Friday, April 01, 2011

છેલ્લા એક વર્ષનું કાંતણકામ

 આજે આ બ્લોગનો પહેલો જન્મદિવસ!

આજે 'ચરખા'ને કાંતતા એક વર્ષ પૂરું થયું. એક વર્ષ પહેલા કંઇક ઉત્સાહમાં અને કંઇક દ્વિધામાં આ કાંતણકામ આ પોસ્ટથી શરુ કરેલું. આજે એક વર્ષ પછી હિસાબ જોઈએ તો આ ૨૭મી પોસ્ટ વત્તા અડધી-પડધી  લખાયેલી  ૧૧ પોસ્ટ,  પોસ્ટ-દીઠ પચાસેક નિયમિત વાચકો (Returning visitors), ૩-૪  નિયમિત કમેન્ટ્સકારો વગેરે સાથે આપણે બિલકુલ 'જીવતા-જાગતા-લાત-મારતા' (અલાઈવ એન્ડ કીકીંગ, યુ નો!) છીએ. બહુ 'અધધધ...' પ્રકારનું પરફોર્મન્સ નથી પણ અંગત રીતે સંતોષ કારક કહી શકાય કે આપણે આ એક વર્ષ તો ટકી ગયા. 
વધારે અને વધારે લોકો પોતાનો બ્લોગ વાંચતા થાય તે કોને ન ગમે? તેથી જયારે જયારે વાચક વર્ગ ઓછો મળે ત્યારે અસ્તિત્વવાદી સવાલો જરૂર થાય કે 'હું શું કામ લખું છું' કે 'હું કોને માટે લખું છું'. બ્લોગ જગતના ખેરખાં મિત્રોએ સમજાવ્યું છે કે આ તો ફિકસ ડીપોઝીટ જેવું કામ કાજ છે. વ્યાજ મળે ત્યારે જ મજા આવે. અને વ્યાજ મળે જ છે તેના અમુક વર્ણનો...

- આ વેબલેખન થકી નવા મિત્રોને મળવા મળ્યું છે. જે મિત્રો સાથે દૂરથી ઓળખાણ હતી તેમની સાથેની મૈત્રી ગાઢ બની છે. બહુ જૂના સ્કૂલ કે કોલેજ સમયના મિત્રો સાથે નવી તરહની ઓળખાણ થઇ. મિત્રો હવે પ્રેમથી પૃચ્છા કરે છે કે 'નવું કંઇક લખો હવે'! એક વખત તો એવો મેઈલ આવ્યો કે 'ભાઈ, બધું બરાબર છે ને, લખતા કેમ નથી?'
- વિપુલ કલ્યાણીએ તેમના લંડનથી પ્રકાશિત થતાં 'ઓપીનિયન'માં અમુક લેખો પ્રેમથી છાપ્યા છે. 'નિરીક્ષક'માં પણ એક લેખ આવી ચૂક્યો છે. 
- બહુ જાણીતા લેખકો કે વ્યક્તિઓએ પ્રોત્સાહન આપ્યું છે, કોઈકે નિયમિત કમેન્ટ્સ કરી છે તો કોઈએ ફેસબુક વગરે પર અમુક પોસ્ટ્સ બીજા સાથે વહેંચી છે.
- સુરતમાં અર્ફન ડીઝાઈનની પોસ્ટ વાંચીને સ્કોટ બર્ન્હામ નામના લંડન-સ્થિત ડીઝાઈનર સાથે ઓળખાણ થઇ. તેને આ બ્લોગ પરના ફોટા જોઈને તે સુરતના મિત્રોનો સંપર્ક અને આ અભિક્રમ વિષે વધુ માહિતી માંગી. જો કે અર્ફન ડીઝાઈનના અભિક્રમ બીજી વેબસાઈટ્સ વગેરેમાં પણ હવે તો દર્જ થયા છે, પણ સૌથી પ્રથમ વાર આ વિષે લખવામાં માટે અને આ મિત્રોને નજીકથી ઓળખાતા હોવાને લીધે આપણી પાસે ફૂલાઈને ફાળકો થવાનું કારણ તો ખરું જ!

આ એક વર્ષમાં ફિલ્મ, ડોક્યુમેન્ટરી, વન્યજીવન, સાહિત્ય, કલા, પર્યાવરણ, વાહન-વ્યવહાર વગેરે વિષયોમાં કાંતણકામ થયું, ક્યારેક ઝીણું તો ક્યારેક જાડું. છેલ્લે તો આપણને ખબર જ હોય કે શું લખવામાં મજા આવી અને શું જમણા હાથે લખાયું (હું ડાબોડી છું!). વિચિત્ર વાત એ છે કે હજાર કામ હોય, કોઈ ડેડલાઇન આવી હોય ત્યારે જ બ્લોગ લખવાનું ખાસ મન થાય. અને આ ઈચ્છા હમેશા માન આપ્યું છે, તેની જ મજા છે!

