Friday, November 21, 2014

નગર ચરખો: સી નો ઇવિલ - બ્રિસ્ટલમાં એક લટાર!





ઇંગ્લેન્ડના દક્ષીણ-પશ્ચિમી વિસ્તારમાં આવેલું બ્રિસ્ટલ એક અનોખું શહેર છે. 'બ્રિસ્ટલ' નામએ શહેર કરતાં વધુ જાણીતું છે. યુ.એસ-કેનેડામાં મળીને બ્રિસ્ટલ નામ સાથે સંકળાયેલી ત્રીસ-પાંત્રીસ જગ્યાઓ છે. બ્રિસ્ટલ શહેર સિવાય 'બ્રિસ્ટલ' નામ હોટેલ, કાર, સિગારેટ કે તમાકુ વગેરે સાથે જોડાતું રહ્યું છે. જેનું કારણ આ શહેરનો બંદર તરીકેનો ઈતિહાસ અને અહીંના જાણીતા ઉદ્યોગ કેન્દ્રો છે. ભારતમાં જાણીતી 'બ્રિસ્ટોલ' નામની સિગારેટ બ્રાન્ડનું નામ પડવાનું કારણ અહીનો તમાકુનો વેપાર હોઈ શકે. 'વિલ્સ' કંપનીની સ્થાપના બ્રિસ્ટલમાં થઇ હતી. તેના મુખ્ય મથક સમું મકાન આજે 'ટોબેકો ફેક્ટરી'ના નામે ઓળખાય છે અને તેના નવીનીકરણ બાદ ત્યાં એક સંસ્કૃતિક કેન્દ્ર છે, જેમાં થીયેટર, રેસ્ટોરેન્ટ, માર્કેટ વગેરે આવેલા છે. તે સિવાય, બ્રિસ્ટલમાં લક્ઝરી કાર બનતી અને વિમાન બનાવવાની ફેક્ટરી છે.  

બ્રિસ્ટલ પંદરમી સદીમાં પ્રખ્યાત બંદર હતું. જે એવોન નદીના સમુદ્રમુખે ભૌગોલિક રીતે જોડાયેલું છે. એવોન નામ પણ પ્રખ્યાત છે. ઈંગ્લેન્ડમાં જ આ નામની મૂંઝવણ પેદા કરે તેટલી નદીઓ છે, જેમકે શેકસપિયરના જન્મસ્થળનું નામ 'સ્ટ્રેટફર્ડ-અપોન-એવોન' (એટલે કે એવોન પર આવેલું સ્ટ્રેટફર્ડ) છે, પણ તે એવોન નદી બ્રિસ્ટલની એવોન કરતા જુદી છે. સત્તરમી સદીના સુરત અને પંદરમી સદીના બ્રિસ્ટલમાં ઘણી સામ્યતાઓ હતી અને સમુદ્રમુખે હોવાની એક સરખી ભૌગોલિક સ્થિતિ પણ. ઔદ્યોગિક ક્રાંતિના પહેલાના સમયમાં બ્રિસ્ટલએ ઇંગ્લેન્ડનું લંડન પછીના મોટા શહેરોમાં ગણાતું હતું. તેના ભૌગોલિક સ્થાનને લીધે ઇંગ્લેન્ડ-અમેરિકી સંસ્થાનો અને આફ્રિકી સંસ્થાનો વચ્ચે થતાં ત્રિકોણીય વ્યાપાર, ગુલામોની ખેપો વગેરે બ્રિસ્ટલથી થતી. ઔદ્યોગિક ક્રાંતિ પછી લીવરપુલ, બર્મિંગહામ અને માન્ચેસ્ટરનો વિકાસ ઝડપી થયો, પણ ગુલામીની પ્રથા બંધ થવાથી અને બ્રિસ્ટલ બંદરનો વ્યાપાર ઓછો થવાથી બ્રિસ્ટલનો આર્થીક વિકાસ તે શહેરોની સરખામણીમાં ઓછો થયો. જો કે બ્રિસ્ટલનું મહત્વ ઈંગ્લેન્ડના દક્ષીણ-પશ્ચિમ વિસ્તારના વેપાર, કળા-સંસ્કૃતિ, રોજગાર, શિક્ષણના કેન્દ્ર તરીકે યથાવત રહ્યું છે.

