Thursday, December 20, 2012

એક પ્રિસાઈડીંગ ઓફિસરની ડાયરી

Polling officials at work, Photo Courtesy: thehindu.com
પ્રિસાઈડીંગ ઓફીસર એટલે કોઈ એક મતદાન મથક (બૂથ) પરના પ્રમુખ અધિકારી. આ અધિકારી પાસે મુખ્યમંત્રીને પણ તેના મતદાન વિસ્તારમાં આવતા રોકવાની સત્તા હોય તેવું કહેવાય છે. એમ તો પ્રમુખ અધિકારી સાંભળવામાં કેવું સારું લાગે છે, નહિ? પણ સમગ્ર સરકારી તંત્રમાં વિવિધ પ્રકારના 'પ્રમુખ' અધિકારીઓ છેક ઉપરથી લઈને નીચે સુધી છવાયેલા હોય છે. એટલે બૂથ લેવલનો પ્રમુખ અધિકારીએ 'ઓલ આર ઇકવલ બટ સમ આર લેસ ઇકવલ ધેન ધ ઇક્વલ્સ'ની જેમ બધાય મુખ્ય અધિકારીઓમાં સૌથી ઓછો પ્રમુખ હોય છે. તેનું મુખ્ય કામ હોય છે કે મતદાનના આગળ દિવસે સવારે બૂથની બધી જ સામગ્રી (ઈવીએમ મશીન, લગભગ દોઢસો ફોર્મ, તે મુકવાના કવર, મત કુટીર વગેરેથી લઈને ટાંકણી સુધી)ની સામગ્રી ભેગી કરીને સરકારી બસમાં બેસીને મતદાન મથકે જવું. સમગ્ર વ્યવસ્થા ગોઠવવી અને રાત્રે ત્યાં જ રોકાવું - એટલે કે ઇવીએમ મશીન 'છાતીએ બાંધીને સૂઈ જવું'. બીજા દિવસે મતદાન નિયમ પ્રમાણે કરાવવું, બધી વ્યવસ્થા જાળવવી અને મોડી રાત સુધી એક-એક મતનો હિસાબ મેળવીને બધી જ સામગ્રી (ટાંકણી સુધ્ધાં) જાતે જ પાછી પહોંચાડવી.

આવી રીતે જ એક પ્રિસાઈડીંગ ઓફિસરની કામગીરી બજાવ્યા બાદ પડતી ખાવા-પીવા-સૂવાની તકલીફો વિષે પોતાની જાત પર આવતી દયા-સહાનુભૂતિને બાદ કરીએ તો ઘણી રસપ્રદ વાતો થઇ શકે છે. વૈધાનિક રીતે એક બૂથની કામગીરીમાં સૌથી મહત્વનો દસ્તાવેજ હોય છે પ્રિસાઈડીંગ ઓફિસરની ડાયરી. એવી જ રીતે આ લેખ એક દિવસ માટે બનેલા પ્રિસાઈડીંગ ઓફિસરની બિન-સત્તાવાર, બિન-વૈધાનિક ડાયરી છે જેમાં લોકો, લોકશાહી અને સરકાર વચ્ચે ઘુમરાતાં વિવિધ રંગબેરંગી અવલોકનો છે. પ્રિસાઈડીંગ ઓફીસરની હાલત નીચે ફોટામાં દેખાઈ રહી છે તેવી પણ સાવ હોતી નથી. 

