આ વાન ગોગ અંગેની પોસ્ટમાં અકીરા કુરોસાવાના 'ડ્રીમ્સ' (૧૯૯૦) વિષે વાત થયેલી. આ ફિલ્મ એમ તો અલગ- અલગ સ્વપ્નોનું સંયોજન છે અને તેમનું એક 'સ્વપ્ન' છે વાન ગોગ વિષે. યુ ટ્યુબ પર આખે-આખું સ્વપ્ન મળી આવ્યું છે જેની લીંક ઉપર આપેલી છે.
વાન ગોગે દક્ષીણ ફ્રાન્સના આર્લ્હ અને તેની આસપાસના વિસ્તારમાં વિતાવેલો સમય (૨૧ ફેબ્રુઆરી ૧૮૮૮ - ૨૭ જુલાઈ ૧૮૯૦) સૌથી વધુ ચર્ચાસ્પદ રહ્યો છે. અહી વાન ગોગ મૃત્યુ પર્યંત રહ્યો અને અહી કરેલું તેનું કામ અમર થઇ ગયું છે. કુરોસાવા અહીના વાન ગોગને સ્ટીમ એન્જીન સાથે સરખાવે છે. તેનામાં ઉશ્કેરાટ છે, જુસ્સો છે, અપરંપાર બેચેની છે છતાં તેના ચિત્રોમાં કુશળતા, શૈલી કે વિષય વસ્તુનો ભોગ નથી લેવાયો. આ સમયના વાન ગોગ વિષે જાત-જાતની વાતો પ્રચલિત છે - જેમકે વાન ગોગે તેનો કાન કાપી નાખેલો તે. કુરોસાવાનો વાન ગોગ કહે છે કે, હું તેને વ્યવસ્થીત દોરી શક્યો નહિ એટલે...
અહી વાન ગોગ બે વર્ષમાં જે કરી શક્યો, તે બે વર્ષ કળાજગતના ઇતિહાસમાં અનન્ય છે. તેના બહુ પ્રખ્યાત ચિત્રો જેવા કે, બેડરૂમ ઇન આર્લ્હ, દ રેડ વાઈનયાર્ડ, દ નાઈટ કેફે, ચેર, સ્ટારી નાઈટ, યલો હાઉસ, વ્હીટફિલ્ડ્સ વિથ દ ક્રોવ્સ, સન ફ્લાવર્સ અને સંખ્યાબંધ સેલ્ફ-પોટ્રેટ્સ વગેરે અહી આ બે વર્ષના ગાળામાં રચાયા છે. વાન ગોગનો પ્રખ્યાત 'વાન ગોગ યલો' એટલે કે તેના ચિત્રોમાં 'સખત' પીળા રંગનો ઉપયોગ તો જાણે કે દક્ષીણ ફ્રાન્સના તીવ્ર તડકાની જ દેન છે. અહી વાન ગોગે પસંદ કરેલા વિષય વસ્તુ બહુ સામાન્ય છે પરંતુ બહુ જ અસામાન્ય છે આ વિષયોને રજુ કરવાની શૈલી અને તેમને 'ફ્રેમ' કરવાની પધ્ધતિ. અહી તેના ચિત્રોના ઘાટ્ટા-ઘટ્ટ લસરકા, રંગોનું મિશ્રણ, રંગોનો ઉપયોગ સામાન્ય વિષયોને નવો અર્થ આપે છે, તેમને નવી રીતે રજુ કરે છે. સ્ટારી નાઈટ જોઇને એમ થાય છે કે કેવા માણસને 'આવું' આકાશ દેખાતું હશે? વાન ગોગનું આકાશ ભડકે બળે છે. ગાઢ રાત્રે સર્વત્ર અંધકાર નથી પણ પ્રકાશના તેજ લીસોટાઓનો અંધકાર ખાળવાનો મરણીયો પ્રયાસ છે. ઓગણીસમી સદીના અંતમાં એક અશાંત કલાકાર ઔદ્યોગિક ક્રાંતિ, કેમેરાની શોધ અને આધુનિકતાના વંટોળમાં અટવાયેલા કળા જગતને કલાની નવી વ્યાખ્યા અને સમજ આપી જાય છે.
કુરોસાવા તેનું સ્વપ્ન વ્હીટફિલ્ડ્સ વિથ દ ક્રોવ્સથી પૂરું કરે છે. જીવનના અંતનું નિરૂપણ કરતુ આ ચિત્ર જોઇને રાવજી પટેલના શબ્દો - 'મારી આંખે કંકુના સુરજ આથમ્યા', 'અજવાળા પહેરીને ઉભા શ્વાસ' અને 'મને લાગે સજીવી હળવાશ'નું સ્મરણ કરાવે છે. જગતભરના કલાકારોને પ્રેરણા આપનાર વાન ગોગને કલાકારોએ આગવી રીતે યાદ કર્યો છે અને કરતા રહ્યા છે. કુરોસાવા સિવાય ડોન મેકલીન - પ્રખ્યાત કન્ટ્રી સંગીતજ્ઞ સ્ટારી સ્ટારી નાઈટ્સ ગાઈને/લખીને વાન ગોગને યાદ કરે છે. આ સિવાય વાન ગોગે સેન્ટ રેમીના ઈસ્પિતાલમાં વિતાવેલા સમયને સ્પર્શીને લખાયેલી ગુલઝારની એક સુંદર કવિતા પણ છે. બે-ત્રણ ફિલ્મો બનવા છતાં ફિલ્મોમાં હજુ સુધી વાન ગોગને પુરતો ન્યાય નથી મળ્યો. પરંતુ ગુજરાતીમાં વાન ગોગ લઇ આવનાર 'સળગતા સુરજમુખી'ના અનુવાદક/લેખક વિનોદ મેઘાણીને યાદ કરવાનું મન થાય જ.
નોંધ: પહેલી પોસ્ટ વાંચીને જે મિત્રોએ વાન ગોગ અંગે માહિતી આપી તે સૌનો આભાર. ખાસ તો આશિષ વશી અને સૌમિત્ર ત્રિવેદી.
ગુજરાતીમાં વાન ગોગ લઇ આવનાર 'સળગતા સુરજમુખી'ના અનુવાદક/લેખક વિનોદ મેઘાણીને યાદ કરવાનું મન થાય જ.
ReplyDelete