Saturday, November 27, 2010

એ વેઈવેઈના સૂરજમુખીના કરોડો બીજ

 (તસવીર સૌજન્ય: બીબીસી)
ફોટોગ્રાફર, મૂર્તિકાર, ચિત્રકાર, સ્થપતિ, સિરેમિકના જાણકાર, એન્ટીકના જાણકાર, કલાકૃતિ સંગ્રાહક, લેખક, બ્લોગર, લોકશાહી અને વ્યક્તિગત સ્વાતંત્ર્યના ચળવળકાર જેવી અનેક ઓળખ ધરાવનાર ચાઇનીઝ કલાકાર એ વેઈવેઈ આજના સમયની એક અનોખી પ્રતિભા છે. વેઈવેઈની કળા જલદ છે, અણીયારી છે અને બહુ જ વિચાર પ્રેરક છે. ચીનમાં લોકશાહી અને વ્યક્તિગત સ્વાતંત્ર્યના હક માટે સંઘર્ષ કરતા લોકોમાં વેઇવેઇનુ સ્થાન અનન્ય છે. કારણ, તે વિરોધ મૌલિકતા અને સર્જનાત્મકતાથી કરે છે, પોતાની કળા દ્વારા. વેઇવેઇના કળા જીવનને જોડતી કડીઓ તેમની વેબ સાઈટ પરની આ કડી પર જોઈ શકાશે.

મારો એક આર્કીટેક્ટ  મિત્ર એઈ વેઈવેઈ સાથે કામ કરી ચુક્યો છે. નવેમ્બર, ૨૦૦૭માં બીજીંગમાં હું તેને મળવા એની ઓફિસ/સ્ટુડીઓમાં ગયો. મારી જાણકારી ત્યારે વેઇવેઇના સ્થપતિ હોવા સુધી સીમિત હતી. આ મુલાકાતમાં મને ખબર પડી કે વેઈવેઈ ૨૦૦૮ના ઓલિમ્પિક માટે 'બર્ડ્સ નેસ્ટ' નામનું વિશાળ અને મુખ્ય સ્ટેડીયમ હર્ત્ઝોગ અને દી મ્યુરોન નામના વિશ્વપ્રખ્યાત સ્થપતિઓ સાથે ડીઝાઈન કરી રહ્યો છે. ધીરે ધીરે ખબર પડતી ગઈ કે એઈ વેઈવેઈ નામનો વ્યક્તિ તે તાલીમ પામેલ સ્થપતિ નથી પણ કળાકાર છે અને કળા જગતમાં તેનું કામ અલગ જ સ્થાન ધરાવે છે. ત્યાર બાદ જુદા-જુદા સમાચાર માધ્યમો દ્વારા એઈ વેઇવેઇના  કામ સાથે પરિચય થતો રહ્યો. મારી પેલી નાની મુલાકાત વિશે મને પાછળથી ભાન થયું કે આપણે જેમાં ડૂબકી મારેલી તે પવિત્ર પાણી હતા!
તાજેતરમાં લંડન પ્રખ્યાત ટેટ મોડર્નમાં વેઈવેઈના નવા જ કામનું અનોખું પ્રદર્શન લાગેલું છે - સૂરજમુખીના કરોડો બીજ. સૂરજમુખીના લગભગ દસ કરોડ સિરામિકના બનેલા બીજ તે ચીનના એક આખા ગામની, ૧૫૦૦ વ્યક્તિઓની બે વર્ષની મહેનત છે. સિરામિકના આ બીજ સૂરજમુખીના સાચા બીજ હોવાનો આભાસ ઉભો કરે છે અને વેઇવેઇએ ટેટ મોડર્નના આખા ટર્બાઈન હૉલમાં આ બીજ પાથરી મૂક્યા છે. પ્રદર્શન જોવા આવનાર લોકો આ બીજ પર બેસે છે, તેમને ધ્યાનથી જોવે છે, તેમના ફોટા પડે છે, બાળકો તેની સાથે રમે છે, કોઈ ચર્ચા કરે છે તો કોઈ નાક ચઢાવીને ચાલી જાય છે. ટૂંકમાં, કળાનું એવું સ્વરૂપ કે જેને અડી શકાય, પકડી શકાય, તેની સાથે રમી શકાય અને પછી તરત જ એવો પ્રશ્ન થાય કે આવું કેમ? આ માણસ શું આપણને શું બતાવવા માંગે છે? આ બીજની પાછળ શું છુપાયું છે? કોઈ મજાક તો નથી ને? કેમ સૂરજમુખીના બીજ અને તે પણ આટલા બધા? સીરામીકનો ઉપયોગ કેમ? આવા ઘણા સાહજીક પ્રશ્નો થાય. 

