Tuesday, July 10, 2012

લિંગભેદ અને બાળશિક્ષણ

યુનિસેફએ સંયુક્ત રાષ્ટ્ર (યુનાઈટેડ નેશન્સ)ની બાળક માટેના ભંડોળનું વ્યવસ્થાપન કરતી સંસ્થા છે. તે વિકાસશીલ દેશોમાં બાળકો અને તેમની માતાઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે. એટલે યુનીસેફને બાળશિક્ષણ સાથે સીધી નિસ્બત. યુનિસેફનું આ પેજ શિક્ષકો માટે ઘણી સાધન-સામગ્રી પૂરી પાડે છે. અહીંથી નૃવંશશાસ્ત્રી (એન્થ્રોપોલોજીસ્ટ) ઈલીન કેઈનના પુસ્તક 'જેન્ડર, કલ્ચર એન્ડ લર્નિંગ'ના અમુક અંશો મળી આવે છે. ઈલીનના સંશોધનાત્મક મૂળ વિચારોને મારી ભાષામાં, મારી રીતે રજૂ કરું છું. 

સ્ત્રી-પુરુષ વચ્ચેના મોટાભાગના તફાવતો જૈવિક કે શારીરિક તફાવતો હોય છે. આ સિવાય પણ મોટા ભાગના સમાજોમાં સ્ત્રી-પુરુષ એકબીજાથી બહુ અલગ હોય છે. તેમની અલગ-અલગ સામાજિક ભૂમિકાઓ, જવાબદારીઓ અને મોભો હોય છે. સ્ત્રી-પુરુષોના વર્તનમાં અમુક જ ફેરફારોને સહેલાઈથી તેમના શારીરિક ફેરફાર જોડે સાંકળી શકાય છે. પણ તેમના વર્તનમાં રહેલા બીજા ઘણા તફાવતો સામાજિક ભૂમિકા અને મોભામાંથી જન્મે છે, તેમની શક્તિઓ અને મર્યાદાઓની સમજ તેમના સામાજિક પરિવેશ પ્રમાણે બદલાય છે. લિંગ(Sex)એ જૈવિક વર્ગીકરણ છે અને જેન્ડર (Gender)એ સામાજિક વર્ગીકરણ છે. જૈવિક રીતે લિંગભેદ હોવો એક બાબત છે અને તેના લીધે સામાજિક ભૂમિકામાં ફરક પડવો તે બીજી બાબત છે. એક ડગલું આગળ વધીએ તો ભેદ કે ફરક હોવો તે જૈવિક છે પણ ભેદભાવ એ સામાજિક ઘટના છે. જેમકે, યુરોપ અને આફ્રિકાના બાળકોમાં દેખાવ, રંગ વગેરેમાં કુદરતી ફરક હોય પણ તેના લીધે તેમની સાથેના વર્તનમાં ફેરફાર ન કરી શકાય.

