Sunday, May 16, 2010

મમા રામોત્સ્વેનું આફ્રિકા

cartoon by timtim.com and original link is here 
મા રામોત્સ્વે એક મહિલા જાસૂસ છે - બોટસ્વાના નામના દેશના એક માત્ર પ્રાઈવેટ ડીટેકટીવ! તે બોટસ્વાનાની રાજધાની હેબેરોની નામના શહેરમાં 'નં. ૧ લેડીઝ ડીટેકટીવ એજંસી' ચલાવે છે. તમે જો કે તેમને 'જાડા' કહેશો પણ તેઓ પોતાની જાતને 'પરંપરાગત બાંધો' ધરાવનારા ગણે છે. તેમના ડેડી ઉર્ફે આબોદ રામોત્સ્વેના મૃત્યુ બાદ તેમની સંપત્તિ એટલે કે અપાર ઢોર-ઢાંખર વેચીને મમા રામોત્સ્વે હેબેરોનીમાં પોતાની દેશની એકમાત્ર પ્રાઇવેટ જાસૂસી એજન્સી સ્થાપે છે. મા રામોત્સ્વેનું જાસુસી કાર્ય શેરલોક હોમ્સ જેવું જટિલ કે વૈજ્ઞાનિક નથી અને અગાથા ક્રિસ્ટીના મિસ માર્પલ જેવું  મનોવૈજ્ઞાનિક નથી. તે જેમ્સ બોન્ડની જેમ સુપર-હીરો નથી, પણ સામાન્ય માણસ છે. મા રામોત્સ્વેની સ્ટાઈલ એકદમ રફ-ટફ છે, આત્મવિશ્વાસ અદભૂત છે, બોલચાલમાં સૌમ્ય છે પણ આખાબોલા છે. તેઓનું કામ ગુનેગારોને પકડીને પોલીસને હવાલે કરવાનું નથી (બીજી જાસુસીકથાઓની જેમ) પણ લોકોને મદદ કરવાનું છે. મોટા મોટા ગુનાની ગૂંચો નથી ઉકેલવાની પણ નાની-મોટી ભૂલો કરી ચુકેલા લોકોને કે તેના ભોગ બનેલા લોકોને નવો રસ્તો બતાવવાનો છે કે તેમનું જીવન સહેલું બનાવવાનું છે. જેમ હતું તેમનું તેમ કરી દેવાનું છે. તેમની સૌથી મોટી મૂડી છે સ્ત્રી-સહજ સૂઝ અને લોકો પાસેથી માહિતી કઢાવવાની તેમની તાકાત. બસ આ મૂડીના જોર પર તે અટપટા કેસ કોઈને ખોટી રીતે નુકસાન પહોચાડ્યા વગર વ્યવહાર કુશળતાથી સોલ્વ કરે છે. મા રામોત્સ્વેની જીવનની ફિલસુફી બહુ સરળ અને હૃદયસ્પર્શી છે અને ન્યાયની વ્યાખ્યા બહુ માનવીય અને વ્યવહારુ.

મા રામોત્સ્વેએ એલેકઝાંડર મેકકોલ સ્મિથ નામના લેખકની પ્રખ્યાત પુસ્તક શ્રેણી 'નં. ૧ લેડીઝ ડીટેકટીવ એજંસી'નું રંગબેરંગી, ખુશ-ખુશાલ પાત્ર છે. આ શ્રેણી પરથી ટીવી સીરીયલ બની ચુકી છે અને આ શ્રેણીના લગભગ આઠેક પુસ્તકો બહાર પડી ચુક્યા છે, બહુ જ રસપ્રદ નામો સાથે - જેમકે 'જીરાફના આંસુ', 'બ્લુ જૂતા અને સુખ', 'જીંદગી ભરેલું આખું કબાટ', 'આનંદી મહિલાઓના સંગમાં' વગેરે. મા રામોત્સ્વે આધુનિક હોવા છતાં પરંપરાગત નૈતિક મૂલ્યોમાં માને છે ખાસ તો રીત-ભાતની અને સામી વ્યક્તિને માન આપવાની બાબતમાં. બોટસ્વાનામાં મહિલાઓને માનથી 'મા' અને પુરુષોને 'રા' કહેવામાં આવે છે. એલેકઝાંડર મેકકોલ સ્મિથ મા રામોત્સ્વે દ્વારા આફ્રિકાની સંસ્કૃતિની, રીત-ભાત અને ખાન-પાનની, વ્યવહાર કુશળતાની, જીવન જીવવાની વ્યાખ્યાઓની એક સફર કરાવી નાખે છે. ક્યારેક તેમની શૈલી બીનજરૂરી વ્યંગપૂર્ણ લાગે છે પરંતુ વ્યંગ તરીકે જ ઝીલાય છે, બીનજરૂરી ઠઠ્ઠા-મશ્કરી તરીકે નહિ.

