Monday, December 08, 2014

નગર ચરખો: આપણે તો રોન્ગ સાઈડમાં ઘુસીને જ મંદિર જઈએ ને!



રોંગ સાઈડમાં ઘુસીને વાહન ચલાવતાં મંદિરે જઈએ તો પાપ લાગે? રોંગ સાઈડમાં ઘૂસીને બાળકોને સ્કૂલે મૂકવા જઈએ તો તેમને વિદ્યા ચઢે? રોંગ સાઈડમાં ઘૂસીને કોઈને હોસ્પિટલ મળવા જઈએ તો પછી પોતાનો ક્યારેક હોસ્પિટલ ભેગા થવાનો વારો આવે કે નહિ? શું ધર્મપાલન કે વિદ્યા-પ્રાપ્તિના માર્ગ રોંગ સાઈડમાં થઇને જ જતો હોય છે? રોંગ સાઈડમાં ઘૂસીને ટ્યુશન જતાં વિદ્યાર્થીઓ મોટા થઈને રોંગ સાઈડમાં ઘૂસીને જ મંદિર-દેરાસર-મસ્જીદ-ચર્ચ જતાં થઇ જશેને! વાહન-ચાલકો પોતાની નાની-નાની સગવડો સાચવવા રોંગસાઈડમાં ઘૂસતા હોય છે. જો રોંગસાઈડમાં ન ઘૂસે તો તેમને કંઇક સો-બસ્સો મીટર જેટલું વધારે વાહન ચલાવીને લઇ જવું પડે. આ કોઈ મોટી તકલીફ નથી, છતાં રોંગસાઈડમાં ઘૂસવાનું જ. 

ટ્રાફિકના કાયદા-નિયમો તોડવા તે માઈક્રો ભ્રષ્ટાચાર છે. દરેક વાહન ચાલક પોતાની જાતને વિકટીમ સમજતો હોય છે. હું બિચારો કે બિચારી શું કરું - આ રોડ બનાવતી વખતે વચ્ચે 'કટ' રાખ્યો જ નથી! તો પછી મારે કાયદો હાથમાં જ લેવો પડે ને. કમનસીબે, આ પ્રકારે કાયદો હાથમાં લેવાની પ્રક્રિયાને સામાજિક સ્માર્ટનેસ સમજવામાં આવે છે. વળી, આ વિકટીમહુડની લાગણી મોંઘા વાહનો ખરીદવાથી બેવડાય છે, જાણે કે કોઈએ મોંઘું વાહન ખરીદીને શહેર પર ઉપકાર કર્યો હોય. કોઈ મસ-મોટું, મોંઘું વાહન ખરીદે એટલે આખા શહેરમાં રસ્તા પર જોઈએ તેટલી જગ્યા, આખી જિંદગી જ્યાં જોઈએ ત્યાં ફ્રી પાર્કિંગ અને ગમે તેમ હોર્ન મારવાનો પરવાનો નથી મળી જતો. વાહન ચાલકોએ આખી પરિસ્થિતિને તાર્કિક રીતે જોવાની બહુ જરૂર છે. 

ઘણાં મુગ્ધજનો એવું માનતા હોય છે કે બાળકોને બાળપણથી જ  ટ્રાફિક નિયમનના પાઠ શીખવાડવા જોઈએ. તે માટે શાળાઓમાં અભિયાન ચલાવવા જોઈએ અને બાળકો માટે 'ટ્રાફિક પાર્ક' બનાવવા જોઈએ. આ બધું ચોક્કસ કરવું જોઈએ પણ એ યાદ રાખીને કે બાળકો ગમે તે શીખતા હોય, તે આખરે તેમનાં માતા-પિતા કે બીજા કુટુંબીજનોને અનુસરે છે. જે માં-બાપ રોંગ સાઈડમાં ઘૂસીને વર્ષો સુધી બાળકોને સ્કૂલે મૂકવા ગયા હોય તેમના બાળકો કઈ રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરી શકશે? જ્યારે આજુબાજુમાં સર્વત્ર પોતાની નાની સગવડ માટે કાયદા તોડવાની પરંપરા હોય ત્યાં નૈતિકતાપૂર્ણ વર્તન કરવાની બધી જ જવાબદારી બાળકોની કેવી રીતે હોઈ શકે? 