જ્યારે ઈલીન અને તેની ટીમે જીવવિજ્ઞાન, સાઈકોલોજી, નૃવંશશાસ્ત્ર અને શિક્ષણ વિશેના સંશોધનો બારીકીથી જોયા તો એવું પુરવાર કરવું અઘરું હતું કે સ્ત્રી-પુરુષ વચ્ચેનો ભેદ કે ભેદભાવ માત્ર શારીરિક કે જૈવિક તફાવતમાંથી જન્મે છે. મોટા ભાગના ભેદભાવોનો ઉદ્ભવ જે રીતે તેમનું પાલન-પોષણ થયું છે, જે રીતે તેમને મોટા કરવામાં આવ્યા છે તેમાંથી થયો છે. ઘણીવાર સાંસ્કૃતિક-સામાજિક પરિબળોને જૈવિક પરિબળોથી અલગ પાડવા અઘરા હોય છે. પણ એક વાત ઈલીન પૂરા વિશ્વાસથી કહે છે કે જયારે શિક્ષણની પ્રક્રિયા અને વિચાર શક્તિની વાત આવે છે ત્યારે સ્ત્રી અને પુરુષો (છોકરી અને છોકરા) એક બીજાથી અલગ પડવાને બદલે એક-બીજાથી વધુ મળતા આવે છે. નવું શીખવાની અને વિચારવાની પ્રક્રિયા (Cognitive thinking process) બધા બાળકોમાં સરખી રીતે થાય છે. શિક્ષણની બાબતમાં છોકરી અને છોકરો એકબીજાથી સરખા વધારે છે અને અલગ ઓછા છે. એક જ લિંગ (કે જાતિ)માં એટલે કે છોકરા-છોકરા વચ્ચે કે છોકરી-છોકરી વચ્ચેના તફાવતો ઘણા વધારે છે. કારણકે જયારે શાળા અને શિક્ષણની વાત આવે છે ત્યારે શિક્ષકો અને કૌટુંબિક વાતાવરણની બહુ મોટી અસર પડતી હોય છે. આ વાતાવરણ છોકરી અને છોકરાઓમાં વૈચારિક શક્તિઓને (Cognitive skills) ઘડવામાં મોટો ફાળો આપતું હોય છે. ટૂંકમાં, વિચારશક્તિ અને કૈંક નવું શીખવાની પધ્ધતિમાં છોકરી અને છોકરા વચ્ચે બહુ ફરક હોતો નથી. જે ફરક દર્શાવવામાં આવે છે તે ઉભો કરેલો હોય છે.
Typical examples of gender stereotypes
જેમકે, 'છોટા ભીમ'ના એનીમેશનમાં છોટા ભીમ એ બહાદુર છોકરો છે જે લાડુમાંથી શક્તિ મેળવીને ગુનેગારોને ધૂળ ચાટતા કરે છે. જ્યારે છોટા ભીમની મિત્ર ચુટકી એ નાજુક-નમણી છોકરી છે જે લાલી-લીપ્સ્ટીક સાથે જ જોવા મળે છે. આને 'જેન્ડર સ્ટીરીયોટાઈપ' કહેવાય. બાળકોને એ સંદેશો જાય છે કે છોકરીનું કામ શણગાર કરીને ફરવાનું છે. આખી વાત બે ડગલાં આગળ લઇ જઈએ તો છોકરીએ પોતે 'ઉગરવા માટે' એક મજબૂત ભીમ શોધવાનો હોય છે. નવા જમાનામાં એ ભીમ શારીરિક કરતા સામાજિક-આર્થિક રીતે મજબૂત હોય તે વધારે જરૂરી છે. સ્ટીરીયોટાઈપની તકલીફ એ હોય છે કે તે બધા પ્રકારની વિવિધતા કે અલગ પડવાની શક્યતાને શૂન્ય કરી નાખે છે. સમાજે ઉભી કરેલી બીબાંઢાળ ભૂમિકાઓની સરહદો ઓળંગીને જ જે-તે વ્યક્તિ સ્વતંત્ર કે સ્વાવલંબી બની શકે છે અને સમાજને નવી સમજણો પાછી આપી શકે છે. માનવ વિકાસ કે ઉત્ક્રાંતિનો પાયો સરહદો ઓળંગવામાં છે, આ સરહદો ખડકવામાં કે સરહદોને જડ  રીતે વળગી રહેવામાં નહિ.

