછાત સમાજ તરીકે. અહી પશ્ચિમને પણ બીબાઢાળ સમાજ પ્રમાણે જોવાનો આશય નથી. સમય જતા ઘણા જ પુસ્તકો, ફિલ્મો, ચિત્રો અને સામાજિક સંશોધનોએ પૂર્વના લોકો, તેમની રહેણી-કરણી, સંસ્કૃતિઓને બહુ આયામી રીતે પણ રજૂ કરી છે અને કરતા રહે છે.

માત્ર પશ્ચિમના સમાજ પાસે બીજા સમજો પ્રત્યે પૂર્વગ્રહો રાખવાનો 'કોપીરાઈટ' નથી. દરેક દેશ, દરેક સમાજમાં અંદર-અંદર અને બહારના તત્વો પ્રત્યે પૂર્વગ્રહો હોય જ છે. પણ વાત અહી વાત હીરો અને સુપર હીરોની કથાઓમાં આવતા બીબાઢાળ નિરૂપણની કરવી છે અમુક ઉદાહરણો સાથે. આ હીરો-સુપર હીરોની પ્રચલિત, લોકપ્રિય કથાઓ, ફિલ્મો, પુસ્તકો લોકમાનસ પર (અને ખાસ તો બાળમાનસ પર) ઊંડી છાપ પાડે છે અને પૂર્વગ્રહોને પ્રચલિત બનાવવાનું કે યોગ્યતા બક્ષવાનું કામ જાણે કે અજાણે કરતા રહે છે. તેથી જ આ ઉદાહરણોને ચોકસાઈથી સમજવા જરૂરી બને છે.

કોંગોમાં ટીનટીન
ટીનટીન કોમીક્સનું પહેલું પુસ્તક 'કોંગોમાં ટીનટીન' જયારે ૧૯૩૦ના દસકમાં લખાયું ત્યારે દુનિયાના સમીકરણો અલગ હતા. રાજકીય અને સાંસ્કૃતિક રીતે ગોરી પ્રજાનું 'સ્વામીત્વ' આફ્રિકા અને બીજા દેશોમાં પ્રસરેલું હતું. આ કોમિક બુકમાં ટીનટીન નામનો યુવાન પત્રકાર કોન્ગો જેવા આફ્રિકાના દેશમાં માત્ર ગોરી ચામડીનો યુરોપિયન હોવાને લીધે આ 'સ્વામીત્વ' ભોગવે છે. મોટાભાગના આફ્રિકન પાત્રો ટીનટીનની સેવામાં હોય છે અને ટીનટીન તેમને સૂચનો આપતો કે પછી 'શિક્ષણ' આપતો જોઈ શકાય છે. આ કોમિક બુકના પાના ફેરવતા કોન્ગોના લોકો અને જંગલના પ્રાણીઓ વચ્ચે ઝાઝો ફરક લાગતો નથી. કોન્ગોના લોકોના દેખાવનું નિરૂપણ જાણે માણસ-જાત ન હોય અને કોઈ પ્રાગ-ઐતિહાસિક પ્રજાતિ હોય તે રીતે કરવામાં આવે છે. પહેલી બ્લેક-વ્હાઈટ આવૃત્તિમાં તો આ વાત બહુ સ્વાભાવિક રીતે ઉપસે છે પણ રંગબેરંગી આવૃત્તિમાં ઘણી ટીકાઓ થયા પછી પણ આ પૂર્વગ્રહ પરોક્ષ રીતે રહી જાય છે. આજે આ કોમિકબુક મેળવવી અઘરી છે અને તેના પર પ્રતિબંધ મૂકવા માટેના કેસ થવાના સમાચાર પણ છે. તે વિષે વધુ અહી. આ બ્લોગ લેખ પર વધુ માહિતી મળી શકશે. 
તે સિવાય, ટીનટીન કોમીક્સના બીજા પુસ્તકોમાં આરબ, લેટીન અમેરિકન, ભારતીય કે તિબેટીયન લોકોનું, તેમની સંસ્કૃતિના નિરૂપણ પર સવાલ થઇ શકે છે. ભારત દેશમાંથી જયારે-જયારે ટીનટીન પસાર થાય ત્યારે તે ગીચ બજારો, ગરીબ-લાચાર પાત્રો, ચોરીની ઘટનાઓ, જાદુ-ટોણા જ જોવે. વળી, ટીનટીન અને તેના બીજા યુરોપીય મિત્રોનું સ્વામીત્વ કે ગુરુતા કે માલિકી-ભાવ એક ય બીજા સ્વરૂપે પ્રગટ થતો રહે છે. ભારતીય કે બીજા કોઈ દેશનો ટીનટીનનો 'મિત્ર' વધુમાં વધુ તેનો 'ગાઈડ' હોઈ શકે પણ કોઈ રીતે સમકક્ષ મિત્ર ન હોઈ શકે. છેવટે યુરોપીય પાત્રો કોઈક રીતે દુનિયાને બચાવે કે પછી કોઈ કીમતી વિરાસતને, અલબત્ત સ્થાનિક લોકોની થોડી-ઘણી મદદથી. ભારતીય તરીકે આપણે પણ આ સ્ટીરીયોટાઈપ પોતાને માટે નહિ તો બીજી સંસ્કૃતિ માટે તો સ્વીકારી જ લઈએ છીએ.