હજી પર્યાવરણ, શહેરો અને બીજા ઘણા વિષયો પર લખવાનું મન છે. બીજી જ પોસ્ટમાં લખ્યા મુજબ 'નોન-સેન્સ' વિષે બહુ લખી શકાયું નથી, તે ઓર્ડર અંગે ખાસ ધ્યાન આપવામાં આવશે. એક  અત્યાર સુધી છૂપી હકીકત એ છે કે જે ગુજરાતી ભાષામાં હજી સુધી ન આવ્યું હોય તેને ગુજરાતીમાં લઇ આવવું, પછી એ ફિલ્મ હોય, પુસ્તક હોય, પ્રવાસ-વર્ણન હોય, પર્યાવરણ વિશેની વાત હોય કે પછી સાઈકલ-ચાલન વિશેની વાર્તા હોય. આ અવસરે આ પોસ્ટમાં વર્ણવેલા એ વેઈવેઈ નામનાં ચીની કલાકારનો એક ડાયાગ્રામ નીચે મૂકું છું. આપણને અલગ-અલગ વિષયો સ્કૂલમાં ભણાવ્યા મુજબ તે કેટલા જુદા છે તેનો બરાબર ખ્યાલ  હોય છે  અને વિષય-બહારનું અને કોર્સ બહારનું  કંઇ કામમાં નહિ આવે તેવું પણ બરાબર ઠસાવેલું હોય છે. પણ  બધા જ વિષયો જીવન સાથે કેવી રીતે જોડાયેલા છે, વણાયેલા છે તેની વાત આ કલાકાર બહુ જ સાદા ડાયાગ્રામથી કરી જાય છે. આ ડાયાગ્રામ જ તેની ફિલસુફી છે તેવું લાગે છે કારણકે આ વ્યક્તિ કલા, કલાસંગ્રહ, બ્લોગીંગ, ફોટોગ્રાફી, શિલ્પ-સ્થાપત્ય, લેખન, પર્યાવરણ, રાજકારણ વગેરે વિષયોને પોતાના કામમાં બહુ સહેલાઈથી લઇ આવે છે અને જરૂર પ્રમાણેના વેશ બદલે છે. આ વેબલેખન પણ 'વેશ કાઢ્યા' બરાબર જ છે.
(ઈમેજ પર ક્લિક કરવાથી મોટી સાઈઝ ખુલી શકશે)
તો પછી આજે હું અને મારો બ્લોગ, અમે કેક કાપીશું, '૧' લખેલી મીણબત્તી ફૂંકીશું અને જલસા કરીશું. આવતા વર્ષ માટે કી-બોર્ડ સાફ કરી રાખ્યું છે, જોઈતા સોફ્ટવેર ડાઉનલોડ કરી રાખ્યા છે, ભેજામાં કપાસની ખેતી થઇ રહી છે, બસ હવે રૂનો જથ્થો ભેગો થાય અને પીંજાય એટલે ચરખો ચાલુ... 

8 comments:

 1. hardik abhinandan rutulbhai...urs really a blog i enjoy thoroughly n u write it so nicely (better than many established names) on various topics...n like a excellent coach u explain thi finer points of art in lucid manner that what i appreciate d most..keep cracking..n weaving vivid colors of life n art for years to come. thanks for such a wonderfull n warm journey..hope to see many more stations ahead..have a ball, sir.

  ReplyDelete
 2. Dear Jay,

  Thanks a lot for your kind words! Its been truly wonderful to receive all the comments from you through the last year. And please call me 'Rutul'.
  Thanks again!
  Rutul

  ReplyDelete
 3. Congratulations. Happy birthday to Charakho. It is always a pleasure to read you on a range of topics with minute details, accuracy and in lucid manner.

  ReplyDelete
 4. ચરખાને વર્ષગાંઠ નિમિત્તે ખુબ ખુબ અભિનંદન! ચરખો સતત ફરતો રહે અને વિધવિધ જાતના રૂ નું કાન્તણ કરતો રહે એવી શુભેચ્છા! અમારે પહેરવા ખાદી જોઈએ ને! અને આ ખાદી તો એવી કે એક કપડું પચાસ લોકો એક સાથે અને ચાહે એટલી વાર પહેરી શકે અને કેવી વણાઈ છે એના પર પોતપોતાના અભિપ્રાયો આપી શકે :)

  ReplyDelete
 5. જાણીને ખુબજ આનંદ થયો કે ચરખો આજે એક વર્ષ નો થઇ ગયો....
  અને ચરખો ચલાવનાર માટે એક મનોજભાઇ ખંડેરિયા અને રમેશ પુરોહિત દ્વારા લિખિત અને જરાક મારા દ્વારા ઉમેરાએલ્ એવી એક ગઝલ ની પંક્તિ કેહવા માંગું છુ..... કે

  નગર આખું થઇ જાયે ગમગીન અને મૂંગું
  થતો ચૂપ જયારે ચરખા નો માણસ

  ચાલુ રાખો...ચરખો ત્યારે...

  ReplyDelete
 6. દિલી અભિનંદન, ઋતુલ! આ બ્લોગ પર કમેન્ટ કરાય કે ન કરાય, પણ મુલાકાત નિયમીતપણે લેવાય છે. તમારી વિષયપસંદગી ઉપરાંત રજૂઆતનો વિવેક અને સાદગી અભિનંદનીય છે. વાચકોને ખબર ન હોય એવા ઘણા વિષયો તમે એમની સાથે 'શેર' કરતા હો એમ લાગે, તમારા જ્ઞાનથી આંજવાનો પ્રયાસ કરતા હો એમ ન લાગે. માટે જ ઝીણું કંતાય કે જાડું, પણ કાંતતા રહો આ ચરખો.

  ReplyDelete
 7. Dear Birenbhai, Panchambhai, Amit and Sanjay,

  Thanks a lot for being here today and through out the journey. It's really encouraging to see all your comments.

  Thanks again,
  Rutul

  ReplyDelete
 8. Rutulbhai,

  Many congratulations !

  ReplyDelete