જવાબો જો કે શોધી શકાય તેમ છે. માઓની કીર્તિ જયારે સૂરજની જેમ પ્રવર્તમાન હતી ત્યારે ચીનના નાગરીકો સૂરજમુખીની જેમ તેમ સૂર્ય ઢળે તેમ ઢળતા. આ દર્શાવતા જુના પોસ્ટર પણ છે. આ પ્રદર્શિત સૂરજમુખીના બીજ હજી સૂરજમુખી થયા નથી. અત્યારે તો તે બીજ છે અને તેમની આવતીકાલ આવવાની બાકી છે. આ બીજમાં શક્યતા છે, સ્વપ્ન છે. તેમની સંખ્યા ઘણી મોટી છે, જેમ માનવજાતમાં દરેક પાંચમી વ્યક્તિ ચીનની છે તેમ. ચીનને મોટી સંખ્યા સાથે પણ સંબંધ છે અને સિરામિક સાથે પણ. હજારો વર્ષ જુનો સિરામિક ઉદ્યોગ ચીનની પરંપરાગત કળામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે અને આ કળા ચીનની કલાની આંતર-રાષ્ટ્રીય પ્રતિનિધિ ગણાય છે. આપણે સીરામીકને 'ચીનાઈ માટી' જ તો કહીએ છીએ. બીજું કે આ સૂરજમુખીના બીજના પ્રોજેક્ટે અનેક લોકોને રોજગાર પણ આપ્યો છે તે વળી વેઈવેઈની કળાનો માનવીય ચહેરો છે. આ કરોડો બીજનું પ્રદર્શન, તેમની સંખ્યા, સીરામીકનો ઉપયોગ, તેમની એકરૂપતા અને આખરે તો તેમનું મૌન ઘણું કહી જાય છે. વેઈવેઈની કલાને બીજી અનેક રીતે મૂલવી શકાય છે અને સમજી શકાય તેમ છે. દુનિયાની મહાન કળાઓ હમેશા એકથી વધુ અર્થઘટનો જગાડતી હોય છે. બીજી કોઈ વ્યક્તિના મારાથી જુદા અર્થઘટન હોઈ શકે છે. એક અર્થઘટન એવું પણ છે કે પશ્ચિમના દેશોમાં ચીનની કળા તરીકે વેચાતા સિરામિકના વાસણો અને મૂર્તિઓનો અને તેમના થોકબંધ ઉત્પાદનનો આ એક ઉપહાસ છે, પ્રતિધ્વની છે.

૨૦૦૮નાં વર્ષમાં ચીનના સેઝુઆન પ્રાંતમાં ભયાનક ભૂકંપ આવે છે તેમાં સરકારી આંકડા પ્રમાણે લગભગ સિત્તેર હજાર લોકો મૃત્યુ પામે છે, સાડા ત્રણ લાખ લોકો ઘાયલ થાય છે અને દસેક લાખ લોકો ઘર ગુમાવે છે. સૌથી દર્દનાક વાત એ છે કે સરકારી સ્કૂલો કે જેમના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયેલો, તેમાં દટાઈને હજારો બાળકો મૃત્યુ પામે છે. વેઈવેઈ મૃત્યુ પામેલા બાળકોની સાચી સંખ્યા અંગે અને બાંધકામમાં થયેલી ગોબાચારી અંગે તપાસ કરે છે અને તે અંગે એક બ્લોગ શરુ કરે છે. આ બ્લોગ દ્વારા સ્થાનિક લોકો પોતે જાણતા હોય તેવી મૃત વ્યક્તિઓ વિષે માહિતી આપી શકે તેવી વ્યવસ્થા છે. પાંચેક હજાર લોકોનું લીસ્ટ થાય ત્યાં સુધીમાં તેનો બ્લોગ બંધ કરી દેવામાં આવે છે. સેઝુઆનમાં પોલીસ વેઈવેઈ પર હુમલો કરીને તેને બેરહેમીથી મારે છે. આખરે, સારવાર લીધા બાદ વેઈવેઈ જર્મનીના મ્યુનિક શહેરમાં કળા કેન્દ્રના મકાનના સામેના ભાગ પર તેની નવી કળાકૃતિ રજૂ કરે છે. જે બાળકોના નવ હજાર દફતરોથી બનેલી હોય છે અને તે ચીનની લીપીમાં એક વાક્ય રજૂ કરે છે  - 'તે સાત વર્ષ સુધી આ દુનિયામાં બહુ ખુશીથી જીવી હતી.'