ઇન્ડિઆના જોન્સ અને વિનાશનું મંદિર
પ્રચલિત દંતકથા પ્રમાણે સ્ટીવન સ્પીલબર્ગ અને જ્યોર્જ લુકાસે ઇન્ડિઆના જોન્સની રચના એટલા માટે કરી કારણકે તેમને જેમ્સ બોન્ડ જેવો 'સુપર' માનવ, રંગરલીયા મનાવતો, જાત-જાતના ઉપકરણોથી દુશ્મનોને હંફાવતો બ્રિટીશ જાસૂસની જગ્યા એ સામાન્ય માણસ જેવો, દુનિયાના ગાઢ રહસ્ય ઉકેલતો, ઐતીહાસીક વારસાને બચાવવા નીકળેલો (અમેરિકન) હીરોનું સર્જન કરવું હતું. આ વિચારે દુનિયાને ઇન્ડિઆના જોન્સ જેવો વધુ નૈતિક અને હિંમતવાન હીરો આપ્યો. સ્પીલબર્ગના સૌથી 'ફેવરીટ' વિલન નાઝી જર્મનો હોવાથી ઇન્ડિઆના જોન્સની ફિલ્મોમાં પણ તે નાઝીઓને હંફાવતો જોઈ શકાય છે. પણ તેની પૂર્વ તરફની દર્ષ્ટિ લગભગ સરખી જ હતી. ખાસ તો 'ઇન્ડિઆના જોન્સ અને ટેમ્પલ ઓફ ડૂમ' નામની ફિલ્મમાં. કદાચ આ ફિલ્મ પર ભારતમાં પ્રતિબંધ છે. પરંતુ આ ફિલ્મ જો જોવા મળે તો તેમાં દર્શાવેલા ભારતના રાજા, તેનું ખાન-પાન, ધાર્મિક વિધિઓ અને વિચિત્રતાઓ વગેરે જોઇને આઘાત ચોક્કસ લાગશે. અમરીષ પુરી આ ફિલ્મમાં વિલન તરીકે જોવા મળે છે. જો કે સ્પીલબર્ગ આ ફિલ્મને ઇન્ડિઆના જોન્સ સિરીઝની સૌથી ખરાબ ફિલ્મ ગણે છે. 
તે સિવાય ઇન્ડિઆના જોન્સની બીજી ફિલ્મોમાં પણ આરબ સમાજનું નિરૂપણ વિષે પણ પ્રશ્નો થઇ શકે. આરબ સમાજનું બીબાઢાળ નિરૂપણ તો હોલીવુડની ઘણી ફિલ્મોએ વારંવાર કર્યું છે. તેમનું માનીએ આરબ વ્યક્તિ એટલે 'એલાબલા બુલૂઊઊ...' બોલીને તલવાર લઈને હુમલા કરતો જંગલી, પછાત વ્યક્તિ જે મોટેભાગે મૂર્ખ હોય અને વિદેશી હીરો તેને હરાવીને હિરોઈન કે ખજાનો લઈને ભાગી છૂટતો હોય. આ વિશેની એક ખાસ ફીલ્મ બની છે જેનું ટ્રેલર અહી જોઈ શકાશે. આવું જ નિરૂપણ આદિવાસીઓ અને બીજા કહેવાતા પછાત સમાજોનું થતું આવ્યું છે. 

