Source: Embarq- https://www.flickr.com/photos/embarq/sets/72157643625753835/ |
અમદાવાદ ટ્રાફિક પોલીસ માર્ગ સુરક્ષા સપ્તાહ ઉજવી રહી છે. ટ્રાફિક પોલીસનું કામ બહુ અગત્યનું છે અને એટલું જ થેન્કલેસ છે. જરૂરી સાધનો અને સ્ટાફનો અભાવ હોવા છતાં શહેરના લાખો વાહનો નિયમોનું પાલન કરે, ટ્રાફિકનો પ્રવાહ આગળ વધતો રહે અને રસ્તાઓ પર અથડામણ ન થાય તે બધી ય જવાબદારી ટ્રાફિક પોલીસને માથે હોય છે. ક્યારેક તો પછી ટ્રાફિક પોલીસે વાહન-ચાલકોને કહેવું પડે ને કે તમે પણ નિયમ પાલનની કંઈક જવાબદારી હાથમાં લો. ટ્રાફિક પોલીસનાં આ નવા અભિયાનને સલામ કર્યા પછી બે પાયાની બાબતો વિચારવા જેવી છે. ટ્રાફિકનાં નિયમપાલન અને શિસ્તની આડે આવતાં બે મુખ્ય કારણો છે: એક, ટ્રાફિકનાં વિચિત્ર નિયમો અને રસ્તાની ખરાબ ડીઝાઈન.
તકલીફ એ છે કે 'ટ્રાફિક'ની વ્યાખ્યામાં યાંત્રિક વાહનો જ આવતાં હોય છે અને ટ્રાફિકનાં નિયમો વાહનોને સરળતા આપવા માટે જ ઘડાયા હોય છે. ભારતીય શહેરોમાં ટ્રાફિકનો ત્રીજો હિસ્સો રાહદારીઓ અને સાઈકલ સવારોનો હોય છે. જેમને ટ્રાફિક જેવું 'સન્માન' આપવાને બદલે તેમને ન્યુસન્સ ગણી લેવામાં આવે છે. રોડ અથડામણમાં રાહદારીઓ અને સાઈકલસવારોનો મૃત્યુ-સંખ્યા બહુ મોટી છે. વળી, વાહનોની ડીઝાઈન ડ્રાઈવરને સુરક્ષિત રાખવા માટે કરેલી હોય છે. કોઈ પણ રોડ અથડામણમાં વાહનની અંદર બેઠેલાને કોઈ નુકસાન થતું નથી. આપણે સૌ પણ ઘણી વાર રાહદારીઓ બનીએ છીએ. મોંઘામાં મોંઘી કાર ધરાવનારા વ્યક્તિએ પણ ચાલવું તો પડે જ છે એટલે રાહદારીઓનાં ટ્રાફિકનાં પ્રશ્નો અંગે વિચારેલું હોય તો તે સૌ સુધી પહોંચે છે.
ટ્રાફિકના નિયમોની વિચિત્રતાનું એક ઉદાહરણ છે, ફ્રી-લેફ્ટ-ટર્ન. સીધા જનારા વાહનો અને ડાબી તરફ વળતાં વાહનોની વચ્ચે, રસ્તાનો એક ત્રિકોણ ભાગ પડે છે, જેનો કોઈ વાહન ઉપયોગ કરતુ નથી. તે ત્રિકોણ જગ્યાનો ઉપયોગ રાહદારીઓ માટે રસ્તો ક્રોસ કરવા માટે થઇ શકે છે. કમનસીબે, આવા આઈલેન્ડને કોઈ કંપનીની સ્પોન્સરશીપ માટે આપી દેવામાં આવે છે. આ ત્રિકોણ ભાગ કોર્ડન કરીને તેના પર જાહેરાતો અને લીલોતરી થોપવામાં આવે છે, તેથી રાહદારીઓ તેનો ઉપયોગ નથી કરી શકતા અને વાહનો વચ્ચે અટવાય છે. ફ્રી-લેફ્ટ-ટર્ન જેવા નિયમને લીધે રાહદારીઓ, રસ્તો ક્રોસ કરનારા, સાઈકલ સવારો (એટલેકે ધીમો ટ્રાફિક કે જે રસ્તાની ડાબી બાજુ ચાલે છે) તેમના પર ગંભીર ખતરો તોળાય છે. વાહન ચાલકો ફ્રી-લેફ્ટ-ટર્ન વાળા ભાગમાં આવનારાં રાહદારીઓ કે બીજા કોઈ વાહનોને બહુ સ્પષ્ટતાથી જોઈ શકતા નથી તેથી ઘણા જીવલેણ અકસ્માતો થતા હોય છે. ફ્રી-લેફ્ટ-ટર્ન એ કાયદો નથી, નિયમ છે અને ટ્રાફિકનું નિયમન કરનારા લોકો એ નક્કી કરે છે. તેઓ સમગ્ર વ્યવસ્થા તેના વગર પણ ગોઠવી શકે છે.
