Sunday, April 04, 2010

વાન ગોગ અને ચિત્રો

વીસમી માર્ચે લંડનની નેશનલ ગેલેરીમાં વિન્સેન્ટ વાન ગોગના (30 March 1853 – 29 July 1890) ત્રણ ચિત્રો રૂબરૂમાં જોયા. અંગત રીતે બહુ મહાન ક્ષણો હતી તે મારા માટે. વિનોદ મેઘાણી અનુવાદિત અને ઇરવીંગ સ્ટોન લિખિત (in that order only) 'સળગતા સુરજમુખી' વાંચીને મોટા થયા હોઈએ અને વાન ગોગના ચિત્રોને જોઇને વિશ્વનો ચિત્રકળાનો ઈતિહાસ ભણ્યા હોઈએ ત્યારે કદાચ તમે સમજી શકશો કે કેટલી મહાન ક્ષણો હશે એ. આ ત્રણ ચિત્રો હતા Sunflowers (1888), A wheat field with cypresses (1889), Long grass with butterflies (1890). આ આર્ટ ગેલેરીમાં સેંકડો ચિત્રો છે છતાં એ આપણી નજર આ ત્રણ ચિત્રો પર જ અટકી અને તેમાં 'સળગતા સુરજમુખી'નો ફાળો ખરો. 


ઉપરનું ચિત્ર એટલે ૧૮૮૯માં વાન ગોગે બનાવેલું 'A Wheat Field with Cypresses'. આ માણસને સાયપ્રસના વૃક્ષો અને સુરજમુખીના ફૂલો માટે વિશેષ પ્રેમ. ઉપરના ચિત્રમાં વાન ગોગ તેની ચીર-પરિચિત 'ઈમ્પાસ્તો' નામની શૈલીનો ઉપયોગ કરે છે કે જેમાં રંગના જાડા લપેડા પીંછી કે છરી વડે કેનવાસ પર કરવાના હોય અને ક્યારેક રંગોનું મિશ્રણ પણ 'પેલેટ'ને બદલે કેનવાસ પર થતું હોય. આ શૈલીને લીધે જ આકાશમાં કે ઘઉંના મોલમાં જે ગતિશીલતા આવે છે, જે લય આવે છે તે અનન્ય બને છે. આ ઓગણીસમી સદીનું ચિત્ર છે. કેમેરાની શોધ થઇ ચુકી છે તેથી આ ચિત્ર કોઈ પણ પ્રકારની 'વાસ્તવિકતા' બતાવવાનો દાવો નથી કરતુ કે જે કેમેરા વડે સહજ  છે. આ ચિત્ર માણસની આંખ વડે જોવાતું દ્રશ્ય ઝીલે છે કે જે વાસ્તવિક નથી પણ સત્ય જરૂર છે. તેમાં આકાશ ગહન છે અને નૈસર્ગિક પદાર્થોમાં એક પ્રકારની લયબદ્ધતા છે. માફ કરજો મિત્રો, આ ચિત્ર કોમ્પ્યુટરની સ્ક્રીન પર જોવું સુલભ નથી. તેને રૂબરૂ જ જોવું પડે ત્યારે જ રંગના લપેડા વડે સર્જાતી ગતિશીલતા જોઈ શકાય. આ વાત હું ચિત્ર જોયા પછી જ સમજ્યો. તેથી ઉપરના ચિત્રને ટ્રેઇલર સમજવું, ફિલ્મ નહિ.

વાન ગોગે સુરજમુખીના વિષય પર ચારેક  ચિત્રો બનાવ્યા અને તેમાં બાકીના તો પહેલા ચિત્રને વધુ સારી રીતે દર્શાવવા થયેલા પ્રયત્નો હતા. બહુ ઓછી વખત આપણે કલાકારોએ કોઈ પણ ચિત્રને મહાન બનાવવા પાછળ અનુભવેલી પ્રક્રિયા જોઈ શકીએ છીએ. કોઈ મહાન ચિત્ર રાતોરાત નથી બનતું. તે ઘણી વખત ફરી અને ફરી બનાવાય છે. આ સુરજમુખીના ચિત્રોમાંનું સૌથી મહાન ચિત્ર કયું તેના પર વર્ષોથી ચર્ચાઓ ચાલે છે. વિવેચકોનો વિષય છે ચર્ચાઓ કરવાનો અને વાન ગોગનો રસ હતો ફક્ત ચિત્રો બનાવવામાં. અકીરા કુરોસાવા નામના મહાન જાપાનીસ ફિલ્મ સર્જકે 'dreams' નામની એક સુંદર ફિલ્મ બનાવી છે જે એક પછી એક, અલગ અલગ વાર્તાઓનું કે સ્વપ્નોનું નિરૂપણ કરે છે. તેમાંની એક વાર્તા છે વાન ગોગ વિષે. માર્ટીન સ્કોર્સેસે (raging bull, taxi driver, casino, the departed fame) નામનો એક ઔર મહાન ફિલ્મ સર્જક ખુદ વાન ગોગની ભૂમિકા ભજવે છે. વિચાર કરો કે વાન ગોગ પર ફિલ્મ હોય, અકીરાકુરોસાવાનું દિગ્દર્શન હોય, માર્ટીન સ્કોર્સેસેની ભૂમિકા હોય અને બિથોવનનું જોરદાર પાર્શ્વસંગીત હોય આવું સંયોજન ક્યાં મળવાનું? તેમાં વાન ગોગ કહે છે કે 'આ સુરજ મને ચિત્રો દોરવા માટે દબાણ કરે છે અને મારે તે કરવું જ પડશે' (the sun compels me to paint and I will have to do it). ચિત્રો દોરવા તે તેનો સ્વભાવ હતો, વાન ગોગની જીંદગી હતી. આવું થાય ત્યારે જ કદાચ સાચો કલાકાર સર્જાતો હશે. જેમકે સાદત હસન મંટો કહે છે કે लिखना एक आदत बन गया है. नहीं लिखता हूँ तो ऐसा लगता है की खाया नहीं या नहाया नहीं या कुछ पहेना नहीं... 