સત્તા અને જવાબદારી 
આપણા સરકારી તંત્રએ સ્પાઈડરમેન દ્વારા પ્રચલિત કરવામાં આવેલું સૂત્ર 'with great powers comes great responsibilities'ને બહુ સાહજીકતાથી પચાવ્યું છે. એટલે કે સત્તાની સાથે સાથે જવાબદારીઓ પણ આવે છે. ફરક અહીં એટલો છે કે સત્તા ઉપરથી નીચે પ્રસરે છે તો જવાબદારીઓ નીચેથી ઉપર. જ્યારે સૌથી સર્વસત્તાધિશ અધિકારી કોઈને કોઈ સત્તા સૌપે એનો મતલબ એવો ક્યારેય નથી થતો કે તે સત્તા કે હોદ્દો પામવાલાયક તમે યોગ્ય વ્યક્તિ છો. એનો સાદો અર્થ એ થાય છે કે જેને જેટલી સત્તા મળતી હોય તે વ્યક્તિ પર એટલી જવાબદારી ઢોળી શકાય. એટલે તમને જવાબદારી સોંપીને તમારા ઉપરી અધિકારી રાહતનો શ્વાસ લઇ શકે છે. સમગ્ર વ્યવસ્થા ચાલે છે 'કોની જવાબદારી છે' તે નક્કીને. આ જવાબદારીઓનું ભાન નવા-સવા અધિકારીઓને તાલીમ દરમ્યાન ગર્ભિત ચેતવણી, છૂપી ધમકી દ્વારા આપી શકાય છે. છેવટે સામાન્ય અધિકારી દેશદાઝ કે બીજા કોઈ ઉદ્દાત ભાવ રાખ્યા વગર 'પોતે આમ નહિ કરશે તો ફસાઈ જશે' તે ભાવે જ 'નોકરી' કરતો થઇ જાય છે. ચૂંટણીની ફરજ કે જે ખરેખર નાગરિક તરીકેની રાષ્ટ્રીય ફરજ હોવી જોઈએ તે આખરે એક કરવા ખાતર કરવું પડતું કામ બનીને રહી જાય છે. સત્તા અને જવાબદારીના સમીકરણોમાં તમે જે કામ કરો છો તે તમને ગમે છે એટલે કરો છો કે પછી તમે દરેક કામ આટલી જ સંનિષ્ઠતાથી કરો છો તેવી ભાવના માટે અવકાશ ઓછો હોય છે.
EVM machines being carried to the booth
Photo courtesy:  thehindu.com
ઘણા મહેનતુ અધિકારીઓ જોયા!
ચૂંટણીની સરકારી કામગીરી નજીકથી જોયા પછી ચોક્કસ એવું કહી શકાય કે સરકારી રાહે કામ કરીને કાર્યદક્ષતા અને પારદર્શિતા લાવવી હોય તો લાવી શકાય છે. ચૂંટણીની કામગીરી દરમ્યાન ભોજન-આરામ પરવા કર્યા વગર સાચું શું છે, યોગ્ય શું છે તેવી ફિકર કરીને કામ કરતા ઘણા અધિકારીઓ જોયા. આ ચૂંટણીની કામગીરીમાં મહિનાઓથી જોડાયેલા અને કેટલીય રાતોથી ઉજાગરા કરી રહેલા અધિકારીઓ મોટી સંખ્યામાં હતા કે જેમની સખત મહેનતથી ચૂંટણીની વ્યવસ્થા ચાલતી હતી. લોકશાહીના પર્વને ખરા અર્થમાં ઉજાગર કરનાર આ અધિકારીઓને અભિવાદન ઘટે. દરેક સરકારી કાર્યદક્ષતાના પ્રશ્નોના જવાબ ખાનગીકરણમાં શોધતા લોકો એ આ અધિકારીઓને કામ કરતા જોવા જેવા છે. જો કે લઘુમતિમાં એવા લોકો પણ હતા કે જે દરેક વાતમાં પોતાનો ફાયદો કે કામ ન કરીને કેવી રીતે બચી શકાય તે જ શોધતા હતા, તેમાંના ઘણાં ખાનગી શાળાના શિક્ષકો પણ હતા. ટૂંકમાં, કાર્યદક્ષતા સરકારી કે ખાનગી નથી હોતી.
Polling officials checking the election material
પીપલ આર પીપલ - એક ડબ્બાના મુસાફરો 
ચૂંટણીની પ્રક્રિયાની સામગ્રી લઈને દોડાદોડ કરતા, મતદાન મથકની વ્યવસ્થા સંભાળતા, રાત્રે આમ-તેમ સુઈ જતા પ્રિસાઈડીંગ ઓફિસર, પટાવાળા અને બીજો સ્ટાફ ધીરે-ધીરે એકબીજાથી ટેવાતો જાય છે. એક ડબ્બાના મુસાફરોની જેમ બધા સાથે મળીને વાતચીત કરતા અને કામ કરતા થઇ જાય છે. લસણ-ડુંગળી ન ખાનારા અને નમાઝ પઢવાવાળા સૌ કોઈ એક સાથે કામે લાગી જાય છે. જો કે વર્ગ-જાતિના વાડા સાવ ભૂલાઈ જતા નથી. પણ જો તમે એવી ઓફિસમાં કામ કરતા હોવ કે જ્યાં એકબીજાને તેમના નામથી બોલાવવાની રીતરસમો હોય તો અહીં તમે અચાનક તમારી અટકથી ઓળખાવા લાગો છો. તમારી ઓળખાણનું રૂપાંતરણ તમારા નામમાંથી અટકમાં સરકારી રાહે બહુ સાહજિકતાથી અને ઝડપથી થઇ જાય છે. 

