Tuesday, August 21, 2012

કેટલીક 'શહેરી' ટૂંકી વાર્તાઓ

Kolkata, Photo: National Geographic/Randy Olson from here
(મિત્રો, આપણાં શહેરો સુવિધાઓ, જગ્યા અને પોતાનો અવાજ સંભળાય તેની રસાકસી અને હરીફાઈના મેળાવડા થઇ ચૂક્યા છે. વિકાસના વાયદા અને વિષમતાઓની વાસ્તવિકતા વચ્ચે જીવન જીવાતું જાય છે. આજકાલ એક નાગરિક તરીકે નગરચર્યા કરવા નીકળો તો નીચે મુજબના સંવાદો સંભળાઈ જાય છે. અલબત્ત, પ્રેરણાસ્ત્રોત સાદત હસન મંટોની ટૂંકી વાર્તાઓ છે. સમય, પરીસ્થિતી અને પરીપેક્ષ વગેરે બહુ બદલાયા છે પણ કદાચ માણસ બહુ બદલાયો નથી.)

મોટો પ્રોજેક્ટ જલ્દી આવી ગયો!

પોલીસ હવાલદાર ભીખાભાઈ પોતાના ખખડધજ સરકારી ક્વાટરમાં પાછા ફરે છે. બેસતાની સાથે જ રમીલાબેન બોલી પડ્યા,

"એ કવ છું... કેટલા ફોન લગાડ્યા મેં, આ તમારો ફોન જ બંધ આવતો'તો. ક્યાં હતા આટલી વાર?"

"હવે બહુ વાયડી થા મા, પેલા ચૌધરીએ ફોન બંધ કરાઈ દીધેલો. છેલ્લે ટાણે લાલ દરવાજે બંદોબસ્તમાં લગાડી દીધો. એક તો ભરચક વિસ્તારને તેમાં એક સાથે સો લારીઓનું દબાણ ખસેડવાનું. ચોધરીએ તો સાલાએ પાછળથી ઓર્ડરો જ આપવા છે. એમાં પાછા ફેરિયાઓમાંથી કોઈકે સળી કરી તો પથ્થરમારો થઇ ગયો. મકવાણાનું માથું ફૂટ્યું... લઇ ગયા એને હોસ્પિટલ. પછી તો અમે કરી ધોકાવાળી... ધોઈ નાખ્યા હરામના પેટનાઓને..."

"હાય, હાય..."

"લે, એમાં હાયકારા શેના કાઢે છે, મારે નઈ થાય મકવાણા જેવું. હું તો હેલ્મેટ પેરી રાખું છું..."

"અરે, એમ નઈ... કાલ મમ્મીને ઘેરથી આવતી વખતે મેં'કુ બજારમાંથી ફેરિયા પાસેથી તમારા માટે ખાખી મોજાં લઇ લવું. ત્રીસ રૂપિયામાં તૈણ જોડને કચ કરો તો બે રૂપિયા ઓછા ય કરે... હવે દુકાનમાંથી પચાસ રૂપિયે ય જોઈએ એવા નઈ મળે. કાલ મીતાએ છાપામાં જોઈ કીધેલું કે હાલ મમ્મી, ખરીદી કરી આઇએ. કોક મોટો પ્રોઝેક્ટ આવવાનો છે તો આ બજારો તૂટશે પણ મને શું ખબર આટલો જલ્દી આવશે. હવે પેરજો ફાટલાં મોજાં..."

*****

વિકાસ માટે સૌએ બલિદાન આપવું પડે 

મ્યુનીસીપલ કચેરીની વાતાનુકૂલિત કેબિનમાં પટેલસાહેબ મીટીંગ ભરીને બેઠા છે.