ઘર-સમાજ ઉપરાંત શિક્ષકો અને સ્કૂલો પણ જેન્ડર સ્ટીરીયોટાઈપને મજબૂત કરવામાં આડકતરી કે સીધી મદદ કરતા હોય છે, ઘણીવાર આ પ્રશ્ને બિલકુલ સભાનતા ન હોવાથી તો આ ખાસ બને છે. છોકરાઓએ નાટકમાં ભાગ લેવાનો અને છોકરીઓએ ગરબામાં. શિક્ષકો કોઈ ઓજાર કે યંત્રનું કામકાજ છોકરાઓને સમજાવતા દેખાય અને ઘરગથ્થું કામ માટે છોકરીઓને યાદ કરવામાં આવે. ઘણીવાર પાઠ્યપુસ્તકોમાં રમેશ તેના મિત્રો જોડે રમતો દેખાય અને રમીલા તેની માતાને ઘરકામમાં મદદ કરતી દેખાય. રમીલા નાનાભાઈને રમાડે (એટલેકે ધ્યાન રાખે) અને રમેશ દાદીમાં પાસેથી વાર્તા સાંભળે. શિક્ષકોની અભ્યાસમાં છોકરા-છોકરીઓ પાસેથી અપેક્ષાઓ અલગ અલગ હોય. સૌથી ગંભીર સ્ટીરીયોટાઈપ છે કે કોઈ પ્રશ્નને હલ છોકરાઓ તર્કશક્તિનો ઉપયોગ કરે અને છોકરીઓ આત્મસૂઝનો. ખરેખર? શિક્ષણવિદો આવું માનતા નથી. શું તર્કશક્તિ પર કોઈ એક લિંગ-જાતિની વ્યક્તિનો અધિકાર હોઈ શકે? શું આ વાત તાર્કિક છે? કદાચ મોટાભાગના શિક્ષકોને ખબર નહિ હોય કે તેઓ છોકરી-છોકરાની જોડે અલગ અલગ વર્તન કરીને તેમના મગજમાં રહેલી ગ્રંથીઓને દ્રઢ કરી રહ્યા છે અને તેમને અમુક બીબાંમાં ઢાળી રહ્યા છે. જેમકે, દલિત બાળકો પાસેથી સ્કૂલના શૌચાલયો સાફ કરાવવામાં આવે તે કિસ્સો સાંભળ્યો. શિક્ષકોના ભેદભાવપૂર્ણ વર્તનનું આ સૌથી જઘન્ય પ્રકરણ છે. જો એક જ્ઞાતિના બાળકો સાથે આવો વ્યવહાર ખુલ્લેઆમ થતો હોય તો પછી 'જેન્ડર સ્ટીરીયોટાઈપ' તો બહુ સામાન્ય લાગે તેવી ઘટના છે.

વિવિધ સંસ્કૃતિઓ અને સમાજમાં થયેલું સંશોધન દર્શાવે છે કે 2-3 વર્ષના બાળકોને લિંગભેદ અને તેની સાથે સંકળાયેલા સ્ટીરીયોટાઈપની ખબર પડી જતી હોય છે. જ્યારે તે 4-5 વર્ષના થાય છે ત્યારે બાળકો લિંગભેદના સ્ટીરીયોટાઈપને વળગી રહેવામાં માસ્ટરી બતાવતા થઇ જાય છે. જેમ કે, અમુક રમતો છોકરીઓ રમે અને અમુક રમતો છોકરાઓ રમે. કોઈ છોકરો ઘર-ઘર રમે કે કોઈ છોકરી ફૂટબોલ રમે તો તેને તરત વારવામાં આવે. માતાઓ જ છોકરીને તૈયાર કરીને અરીસાની સામે ઉભી રાખવા માંડે. પિતા પાસે જો સમય હોય તો તે છોકરા સાથે અમુક રમતો રમશે અને છોકરી સાથે અમુક. આ બધી ઘટનાઓ એટલી સ્વાભાવિક છે કે તે ક્યારે બને છે તેની આપણને ખબર પણ નથી પડતી. અહીં સજાગ રહેવાની બાબત એ છે કે કેટલું સ્વાભાવિક રીતે કે બાળકની ઈચ્છાથી થાય છે અને કેટલું માં-બાપની. જો કે બાળકની ઈચ્છાઓને ઢાળવામાં અને પોષવામાં કુટુંબનો મોટો ફાળો રહેલો છે.