લોકશાહીનો ઉત્સવ 
મતદાન શરુ થયું ત્યારે લાંબી-લાંબી લાઈનો લાગી ગઈ હતી. કેટલાય લોકોમાં ઉત્સાહ અનેરો હતો જાણે કે કોઈ મેળામાં મહાલવા આવ્યા હોય. એક-બે મતદારો અધિકારીઓ જોડે ઝગડી પડ્યા. વોટ આપવા આવનાર લોકોને ગમે તે આર્થીક સ્તરના હોય, તેમને આજના દિવસે સરકારી અધિકારીઓ જોડે સારી રીતભાતની અપેક્ષા હોય છે. કદાચ પ્રજાને 'આજે મારો દિવસ છે' તેવું કહેવા બહુ મળતું નહિ હોય એટલે મતદાનના દિવસે તેમને જરા સરખું પણ અપમાન સહન થતું નથી. વોટ આપવો તે તેમનો હક છે અને તે અંગે સારી એવી જાગૃતિ જોવા મળી. 'બધાને સમાન હક છે' તેવી નાગરિક હોવાની લાગણી પાંચ મિનીટના કામ માટે પણ પ્રત્યક્ષ થાય અને 'સરકાર માઈબાપ' પોતાના સિહાંસનથી નીચે ઉતરીને બેલેટ સુધી આવી શકે તેવી નાની-નાની લોકશાહીની કરામતો બહુ સંતોષકારક હોય છે.

પ્રેક્ટીકલ અને 'પોજીટીવ' 
સમગ્ર પ્રક્રિયા દરમ્યાન આ બે શબ્દો સતત સંભાળવા મળ્યા. પ્રેક્ટીકલ બનવું એટલે નિયમોનો ઠાલો આગ્રહ રાખ્યા વગર કે આદર્શ વાતો કર્યા વિના કેવી રીતે કામ ઝડપથી પતાવી શકાય. કેટલાક મહારથીઓ પ્રેક્ટીકલ બનવાનું વિશાળ અર્થઘટન ખોટાં કામ કરવા પણ કરે છે. બાકીના લોકો માટે પ્રેક્ટીકલ બનવું એટલે કોઈ વેદીયાવેડા કર્યા વિના (અને ક્યારેક મગજ બંધ કરીને) કામ ઉકેલવું. બીજો શબ્દ તે 'પોજીટીવ' (પોઝીટીવ) બનવું. આ શબ્દ વાપર્યા વગર અમુક વ્યક્તિઓ પોતાના વિષે વાત કરી શકતા નથી. 'હું પોજીટીવ માણસ છું' એમ કહેવું તે 'હું સારો માણસ છું' તેમ કહેવા કરતાં વધારે મહત્વ ધરાવે છે અને આ બહુ સાહજિકતાથી કહી શકાય છે. આ આખી પ્રકિયા દરમ્યાન મને ઘણા 'પોજીટીવ' માણસો મળ્યા જેમણે મને સતત પ્રેક્ટીકલ બનવાની સલાહ આપી. કદાચ મારા ચહેરા પર એવું લખ્યું હશે કે મારે પ્રેક્ટીકલ બનવાની જરૂર છે.