"વિકાસમાં કોઈ વિવાદ નહિ. સાહેબે ચોક્ખું કહી જ દીધું છે. બસ હવે બધી પ્રોસીજરમાં ઝડપ રાખો. આ બાજુ જેમ વિસ્તાર ખાલી થતો જાય તેમ સાથે સાથે લેન્ડસ્કેપીંગનું કામ શરુ થઇ જવું જોઈએ..." એવામાં પટેલસાહેબનો મોબાઈલ કર્કશ અવાજે રણકે છે. સાહેબના હાવભાવ જોઇને એક-બે કર્મચારીઓ અંદર-અંદર આંખ મીચકારે છે કે આ સાહેબના ઘેરથી ફોન હતો. પટેલસાહેબ પંડ્યા પર તાડૂક્યા,

"અલ્યા, પંડ્યા! આજે બેબીને સ્કૂલેથી લેવા ગણપતને મોકલ્યો નહિ? સાવ આવી બેદરકારી! બેબીનો એક્સીડેન્ટ થતાં-થતાં બચ્યો... આ ગણપતની જગ્યાએ કોણ ગયું હતું અને એ કામચોર ક્યાં મરી ગ્યો છે?"

"સાહેબ, આજે તો સ્પેર ડ્રાઈવરમાં કોક નવો છોકરો હતો... ગણપત સવારે તો આવેલો પણ રજા લઇને ઘેર જતો રહ્યો. આપણે રામદેવ પીરવાળા ઝૂંપડા હટાવ્યાં તેમાં એના કોઈ સગાંનું ય હશે. એ દોડીને મદદ કરવા જતો હતો એવું ઝડપથી કહીને ગયો..."

"આવવા દે સાલાને પાછો, હવે તો મેમો જ પકડાવીશ..."

"જવા દો, પટેલસાહેબ! આપણાં પ્રોજેક્ટમાં જ ઝૂંપડા ગયા છે.... મોટા  સાહેબે નહોતું કહ્યું કે વિકાસ માટે સૌ એ થોડું બલિદાન આપવું પડે."

*****

આને કોણ બચાવશે?

સરકારી હોસ્પીટલમાં બે વોર્ડબોય વાત કરી રહ્યા છે.

"એ ગગલા, આ પંદર નંબરવાળા પેશન્ટને તું ઓળખે છે?"

"જગલા, તું નથી ઓળખતો? આ તો પેલો અરજણીયો. આ ક્યારેક આપઘાતવાળા કેસ આવેને તો આવો આ અહીં ઈમરજન્સીમાં લઇ આવતો. ક્યારેક પોલીસવાળા એને ઓળખ માટે લઇ આવતા..."

"કેમ?"

"અરે, આવો આ પેલી નદીકીનારાની ઝૂંપડપટ્ટી માં રહેતો'તો. અને સાલો તરવામાં જોરદાર હતો. જેવું કોઈ આપઘાત કરવા માટે બ્રીજથી છલાંગ મારે ત્યારે વસ્તીમાં આના નામની બૂમ પડે. આ પાણીમાં ખાબકેને પેલા આપઘાતવાળાને બચાવી લ્યે. પછી એમને અહીં લઇ આવે અને આપઘાતવાળાના સગા-સંબંધી આને ઇનામ આપે. આ જ એનો ધંધો. પોલીસવાળા ય એને ઓળખે. કોઈ ડૂબી ગયું હોય તો પોલીસવાળા લાશ ગોતવા આને જ ડૂબકી મારવાનું કહે. ગણેશ વિસર્જન વખતે તો આને બહુ વકરો થતો હશે...પણ બહુ લોકોનો જાન બચાયો આણે..."

"તો પછી અત્યારે ઈમરજન્સીમાં કેમ દાખલ છે?"

"કોઈકે કીધું કે ઉંદર મારવાની દવા પી ગયો આવો આ... પેલા નદીકિનારાના ઝૂંપડા હટાયાને ઉનાળામાં, તેમાં આનું ય ઘર હશે. પછી તો એમને સીટીની બહાર કચરાનાં ઢગલા નહી? ત્યાં ફેંકી દીધેલા. એનો કામ-ધંધો બંધ થઇ ગયો હશે... પછી બધા કે'તાતા કે દારૂની લતે ચઢી ગયેલો. કૈંક મગજ ફટક્યું હશે તો પી લીધી દવા..."

"હમમ... એણે બહુ લોકોનો જાન બચાયો હશે, પણ હવે એને કોણ બચાવશે?"

*****

એ અમારી ઉપર કેવી રીતે રહી શકે?


