Friday, May 28, 2010

ચાલવા લાયક ફૂટપાથ અને આપણા શહેરો

ઘણા સમય પહેલાની વાત છે, ત્યારે બધા જ રસ્તાઓ ફૂટપાથ હતા, લગભગ પાંચેક હજાર વર્ષ સુધી. પછી સો વર્ષ પહેલા મોટર સંચાલિત વાહનોનો જન્મ થયો અને રસ્તાઓ વાહન માટે વાપરવા લાગ્યા અને ફૂટપાથો માણસો માટે. ફૂટપાથનો જન્મ એટલા માટે થયો કે રાહદારીઓ માટે બાકીના મોટર સંચાલિત વાહનોથી અલગ સુરક્ષિત તેવી ચાલવાની વ્યવસ્થા થઇ શકે. પછી ધીરે ધીરે વાહનો માટેના રસ્તાઓ વધતા ગયા અને માણસો માટે ફૂટપાથો ઘટતી ગઈ.

ચાલવાની સારી સુવિધા એટલે ફૂટપાથનું નેટવર્ક, માત્ર થોડા અંતર સુધીની સારી ફૂટપાથ નહિ. ટૂંક માં, ફૂટપાથ એટલે ચાલવાની જગ્યા નહિ પણ સળંગ ચાલી શકાય તેવી જગ્યા. ફૂટપાથનો ઉપયોગ કરીને 'પહોચવું' અગત્યનું છે, ફૂટપાથ પહોંચાડી આપવાનું કામ કરે છે. માત્ર ચાલવા માટેની જગ્યા હોવું પુરતું નથી. આ વ્યાખ્યા કોમન સેન્સથી ખબર પડે તેવી છે છતાં એક મહાન માણસે આપેલી વ્યાખ્યા છે. હર્મન નોફ્લેચરે જિંદગીનો મોટોભાગ ટ્રાફિકને વધુ માનવીય અને રસ્તાઓ બધા જ સારી રીતે વાપરી શકે તેવા બનાવવા પાછળ ખર્ચી નાખેલ છે. તેઓ વિયેનામાં ટ્રાન્સપોર્ટ પ્લાનિંગના પ્રોફેસર છે અને બહુ જાણીતા સિવિલ એન્જીનીયર છે. 

આપણા મોટા ભાગના શહેરોમાં ફૂટપાથ કે ચાલવા માટે, રસ્તો ક્રોસ કરવા માટે સારી સુવિધા કેમ નથી હોતી?  આ પ્રશ્ન વારંવાર થાય એવો છે. આ પ્રશ્ન મેં અલગ-અલગ લોકોને અનેક રીતે પૂછ્યો છે અને તેમના જવાબ અને તેની નીચે મારા તર્ક મૂકું છું. 
 જવાબ ૧: રસ્તા પર ફૂટપાથ બનાવવા માટે જગ્યા ક્યાં હોય છે. આપણે ત્યાં રસ્તા જ સાંકડા હોય છે.
તર્ક ૧: ગમે તેવા સાંકડા રસ્તા પર જો ફૂટપાથ બનાવવામાં આવે તો અત્યારે જે લોકો રસ્તા પર ચાલે છે તે ફૂટપાથ પર ચાલતા થાય અને એકંદરે રસ્તાનો ઉપયોગ વધે. વાહન ચલાવવામાં પણ સુવિધા રહે. અમદાવાદ-સુરત-રાજકોટ જેવા શહેરોમાં મોટા ભાગના રસ્તા પહોળા છે છતાં ફૂટપાથ બનાવવામાં કંજુસાઈ કરવામાં આવે છે. ઉપરોક્ત ફોટામાં જોઈ શકાશે કે અહી પ્રશ્ન પહોળા રસ્તાનો નથી પણ જેટલો રસ્તો છે તેના યોગ્ય ઉપયોગનો છે.

