Sunday, September 21, 2014

નગર ચરખો - ગરીબોનાં મકાન કોણ બનાવે, સરકાર કે બિલ્ડર?

સરકારે જ્યારે જયારે ગરીબો માટે (એટલે કે ગરીબોના નામે) મકાનો બનાવ્યા છે, ત્યારે ત્યારે ગરીબો સિવાય બધાને ફાયદો થયો છે. સરકારોને ખોટનો ધંધો કરવો ફાવતો હોય છે, ગરીબ આવાસની બાબતમાં તો ખાસ. જાહેર ક્ષેત્રની આવાસ યોજનાઓમાં મોટે ભાગે સરકારી જમીન પર, સરકાર દ્વારા, ગરીબોના નામે, મધ્યમ વર્ગ માટે સસ્તા અને ખરાબ ગુણવત્તાના મકાનો બનતા હોય છે. સૌથી વધારે ભ્રષ્ટાચાર સરકારી મકાનોની ફાળવણીમાં 'લાભાર્થી' નક્કી કરવામાં થતો હોય છે. આજે જીર્ણ-ક્ષીર્ણ થયેલા વિવિધ રૂપ-રંગ-નામ ધરાવતાં હાઉસિંગ બોર્ડોએ તેમાં યથાશક્તિ ફાળો આપ્યો છે. સરકાર મકાનો બાંધી આપે તેનાથી શહેરોમાં સ્લમ વિસ્તારોનો ફેલાતો ઓછો થશે તેવું કોઈ તારણ નીકળતું નથી. આ દેશમાં સસ્તા મકાનોની એટલી બધી અછત છે કે સરકારો ગમે તેટલા મકાનો બાંધે, તે ગરીબ માણસ સુધી પહોંચવાના નથી તેટલી ગરીબી છે. લોકો પોતાની શક્તિ મુજબ પોતાના મકાનો ખુદ બાંધે તે જ યોગ્ય છે અને સરકારની ભૂમિકા તેમાં મૂળભૂત સુવિધા આપવાની હોય તો તે બંને પક્ષે સારા પરિણામ લાવી શકે. 

જો સરકાર ગરીબો માટે મકાનો બાંધવાની ન હોય તો કોણ બાંધશે? ગરીબો માટે મકાન ખાનગી બિલ્ડરો બાંધશે તેવું આજકાલ P-P-P (Public Private Partnership) તરફી ઝોક ધરાવતાં નિષ્ણાતો કહેતા હોય છે. જે જમીન પર સ્લમ વસાહત હોય તે કોઈ બિલ્ડરને આપીને તેમાં નવો પ્લાન મૂકવામાં આવે છે. બિલ્ડરને એ જ સ્થળે કે બીજા નજીકના સ્થળે વધુ બાંધકામ કરવાની સત્તા (FSI) મળે જેના દ્વારા પોતે રોકેલા પૈસા પાછા મેળવી શકે છે. મુંબઈ અને પૂના જેવા શહેરોમાં આ પ્રકારની યોજનાઓ છે, તેને બહુ ઓછી સફળતા મળી છે. મુંબઈ જેવા જમીનોના ગગનચુંબી ભાવ ધરાવતાં શહેરોમાં આ પ્રકારની યોજના નાણાકીય રીતે શક્ય બને છે. પણ ભારતના બાકીના શહેરો મુંબઈ નથી. 

બીજું કે, ગરીબ વ્યક્તિને ઘર આપવાનાં ‘ખોટના ધંધા’ની જવાબદારી માત્ર ખાનગી ક્ષેત્રની કઈ રીતે થઇ શકે? પણ ઘણાં-ખરાં ચાલી જતા સૂત્રોમાં P-P-P પણ ચાલી નીકળે છે. તેમાં મહત્વનો સવાલ એ છે કે આખી વાતમાં મુખ્ય P એટલે કે ‘પીપલ’ ઉર્ફ ‘લોકો’ ક્યાં છે? બિલ્ડર તેમને મકાન આપશે તેની ગેરંટી શું? સ્લમ વિસ્તારો કે જેમાં વેચાણ કરાર, બાનાખત, ભાડાખત  કાયદાકીય સ્પષ્ટતા ન હોય તેવી પરિસ્થિતિમાં કોને મકાન આપવાને કોને ન આપવાની જવાબદારી બિલ્ડર લેશે કે સરકાર? બિલ્ડરો અને ગરીબ વસ્તી વચ્ચે સરકારે સેતુ બનવાની જવાબદારી લેવી પડે. ગરીબ આવાસનું કામ ખાનગી બિલ્ડરોને 'આઉટ સોર્સ' કરવાથી સમસ્યાનો ઉકેલ  આવતો નથી. 

મોટાભાગનાં સ્લમ વિસ્તારો એવી જમીનોમાં ફેલાયેલાં છે કે જ્યાં માલિકી હક અંગે કાયદાકીય ગુંચ હોય છે અને સામસામે દાવા થયેલા હોય છે. આવી ઘણી જમીનોમાં ત્રીસ-ચાલીસ વર્ષ જૂની વસાહતો હોય છે. ઘણીવાર તો સરકારને પોતે સ્લમ વિસ્તારો ખસેડવામાં રસ હોતો નથી. આવી પરિસ્થિતિમાં આ સ્લમ વસાહતોમાં રહેતા લોકોને 'જ્યાં છે ત્યાં' રહેવાનો હક, શહેર સુધરાઈ તરફથી મળતી સુવિધાઓનું તેમનાં સુધી વિસ્તરણ અને નાની-મોટી લોન લઇ શકે તેવી સુવિધાઓની સૌથી વધારે જરૂરીયાત હોય છે. આવા વિસ્તારોમાં અમદાવાદે આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલી પરિવર્તન ઉર્ફ 'સ્લમ નેટવર્કિંગ' યોજના કરેલી છે, જ્યાં વસ્તીને પાણી-ગટર-શૌચાલય-લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓ સરકાર અમુક પૈસા લઈને આપે છે. આ પ્રકારે ખરી પબ્લિક-પીપલ પાર્ટનરશીપ થાય છે. શહેરોને ‘સ્લમ-ફ્રી’ બનાવવાનો ટકાઉ રસ્તો તેમને શહેરની સાથે શબ્દાર્થમાં સાંકળવાનો છે નહી કે તેમને શહેર-નિકાલ કરવાનો. આવા ઘણા ઉદાહરણો એશિયાના જ ભારતથી ઓછો વિકાસદર ધરાવતા દેશો જેવા કે થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, વિયેતનામ, બાંગ્લાદેશ, શ્રીલંકા વગેરેમાં મોજૂદ છે. 

જો શહેરોને ખરેખર સ્લમ-ફ્રી બનાવવા હશે તો ક્યાંક સરકારે મકાનો બાંધવા પડશે, થોડા-ઘણાં મકાનો ખાનગી બિલ્ડરો બાંધી શકશે પણ મોટાભાગનાં સ્લમ વિસ્તારોમાં ગરીબોએ પોતે બનાવેલા ઘરોમાં સર્વિસ અપગ્રેડેશન કરીને તેમને શહેર સાથે સાંકળવા પડશે. તો જ લોકોને ગરીબીમાંથી બહાર આવવા માટે સીડી મળશે. ગરીબીમાંથી બહાર લાવી મૂકતી સીડીઓ જ દેશના આર્થિક અને સામાજિક વિકાસની 'લીફ્ટ' હોય છે. 

નવગુજરાત સમય, પાન નં 9, 21 સપ્ટેમ્બર (રવિવાર) 2014.

No comments:

Post a Comment