Friday, July 04, 2014

નગર ચરખો - પેટ્રોલ-ડીઝલનાં ભભૂકતાં ભાવ સાથે આવતી કડવી દવા


ગયા હપ્તામાં આપણે ડો. હબર્ટ કિંગની વૈજ્ઞાનિક ભવિષ્યવાણી વિષે વાત કરી કે આવતાં પચાસ વર્ષમાં ઓઈલ ઉત્પાદન નાટ્યાત્મક રીતે ઘટશે. આજે જોઈએ કે પેટ્રોલ-ડીઝલ વધુને વધુ મોંઘા થવાનું કેમ નિશ્ચિત છે અને જો આવું થાય તો લાંબા ગાળાના આયોજન માટે શું કરવું જોઈએ. 

એક તો પેટ્રોલ-ડીઝલનાં ભાવોના મામલામાં વિશ્વની નથ ઝાલી રાખનાર ઓઈલ-નિકાસ કરતાં દેશોમાં ઓઈલનો કેટલો ભંડાર છે તે નક્કી કરવું બહુ મુશ્કેલ કામ છે. આ મામલે ઓઈલ-રીચ દેશો ‘વાંધો નહિ આવે’ એવું કહે રાખે છે, જેના પર વિશ્વાસ કરાય નહિ. બીજું કે, પૃથ્વીના પેટાળમાં ઓઈલ ભંડાર હોવો તે એક વાત છે પણ તે ઉત્પાદનલાયક ન પણ હોય. એવા પેટાળ ભંડારો હોય છે કે જેમાં ઓઈલનો ઉત્પાદન ખર્ચ એટલો બધો વધારે હોય છે કે તેનું ઉત્પાદન કરવાનો કોઈ અર્થ રહેતો નથી. કૈંક અંશે દરિયાના ખારા પાણીને મીઠા બનાવવાના પ્રોજેક્ટ જેવી વાત છે. વિશ્વમાં સરળ રીતે મળતાં બધા જ ઓઈલ અને ગેસને શોધી નાખવામાં આવ્યા છે. હવે જ્યાં બાકી છે ત્યાં અત્યંત પડકારજનક કામ-કાજની પરિસ્થિતિમાંથી ઓઈલ-ગેસ કાઢવાનાં છે. હવે સસ્તું અને સરળતાથી મળતા ઓઈલ-ગેસનો જમાનો ગયો. જે બાકી બચ્યા છે તે હવે મોંઘા ઓઈલ-ગેસ છે. 

આપણે એવી ઈચ્છા રાખીએ કે પેટ્રોલીયમ પેદાશો ખતમ થાય કે અત્યંત મોંઘી થઇ જાય તેના દસ-વીસ વર્ષ પહેલાં વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતો શોધાઈ જાય. સોલાર, હાઈડ્રોજન, બાયો-ફ્યુઅલ જેવા વિકલ્પોમાં પ્રયોગો થઇ રહ્યા છે પણ પરિણામો જોઈએ તેવા મળતાં નથી. અત્યારે વૈકલ્પિક ઉર્જા વધુ મોંઘી છે અને તેનો વ્યાપ્ત ઓછો છે. જ્યારે આપણે તો આખું જગત પેટ્રોલ-ડીઝલનાં મહત્તમ ઉપયોગની આસપાસ રચી રહ્યા છીએ. શહેરોમાં પહોળાં રસ્તા, ફ્લાય-ઓવર્સ, ઘર-ઓફિસમાં અમર્યાદિત ફ્રી-પાર્કિંગ અને સસ્તા પેટ્રોલની રાજકીય-સામાજિક માંગણીઓનો કોઈ અંત નથી. આવક વધવાની સાથે સાથે લોકો ઓછી એવરેજ ધરાવતાં વાહનો – બુલેટ, એસયુવી વગેરે વસાવતાં થયા છે. પૈસાનાં દેખાડાની લ્હાયમાં વાહનોના બેફામ, બેમર્યાદિત ઉપયોગનું ‘કાર કલ્ચર’ ઉભું થઇ રહ્યું છે.    

એક તો મોંઘા પેટ્રોલ-ડીઝલ અને ભારતે બધું જ બહારથી આયાત કરવાનું. જો કાચો માલ મોંઘા ભાવે આયાત કરવો પડતો હોય, તેના પર મજૂરી વધુ લાગે અને તે પરથી તૈયાર થતાં માલ પર નફો ઓછો હોય તો સમજદાર વેપારી શું કરે? કાં તો કાચા માલનો નવો વિકલ્પ શોધે અને એ ન બને તો પોતાની પ્રોડક્ટ બદલે. આપણે પેટ્રોલ-ડીઝલનાં મામલામાં આ જ કરવાનું છે. પેટ્રોલીયમ પર પરાવલંબન કેવી રીતે ઘટાડી શકાય તે જ સૌથી મોટો પડકાર છે, તેમાં શાણા વેપારીની જેમ વિચારવાનું છે.  