જવાબ ૨: ફૂટપાથ બનાવીએ તો રસ્તા પર દબાણ થાય છે. તેથી ફૂટપાથ જ ન બનાવવી વધારે સારું. (આ જવાબ મને ખરેખર એક સરકારી અધિકારીએ આપેલો છે.)
તર્ક ૨: ફૂટપાથ ન બનાવવાથી રસ્તા પર દબાણ નથી થવાનું? આ તો એવું થયું કે ચાલીશું તો પડશું તેના કરતા ચાલવું જ નહિ. દબાણ એટલે શું...લારી-ગલ્લા? ભારતમાં સદીઓથી લારી-ગલ્લાઓ અને બજારો રસ્તા પર રાજ કરે છે. જો તેમના માટે સારી જગ્યા રસ્તાની ડીઝાઇનમાં નહિ મુકીએ તો તે દબાણ થવાનું જ છે. શું સારી ફૂટપાથ બનાવવી અને લારી-ગલ્લા માટે સુવ્યવસ્થીત જગ્યા આપવી અને મેઈનટેઈન કરાવી શું અશક્ય કામ છે? આવું કરવાથી વાહન ચલાવવામાં પણ સુવિધા નહિ થાય? જો કે ફૂટપાથ પર સૌથી મોટું દબાણ પાર્કિંગનું હોય છે. પાર્કિંગની વ્યવસ્થા કરવી અને જરૂર પડે ત્યાં તેની ફી ઉઘરાવવી પણ અશક્ય નથી. પાર્કિંગનું સારું મેનેજમેન્ટ તો રોજગારી વધારવાનું કામ છે.

જવાબ ૩: આપણે ત્યાં 'સિવિલ સેન્સ' જેવું કઈ છે જ નહિ. ફૂટપાથ હોય તો પણ લોકો તેની પર ચાલતા નથી. ખોટો પૈસાનો બગાડ છે.
તર્ક ૩: ભારતના લોકો વિદેશમાં જાય છે ત્યારે તેમને 'સિવિલ સેન્સ'ની ગોળીઓ આપવામાં આવે છે?  શું ફૂટપાથ પર ન ચાલવું તે ભારતીયોમાં રહેલી કોઈ જૈનિક ખામી છે? જ્યાં સારી, સળંગ ફૂટપાથ હોય ત્યાં લોકો તેનો ઉપયોગ કરે જ છે. દક્ષીણ મુંબઈ કે  કનોટ પ્લેસ દિલ્હીના ઉદાહરણ સામે જ છે. સામાન્ય રાહદારી પણ સામાન્ય વાહન ચાલક જેવું જ વિચારે છે અને સૌથી ઝડપી, સરળ અને સળંગ રસ્તો પકડે છે. તેથી સારી ફૂટપાથ નહિ હોય તો લોકો પાસેથી એવી અપેક્ષા રાખવી કે તે ફૂટપાથ પર ચાલે તે મૂર્ખામી છે.

જવાબ ૪: વિકસિત દેશોમાં જોઇને આવીને તમે આપણા દેશમાં ત્યાંના આઈડીયા કોપી ન કરો. આપણે ત્યાં તેવું ચાલવાનું કે ફરવા જવાનું કલ્ચર જ નથી.
તર્ક ૪: જો વિદેશી ફિલ્મો, સંગીત, કપડા, ભાષા, મકાનોની ડીઝાઇન કોપી થઇ શકતી હોય તો સારી ફૂટપાથ કોપી કરાવી તો બહુ નિર્દોષ કામ છે અને તેમાં કોઈ કોપીરાઈટનો ભંગ પણ થતો નથી. એવો કયો માનવ-સમાજ હશે કે જ્યાં ચાલવા-દોડવા, હરવા-ફરવા, મેળ-મિલાપનું કલ્ચર નહિ હોય? આ મોટા ભાગની પ્રવૃતિઓ માટે ચાલવાની સારી સુવિધાઓ 'સુંદર અકસ્માતો'ની તકો પૂરી પાડશે. ચાલવા લાયક સ્થળો હમેશા શહેરના સૌથી જોવાલાયક સ્થળો પણ હોય છે.

જવાબ ૫: આપણે ગરીબ દેશ (કે રાજ્ય) છીએ. આપણને ફૂટપાથ જેવી લક્ઝરી ન પોસાય.
તર્ક ૫: શું વાત કરો છો, સાહેબ? હજી હમણા સુધી તો ઇન્ડિયા શાઈનીંગ થઈને ઈન્ક્રેડીબલ થયું હતું, ગુજરાત વાઈબ્રન્ટ થઈને સ્વર્ણિમ થયું હતું અને હવે આપણે ગરીબ થઇ ગયા. આખા શહેરમાં ફૂટપાથ બનાવવાનો અને જાળવણીનો ખર્ચ એક-બે બિનજરૂરી ફ્લાયઓવર નહિ બનાવવાથી પહોંચી વળાશે.

