Saturday, September 06, 2014

નગર ચરખો - બે નગર કથાઓ: વિકાસ માટે સૌએ બલિદાન આપવું પડે!


આપણાં શહેરો સુવિધાઓ માટે અને પોતાનો અવાજ સંભળાય તેની રસાકસી-હરીફાઈના મેળાવડા થઇ ચૂક્યા છે. વિકાસના વાયદા અને વિષમતાઓની વાસ્તવિકતા વચ્ચે સામાન્ય જીવન જીવાતું જાય છે. વિકાસનાં પ્રોજેક્ટનો ફાયદો લેનાર એક સામાન્ય માણસ હોય છે તો આ પ્રોજેક્ટોથી વિસ્થાપિત કોઈ બીજો સામાન્ય માણસ હોય છે. ચાલો, વિકાસના વધામણાં ખાધા પછી અને બીજા રાજ્યોથી ‘આપણે કેટલાં સારાં’ તેવી શાબાશી ઠોક્યા પછી, આપણે અત્યારે જ્યાં છીએ ત્યાંથી આગળ વધવાનો પ્રયત્ન કરીએ. વિકાસની બંને બાજુ રહેલા માણસોને આપણે સરખો ન્યાય, સરખો હિસ્સો મળે તેવા પ્રયત્નો કરવાનાં છે. જ્યારે દરેક માનવ જીવનનું મૂલ્ય કરતાં આપણે શીખીશું ત્યારે જ એક સમાજ, એક શહેર, એક દેશ તરીકે 'વિકસિત' કહેવાઈશું. વિકાસના પ્રોજેક્ટોની આસપાસ, એક નાગરિક તરીકે નગરચર્યા કરવા નીકળો તો નીચે મુજબના સંવાદો સંભળાઈ જાય છે. અલબત્ત, પ્રેરણાસ્ત્રોત સાદત હસન મંટોની ટૂંકી વાર્તાઓ છે. સમય, પરિસ્થિતિ અને પરીપેક્ષ વગેરે બહુ બદલાયા છે પણ કદાચ માણસ બહુ બદલાયો નથી.

મોટો પ્રોજેક્ટ જલ્દી આવી ગયો!

પોલીસ હવાલદાર ભીખાભાઈ પોતાના ખખડધજ સરકારી ક્વાટરમાં પાછા ફરે છે. બેસતાની સાથે જ પત્ની રમીલાબેન બોલી પડ્યા,

"એ કવ છું... કેટલા ફોન લગાડ્યા મેં, આ તમારો ફોન જ બંધ આવતો'તો. ક્યાં હતા આટલી વાર?"

"હવે બહુ વાયડી થા મા, પેલા પીઆઈ ચૌધરીએ ફોન બંધ કરાઈ દીધેલો. છેલ્લે ટાણે શહેરમાં બંદોબસ્તમાં લગાડી દીધો. એક તો ભરચક વિસ્તારને તેમાં એક સાથે સો-બસો લારીઓનું દબાણ ખસેડવાનું. ચોધરીએ તો સાલાએ પાછળથી ઓર્ડરો જ આપવા છે. આગળ બધું અમારે સંભાળવાનું... એમાં પાછા કોઈકે કાંકરીચાળો કર્યો તો જોતજોતામાં પથ્થરમારો થઇ ગયો. મકવાણાનું માથું ફૂટ્યું... લઇ ગયા એને હોસ્પિટલ. પછી તો અમે કરી ધોકાવાળી... ધોઈ નાખ્યા બધા મવાલીઓને..."

"હાય, હાય..."

"લે, એમાં હાયકારા શેના કાઢે છે, મારે નઈ થાય મકવાણા જેવું. હું તો હેલ્મેટ પેરી રાખું છું એટલે પથ્થરમારો થાય એટલે કંઇ વાંધો ન આવે..."

"અરે, એમ નઈ... કાલ મમ્મીને ઘેરથી આવતી વખતે મેં'કુ બજારમાંથી ફેરિયા પાસેથી તમારા માટે ખાખી મોજાં લઇ લવું. સાવ ફાટી ગ્યા છે... ત્રીસ રૂપિયામાં તૈણ જોડને કચ કરો તો બે રૂપિયા ઓછા ય કરે... હવે મોલ કે દુકાનમાંથી પચાસ રૂપિયે ય જોઈએ એવા નઈ મળે. કાલ મીતાએ છાપામાં જોઈ કીધેલું કે હાલ મમ્મી, ખરીદી કરી આઇએ. કોક મોટો પ્રોઝેક્ટ આવવાનો છે તો આ બજારો તૂટશે પણ મને શું ખબર આટલો જલ્દી આવશે. આ તમારાં બંદોબસ્તની તોડફોડનાં લીધે મારી સસ્તી ખરીદી હવે મોંઘી થઇ ગઈ. હવે પેરજો ફાટલાં મોજાં...નહિ તો મોલમાં ખરીદી થાય એટલો પગાર લઈ આવજો."

*****

વિકાસ માટે સૌએ બલિદાન આપવું પડે!


સરકારી કચેરીની વાતાનુકૂલિત કેબિનમાં સાહેબ મીટીંગ ભરીને બેઠા છે.

"વિકાસમાં કોઈ વિવાદ નહિ. મોટા સાહેબે ચોક્ખું કહી જ દીધું છે. બસ હવે બધી પ્રોસીજરમાં ઝડપ રાખો. આ બાજુ જેમ વિસ્તાર ખાલી થતો જાય તેમ સાથે સાથે લેન્ડસ્કેપીંગનું કામ શરુ થઇ જવું જોઈએ..." એવામાં સાહેબનો મોબાઈલ કર્કશ અવાજે રણકે છે. સાહેબના હાવભાવ જોઇને એક-બે કર્મચારીઓ અંદર-અંદર આંખ મીચકારે છે કે આ સાહેબના ઘેરથી ફોન હતો. સાહેબ તરત સેક્રેટરી પર તાડૂક્યા,

"અલ્યા, પંડ્યા! આજે બેબીને સ્કૂલેથી લેવા ગણપતને મોકલ્યો નહિ? સાવ આવી બેદરકારી! બેબીનો એક્સીડેન્ટ થતાં-થતાં બચ્યો... આ ગણપતની જગ્યાએ કોણ નવો ડ્રાઈવર ગયો હતો? એ ગણપત કામચોર ક્યાં મરી ગ્યો છે?"

"સાહેબ, આજે તો સ્પેર ડ્રાઈવરમાં કોક નવો છોકરો હતો... ગણપત સવારે તો આવેલો પણ રજા લઇને ઘેર જતો રહ્યો. આપણે પુલની પેલી પારવાળા ઝૂંપડા હટાવ્યાં તેમાં એના કોઈ સગાંનું ય હશે. આ બધી તોડફોડમાં એમનાં સામાન, ઘરવખરી બધું કેટલું ય નુકસાન થયું હશે....ગણપત દોડીને મદદ કરવા ગયો એવું ઝડપથી કહીને ગયો..."

"આવવા દે સાલાને પાછો, હવે તો મેમો જ પકડાવીશ..."

"જવા દો, સાહેબ! ગણપત પર ક્યાં ગુસ્સો કાઢો છો. આપણાં પ્રોજેક્ટમાં જ ઝૂંપડા ગયા છે.... મોટા  સાહેબે નહોતું કહ્યું કે વિકાસ માટે સૌ એ થોડું બલિદાન આપવું પડે.... જવા દો, જવા દો".

*****


નવગુજરાત સમય, પાન નં 9, 24 ઓગસ્ટ (રવિવાર) 2014.

No comments:

Post a Comment