આ શ્રેણીના ચોથા પુસ્તક વાંચતા સુધીમાં મને આફ્રિકા જવાનું મન થઇ આવ્યું. ખબર નહિ કોણે પાઠ્યપુસ્તકોમાં આફ્રિકાને 'અંધારિયા ખંડ' તરીકે વર્ણવ્યો હતો. મમા રામોત્સ્વેનું આફ્રિકા રંગબેરંગી છે, કેલિડોસ્કોપ જેવું! જેવી રીતે સરેરાશ પશ્ચિમ  જગતના લોકોને ભારત 'સાપ-મદારીના દેશ, રાજા-રજવાડાના દેશ, ધારાવીના દેશ, 'કરી'ના દેશ કે હવે આઈ.ટી.ના દેશ' તરીકે ચીતરીને દીવાલ પર ટાંગી દે છે તેવું જ કઈ આપણે આફ્રિકાના દેશો માટે કરતા હોઈએ છીએ. ભલે પ્રતીકો અને ચિત્રો જુદા હોય પણ કામ તો આપણે પણ દીવાલ પર ટાંગવાનું જ કરીએ છીએ. બહુ સીધો સવાલ છે કે એક આંતર-રાષ્ટ્રીય ઇવેન્ટમાં તમે વધુ અહોભાવ કે ભાવ એક સફેદ ચામડીવાળાને આપશો કે કાળી ચામડીવાળાને? પશ્ચિમ જગત જેવો જ સુપીરીયોરીટી કોમ્પ્લેક્ષ આપણે આપણાથી નાના કે ગરીબ દેશો માટે નથી ધરાવતા?

આ પુસ્તકો વાંચતા મને બીજો સવાલ એવો થયો કે ખરેખર રોજબરોજના જીવનમાં ગૌરવનું, અસ્મિતાનું, દેશાભીમાનનું વગેરેનું કેટલું મહત્વ છે? શું આફ્રિકામાં કે સોમાલિયામાં કે ઈથોપિયામાં જન્મેલા લોકો પોતાના પ્રદેશ વિષે, ભાષા વિષે, સંસ્કૃતિ વિષે ગૌરવની લાગણી નહિ ધરાવતા હોય? ભલે ગમે તેટલી મુશ્કેલીઓમાંથી એ દેશ કે પ્રદેશ પસાર થતો હોય તો પણ. તો શું તેમને એવું કહી શકાય કે અમારું ગૌરવ તમારા કરતા વધારે સારું કે યોગ્ય છે?  ડોકટરે લખી આપેલી દવાની જેમ દિવસમાં બે વાર પોતાની સંસ્કૃતિ કે પ્રદેશ માટે ગૌરવ 'પામ્યા' બાદ આપણે શું કરીએ છીએ તે વધારે મહત્વનું નથી? અને ગૌરવ 'પામવા' માટે ગુજરાતમાં જન્મ્યા હોવ તો સિદ્ધરાજ જયસિંહના જમાના સુધી અને બિહારમાં જન્મ્યા હોવ તો પાટલીપુત્રના સુવર્ણયુગ સુધી જવાની જરૂર ખરી? ક્યારેક એવી નવાઈ લાગે છે કે કનૈયાલાલ મુનશી જેવા લેખકને ગુજરાતની અસ્મિતાનું આટલું ઉપરણું લેવાની જરૂર કેમ પડી? અને બીજી બાજુ, ઝવેરચંદ મેઘાણીએ અસ્મિતા કે ગૌરવ કે બીજા કશાની વાત કર્યા વગર જ ગુજરાતની લોકસંસ્કૃતિનો મહિમા કર્યો છે.

મા રામોત્સ્વેને આફ્રિકા ગમે છે અને ખાસ તો બોટસ્વાના. તેઓ સમજી શકતા નથી કે કોઈને આફ્રિકા છોડીને જવું કેમ ગમતું હશે અને લોકો યુરોપ જેવા 'ઠંડા' પ્રદેશોમાં કેવી રીતે રહી શકતા હશે. કોઈ કાલે તેમને કહે કે આફ્રિકાને અમેરિકા જેવું હાઈ-ફાઈ કરી આપીએ તો તે તરત જ કહેશે કે નો, થેંક યુ! તેમના કહેવા પ્રમાણે જે માણસ ઢોર-ઢાંખરને સમજી શકે તેના માટે માણસોને સમજવું સહેલું છે. 

છેલ્લે, મા રામોત્સ્વેનું એવું પણ માનવું છે કે ઘણું બધું વિશ્લેષણ કર્યા પછી જીવનમાં છેવટે તો તમારી પ્લેટ હોય છે અને તેના પર એક પમ્પકીન (કોળું) હોય છે અને તમે તે નિરાંતે ખાઓ છો. આટલી સાદી વાત જ આપણને પાછી ધરતી પર લાવે છે અને રાખે છે. આ જ વાત - પ્લેટ અને પમ્પકીન! Please eat your pumpkin well! 

1 comment:

  1. જીવનચક્ર ફરી ફરીને એક જ વાત પર અટકે.. પ્લેટ અને પમ્પકીન

    ReplyDelete