જયારે કલાકારનો મુકાબલો એવી વિશાળ સત્તા અને સામ્રાજ્ય સાથે થાય જ્યાં નગારખાનામાં થતા અવાજ વચ્ચે જીવવું અઘરું થઇ પડ્યું હોય અને પીપૂડી વગાડનાર માત્રને સજા થતી હોય ત્યાં કલાકાર શું કરે? કલાકાર 'ચોટદાર' કળા જ કરી શકે કે જે અવાજ કરે તેના પડઘા પડતા જ રહે. વેઈવેઇના કિસ્સામાં પણ કઈ એવું જ બન્યું છે. તેનો બ્લોગ બંધ થયો તો ટ્વીટર શરુ થયું. તે બંધ થયું તો બીજું કંઈ, નવું કંઈ. માધ્યમો બદલાતા ગયા પણ અવાજ અને મિજાજ બદલાયો નહિ. આ માણસે ફોટોગ્રાફીથી મૂર્તીકામ અને ભીંતકળા, ચિત્રકામથી સિરેમિક, સ્થાપત્યથી લેખન સુધીનું બધું જ કર્યું. વિડીઓગ્રાફી અને ફિલ્મ-મેકિંગ કરીને બધા જ માધ્યમોને ઉખેળ્યા. આ જ કલાકારોનો મિજાજ દર્શાવે છે. લિયોનાર્ડો દ વિન્સી શું ન હતો? તેને વિજ્ઞાની, ફિલસૂફ કે કલાકાર કહેવાથી પણ તેની ઓળખ પૂરી થતી નથી. આજે કળા જગતમાં વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને પોતાનો સંદેશ, પોતાની કળા જગત સુધી પહોચાડવી તે રાહ બતાવનાર કલાકાર તરીકે વેઈવેઈ અગ્રગણ્ય છે.

સી.એન.એન.ના ફરીદ ઝકરિયાએ જયારે ચીનના પ્રિમીઅર વેન જિઆબાઓને પ્રશ્ન પૂછેલો કે શું ચીનમાં ક્યારેય વ્યક્તિગત સ્વાતંત્ર્યમાં છૂટ-છાટ મળશે કે? ત્યારે તેમને તેનો બહુ જ સકારાત્મક જવાબ આપેલો. જો કે, જયારે આ જ ઇન્ટર્વ્યૂ ચીનના સરકારી ટીવીમાં પ્રસારિત થયો ત્યારે આ સવાલ જેવા બીજા સવાલો પણ સેન્સર થઇ ગયેલા. જો ચીનના શાસકે વિદેશમાં આપેલો ઈન્ટરવ્યૂ સેન્સર થઇ શકતો હોય, તો સામાન્ય માણસ માટે રોજ-બરોજમાં કેટલું સહન કરવાનું આવતું હશે? આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર સન્માનિત અને ચીનમાં લોકશાહી માટે ચળવળ ચલાવતા લુ ઝીઓબોને ચીનની સરકારે જેલમાં પૂરી રાખ્યા છે. છેલ્લા સમાચાર મુજબ, નવેમ્બર મહિનાની શરૂઆતમાં વેઇવેઇનો શાંઘાઈમાં બનાવેલો સ્ટુડીઓ 'ગેર કાયદેસર' જાહેર કરીને તોડી પાડવામાં આવ્યો છે. વેઈવેઈ આ તોડફોડની 'ઉજવણી' કરવા ચાહે છે પણ તેને નજરકેદ કરવામાં આવે છે. આખરે તેના પ્રસંશકો અને મિત્રો આ 'ઉજવણી' વેઈવેઈની ગેરહાજરીમાં પૂરી કરે છે. આં, વેઈવેઈની કળા એક ચળવળ બની ચૂકી છે. વેઇવેઇના અનેક વિડીઓ અહી જોઈ શકાશે.
(નોધ: ચીની ભાષાના નામોની જોડણી/ઉચ્ચારો ખોટા હોઈ શકે છે.)

5 comments:

 1. બહુ મઝાની માહિતી. સંક્ષેપમાં વેઈવેઈની હોલિસ્ટિક ઝલક મળે એવો લેખ.

  "દુનિયાની મહાન કળાઓ હમેશા એકથી વધુ અર્થઘટનો જગાડતી હોય છે."

  "જયારે કલાકારનો મુકાબલો એવી વિશાળ સત્તા અને સામ્રાજ્ય સાથે થાય જ્યાં નગારખાનામાં થતા અવાજ વચ્ચે જીવવું અઘરું થઇ પડ્યું હોય અને પીપૂડી વગાડનાર માત્રને સજા થતી હોય ત્યાં કલાકાર શું કરે? કલાકાર 'ચોટદાર' કળા જ કરી શકે કે જે અવાજ કરે તેના પડઘા પડતા જ રહે."

  ReplyDelete
 2. ધન્યવાદ, પંચમભાઈ!

  ReplyDelete
 3. અદભુત માહીતી, અદભુત રીતે આપી. ચીન વીશે આમ પણ જાણવું-સમજવું મુશ્કેલ હોય છે. ત્યાં આવા કલાકાર છે અને લોકશાહી માટે આટલી તીવ્રતાથી મચી રહેલા છે, તે વાત જ ઝનઝનાટી કરી જાય છે. તું રુતુલ, ચીન જી આવ્યો છે તે વાત પણ ઈર્શાપ્રદ છે - બોસ. અભીનંદન, એકેએક વાત માટે એકેએક પેરેગ્રાફ માટે.
  - કીરણ

  ReplyDelete