લગભગ દસ-પંદર વર્ષો સુધી મેં એ સમજવાનો પ્રયત્ન કર્યો છે કે આ બધા ચિત્રો ખરેખર 'મહાન' કેમ કહેવાય છે. એવું તો શું છે કે જે આ ચિત્રોમાં મહાનતાનું તત્વ છે? આ પ્રશ્નનો બહુ સાદો જવાબ મને જડ્યો. દરેક વખતે તમે આ ચિત્રો જુઓ ત્યારે તે તમને અલગ રીતે મજા કરાવે. આમાં શાસ્ત્રીય સંગીત જેવું છે કે તમને ખબર પડતી હોય તો તમે સાતમાં સ્વર્ગમાં હોવ અને ના ખબર પડતી હોય તો પછી તમને લાગે કે આ શું રાગડા તાણે છે. તેમાં વાંક શાસ્ત્રીય સંગીતનો કે આ ચિત્રોનો નહિ પણ આપણો પોતાનો છે. એટલું સમજવાની તકેદારી જો આપણામાં  હોય તો કાલે આ સંગીત કે ચિત્રો સમજવાની આપણી તૈયારી પૂરી છે એવું સમજી લેવું. આવી શાશ્વત કલાઓ થોડી અઘરી હોય છે સમજવામાં તેટલું જ બાકી છેલ્લે સમજ તો પડે જ. તમે સો ગઝલ સાંભળો એટલે એક એવી યાદ રહી જાય કે પછી દર વખતે સાંભળો ત્યારે મજા આવે. તેવી જ રીતે તમે સો પુસ્તકો વાંચો અને એક યાદ રહી જાય. તેવી જ રીતે તમે સો ચિત્રો જોવો ત્યારે તમને ખબર પડે કે કયું મહાન અને કયું નહિ. પાંચ ચિત્રો જોયા કે પાંચ પુસ્તકો વાંચ્યા પછી આવા અખતરા કરવા નહિ. It is injurious to 'mental' health! 

લંડનની નેશનલ ગેલેરીમાં લગભગ ત્રેવીસસો ચિત્રો છે અને તે પશ્ચિમની સભ્યતાના સાતસો-આઠસો વર્ષનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં આપણો અંગત favourite વાન ગોગ છે. હોલેન્ડના એમ્સ્તારદામમાં તો આખું વાન ગોગનું મ્યુઝીયમ છે. તે જોવાની ઈચ્છા ખરી! 

5 comments:

  1. fine piece...nice reading.. :)

    ReplyDelete
  2. સરસ! કળાની વાત ને તમારી કલમ! શું જોઈએ બીજું? તમારા આ પાસાની તો ખબર જ નહોતી. મજા પડી ગઈ અને હવે તો રાહ જોઇશ તમારી નવી પોસ્ટ ની. લખતા રહો!

    ReplyDelete
  3. ઋતુલભાઇ, અભિનંદન. બ્લોગ માટે તેમજ વાન ગોગનાં ઓરીજીનલ ચિત્રોના દર્શન કરવા બદલ. 'ડ્રીમ્સ'નો ઉલ્લેખ વાંચીને મઝા આવી ગઇ. કોઇ કલાકારને આવી અંજલિ ભાગ્યે જ કોઇ ફિલ્મ દ્વારા અપાઇ હશે.
    વધુ પ્રવાસવર્ણનો/લખાણોની અપેક્ષા.

    ReplyDelete
  4. ધન્યવાદ મિત્રો! હું આપ સૌની અપેક્ષા પ્રમાણે કૈંક નવું આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ.

    ReplyDelete
  5. The moving finger writes;
    and having writ, moves on;
    nor all thy piety nor wit
    shall lure it back
    to cancel half a line,
    nor all thy tears
    wash out a word of it.
    -Omar Khayyam-

    ReplyDelete