પૂર્વી આફ્રિકાના ઈરીત્રામાં થયેલા સંશોધન મુજબ શાળાએ જવાલાયક ઉમરની છોકરીઓ દરરોજ સાડા ચાર કલાક ઘરકામ કે સ્કૂલ સિવાયનું કામ કરતી હોય છે, જ્યારે આવા જ કુટુંબના છોકરાઓ અઢી કલાક. નિયમિત રીતે છોકરીઓ ઘરકામ, રસોઈ અને નાના ભાઈ-બહેનોની સંભાળ લેવાનું કામ ભણવા ઉપરાંત કરતી હોય છે. આફ્રિકાના ગામ્ભીયામાં સ્કૂલે જતી અને સ્કુલે ન જતી છોકરીઓ સરખું જ ઘરકામ કરતી હોય છે. તે જ રીતે, દક્ષીણ મલાવીમાં થયેલા સંશોધન મુજબ છોકરાઓ દિવસનો (ઊંઘને બાદ કરતા) 41 ટકા સમય રમવામાં પસાર કરે છે, જયારે છોકરીઓ માત્ર 13 ટકા. મારા પોતાના સંશોધનમાં ગુજરાતની ગરીબ વસાહતોમાં આ જ પ્રકારના આંકડા જોવા મળે છે. ગરીબ વસાહતોમાં મોટાભાગની છોકરીઓને ભણવામાંથી વહેલી ઉઠાડી દેવામાં આવે છે. આફ્રિકા હોય કે અમદાવાદ દીકરીને માટે 'ઘરકામ' એટલે સ્કૂલેથી મળતું લેસન નહિ, ખરેખર ઘરનું કામ હોય છે. વળી, મધ્યમ વર્ગમાં પણ દીકરાને મોંઘી સ્કૂલમાં અને દીકરીને થોડી સસ્તી સ્કૂલમાં ભણાવવાનું સામાન્ય છે.

ઈલીન કહે છે કે દરેક સંકૃતિમાં છોકરા-છોકરીના વહેવારોને લઈને ચોક્કસ ખ્યાલ હોય છે જ. પણ શિક્ષક અને માં-બાપ તરીકેને પહેલી જવાબદારી એ છે કે છોકરી હોય કે છોકરો તેમના માટે સરખી તકો ઉભી કરાવી. તેમની શક્તિઓને પીછાણવી અને તેમને પોતાની મર્યાદાઓની પેલે પાર જતા શીખવાડવું. જો શિક્ષકો અને માં-બાપ જ મર્યાદાના કિલ્લાઓ ઉભા કરશે તો બાળકમાં રહેલી શક્યતાઓ શૂન્ય થઇ જશે. કોઈ પણ પ્રકારના સ્ટીરીયોટાઈપને ખાળવા પહેલા તો એ જાણવું જરૂરી હોય છે કે આ સ્ટીરીયોટાઈપ છે. જેમ કે, સફેદ હંસ એક સ્ટીરીયોટાઈપ છે. જ્યારે કાળા હંસ જોવા મળે છે ત્યારે લોકો ભોંઠા પડે છે. હંસ તો સફેદ જ હોવા જોઈએ એવો આગ્રહ ન કરી શકાય. સફેદ હંસની થીયરી સાચી સાબિત કરવાની લાહ્યમાં કાળા હંસોનું ગળું ન ઘોંટી શકાય. દેશ કે સમાજને કાળા અને સફેદ હંસ એમ બંનેની જરૂર હોય છે. કાળા હંસો ઘણીવાર પોતાના અલગ ચીલા ચાતરતા હોય છે અને અલગ ચાતરેલા ચીલાથી જ સમાજ કે દેશ સમૃદ્ધ બને છે.