દુનિયા-બચાવવાનો રોગ
હોલીવુડની ઘણી-ઘણી એક્શન ફિલ્મોમાં આ 'દુનિયા બચાવવાનો (અમેરિકન) રોગ' (saving-the-world-syndrome) જોવા મળે છે. જેમાં એક બહાદુર અમેરિકન હીરો કોઈ આંતર-રાષ્ટ્રીય ત્રાસવાદી, ભેજાગેપ વિજ્ઞાની, કમ્યુટર નિષ્ણાત, વિચિત્ર વાઈરસ, પરગ્રહવાસીઓ, ઉલ્કાઓ વગેરેથી છેલ્લી ક્ષણે આખી દુનિયાને બચાવી લે છે. આ પ્રકારની ભારતીય ફિલ્મ થોડું વાજબી રાખીને ભારતને બચાવવા સુધી જ પ્રયત્નો કરે છે. પરંતુ અમેરિકા હવે બિનહરીફ જગત-જમાદાર હોવાથી અમેરિકન હીરોને આખી દુનિયા બચાવવાથી ઓછું કઈ ન ખપે. વર્ષો સુધી આ એક્શન ફિલ્મો જોયા પછી હવે એવું લાગે છે કે દુનિયાને બચાવવાની વૃતિએ રોગનું સ્વરૂપ ધારણ કરેલું છે. કોઈ પણ ફિલ્મમાં છેવટે વાત દુનિયા બચાવવા સુધી પહોંચી જ જાય છે. જો ફિલ્મની કક્ષા સારી હોય તો આ વાત વધુ સારી રીતે, માની શકાય તેવી રીતે કરેલી હોય અને ફિલ્મની કક્ષા ખરાબ હોય તો ગમે તે અતાર્કિક રીતે પણ છેવટે દુનિયા બચાવી લેવામાં આવે છે. આજકાલ હિન્દીમાં ડબ થયેલી ફિલ્મોને લીધે બાળકો અને કુમાંરોમાં આ પ્રકારની ફિલ્મો અને તેના હીરો ઘણા પ્રચલિત હોય છે. આર્નોલ્ડ, સિલ્વેસ્ટર સ્ટેલોન, બ્રુસ વીલીસ, ટોમ ક્રૂઝથી માંડીને ચક નોરીસ, વાન ડેમ, સ્ટીવન સીગલ વગેરે વર્ષો સુધી દુનિયાને બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. વળી, હોલીવુડ ફિલ્મોમાં વિલનોનો દેશ, ધર્મ, રંગ વગરે પણ સમય જતા બદલાવ આવ્યો છે. જૂની એક્શન ફિલ્મોમાં રશિયન કે પૂર્વ યુરોપના કોઈ ઓછા-જાણીતા દેશોના આંતર-રાષ્ટ્રીય ત્રાસવાદી અને ષડયંત્રકારોની બોલબાલા હતી. હવેના વિલન વધુ સર્વ-વ્યાપક બન્યા છે, જેમાં પૂર્વ-સરકારી કર્મચારીઓ, પૂર્વ-જાસુસ/સૈનિક (એટલેકે મૂળ અમેરિકી નાગરીકો પણ આવે છે). આરબ કે મુસ્લિમ આતંકી તત્વો તો 'ફેવરીટ' રહે જ છે. દુનિયાની બદલાતી ભૂ-રાજકીય પરિસ્થિતિ જોતા એવું બની શકે કે આવતી કાલની હોલીવુડ ફિલ્મોમાં વિલન ચાઇનીઝ હોય. 

છેલ્લે, ફિલ્મો, કોમિક બુક્સ અને બીજી સાંસ્કૃતિક પેદાશો પ્રચલિત સ્ટીરીયોટાઈપને વધુ સુદ્રઢ બનાવવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. સ્ટીરીયોટાઈપ કે પૂર્વગ્રહોનું પ્રચલિત હોવું એ દરેક દેશ, દરેક સમાજમાં સામાન્ય બાબત છે. જો કે આ પૂર્વગ્રહોનું નાનપણ કે કુમારાવસ્થાના સાહિત્ય કે બીજી સંસ્કૃતિક પેદાશો દ્વારા ઘરે-ઘરે પહોંચવું ઇચ્છનીય તો નથી જ. પણ પૂર્વગ્રહને પૂર્વગ્રહ તરીકે અને સ્ટીરીયોટાઈપને સ્ટીરીયોટાઈપ તરીકે જ જોવા જેટલી દ્રષ્ટિ કેળવાય તેવી કેળવણી જરૂરી છે.

No comments:

Post a Comment