'જાગૃત નાગરિક'
વાતચીત દરમ્યાન એક અધિકારી બહુ જ સહજતાથી એવું બોલી ગયા કે, "બધું નિયમ પ્રમાણે જ કરજો. આમ તો કોઈ પૂછતું નથી પણ કોઈ જાગૃત નાગરિક આવી જશે તો તકલીફ પડશે".  મને આ સંભાળીને બહુ હસવું આવેલું. યુ નો, ધોઝ જાગૃત નાગરિક ટાઈપ્સ! સરકારી ઓફિસરને સૌથી વધારે ચીડ કોની તો આવા જાગૃત નાગરિકની! જાગૃત નાગરિક આવે તો સવાલ પૂછે, જાગૃત નાગરીકને નિયમોની ખબર હોય, જાગૃત નાગરિક માહિતી માંગે. એટલે સરકારી ઓફિસો એવું ઈચ્છે કે નાગરિક જાગૃત ન હોય તો કામ ઓછું કરવું પડે અને લાભ વધુ લઇ શકાય. હવે ખબર પડે છે કે આ દેશમાં માહિતી અધિકાર (Right to Information)ની જરૂર કેમ પડે છે.

49-ઓ એ 'રાઈટ ટુ રીજેક્ટ'થી બહુ દૂર છે.
લોક્પ્રતીનીધીત્વ ધારાની કલમ 49-ઓ (ગુજરાતીમાં 49-ઘ) વિષે બહુ ચર્ચા ચાલે છે. ઘણા સામાજિક કાર્યકરો અને સંસ્થાઓએ પ્રચાર કરેલો કે કોઈ પણ ઉમેદવારો ન ગમે તો બધા ઉમેદવારોને રિજેક્ટ કરવા માટે 49-ઓનું ફોર્મ ભરો અને પોતાનો વિરોધ નોંધાવો. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઈવીએમ મશીન પર આવી કોઈ વ્યવસ્થા ન હોવાથી મતદારે આવું એક અલગ ફોર્મ ભરવું પડે છે, જેમ ન કરવા માટે પ્રિસાઈડીંગ ઓફિસર તેમને સમજાવતા હોય છે કારણકે આવું કરવાથી તેમનું કામ વધે છે. પણ મુખ્ય વાત એ છે કે આવું થવાથી આ મતદાન ગુપ્ત રહેતું નથી, જે કાયદાની રીતે ગુપ્ત રહેવું જરૂરી છે. બીજું કે, ભલે ગમે તેટલા આવા 'નોન-વોટ' પડે તો પણ કોઈ એક ઉમેદવારને વિજેતા ઘોષિત કરવામાં આવે છે એટલે આ શસ્ત્ર બુઠું છે અને ત્રીજું કે, સરકારી સીસ્ટમમાં આ નોન-વોટ કે નલ-વોટ 'સુપ્રત કરેલા મત' તરીકે નોંધાય છે. કોઈ એવું નોંધતું નથી કે મતદાર આ મત કેમ નથી આપતો કે તેના કારણો શું છે. આ 'સુપ્રત કરેલા મત' એક ફોર્માલીટી અને આંકડો બનીને રહી જાય છે. તેના કોઈ પણ વૈધાનિક કે રાજકીય દબાણો સર્જાતા નથી. તેથી ભારતમાં 'રાઈટ ટુ રીજેક્ટ'ની જરૂર વર્તાય છે. 

સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ 
મોટાભાગના પ્રિસાઈડીંગ ઓફિસર પોતે જેવા લોકો અને વિસ્તારને જોવા ટેવાયેલા હોય તેથી બહુ જુદા વિસ્તારમાં ગયા અને બહુ  અલગ પ્રકારના લોકોને તેમણે જોયા હશે. મારા માટે નવાઈની વાત એ હતી કે આવનાર મતદારોમાંથી 20-30 વર્ષની યુવતીઓ રજીસ્ટરમાં સહી કરવાને બદલે અંગૂઠાનું નિશાન કરે. જૂની પેઢીના મતદારો અને ખાસ તો સ્ત્રીઓ અભણ હતી જે માની શકાય તેવી હકીકત છે. પરંતુ નવી પેઢીમાં અને યુવાન સ્ત્રીઓમાં આજના જમાનામાં સાક્ષરતા ન હોય તે માનવું અઘરું છે.  વળી, આ કંઈ બિલકુલ ગરીબ પરિવારોની વાત નથી પણ લગભગ મધ્યમ વર્ગ કે નીચલા-મધ્યમ વર્ગના પરિવારોમાં આવું જોવા મળે તે બહુ નવાઈની વાત છે. કારણકે અહીં છોકરીઓને ન ભણાવવા પાછળ પૈસા નહિ પણ વૃત્તિ જવાબદાર છે. આ અભણ યુવતીઓ પોતાના બાળકોને કેવી રીતે ભણાવશે અને પરિવારમાં તેનું સ્થાન કેવું રહેશે?
Photo courtesy: nytimes.com
આખા ચૂંટણી તંત્રમાં સ્ત્રીઓની ભૂમિકા 
આખા ચૂંટણી તંત્ર અને સરકારી તંત્રમાં ચૂંટણીની કામગીરીમાં કામકાજના કલાકો નિશ્ચિત ન હોવાથી મહિલા કર્મચારીઓ માટે પ્રિસાઈડીંગ ઓફિસર બનવું બહુ મુશ્કેલ કામ છે. આ કામ મહિલા કર્મચારીઓને આપવામાં આવતું જ નથી. બૂથની કામગીરીમાં એક માત્ર કામ જે મહિલા પોલીંગ ઓફિસરને સોંપવામાં આવે છે તે છે મતદારોની આંગળી પર શાહીથી નિશાન બનાવવું. કારણકે મોટાભાગના મહિલા કર્મચારીઓને નોકરી ઉપરાંત ઘર-બાળકોની જવાબદારી સાંભળવાની હોઈ કામકાજના લાંબા કલાકો પોસાતા નથી. એટલે તંત્ર પણ તેમને બહુ હેરાન નથી કરતુ અને મહિલાઓ પણ પોતાની માર્યાદિત ભૂમિકા સ્વીકારી લે છે. આ આખી પ્રક્રિયામાં બધાની ભાગીદારી સરખી કેવી રીતે કરી શકાય તે અંગે ખરેખર નવેસરથી વિચારવા જેવું છે.