સમાનતાનો એક સાદો અર્થ થાય છે કે કોઈ બે સમૂહો સાથે સમાન વર્તન અને તેમને સામાન તકો મળે. સમાન હક તે જૂની વાત છે, એકવીસમી સદીનું સૂત્ર છે સમાન તક. જ્યારે જાણકારો એમ કહેતા હોય કે વિચારવાની પ્રક્રિયાનો વિકાસ બધા જ બાળકોમાં સરખી રીતે થતો હોય - એટલે કે કુદરતે બુદ્ધિશક્તિમાં કોઈ ભેદભાવ ન રાખ્યા હોય તો પછી આવા ભેદભાવને બાળપણથી જન્મ આપનાર માણસ કે સમાજ કોણ? નર હવે હથિયાર લઈને અસ્તિત્વની લડાઈ લડવા કે જંગલી પ્રાણી મારી લાવવા જતો નથી. માદા હવે પ્રજનન કે બાળ-સંભાળ માટેનું સાધન માત્ર નથી. નર-માદા હવે પુરુષ-સ્ત્રી બનીને સમાજના કોઈ પણ વર્ગમાં બંને સાથે ઘર ચલાવે છે અને સાથે બાળકો ઉછેરે છે. સ્ત્રી-પુરુષ વચ્ચે રોજબરોજના કામકાજની વહેંચણી ચોક્કસ થઇ શકે પણ કોઈ પણ કામ કોઈ એક લિંગની વ્યક્તિ સાથે જોડાયેલું હોતું નથી. સ્ત્રીઓ જો શેરબજારમાં ટ્રેડીંગ કરતા શીખતી હોય તો પુરુષો રસોઈ કરતા શીખી જ શકે. આ માનવ-ઉત્ક્રાંતિની સાદી સમજ છે. પણ સાદી સમજણો સમજવી અઘરી હોય છે એ મારો જાત અનુભવ છે. હું પોતે પણ આવા માન'સિક' ભેદભાવોથી પર નથી. આ એક સતત વિચારણા માંગી લે તેવી પ્રક્રિયા હોય છે. જો પરિવારના સભ્યો સાથે આની ચર્ચા કરવામાં આવે તો પછી આપણે એક-બીજાને ટપારવાનું કામ તો બહુ સહેલાઈથી કરી લેતા હોઈએ છીએ.
Let's end with a happy ending!


(નોંધ: મારી પત્ની મીરાં શિક્ષક છે અને પેલું વેબપેજ મારા સુધી પહોંચાડીને તેનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરાવવાનું ષડ્યંત્ર તેનું છે. મેં પણ ભાવાનુવાદ કરવાની જગ્યાએ લાંબુ તાણીને બદલો વાળી લીધો છે.)

14 comments:

 1. બીરેન7/10/2012 12:18 PM

  આ વાંચીને ઘણી વાર વિચારતા થઈ જવાય કે આપણી ઉત્ક્રાંતિ થઈ ગઈ, પણ વિકાસ તો બાકી જ રહ્યો!વાનરમાંથી માણસ બનવાનો તબક્કો દેખીતા પરિવર્તનનો હોવાથી તરત નજરે ચડે છે, પણ માણસ થયા પછી 'માણસિકતા'માં ખાસ ફરક પડ્યો નથી.

  ReplyDelete
 2. બીરેન7/10/2012 12:23 PM

  ભાઈ, હવે તમારી બ્લોગસર્વિસ પણ તમારા જેવું સેન્સીબલ વિચારતી થઈ ગઈ લાગે છે. એ દર વખતે પૂછે છે કે 'સાબિત કરો કે તમે રોબોટ નથી.'
  આ પ્રશ્ન મને અડધી સેકંડ માટે ગહન આત્મમંથન તરફ દોરી જાય છે. શી રીતે સાબિતી આપું કે રોબોટ નથી? પણ પછી આશ્વાસન લઈ લઉં છું કે આવી પોસ્ટ વાંચીને અંદર કંઈક થયું એટલી સાબિતી પૂરતી ગણાશે.

  ReplyDelete
  Replies
  1. હાહાહા...બિરેનભાઇ, મને ખબર તો પડે છે કે તમને કમેન્ટ કરવામાં તકલીફ પડે છે પણ મેં સેટિંગ્સમાં ઘણી શોધખોળ કરી પણ જડતું નથી કે આ તકલીફ કેવી રીતે દૂર કરી શકાય. કોઈ નિષ્ણાત મિત્રની મદદ લેવી પડશે.

