Friday, November 21, 2014

નગર ચરખો: રાહગીરી દિવસ એટલે જનપાંચમનો મેળો!


 મેળો એટલે શું - યાદ છે? જ્યાં પાર વિનાના લોકો હોય, ચકડોળ હોય, ફૂગ્ગા હોય, જાતભાતનાં સ્ટોલ હોય, ખાણીપીણી હોય. આબાલવૃદ્ધ સૌ ગામમાં મેળો આવવાની રાહ જોતાં હોય. મેળો ગામની ઓળખ હોય છે. હવે તો મેળો જોવા માટે છેક તરણેતર સુધી લાંબા થવું પડે છે. હવે આપણે મોબાઈલ કે લેપટોપની સ્ક્રીનની બહાર બીજા માણસ સાથે ભેગા થવાનું, વાતો કરવાનું કે કોઈ પણ પ્રકારની વાસ્તવિક જગ્યામાં એકઠા થવાનું ભૂલી જવાનાં છીએ. ચારે બાજુ હવે દીવાલો હોય, સીસીટીવી કેમેરા લગાવેલા હોય, બે-ત્રણ ચોકીદારો ફરતાં હોય તેવી જ 'પબ્લિક સ્પેસ'માં આપણને સુરક્ષિત લાગે છે. હવે પોળ-સંસ્કૃતિના પ્રતિક જેવાં વાટકી, પંચાત કે ટોળ-ટપ્પાં જેવા કોઈ વ્યવહાર કરવાની કોઈ સ્પેસ કે ગતાગમ રહી નથી. આપણે તોતિંગ દરવાજા ધરાવતી 'સોસાઈટી'માં રહીએ છીએ, ધાતુના ડબ્બામાં પુરાઈને ઓફીસ જઈએ છીએ, ઓફીસની કેબીનમાં ભરાઈ રહીએ છીએ. ખુલ્લી હવામાં શ્વાસ માટે બગીચા સુધી લાંબા થવું પડે છે અને હવે તો ત્યાં ય કેટલી ભીડ ઉમટે છે. ટૂંકમાં, શહેરને શહેર બનાવતી જગ્યાઓ ઓછી થતી જાય છે અને મશીન બનાવતી જગ્યાઓ વધતી જાય છે.

શહેરો માણસો માટે નહિ પણ વાહનો માટે વસાવવામાં આવે છે. બાળકોને રમવા માટે જગ્યાઓ ઓછી થાય છે અને વાહનોને પ્રસરવા માટે જગ્યાઓ વધતી જાય છે. વૃદ્ધ વ્યક્તિને રસ્તા પર ચાલવું કે રસ્તો ક્રોસ મુશ્કેલ થઇ પડ્યું છે. ચાલવાની જગ્યા અને માથે શીતળ છાંયો ધરાવતા રસ્તાઓ (જે અમુક જ વર્ષો પહેલા દરેક શહેરમાં સહેલાઈથી જડી આવતા) હવે મોંઘા કે ખાનગી થઇ ચૂક્યા છે. આવી પરિસ્થિતિમાં શહેરોમાં વાહનોનું આધિપત્ય થોડું ઓછું કરી શકવાના અને માણસનું આધિપત્ય વધારવાના પ્રયત્નો કરવા જરૂરી છે.

પ્લેટો-એરીસ્ટોટલ જેવા ગ્રીક ફિલસૂફો બે હજાર વર્ષ પહેલાંથી નગર-સંસ્કૃતિમાં પબ્લિક સ્પેસ ઉર્ફ જાહેર જગ્યાનું મહાત્મ્ય કરતાં આવ્યા છે. આપણાં સદીઓ જૂનાં પરંપરાગત શહેરોમાં પણ માણેક ચોક જેવી પબ્લિક સ્પેસને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. જો આજે આવી જગ્યા બનાવવામાં આવે તો પણ તેના યોગ્ય ઉપયોગ માટેની લોક લાગણી ક્યાંથી લાવીશું? શહેરોમાં પબ્લિક સ્પેસ વિષે લોકલાગણી લાવવા માટે આ પ્રકારનું પબ્લિક કલ્ચર ઉભું કરવું પડે. લોકોને શહેર પોતીકું લાગવું જોઈએ અને તે માટે લોકોએ ભેગા થવું પડે. લોકોને જાહેર જગ્યા માટે લાગણી થવા માટે તેમાં યોગ્ય કાર્યક્રમો થવા જરૂરી છે. આવો જ એક વિચાર છે - રાહગીરી દિવસ.

વિચાર બહુ સાદો-સીધો છે. શહેરના મધ્યભાગમાં એક રસ્તા પર વાહનોની અવર-જવર રોકીને પબ્લિક સ્પેસ રીક્લેઈમ કરવાની છે. એકવાર વાહનોની અવર-જવર બંધ થાય એટલે ત્યાં તાત્કાલિક ધોરણે મેળો ભરાઈ શકે, કાર્નિવલ થઇ શકે. બાળકો રમતાં થાય, જાદુના ખેલ થાય, ફૂગ્ગાવાળો આવી શકે, એક્રોબેટીક્સ થાય, ડાન્સ થઇ શકે, ખાણીપીણી થઇ શકે. લોકો પોતાના ભંડકિયામાં મૂકી રાખેલી સાઈકલ, સ્કેટ બોર્ડ કે સ્કેટીંગ શૂઝ લઈને નીકળી પડે. ઘણા વિદેશી શહેરોમાં થયેલાં સંશોધન જણાવે છે કે જો વ્યવસ્થિત પ્લાનિંગ કરવામાં આવે તો આ પ્રકારના વેહિકલ-ફ્રી દિવસના લીધે સ્થાનિક દુકાનોમાં ધંધો 33 ટકા જેટલો વધી જાય છે. નજીકની દુકાનોનું એક્સ્ટેન્શન છેક રસ્તા સુધી કરી શકાય. મેળામાં જ તો લોકો સૌથી વધારે ખરીદી કરતાં હોય છે. આ સિવાય, રાહગીરી દિવસ યુવાનો માટે વિવિધ પ્રકારના ટેલેન્ટ પ્રદર્શનનું પ્લેટફોર્મ પણ બની શકે છે. વિવિધ પ્રકારની ગીત-સંગીત  કે શેરી નાટકની સ્પર્ધાઓ પણ યોજાઈ શકે છે. 

કવિશ્રી રમેશ પારેખ એક ગીતમાં દુનિયાને 'મનપાંચમના મેળો' કહે છે કે જ્યાં કોઈ એક ખિસ્સું અજવાળું તો કોઈ એક મુઠ્ઠી પતંગિયા તો કોઈ લીલી સૂકી આંખોની મિરાત લઈને આવે છે. જો રમેશ પારેખની દુનિયા 'મનપાંચમના મેળા' જેવી હોય તો શહેરી દુનિયા 'જનપાંચમના મેળા' જેવી કેમ ન હોઈ શકે કે જ્યાં જનતાના શહેરની પબ્લિક પ્લેસ પરના અધિકારનો ઉત્સવ થતો હોય. જે શહેર પતંગિયાને, ફૂલોને, ઝાકળને જગ્યા આપે છે તે માણસના ખરા અસ્તિત્વને વાચા આપે છે. જો આપણે શહેરમાં આ પ્રકારના દિવસની ઉજવણીને નિયમિત કરીશું તો શહેરોમાં 'જનપાંચમ'ના મેળાઓ અને મેળાવડાઓ યોજાવાની રાહ નવી પેઢીને બતાવી શકીશું.

નવગુજરાત સમય, પાન નં 9, 16 નવેમ્બર (રવિવાર) 2014. 

Rahgiri day (vehicle-free Sunday) is people's own carnival - it is a celebration of people's right our city's public spaces.(Ahmedabad is initiating Rahgiri day with the first one taking place on CG Road today morning. We need to popularise it more and it should become a regular feature in the public life of the city.)

Vehicles encroach every bit of public spaces in our cities, especially the pedestrian areas. Children have no space to play on streets, it is difficult for elder citizens to cross a road negotiating with traffic. Walking spaces with shaded canopies have become either expensive to live in or are privatised and gated. One and half lakh people die in road crashes in India, we need to radically re-design our streets. We need to do much more to reclaim our public spaces. 

Rahgiri day is one such idea to reclaim our public spaces. When we stop vehicles' movement in the middle of the city - a road becomes a street! There will be a spontaneous mela, children will be seen playing - people will be seen loitering, walking, cycling, talking and generally socialising. I hope, we continue to reclaim public places with such ideas in Ahmedabad and other cities as well.

1 comment:

  1. એક રાહદારીના પરીપેક્ષથી શહેરના રસ્તાઓનું સરસ ચિત્ર! http://pricetags.wordpress.com/2014/11/19/a-pedestrians-perspective-on-motordom/

    ReplyDelete