કોઈપણ શહેરને તેમાં મળતા પિક્ચર પોસ્ટકાર્ડ પ્રમાણે તો નિરૂપી જ શકાય કે જેમાં શહેરના જાણીતા લેન્ડમાર્ક હોય, ગ્લાસ કે મેટલના ચમકારાવાળા મકાનો હોય. આવા ચિત્તાકર્ષક, મોહક અને સુપાચ્ય શહેરની પોસ્ટકાર્ડ આવૃત્તિ સિવાયનું એક શહેર હોય છે, જીવતું-જાગતું-ધબકતું, શહેરના પેટાળમાં આવેલું શહેર, છુપાયેલું છતાં છતું અને થોડું શોધવાથી જડી જતું શહેર. બ્રિસ્ટલની ભૂગર્ભ કે સમાંતર સંસ્કૃતિ, સ્ટ્રીટ આર્ટ, સ્વયંફૂર્ત ઘટનાઓ ખૂબ રસ પડે તેવી હોય છે. પશ્ચિમી સભ્યતાની ઔપચારિકતા, આયોજનબધ્ધતા, વ્યવસ્થાપન સામે તે તુલનાભેદ તો પૂરો પડે જ છે પણ સાથે સાથે પેલી ઔપચારિકતાઓ અને સમાજની રૂઢિચુસ્તતા સામે બંડ પોકારીને પડકાર ઉભો કરે છે. બ્રિસ્ટલમાં લટાર મારતા તેની સમાંતર સંસ્કૃતિ અને સ્ટ્રીટ આર્ટ મળી આવે છે. 

બ્રિસ્ટલમાં શહેરની મધ્યમાં નેલ્સન સ્ટ્રીટ નામની એક અંધારી, કાળા-ભૂખરાં મકાન ધરાવતી, બોરિંગ જગ્યા હતી. આજે આ જગ્યા વિશ્વનું સૌથી મોટું, ઓપન ફોર ઓલ, કળા પ્રદર્શન છે. દુનિયાભરના 45 કલાકારોએ અહીંની દસ-પંદર ગગનચુંબી ઈમારતોના દેખાવની કાયાપલટ કરી દીધી છે. પાછું આ અદભૂત પ્રોજેક્ટનું નામ અહીંના મુખ્ય કલાકાર ઇન્કીએ ગાંધીજીને ગમે તેવું આપ્યું છે - સી નો ઇવિલ. બુરું જોશો નહિ - સારું જુવો, સમજો, આત્મસાત કરો. કળા લોકો માટે, લોકોની આંખો સામે, હાલતાં-ચાલતાં, સંવાદ કરે તેવી હોવી જોઈએ. ચિત્રકલાને સમજવા આંખો કેળવો. સમાજમાં જેટલી જરૂર સાક્ષરતાની છે તેટલી જ જરૂર વિઝુઅલ સાક્ષરતાની હોય છે. 'સી નો ઇવિલ' શહેરની વચ્ચે કોઈ ઔપચારિકતાઓ વગર આવી આંખ-કેળવણી માટે તક પૂરી પાડે છે. 

'સી નો ઇવિલ'ની સાથે સાથે શહેરના સંગીતકારોએ નવો જ ઉત્સવ શરૂ કર્યો - હિયર નો ઇવિલ. બુરું સાંભળશો નહી. સારું સંગીત સાંભળો અને તે માટે કાન કેળવો. ઈંગ્લેન્ડના શહેરોમાં એક બીજો અનેરો અનુભવ છે, સ્ટ્રીટ મ્યુઝીક. રસ્તે ચાલતા આવા સ્થાનિક સંગીતકારો મળી આવે જે વાતાવરણને સુરાવલીઓથી ભરી દે છે. મેં ક્યારેય કોઈના સંગીતમાં 'માંગવાનો' સૂર નથી જોયો પણ 'ખુશ કરવાનો' સૂર હમેશા જોયો છે. સંગીતએ અર્બન આર્ટનું બીજું મહત્વપૂર્ણ પાસું છે. કોણ કહે છે કે યુરોપમાં વાઈબ્રન્ટ સ્ટ્રીટ કલ્ચર નથી, બ્રિસ્ટલ સ્ટ્રીટ આર્ટ અને કલ્ચરની યુરોપીય રાજધાની છે! 

નવગુજરાત સમય, પાન નં 9, 19 ઓક્ટોબર (રવિવાર) 2014. 

No comments:

Post a Comment