   Delete
 3. હ્રુતુલ ભાઈ.
  ખૂબ અલગ,ખૂબ આવશ્યક અને ખૂબ સુંદર પ્રસ્તુતિવાળો લેખ.આવાં વિષય ધ્યાન દોરે છે કે આપણે ભણ્યાં પણ ગણ્યાં નથી.

  ReplyDelete
 4. માનવ વિકાસ કે ઉત્ક્રાંતિનો પાયો સરહદો ઓળંગવામાં છે. માન'સિક'ભેદભાવોથી પર થવામાં આવા લેખો આવી ચર્ચાઓ ઉપયોગી થાય છે. સરસ લેખ.

  ReplyDelete
 5. મારી પત્ની મીરાં શિક્ષક છે અને પેલું વેબપેજ મારા સુધી પહોંચાડીને તેનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરાવવાનું ષડ્યંત્ર તેનું છે. મેં પણ ભાવાનુવાદ કરવાની જગ્યાએ લાંબુ તાણીને બદલો વાળી લીધો છે.)

  ^^^^

  મીરાં નો ખૂબજ આભાર...એમના ષડયંત્ર ને કારણે ,લાભ તોહ અમને જ થયો છે....

  ReplyDelete
 6. Rutul, i have picked up some gems of concepts from your post, especially for our Gujarati readers who rarely get a chance of such illumination --- that there is a whole lot of difference in sex and gender, equal rights and equal opportunities and diversity and discrimination !

  hope they will ponder in their leisure time :

  'સમાનતાનો એક સાદો અર્થ થાય છે કે કોઈ બે સમૂહો સાથે સમાન વર્તન અને તેમને સામાન તકો મળે. સમાન હક તે જૂની વાત છે, એકવીસમી સદીનું સૂત્ર છે સમાન તક '

  *

  'લિંગ(Sex)એ જૈવિક વર્ગીકરણ છે અને જેન્ડર (Gender)એ સામાજિક વર્ગીકરણ છે.'

  *

  'કાળા હંસો ઘણીવાર પોતાના અલગ ચીલા ચાતરતા હોય છે અને અલગ ચાતરેલા ચીલાથી જ સમાજ કે દેશ સમૃદ્ધ બને છે.'

  *

  'સ્ટીરીયોટાઈપની તકલીફ એ હોય છે કે તે બધા પ્રકારની વિવિધતા કે અલગ પડવાની શક્યતાને શૂન્ય કરી નાખે છે.'


  *

  'માનવ વિકાસ કે ઉત્ક્રાંતિનો પાયો સરહદો ઓળંગવામાં છે, આ સરહદો ખડકવામાં કે સરહદોને જડ રીતે વળગી રહેવામાં નહિ.'

  *

  'શું તર્કશક્તિ પર કોઈ એક લિંગ-જાતિની વ્યક્તિનો અધિકાર હોઈ શકે? શું આ વાત તાર્કિક છે?'

  ReplyDelete
 7. મીરાંબહેનનો આભાર તો મારે પણ માનવો છે, કે તેમણે આવો માહિતિસ્ભર લેખ 'ચરખા'ને ચાકડે ચડાવ્યો.
  'કાળો હંસ' તેના 'ધવલ' હંસ કરતાં જૂદો ચીલો ચાતરતા હશે કે કેમ તે તો ખબર નથી , પણ કોઇએ ન પાથરેલા ચીલા પર ચાલનારાઓ એ સમાજ ને અચૂક "નવું" આપ્યું ઃએ, તેમાં કોઇ અસહમતિ ન હોઇ શકે.
  "કાળો હંસ'/Black swan (થીયરી) - http://en.wikipedia.org/wiki/Black_swan_theory - એ કદી ન જ થાય તેવું મનાતી ઘટના નજર સામે થતી જોવા મળે તે પ્રક્રિયા માટે બહુ પ્રચલિત રીતે વપરાય છે