શહેરને સુંદર બનાવવાના પ્રોજેક્ટમાં થયેલા વિસ્થાપનની પ્રક્રિયા 'ન્યાયપૂર્ણ' થાય તેના માટે હાઈકોર્ટે બેસાડેલું કમીશન બહુ બેસવાથી થાકી જઈને હવે ફરિયાદ નિવારણ શરૂ કરે છે ત્યારે અરજી સુનાવણી વખતે,

"સાહેબ, હું ચમનપુરામાં સુંદર શહેર પ્રોજેક્ટના 'લાભાર્થી' કોલોનીમાંથી આવુ છું. અમને મકાનો એલોટ કરતી વખતે અમારી જ્ઞાતિના મકાનોને સાથે મકાન આપવામાં આવ્યા નથી, જયારે ફલાણી જ્ઞાતિના મકાનો સાથે છે. અમારા આઠ મકાન અલગ પડી ગયા છે..."

" જુવો ભાઈ, આ બધું તો કમ્યુટર નક્કી કરે છે, એમાં અમારો કોઈ હાથ નથી. તમારા તો ગ્રાઉન્ડ ફ્લોર પર ફ્લેટ છે, તેમાં શું તકલીફ છે?"

"અરે સાહેબ, બધા ફ્લેટ મિકસ લોકોના થઇ ગયા છે, અમારું ખાન-પાન, રહેવું-કરવું બધું અલગ છે..."

"પણ તમે બધા તો એક જ ઝૂપડપટ્ટીમાં સાથે રહેતા હતા તો પછી હવે શું તકલીફ છે."

"અરે સાહેબ, સમજોને... ઝૂપડપટ્ટીમાં તો એકબીજાની આજુબાજુમાં રહેતા હતા. અહીં તમે સાલા @#$%ની જાતનાંને તમે લોકોએ અમારી ઉપરના ફ્લેટ આપ્યા છે. એ લોકો તો બતાવતા ફરે છે કે અમારી ઉપરના થઇ ગ્યા. કંઇક થાય તો જુવોને સાહેબ..."

*****

અહીં પણ હવે કશું નથી!

 મ્યુનીસીપલ કચેરીની વાતાનુકૂલિત કેબિનમાં,

"સાહેબ, હું છેક ગણેશનગરથી આવું છું. ત્યાં બહુ તકલીફ છે, સાહેબ. પાણી-ગટર-લાઈટ કશું નથી. અમે તો સાવ ખુલ્લામાં રહીએ છીએ. તમે તો કહ્યું હતું કે આ ટેમ્પરરી છે. પેલા પ્રોજેક્ટ માંથી પૈસા આવશે એટલે બધાને મકાન આપવાનું પણ કહેલું. આજે બે મહિના થઇ ગયા. આના કરતા તો અમારી ઝૂપડપટ્ટી સારી હતી, ત્યાં બધી સુવિધા તો હતી, અહીં તો કશું નથી."

સાહેબ ફાઈલમાં થી માથું ઊંચક્યા વગર બોલ્યા, "હવે ઝૂપડપટ્ટીની જગ્યાએ પણ કશું નથી, બધું સપાટ થઇ ગયું છે... "

 *****


Caracas city, Venezuela, Photo: National Geographic/Jonas Bendiksen, Magnum Photos

4 comments:

 1. ક્યા બાત હૈ બોસ્સ....

  ReplyDelete
 2. વાહ! સંવેદના અને સંવેદનશીલતા હશે ત્યાં સુધી મંટો જીવિત રહેશે.

  સચોટ!

  ReplyDelete
 3. હ્રુતુલ ભાઈ.બહુ સચોટ નિશાન.ધન્યવાદ.'सियाह हांशीये' ની જેમ જ તમે પણ કોઈ શીર્ષક આપો તો? જેમ કે : 'મોટા પ્રોજેક્ટની નાની વાતો' કે 'હવે એ લોકો વારતામાં રહે છે'.....એવું કંઇક.

  ReplyDelete
 4. ચોટદાર! મંટો જેવી ચોટ એનાથીય ઓછા શબ્દોમાં! એકેએક સંવાદ સચોટ અને વિસ્થાપનના ઘણા પાસા આવરી લેતું સંકલન...વાહ!

  ReplyDelete