કોઈ પણ રોડનું પ્લાનિંગ કે ડીઝાઈન મહાનગરપાલિકા કરે ત્યારે આસપાસના નાગરિકને પૂછીને તેમના સૂચનો લેવાનો કોઈ રીવાજ નથી. આપણે ત્યાં રસ્તાઓનું પ્લાનિંગ કોઈ એન્જીનીયરની મન-મરજી પ્રમાણે થાય છે, જે રસ્તા પર થતી પ્રવૃતિઓ અને આસપાસની જરૂરીયાત ને ધ્યાનમાં રાખ્યા વગર એક જ ડીઝાઈનનો સ્ટેમ્પ દરેક જગ્યાએ મારી દે છે. પછી, ટ્રાફિક પોલીસની જવાબદારી તે સાચી-ખોટી ડીઝાઈન કે પ્લાનિંગ અનુસાર ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની છે. સતત અને મોટી સંખ્યામાં કાયદાનું ઉલ્લંઘન થતું હોય તો ટ્રાફિક પોલીસ આંખ આડા કાન કરે છે. ક્યારેક તેમની પાસે સ્ટાફ અને સવલતોના પ્રશ્નો હોય છે તો ક્યારેક તેમને આવી સમસ્યાઓના મૂળમાં જવામાં રસ હોતો નથી. પરિણામે 'ચાલતા હૈ'ની સીસ્ટમ ચાલુ રહે છે. રસ્તા પરના ટ્રાફિક પર કોઈનો અંકુશ રહેતો નથી અને પરિણામે આ પરિસ્થિતિ માર્ગ અથડામણમાં પરિણમે છે. 

ભારતમાં વર્ષે સવા લાખ લોકો માર્ગ અથડામણમાં મૃત્યુ પામે છે. આ માનવ-સર્જિત આપત્તિ છે છતાં કોઈના પેટનું પાણી પણ હાલતું નથી. આ સવા લાખમાંથી ત્રીજા ભાગના મૃત્યુ પામનાર મોટર-સાઈકલ કે સ્કૂટર ચલાવનાર હોય છે. આ મૂળ લોકલ ગર્વનન્સનો પ્રશ્ન છે. એક બાજુ જવાબદારી નાગરીકોની છે કે જે કાયદાનું પાલન કરે. બીજી બાજુ જવાબદારી સરકારની છે કે જે તર્ક-સંગત નિયમો અને રસ્તાની ડીઝાઈન બનાવે. જો ટ્રાફિકના કાયદા, નીતિ-નિયમો નાગરિકોની સગવડને સંગત ન હોય તો તે સરકાર - ટ્રાફિક પોલીસ કે મ્યુનીસીપલ કોર્પોરેશન સામે રજૂઆત કરી શકે તે પ્રકારનું પ્લેટફોર્મ સહેલાઇથી મળવું જોઈએ. જો ટ્રાફિક પોલીસની નજર સામે સુવ્યવસ્થિત રીતે કાયદાનું ઉલ્લંઘન થતું હોય તો તેમણે સામે ચાલીને આ વાહનચાલકો સાથે સંવાદ કરવો જોઈએ. નહીતર પછી રસ્તા પર કાયદા ન પાળવાનો કોઈનો સગવડીયો ધર્મ માર્ગ સુરક્ષાની વ્યવવસ્થા પર પ્રશ્નાર્થ ઉભો કર્યા કરશે.

નવગુજરાત સમય, પાન નં 9, 7 ડીસેમ્બર (રવિવાર) 2014.

Is it alright to go to the temple by driving on the wrong side of the road?

How about parents (on motorbikes and cars) dropping kids to school by driving on the wrong side of the road? Lot of people believe that we should teach the kids traffic discipline from their childhood - catch them young! Kids learn more looking at the conduct of their parents then what they learn in the children's traffic parks. How do we expect the kids to follow traffic rules when there is a prevailing culture of casual rule breaking for the sake of little convenience. Unfortunately, this culture of casual rule breaking is considered social smartness in most cases.

The wrongful behaviour on part of the the motor vehicle drivers also emerge from their own imagination of seeing themselves as 'victims' - 'what do I do when there is no provision for my convenience!' When someone buys an expensive, big vehicle the feeling of victimhood doubles up, as if buying an expensive vehicle is a licence to ask for more road space, free parking space and honking unnecessarily. More powerful vehicles (and people) have bigger feeling of victimhood and wishes to discipline the others.

The wrongful behaviour of drivers often emanates from illogical traffic rules and incompetent roadway design. Road designs are often typical stamps replicated across the city instead of the design being based on on-going activities or adjoining land-use. Traffic police with their limited resources overlook the mass subversion of traffic rules - sometimes, they facilitate the subversion actively. Combination of these factors result in unsafe roads. 1.25 lakh Indians die in road traffic related crashes. If we are serious about reducing road fatalities then we will have to work on these three factors infrastructure, rules and behaviour simultaneously.

No comments:

Post a Comment