  ReplyDelete
 8. વ્હાલા મિત્રો,

  આ લેખ લખતી વખતે મને સતત થયા કરતુ હતું કે આ વાત સમજાવી શકશે કે પહોંચશે. પણ તમારો પ્રતિભાવ હંમેશની જેમ આ બ્લોગનું ચાલક બળ છે. આપ હૈ તો યે બ્લોગ હૈ, નહિ તો ચરખાનું ક્યારનું ય પીલ્લું વળી ગયું હોત. ખૂબ આભાર. :)

  નીરવભાઈ, આખી ઇનિંગમાંથી ચોગ્ગા-છગ્ગા જુદા તારવી આપવા બદલ આપનો ખાસ આભાર. :)

  ReplyDelete
 9. ઋતુલ, સરસ મુદ્દા પર લેખ લઇ આવ્યા તમે. મીરાબેનને ખાસ આભાર પહોંચાડજો. આખો લેખ ફટકાબાજી જ છે પણ નીરવભાઈએ તારવેલા છગ્ગા તો એકદમ ચોટદાર. ચરખાના બીજા બધા લેખોની જેમ જ વાત પહોંચે જ એવી ભાષામાં રજૂઆત છે તો કેમ ન પહોંચે વાત! સરકારી ભાષામાં કહીએ તો: કાંતે ચરખો. વાંચે બધા.

  ReplyDelete
 10. ખરેખર, બહુ જ ગંભીર વિષય પર નો લેખ. એમ જુઓ તો કંઈ જીવન-મરણનો પ્રશ્ન નથી પરંતુ પ્રશ્ન ભવિષ્યના ઘડતરનો છે. આપણી પેઢીને જે કંઈ પણ અવરોધ સહન કરવા પડ્યા(દરેક જાતી/જ્ઞાતિને)તે આપણી આવનારી પેઢીને કોઈ કાળે ન નડે એના માટે જાગૃતિ હોવી બહુ જરૂરી છે; અને એનાથી પણ એક ડગલું આગળ વધીએ તો સભાનતાપૂર્વક આ ભેદ-ભાવને દૂર કરવા પ્રયત્નોની પણ ખુબ જરૂર છે. શરૂઆત ઘરથી થાય પણ એ ઉંબરે આવીને ન અટકતા આપણી આસ-પાસના લોકો સુધી પહોંચાડવામાં આવે તો જ આપનું ભણતર, જ્ઞાન અને સમજ લેખે લાગ્યા કહેવાય.

  મીરાંબેન નો આભાર તમને આટલો સરસ લેખ લખવા માટે પ્રેરિત કરવા બદલ. Hats Off Rutul.

  ReplyDelete
 11. સચોટ અને સરસ! It takes a good mind to put together the things we miss seeing under our noses most of the time. And Rutul, putting this together in Gujarati for larger circulation is quite a feat. Super stuff!

  ReplyDelete
 12. તો ભેદ કે ફરક હોવો તે જૈવિક છે પણ ભેદભાવ એ સામાજિક ઘટના છે. .. વિચાર અને સ્પષ્ટ રજૂઆત ગમી.. કોઈ પણ કામ કોઈ એક લિંગની વ્યક્તિ સાથે જોડાયેલું હોતું નથી.
  શીખવાથી બધું આવડે..
  અલગ ચાતરેલા ચીલાથી જ સમાજ કે દેશ સમૃદ્ધ બને છે.સામાન્ય રીતે સમાનતાનો 'ઘેટો' બનાવીને રહેવામા સુરક્ષિતતા જણાતી હોય છે..ઓ આ સમજણ કેળવી શકાય કેટલાય સામાજીક ઘર્ષણો ને ટાળી શકીએ..
  એકંદર અનુવાદ સરસ છે..

  ReplyDelete
 13. ખૂબ સરસ અને સચોટ લખાણ. આપનો આ લેખ મને અભ્યાસમાં પણ ખૂબ મદદરૂપ થયો. અવતરણો પણ એકદમ રિલેવન્ટ ટાંક્યા છે. ખૂબ ખૂબ આભાર.

  ReplyDelete