જવાબ ૬: શહેરોમાં હવે ચાલે કોણ છે? બધા પાસે વાહન હોય છે અને આટલી ગરમીમાં ચલાય?
તર્ક ૬: સાચી વાત છે, સાહેબ. આટલી ગરમીમાં ના ચલાય પણ શું થાય, અમુક લોકોને ચાલવું જ પડે છે, બીજો કોઈ 'રસ્તો' જ નથી હોતો.  આમ તો જો કે બધાને ચાલવું તો પડે જ. વાહન ધરાવતા સામાન્ય કુટુંબમાં પણ ઘરના બાકીના સભ્યોને નાના-મોટા કામ માટે ચાલવું પડે છે. આ તો એવું છે ને સાહેબ કે આપણો દેશ રેલગાડી જેવો છે. જો તમે સેકંડ એસીમાં બેઠા હોવ અને લેપટોપ કે મોબાઈલનો પ્લગ પોઈન્ટ ન હોય તો તમને એવું લાગે કે આપના દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યારે સુધરશે? અને જો તમે જનરલ ડબ્બામાં બેઠા હોવ તો સમગ્ર ધ્યાન લઘુશંકાનું સમાધાન કરવા આટલા લોકોને વટાવીને કેવી રીતે પહોંચવું તેના પર હોય. એટલે અલગ અલગ લોકોની પ્રાથમિકતા અલગ હોય. પણ ફૂટપાથની વાતમાં સારા સમાચાર એ છે કે તે સાર્વજનિક હોય છે સૌના માટે, એ લોકો માટે પણ કે જેમને ધીરે-ધીરે 'કોણ ચાલે છે' તે દેખાતું બંધ થઇ ગયું હોય.

જવાબ ૭: ફૂટપાથ પર ચાલવાની જગ્યા જ ક્યાં હોય છે? પાર્કિંગ, લારી-ગલ્લા, ટેલીફોન કે ઇલેક્ટ્રિકના થાંભલા કે બોક્ષ વગેરેથી ફૂટપાથ છવાયેલી હોય છે.
તર્ક ૭: આ જ તો ચેલેન્જ છે, દોસ્ત! આપણે ત્યાં રસ્તાનું મેનેજમેન્ટ ટ્રાફિક પોલીસ, મ્યુનીસીપલ અધિકારીઓ અને ઇજનેરો, અલગ અલગ ટેલિફોન કંપની, ઇલેક્ટ્રિક કંપની, સફાઈ કામદારો - આ બધા ભેગા થઇને કરે છે. ફૂટપાથ એ ચાલવાની જગ્યા સિવાય બાકી બધી રીતે વપરાય છે. શું રસ્તાઓની ડીઝાઇન એવી રીતે બનાવવી કે જ્યાં પાર્કિંગ, લારી-ગલ્લા, થાંભલા વગેરે વગેરેને સ્થાન આપીને ચાલવાની સળંગ જગ્યા થઇ શકે તે બહુ અશક્ય કામ છે?  સારી ડીઝાઇન પહેલા થાય અને મેનેજમેન્ટનું કામ પછી ચાલુ થાય. સારી ડીઝાઇનને મેનેજ કરાવી સહેલી હોય છે અને ખરાબ ડીઝાઇનનું કંઈ પણ કરવું અઘરું કામ છે.  સારી ડીઝાઇન બનાવવા માટે  (ચાલવાવાળા લોકો પ્રત્યે ) સારી વૃતિ હોવી જોઈએ. ચાલવા માટે જગ્યા રાખવી એ ચાલવાવાળા લોકોને માન આપવા બરાબર કામ છે. નહિ તો પછી લોકો પોતાનો રસ્તો શોધી લે છે અને તેના કારણે આપણા મોટા ભાગના રસ્તાઓ સારી રીતે કામ નથી આપી શકતા.

મને વર્ષો પહેલા કોઈએ એવું ભણાવેલું કે માણસ બીજા પ્રાણીઓથી અલગ છે કારણકે તે બે પગથી ચાલે છે. તેથી ચાલવું તે માણસાઈનું પ્રાથમિક લક્ષણ છે અને બહુ જ સ્વાભાવિક માનવ જરૂરીયાત. છતાં કોઈ ઘરડી વ્યક્તિને માત્ર રસ્તો ક્રોસ કરવા માટે રીક્ષા કરાવવી પડે તેવા શહેરમાં માણસાઈનું પ્રાથમિક લક્ષણ ભૂલાયું હશે તેવું જરૂર માની શકાય.

2 comments: