Sunday, December 21, 2014

નગર ચરખો: સ્ત્રીઓને માણસમાંથી જણસ કોણ બનાવે છે?


સ્ત્રી-શરીરને આગળ ધરીને દુનિયાની બધી પેદાશો અને આડપેદાશો વેચવા કાઢવામાં આવે છે. શેવિંગક્રીમથી લઈને કાર સુધીના ધંધા માટે સ્ત્રી-શરીરને આગળ ધરવાની જરૂર પડે છે. 'ચીકની ચમેલી' અને 'શીલાકી જવાની' દ્વારા ફિલ્મો વેચવામાંઆવે છે. આ ફિલ્મો-ગીતોની સફળતા દ્વારા સ્ત્રી-શરીરની હલકી નુમાઈશને જાહેર રીતે સામાજિક-સાંસ્કૃતિક મંજૂરી મળે છે અને આ ગીતોના શબ્દો રોજબરોજની બોલચાલની ભાષામાં પ્રવેશે છે. અહીં બારીક વાત એ છે કે સ્ત્રી-શરીર કે માનવ-શરીરના પ્રદર્શન માત્ર સામે વાંધો નથી પણ એ સમજવું ઘટે કે આ પ્રદર્શન કોણ કરે છે, શા માટે કરે છે, કોણ, ક્યા હેતુથી કરાવે છે. આ પ્રદર્શન કરવાથી 'સ્ત્રી એટલે શરીર' કે ' સ્ત્રી એટલે ઉપભોગની વસ્તુ' - આ સરળીકરણ બહુ જડબેસલાક સ્થાપિત થઇ ગયું છે. આવી પરિસ્થિતિના લીધે તરુણો, નવયુવાનો અને પુરુષોને સ્ત્રીને શરીર ઉપરાંત એક વ્યક્તિ કે માણસ તરીકે જોવામાં તકલીફ પડે છે.  

'સ્ત્રી એટલે શરીર માત્ર' તેવી સામાજિક માન્યતાને લોકોના મગજમાં દ્રઢ કરવામાં જાહેર માધ્યમોમાં સ્ત્રીઓનું હલકું નિરૂપણ બહુ મોટો ભાગ ભજવે છે. સ્ત્રીનું વ્યક્તિત્વ તેની શારીરિક કે ભૌતિક સીમાઓથી ઊંચું હોય તો પણ તેને તેના શરીરને આધારે જ મૂલવવામાં આવે ત્યારે સમાજ પરિપક્વ હોવા અંગે શંકા જાગે. પણ સ્ત્રીને માણસમાંથી જણસ બનાવવાનો બહુ મોટો ઉદ્યોગ છે અને તેની પોષતો ગ્રાહકવાદ પણ રચાયો છે. જાહેર માધ્યમોમાં સ્ત્રીઓનું જે હલકું નિરૂપણ થાય છે તેનાથી કોઈ પણ પુરુષોને છેડતી કે બળાત્કાર કરવાનું લાઈસન્સ નથી મળી જતું. સ્ત્રીને 'માણસમાંથી જણસ' બનાવવાની પ્રક્રિયામાં પોતે કેવી રીતે ભાગ ભજવે છે આ પોતાની રીતે દરેક વ્યક્તિએ - પુરુષે તપાસી લેવું જોઈએ. 

સ્ત્રી જાત પર, ખાસ તો પત્નીના નામે ઉડાવાતી ખીલ્લી દ્વારા લૈંગિક ભેદભાવો બહુ અસરકારક રીતે ઊંડા થાય છે. કોઈને હીણા, નીચા કે નકામાં ચીતરવા હોય તો તેમની મજાક બનાવવી સહેલો અને અકસીર ઉપાય છે. મૂળ તો આ રીતે સ્ત્રીને કાબૂમાં રાખી શકાય છે. સ્ત્રીઓ પર થતી હિંસાનો 'બહાદુરી'થી મુકાબલો કરવા માટે સ્ત્રીઓના આવાગમન પર, તેમની નોકરી કરવા પર, તેમના કપડાં પર કે તેમને મોબાઈલ રાખવા સુધ્ધાં પર પ્રતિબંધો મૂકવામાં આવે છે. આ પ્રતિબંધોને સામાજિક મર્યાદા જેવા રુપકડાં નામોથી સજાવવામાં આવે છે. પોતાનું કહ્યું માનતી સ્ત્રીઓને દેવીનું બિરૂદ મળે છે અને સવારથી સાંજ રસોડામાં મજૂરી કરતી અને તૈયાર ભાણે ગરમ-ગરમ રોટલી પીરસતી સ્ત્રીને અન્નપુર્ણાનું બીરૂદ મળે છે. આવા બિરૂદો સ્ત્રીની સામાજિક મૂડી છે, જેનો ભાર વેંઢારીને તે જીવન પસાર કરે છે. પોતાના પર આટલું વીતી ચુકેલી સ્ત્રીઓની જૂની પેઢી, નવી પેઢી પાસે પણ પોતે જે રીતે પિતૃસત્તાક મૂલ્યોનું પાલન કર્યું તે પ્રમાણે જ તેનું પાલન થાય તેવી 'પરંપરા' જાળવી રાખવાનો આગ્રહ રાખે છે.