પેટ્રોલીયમ પરથી પરાવલંબન ઘટાડવું હોય તો એ વિચારવાની જરૂર છે કે શહેરોમાં સારી (એટલે કે વાપરવામાં શરમ ન આવે તેવી) જાહેર પરિવહન વ્યવસ્થા કેવી રીતે વિકસાવી શકાય. સહિયારી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થામાં પેટ્રોલ બચે જ. ચાલવાલાયક ફૂટપાથો અને સાઈકલ માટે રસ્તા બનાવી શકાય. સારી બાબત એ છે કે ભારતનું પેટ્રોલીયમનું વ્યસન હજી અમેરિકા જેવા ટર્મિનલ સ્ટેજમાં નથી. આપણાં શહેરોમાં હજુ સુધી ત્રીજા ભાગનો 'ટ્રાફિક' ચાલતા જતાં કે સાઈકલ ચલાવતાં (બિન યાંત્રિક) પરિવહનનો હોય છે, તેને થોડી જગ્યા આપીને તેમાં વધુ લોકોને જોડવા પ્રોત્સાહિત કરી શકાય. કાર કે અંગત વાહનનો ઉપયોગ સમજદારીથી કરી શકાય. એકલા કાર ચલાવનારા પર ભવિષ્યમાં કોઈ ટેક્સ લાગે તો નવાઈ ન પામતા! ફ્રી પાર્કિંગ અને સસ્તા પેટ્રોલ-ડીઝલની વાતો ભવિષ્યની પેઢીને વાર્તાઓ કહેવા માટે રાખવી પડે તે ભવિષ્યની પેઢીઓ માટે જરૂરી છે. વિવિધ ચીજ-વસ્તુઓ પર ટેક્સનું એવું માળખું ગોઠવવું પડે કે 'જે પ્રદુષિત કરે, જે વધુ ધુમાડા છોડે તે વધુ ટેક્સ ભરે'. ટૂંકમાં, આખું આર્થિક તંત્ર ડી-કાર્બનાઈઝ્ડ એટલે કાર્બન (ઉત્સર્જન) ઓછુ કરતુ હોય એવું ઉભું કરવું પડે. યુરોપના દેશો આ જ કરી રહ્યા છે. શું એવું લાગે છે કે પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાની સાથે આવતી આ દવા બહુ કડવી છે? તો વાંધો નહિ ચાદર લંબાવીને સૂઈ જાઓ. દસ વર્ષ પછી પેટ્રોલ જ્યારે બસ્સો રૂપિયે લીટર થાય ત્યારે આ જ દવા પીવાની છે!

નવગુજરાત સમય, પાન નં 11, 4 જૂલાઈ, 2014.

1 comment:

  1. દિલ્હીની મેટ્રો અને મુંબઇની લોકલ (તેની બધી જ કમીઓ છતાં) બે બહુ જ સફળ જાહેર પરિવહન વ્યવસ્થા કહી શકાય.
    મુંબઇ લોકલની ટુંકા ગાળાનો અને લાંબા ગાળાનો કેપેસીટીમાં મેટ્રોની કક્ષામાં બેસે તેવો વધારો કેમ કરી શકાય અને ઘરથી રેલ્વે સ્ટેશન કે રેલ્વે સ્ટેશનથી કામનાં સ્થળ સુધી સરળ પરિવહન વ્યવસ્થા કેમ ગોઠવી શકાય, તે દાખલાનો જવાબ માંડીએ તો જાહેર પરિવહનને સ્વીકાર્ય કરી શકાય.
    અને પછી આ દાખલાને બધાં જ મોટાં શહેરો માટે લાગૂ કરવો રહ્યો.
    જો દાખલો અઘરો લાગે તો બળતણનાં વપરાશમાં કાર્યદક્ષ વ્યક્તિગત વાહનોની સરખામણીમાં વધારે બળતણ ખાતાં વાહનો મોંધા બનાવી અને રસ્તા પરના ટ્રાફિકને ઓછાંમાં ઓછું બળતણ ખાય તેવો કરવો રહ્યો.

    ReplyDelete