બીજું કે, ટ્રાફિક પોલીસ અને વાહન-ચાલકના નિયંત્રણની બહાર રસ્તાઓની ડીઝાઈન અને પ્લાનિંગ કરવાની જવાબદારી મ્યુનીસીપલ કોર્પોરેશનની હોય છે. લેન માર્કિંગ, ટ્રાફિક આઈલેન્ડ, ફૂટપાથ, પાર્કિંગ, ઝાડપાન,પાથરણાંવાળા જેવા અનેક તત્વોનું સંમેલન ધરાવતા આપણાં રસ્તાઓની ડીઝાઈન જો વ્યવસ્થિત રીતે ન કરવામાં આવે તો ટ્રાફિક પોલીસનો કામનો બોજો વધી જાય છે. ટ્રાફિકના નિયમોનું પાલન ન થાય તેમાં વાંક માત્ર વાહન-ચાલકનો નથી હોતો. પણ અહીં મોટો વાંક ખરાબ રીતે ડીઝાઈન કરેલા રસ્તાઓનો હોય છે. જો લેન માર્કિંગ જ ન હોય તો તમે તેને કેવી રીતે અનુસરશો. જો ચાલાવાલાયક ફૂટપાથ જ ન હોય તો રાહદારીઓએ રસ્તાની વચ્ચોવચ જ ચાલવું પડે ને.
સારી-સમરસ સ્ટ્રીટ ડીઝાઈન રસ્તાનો ઉપયોગ કરનાર દરેકને જગ્યા આપે છે. ખરાબ સ્ટ્રીટ ડીઝાઈન મોટા વાહનોને એમ માનવા દે છે કે 'જે દેખાય છે તે આપણી જગ્યા'. દુનિયાભરમાં (અમેરિકા સિવાય) અને પોલીસી લેવલે હવે ભારતમાં પણ કોઈ એવું નથી માનતું કે ' રોડ વ્હિકલ માટે જ હોય ને!'. રોડ એટલે કે રસ્તો બધા માટે હોય છે. એ રસ્તાનો એક ભાગ માત્ર વાહનો માટે હોઈ શકે. પણ આખો રસ્તો એ વાહનો, માણસો અને બીજી જરૂરી પ્રવૃત્તિઓ માટે છે. પહેલા આપણે સારી માળખાકીય સુવિધાઓ અને સૌને એકસરખી આંખે જોતાં નિયમો બનાવવાં પડે પછી વાહનચાલકોને શિસ્તમાં રહેવું સહેલું પડે.
નવગુજરાત સમય, પાન નં 9, 23 નવેમ્બર (રવિવાર) 2014.
Traffic regulations require a good street design!
Ahmedabad Traffic Police is celebrating a "road safety week". Traffic issues are often reduced to 'discipline' or 'civic sense' issues. We hardly pay any attention to systematic issues like biased rules or inequitable design of streets. Only motorised vehicles are considered as 'traffic' and the traffic rules are written for their easy flow - sometimes, at the cost of other users. More than one-third of the trips in many Indian cities are made by cyclists and pedestrians, yet a little attention is paid to their needs.
One example of unfair arrangement coupled with bad design is 'free-left-turn'. It is seen as a 'right' of the motorists but it harms all other users and activities. Bad street design allow the motor vehicles 'to grab as much space as possible'. Good street design gives space to all users. Having good street design and equitable rules makes it easier for everyone to follow traffic rules and this will ease out the job of the traffic police too.