Friday, May 09, 2014

નગર ચરખો - ટ્રાફિકનાં નિયમો – પાળવા સહેલાં કે તોડવા?

ફોટો: સીટી ફિક્સ, એમ્બાર્ક
આપણાં શહેરી રસ્તાઓ પર માઈક્રો કક્ષાના દંગલો રચાતા હોય છેજેમાં જે તે જગ્યા એ વહેલા અને પહેલા પહોંચવા માટે સ્પર્ધા ચાલતી હોય છે.  મહત્વની વાત એ છે કે આપણાં રસ્તાઓ પર 'કોણ પહેલા જશેકોણ પછી જશેતેનું સતત અશાબ્દિક રીતે કમ્યુનીકેશન  ચાલ્યા જ કરતુ હોય છેઆ પ્રકારની સભાનતા અને ધીમી ગતિનો ટ્રાફિક સલામતીની દ્રષ્ટિએ જરૂરી હોય છે. ધીમો એટલે વીસથી ચાલીસ કિમી પ્રતિ કલાક. જો આ જ ઝડપે જવાનું હોય અને દરેક ચાર-રસ્તા પર થોડી રાહ જોવાની હોય તો પછી ટ્રાફિક વિષે આટલો બધો અજંપો શા માટે 

હકીકત તો એ છે કે આ ધીમા ટ્રાફિકમાં પોતાની મનપસંદ ઝડપે નહિ જઈ શકનાર દરેક વાહનચાલક પોતાની જાતને 'વિકટીમસમજતો હોય છે - રસ્તા પર પોતાને થતા સતત 'અન્યાય'નો ભોગ સમજતો હોય છે. તેણે પોતાની બુલેટએસયુવીચકચકિત કારચમકીલું બાઈક રસ્તા પર રાજ કરવા વસાવ્યું હોય છે અને આ 'ટ્રાફિકતેને પૂરતી જગ્યા ન આપેમન ફાવે તેવી ઝડપથી જવા ન દે એ કેટલો મોટો 'અન્યાય'કહેવાય. અને આ અન્યાયને ખાળવા નિયમો તોડવા પડે તો તોડવા પડે. નિયમો તોડીએ તો જ અન્યાયનો પ્રતિકાર કરી શકાય તેવું તો હિન્દી ફિલ્મોએ સમાજને ઠોકી-ઠોકીને શીખવાડી દીધું છે. તકલીફ એ છે કે વાહન ચાલકને બીજાએ તોડેલા નિયમો જ દેખાય છે અને પોતે કરેલું ખોટી રીતનું વાહનચાલન 'બીજાના તોડેલા નિયમોઅને 'ટ્રાફિકમાં પોતાને થતા અન્યાય'ની સામે વ્યાજબી લાગે છે.

ટ્રાફિકનાં નિયમો તોડવા તે માત્ર જાહેર 'શિસ્ત'નો પ્રશ્ન નથી. અહીં ટ્રાફિકના નિયમ સતત તોડનારા ભારતીયો તેમના આ જ જનમમાં વિદેશમાં જઈને બહુ જ 'શિસ્તબદ્ધથઇ જાય છે! પણ શિષ્ટતાના ઈન્જેકશનો આપી શકતા નથી અને આપીએ તો પણ એ રોગનું ખોટું નિદાન થશે. ઘણા ઉત્સાહી વડીલો એમ કહે છે એ બાળકોને નાનપણથી શીખવવું જોઈએ અને તેનાથી કંઈક ફરક પડશે તે પણ શક્ય નથી. બાળકો સામાજિક વલણો જેટલા તેમનાં વડીલો પાસેથી શીખે છે તેટલાં પુસ્તકિયા જ્ઞાનમાંથી શીખતા નથી. મૂળ પ્રશ્ન ટ્રાફિકના નિયમોમાં રહેલી ગંભીર ક્ષતિઓનો છેઆપણાં રસ્તાની માળખાકીય સુવિધાનો છેટ્રાફિક નિયમનના તંત્રનો છેલાઇસન્સ આપવાના તંત્રનો છે. સંસ્કૃતિ-શિસ્ત એ બધી વાતો આ બધા માળખાકીય, મૂળભૂત સુધારા કર્યા પછી આવે.

ટ્રાફિક નિયમન અને ટ્રાફિક પોલીસને ગંભીરતાથી લેવાના ઘણા પાયાના પ્રશ્નો છે. ખરેખર તો ટ્રાફિક નિયમન માટે પોલીસનો અલાયદો સ્ટાફ હોવો જોઈએ કે જે વાહનચાલકોની માનસિકતા સમજીને ક્યારેક હળવાશથી તો ક્યારેક કડકાઈથી કામ લઇ શકે. ટ્રાફિક પોલીસ તરીકે સેવા આપવી તેને પોલીસ કર્મચારીના કેરિયરમાં ઘણીવાર  પનીશમેન્ટ તરીકે લેવામાં આવે છે. એક તો પોતાને 'અન્યાયછે તેવો ડંખ રાખતા વાહનચાલકો અને તેમના નિયમન માટે જરા જુદા પ્રકારનો ડંખ રાખનાર કાયદાનું અમલીકરણ કરાવનાર - તો પછી કોઈનું પણ વર્તન કેવી રીતે શિસ્તબદ્ધ થાય? ટ્રાફિકનો નિયમ ભંગ એ નાનકડો સામાજિક ગુનો છે, તેને માટે ગંભીર ગુનાઓ સાથે પનારો પાડનાર પોલીસની જરૂર નથી. આપણે ત્યાં ‘ટ્રાફિક મિત્ર’ની જરૂર છે, ‘ટ્રાફિક પોલીસ’ની નહિ.


નિયમો તોડવામાં જોખમ ઓછું હોય અને તેમાં લાભ વધુ હોય તો નિયમો તૂટે જ. તેને શિષ્ટતા કે સંસ્કૃતિના નામે બચાવી શકાતા નથી. જયારે નિયમો સામુહિક રીતે અને સાહજિકતાથી તોડાતાં હોય તો પછી તે નિયમોનો વાંક પણ કાઢવો જોઈએ. ભારતીય શહેરોના આંતરરાષ્ટ્રીય સરખામણીમાં ધીમા અને પરસ્પર અશાબ્દિક કમ્યુનીકેશનથી ચાલતા ટ્રાફિક માટે યંત્રવત શિસ્તથી ચાલતા વિદેશી ટ્રાફિકના નિયમો ન જ ચાલે ને. વાંકા નિયમો ન પળાતાં હોય તો એ નિયમો સામે સમજ-શક્તિઓએ કરેલું અસહકાર આંદોલન છે. રેશનલ, લોજીકલ નિયમો લોકો આપોઆપ પાળતાં થઇ જાય છે. સ્વયં-શિસ્ત એ શિસ્તનો શ્રેષ્ઠ પ્રકાર છે, કાયદાથી ડરતી શિસ્ત લાંબા ગાળા માટે ચાલતી નથી.

નવગુજરાત સમય, પાન નં 11, 2 મે, 2014.

No comments:

Post a Comment