છેવાડાની લોકશાહી અને સરકારની દરકાર 
મતદાનના દિવસે લોકોનો અનેરો ઉત્સાહ જોઇને એવું લાગ્યું કે શા માટે પાંચ વર્ષે એક જ વાર એવો દિવસ આવે કે જ્યારે સરકારે નાગરીકો સુધી પહોંચવું પડે. સરકારે તેના રોજબરોજના કામ માટે સ્થાનિક લાગણી જાણવી જોઈએ અને નાગરીકોને પણ તેમના અંગત કે સ્થાનિક પ્રશ્નો માટે સરકાર નજીક હોવી જોઈએ. લોકશાહીએ છેવાડા સુધી પહોંચવા માટે લોકોની આસપાસમાં માળખાકીય તંત્ર ઉભું કરવું જોઈએ. 73-74 બંધારણીય સુધારા અને પંચાયતી રાજની વ્યાખ્યા પણ આવી સ્થાનિક સંસ્થાની તરફેણ કરે છે. નાગરિક સુવિધા કેન્દ્રો (સિવિક સેન્ટર) આ જ તર્ક પર આધારિત છે પણ તેમનો વ્યાપ્ત વધ્યો નથી અને તે માત્ર મ્યુનીસીપલ તંત્રની સાથે જોડાયેલા હોય છે. શું એવા સિવિક સેન્ટર ન હોઈ શકે કે જે નાગરિકોને બધા જ સરકારી દસ્તાવેજ કે આઈ-કાર્ડ વગેરે બનાવવા માર્ગદર્શન આપે, સરકારી યોજનાઓ વિષે સમજાવે, સ્વાસ્થ્ય વગેરે માટે જાગૃત કરે જેથી લોકોને અલગ-અલગ સરકારી ઓફિસોમાં ધક્કા ન ખાવા પડે. શું વોર્ડ કે એરિયા લેવલ પર આવી સુવિધાઓ વિકસાવવી બહુ અઘરી છે? આપણી સરકારોએ હવે જનતા માટે દરકાર જતાવવાની બહુ જરૂર છે. 

એન્ડ નોટ
પત્ની: અરે, હું વોટ આપવા ગઈ ત્યારે સતત એ જોતી હતી કે આ 'પ્રિસાઈડીંગ ઓફિસર' કોણ છે અને તેને શું કામ કરવાનું હોય છે. મને તો ત્રણ-ચાર લોકો દેખાયા કે જે રજીસ્ટર રાખે, આંગળીએ સહી લગાડે ને પેલા ઈવીએમ મશીનમાં સ્વીચ દબાવીને વોટ લેવા મોકલે... એટલે તારે શું કરવાનું હતું? 
પતિ: આમાંથી કશું ય નહિ...
પત્ની: અરે હા, છેલ્લે એક ભાઈ ટેબલ બેઠા હતા અને બધા પર નજર રાખતા હતા પણ કંઈ કામ નહોતા કરતા... એ પ્રિસાઈડીંગ ઓફીસર?
પતિ: હા, એ જ વ્યક્તિ એટલે હું! Yes, I was that guy who was not doing anything! :)

Note: All photos in this post are generic photos and they only depict situations and not individuals. 

4 comments:

 1. સરસ છે. સરકારી તંત્રમાં પણ અસરકારક કામ થઇ શકે છે અને કાર્યદક્ષતા સરકારી કે ખાનગી હોતી નથી, એ વાત બહુ 'પોજીટીવ' છે.

  ReplyDelete
 2. રસપ્રદ અનુભવો તેમજ નિરીક્ષણો!
  'છેવાડાની લોકશાહી..'માંના સૂચનોનો અમલ કરવાની તાતી જરૂર લાગે છે.

  ReplyDelete
 3. "મને આ સંભાળીને બહુ હસવું આવેલું. યુ નો, ધોઝ જાગૃત નાગરિક ટાઈપ્સ! સરકારી ઓફિસરને સૌથી વધારે ચીડ કોની તો આવા જાગૃત નાગરિકની! જાગૃત નાગરિક આવે તો સવાલ પૂછે, જાગૃત નાગરીકને નિયમોની ખબર હોય, જાગૃત નાગરિક માહિતી માંગે. એટલે સરકારી ઓફિસો એવું ઈચ્છે કે નાગરિક જાગૃત ન હોય તો કામ ઓછું કરવું પડે અને લાભ વધુ લઇ શકાય. હવે ખબર પડે છે કે આ દેશમાં માહિતી અધિકાર (Right to Information)ની જરૂર કેમ પડે છે." Outstanding insider view Rutul. Loved your analysis.

  ReplyDelete
 4. very true... ama pn jo koi fst time presiding banya... jm k koi bank wala lic wala to fst polling offiser nu kaam double thay...

  ReplyDelete