સ્ત્રી-શરીરના પ્રદર્શન અને તે દ્વારા પોષાતા ગ્રાહકવાદની વચ્ચે પોતાનાં સ્વતંત્ર વિચારો કે વ્યક્તિત્વની સાથે સુમેળ ધરાવતાં આત્મશક્તિસંપન્ન (empowered) પાત્રોની ભયંકર કમી આજકાલના ટીવી-મીડિયા-ફિલ્મમાં જોવા મળે છે. પિતૃસત્તાક વાતાવરણની મધ્યેથી ફૂટી નીકળતાં આત્મ-સત્તાક સ્ત્રી અને પુરુષ પાત્રોની ગંભીર અછત છે. અનુરાગ કશ્યપ, અભિષેક ચૌબે અને દીબાકર બેનર્જી જેવા જૂજ ફિલ્મકારોએ આત્મ-શક્તિસંપન્ન સ્ત્રી-પુરુષ પાત્રો વચ્ચે સર્જાતાં જાતીય સંબંધોના જોડતોડની વાત કરવાની શરૂઆત કરી છે. પણ સમગ્ર સમાજ પર ચીકની ચમેલી-પણાનો ભયંકર પ્રભાવ છે. વીજાતીય સંબંધોના મામલે પરિપક્વ હોવું એટલે સામીવાળી વ્યક્તિની સંમતિ કે અસંમતિને માન આપવું, તેની પસંદ-નાપસંદ સમજવી અને તેના દ્રષ્ટિકોણને સમજવો. વિજાતીય વ્યક્તિ આપણી જેમ જ સ્વતંત્ર વિચાર ધરાવતી વ્યક્તિ છે, એ એક શરીર માત્ર નથી. આપણે જેમ પોતાના સ્વતંત્ર વિચારોનો ઉપયોગ કરીને સ્વ-અર્થ અને સ્વ-વૃત્તિ જાળવી રાખીએ છીએ તેમ તે પણ તે કરી જાણે છે. ખાસ તો પુરુષમાં પરિપક્વતા શારીરિક ફેરફારોથી નથી આવતી. સ્ત્રી એ શરીરથી વધારે કંઇક છે, એક સ્વતંત્ર વ્યક્તિ છે, તે સમજવું તે એક પરિપક્વ પુરુષ હોવા માટેની મૂળભૂત શરત હોવી જોઈએ. સ્ત્રીઓને જણસ નહિ પણ માણસ સમજે તે સાચો પુરુષ! 

નવગુજરાત સમય, પાન નં 9, 21 ડીસેમ્બર (રવિવાર) 2014.

Today's article - Woman as a body vs. woman as a person. 

There is an industry of seeing a woman 'only as a body' supported by consumerism of its own kind. Sometimes, adolescents and young men are terribly confused about their sexuality and how to deal with the opposite sex. They are completely surrounded by 'woman=body' or 'women for consumption' kind of messages. However, cheap portrayal of women in various mediums doesn't give anyone licence to molest women on streets. Every man should check for himself of how he is participating in the process of objectification and commodification of a woman's body. 

The patriarchal values in the society end up supporting 'woman=body' kind of portrayals as 'need of a man' while laying down the rules for 'a woman with a good character' - achche ghar ki auratain! Putting restrictions on women's clothing, movements, communication is the most important way of stopping violence against them in a conservative society. Women who follow these rules/restrictions in the name of culture/traditions are further co-opted by patriarchy to prepare the next generation of women following these rules/restrictions. 

Very few films or other mediums portray women as people - that they have their own mind, wishes, desires, fallacies and triumphs. There is a great dearth of self-empowered characters emerging out of patriarchal society. In the mainstream hindi cinema, a few film makers have begin to tell us stories about such characters and their sexual politics. But society at large is infested by 'chikani-chameli-sm'. In such situation, it is important for men to see women as people. People have their own selfish interests and self-less motives at the same time. Seeing a woman as a person should be a fundamental quality of being a man. 

No comments:

Post a Comment